N kahevayeli vaat in Gujarati Love Stories by Tarulata Mehta books and stories PDF | ન કહેવાયેલી વાત તરૂલતા મહેતા

Featured Books
  • तेरा...होने लगा हूं - 9

    मोक्ष क्रिश को लेकर शेखावत हाउस के लिए निकल गया। वहीं स्कूल...

  • गुरु का मिलना

    कहावत सुनी ही होगी जब शिष्य तैयार होता है गुरु प्रकट होता है...

  • द्वारावती - 79

    79                             रात्रि भर उत्सव यमुना तट पर ब...

  • ट्यूशन

    मेरे पिता जी का ट्रांसफर जलालाबाद (थानाभवन) से बदायूं हो गया...

  • बदलाव ज़रूरी है

    नमस्कार दोस्तों कैसे हैं आप सब, आशा है सब बढ़िया ही होंगे. आग...

Categories
Share

ન કહેવાયેલી વાત તરૂલતા મહેતા

ન કહેવાયેલી વાત

તરૂલતા મહેતા

પ્રિયે,

તમે બિઝનેસ ટૂર પરથી રાત્રે મોડા આવી કોઈને પણ દખલ ના થાય તેમ બિલકુલ અવાજ કર્યા વિના શાંતિથી આપણા બેડની જમણી બાજુની ખાલી જગ્યામાં સૂઈ ગયા, પડખું ફરીને સૂતેલી હું જાગતી જ હતી પણ તમારો સ્વભાવ જ એવો કે તમારા માટે કોઈને રજમાત્ર તકલીફ પડે તે ગમે નહીં ! હું ભર નિદ્રામાં હોવાનો ડોળ કરતી વિચારું ક્યારેક આ ઉપરનો કાચ ધડામ દઈને ઠન .. કરતો તૂટી જશે ..ઝીણી ઝીણી કરચો ઓરડામાં વેરાઈ જશે .. પછી તમે સ્લીપર પહેરી હશે તોય વાગશે ને મારી જેમ તમને પણ લોહીની ટશરો દેખાશે!

સવારે તમારી બાજુની ટિપોઈ પર પડેલું ગુલાબી કવર તમે જિજ્ઞાસાથી ખોલ્યું . વીસ વર્ષથી બેડની ડાબી બાજુ સૂતેલી તમારી પત્નીની હથેલીમાંથી એના કિશોરઅવસ્થાની ઊભરી આવેલી વેદનાની કરચો વેરાઈ ગયેલી જોશો.આજ સુધી હદયને મુઠ્ઠીમાં બાંધી રાખ્યું હતું .....કહે છે બાંધી મુઠ્ઠી લાખની પણ આજે તમારી સમક્ષ ખોલીને જીવ સટોસટ ખેલ ખેલી રહી છું .મારા હદયને ખોલ્યા પછી મારું આજનું જીવન રાખનું થઈ જશે તો? છાતી બેકાબૂ ધડકે છે.શ્વાસ ઊંડા ઊતરે છે, મારું આખું અંગ કંપારીથી

ધ્રૂજે છે સાત પગલાં સાથે ફરેલા આપણાં લગ્નમાં સાતમું પગલું મૈત્રીનું હતું, અને મિત્રો નિખાલસ થઈ દિલની વાત કરે છે.મેં મારા દિલના એક કમરાને તાળાબઁધીમાં રાખ્યો હતો, તમારી સાથે જીવન વિતાવતાં તક મળે ચોરપગલે હું એ કમરામાં જતી રહેતી .માફ ન કરી શકાય તેવા મૈત્રીકરારનો મેં ભંગ કર્યો છે . ડોક્ટર હદયનો, ફેફસાનો એક્સ-રે લે છે, પણ દિલ -મનનો નો એક્સ-રે કેમ લેવાય? તેથી જ એક પતિની સારી પત્નીના રોલને હું નભાવતી રહી.

સુખથી પસાર થતા આપણા જીવનમાં એક ઝનઝાવાત આવ્યો છે.વીસ વર્ષનું આપણું લગ્નજીવન કહો કે સહજીવન કહો તેનાં મધુમીઠાં ફળ જેવાં આપણાં સન્તાનો નિનાદ અને નીના.તમારો શ્વાસ અધ્ધર થઈ ગયો ! જલ્દી કહે શું થયું ? એવી તાલાવેલી થઈ કે પત્ર લઈને બહાર છોકરાઓને જોવા દોડી ગયા ..તમે: અરે, નિનાદ, તું કેમ દેખાતો નથી? .નીનુડી તું ક્યાં સંતાઈ ગઈ?'કહેતા ઘરમાં ફરી વળ્યા. ઉપરના માળેથી નીચે ફરી ફરી સાદ કર્યો ઘર તો આજે મગનું નામ મરી નહિ પાડે, નીચે નિનાદનો રૂમ, રસોડુંમાં તમારા

અવાજના પડઘા વહેંતા રહ્યા ! પ્રાણથી પ્યારાં સંતાનો માટે તમે કેટલું કરો છો, સાચે જ નસીબદાર બાળકોને તમારા જેવો પિતા મળે !

