ગુજરાતી પ્રજા અને સાહિત્ય
ગુજરાતી પ્રજા એટલે કેટલાક વિદ્વાનો અને સાહિત્યકારો માટે દોષનો ટોપલો ઢોળવાની જગ્યા! ગુજરાતી પ્રજા પર કેવા કેવા દોષ લગાડવામાં આવે છે? એક યાદી:
-ગુજરાતી પ્રજાને માત્ર પૈસા કમાવામાં રસ છે. એને પોતાની ભાષા સાથે કશું લાગતું વળગતું નથી.
-ગુજરાતી પ્રજાને ગુજરાતી સાહિત્યમાં રસ નથી.
-ગુજરાતી પ્રજા મનોરંજન પાછળ જેટલા પૈસા ખર્ચે છે એટલા પુસ્તકો પાછળ ખર્ચ કરતી નથી.
-ગુજરાતી પ્રજા ખાવાપીવામાં હોશિયાર છે એટલી વાંચવામાં નથી.
-કેટલાક ગુજરાતીઓનાં ઘરમાં મોંઘુ ફર્નિચર હોય છે પણ બેચાર પુસ્તકો હોતાં નથી.
-ગુજરાતી પ્રજા પોતાના સંતાનોને અભ્યાસ માટે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મૂકે છે .
-ગુજરાતીઓને ગુજરાતી સાહિત્યકારોની કદર નથી. એમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા નથી. ગુજરાતી સાહિત્યકારોની સ્મશાનયાત્રામાં કે શોકસભામાં વધારે લોકો આવતા નથી. જ્યારે મરાઠી અને બંગાળી પ્રજા એમનાં સાહિત્યકારોને ખૂબ ખૂબ માનસન્માન આપે છે.
યાદી લાંબી થઈ શકે. પરંતુ પહેલી વાત તો એ કે, દરેક પ્રજાની ખાસિયત જુદી જુદી હોય છે. એવી કેટલી સારી બાબતો ગુજરાતીઓમાં હશે જે બીજી પ્રજામાં નહિ હોય. બીજી વાત એ કે, શું બધાં જરાતીઓ સાહિત્યની કદર ન કરે એવા છે? એમને માત્ર પૈસા કમાવા પાછળ જ રસ છે? અને જો હોય તો એમાં ખોટું શું છે? કઈ પ્રજાને પૈસા કમાવામાં રસ નથી? ગુજરાતીઓ તો એ માટે ખોટા વગોવાય છે. વળી, ગુજરાતીઓ પૈસા કમાઈને વાપરી પણ જાણે છે. કેટલાક લોકો તો કોઈની આંખે ચડી જવાય એ રીતે વાપરે છે. પણ હા, સાહિત્યકારોની ફરિયાદ છે એ મુજબ પુસ્તકો પાછળ નહિ વાપરતા હોય. વાપરતા હશે તો પણ જે સાહિત્યકારો ફરિયાદ કરે છે એ સાહિત્યકારોનાં પુસ્તકો પાછળ તો નહિ જ વાપરતા હોય.
પરંતુ એમ તો ન જ કહી શકાય કે સમગ્ર ગુજરાતી પ્રજાને પોતાની ભાષા વહાલી નથી. હા, જરૂર ન ત્યાં પણ દેખાદેખીમાં અંગ્રેજીનો સાચોખોટો ઉપયોગ કરનારા હશે પણ એકંદરે તો એને ગુજરાતીમાં બોલવું, વાંચવું, લખવું, ગાવું, ઝઘડવું ગમે છે. એમાં અંગ્રેજી ભળી ગયું હોય તો એ બદલાતા વાતાવરણનો સ્વાભાવિક પ્રભાવ છે. અનેક પરિબળોનો પ્રભાવ છે. આ એવા પરિબળો છે કે જેની અવગણના નેતાઓ, વેપારી, નોકરિયાત, ખેડૂત, મજૂરો, કારીગરો વગેરે તો નથી કરી શકતા પણ ધાર્મિક વડાઓ, સંતો, કથાકારો, કલાકારો અને ખુદ સાહિત્યકારો પણ નથી કરી શકતા. ખુદ સાહિત્યકારો પણ જાણેઅજાણે જરૂર ન હોય ત્યાં પણ અંગ્રેજી શબ્દો બોલી જાય છે. એમનાથી બોલાઈ જતા હોય છે. એટલે આ બાબતમાં દોષનો આખો ટોપલો ગુજરાતી પ્રજા પર ઢોળવામાં આવે છે એ યોગ્ય નથી. ગુજરાતી ભાષામાં અંગ્રેજીની ભેળસેળ ન હોવી જોઈએ, એ આગ્રહ સારો છે, પરંતુ હકીકતનો સ્વીકાર પણ કરવો જ રહ્યો. ‘શું હોવું જોઈએ?’ એવી વાતો કરનારાઓએ ‘જે છે તે કેમ છે?’ એ વિશે પણ વિચારવું જ રહ્યું.
