પિન કોડ - 101
પ્રકરણ-85
આશુ પટેલ
ડોન ઈકબાલ કાણિયાના અડ્ડામાંથી સહીસલામત રીતે નીકળી ગયા પછી પણ સાહિલને ડર હતો કે ક્યાંક હજી કોઈ તેનો પીછો ન કરતું હોય. તેણે રિક્ષાચાલકને કહ્યું કે ગલીકૂંચીઓમાંથી રિક્ષા ચલાવ. સાહિલના હાથમાં પિસ્તોલ હતી એટલે રિક્ષાચાલક ચૂપચાપ તેના આદેશ પ્રમાણે વર્તી રહ્યો હતો. વળી એક ગોળી તેના કાનને છરકો કરીને નીકળી ગઈ હતી એટલે તેના કાનમાંથી લોહી વહી રહ્યું હતું. એટલે તે પણ ડરી રહ્યો હતો કે કોઈ તેમની પાછળ ન આવી રહ્યું હોય.
સાહિલને જ્યારે ખાતરી થઈ ગઈ કે હવે કોઈ તેની અને નતાશાની પાછળ નથી આવી રહ્યું ત્યારે તેણે એક બાજુ રિક્ષા ઊભી રખાવી. આ દરમિયાન સાહિલે બેહોશ થઈ ગયેલી નતાશાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું હતું. નતાશાના ખભામાથી વહી રહેલા લોહીની ગરમીનો તેને અહેસાસ થયો ત્યારે તેને સમજાયું કે નતાશાને ગોળી વાગી છે. સાહિલના દિલમાં ફરી એક વાર નતાશા માટે ટીસ ઊઠી. તેના મનમાં એક ક્ષણ માટે ઝનૂન ઊભરાઈ આવ્યું. તેને થયું કે તે પાછો ઈકબાલ કાણિયાના અડ્ડામાં જાય અને ઈકબાલ કાણિયા સહિત બધા બદમાશોને ગોળીઓથી વિંધી નાખે. નતાશાના ચહેરા અને પીઠ પર પણ બદમાશોનું લોહી ઉડેલું હતું. સાહિલનાં કપડાં અને શરીર પર પણ લોહી ઉડ્યું હતું. આ દરમિયાન તેના ખિસ્સામા પડેલા પેલા બદમાશોના બે મોબાઈલ ફોનમાથી એક ફોનની રિંગ વાગી રહી હતી અને બીજા ફોન થકી તે વાઈબ્રેશન અનુભવી રહ્યો હતો. પણ અત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન નતાશા પર હતું.
રિક્ષા ઊભી રહી એટલે સાહિલે રિક્ષાચાલકને પૂછ્યુ: ‘પાણી છે?’
રિક્ષાચાલક કશુ બોલ્યા વિના નીચે ઝૂક્યો. તેણે તેના પગ પાસે પડેલી એક પ્લાસ્ટિકની, જૂની, અડધી ભરેલી બોટલ ઊંચકીને એનુ ઢાંકણુ ખોલ્યું અને પછી એ બોટલ સાહિલ તરફ લંબાવી.
સાહિલે પોતાના હાથમાથી પિસ્તોલ બાજુમાં મૂકી. અને રિક્ષાકચાલક્ના હાથમાથી પાણીની બોટલ લઈને તે નતાશાના ચહેરા પર પાણી છાંટવા માંડ્યો. થોડી વારે નતાશા સળવળી.
હોશમાં આવ્યા પછી તે સફાળી સાહિલના ખોળામાથી બેઠી થઈ ગઈ. તેણે બહાવરી નજરે આજુબાજુ જોયું. સાહિલે તેને કહ્યુ: ‘વી આર આઉટ ઓફ ડેંજર નાઉ. આપણા પર હવે કોઈ ખતરો નથી.’
બીજી ક્ષણે તે આવેગ સાથે નતાશાને વળગી પડ્યો. ‘થેંક ગોડ. તને કઈ થયું હોત તો હું જીવી ના શકત. આઈ લવ યુ, નતાશા.’ તે ધ્રૂજતા અવાજે બોલ્યો.
‘નતાશા!’ સાહિલથી અળગી થતાં નતાશા બોલી. સાહિલ આશ્ર્ચર્યચકિત બનીને તેની સામે જોઈ રહ્યો. નતાશા તેને ઉમળકાભેર વળગવાને બદલે તેનાથી અળગી કેમ થઈ રહી છે? એ સવાલે તેને મૂંઝવણમાં મૂકી દીધો. એ જ વખતે પેલીએ કહ્યું: ‘આઈ એમ નોટ નતાશા! હું મોહિની મેનન છું!’
સાહિલ બાઘો બનીને તેની સામે તાકી રહ્યો. તેને લાગ્યું કે બધુ ગોળગોળ ફરી રહ્યું છે અને પોતે બેહોશ બની જશે!
* * *
‘એ છોકરો પોલીસસ્ટેશન નહીં જાય. તે સામે ચાલીને પાછો આપણી પાસે આવશે!’ ઈશ્તિયાકે ખંધુ હાસ્ય કરતા કહ્યું.