એવો કોઈ અકસ્માત કે માંદગીની વાત નથી. સવારે નીના તો સ્કૂલે ગઈ હશે પણ નિનાદે હજી એના રૂમનું બારણું ખોલ્યું નથી। ક્યાંથી ખોલે? શરીરનો માર તો ઓછો થઈ ગયો હશે પણ દુભાયેલા, કચડાયેલા , હણાયેલા હદયને ક્યારે કળ વળશે? દર્દ ન જાને કોઈ !

સ્કૂલના કેમ્પમાંથી પાછા વળતા નિનાદને કોઈએ ઇજા કરી હતી, કેમ થયું? કોણે કર્યું? એણે કહ્યું નથી .

એની શ્યામ ફ્રેન્ડ નાન્સી સાથે હતી તેથી બીજા શ્યામ છોકરાઓને ચીડ આવી હશે. આ રંગવાદને કારણે થયું હોય !

નિનાદ સાથે ઘટેલી ઘટનાએ મને મારા ભૂતકાળની ખીણમાં ધક્કો માર્યો અને હું ખળભળી ઊઠી છું !

મારે એક કબૂલાત આજે કરવાની છે.મેં ત મને પહેલાંના તમારા કોઈ સબંધો વિષે પૂછ્યું નથી કારણ કે મેં તમને મારા જીવનમાં કુટુંબની રૂઢિચુસ્તતાને કારણે બનેલી કિશોરઅવસ્થાના પ્રેમની કરુણ ઘટના કદી કહી નથી.ન કહેવાયેલી વાતનો બોજ મને ચેનથી જીવવા દેતો નથી.તમે શું કરશો? તેની મને કોઈ ધારણા નથી. આજે ત્રીસ વર્ષ થઈ ગયાં એ વાતને ! વડીલોએ એને નાદાની ગણી હતી, અમે હું અને મારા બચપણનો સાથી નિર્દોષ રમત રમતાં ઝરમર પ્રેમમાં ભીંજાયાં હતાં પણ મારા મોટાભાઈએ એનું અપમાન કરી, મારી ઘરની બહાર કાઢી મૂક્યો .મારા હાથ બાંધેલા હતા. એ.એ સદાને માટે ગામ છોડી જતો રહ્યો .જેનું નામ -સરનામું ક્યારેય મને મળ્યું નહીં પછી બધું ભૂંસાતું ગયું ...તમે મારા જીવનને સાહી લીધું, તમારો પ્રેમ શાંત નદીનો પ્રવાહ !

વીસ વર્ષ સુધી ન કહેવાયેલી વાત આજે કહેવાની અંદરથી તડપ ઊઠી છે. દિલના તળિયે દટાયેલી યાદઆજે મનના સરોવરમાં સફેદ-ગુલાબી પોયણાની જેમ જળની ધબકતી સપાટી પર હાલમડોલમ થયા કરે છે. મારુ સમગ્ર અસ્તિત્વ એની આસપાસ ઘૂમરાય છે.વર્તમાન જાણે એમાં તણાતો જાય છે.

મારી ડાયરીના પાના પરની લોહીની લાલ ટશરોનો રંગ...એ પ્રેમની મધુર દર્દીલી યાદને .. વર્ષોના રબરથી ભૂંસી નાખવાના પ્રયત્નોમાં આંગળીને છાલા પડી ગયા પણ એની યાદમાં પાણી પીતાં અંતરસ અચૂક આવ્યું અને કિશોરઅવસ્થાના એ સાથીની તે વખતની શારીરિક અને માનસિક પીડા રાત્રે તમારા પડખે ઊંઘવાનો ડોળ કરી સૂતેલી મારી નસેનસમાં કરચોરૂપે ભોંકાયા કરે છે.

નિનાદ અને નાન્સી હાઈસ્કૂલ બડી છે, એમના કુંવારા હૈયાઓમાં ફૂટેલા પ્રેમના કૂમળા છોડને જોરજુલ્મથી પીંખી નાંખનારની સામે હું નિનાદને સપોર્ટ કરવા એને પડખે રહીશ .કદાચ આ બાબતે આપણા સહજીવનમાં તોફાન આવે!

