વેર વિરાસત
ભાગ - 11
'પહેલીવાર હવે મને લાગે છે કે ડેડી હંમેશ સાચા હતા અને હું ખોટી, પણ મને એ વાત સમજાઈ તો ખરી પણ એ સમજતાં મોડું બહુ થઇ ગયું .... ' માધવીએ લિવિંગરૂમના એક ખાસ કોર્નરમાં બનાવેલી ફોટો ગેલેરીમાં આરુષિ ને વિશ્વજિતની જૂદા જૂદા મૂડમાં ઝડપાયેલી તસ્વીરોના કોલાજ વર્ક તરફ સંતોષની નજર નાખી. જાણે પોતે કરેલી ભૂલભરેલી હરકત માટે દિવંગત પિતાની ભારે હૃદયે માફી માંગતી હોય.
લિવિંગ રૂમમાં ડાઈનિંગ એરિયા પાસે જ, ધ્યાન ખેંચે એ રીતે આઠ ફૂટ બાય ચાર ફૂટના કોલાજ વોલપીસ તરીકે મમ્મીડેડીની તસ્વીરો મઢીને પોતાની જિંદગીમાં ધબકતાં રાખવાનો પ્રયાસ માધવીના મનમાં ઉદભવતાં ગિલ્ટને કાબૂમાં રાખતા હશે કદાચ !! આરતીને તો એમ જ લાગતું હતું.
એક જ દિવસમાં, ગણતરીના કલાકોમાં માધવીની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી ને !!
હવે એ કરોડોની મિલકતની માલિક હતી, બાકી હોય તેમ સત્યેન ભટ્ટાચાર્ય જેવા કાબેલ વકીલ એને દીકરીની જેમ ગણતાં હતા. કદાચ એટલે જ માધવી ક્યાં રહે છે તે જાણ્યાં પછી સૌથી વધુ આશ્ચર્યનો ઝટકો ભટ્ટાચાર્યને લાગ્યો હતો. : વિશ્વજિતે તને આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા હા પણ પાડી ને એ જ વાત મારા માન્યામાં નહોતી આવતી પણ, નક્કી એને આ બધી ઝીણી વિગતો ખબર નહી હોય. બાકી હું નસ નસ જાણું મારા આ લંગોટિયા મિત્રની !! એ તને આ લોકાલીટીમાં, આવા ખોલી જેવા ઘરમાં રહેવા દે? , ઈમ્પોસિબલ ...
ભટ્ટાચાર્યે તો માત્ર પોતાનો અભિપ્રાય કહ્યો હતો એમને શું ખબર કે પોતાના દોસ્તની દીકરી બાપ સામે કેવું માથું ઊંચકીને બગાવત પોકારી અહીં રહેવા આવી હતી.
માધવી માટે પોશ એરિયાના હાઈરાઈઝ બિલ્ડીંગમાં યુધ્ધના ધોરણે નવો ફ્લેટ શોધવા પણ પોતાની મશીનરી કામે લગાડી હતી ભટ્ટાચાર્યે . અંધેરીના એક બેડરૂમ ફ્લેટ છોડીને માધવીને માસી ને બંને દીકરીઓ સાથે પાલી હિલના સી વ્યુવાળા ચાર બેડરૂમના વેલ ફર્નિશ્ડ આલીશાન ફ્લેટમાં શિફ્ટ થયાને હજી મહિનો નહોતો થયો કે આરતીએ સવારે ચા પીતાં પીતાં વાત છેડી દીધી.
'મધુ, મને હવે લાગે છે કે તું હવે સ્વસ્થ પણ છે અને કાબેલ પણ. બાકી હોય તેમ આ ભટ્ટાચાર્ય અંકલ તો સાથે હશે જ, એટલે મને લાગે છે કે હવે મારી જવાબદારી પૂરી થાય છે , હવે મારે જવું જોઈએ જ્યાં મારે હોવું જોઈએ .....' માસીનો ઈશારો આશ્રમભેગા થવા તરફ હતો.
'માસી, તમે પણ શું ? ' માધવી છેડાઈ પડી : ડેડીએ આપેલો વારસો શું મળ્યો, તમને એમ થઇ ગયું કે મને તમારી જરૂર જ નથી ?'
'એમ નથી મધુ, સમજવા પ્રયત્ન કર, મારી પણ ....' આરતીમાસી વધુ બોલે એ પહેલા જ માધવીએ તેમને વાત અધવચ્ચે કાપી નાખી : જો હું તમારી સગી દીકરી હોત તો તમે મને આ હાલતમાં મૂકીને જઈ શકતે, માસી ? દિલ પર હાથ રાખીને જવાબ આપજો ...'
