Robert attacks - 22 in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | રોબોટ્સ એટેક - 22

Featured Books
Categories
Share

રોબોટ્સ એટેક - 22

રોબોટ્સ એટેક

ચેપ્ટર 22

મિ. સ્મિથે શહેરમાં પહોચીને પાર્થના બનાવેલા પ્લાન પ્રમાણે તેનો પહેલો પાસો ફેંકી દીધો. તેમને તેમના બે ત્રણ ખાસ માણસો દ્વારા શહેરમાં ડૉ. વિષ્નુના આવ્યાની વાત ફેલાવી દીધી હતી. આ મુંબઇ શહેર હતુ. અહિયાંના લોકો ડૉ. વિષ્નુ વિશે જાણતા હતા અને એ પણ જાણતા હતા કે ડો. વિષ્નુ જ શાકાલને હરાવવાની ક્ષમતા ધરાવે છે. કારણકે યુદ્ધ પછી ફક્ત ડૉ. વિષ્નુ જ શાકાલથી બચીને નિકળવામાં સફળ રહ્યા હતા. પ્લાનનુ પ્રથમ ચરણ સફળ થયુ હતુ. શહેરમાં બીજા દિવસે જ ગુપચુપ રીતે લોકો ડૉ. વિષ્નુ અહિંયા શહેરની બહાર આવ્યા હોવાની અને તેઓ શહેરમાં ઘુસીને શાકાલને ખતમ કરી દેશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. 555 એ શાકાલનો ખાસ જાસુસ હતો. શહેરની દરેક ગતિવિધી પર તેની નજર રહેતી હતી અને તેની ખબર શાકાલ સુધી પહોંચી જતી હતી. શાકાલના કબજાના દરેક શહેરોમાં તેને આવા જ જાસુસ રોબોટ્સનુ નેટવર્ક ફેલાવ્યુ હતુ. જેના લીધે કોઇ પણ તેની સામે તો શુ? તેની પાછળ પણ તેના વિશે કંઇ પણ બોલતા ડરતા હતા. જેવી 555 સુધી આ વાત પહોંચી કે તરત જ તેને આખી વાત જાણી લીધી. આ વાત ખરી છે કે નહી તે જાણવા માટે તે રાત્રે છુપાઇને શહેરની બહાર તપાસ કરવા માટે નિકળી ગયો. આ તરફ મેજરે અને પાર્થે જાળ બિછાવીને તૈયાર જ રાખી હતી. તેમને આખી સેનાને એ રીતે ગોઠવી હતી જેથી સેનાની સંખ્યા ઓછી જણાય જેથી દુશ્મન તેમની તાકાતનો પુરો અંદાજો ના લગાવી શકે. એક અલગ જ દેખાઇ આવતા ટેંટની આસપાસ તેમના વિશ્વાસપાત્ર સૈનિકોને ગોઠવીને તેમને આગળનો પ્લાન સમજાવી દીધો હતો. જ્યારે 555 તે જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને જોયુ કે દસ બાર લોકો એક જ ટેંટની ફરતે ચોકી કરી રહ્યા છે અને બાકીના બધા સૈનિકો આરામ કરી રહ્યા છે તેને વિશ્વાસ આવી ગયો કે જરુર ડો. વિષ્નુ જ આ ટેંટમાં હોવા જોઇએ. તેના પર વધારે ચોક્કસ થવા માટે તે થોડો વધારે નજીક ગયો. હવે તે ઝાડીઓની આડશ લઇને એમની એકદમ નજીક પહોંચી ગયો હતો. હવે તે ચોકી ભરી રહેલા લોકોની બધી વાતો સાંભળી શકતો હતો.

