આંસુડે ચીતર્યા ગગન
(16)
‘એ તમારો સિંહા જ તમારું લોહી પીએ છે. એક દિવસ હું બહેનને કહી દઈશ કે આને છૂટો કરો ને ?’
‘હું તો કહી ચૂક્યો પણ ગવર્ન્મેન્ટમાં તેનો સસરો મોટો સાહેબ છે. અને ગવર્નમેન્ટ કોંટ્રાક્ટ લેવા હોય તો એને હાથમાં રાખવો પડે તેવો છે તેથી બેન અચકાય છે.’
‘એમને તો ખાલી બોલવાનું પણ તમારે તો ખતરો ને ?’
‘ખતરો ? કેવો ખતરો ?’ હું ચમકીને બોલ્યો.
‘પ્રાઈવેટમાં પોલિટિક્સ ખૂબ હોય… બધાને સચવાય નહીં. એકાદ તો વીફરે જ… અને જે વીફરે તેનો પ્રત્યાઘાત તો રહેવાનો જ? કઈ મિનિટે છૂટા કરી દેશે તે કહેવાય નહીં. અને એ ખતરો જો કે લાભશંકરકાકાનો હાથ છે ત્યાં સુધી તકલીફ નથી.’
ત્રીજે દિવસે અંધેરીના એક થિયેટરમાં પિક્ચર જોવા ગયા ત્યારે દિયર ભોજાઈ એકલા હતા. અર્ધું પિક્ચર પત્યું ત્યાં બિંદુએ કહ્યું – ‘અંશભાઈ, ચાલો ઘરે મને પેટમાં દુખે છે.’
‘કેમ શું થાય છે ?’ ‘ખબર નથી પડતી… પણ એકાદ કલાક સતત બેઠી તેથી બ્લીડિંગ વધી ગયું લાગે છે.’
‘ક્યાં જવું છે ? ઘરે કે ડૉક્ટર પાસે?’
‘ડૉક્ટર પાસે હમણાં જવું નકામું છે. ઘરે જ જઈએ.’
ઘરે આવતા રસ્તામાં બ્લીડિંગ વધી ગયેલું લાગતા ડૉક્ટરને ત્યાં જ જવાનું નક્કી કર્યું અને ડૉક્ટરને ત્યાં ગયા. હોસ્પિટલમાં દાખલ કરી. શેષભાઈને પણ ફોન કરીને બોલાવી લીધા.
બિંદુને બ્લીડિંગ ન અટક્યું કે ન દુખાવો ઘટ્યો. ડૉક્ટરે તેને લોહી ઉપર ચડાવી દીધી. વહેલા સવારે ડૉક્ટરે ઓપરેશન થિયેટર પર લીધી. ‘’
આખી રાતનો ઉજાગરો હતો બંને ભાઈઓની આંખો લાલચોળ હતી. ડૉક્ટરને બ્લીડિંગ અટકતું ન હોવાથી આ કેસ ઇમર્જન્સીનો લાગતા બે ડૉક્ટરોને બોલાવી એકમેકની સલાહથી ઓપરેશન કરી લેવાના નિર્ણય ઉપર આવ્યા હતા. સાતમો મહિનો હતો તેથી બાળક અને મા બંનેના બચવાના ચાન્સીસ તો હતા જ.
શેષભાઈ ગભરાતા હતા. પરંતુ મારી હાજરી એમને ઢીલા પડતા રોકતી હતી. લાભશંકરકાકા પણ આવી ગયા. આવીને હિંમત આપી ગયા. ડૉક્ટરે ઓપરેશન નવ વાગ્યે પતાવ્યું. બહુ કોમ્પ્લીકેટડ કેસ તો હતો જ પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. બહાર નીકળતા શેષને ખભે હાથ મૂકીને કહે – ‘મોટા જીવને બચાવી લીધો છે. માથુ ઉંધુ હતું અને કસુવાવડના બધા જ ચિહ્નો હતા. બેબી હતી. અંદર ને અંદર બાળકના ગુંગળાઈ જવાથી આ બન્યું છે. લોહીની કમીને કારણે નબળાઈ ખૂબ લાગશે. ટોનીક અને એન્ટીબાયોટિક્સ લખેલા છે. બેન જરા નબળા મનના છે હિંમત આપજો.’
