રવલાની તીર્થયાત્રા – ગોવા...
ભાગ – ૩
Ravi Dharamshibhai Yadav
અચાનક જ ૧.૫ કલાક જેવું થયું અને દુર્ગેશ અને જનક પોતાની ગાડીમાં મને શોધતા શોધતા એ રસ્તેથી પસાર થયા. મને ખબર તો હતી જ કે હમણા કોઈક આવશે જ આ રસ્તે એટલે હું રોડ પર નજર કરીને જ બેઠો હતો અને બીજી તરફ એક દાદા ગોકળગાયની ગતિએ મારી ગાડીનું પંક્ચર કરી રહ્યા હતા. અચાનક જોયા અને મને થોડી શાંતિ થઇ કે એ લોકોની શોધખોળ પૂરી થઇ. મારી ગાડીનું પંક્ચર હજુ પત્યું નહોતું એટલે દુર્ગેશને એ લોકોએ બહાર ગાડી ઉભી રાખીને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. પંક્ચરવાળા દાદાએ ત્યાં પોતાની મોનોપોલી જમાવી રાખેલી છે કેમ કે ખાલી એક સાઈકલના પંક્ચરમાં નાની ટીકડી લગાવે છે એ જ ટીકડી લાગવાના એ દાદાએ મારી પાસેથી ૯૦ રૂપિયા લીધા.. ( ગુજરાતી લોકો ધ્યાન આપે અહિયાં ધંધાની વાતો પણ થાય છે )
અચાનક દુર્ગેશના મગજમાં તોફાની વિચાર આવ્યો અને જ્યાં ફોટા પડાવતો હતો ત્યાં રહેલા કાજુનાં ઝાડ પરથી એક કાચું કાજુ તોડ્યું અને ચાખ્યું. બોસ ! જીભ પર મુકયા ભેગું જે દુર્ગેશના ચેહરાના એક્સપ્રેશન હતા તે ખતરનાક હતા. આખી જીભ સફેદ સફેદ અને હોઠ પણ આખા સફેદ ફક્ત થોડુક ચાખવાથી, થોડીવાર થઇ અને જોયું તો હોઠની ફરતે બધું જ તતડી ગયું, દુર્ગેશ સરખું મોઢું પણ નહોતો ખોલી શકતો એટલી હદે ખરાબ હાલત થઇ હતી એની. જીભ પર એ તૂરો સ્વાદ જેના કારણે બીજી કઈ પણ વસ્તુ ખાય તો પણ એનો સ્વાદ નહોતો લઇ શકતો. (કાચા કાજુની કહાની શરુ રહેશે આગળ...)
ત્યાંથી અંતે સાંજના સમયે અમે “પાલોલેમ બીચ” જવા માટે નીકળ્યા. એકદમ કલાઉડી પ્લેસ, લોકલ ઇન્ડિયન પબ્લિક, એક તરફ સૂર્યને પોતાની પાછળ સંતાડીને ઉભેલો વિશાળ પર્વત, હિલોળા લેતો દરિયાકિનારો, ચારે તરફ શોરબકોર પરંતુ ત્યાનું વાતાવરણ જોઇને નહાવાનું મન ચોક્કસ થઇ ગયું એટલે અમે દરેક લોકો નહાવા પડ્યા. અગોંડા બીચ પરથી લીધેલો એક બોલ જેનો અમે વોલીબોલ તરીકે પણ યુઝ કરતા હતા અને ફૂટબોલ તરીકે પણ યુઝ કરી રહ્યા હતા. પાણીમાં વોલીબોલ રમવાની ખુબ મજા પડી અને ખુબ જલસા કર્યા. સાંજ પડતાની સાથે થોડો નાસ્તો લીધો, લેડીઝ ડીપાર્ટમેન્ટ દ્વારા થોડી શોપિંગ થઇ. અને ઠંડા વાતાવરણમાં પલાળ્યા પછી ડ્રાઈવિંગ કરવાની મજા સાથે હમદમ જાનેમન પાછળ બેઠી હોય, અંધારું થઇ ચુક્યું હોય, સુસવાટા કાઢતા પવનની સાથે સુસવાટા બોલાવે એટલી સ્પીડમાં ચાલતી ગાડી આહા !!! લવ ઇન ધી એર.…