ચોકી કરી રહેલા સૈનિકો ખુબ જ સચેત હતા. તેમને પહેલાથી માહિતી હતી કે કોઇ તો ચોક્કસ અહિંયા આવશે. તેમનામાંથી એક સૈનિકે જ્યારે તેમની પાછળ થોડો સંચાર થતો સાંભળ્યો તો તેને તિરછી નજરે તે તરફ જોઇ લીધુ અને તેને ખાતરી થઇ ગઇ કે કોઇ તો જરુર તેમની પાછળ આવ્યુ છે અને તે એટલુ નજીક છે કે તેમની વાતો તે સાંભળી શકે તેમ છે. તેથી તેને કહ્યુ, “હવે શાકાલના દિવસો ભરાઇ ગયા છે. ડૉ. વિષ્નુએ એક હથિયાર બનાવી લીધુ છે જેના દ્વારા શાકાલનો વિનાશ નિશ્ચિત જ છે”. બીજાએ કહ્યુ, “હા હવે તો બસ આપણે તેમને શહેરની અંદર પહોચાડી દઇએ પછી શાકલનો ખેલ ખલ્લાશ. જ્યાં સુધી તે કંઇ સમજે કે શુ થઇ રહ્યુ છે? ત્યાં સુધીમાં તો તેનુ સામ્રાજ્ય ખતમ થઇ ગયુ હશે અને તે ડૉ. વિષ્નુના પગમાં પડ્યો હશે”. ત્રીજાએ પણ વાતમાં ટાપસી પુરાવતા કહ્યુ, “હા આમ પણ હવે તેનો સમય પુરો થઇ ગયો છે. બુરાઇ ભલે ને ગમે તેટલી મજબુત અને પાવરફુલ હોય એક સમય એવો આવે જ છે જ્યારે તેને અચ્છાઇ સામે હાર માનવી જ પડે છે અને શાકાલનો પણ હવે એ સમય આવી ગયો છે. હવે તો બસ તે એક દિવસનો મહેમાન છે કાલે સાંજ સુધીમાં તો આપણે શાકાલથી આઝાદ થઇ ગયા હોઇશુ”. 555 ઝાડીમાં છુપાઇને તેમની બધી વાતો સાંભળી રહ્યો હતો. હવે તેને આખી વાત સમજમાં આવી ગઇ હતી કે,ડૉ. વિષ્નુ શહેરમાં ઘુસવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છે. હવે તેને આ વાત જલદીથી જલદી શાકાલ સુધી પહોચાડવી જરુરી હતી. તે ફટાફટ ત્યાંથી સરકીને શહેર તરફ ઝડપથી જવા લાગ્યો. ચોકી કરી રહેલા લોકોની વાતો સાંભળીને તે એટલો ઉતાવળો થઇ ગયો કે તે ટેંટમાં ખરેખર ડૉ. વિષ્નુ છે કે નહી તે જોવા માટે પણ તે ના રોકાયો. આમ પાર્થના પ્લાનનુ બીજુ ચરણ પણ સફળતા પુર્વક પાર પડી ગયુ. હવે તેમને આ સમાચાર શાકાલ સુધી પહોંચે અને તે આ જગ્યાએ આવે તે પહેલા અહિંયા શાકાલના સ્વાગત માટેની તૈયારી કરવાની હતી. અહિંયા આવ્યા પછી તે ફરી ક્યારેય પાછો ના ફરી શકે તે રીતની તૈયારી કરવાની હતી. તેથી 555 ના ગયા પછી બધા તરત જ તૈયારીમાં લાગી ગયા.

