Lifestyle - Beauty - Article 2 in Gujarati Magazine by Vrunda Manjit books and stories PDF | Lifestyle - Beauty - Article 2

Featured Books
Categories
Share

Lifestyle - Beauty - Article 2

લાઈફસ્ટાઈલ

બ્યૂટી

- વૃંદા મનજીત



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•ત્વચાઃ સુંદરતાનું દર્પણ

•ચંદન

•ચંદન અને હળદર

•ચંદન અને દૂધ

•ચંદન અને બદામ

•ચંદનનો ફેસ પેક

•દહીં

•ચણાનો લોટ

•મુલતાની માટી

•ચા અને મધ

•ઓટ્‌સ અને લીંબુ

•હળદર અને લીંબુ

•હળદર અને ટામેટાં

•દહીં અને નારંગીનો પાઉડર

•દહીં અને લીંબુ

•દૂધ, લીંબુ અને મધ

૧ - ત્વચાઃ સુંદરતાનું દર્પણ

ઈન્ટ્રોઃ આપણી ત્વચા એ સ્વાસ્થ્ય અને સુંદરતાનો આયનો છે. ત્વચા પરની રૂંવાટી અને ત્વચાને શ્વાસ લેવા માટે બનેલા રોમછિદ્રો તડકો, ધૂળ, સૂર્યકિરણોના કુપ્રભાવથી બચાવે છે.

સાફ, ધાબારહિત, ખીલ વગરની કોમળ ત્વચા સૌંદર્યની પારાશીશી છે. આ માટે ઘરમાં રાખેલા કેટલાક પદાર્થોને વાપરીને પણ સૌંદર્ય જાળવી શકાય છે.

સૌ જાણીએ છીએ કે આધુનિક સમયમાં અનેક પ્રસાધનો ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક સર્જરી અને સૌંદર્યને ખિલવવાના અનેક ઉપાયોરૂપે ગલીએ ગલીએ બ્યૂટિ પાર્લરો ખૂલ્યાં છે પરંતુ ઘરેલુ ઉપાયોથી મળેલું કુદરતી સૌંદર્ય સૌથી સારૂં કહેવાય જેમાં કોઈ પ્રકારની સાઈડ ઈફેક્ટ થવાની શક્યતા રહેતી નથી.

૨ - ચંદન

ચંદન એ એક પ્રકારનું કુદરતી લાકડું છે જેના પાઉડરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. એક તો તે ત્વચાની અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે ઉપરાંત તેની સુગંધ સોનામાં સુગંધ ભેળવે છે. ચંદન પાઉડર ગરમીમાં ઠંડક પહોંચાડે છે. ચંદન પાઉડર બજારમાં તૈયાર તો મળે જ છે સાથે તેનું લાકડું પણ મળે છે જે ઘસીને પણ ચંદન પેસ્ટ તૈયાર કરી શકાય છે.

૩ - ચંદન અને હળદર

ચંદનના પાઉડરને હળદર સાથે ભેળવી સાદા પાણી અથવા ગુલાબજળથી પેસ્ટ બનાવો. તમારા ચહેરા પર તેનો લેપ કરો. સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાખો. આ લેપથી ત્વચા મુલાયમ તો થશે સાથે ત્વચાના ખીલ સાફ થઈ જશે.

૪ - ચંદન અને દૂધ

ચંદનના પાઉડરમાં થોડું દૂધ નાખો અને પેસ્ટ બનાવો. દૂધમાં આમ પણ ત્વચા સાફ કરવાનો ગુણ છે. પેસ્ટ ચહેરા પર લગાવી ૨૦ મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. ત્વચા ગ્લો કરશે, દૂધને લીધે ત્વચાને મોઈશ્ચરાઈઝર મળશે અને તાજગી મળશે.

૫ - ચંદન અને બદામ

ચંદન અને બદામનો પાઉડર મિક્સ કરી તેમાં દૂધ અથવા ગુલાબજળ નાખી પેસ્ટ બનાવો. ત્વચા તીવ્ર તાપને લીધે ટેન થઈ હશે તો ધીરે ધીરે સાફ થઈ જશે. આ પેક ચહેરા, હાથ અને પગ પર રોજ લગાવવાથી ફાયદો થશે.