ગુજરાતીઓને સાહિત્યમાં રસ છે. છાપાંમાં જે સાહિત્ય પીરસાતું હોય છે એ વાંચે છે. લોકપ્રિય લેખકો અને કવિઓનાં પુસ્તકો પણ વાંચે છે. પૈસા ખર્ચીને પણ વાંચે છે. પ્રમાણ ઓછું હશે પણ એમાં વધારો થાય એની જવાબદારી સાહિત્યકારો અને પ્રકાશકોની પણ ખરીને?
આમાં એવું છે કે કેટલાક લેખકો અને કવિઓના કાર્યક્રમોમાં ભીડ થાય છે તો કેટલાક વિદ્વાન સાહિત્યકારોના કાર્યક્રમોમાં સભાખંડ નાનો હોવા છતાં ખાલી રહે છે. પૈસા ખર્ચીને પણ સાહિત્યના કાર્યક્રમો માણનારા ગુજરાતીઓ પણ છે.
આયોજન, પ્રચાર, સંપર્ક, રજૂઆત, વગેરેનું પણ મહત્ત્વ હોય છે. કેટલાક સાહિત્યકારો અને પ્રજા વચ્ચેનું અંતર ઘટતું જ નથી. એવા સાહિત્યકારોની ફરિયાદ હોય છે કે લોકો અમારા સાહિત્ય સુધી પહોંચવાની સજ્જતા કેળવતા નથી. તો કેટલાક લોકોનું માનવું એવું હોય છે કે ‘આ તો મોટી મોટી વાતો કરનારા વિદ્વાન સાહિત્યકારો છે. એમનું સાહિત્ય વાંચવાનું આપણું ગજું નહિ.’ આ એક પ્રકારની ગેરસમજ છે જે ઘટવાના બદલે વધતી જાય છે. આના લીધે કેટલાય માણવાલાયક સાહિત્યકારોને પ્રજા માણી શક્તિ નથી. આવા સાહિત્યકારોના કાર્યક્રમોનું આયોજન અને રજૂઆત જ એવાં હોય કે લોકો મોટી સંખ્યામાં આવે જ નહિ. પૂરતો પ્રચાર ન કર્યો હોય. કાર્યક્રમનું સ્થળ કલોગું હોય તો આવા કાર્યક્રમ યોજનારી સંસ્થાના સભ્યો જ એમાં પધારતા નથી. કેટલાક કાર્યક્રમોમાં કોઈ અધ્યાપક વક્તા તરીકે હોય તો શરમેધરમે એમના વિદ્યાર્થીઓ હાજર રહેતાં હોય છે, પરંતુ મોટા ભાગે વડીલો હોય છે. જેઓ તકલીફો વેઠીને પણ આવતા હોય છે અને ઘણી વખત નિરાશ થતા હોય છે. ઘણી વખત તો વધુ પડતી ઔપચારિકતાના લીધે મુખ્ય વક્તાને જ બોલવા માટે પૂરતો સમય રહેતો નથી. એકબીજાની વાહ વાહ કરનારા અને પોતાની ટોળકીની વિરોધી ટોળકી પર દાઝ કાઢનારા ભેગા થયા હોય એવું લાગે. સાહિત્ય રહી જાય બાજુ પર અને હિસાબ ચૂકતે કરવાના ખેલ રજૂ થાય. થોડીઘણી તાળીઓ પડે પણ એ તાળીઓ સાહિત્ય માટે ઓછી અને શાબ્દિક બથોડા માટે વધારે! દર વખતે એના એ જ વક્તાઓ! વિષયો પણ શુષ્ક! સામાન્ય માણસને ન સમજાય એવી અઘરી અઘરી ભાષામાં અઘરી અઘરી વાતો! મોટા ભાગે હતાશાનું જ પ્રદર્શન! પછી એ લોકો મન મનાવે કે ભલે શ્રોતાઓ ઓછા આવતા હોય પણ જેટલા આવે છે એ બધા સાચા ભાવકો છે.