માધવીની દલીલે આરતીને ચિત કરી નાખી : તું ક્યારેય દીકરી ન લાગી હોય એવું બન્યું છે ?? ....., શું કહેવું આ માધવીને ?
આરતી વિચારમાં પડી ગઈ, આરુષિને આપેલું વચન પૂરું તો થયું હતું ને માધવીની વાત પ્રમાણે હજી બાકી પણ ખરું .
'ઓ કે, માસી, એક વાત માનશો ? કાયમ માટે નહીં તો થોડો સમય રહી તો જાઓ પ્લીઝ, મને નથી લાગતું કે હું બધું એકલા હાથે હેન્ડલ કરી શકું ... અને સાચું કહું તો હું હવે તમારી પર પૂરેપૂરી રીતે ઈમોશનલી ડીપેન્ડન્ટ થઇ ચૂકી છું... માધવીના સ્વરમાં હળવી આજીજી હતી.
'હા, પણ મધુ ....' આરતી બોલે એ પહેલા ફરી માધવી એ ઝુકાવ્યું : માત્ર ચાર પાંચ વર્ષ માસી, વધુ કંઇ નહીં તો આ રિયા રોમાને સ્કૂલ જતાં થઇ જવા દો ... પછી તમે જે કહેશો તે મંજૂર ... બસ? '
આરતીએ પોતાના કાળજાના કટકા જેવી આરુષિની માધવી માટે હથિયાર હેઠાં મૂકી દેવા પડ્યા, નક્કી આખરે એમ થયું કે માસીએ બંને બાળકીઓ સ્કૂલ જતી થાય ત્યાં સુધી તો સાથે માધવી સાથે રહેવું જ પછી માસીનું મન કરે તે રીતે, જ્યાં રહેવું હોય તેમ કરવું : ઠીક છે, તો પછી ગૌરીને મારે મૂકવા જવી પડશે કે પછી એને અહીં કોઈ સ્કૂલમાં મુકવી પડશે .
' તમને જે યોગ્ય લાગે તે પણ તમે અહીં હશે તો મને માનસિક રીતે શાંતિ રહેશે, તમે ઘરમાં હશો તો હું કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશ .... બાકી મારું મન આમ રિયા ને રોમાને આયાઓના ભરોસે મૂકી દેવા માટે માનતું નથી . ' માધવીએ જરા અવાજ નીચો કરીને ધીરેથી કહ્યું, ક્યાંક દીકરીઓ માટે આયા તરીકે રાખેલી એંગ્લો યુવતીઓ ક્યાંક સાંભળી ન લે ...
માસી ભાણેજ વધુ કંઈ વાત કરે એ પહેલા તો રડારોળ કાને પડી . વર્ષની થવા આવેલી બાળકીઓ ભાંખોડિયા ભરવા પહેલા તો એકબીજા સાથે તાલ પૂરાવીને રડવાનું પહેલા શીખી ગઈ હતી. એમાં પણ માત્ર ચાર મિનીટ મોટી રિયાના લક્ષણ તો પારણામાંથી પરખાઈ ગયેલા : આ મોટી તો નક્કી માથાભારે થવાની ...જયારે રિયા નાની રોમાને વિના કારણે પજવી નાખતી ત્યારે માસીથી બોલ્યા વિના ન રહેવાતું .
' છોડી દે રિયા .... છોડ ....' રિયા માટે રાખેલી છોકરી ઇનાનો અવાજ કાને પડ્યો .
'આ તે કંઈ છોકરી છે ..... ' રોમાની આયા ગીતાએ એને ગોદમાં ઉઠાવી લીધી ત્યાં સુધીમાં તો રિયાએ રોમાના વાળ ખેંચી કાઢ્યા હતા ને રોમા ભેંકડા તાણીને રડી રહી હતી.
'જોયું માસી, મેં તમને શું કહ્યું ?? હવે તમે કહો કે તમે ન હો તો હું એકલે હાથે આ સર્કસ કેમનું મેનેજ કરું ? આ મોટી એટલી ખોટી છે ને !! ' માધવીના અવાજમાં કંટાળો ને ચીઢ હતા.
આયાઓથી આ સ્થિતિ નહીં સંભાળી જાય એવું સમજીને માસીએ જ વચ્ચે પડવું પડ્યું . માધવી તો ઉઠીને પોતાના રૂમમાં જતી રહી. નાની ઉંમરમાં આવી પડેલું માતૃત્વ આવું અકારું પણ હોય શકે એનો અનુભવ તો રોજનો થઇ ચૂક્યો હતો.