૬ - ચંદનનો ફેસ પેક

ચંદન પાઉડર, હળદર, ચણાનો લોટ, મલાઈ અને મધ મિક્સ કરી પેસ્ટ બનાવો. ચહેરા, ગરદન પર લગાવી સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી ધોઈ નાખો. આથી ચહેરો સાફ નજર આવશે. ત્વચાની ઈમ્પ્યોરીટી નીકળી જશે. આ પેક અઠવાડિયામાં એક વાર જ લગાવવો.

રસોડામાં એક બીજો પદાર્થ એવો છે જે ખાવામાં પણ સારો લાગે છે, સ્વાસ્થ્ય માટે પણ સારો છે અને ત્વચા માટે પણ. આ પદાર્થ છે દહીં.

૭ - દહીં

ભારતીય થાળીમાં તેનું ખૂબ મહત્ત્વ છે. દહીંમાં અનેક ગુણો સમાયેલાં છે. દહીં ખાવાથી પાચનશક્તિ વધે છે. પેટમાં ઠંડક થાય છે.

જેની ત્વચા થોડા તાપમાં જવાથી સનબર્નની શિકાર થઈ જતી હોય તેના માટે દહીં ચહેરા પર લગાવવું ઉત્તમ છે. દહીંનો ચહેરા પર લેપ કરવાથી કરચલી દૂર થાય છે, પફી આઈઝનો સોજો ઓછો થાય છે અને ત્વચા મુલાયમ થાય છે. દહીં વાળ માટે પણ ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે.

૮ - ચણાનો લોટ

ચણાનો લોટ મોટા ભાગે દરેકના રસોડામાં હોય જ છે. ચણાનો લોટ ચહેરા, હાથ અને પગ પર લગાવી થોડું ઘસવાથી ડેડ સ્કિન નીકળી જાય છે. વધુ કરીને શિયાળામાં ચણાના લોટમાં થોડું દૂધ અથવા મલાઈ કે પછી દહીં ભેળવી આખા શરીરે સાબુની જગ્યાએ વાપરવાથી ત્વચા મુલાયમ તો રહે જ છે શરીરની ત્વચામાં કુદરતી નમી બની રહે છે.

૯ - મુલતાની માટી

મુલતાની માટીને સૌંદર્ય નિખારવા માટે મહિલાઓ સદિયોથી વાપરતી આવી છે. ત્વચાની સમસ્યા જેવી કે એક્ને અથવા બ્લેક હેડસને મુલતાની માટી વડે સહેલાઈથી દૂર કરી શકાય છે.

મુલતાની માટીનો લેપ ફક્ત પાંચ મિનિટ માટે કરવાથી ચહેરાની ધૂળ, પ્રદૂષણ અને ડેડ સ્કિન તરત જ નીકળી જાય છે.

ચહેરામાં પ્રસૂતિ પછી અથવા હોર્મોન્સ ઈમ્બેલેન્સ થવાને કારણે ચહેરા પર પડતા ડાઘા જેને પિગ્મેન્ટેશન પણ કહે છે તે મુલતાની માટીથી નીકળી જાય છે.

ચાની ખુશ્બુ દૂરથી આવતી હોય તો પણ મન ખુશનુમા થઈ જતું હોય છે તો વિચારો, તેનું પાણી ત્વચા માટે કેટલું સારૂં કામ કરતું હશે. ચા તમે સાદી પત્તી, ગ્રીન ટી, હર્બલ ટી, લવન્ડર કે ફૂદીનાની ફ્લેવરવાળી ચા પત્તી પણ વાપરી શકો છો.

૧૦ - ચા અને મધ

ચાની પત્તીને પાણીમાં ઉકાળો, તેને ઠંડું કરો, ત્યાર પછી તેમાં થોડો ચોખાનો લોટ અને મધ નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. સૂકાઈ જાય એટલે તેને સહેજ ભીનો કરી વર્તુળાકાર મસાજ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી ધોઈ નાખો પછી જુઓ ચહેરાની ચમક.

૧૧ - ઓટ્‌સ અને લીંબુ

એક ચમચી ઓટ્‌સને પાણીમાં સોફ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો. પેસ્ટ બને તેને ચહેરા પર મસાજ કરતા હો તે રીતે લગાવો અને સુકાવા દો. ૨૦ મિનિટ પછી ધોઈ નાખો. ચહેરાની રંગત બદલાયેલી દેખાશે.