***

જે જગ્યાએ પાર્થ અને મેજરે ડૉ. વિષ્નુના હોવાનો સેટઅપ ગોઠવ્યો હતો. ત્યાંથી નિકળીને 555 ખુબ જ ઉતાવળથી શહેર તરફ જઇ રહ્યો હતો. તે શહેરમાં પહોંચ્યો ત્યારે હજુ રાત્રીનો નિરવ અંધકાર હતો. તે સીધો જ શાકાલના નિવાસ્થાન તરફ ગયો. ત્યાં દરવાજા પર તેને તેની ઓળખાણ આપી. તેની ઓળખ મેચ કરીને તેને અંદર લીધો. અંદર આવીને તે સીધો જ શાકાલના સુરક્ષીત રુમ તરફ જવા લાગ્યો. ત્યાં શાકાલના રુમની બહાર પણ બે રોબોટ્સ ચોકી માટે ગોઠવેલા હતા. તેમને પણ 555 ની ઓળખ ફરીથી ચેક કરી અને અત્યારે કેમ આવ્યો છે તે પુછ્યુ. 555એ કહ્યુ, “મારે ખુબ જ અગત્યનુ કામ છે અને એ માટે અત્યારે જ શાકાલ સરને મળવુ જરુરી છે”. શાકાલે અંદરથી જ તેને આવવા દેવા માટે કહ્યુ. તે જ્યારે અંદર પહોચ્યો ત્યારે શાકાલ ચાર્જીંગ કરી રહ્યો હતો. તેને તેનુ ટાઇમટેબલ પણ મનુષ્યોના જેવુ જ બનાવ્યુ હતુ તે દિવસ દરમ્યાન તેના બધા કામો કરતો હતો અને રાત્રે તેની જાતને ચાર્જીંગ માટે મુકતો હતો. 555 છેક તેની પાસે ગયો અને તેને ઝુકીને પ્રણામ કરીને કહ્યુ, “સર તમારા માટે એક ખુબ જ ખરાબ સમાચાર છે”. શાકાલે તેની તરફ ફરીને કહ્યુ, “શુ વાત છે જલદી બોલ”. 555એ કહ્યુ, “સર મે આજે એક વાત સાંભળી હતી કે, ડૉ. વિષ્નુ આપણા શહેરની બહાર એક આખી સેના લઇને છુપાઇને બેઠા છે અને શહેરમાં ઘુસીને તમને ખતમ કરવા માટે શહેરમાં ઘુસવાની ફિરાકમાં છે. આ ખબર સાંભળતા જ મે એ ખબર સાચી છે કે નહી તેની પુષ્ટી કરવા માટે હુ શહેરની બહાર આવેલી વિવિધ જગ્યાએ તપાસ કરી રહ્યો હતો. જ્યારે હુ શહેરની દક્ષિણ તરફ આવેલા જંગલની બીજી તરફ ગયો ત્યાં એક જગ્યાએ મે એક આખી સેનાનો પડાવ જોયો. તે સેના ડૉ. વિષ્નુની જ છે કે નહી તે જોવા જ્યારે હુ તેની એકદમ નજીક ગયો ત્યાં મે એક મોટો ટેંટ બાંધેલો જોયો તે જગ્યા પર તે એક જ મોટો ટેંટ હતો અને તેની આજુબાજુ દસબાર લોકો માણસો ચોકી કરી રહ્યા હતા. બાકીના બધા લોકો આરામ કરી રહ્યા હતા. મે છુપાઇને તે લોકોની વાતો સાંભળી તો એ સ્પષ્ટ થઇ ગયુ કે આ ખબર સાચી જ છે. તે જગ્યાએ ડૉ. વિષ્નુ જ હતા અને તેઓ એક એવુ હથિયાર તેમની સાથે લાવ્યા છે કે જો તે હથિયાર સાથે તે શહેરમાં પહોંચી ગયા તો પછી. . . . !! મને કહેતા ડર લાગી રહ્યો છે! પણ મે એ સ્વયં મારા કાનોથી સાંભળ્યુ કે, એ તમને ખતમ કરી નાખશે. તેમની સેનાની સંખ્યા તો વધારે નથી પણ તેમની પાસે ખુબ જ મહત્વનુ હથિયાર છે. તેથી જો તેમને રોકવા હશે તો આપણે શહેરની બહાર જ તેમને ખતમ કરી દેવા પડશે.

શાકાલ આખી વાત ધ્યાનથી સાંભળી રહ્યો. પછી તેને કહ્યુ, “તારી વાત જો સાચી હોય તો એ વાત પણ સાચી છે કે તેમને શહેરની બહાર જ ખતમ કરી દેવા પડશે. પણ આ વખતે હુ કોઇના ભરોસે કામ સોંપવા માગતો નથી. હુ જાતે જ તેને મારા હાથેથી જ ખતમ કરીશ. આ વખતે તે મારા હાથોમાંથી નહી બચી શકે. તુ અત્યારે જ આપણી સેનાને તૈયાર કરવામાં લાગી જા. સૌથી તાકતવર રોબોટ્સની એક અલગ ટીમ બનાવીને રાખજે. કાલે સવાર સુધીમાં બધી તૈયારીઓ થઇ જવી જોઇએ. આપણે કાલે જ તેમના પર હુમલો કરીશુ અને તેમના સ્વપ્નને એકવાર ફરીથી સ્વપ્ન બનાવી દઇશુ. એ ડૉકટરને તો હુ એવુ મોત આપીશ કે આજ પછી કોઇ મારી સામે થવાનુ સ્વપ્ન પણ ના જોઇ શકે!!” 555 એ કહ્યુ, “પણ સર એક અલગ ટીમ શા માટે તૈયાર કરવાની છે?” શાકાલે કહ્યુ, “મુર્ખ તુ તારુ દિમાગ વધારે ન દોડાવ. એ ટીમ મારી પર્સનલ સુરક્ષા માટે જ રહેશે. તુ ઝડપથી કામે લાગી જા. મારે સવાર સુધીમાં મારી આખી સેના તૈયાર જોઇએ”. 555 તરત જ ત્યાંથી નિકળીને તેના કામે લાગી ગયો. અત્યારે તે જે શહેરમાં હતા તે શહેરના બધા રોબોટ્સને તેને મેસેજ કરીને એક જગ્યાએ બોલાવી લીધા અને તેમને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહ્યુ. બધાને યુદ્ધ માટે જરુરી હથિયારો સોપી દીધા અને તેમના વિશાળ ઘરની સુરક્ષામાં રોકાયેલા રોબોટ્સને પણ તેમની સેનામાં સામેલ કરી લીધા.