દિવસો મહિનામાં પલટાતા રહ્યા ને મહિના વર્ષમાં.
માધવીએ સાઈન કરેલી સહાનીની આર્ટ ફિલ્મ મૃગતૃષ્ણા રીલીઝ થઇ ચૂકી હતી. બોક્સઓફિસ પર ઠીક ઠીક દેખાવ કરી શકેલી આ ફિલ્મ એવોર્ડઝ માટે જ બની છે તેવું તો સહુ કોઈ અખબાર લખી ચૂક્યા હતા. પણ, રિલીઝના બે જ વર્ષમાં સંખ્યાબંધ વિદેશી ભાષાઓમાં સબ ટાઈટલ સાથે પ્રદર્શિત થયેલી ફિલ્મ ભારે ચર્ચામાં રહી હતી. એક માત્ર ગેરફાયદો એ થયો હતો કે હવે માધવી પર લાગી ગયું હતું લેબલ આર્ટ ફિલ્મ આર્ટીસ્ટનું,
આવી ધાંસુ ફિલ્મ કર્યા પછી એને મળી હતી બધી એ જ પ્રકારની ફિલ્મો .જેનથી ટૂંક સમયમાં જ મન ભરાઈ ગયું હતું, વધુ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .ગમે તે કારણસર હવે આ ફિલ્મોમાં દિલ નહોતું લાગી રહ્યું.
'માધવી, હું એમ નથી કહેતો કે જે મળે તે ધડાધડ ફિલ્મો સાઈન કરી લેવી જોઈએ પણ મને લાગે છે કે તું હવે હળવે હળવે એક કમ્ફર્ટ ઝોનમાં ઘૂસી રહી છે ... ' ઇન્ડસ્ટ્રીમાં હવે એક મોટું નામ બની રહેલા શશીએ મિત્ર તરીકે માધવીને ચેતવતાં કહ્યું હતું . માધવી માત્ર ફિલ્મો જ નહીં, ફિલ્મી સર્કલમાં ઉઠબેસ પણ ટાળી રહી હતી.
દબદબાભર્યા એવા એક એવોર્ડ ફંકશનમાં શશીના આગ્રહને વશ થઇ માધવીએ જવું પડ્યું .
'ખરેખર તો હું જાઉં કે ન જાઉં પણ તારે તો જવું જ જોઈએ, તારું નામ બેસ્ટ એક્ટ્રેસ નોમિનીમાં છે ...' શશીએ સાચી વાત કરી હતી.
'હા, એ સાચું પણ શશી, મને ખબર નહીં પણ કંઇક અજબ ઘૂટન મહેસૂસ થાય છે આ વાતાવરણમાં ...'
'માધવી, નો બહાના પ્લીઝ ...' આ પણ કામનો એક પ્રકાર જ છે, સેલ્ફ માર્કેટિંગ ... લવ ઇટ, ઓર લીવ ઈટ ....'
એવું જ એક એવોર્ડ ફંક્શન હતું . ચકાચૌંધ રોશની અને આડંબરથી છલકાઈ રહેલી ભીડમાં માધવીએ રાજાને પ્રવેશી રહેલો જોયો, સાથે હતી મધુરિમા.
રાજાના ડાબા હાથમાં હાથ ભેરવીને ચાલી રહેલી ગર્વિષ્ઠ પત્ની .પણ હવે આ બધું વિચારવાનો હવે કોઈ અર્થ પણ નહોતો . માધવીએ આ દ્રશ્ય જોયું જ ન હોય તેમ નજર ફેરવી લીધી. કાર્યક્રમ ચાલુ થવાને વાર હતી, ને ત્યાં તો સામેથી મંદ મંદ સ્મિત વેરતાં રાજા પોતાની તરફ આવી રહેલો દેખાયો .
માધવીએ નજર ચૂકવવાનો ફરી એકવાર પ્રયાસ કર્યો, તેની હાજરી અવગણવા છતાં પણ રાજાએ એ વાત ન ગણકારવી હોય તેમ બાજુમાં આવીને ઉભો રહ્યો : હેલો, માધવી .... કેટલા સમયે તને જોઈ. શું ચાલે છે ? ઓલ વેલ ?
'જી, થેન્કસ. ' માધવીને આ માણસનું મોઢું નહોતું જોવું છતાં જરા સ્મિત કરીને કહેવું પડ્યું .
'અરે, હા, તું કદાચ નથી મળી, મીટ માય વાઈફ મધુરિમા .....' રાજાએ બાજુમાં થોડું અંતર રાખીને ઉભી રહેલી પત્ની સાથે ઔપચારિક ઓળખાણ કરાવી.