તમને નિનાદની સલામતી ખાતર આવી ઘટનાથી દૂર રહેવાનું ઉચિત લાગે! વ્યવહારુ દ્રષ્ટિએ તે બરોબર જણાય પણ પ્રેમ સમાજના નિયમ કે વ્યવહારોની સીમામાં હંમેશા પાંગરતો નથી, જાણ્યે-અજાણ્યે પ્રેમી હૈયા નાત જાત, ઉચ્ચ નીચ ગરીબ તવંગરના ભેદને ભૂલી જાય છે તેમ શરીરનો રંગ, ધર્મનો ભેદ પણ વિસારે પાડે છે. પ્રેમમાં પાગલપન કહો કે અંધત્વ આવી જાય તો સમાજ દુશમન બને ત્યારે નિનાદના કિશોર અરમાનોને સમજવાની આપણી ફરજ છે, એના અપમાનિત, દુઃખી મનને નાદાની ગણી અવગણવાનું મારાથી નહિ બને !

તમે મને અને આપણા કુટુંબને અપાર સુખ -સગવડ આપ્યાં છે તેને માટે હું જન્મોજન્મ તમારી ઓશિંગણ (આભારી)છું. આ વાત એટલે જ મેં તમને ઘણીવાર કહેવા વિચારેલું પણ મારી જીભ ઊપડી નહોતી, જેને સાવ નાંખી દેવા જેવી, વીસરી જવાની ઘટના ગણેલી તે મારા દિલને તળિયે જીવ્યા કરી.હું તમને મારું સર્વસ્વ આપું તોય કંઈક તો અધૂરું રહેવાનું! બધી રીતે ‘પરફેક્ટ પત્ની’ તમે મને કહો છો ત્યારે તમને છેતર્યાનો ગુનો મને અજંપ કરી મૂકે છે.તેમાં નિનાદને જોતાં ઇતિહાસનું પુનરાવતન થતું દેખાય છે .તમારા પ્રેમના શાંત, નિર્મળ પ્રવાહથી તમે નિનાદને ફરી હસતો કરી શકશો?

તમને જીવનસાથી તરીકે નહિ પણ ગમી જાય તેવી વ્યક્તિના રૂપમાં પ્રથમ વાર મેં મુંબઈના એરપોર્ટ પર જોયા હતા.મારા મોટાભાઈ અને ભાભી સિંગાપોર ફરવા જતા હતા એટલે હું તેઓને વિદાય આપવા પાપા સાથે આવી હતી. મુસાફરોની ભીડમાં દૂરથી આવતા એક પ્રભાવશાળી સૂટ પહેરેલા સજ્જનને જોઈ પાપા બોલી ઊઠેલા :'ઓહ, નિરંજન !' એમનો કોલેજનો મિત્ર. મારી નજર કાર્ટમાં બેગો ગોઠવતા ઊંચા, નમણા યુવાન પર ઠરી હતી.મુસાફરોની કલબલ, અધીરાઈ અને વ્યાકુળતાના મહોલમાં તે શાંતિથી પોતાની બેગો કાર્ટમાં લઈ બોલ્યો :'લેટ્સ ગો ડેડી' ત્યાં સુધીમાં ગેટ પાસે જ પાપા મિત્રને ભેટી પડ્યા.

બીજે અઠવાડિયે આપણું મિલન ગોઠવાયું .તમે નક્કી જ કરીને આવ્યા હશો .તેમાં મારી નજરે ચાડી ખાધી હશેકે તમે ગમો છો, તેથી મારો હાથ પકડી પૂછ્યું :

'લગ્ન પછી ટૂંક સમયમાં અમેરિકા આવીશ ને? એકલો રહી કંટાળ્યો છું ! ‘આટલી આત્મીયતા પહેલી મુલાકાતમાં ! મારી તો જાણે વિચારશક્તિ જ ખૂટી ગઈ .આવો સાલસ, પ્રેમાળ સ્વભાવ ! મારા ઘા પર જાણે શીતલ મલમનો લેપ થયો !

તમે પત્ની તરીકેની પસંદગી માટે મને લાયક ગણી કદી મારા ભૂતકાળ વિષે પૂછ્યું નહિ, પણ પતિ-પત્નીની મૈત્રી ત્યારે જ ખરી કહેવાય કે મન ખૂલ્લાં હોય!

મારા ગુનાને ક્ષમ્ય ગણી શકશો?

મારા કિશોરાવસ્થાના પ્રથમ પ્રેમને દિલનિકાલ નહિ કરવાની મારી જીદને તમે શું ગણશો -નિર્બળતા કે બેવફાદારી ?

તમારી અપૂર્ણ પત્ની