સવાર પડતા સુધીમાં તો 555એ બધી જ તૈયારીઓ કરી લીધી હતી અને તેને શાકાલના કહેવા પ્રમાણે એક અલગ સૌથી બેસ્ટ રોબોટ્સની ટીમ તેની સુરક્ષા માટે બનાવી હતી,જેમાં ફક્ત 10 જ રોબોટ્સ હતા. તે ટીમ માટે 555એ ખુદ બધા રોબોટ્સમાંથી બેસ્ટ રોબોટ્સ પસંદ કરીને લીધા હતા. સાથે તેને નવા જ બનાવેલા આધુનિક હથિયારો પણ લીધા હતા. અમુક હથિયારો તો હજુ સુધી ઉપયોગમાં જ લીધા ન હતા. શાકાલે તેની તરફથી પુરી તૈયારી કરી હતી. પણ તેને એ વાતની ખબર ન હતી કે સામે પક્ષે પણ પુરી તૈયારી કરીને રાખી છે અને આ તેમની જ બિછાવેલી જાળ છે. વળી તેને સામે દુશ્મન સેનાની સંખ્યા પણ 555 ના કહેવા પ્રમાણે ઓછી આંકી હતી. તેના લીધે જ તેને અન્ય શહેરમાંથી વધારે રોબોટ્સ બોલાવવા માટે રાહ જોયા વગર તેની અત્યારે હાજર રહેલી સેના દ્વારા જ યુદ્ધ કરવા માટેની તૈયારી કરી લીધી હતી,જે તેને ખુબ જ ભારે પડી શકે તેમ હતુ. સવારે શાકાલે 555ને બોલાવીને તેની સુરક્ષા માટેની ટીમના બધા રોબોટ્સને તેને જાતે જ ચેક કર્યા અને બધા બરાબર કામ કરે છે કે નહી,આ કામ માટે બરાબર છે કે નહી તથા તેને લીધેલા હથિયાર વગેરે પણ ચેક કર્યા. પછી તે ખુદ તેની આખી સેનાની સામે આવ્યો અને તેની આખી સેનાને યુદ્ધમાં દુશ્મન સૈનિકોને ખતમ કરીને જ પાછા ફરવાનુ એલાન કર્યુ. તેની પાછળ આખી રોબોટ્સ સેનાએ તેના જયજયકારના નારાઓ લગાવ્યા. હવે શાકાલને લાગ્યુ કે તેના માટે ડૉ. વિષ્નુને હરાવવા કોઇ જ મુશ્કેલ વાત નથી. કારણ કે તે સમજતો હતો કે તે લોકોને ખબર પડે તે પહેલા જ આપણે અચાનક તેમના પર હુમલો કરી દઇશુ એટલે તેઓ આપણને ઘણીવાર સુધી મુકાબલો નહી આપી શકે અને થોડી જ વારમાં હાર માની લેશે. પણ તેનો આ જ અહંકાર તેના નાશનુ કારણ બનવાનો છે તે વાતથી તે સાવ અજાણ જ હતો.