શેષભાઈના મોં પરથી હિંમત ઓસરતી જતી હું જોઇ શકતો હતો. ડૉક્ટરને ભલે કહ્યું – પણ ફક્ત રડવાનું જ બાકી હોય તેટલી હદે તે ભાંગી પડ્યા હતા.
મેં નજીકના પાનના ગલ્લેથી સિગરેટ લીધી શેષભાઈને ધરી. સિગરેટ સાથે મને જોઈને ખમચાઈ ગયા. પછી કહે ‘મને ખૂબ જ જરૂર હતી… પણ તને ક્યાંથી ખબર પડી કે હું સ્મોકીંગ કરું છું ?’
‘ઘરમાં એશ – ટ્રે ભરેલી જોઇ હતી. બિંદુભાભીને મળવા જાઓ ત્યારે ભાર દઈને કહેજો કે આ તો નાનો પ્રસંગ છે. બહુ ચિંતા નહીં કરવાની. ’
‘પણ અંશ…. આમ કેમ બને ?’
‘શેષભાઈ… બિંદુભાભીનો વીલપાવર સ્ટ્રોંગ નથી – સંજોગવશાત્ કોઈક બીકને કારણે… અંધારામાં અજાણી વસ્તુ જોઈને છળી મરવાથી કે વધુ પડતા તણાવને કારણે હાઈ બ્લડપ્રેશર જેવું થવાથી પણ આમ થાય. પણ હવે એમની માનસિક પરિસ્થિતિને સંભાળવાની નૈતિક જવાબદારી તમારી છે. હું તો છું જ. ’
‘હં..’
‘સુમીમાસીને કે દિવ્યાને અહીં બોલાવી લઈને એની સાથે ચોવીસે કલાક રહેનાર વ્યક્તિની જરૂર છે. ટર્મ વેકેશન પૂરું થતા સુધી તો હું અહીં છું જ પછી કોઈકને બોલાવશું… કે હું સાથે લેતો જઈશ.
બિંદુ જ્યારે હોશમાં આવી ત્યારે ખાલી પારણું જોઇને મને પૂછ્યું – ‘અંશભાઈ ! ક્યાં છે મારું સંતાન ?’
‘ભાભી ! તમને અમારી પડી છે કે નહીં ?’
‘ફરીથી તમને ?’
‘હા , અમને છોડીને જતા રહેવાની તૈયારી કરતા હતા ખરું ને ?’
‘ક્યાં ?’
‘મોટે ગામતરે… તમારી દીકરીની સાથે !’
‘એટલે છોકરી આવી ?’
‘હા શેષભાઈ સતો સાવિત્રી બનીને તમને પાછા લઈ આવ્યા…. પણ બેબી તો ઘણી દૂર નીકળી ગઈ. ’
‘એટલે ?’
‘ખાલી પારણા તરફ નજર પડતા જ એનો ડૂમો ભરાઈ ગયો… એની આંખમાંથી આંસુ છલકાતા ગયા…’
‘શેષે તેના માથા પર હાથ ફેરવવા માંડ્યો.’
‘બિંદુ ! પાગલ ન બન… બનવા કાળ બન્યું છે… તે ન બનવાનું થવાનું નથી.’
‘પણ… આવું બધું મારી સાથે જ કેમ બને છે શેષ ! આંસુઓના તોરણ મારે ત્યાં જ કેમ બંધાય છે શેષ ?’
‘બિંદુ જે રડે છે તે હસે છે… અને જે હસે છે તે રડે છે. આ એક સીધો સાદો નિયમ જિંદગીનો નથી ?’
એના આંસુઓની વણઝાર ન અટકી… એના મનને સાંત્વન આપવા શેષભાઈનો હાથ… શેષભાઈની હૂંફ બંને નિષ્ફળ ગયા…
એને રડતી મારાથી જોવાતી નહોતી તેથી તેની સાથે હું પણ રડી પડ્યો… મારી આંખમાંથી પણ એ જ આંસુડા વહેતા હતા… ઘરમાં મૃત્યુનો ઓળો હતો… એનો આઘાત આ આંસુડા વડે ધોવાતો જતો હતો.
મને રડતો જોઇ બિંદુનું મન ઓર છલકાઈ ઊઠ્યું… ‘અંશભાઈ… મને કેમ આ આંસુડા છોડતા નથી… તમે પણ આંસુની સાથે સાથે ન તણાવ… એ મારા આંસુ છે… શેષના આંસુ છે… તમારા નથી.’