૧૨ - હળદર અને લીંબુ

ચણાનો લોટ, ચપટી હળદર, લીંબુનો રસ અને દૂધ ભેગાં કરો અને પેસ્ટ બનાવો. ચહેરા, હાથ અને પગ પર પેસ્ટ લગાવો. સુકાય એટલે ચહેરો ધોઈ નાખો. તમારી ત્વચા સૌમ્ય, મુલાયમ અને ગોરી દેખાશે.

૧૩ - હળદર અને ટામેટાં

હળદરના ગુણો તો તમે જાણો જ છો પણ ટામેટાં તમારી ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવે છે ઉપરાંત ત્વચા પર થતી ચરચરાટી અને લાલાશ દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાં અને હળદર મિક્સ કરી પેસ્ટ બનાવો, ચહેરા પર લગાવો અને સુકાય એટલે ઠંડા પાણીથી ધોઈ લો. હળદર ન નાખવી હોય તો એકલા ટામેટાનો રસ પણ ચહેરા પર લગાવવાથી ચહેરાના વર્ણમાં ફેર પડે છે.

૧૪ - દહીં અને નારંગીનો પાઉડર

નારંગીમાં વિટામિન સી હોય છે જે ત્વચા માટે ઉત્તમ ટોનિક છે. દહીંથી ત્વચાનાં પિગ્મેન્ટેશન દૂર થાય છે અને કરચલી ઓછી થાય છે. નારંગીના છોંતરાને સુકવી તેનો પાઉડર બનાવો, તેમાં દહીં નાખી પેસ્ટ તૈયાર કરો. ચહેરા પર આ પેસ્ટ લગાવી સુકાવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. ચહેરો ખીલી ઉઠશે.

૧૫ - દહીં અને લીંબુ

ડલ ચહેરાને ફ્રેશ બનાવવો હોય તો આ પેસ્ટ ઉત્તમ છે. દહીંમાં લીંબુનો રસ નાખો. તેની પેસ્ટ ચહેરા પર લગાવી સુકાવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. ચહેરાના ખીલ કે અન્ય પ્રકારના ડાઘા આછા થવા લાગશે.

૧૬ - દૂધ, લીંબુ અને મધ

દૂધ, લીંબુ અને મધથી બનાવેલી પેસ્ટ ચહેરા પર લગાવી સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. પ્રદૂષણથી ડલ થયેલા ચહેરામાં ચમક આવેલી દેખાશે.

સુંદર દેખાવા માટે અનેક ક્રીમ, પાઉડર, મેકઅપનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. ઘરેલુ ઉપચારો પણ અનેક મેગેઝિનો-અખબારોમાં છપાય છે. તેનો પ્રયોગ કરતા પણ આપણે ચુકતા નથી. પરંતુ ખરી સુંદરતા સ્વસ્થ શરીર અને પવિત્ર વિચારોથી છલકે છે. જો તમે શરીરથી સ્વસ્થ હશો તો તેનું પ્રતિબિંબ તમારા ચહેરા પર આવતાં રોકી નહીં શકાય. સ્વસ્થ શરીર સાથે મનના વિચારોમાં ચિંતા, કુંઠા, કલેશ નહીં હોય તો તમારા ચહેરા પર એક અલગ પ્રકારનું સ્માઈલ હશે અને તમે આત્મવિશ્વાસથી વાતચીત કરી શકશો.

વાસ્તવમાં આપણને જે ચહેરો, શરીર અને વર્ણ મળ્યાં છે તેને જતનથી જાળવીએ, આકર્ષક દેખાવા માટે શરીરને ઉપયોગી, યોગ્ય અને સારાં લાગે તેવાં કપડાં પહેરીશું તો ચોક્કસપણે આકર્ષક દેખાઈશું. આપણી આસપાસ અનેક ગ્લેમરસ ફેશન અને ખુબસુરત બનવાના નુસ્ખા દેખાયા કરે છે પરંતુ તેનું અનુકરણ ન કરી આપણી વિવેકબુદ્‌ધિથી શણગાર, મેકઅપ અને ડરેસ સેન્સ ડેવલપ કરીશું તો લોકોના આકર્ષણનું કેન્દ્ર જરૂર બનીશું. સાદગીમાં જ સુંદરતા વસેલી છે.