જયારે કેટલાક જાણીતા સાહિત્યકારોના કાર્યક્રમોમાં લોકોની પૂરતી હાજરી હોય છે. આયોજકો કોણ છે, આયોજન કેવું છે, વ્યવસ્થા કેવી છે વગેરે પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે. આવા કાર્યક્રમો સફળ થાય છે ત્યારે કેટલાક વિદ્વાનો એવો પ્રતિભાવ આપે છે કે : ‘આ બધા તો રાજકરાણીઓ અને સ્થાપિત હિતોના ખેલ છે!’ આવો પ્રતિભાવ આપનાર વિદ્વાન સાહિત્યકાર એકલા હાથે કાર્યક્રમનું આયોજન કરી શકતો નથી. એટલે એમણે પણ મંડળી બનાવવી પડે છે, સાહિત્યકારોની કોઈ ટોળકીમાં જોડાવું પડે છે, પોતાના કાર્યક્રમ સાથે પણ કોઈને કોઈ રાજકારણી કે સ્થાપિત હિતો જોડાયેલા હોય તો પણ આંખ આડા કાન કરવાં પડે છે. આ બધાં કારણોસર સાહિત્યકારોમાં વાડાબંધી છે. પરિણામે જો પ્રજા સાહિત્યથી દૂર થઈ જાય તો એમાં દોષ કોનો? આ આખો પ્રશ્ન વ્યવસ્થા અને આયોજનનો છે. એ માટે સમગ્ર દોષ પ્રજાને ન આપી શકાય.
મનોરંજનની જરૂર કોને નથી? ગુજરાતીઓને છીછરાં નાટકો અને ફિલ્મો વધારે ગમે છે એવી છાપ પડી ગઈ છે. પરંતુ એમની સમક્ષ એવાં જ નાટકો અને ફિલ્મો જ રજૂ થયા કરે તો એ પણ શું કરે? કોઈકે તો કશું જુદું લઈને આવવાનું સાહસ કરવું પડેને? જો કે આજકાલ એવા સાહસો થઈ રહ્યા છે. ગુજરાતી નાટકો અને ફિલ્મો બંનેમાં પરિવર્તન આવી રહ્યાં છે. નવા નવા વિષયો સાથે આવેલાં નાટકો અને ફિલ્મોને લોકોએ વધાવી લીધાં છે. એટલે જૂની છાપ હવે ભુંસાતી જાય છે.
વળી, આજના સમયમાં સાહિત્ય માત્ર છપાયેલું જ નથી હોતું. ડાઉનલોડ થયેલું પણ હોય છે! મતલબ કે, હવે સાહિત્યનો પ્રચાર ઇન્ટરનેટ, કમ્પ્યૂટર, ઇબૂક જેવાં માધ્યમો દ્વરા પણ થઈ રહ્યો છે. કેટલાક વિદ્વાન સાહિત્યકારોને આ હકીકત મોડી મોડી પણ સમજમાં આવી છે અને એમણે આ નવાં નવાં માધ્યમોનો સ્વીકાર કરવો પડ્યો છે. આં નવાં માધ્યમો સાહિત્યકારો અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે.
જેવું પહેલાં હતું એવું જ હવે પણ હોવું જોઈએ, એવો અગ્રહ રાખવા જેવું વાતાવરણ નથી, નથી અને નથી.
સો વાતની એક વાત! વાંક કાઢવો સહેલો છે. પરિસ્થિતિ સમજવી અઘરી છે.