શક્તિનો ડાયનામો
મન પોતે જ એક રહસ્ય છે અને આ રહસ્યનો ઉકેલ લાવવામાં જ કેટલાય વર્ષો અને જન્મો જતાં રહે છે. કેમ કે બધી જ મુશ્કેલીઓ અને એ મુશ્કેલીઓના સોલ્યુશન્સ પણ આપણા મનમાં જ રહેલા હોય છે. મહાન લોકોમાં એક આકર્ષણનો ગુણ હોય છે તેથી જ તો તેઓ નેતૃત્વમાં સફળ નીવડે છે અને આવા ચુંબકીય અને એનેર્જેટિક આકર્ષણને સ્વામી વિવેકાનંદે શક્તિનો ડાયનામો નામથી પ્રયોજયો છે. સ્વામી વિવેકાનંદે એમના લોસ એન્જેલ્સના એક પ્રવચનમાં કહ્યું હતું કે " બધા શિક્ષણ, બધા પ્રશિક્ષણનો આદર્શ આ માનવનિર્માણનો હોવો જોઈએ. પણ આમ કરવાને બદલે આપણે હંમેશા બાહ્ય ભાગને જ સુસંસ્કૃત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે અંદર કશું જ ન હોય, ત્યારે બાહ્ય ભાગને સુસંસ્કૃત બનાવવાનો શો અર્થ ? બધા પ્રશિક્ષણનો હેતુ માનવ અધિકાર સાધવાનો છે. ભૂતકાળમાં અમુક વ્યક્તિઓએ કરી બતાવ્યું તદનુસાર જે મનુષ્ય પ્રભાવિત કરી શકે, પોતાના સાથીઓ પર જાદુ કરી શકે, તે શક્તિનો ડાયનામો છે અને જ્યારે તે માણસ તૈયાર થાય ત્યારે તેને ગમે તે બધું જ અથવા કંઈ પણ કરી શકે છે અને એ વ્યક્તિત્વનો જેના પર ઉપયોગ કરવામાં આવે, તે કાર્યરત બનશે. " સામાન્ય રીતે મહાન વ્યક્તિત્વમાં આવું આકર્ષણ જોવા મળે છે. ગાંધીજી જ્યારે અહિંસાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે એમનામાં પણ આવું જ આકર્ષણ જોવા મળે છે અને આ જ એક એવું આકર્ષણ છે જે તમને અમર કરી દે છે ! ગાંધીજીએ અહિંસાની લડાઈ ઘણા વર્ષો પહેલા લડી હતી, છતાં વર્તમાન સમયમાં પણ લોકો ગાંધીજીને યાદ કરે છે. સ્વામી વિવેકાનંદે પોતાના યુવા કાળમાં દિવ્ય અને સમાજ સુધારણાના કાર્યો કર્યા અને એ નાની ઉંમરમાં અવસાન પામ્યા હતાં છતાં આજે કેટલાય લોકો એમના સિદ્ધાંતો પર ચાલે છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ એક સંકલ્પ માત્રથી આવી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી શકે પણ એ સંકલ્પ સાચો અને પ્રબળ હોવો જોઈએ.