સાંજે ઘરે આવીને નાહીધોઈને ફ્રેશ થઈને અમારી નક્કી કરેલી હોટેલ “ન્યુ કોમન હોમ” માં જમવા ગયા અને પછી ગાડી પછી આપવાનો સમય થયો એટલે ગાડી આપવા માટે જવાનું હતું પરંતુ અપુન ગુજરાતી યુ નો... :એટલે કહ્યું કે પહેલા ગાડીમાં જેટલું પેટ્રોલ છે આપણું એ કાઢી લઇએ એક બોટલમાં અને પછી આપવા જઈએ. ફટાફટ એક નળી શોધી અને દેશી સ્ટાઈલથી ફુંક ખેચી ખેચીને પેટ્રોલ કાઢ્યું. ૨.૫ લીટરની બોટલ ભરાઈ અને રૂમમાં મુકાઈ ગયું. (પેટ્રોલની ઘટના આગળના દિવસે શું રંગ લાવી હતી એ માટે આગળનો એપિસોડ વાંચતા રહો.) અને ભરપેટ જમીને બીજા દિવસનો પ્લાન બનાવીને સુતા. કારણ કે બીજા દિવસે ડોલ્ફિન જોવા માટે દરિયામાં જવાનું હતું.
વહેલી સવારમાં ઉઠીને લોકો તૈયાર થઇ ચુક્યા હતા અને જઈ પહોચ્યા સીધા બીચ પર. ડોલ્ફિન શો મતલબ કે ત્યાના લોકલ લોકો પોતાની હોડીમાં બેસાડીને તમને દરિયાની વચ્ચે લઇ જાય જ્યાં વહેલી સવારે ડોલ્ફિન કિનારે છલાંગ લગાવતી જોવા મળતી હોય છે. દરિયામાં ચુપચાપ હોડી ઉભી રાખવાની અને જે બાજુ ડોલ્ફિન દેખાય એ બાજુ હોડી ચલાવી મુકવાની, આમથી તેમ ફર્યા કરવાનું. આ ડોલ્ફિન શો જોવાના એક કપલના એ લોકો ૧૫૦૦ રૂપિયા ચાર્જ કરતા હોય છે જ્યારે અમે ૪ કપલ હતા અને ૨૦૦૦માં બધા જ આવી ગયા. ગ્રુપમાં જવાનો આ ફાયદો.
“અમે જ્યારે ત્યાં હતા ત્યારે જાણે એવું લાગતું હતું કે પોતાની અંદરની ખુશીને આમતેમ શોધી રહ્યા છીએ. જ્યાં હોય ત્યાં દરિયામાં નજર ફેરવવાની, એ આશા એ કે હમણા ક્યાંક ડોલ્ફિન ઉપર આવશે, હમણાં આવશે, હમણાં આવશે એ આશાએ દરિયામાં ૧.૫ કલાક ફર્યા, અને જ્યારે જ્યારે ક્યાંક ડોલ્ફિન દેખાઈ જાય તો તરત જ આમ ઉત્સાહ થઇ આવતો અને જોડે બીજા લોકોને પણ દેખાડતા કે જો સામે ડોલ્ફિન રહી. ત્યારે વાત સમજમાં સરખી બેસી ગઈ કે ખુશી હોય છે તો આપણી આસપાસ જ પણ એને શોધવી પડે છે. હૃદયમાં આશાનો દીપક જગાવી રાખવો પડતો હોય છે કે ક્યાંકને ક્યાંક તો સારો દિવસ આવશે જ, અને એ દિવસ આવતો પણ હોય છે અને માણસ ખુબ ખુશ થતો પણ હોય છે અને પોતે ખુશ હોય તો બીજાને ખુશ કરવાની કોશિશ પણ કરવી જોઈએ. જ્યારે આપણે એકબીજાના ટાંગા ખેંચવામાંથી જ ઊંચા નથી આવતા.”
