Umar pan sari jati reti chhe in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ઉમર પણ સરી જતી રેતી છે.

Featured Books
Categories
Share

ઉમર પણ સરી જતી રેતી છે.

ઉમર પણ સરી જતી રેતી છે....!

ઉમર વીતે ના બોજથી એનું રાખું ભાન

માપી માપીને શ્વાસ લઉં, રહું સાવધાન

જીવો ને જીવી જવા દો, મૌજથી અમને

રૂદિયે ઉગાડી બેઠો છું વિશ્વાસે રસમંજન

ઉમરના વરતારા તો, આંચકા આપવાના જ. ડચકાં ખાતાં ખાતાં જીવવાની પણ એક મઝા છે. મસાલાવાળી ચાહ કરતાં, વગર મસાલાની ચાહ પણ ટેસ્ટી છે, એવો સંતોષ લેવાનો. ઉમરનું વાંદરું ચહેરા ઉપર ક્યારે ઝાપટ મારવાનું છે, એના ક્યાં કોઈ બંધારણ હોય છે....? કાળું છાપરું ધોળું થઇ જાય, લીસ્સા ચામડા ખરબચડા થઇ જાય, તો માનવું કે, ભગવાન તમારી પાસે આંટો મારી ગયાં. એમાં પછી કોઈપણબ્યુટીક કે હર્બલ ટ્રીટમેન્ટ ની થેરેપી નહિ ચાલે. એ બધાં પછી તત્કાલ લપેટા કહેવાય....! લપેટા પલટા આપે, પણ આપણને ઉલટા તો નહિ જ કરે....! મોટો મીનીસ્ટર આવવાનો હોય, ત્યારે ઉકરડાં રાતોરાત વૃંદાવન બની જાય, એના જેવું....! પ્રસંગને અનુરૂપ બધું જ રંગરોગાન થતું હોય, તો શરીર પણ કરવું પડે....! માણસનો પુરાણો સ્વભાવ છે કે, એ બીજાને સુંદર લાગવો જોઈએ....!

સનમાઈકા જેવી ચામડીમાં કરચલીઓ પડે, મોઢાની અંદરના મૂળ ફર્નીચર વોક-આઉટ થવા સાથે, ડુપ્લીકેટ ફર્નીચરનો વસવાટ થવા માંડે. એને કહેવાય ઉમરનો વરતારો. આવવા માંડે, એમ કાનમાં ક્યારે સાંભળવાનું મશીન પગપેસારો કરી નાંખે, એનું કંઈ નક્કી નહિ. એને કહેવાય ઉમર એટલે સરી જતી રેતી.....!

ઉમરનો વરતારા સાથે, છે. શરીરમાં સમારકામ તો ચાલુ જ રહેવાનું. સંતોએ તો તંબુરા ઠોકી ઠોકીને કહ્યું છે કે, શરીર તો ભગવાને આપેલું ભાડાનું મકાન છે. મકાન માલિકે એકવાર ભાડે મકાન આપ્યું એટલે આપ્યું....! ભાડે આપ્યાં પછી, માલિક એમાં ચૂનો કરાવવા પણ આવતો નથી. ભાડાની જેવી એક્સપાયરી ડેઈટ પતી, એટલે ખલ્લાસ....! ઊંચકવા માટે ચાર જણા તૈયાર જ હોય. ને તે પોતાના....! એક્ષપાયરી ડેઈટ પહેલાં બાલની, આંખની, કાનની, હૃદયની, દાંતની, ને ઘૂંટણની નોટીશ મોકલવા જ માંડે. મકાન માલિક દેખાય નહિ, પણ એની કડકાઈ તો ફાટેલી ગરમી જેવી....! એટલે તો આપણે એને ભગવાન કહીએ ને....?

એવો ઘમંડ રાખવો જ નહિ કે, આપણને જ ઉલ્લુ બનાવતા આવડે....! ઉંદર ફૂંક મારીને કરડી જાય, એમ ઉમર આપણને એવી ઉલ્લુ બનાવી જાય કે, આપણને ખબર શુદ્ધા નહિ પડે....! ગઈ કાલ સુધી તો, ગીલ્લી દંડાથી લોકોના ટાલકાં તોડતાં હતાં, અને ક્યારે પાંચમાં પુછાતા થઇ ગયાં. એની ખબર જ નહિ પડે....! શરીર ભલે આપણું કહેવાય, પણ એનો માલિક આપણને ગંધ શુદ્ધા નહિ આવવા દે. એને કહેવાય ભાડુત અને માલિકનો તફાવત....!