શ્રીમદ્દભગવદ્દ ગીતામાં પણ પંદરમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ ઉર્ધ્વમૂળ આદર્શનું વર્ણન કરેલ છે. આ ઉર્ધ્વમૂળ આદર્શમાં એક વૃક્ષરૂપી ઉદાહરણ લેવામાં આવ્યું છે. આ વૃક્ષમાં મૂળ તરીકે નારાયણ છે અને ત્યારબાદ બ્રહ્માનો જન્મ છે અને વેદો આ વૃક્ષના પાન છે અને આ વૃક્ષ અવિનાશી છે. આ સિદ્ધાંતને પ્રથમ નજરે જોતાં બિઝનેસના માળખા જેવો જ લાગે છે, જેમ કંપનીમાં સૌ પ્રથમ ચેરમેન કે સીઈઓ હોય છે ત્યારબાદ જનરલ મેનેજર એમ જ આ સિદ્ધાંતમાં પણ છે. આ સિદ્ધાંત બ્રહ્માજીના સફળ નેતૃત્વનું માર્ગદર્શન આપે છે. જેમ જેમ આ સિદ્ધાંતને કોઈ સામાન્ય વ્યક્તિ સમજતો જાય છે તેમ તેમ તે શક્તિનો ડાયનામો બનતો જાય છે ! આ બધા સિદ્ધાંતો અને આદર્શો તો બરાબર છે પરંતુ આપણે એક નજર આપણા રોજિંદા જીવનમાં રાખીએ તો આપણે કેટલા સિદ્ધાંત અને સદ્દગુણોનું પાલન કરીએ છીએ ? એક કોલેજનો વિદ્યાર્થી સવારે આઠ કલાકે ઉઠે છે અને તૈયાર થઈને દસ વાગ્યે કોલેજ પહોંચે છે ! રાત્રે તે મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હોય છે તેથી તે વિદ્યાર્થીને ચાલુ લેક્ચરે ઊંઘ આવે છે અને આ કારણથી તે પોતાનું પૂરું ધ્યાન ભણવામાં રાખી શકતો નથી ! કોલેજ છૂટે છે અને તેની ગર્લફ્રેન્ડ તેને રાત્રે ડિનર સાથે કરવાનું કહે છે, અને તે વિદ્યાર્થી ઘરે કે હોસ્ટેલ પર જઈને ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં શું આપું એમ જ વિચારે છે અને સાંજ થઈ જાય છે ! તે ગિફ્ટ લઈને સીધો રેસ્ટોરન્ટમાં તેની ગર્લફ્રેન્ડ સાથે ડિનર જાય છે અને એનો દિવસ આમ જ પસાર થાય છે ! ત્યારબાદ એક એવા વિદ્યાર્થીની વાત કરીએ કે તે સવારે વહેલો ઉઠે છે અને સ્વાધ્યાય (સારા પુસ્તકોનું વાંચન અને ચિંતન) કરે છે અને ધ્યાન દ્વારા પોતાની જાતમાં સભાનપણું લાવે છે અને તે પોતાના સદ્દગુણોને યાદ રાખીને દિવસની શરૂઆત કરે છે, આ વિદ્યાર્થી પોતાના લેક્ચર્સમાં પણ ધ્યાન આપી શકશે અને પોતાની ગર્લફ્રેન્ડ કે મિત્રો સાથે પોતાની કોલેજ લાઇફનો આનંદ પણ ઉઠાવી શકશે ! ત્યારે કોઈપણ વ્યક્તિ આ બંનેના કંપેરિઝનથી નક્કી કરી શકે છે કે કોણ વધારે કાર્યક્ષમ અને કાર્યદક્ષ છે ! આપણો દેશ એ યુવા દેશ છે અને આ વાત ઘણા નેતાઓ ગર્વથી બોલે છે અને એમાં કંઈ ખોટું પણ નથી પણ યુવા વર્ગ કોઈ સારા કાર્ય તરફ વળે તો એ કાર્ય મહાન બનતું હોય છે અને એ જ યુવાઓ કોઈ નકારાત્મક કાર્ય તરફ વળે તો ? જવાબ આપણા મનમાં સાફ છે ! સ્વામી વિવેકાનંદજી એ જેમ કહ્યું હતું કે " કોઈપણ શિક્ષણ કે પ્રશિક્ષણનો આદર્શ માનવ નિર્માણનો હોવો જોઈએ." ત્યારે આ શિક્ષણથી માનવ નિર્માણ ? જેમ કોઈપણ શિક્ષણમાં સદ્દગુણો અને સિદ્ધાંતોનું વિશેષ મહત્વ હોય છે તેમ સદ્દગુણો કોઈપણ સામાન્ય માનવને અસામાન્ય તાકાત આપવામાં મદદ કરે છે. એક વ્યક્તિનું ઉદાહરણ લઈએ તો એક વ્યક્તિ હંમેશ સાચું જ બોલે છે, તેના મનમાં કોઈપણ પ્રકારનો ખોટો વિચાર આવતો જ નથી અને એ માણસ સાથે ઘણા લોકો ખોટું વર્તન કરે છે અને તેને જૂઠું બોલવા માટે મજબૂર કરે છે પરંતુ તે સત્યને જ વળગી રહે છે ત્યારે એ વ્યક્તિમાં એક અનોખી શક્તિ પેદા થશે અને એ બીજા કરતા થોડો વિશિષ્ટ બની જશે. આ સમયે એ વ્યક્તિ સત્યનો પર્યાય હશે અને શક્તિનો ડાયનામો બનશે અને લોકો પણ તેનાથી પ્રભાવિત થઈને સત્યનો સ્વીકાર કરશે. જ્યારે કોઈ સમયમાં કોઈ અનોખી ઘટનાના કારણે ઘણીવાર એક નિશ્ચિત સમય માટે એક નેતા પેદા થતો હોય છે, જે અન્યાય સામે લડાઈ કરે છે અને તેનામાં એવી શક્તિ હોય છે જેને કારણે લોકો તેના ચાહક બની જાય છે અને તેનું કીધું જ સાંભળે છે અને તે નેતા જે કહે તે લોકો કરે છે ! જો નેતા સાચો હશે અને એનામાં સદ્દગુણો અને વિવેક હશે તો તે ગાંધીજી જેવો મહાન પણ બની શકે છે અને જો તેનામાં સદ્દગુણો નહીં હોય તો થોડા સમય બાદ ગુમનામ થઈ જશે ! આવું દુનિયામાં અવારનવાર બનતું જ હોય છે. જો નેતા ગમે તેટલો મોટો હોય પણ જો તેનામાં વિનમ્રતા નહીં હોય તો પણ એ લાંબો સમય ટકી શકશે નહીં. આ એક મહાનતાની ખોજ જેવું જ છે ! આપણે સૌને ખ્યાલ છે કે ધ્યાન કરવાથી જીવનમાં સમન્વય અને સુસંગતતા જળવાઈ રહે છે અને સભાનતા પણ વધે છે પણ કોઈ વ્યક્તિ એમ ઇચ્છતો હોય કે ધ્યાન બાદની શાંતિ તેણે હંમેશા જીવનમાં રાખવી છે તો તેના માટે સદ્દગુણોનું પાલન કરવું અનિવાર્ય છે કેમ કે સદ્દગુણો આપણામાં આવતી સકારાત્મક ઊર્જા એટલે કે પોઝીટીવ એનર્જીને સાચવી રાખે છે અને મોટા ભાગના યોગમાં આ વાતનું મહત્વ છે. આ બધી બાબતોને જ્યારે જીવનમાં ઉતારવામાં આવશે અને બધું જ જ્ઞાન વ્યવહારમાં જોવા મળશે ત્યારે કંઈક નક્કર પરિણામ આવશે અને જીવન બદલાશે ! કોઈપણ વ્યક્તિ પ્રથમ તો સંભોગથી પોતાનો આનંદ મેળવશે અને એ આનંદ એક સમયે ખતમ થઈ જશે ત્યારે બે વિકલ્પ હોય છે કે કોઈ વ્યક્તિ અધ્યાત્મમાં જોડાશે અને ધ્યાન દ્વારા સંભોગ જેવો જ આનંદ મેળવશે અથવા કોઈ વ્યક્તિ ખરાબ વ્યસનમાં પડશે અને તેનાથી આનંદ મેળવવાનો પ્રયાસ કરશે પણ વ્યસનથી આનંદ ક્યારેય મળશે જ નહીં આમ તેણે ખોટી લત લાગી જાય છે. કેટલાક યોગની વાત કરીએ તો આપણા ભારતીય અષ્ટાંગ યોગમાં તો આ બધા નિયમો તો છે જ પણ સાથે સાથે જાપાનથી આવેલ વિદ્યા રેકીમાં પણ આનો ઉલ્લેખ છે અને રેકી એ બ્રહ્માંડની દિવ્ય ચેતનાનો એક ભાગ જ છે, જે કેટલાંક ચક્રોની શુદ્ધિ બાદ શરીરમાં વહેવા લાગે છે અને તેના દ્વારા રોગોનો પણ સફળ ઈલાજ કરી શકાય છે !
લેખક : પ્રદિપ પ્રજાપતિ