ઓળખાણ કરાવવા પછી પણ મધુરિમાના હોઠ ઇંચ ન હલ્યા અને આંખોએ કોઈ જુદી જ જબાનમાં વાત કરવા માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી કદાચ ખરેખર માનસિકરીતે રુગ્ણ હતી. દુનિયાની તમામ સ્ત્રીઓને પોતાના પતિની પાછળ પડેલી સમજી લેવાની બીમારી .
રાજાની સાથે ઉભી રહેલી એની પત્ની કોઈ નવું પ્રાણી ભળતી હોય તેમ માધવીને જોઈ રહી હતી , કદાચ એના મનમાં ચાલી રહ્યું હતું : મારા પતિ પર તરાપ તો નહીં મારે ને આ ?
બિચારી ... માધવીને માનસિક રોગી એવી આ સ્ત્રીની દયા આવી ગઈ. અલબત્ત, એ ગુસ્સાને નહીં દયાને પાત્ર હતી .
'મને ખાતરી છે કે આજે એવોર્ડ તમારે નામે છે. ... ઓલ ધ બેસ્ટ ' રાજાને લાગ્યું કે માધવીની આંખમાં રહેલી ઉપેક્ષા એટલી સ્પષ્ટ છે કે મધુરિમા પણ વાંચી શકે, છતાં હટવાના મૂડમાં નહોતો .
માણસ કેટલો બેશરમ અને નિષ્ઠુર હોય શકે એનો ખ્યાલ માધવીને આવ્યો : પ્રિયા સાવ સાચું કહેતી હતી ને પોતે ક્યારેય ન સમજી ...
રાજા ખરેખર બેશરમ માણસ હતો એવું લોકો કેમ કહેતા તેનો પહેલીવાર અનુભવ માધવીને થયો. એ ત્યાંથી ખસી ગઈ છતાં મધુરિમા માટે થઇ રહેલી ગુસપુસ કાને પડ્યા વિના ન રહી:
બિચારી, કોઈક માનસિક બીમારી કહેવાય નેએવું કંઈ ... એક નિર્માતાની પત્ની જેવી દેખાતી હીરે મઢેલી ઢીંગલી જેવી સ્ત્રીએ તેની બાજુમાં બેઠેલી બીજીને કહી રહી હતી.
'અરે હા બિલકુલ , શી ઈઝ સ્કીઝો, મને તો અંદરની બધી ખબર છે ને !! એટલે તો મહેરાએ આ જમાઈ ખરીદ્યો. '
' પણ આ જાણ્યા પછી પણ રાજા પરણ્યો હશે તે બહુ કહેવાય ને !! બીજીના સ્વરમાં અચરજ હતું ને નહીં પણ. : જો કે આમ કરોડોની મિલકત એક લટકામાં મળતી હોય તો રાજા આવી એક નહીં પચાસ ગાંડીને પરણવું પડે તો ય પરણે .... આખરે લીલો રંગ કેવો કરામતી હોય છે કોણ નથી જાણતું ?
'હા, ને વળી આ તો ફિલ્ડ પણ એવું, ઘરવાલી સાથે બહારવાલી તો એડ ઓન હોય જ ને ..' એ વાત સાથે દબાયેલું હાસ્ય ને વધુ થોડી ગુસપુસ.
બે સ્ત્રીઓની વાતચીત પર કાન રાખીને બેઠેલી માધવી ચમકી, રાજાએ ખરેખર આ બધું જાણ્યાં પછી મધુરિમા સાથે લગ્ન કર્યા?
માત્ર રાતોરાત મોટાં બની જવા માટે મહેરાના ખરીદેલા જમાઈ બની જવાનો સોદો કર્યો ?
પેટમાં કોઈક ચકરડી ફરી રહી હોય તેમ ઉબકો આવી ગયો, આવા નીચ માણસને પોતે ઓળખી ન શકી ?
એને પોતાની જાત સાંભળી લઇ ફરી એક વાર શશીના શબ્દો યાદ કરી લીધા, સેલ્ફ પ્રોમોશન, લવ ઈટ ઓર લીવ ઇટ, હિરોઈન તરીકેની પહેલી જ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેત્રી કેટેગરીમાં નોમીનેશન ...એ સમયે આ બધી વાતો સાંભળી અપસેટ થવાનો અર્થ શું ?.
મનને મનાવતી રહી છતાં માધવીને અચાનક જ સમારંભ છોડીને ભાગી છૂટવાની ઈચ્છા બળવત્તર થઇ રહી : બસ, બહુ થયું, હજી ક્યાં એક ચહેરા પર અનેક ચહેરાં પહેરીને ફરતાં આ બહરુપિયાઓના સમાજમાં ક્યાં સુધી રહેવું ?
'શશી, એક વાત કહેવી છે ... ' બાજુમાં બેઠેલા શશીને મનની ઈચ્છા કહેવી હોય તેમ માધવી દબાયેલા સ્વરે બોલી .
શશીના ચહેરા પર સ્મિત હતું, એને મજાક સુઝી રહી હતી : યેસ મેમ, એવોર્ડ સ્પીચમાં મારું નામ લઇ થેંક યુ કહેવું છે ?
'શશી, સાંભળ, મને ખબર નથી કે એવોર્ડ મને મળશે કે નહીં પણ ...મને ખબર નથી કે તું કઈ રીતે રીએક્ટ કરે ....'
શશીના ચહેરા પર એક સાથે પાંચ પ્રશ્નાર્થચિન્હ આવીને ગોઠવાઈ ગયા હોય તેમ સ્પષ્ટ દેખાતું હતું .
એ પછી વધુ વાતચીતને અવકાશ ન રહ્યો અને જોરદાર મ્યુઝીક સાથે કાર્યક્રમ ચાલુ થયો. એના શોરમાં માધવીના શબ્દો શશીના કાને પડ્યા વિના જ ગુમાઈ ગયા.
આર્ટ ફિલ્મોની કેટેગરીમાં માધવીના મેઈન રોલવાળી ન સુબહ, ન શામ પાંચથી વધુ એવોર્ડ્સ તો લઇ ગઈ હતી અને હવે બાકી રહી હતી માત્ર બે કેટેગરી શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીની.
એન્ડ અવોર્ડ ફોર ધ બેસ્ટ એક્ટ્રેસ ગોઝ ટુ ......... માધવી સેન ......
એક સાથે પાંચ પાંચ ફ્લડ લાઈટ્સ માધવી બેઠી હતી એ સીટ પર ફોકસ થઇ. લાઈટ્સ, કેમેરા ને ઓડિયન્સનું ફોકસ હતી માધવી અને સહુના આશ્ચર્ય વચ્ચે માધવીની સીટ ખાલી હતી. પાંચેક સીટ છોડીને બેઠેલા શશીને પણ ખબર ન પડી કે થોડીવાર પહેલા તો અહીં જ બેઠી હતી તો આટલીવારમાં માધવી ગઈ ક્યાં?
કાર્યક્રમ તો નિયત રીતે ચાલતો રહ્યો પણ કોમ્પ્લેક્સની બહાર નીકળતી વખતે બિગ સ્ક્રીન પર પોતાની ખાલી પડેલી સીટ માધવી જોતી રહી. પોતે બેથી હતી એ ખાલી સીટ પર કેમેરા ફોકસ થયો હતો, જેને ખાલી જોઇને સહુ કોઈને અચરજ થાય એ સ્વાભાવિક હતું ,
રહી રહીને લાગતું હતું જે કરવું છે તેની શરૂઆત અત્યારે જ અહીં થી જ કેમ નહીં ?
'એટલે હું કંઈ સમજી નહીં !! તું એવોર્ડ લીધા વિના, તારું નામ અનાઉન્સ થાય એ પહેલાં નીકળી ગઈ ? કેમ ? ' એવોર્ડ ફંક્શન છોડીને ઘરે આવી ગયેલી માધવીને જોઇને આરતી અચરજમાં પડી ગઈ. હજી એને આખી વાતની ગડ મગજમાં નહોતી બેઠી .
'ઓહો, તમને કહ્યું તો ખરું કે અચાનક મારા મનમાં થયું આઈ ડોન્ટ બીલોન્ગ હીયર ... હું શું કરી રહી છું અહીં ? '
આરતી સમજવા પ્રયત્ન કરી રહી, માધવી બોલતી રહી ને એ સાંભળતી રહી. જે માટે આરુષિ દિનરાત ચિંતિત રહેતી હતી તે પરિસ્થતિની ગૂંચને કુદરત હવે પોતાની મરજી પ્રમાણે ઉકેલી રહી હતી , ને તે જોવા માટે પોતાની બહેન હયાત નહોતી .
' શું વિચારમાં પડી ગયા માસી ? ' માધવીને આરતીમાસીની ખામોશી અચરજ પમાડી રહી હતી.