‘બસ ને બિંદુ ! પારકો ગણ્યો ને મને… મારી અંશિતા ગઈ એ દુ:ખ શું નાનું છે ?’ પાણીના ઘૂંટડા સાથે ડુમાને ગળતી બિંદુ… ફરી રડી પડી.
શેષભાઈથી ન જોવાતા બહાર નીકળી ગયા… મારા હાથને ગાલ પર દાબીને બિંદુ રડતી રહી… રડતી રહી… હું મારા ગાલ પર સરતા અશ્રુબિંદુને રોકવાની વ્યર્થ કોશિશો કરતા કરતા બિંદુને છાની રાખવા મથતો હતો.
સુમીમાસી આવીને મુંબઈ રહ્યા. બિંદુની રીકવરી આવતા સુધી રહ્યા… પરંતુ હવે તબિયત ઘણી જાળવવાની હતી. અને નબળી મનોદશાએ વધુ ઝંઝાવાતો પેદા કર્યા હતા. લાભશંકરકાકાની દીકરી પણ વચ્ચે થોડાક દિવસો કઢાવી ગઈ.
***
મહિના ઉપર મહિના વીતવા લાગ્યા. પત્રવ્યવહાર ક્ષીણ થતો ગયો હતો. એમ.બી.બી.એસ. નું પરિણામ બંનેના ઉત્સાહને વધારનારું હતું. તે લોકોની મહેનત ફળી હતી. અંશ આઠમા ઉપરથી છઠ્ઠે પહોંચ્યો હતો. અર્ચનાની પણ એવરેજ ઘણી સુધરી હતી.
લાઇબ્રેરી વર્ક સુધર્યું હતું. અને પ્રેક્ટિકલ્સમાં પણ બંને એકમેકને પ્રેરક રીતે રહીને કામ કરતા હતા. હાથમાં સ્ટેથોસ્કૉપ લઈને ઘૂમતા યંગ ડૉક્ટર્સના ટોળામાં ફરતા અને કોફી પીતા સમય વહેવા માંડ્યો… એમ.બી.બી.એસ. ફાઈનલમાં સારા માર્ક્સ સાથે એમ.ડી. ગાયનેકમાં પ્રવેશ મેળવ્યો – અર્ચના ન્યુરોસર્જન બનવાની તૈયારીમાં પડી.
શેષભાઈને પ્રમોશન મળ્યું અમદાવાદમાં અશોક કંસ્ટ્રક્શનનાં એન્જિનિયરીંગમાં મિ. ડાયર પછીની સીનિયર પોઝિશનમાં આવી ગયા. બોમ્બેથી મદ્રાસ અને બેંગ્લોર નવા કંસ્ટ્રક્શન ઇન્ચાર્જ થઈ ગયા.
‘’ બિંદુ ને બીજે ખોળે પણ દીકરી જ આવી. અંશિતા નામ નક્કી જ હતું. બહુ મીઠડી છોકરી હતી. એકલા એકલા રહેવાની બિંદુની ફરિયાદ હવે ઘટી હતી. દીકરીને નવડાવવી… તૈયાર કરવાની…. ખવડાવવાનું… કંઈ કેટલાય કામોમાંથી તે પરવારતી નહોતી.
બિંદુના પત્રો તથા ફોટોગ્રાફ્સથી લાગતું હતું કે નાના શેષભાઈ અંશિતાના રૂપમાં આવ્યા હતા. બિંદુ લખતી હતી કે તમે પણ નાના હશો ત્યારે આવા લાગતા હશો. તમને અમે ખૂબ યાદ કરીએ છીએ.
