Jivan Dukh in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન દુ:ખ

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

જીવન દુ:ખ

જીવન દુ:ખ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૭

દુઃખનો પણ સ્વીકાર કરો

હકીમ લુકમાનનું બાળપણ ખૂબ અભાવો વચ્ચે વીત્યું હતું. તેમણે ભરણ- પોષણ માટે ગુલામી પણ કરવી પડી હતી.

લુકમાન એક શેઠને ત્યાં ગુલામ તરીકે કામ કરતા હતા એ સમયની આ વાત છે. માલિકને એક દિવસ કાકડી ખાવાનું મન થયું. તેમણે લુકમાનને કાકડી લાવવા કહ્યું. લુકમાન તરત જ કાકડી લઈ આવ્યા. લુકમાને જેવી કાકડી મોંમાં નાખી કે તેમને ખ્યાલ આવી ગયો કે કાકડી કડવી છે. કડવી કાકડી ખાવાથી મોઢું બગડી જાય એમ હતું. એટલે કાકડી લુકમાનને આપીને કહ્યું કે તું ખાઈ લે.

લુકમાને માલિકે આપેલી કાકડીનો પ્રેમથી સ્વીકાર કર્યો. અને મોં બગાડયા વગર ખાઈ ગયા. માલિકને નવાઈ લાગી. કાકડી કડવી હતી છતાં લુકમાન ખુશ થઈને કેવી રીતે ખાઈ ગયો. તેમને હતું કે લુકમાન કોઈ બહાનું બનાવીને કાકડી ખાશે નહીં. અને ફેંકી દેશે. કેમકે કાકડી એટલી કડવી હતી કે કોઈ ખાઈ શકે નહીં. લુકમાન સહજ રીતે કાકડી ખાઈ ગયા એ જોઈ માલિકે નવાઈથી પૂછયું:''લુકમાન, કડવી ઝેર જેવી કાકડી તું કેવી રીતે ખાઈ ગયો? મેં તો તેનો જરાક સ્વાદ ચાખ્યો ત્યારથી મોંમાં કડવાશ છે. તું તો મીઠાઇ ખાતો હોય એમ ખાઇ ગયો.'' લુકમાને હસીને જવાબ આપતા કહ્યું:''માલિક, તમે મને દરરોજ સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવો છો. તમે ખવડાવેલી અનેક વાનગીઓ મેં મજાથી ખાધી છે. એક દિવસ કડવી કાકડી આપી તો હું ખાઈ ના શકં? મેં એ કાકડીને પણ તમારા દ્વારા પ્રેમથીઅપાતી બીજી સારી વાનગી માનીને જ ખાઈ લીધી. તો મને કંઈ ખરાબ ના લાગ્યું.'' લુકમાનનો માલિક સમજદાર અને દયાળુ હતો. તેણે લુકમાનની વાતને માન આપ્યું.
માલિકે તેને કહ્યું:''લુકમાન, તેં આ નાની બાબતથી આજે મને જીવનનું મોટું સત્ય બતાવ્યું છે. ભગવાન પણ આપણાને અનેક પ્રકારે સુખ આપે છે. ત્યારે જો તેમના તરફથી કયારેક દુઃખ મળે તો તેનો ખુશીથી સ્વીકાર કરવો જોઈએ. એ માટે કોઈ ફરિયાદ કરવી જોઈએ નહીં. આ રીતે જ જીવન સાર્થક થઈ શકે છે.'' અને માલિકે લુકમાનને એ દિવસે ગુલામીમાંથી મુકત કરી દીધો.

*
જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,

તને એ તારા દુઃખમાં કામ આવે તો મને કહેજે..

- અદી મિર્ઝા

*
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુઃખનો ઈલાજ નથી તે યાદ કરીને દુઃખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. - સરદાર પટેલ

***

ચિત્રકારની ઉદારતા

ઇંગ્લેન્ડની રોયલ અકાદમીને સુંદર ચિત્રોથી સજાવવાની યોજના બનાવવામાં આવી. અને તેમાં વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોના ચિત્રો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. એ માટે દેશ- વિદેશના ચિત્રકારોને પોતાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર મોકલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. થોડા જ દિવસોમાં આ જાહેરાતને સારો આવકાર મળ્યો. અને અકાદમી પાસે દેશ- વિદેશના ચિત્રકારોના ચિત્રોનો મોટો ઢગલો થઇ ગયો.

અકાદમીની ખાસ પસંદગી સમિતિએ આવેલા બધા ચિત્રોનું ખૂબ બારીક અવલોકન કર્યું અને અર્થપૂર્ણ સારા ચિત્રો પસંદ કરી અકાદમીના હોલની દીવાલ પર મૂકવા લાગ્યા. અંતમાં સારા ચિત્રોથી આખો હોલ ભરાઇ ગયો. પણ પસંદગી કરેલા ચિત્રોમાંથી માત્ર એક ચિત્ર બાકી રહી ગયું. જેને કોઇ યુવાન ચિત્રકારે તૈયાર કર્યું હતું.

પસંદગી સમિતિએ માન્યું કે આ ચિત્ર અનેક રીતે વિશેષ છે. તેમાં નવીનતા છે અને રંગોનો સરસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પસંદગી સમિતિના એક સભ્યએ સૂક્ષ્મ અવલોકન કર્યા પછી કહ્યું, ''ચિત્ર તો ખરેખર સરસ બન્યું છે. એ વિશે બેમત નથી. અફસોસ કે આપણી પાસે તેને લગાવવા માટે હવે કોઇ જગ્યા નથી. એટલે તેને સન્માન સાથે પરત કરી દેવું પડશે.''