***

આ તરફ 555 ના ગયા પછી પાર્થ,નાયક,મેજર,મિ. સ્મિથ અને તેમના અન્ય સાથીઓએ મિટિંગ કરીને શાકાલ સામે લડવા માટેની યુદ્ધનીતિ ઘડવા માટે ભેગા થયા હતા. આમ તો પાર્થના પ્લાન પ્રમાણે તેમના માટે યુદ્ધની મુખ્ય રુપરેખા તૈયાર થઇ ગઇ હતી. પણ બાકીના લોકોને શુ કરવાનુ? અને કોને યુદ્ધ વખતે કઇ જગ્યાએ રહીને કયુ કામ કરવાનુ છે? તે વિશેની ચર્ચા કરવા માટે જ તેઓ અત્યારે એકઠા થયા હતા. મેજર દરેક જણને તેની યોગ્યતા અને લાયકાત પ્રમાણેનુ કામ સોંપી રહ્યા હતા. મિ. સ્મિથને આ યુદ્ધમાં સામેલ થવાનુ ન હતુ. તેમને બસ શાકાલ જ્યારે તેના બધા જ રોબોટ્સ સાથીઓને લઇને શહેરની બહાર આવી જાય પછી શહેરમાં જવાના દરેક રસ્તાને શહેરની અંદરથી બંદ કરવાના હતા કોઇ રોબોટ્સ શહેરની અંદર પાછો ના આવી શકે તે માટે તેમની સેના અંદરની તરફ તૈનાત કરવાની હતી. સાથે શાકાલના મુખ્ય સુરક્ષા મહેલને પણ અંદરથી જ બંદ કરવાનો હતો. જેથી તે જો યુદ્ધ સ્થળેથી ભાગી જાય તો પણ તેના સુરક્ષિત સ્થાનમાં પાછો ના ભરાઇ શકે. શહેરના દરવાજા એટલા માટે બંદ કરવાના હતા કે શાકાલ સમજી જાય કે હવે તે પાછો ફરી શકે તેમ નથી અને યુદ્ધ જ એક વિકલ્પ છે. આ વખતે તેઓ શાકાલને બચવા માટેનો કોઇ મોકો આપવા માગતા ન હતા. કારણ કે આ એક મોકો હાથમાં આવતાં જ વર્ષો વીતી ગયા હતા. રાજ અને વંશને એક ખુબ જ અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને યુદ્ધ વખતે પાર્થને શાકાલ સુધી પહોંચાડવાની અને ત્યાં પહોંચવા સુધી પાર્થની સુરક્ષા માટે તૈનાત ટીમની પુરી જવાબદારી સોંપી હતી. કારણકે તેમને અત્યાર સુધી મેજરે સોંપેલુ દરેક કાર્ય ખુબ જ પ્રમાણિકતા અને નિડરતાથી પુરુ કર્યુ હતુ. તેના લીધે જ તે બન્ને મેજરનો વિશ્વાસ જીતવામાં સફળ થયા હતા અને તેથી જ તેમને આટલી મોટી જવાબદારી મેજરે સોંપી હતી. હવે પાર્થની સુરક્ષા પ્રત્યે તો મેજર બેફીકર થઇ ગયા હતા. પણ હવે મુખ્ય પ્રશ્ન હતો. જ્યાં સુધી પાર્થ શાકાલ સુધી પહોંચે અને તેને ખતમ કરે ત્યાં સુધી શાકાલની રોબોટ્સ સેનાને ટક્કર આપવા માટે સેનાનુ યોગ્ય સંચાલન કરવા માટે અને અલગ અલગ મોરચે સેનાનો જુસ્સો વધારવા માટે એક ખુબ જ કાબેલ અને યોગ્ય માણસની તેમને જરુર હતી. આમ તો તે પણ યુદ્ધ મોરચે રહેવાના હતા પણ તેઓ દરેક બાજુએ પહોંચી વળે તેમ ન હતા. તેથી તેમને તેમની સહાયતા માટે તેમના ખાસ વિશ્વાસુ સાથીઓમાંથી કોઇ એકની તેમના સહાયક સેનાપતિ તરીકે પસંદગી કરવાની હતી. તે માટે તેમને તેમના સાથીઓ પર નજર દોડાવી અને તેમની નજર નાયક પર અટકી. નાયકને તેમને જ ટ્રેઇન કર્યો હતો. અત્યાર સુધી તેઓ જ્યારે પાર્થ અને નાયકને ટ્રેનિંગ આપી રહ્યા હતા ત્યારે નાયક પણ ટ્રેનિંગમાં પાર્થથી ક્યાંય પણ પાછળ ન હતો. અહિંયા પહોંચતા સુધી રસ્તામાં રાત્રીની સુરક્ષાની બધી જવાબદારી હંમેશા તેના શિરે જ રહેતી હતી અને તેને તેની જવાબદારી ખુબ જ સરસ રીતે નિભાવી પણ હતી. તેને સોંપેલા દરેક કાર્યને તેને ખુબ જ બખુબીથી પુરુ કર્યુ હતુ. વળી તેનુ યુદ્ધ કૌશલ્ય પણ અદભુત હતુ. મેજરના બધા જ શિષ્યોમાં તે હંમેશા યુદ્ધ પરિક્ષણમાં હંમેશા પાર્થની બરોબર જ રહેતો હતો. મેજરને તેની કાબેલીયત પર પુરો ભરોસો હતો. તેથી જ તેને સહાયક સેનાપતિના પદ માટે પસંદ કર્યો હતો. તેની પસંદગી થતા જ તેમના બધા સાથીઓ પણ પ્રસન્ન થયા હતા. કારણકે બધાનુ પણ માનવુ હતુ કે તેમના બધામાંથી આ જવાબદારી માટે નાયક જ શ્રેષ્ટ છે. તેથી તેની પસંદગી થતા કોઇ ઇર્ષ્યા કે તનાવ પેદા ન થયો. બધાએ સહર્ષ તેને ઉપસેનાપતિ તરીકે સ્વીકાર કર્યો. આમપણ બધાને મેજરના દરેક નિર્ણય પર પુર્ણ વિશ્વાસ હતો. કારણ કે તેમને લીધેલો દરેક નિર્ણય તેમની ભલાઇ માટે જ હશે.