ડાયરાવાળા જેમ ડાયરાની શરૂઆતમાં પહેલાં ગણપતિ બેસાડે, એમ પહેલી નોટીશમાં માથાના વાળ ખેરવવા માંડે. કાળા વાળને બદલે, ચાંદી જેવાં સફેદ થવા માંડે. જાણે ભગવાન પણ કાળું ધોળું કરવામાં પાવરધા નહિ હોય...? ફેન્સી વાળ હોય તો, માથાના ટોચકાની વચ્ચોવચ્ચ, રણ જેવો પ્રદેશ થવા માંડે. ને ટાલકુ તો એવું કરી નાંખે કે, જાણે ટાલ ફરતે વાળનું ફેન્સીંગ ના કરાવ્યું હોય.....? એવી ડીઝાઈન ઉપસવા માંડે. બોસ....દુરથી તો આપણને એવું જ લાગે કે, એનું એ માથું છે કે, ‘ હાફ આમલેટ ' ની આકૃતિ.....? ‘

પછી બીજી નોટીશ આવે આંખની. ને આંખનું કામ તો એવું કે, આંખ આવે તો પણ દુખ, આંખ કોઈના ઉપર પડે તો પણ દુખ, આંખમાં કંઈ પડે તો પણ દુખ, ને આંખ જાય તો પણ દુખ. વળી આપણી આંખમાં પડેલું કચરું કઢાવવા માટે, આપણે બીજા પાસે જ જવું પડે. પોતાની આંખનું કચરું પોતે કાઢી જ શકતા નથી. ને શરીરના માલિકની વ્યવસ્થા, ને ટર્મ/કન્ડીશન ' તો જુઓ....? ઉમર વધતા આંખમાં મોતી પાક્વાને બદલે, મોતિયો આવવા માંડે....! ને ઓરીજીનલ આંખને પછી તો સુપર વિઝન માટે આંખની ફરતે નંબરવાળા ડાબલા પણ ફીટ કરવા પડે. ત્રીજી નોટીશ આવે કાનની. આખી જીંદગી ભલે મતલબી બહેરાશમાં કાઢી હોય, પણ ઉમર વધે એટલે ઓરીજીનલ બહેરાશ પણ આવવા માંડે. ને ઘૂંટણ તો એવાં ટણકવા માંડે કે,

આપણને એમ થાય કે, લાવ્ ટાંટિયાને છુટા પાડીને કોથળામાં મૂકી દઉં....! ઉમરના વરતારાથી એવાં તો દુખી દુખી થઇ જઈએ, કે પછી તો ઈશ્વરને બરાડા જ પાડવા પડે કે, ‘’ હે ભગવાન, તું હવે મને ઉઠાવી લે, ને તારો આ માલસામાન પાછો લઇ લે...!

બકા....! બધ્ધામાં ભેળસેળ ચાલી જાય, પણ ઉમરમાં નહિ. ઉમરના હિશાબ તો ચોખ્ખા જ હોય. શરીરની જેવી એક્સપાયરી ડેઈટ આવે, એટલે ચુપચાપ ઊંચકાઈ જ જવાનું...! એમાં પછી અગત્સ્યઋષિના જેવાં કોઈ વાયદા નહિ ચાલે. જેવું નાકું આવી જાય, એટલે ઘરમાંથી બહાર નીકળીને નાકે જવાની તૈયારી જ કરી દેવાની....!

ઉમરનો હિશાબ રાખવા માટે હજી કોઈએ મહેતાજી રાખ્યો નથી. કોઠે પડી

ગયેલાં જેવું જીવન જીવવાની પછી તો, ટેવ જ એવી પડી ગઈ કે, પ્રત્યેક ક્ષણને આપણે દેખતી આંખે જ બાય બાય કરવાનું. આજે સોનાની કીમત સૌને છે, પણ ક્ષણની કીમત કોને છે....? ક્ષણની કીમત ત્યારે જ સમઝાય કે, જે એક જ ક્ષણ માટે અકસ્માત થી ઉગરી ગયો હોય....! ક્ષણની કીમત તો તેને જ સમઝાય કે, જેને બહુ લાગી હોય, અને શૌચાલયમાં પહેલેથી જ કોઈ કબજીયાતનો દર્દી ઠરીઠામ થઈને બેઠો હોય. ક્ષણની કીમત તો તેને જ સમઝાય કે, જે એક ક્ષણ માટે જ ટ્રેન પકડવાની ચૂકી ગયો હોય.....! અને ક્ષણની કીમત તો તેને જ સમઝાય કે, જે એક ક્ષણ માટે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય....!

રાજા હોય કે, રગડાપેટીસવાળો. ઉમર ક્યારેય કોઈનો પીછો છોડતી નથી.

એકવાર ઉમરના વરતારા પ્રામાણે ગમે એટલું રીનોવેશન કરાવો ને....? પેલી સફેદીનો ઓરીજીનલ ચમકાટ તો પાછો આવે જ નહિ. એમાં રીનોવેશન કરાવ્યું હોય, તો તો એવું જ લાગે કે, જાણે સોનાની ફૂલદાનીમાં પ્લાસ્ટીકના ફૂલ નહિ ગોઠવ્યા હોય...? ઉમર અને શરીર એટલે એક સિક્કાની બે બાજુ. આ શરીર છે,તો ઉમરની કિમત છે, અને ઉમર છે, તો જ શરીરની કીમત છે.

કહેવાય છે કે, મા બાળકના માથે હાથ ફેરવતી, એમાં બાળકના વાળ

વધતા. પછી લગન થાય એટલે, બિલમાંથી ડાયરેક્ટ જીએસટી કપાય જાય, એમ માથેથી વાળ ઉતરતાજાય....! માથે વાળ હોય, ત્યાં સુધી તો ખબર પડે કે, આપણા કપાળની સરહદ અહીં સુધીની જ છે....? જેવી ટાલ પડવા માંડે કે, સરહદ સમાપ્ત....! મોઢું ધોવા જઈએ તો ખબર જ નહિ પડે કે, કોણે કોની સરહદમાં ઘૂસ મારી છે.....?

*****