ત્યાંથી જ તે હોડીનો માલિક અમને દરિયા દ્વારા જ “હનીમુન બીચ” અને “બટરફ્લાય બીચ” પર લઇ ગયો. જ્યાં ખુબ ફોટોગ્રાફી કરી. પાછા આવીને જ્યારે હોડીમાંથી ઉતર્યા અને દુર છેક હોટેલ દેખાઈ ત્યારે જોડે સાથ આપવા માટે તો બસ એ પોતાની અર્ધાંગીની જ હતી જે જોડે હાથ પકડીને કદમથી કદમ મિલાવીને ચાલી રહી હતી ભલે દરિયાના મોજા આવતા હતા કે પછી એ મોજાના પાણી સાથે આવી રહેલા કરચલા. પણ એ દરિયાકિનારે ઉઘાડા પગે પોતાની બેટરહાફનાં હાથમાં હાથ નાખીને કશું પણ બોલ્યા વગર શાંતિથી ચાલવાનો જે રોમાંચ હતો એ માણસને આખી લાઈફ દરમિયાન ક્યારેક જ મળતો હોય છે. જીંદગી જીવવા જેવી લાગતી હતી બોસ !! બસ એવું જ લાગતું હતું કે આ સમય અહિયાં રોકાઈ જાય. દરેક કપલ પોતાની રીતે અલગ અલગ ચાલી રહ્યું હતું. બસ પોતપોતાની ધૂનમાં. અને અંતે અગોંડા બીચ જિંદાબાદ. દરિયાના એ હિલોળા અમારી જેવા થનગનતા હૈયાના હિલોળા સાથે કોમ્પીટીશન કરવા થનગનાટ કરી રહ્યા હતા. આખરે દરિયાના ઘૂઘવતા અવાજોની વચ્ચે અને દરિયાઈ મોજામાં દરેક કપલ પોતાની મસ્તીમાં જુમી રહ્યું હતું.
બપોરે જમવા આવ્યા ત્યારે ત્યાંના “ન્યુ કોમન હોટેલ”ના ઓનર દિનેશભાઈ જોડે વાત થઇ. ( દિનેશભાઈ વિષે અલગથી જનક માડી પોસ્ટ મુકશે.) દિનેશભાઈને આગળના દિવસે બનેલી કાચા કાજુની ઘટના કીધી અને દિનેશભાઈએ સમજાવ્યું કે “ભાઈ આપકો નહિ ખાના ચાહિયે વો, અચ્છા હુવા કી વો કચ્ચા કાજુ આપ ગલે સે નીચે નહિ ઉતારા ઓર ઝુબાન પે ચખ કે હી ફેંક દિયા. અગર નિગલ જાતે તો હોસ્પિટલમેં એડમીટ હોના પડતા. ઉસકા એસીડ બહુત ખતરનાક આતા હે, ગલે કી પૂરી નસે જલા દેતા હે. ઓર સબને મન હી મનમેં ભગવાન કો યાદ કર લિયા કી અગર દુગ્ગાને એ નિગલ લિયા હોતા તો ગોવા સાઈડમાં રહે જાતા ઓર હોસ્પિટલ કે ચક્કર કાટને મેં લગે હોતે.”
અને એ કાચા કાજુની અસર તો દુર્ગેશના હોઠ પર અમે જોઈ ચુક્યા હતા. બંને હોઠની કિનારીઓ પૂરી રીતે જાણે સડી ગઈ હોય અને ભીંગડા વળી ગયા હોય એવી થઇ ચુકી હતી, એની જીભ કોઈ પણ સ્વાદ મહેસુસ નહોતી કરી રહી. એ કાજુની અસર લગભગ ૪ દિવસે ગઈ. પણ એ અનુભવ ખરેખર ખતરનાક હતો.