'ના. કંઈ નહીં, રહી રહીને થાય છે કે વિધિને આ જ લેખ લખવા હતા તો એની તારીખ વહેલી કેમ ન પાડી ? આ દિવસ જોવા મારી આરુષિને કેમ જીવતી ન રાખી ? આ નિર્ણય તે થોડાં વર્ષ પહેલાં લઇ લીધો હોત તો ખુશી તારા ડેડીને થાત ને શાંતિ તારી માને , તારી આ બધી ચિંતાઓમાં બિચારી છેવટ સુધી શેકાતી રહી કે તારા ડેડીને ક્યાંક ખબર પડી ગઈ તો ?? એ ફફડાટ એને દિનરાત જંપવા નહોતો દેતો !' માસીના અવાજમાં નિશ્વાસની છાયા હતી.
માધવી સ્તબ્ધ રહી ગઈ. માસી આ શું બોલી ગયા?
'એટલે ? મમ્મી શું જાણતી હતી આ બધી વાત ? એને ખબર હતી આ અવસ્થાની ? મારી પ્રેગનન્સી, રાજ સાથેના સંબંધની ....?? .'
'દીકરા, એ તારી મા હતી. ને મા એ હોય કે ઘા સંતાનને થાય તો પીડા એને થાય ....'
'શું વાત કરો છો, મમ્મીને ખબર હતી આ બધી વાતની ? ' માધવીને થયું કે કશુંક ખોટું સાંભળ્યું પોતે .
'મધુ, હવે તો કહેવામાં કોઈ વાંધો પણ નથી. પણ મારી બેન, મારી આરુષિ , તમારા બાપદીકરી વચ્ચે રહેંસાઈ જતી. કહેવાય છે ને કે સૌથી વધુ દુ:ખ એ વ્યક્તિ તરફથી જ મળે જેને તમે સૌથી વધુ પ્રેમ કરતા હો, આરુષિને મન વિશ્વજિત ને તું સર્વસ્વ હતા. બંને જીદ્દી, બંને આપખુદ ને અહમ તો બાપદીકરીના લોહીમાં હતો જ, એમાં પીસાતી રહી મારી બેન, બિચારી ..'
'માસી, એ વાત છોડો, મને એ કહો કે મમ્મીને ખબર હતી આ પ્રેગ્નન્સીવાળી વાત ?' માધવીના દિલમાં ફફડાટ તો એવો થયો કે મૃત્યુ પામેલા માબાપ જાણે હમણાં જ સામે પ્રગટ થઇ જવાના હોય.
'સાંભળવું જ છે માધવી ?? ' માસીના અવાજમાંથી આદ્રતા અલોપ થઇ ચૂકી હતી : પહેલાં આરુષિને ખબર નહોતી કે વાત ખરેખર શું છે, પણ એને એટલો તો અંદેશો આવી જ ચુક્યો હતો કે તું કોઈ ભારે મુસીબતમાં છે. જે ન તો તું કહી શકતી હતી ન સહી શકવા શક્તિમાન હતી. અને એટલે જ એને મને કહ્યું તારા ઘરે અચાનક આમ ટપકવાનું. .....'
'ઓહ એટલે તમે મારા ઘરે આ પ્લાન બનાવીને અચાનક આવ્યા હો તેમ ચઢી આવેલા ?? ' માધવી સન્ન થઇ ગઈ.
'હા, એમ જ સમજ....અને એ પછી શું થઇ રહ્યું છે એની ઝીણામાં ઝીણી વિગતો આરુષિને ખબર હતી ...'
'એટલે આ રિયા ને રોમાનો જન્મ ......' માધવીએ અચરજથી માસી સામે જોયું .
'હાસ્તો, આરુષિને ખબર હતી ....'
આરુષિને તો એ પણ ખબર હતી કે તેં જેને મન મૂકીને પ્રેમ કર્યો એ તારી સાથે કેવી રમત રમી ચૂક્યો છે, પણ એને ખબર નહોતી પડતી કે હવે આ પરિસ્થિતિ હેન્ડલ કઈ રીતે કરવી, કારણ કે તારા ડેડી થોડા સમય માટે ઇન્ડિયામાં વસવા માંગતા હતા. આરુષિને ડર એ વાતનો હતો કે વિદેશમાં રહેવાથી તો વાત સચવાઈ ગઈ પણ ઇન્ડિયામાં જ રહેવાનું થાય તો તારા ડેડીથી આ મામલો છૂપાઈ શકવાનો નહીં, ને ગુસ્સામાં જો કંઈ ન થવાનું થઇ ગયું તો ?? ' માસીના ચહેરા પર પોતાની નાનીબેનનો વિષાદ ન જીરવાતો હોય તેવો રંજ તરવરતો રહ્યો .: જો, આ ફિલ્મનું તૂત તેં પહેલેથી જ મૂકી દીધું હોત તો !!