એમ.ડી. દરમ્યાન હાઉસમેનશીપ કરી. તે સમય દરમ્યાન દિવ્યાના લગ્ન લેવાયા – મામાને હાર્ટ એટેક આવ્યો – અને મામી સાથે મુંબઈ રહેવા ગયા. તે સમય દરમ્યાન અર્ચનાના બાપુજી નિવૃત્ત થયા – નરભેશંકરકાકા દ્વારા માંગું નખાયું – વિવાહ થયા –
સમયની ગતિ જે ઝડપે વધી રહી હતી તે જોતા પ્રસંગોની ઘટમાળની ગતિ ધીમી લાગતી હતી. સંધ્યા પરીખ – રાજેન્દ્ર શાહ, અવિનાશ નાણાવટી – સરલા મહેતા પણ અમારી જેમ જ વૈવાહિક બંધનોમાં જકડાઈ ગયા હતા. જિંદગીનું દર્પણ ભાતભાતના રંગો પાડી રહ્યું હતું. .. જિંદગી વહેતી જતી હતી… ક્યાંય અટકતી નહોતી…
***
અંશિતાના નામે ખૂલેલી ક્લીનીક બે વર્ષમાં તો ધમધોકાર ચાલતી થઈ ગઈ હતી. જામતી જતી પ્રેકટીસ દરમ્યાન એકાદ વર્ષ લગ્ન લેવાયા તે સમયે મામાનું મૃત્યુ થયું. એટલે લગ્ન પાછળ ઠેલાયું. ફરીથી નક્કી થયું ત્યારે શેષભાઈને અકસ્માત નડ્યો. મુંબઈથી પૂના તરફ જતા ખંડાલાની ઘાટીઓમાં બ્રેક પરનો કંટ્રોલ ગુમાવતા અકસ્માત થયો. પરંતુ ખાસ વાગ્યું નહોતું તેથી હોસ્પીટલાઈઝેશન ન કરવાનું થયું. પણ એક વહેમ આવી ગયો કે….. લગ્નનું નક્કી થવાની સાથે જ કંઈક માઠું બને છે.
બંને પુખ્ત હતા, વહેમને ન ગણકારીએ તેવા હતા. પરંતુ અર્ચનાની મમ્મી એ વાતથી નિરાશ થઈ ગઈ. જજ પપ્પા હજી પણ માનતા હતા કે ડૉક્ટર દીકરીને ડૉક્ટર જમાઈ મળ્યો છે. મન મળેલા છે , સમજુ છે તેથી કોઈ તકલીફ આવી શકે જ નહીં. છતાં મમ્મીની જુનવાણી મનોદશા એક તરફ લગ્ન ઝડપથી લેવડાવવા મથતી હતી અને બીજી તરફ આવા અમંગળો એ દિશામાં આગળ વધતા રોકતી હતી.
જ્યોતિષીઓ એમના મનને ધૈર્ય આપવા કહેતા હતા છોકરીને લગ્નસ્થાનમાં મંગળ છે. જેટલી ઉતાવળ કરશો તેટલા પાછા પડશો… ત્રીસ પૂરા થવા દો. મંગળ ઉપર શનિની દ્રષ્ટિ થતાં સૌ સારા વાના થશે.
મિત્રો ધીમે ધીમે લગ્નબંધનમાં જોડાઈ જોડાઈને આગળ વધવા માંડ્યા હતા. મમ્મીની ઢીલી ઇચ્છાથી અર્ચના પણ ગૂંચવાતી હતી.
એક દિવસ મઝાકમાં હું બોલ્યો ‘અર્ચી ! ચાલ જ્યોતિષને સારી દક્ષિણા અપાવીને મંગળ ઉપર શનિની દ્રષ્ટિ કરાવી દઈએ.’
‘હું પણ કંઈક એવું જ વિચારું છું પણ મમ્મીનો જ્યોતિષ પાક્કો છે. થોડામાં નહીં પતે.’
‘વધારે દઈશું… પણ હવે તો અવિનાશ પણ બાપ થવાનો…’
‘આપણે શું કરીશું ?’ અર્ચનાએ વાંકુ મોં કરતા કહ્યું.
‘કેમ તને ઉતાવળ નથી? ’
‘ઉતાવળ કરીને શું કરવાનું ? એમની મનોદશા આપણા કરતાં પણ દયાજનક છે. ’
‘કેવી રીતે ?’
‘જુવાન છોકરી અને વિવાહ ત્રણ વર્ષ રહ્યા…’
‘કેમ એમાં વળી શું વાંધો છે ?’
‘દિવ્યાબેન ત્રેવીસે પરણ્યા…’
‘હા.. ’
‘મારી ઉંમર શું થઈ ?’
‘મારા જેટલી, એટલે સત્તાવીસ… ’
‘દીકરીની જાત, ક્યાં સુધી ટેન્શન ભોગવવાનું ?’
‘હં ! મને પણ તારું ટેન્શન તો લાગે જ છે…’
અર્ચના અંશને જોઇ રહી..અંશની આંખમાં ચુપાયેલ ચિતા જનક વ્યંગ ક્ષણ પછી તેને સહેજ મલકાવી ગયો.
***