સીરીયસ નોંધ :- મહેરબાની કરીને ક્યારેય પણ કાચા કાજુ ખાશો નહિ.
બપોરે જમીને અમારી ભાડાવાળી ગાડીઓ લઈને અમે ફરી નીકળી પડ્યા એક નવા સ્થળની મુલાકાતે. અને એ હતું “કાબો-દે-રામા ફોર્ટ”
કશું ખાસ જોવાલાયક હતું નહિ આ ફોર્ટમાં, પરંતુ ફોટા પાડવાની મજા આવી. એવા સમયે જ પહોચ્યા હતા જ્યારે ફોર્ટ બંધ કરવાનો સમય થઇ ચુક્યો હતો એટલે વધારે રહી નાં શક્યા ત્યાં. અને ત્યાંથી નીકળીને એક એવી જગ્યા એ ગયા કે એવી જગ્યા મેં આજ સુધી મારી જિંદગીમાં નથી જોઈ. અને એ જગ્યા એટલે “રાજબાગ બીચ”
એકદમ શાંત ખુલ્લું મેદાન, મેદાન પૂરું થાતા જ જાણે નીચે ખાઈ હોય એટલું ઊંડું, અને ત્યાં ઊંડાણમાં શરુ થતો દરિયાકિનારો, એ ખાઈમાં ઉભેલા નારીયેળીના વૃક્ષો, એ મેદાનને કિનારે જ્યાં દરિયો શરુ થાય ત્યાં મુકેલો હોટેલનો ગેટ, અને એ ગેટ અને નારીયેળીની વચ્ચે પોતાની પરિક્રમા પૂરી કરીને અસ્ત પામી રહેલો એ સૂર્ય જાણે કહી રહ્યો છે કે આજની જિંદગી આજે ચાલી ગઈ અને આવતી કાલે ફરીવાર આ જ જુનુનથી દોડવાનું છે. અસ્ત થતો સૂર્ય હમેશા મને ગમ્યો છે કારણ કે એ અસ્ત એટલા માટે થાય છે કે ફરીવાર માથું ઊંચકીને ઉગી શકે, નવી આશાઓ, નવા જોશ સાથે, નવી જિંદગી સાથે. એ દરિયા કિનારે એકદમ શાંતિથી હું ૧૦ મિનીટ બેઠો પણ કદાચ એવું લાગી રહ્યું હતું કે મગજમાં ચાલતા તોફાનોના જવાબો એ અસ્ત થતા સૂર્યે મને આપ્યા હતા.
ત્યાંથી નીકળીને ઘરે પહોચ્યા અને ઘરે પહોચતાની સાથે જ દુગ્ગા બાપુને તરસ લાગી હશે તો પાણી માગ્યું અને થયું એવું કે આગળના દિવસે પેટ્રોલ કાઢેલી બોટલ ખાલી થઇ ચુકી હતી અને એ મેં એમ ને એમ જ ઘરમાં ટેબલ પર મૂકી દીધી હતી કે બીજે દિવસે આ જ બોટલમાં પેટ્રોલ કાઢી લઈશું જે વાતની અમીને ખબર નહોતી. એટલે એ તો એ પેટ્રોલવાળી બોટલમાં પાણી ભરીને દુગ્ગાબાપુને આપ્યું. અને સાહેબએ પેટ્રોલવાળા પાણીનો પણ સ્વાદ લીધો. .હહાહાહાહા....
જેમ ડોક્ટર પોતાનો અનુભવ દેડકા કાપીને લેતો હોય એવી રીતે બધાય હેરાન થવાના અનુભવો લેવાનો કોન્ટ્રકટ દુર્ગેશભાઈએ રાખેલો હતો... આ ખબર પડી કે પાણીમાં વાસ આવે છે ત્યારે દુગ્લાબાપુની લાઈન.....
“એની માને !! આવું બધું મારી હારે જ કેમ થાય છે ?”
બાકી બધા, “હહાહા હહાહા હહાહા હહાહા હહાહા”
વધુ આવતા અંકે...