માધવી પોતે માબાપની ગુનેગાર છે એવું કંઇક સમજીને જાતને કોસી રહી હોય તેમ નજર ઝુકાવીને બેઠી રહી. હવે જયારે દિલમાંથી પ્રાયશ્ચિતની આગ ભડકે બળી રહી હતી ત્યારે માફી માંગવા મમ્મી ડેડી હયાત પણ નહોતા,એમની વાત એમના જીવતાં ભલે ન સાંભળી, પણ તર્પણરૂપે માન આપવાનું કામ હવે તો પોતે કરી શકે ને !!
થોડીવાર પછી કળ વળતી હોય તેમ માધવીએ એક ઊંડો શ્વાસ ભર્યો : માસી, અહીં આવો.
એ આરતીમાસીનો હાથ પકડીને લિવિંગરૂમના કોર્નર પર ફોટોગ્રાફ થઇ ઝૂલી રહેલા આરૂષિ ને વિશ્વજિત પાસે લઇ ગઈ.
'માસી, હું મમ્મી ડેડીને જીવતેજીવ તો શાંતિ ન આપી શકી પણ હવે તો આપી શકું ને ? '
માધવીએ એક હાથ તસ્વીર પર રાખ્યો અને બીજા હાથે માસીનો હાથ ઝાલી રાખ્યો :
'મમ્મી ડેડીને દુભવ્યા એ માટે માફી તો કદાચ નહીં મળે પણ પ્રાયશ્ચિત તો કરી શકું ને ?
માધવીની આંખોમાંથી પસ્તાવો ભીનાશ સ્વરૂપે જામી રહ્યો હતો. : મમ્મી, ડેડી, તમે ભલે આ દુનિયામાં ન હો પણ તમારી આ દીકરી તમને પ્રોમિસ કરે છે કે આજ પછી આવી કોઈ જેવી પ્રવૃત્તિ હું તો નહીં જ કરું પણ તમારી વ્યાજ એવી રિયા ને રોમાને પણ એવી કેળવણી ને શિક્ષણ આપીશ કે તમે મારા માટે જોયેલા સ્વપ્ન તમારું વ્યાજ પૂરું કરે .'
'.....તો હવે તું શું કરવા માંગે છે ? ' માસી માધવીના આ નવા રૂપને જોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હોય તેમ લાગ્યું .
' મનમાં એકદમ ક્લીયર રોડમેપ તો નથી હજી, પણ જે પણ કરીશ આ ફિલ્મો તો નહીં જ, શક્ય છે હોય કંઈ આર્ટ ને લાગતું જ ને !! ડેડીની ઈચ્છા પ્રમાણે હવે ભણવા તો નહીં જઈ શકાયને !! આર્ટ ગેલેરી કરીશ, કે પછી કશુંક ક્રિયેટીવ ...., બાકી હોય તેમ શશી તો મદદ કરવા માટે છે જ પણ હવે તો ભટ્ટાચાર્ય અંકલે પણ કહ્યું છે કે ક્યાંક કંઈ અટકતું લાગે તો મારે એમને વિના કોઈ ખંચકાટ ફોન કરી લેવો ....'
આરતીના મનમાં એક સંતોષની લહેર ઉઠી રહી. જાણે ફોટોગ્રાફ્સમાં આરુષિ ને વિશ્વજિત બંને મલકી રહ્યા હતા.
પોતાના નિર્ણયથી જ કોઈ અનેરી શાંતિ અનુભવી રહી હોય તેમ માધવી ક્યાંય સુધી ડેડીના ફોટોગ્રાફ્સ જોતી રહી: માસી, આજે જાણે એવું લાગ્યું કે પેલા ફોટોગ્રાફ્સમાંથી મમ્મી મને કહે છે કે બાજુમાં જ તો હતી, તેં મને ઓળખી નહીં ? માધવીએ પાસે આવીને માધવી બેઠી હતી ત્યાં માસીના પગ પાસે બેસી ગઈ અને માથું ઘૂંટણ પર ટેકવ્યું .
આરતીની આંખો ભીની થઇ ગઈ. પોતાના નસીબમાં માતૃત્વનું સુખ આ રીતે લખ્યું હશે ? એ હળવે હાથે માધવીના વાળ પસવારતી રહી. આ પળ લાંબી ટકવાની ન હોય તેમ બેબીઓના રૂમમાંથી જબરદસ્ત અવાજ સંભળાયો .