મેજરની બીજી ચિંતા પણ હવે દુર થઇ ગઇ હતી. તેમના સહાયક તરીકે તેમને તેમના યોગ્ય શિષ્યને પસંદ કરી લીધો હતો. હવે તેમને શાકાલની રોબોટ્સ સેના સામે લડવાની અને તેમને વધારેમાં વધારે સમય સુધી યુદ્ધમાં રોકી રાખીને ઓછામાં ઓછી જાનહાની કઇ રીતે થાય અને પાર્થને કઇ રીતે યુદ્ધ મેદાનમાંથી શાકાલ સુધી પહોચાડવો તે માટેની રણનીતિ તૈયાર કરવાની હતી. મેજરે તે માટે બધા લોકો પાસેથી તેમની પાસે જે પણ આઇડિયા હોય તે જણાવવા માટે કહ્યુ. મેજરની સાથે કામ કરતા તેમના બધા જ સાથીઓ યુદ્ધમાં પ્રવીણ હતા. તેમને યુદ્ધની રણનીતિઓ વિશેની ઘણી બધી માહિતી હતી. તેથી જ તેમની પાસેથી આઇડિયા હોય તો જણાવવા માટે મેજરે તેમને કહ્યુ. બધા પોતપોતાની સમજ પ્રમાણે તેમના આઇડિયા રજુ કરતા ગયા અને તેના પર મેજર વિચાર કરી રહ્યા હતા. પણ હજુ સુધી તેમને એકપણ આઇડિયા એટલો પસંદ આવ્યો ન હતો. તેમને કોઇ એવો રસ્તો જોઇતો હતો જેનાથી ઓછામાં ઓછી જાનહાની દ્વારા આ યુદ્ધનો નિર્ણય આવી શકે. બધા જ્યારે પોતાના વિચારો રજુ કરી રહ્યા હતા અને તેના પર ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે નાયક ચુપચાપ બેઠો હતો. તેના મગજમાં કંઇક અલગ જ વિચારો ચાલી રહ્યા હતા. હા, તે પણ યુદ્ધ સંબંધી જ વિચારો કરી રહ્યો હતો. તેના મગજમાં એક આઇડિયા આવ્યો. તેને અચાનક બધાને શાંત થવાનુ કહ્યુ અને તેને એક આઇડિયા આવ્યો છે તે જણાવવા માટે મેજરની રજા માંગી. મેજરે તેને તેનો આઇડિયા જણાવવા માટે કહ્યુ.