સમિતિના સભ્યોને પણ એક ચિત્ર રહી ગયું તેનું દુ:ખ હતું. પરંતુ તેઓ મજબૂર હતા. તેમની પાસે કોઇ ઉપાય ન હતો. એટલે બધાએ ચિત્ર પરત મોકલવાની વાતને યોગ્ય માની સંમતિ આપી.

આ પસંદગી સમિતિના એક સભ્ય તરીકે ઇંગ્લેન્ડના જાણીતા ચિત્રકાર ટર્નર પણ હતા. તે બોલ્યા:''મિત્રો, ચિંતા ના કરશો. હજુ એક જગ્યા ખાલી છે. જ્યાં આ ચિત્ર લગાવી શકાય એમ છે.''

બધા સભ્યો આશ્ચર્યથી ટર્નરને જોવા સાથે હોલમાં ખાલી જગ્યા શોધવા નજર નાખવા લાગ્યા. તેમને ક્યાંય ખાલી જગ્યા દેખાઇ નહીં. ત્યારે ટર્નરે ઉભા થઇને પોતાનું ચિત્ર ઉતારી લીધું અને એ યુવા ચિત્રકારનું ચિત્ર લગાવી દીધું. બધા નવાઇથી તેમને જોઇ રહ્યા.

બધા જ જાણતા હતા કે ટર્નરનું ચિત્ર એ યુવા ચિત્રકાર કરતા ઘણું વધુ સુંદર હતું. એટલે એક સભ્યએ કહ્યું,''ટર્નર સાહેબ, આપનું ચિત્ર વધુ સારું છે. તેને રહેવા દેવું જોઇએ.''

ત્યારે ટર્નર કહે,''મહાશય, આપની વાત સાચી હશે. પણ યુવા ચિત્રકારને પ્રોત્સાહન મળવું જોઇએ. કેમકે આમ કરવાથી દુનિયાને એક મહાન ચિત્રકાર મળી શકે છે. આ ચિત્ર લોકો સમક્ષ જવાથી તેને બધા ઓળખશે. પ્રશંસા મળશે અને તે વધુ સારા ચિત્રો બનાવવા પ્રેરિત થશે.''

સમિતિના બધા સભ્યોને ટર્નરની વાત યોગ્ય લાગી. તેમણે ટર્નરનો વિચાર વધાવી લીધો અને આભાર માન્યો.

*ચિત્રમાં બધા જ રંગ મેં પૂર્યા ;

હરિત કે ધવલ મનમાં જ હોય છે !

– દીપક ત્રિવેદી

*

"વેચાઈ શકે તેવાં ચિત્રો વેચનાર એટલે ચિત્રકાર અને કલાકાર અર્થાત જે ચીતરે તે વેચાઈ જાય!" – પાબ્લો પિકાસો

મનુષ્યની સાચી ઓળખ

આ એ સમયની વાત છે જયારે કબીરદાસની પ્રસિધ્ધિ દૂર દૂર સુધી ફેલાઈ ચૂકી હતી. લોકો દૂર દૂરથી તેમને મળવા આવતા હતા.

એક દિવસની વાત છે. કબીરદાસ કપડા બનાવતા હતા ત્યારે કેટલાક પૈસાદાર શેઠીયાઓ તેમને મળવા આવ્યા. અને તેમને કપડાં વણતા જોઈને એક શેઠ બોલ્યા :''કબીર સાહેબ, હવે તમે સામાન્ય વ્યક્તિ નથી. કપડાં વણવાનું છોડી દો. તમે સામાન્ય માણસ હતા ત્યારે કપડાં વણતા એ ઠીક હતું. હવે તમારી ચર્ચા સંત તરીકે થઈ રહી છે. અને તમે આવા ફાટેલા-સાંધેલા કપડાં પહેરો છો તેથી અમને શરમ આવે છે. હવે તમારે જાતે કપડાં વણવાની જરૂર જ નથી. અમે તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરીશું. તમારા માટે એક ભવ્ય આશ્રમ પણ બનાવી આપીશું.'' શેઠની વાત સાંભળીને કબીર કહે :''શેઠ, સાચું કહું તો તમને જોઈને મને શરમ આવે છે. પહેલા હું મારા માટે કપડાં વણતો હતો. હવે હું ગરીબ માણસો માટે વણું છું. મને શ્રધ્ધા છે કે મારી દેખાદેખીમાં અન્ય લોકો પણ આ કામ શરૂ કરશે. અને ગરીબોને આથી સારી મદદ મળશે. મારું માનવું છે કે માણસે પોતાની ઓળખ ગુમાવવી ના જોઈએ. આજે જયારે મારે મદદની જરૂર નથી ત્યારે તમે મને મદદ કરવા માટે આવ્યા છો. મારી વિનંતી છે કે તમે એમની મદદ કરો જેમને તમારી મદદની ખરેખર જરૂર છે. તમે જોતા જ હશો કે કાશીના ઘાટ પર કેટલાય લોકો ભૂખ્યા સૂઈ જાય છે. એમને જોઈને તમને શરમનો અનુભવ થતો નથી. કેમકે તમે અમારી મદદ કરવા માટે નહિ પણ પોતાના પ્રચાર માટે આવ્યા છો.'' સંત કબીરની વાત સાંભળીને આવેલા શેઠ માણસો ભોંઠા પડી ગયા. અને તેમની માફી માગી. પછી તેમને વચન આપ્યું કે તેઓ દરરોજ કાશીના ઘાટ પર જઈ ગરીબોને ભોજન આપશે. અને ત્યારથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ ચાલી રહી છે.

*
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,

ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!!

-કરસનદાસ માણેક

*

જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનિતી અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક. એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

*****