'અરે, હજી રિયા રોમા ઊંઘી નથી ગયા ? ' માધવી એક ક્ષણનો વિલંબ કર્યા વિના ઉઠી ને દોડી.
રૂમમાં રોમાની ટોય બાસ્કેટ જમીન પર પડી હતી અને તમામ રમકડાં ને સમાન વેરવિખેર પડ્યો હતો.રોમા તો ઘસઘસાટ ઊંઘી રહી હતી અને બાસ્કેટ પાસે ઉભી હતી રિયા .
'આ શું માંડ્યું છે ? ' માધવીથી ન ચાહવા છતાં ગુસ્સે થઇ જવાયું .
દિનબદિન સમસ્યા વધી રહી હતી. રિયા પ્રોબ્લેમ ચાઈલ્ડ કહી શકાય એવી હરકતો કરી નાખતી . એની આક્રમકતાનો તો કોઈ જવાબ નહોતો.
' મારે કલર ક્રેયોન્સ જોઈતા હતા. ' રિયા દયામણું મોઢું કરીને બોલી .
' તો તારા ક્રેયોન્સ ક્યાં ગયા ?, બંનેને તો અપાવ્યા છે ....' માધવી થોડો ગુસ્સો કરીને બોલી .
'મારા ખોવાઈ ગયા તો શું કરું ? ' રિયાના અવાજમાં નકરી દાદાગીરી છતી થતી હતી.
'જોયું માસી ? આની દાદાગીરી જોઈ ? ' માધવીએ રિયાને ધમકાવી નાખવામાં કોઈ કચાશ ન રાખી : મને આને જોઇને તો થાય છે બિલકુલ એના બાપ પર ગઈ છે. નીચ...., #$%&@
ભલે બંને છોકરીઓ હતી જોડિયા, માત્ર ચાર મિનિટના અંતરે જન્મેલી પણ તેમના સ્વભાવ ને દેખાવમાં ઉત્તર દક્ષિણ અંતર હતું .
નાની રોમા વર્ણે ગોરી હતી અને માત્ર ચાર મિનીટ મોટી એવી રિયા ભીનેવાન, રોમા શાંત ને રિયા આક્રમક . બંને બાળકીઓ થોડી મોટી થઇ ત્યાં સુધીમાં તફાવત આંખે ઉડીને વળગે એટલો ગહેરો થઇ ગયો હતો. રિયા માટે કોઈ અકળ કારણસર માધવી ચિડાતી રહેતી, એને લાગતું હતું કે એ જાણે રાજાની આબેહૂબ નકલ હોય ને રોમા, પોતાની .
' માધવી, આ શું બોલી રહી છે ? જરા જબાન પર લગામ તો રાખ. નાનું બાળક છે હજી, પાંચ વર્ષના બાળક પાસે શું અપેક્ષા રાખે છે ? શું વારેવારે એની પાછળ પડી જાય છે ?...' માસીએ રિયાને પોતાની પાસે ખેંચીને કપાળ ચૂમ્યું : દીકરા, કોઈની ચીજ વસ્તુ લેવી હોય તો પૂછીને લેવાની ને !! રોમા કંઈ તને ના પાડવાની હતી ?'
માધવીને આ બધું જોવું ન હોય તેમ ધુંઆફૂંઆ થતી બહાર નીકળી ગઈ : ચઢાવો એને માથે ... ઓળખાતા નથી એને .... હવે જો તને બોર્ડીંગ સ્કૂલમાં નહીં મુકું ને તો જોજે ....
બોર્ડીંગ સ્કૂલનું નામ સાંભળીને રિયાનો ચહેરો વિલાઈ ગયો. , એને માત્ર એ નહોતું સમજાતું કે રોમાને ગોદમાં બેસાડીને કરે છે એવું વ્હાલ મમ્મી પોતાને કેમ નથી કરતી ? મમ્મી કેમ પોતાને વઢયા જ કરે છે ?
'નાની ...., મને ગટરમાંથી લાવેલા ? ' રિયાએ થોડીવારે આરતીને પૂછ્યું .
' અરે ના દીકરા, ના .... ગાંડી છે ? તને ને રોમાને બંને ને પરી આપી ગયેલી ...., પૂછ તારી મમ્મી ને ...' આરતીએ માધવી સામે ઠપકાભરી નજરે જોયું : આ છોકરીના માનસ પર શું અસર પડી રહી છે સમજે છે તું ?
માધવી પગ પછાડી બહાર નીકળી, એક જોરદાર અવાજથી રૂમનું બારણું પછાડીને બંધ કરતી ગઈ .....
ક્રમશ;