‘એટલે? એ છોકરો આપણો અડ્ડો ઘમરોળીને આપણા આટલા માણસોને મારીને બહાર નીકળી ગયો છતાં તમને એવું લાગે છે કે તે પોલીસ પાસે નહીં જાય?’ કાણિયાએ પૂછ્યું. તેની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઇ ગઇ. તેને લાગ્યું કે પોતે જેમ વિચલિત થઇ ગયો છે એમ ઇશ્તિયાક પણ હચમચી ગયો લાગે છે. એટલે કદાચ તે માનિસક સંતુલન ગુમાવાની અણી પર છે. બાકી આવી સ્થિતિમાં કોઇ હસી કઇ રીતે શકે? પેલા કાફર સાહિલને પોલીસ પાસે જતો અટકાવવો એ તો છૂટેલું તીર પાછું વાળવા જેવું કામ હતું!
‘તે કાફર ભલે ભાગી ગયો, પણ તેની મહેબૂબા આપણા કબજામાં છે!’ સ્વસ્થ થઈ ગયેલા ઇશ્તિયાકે શાંતિથી જવાબ આપ્યો. તે કાણિયા સાથે વાત કરતા કરતા પોતાના મોબાઈલ ફોનમાંથી કોઈનો નંબર લગાવવાની કોશિશ કરી રહ્યો હતો. પણ એ નંબર પર રિંગ વાગી રહી હતી એટલે તે મેસેજ ટાઈપ કરવા લાગ્યો.
ઈશ્તિયાકનો જવાબ સાંભળીને કાણિયો બે સેક્ધડ તેની સામે જોતો જ રહી ગયો. પછી તેના ચહેરા પર રાહતની લાગણી સાથે સ્મિત ફરકી ગયું! તેણે પૂછ્યુ: ‘એટલે તે પેલી વૈજ્ઞાનિક ઔરતને લઈને ભાગ્યો છે?’
‘હા.’ ઇશ્તિયાકે કહ્યું.
અચાનક કાણિયાના ચહેરા પરથી સ્મિત વીલાઈ ગયું. તેણે કહ્યું: ‘તો તો આપણી આગળની યોજના પર પાણી ફરી વળશે!’
‘બિલકુલ નહી. એ ઔરત પાસેથી આપણે જે કામ કરાવવું હતું એ આપણે કરાવી લીધું છે. આપણા માણસોએ તેની પાસેથી બધું જ સમજી લીધું છે અને તેણે આપણને જે પ્રયોગ કરી બતાવ્યો એની પ્રક્રિયાનું આપણે વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું છે. વળી તે ઔરતના માતાપિતા પણ હજી આપણા કબજામા છે!’
‘પણ એથી તેમને પોલીસ પાસે જતા કઈ રીતે રોકી શકાશે?’ ચિંતાતુર કાણિયાએ પૂછ્યુ.
‘તે કાફરના પેન્ટના ખિસ્સામાં મે મોબાઈલ ફોન જોયો હતો. તેનો ફોન તો આપણે ટ્રેનમા મૂકાવી દીધો હતો. એટલે તેની પાસે જે ફોન હતો એ આપણા જ કોઈ માણસનો હતો. અને એ ફોન તેના રૂમમા ગયેલા ફરીદ કે શકીલ એ બેમાથી એકનો જ હતો. એ સિવાય બીજો કોઈ મોબાઈલ ફોન તેની પાસે હોવાની કોઈ જ શક્યતા નથી.’ ઇશ્તિયાકે કહ્યું.
આ દરમિયાન તેણે પોતાના મોબાઈલ ફોનમા મેસેજ ટાઈપ કરી લીધો હતો.
એ મેસેજ મોકલ્યા પછી તે ફરી વાર કોલ લગાવવાની કોશિશ કરવા લાગ્યો.
‘પણ આપણે તેની પાસે છે એ મોબાઈલ ફોન પર કોલ કરીશું એટલે તે પાછો આવી જ જશે એની શી ખાતરી?’ કાણિયાએ સવાલ કર્યો. પછી ઇશ્તિયાક જવાબ આપે એ પહેલા તે પોતાનો ડર વ્યક્ત કર્યા વિના ના રહી શક્યો: ‘તે કાફર વરસોવા પોલીસ સ્ટેશનમાં જશે તો તો કદાચ વાંધો નહીં આવે. ત્યા આપણા વફાદારો છે. જો કે એની પણ ગેરંટી નથી. અત્યારે આપણા પાલતુ પોલીસવાળાઓ પણ આપણી બાજુમાં ઊભા રહેશે કે કેમ એની મને ખાતરી નથી. અને કદાચ તે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેશે તો તો અલ્લાહ પણ આપણને નહીં બચાવી શકે.’ કાણિયા ફરી ઘાંઘોવાંઘો થઈ ગયો હતો.
‘તે પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય કે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને પોલીસ કમિશનર સુધી પણ પહોંચી જાય તો પણ વાંધો નથી! તે આપણા વફાદાર કુત્તાની જેમ જ વર્તશે!’ ઇશ્તિયાકે ઠંડકથી કહ્યું.
કાણિયાના ચહેરા પર મૂંઝવણનો ભાવ જોઈને ઇશ્તિયાક ફરી હસ્યો. તેણે કાણિયાને સમજાવ્યું કે સાહિલ અને મોહિની મેનન શા માટે પોલીસ પાસે નહી જાય.
ઇશ્તિયાકે વાત પૂરી કરી એ સાથે કાણિયા ઊછળી પડ્યો. ‘કમાલનું દિમાગ છે તમારું, ભાઈજાન!’ તે બોલી ઉઠ્યો.
* * *
‘હું તને છોડીશ નહી!’ મોહિની મેનનની સહાયક વૈજ્ઞાનિક જયા વાસુદેવન કોઈ યુવાને ફોન પર કહી રહી હતી. તેનો અવાજ રોષ અને આક્રોશથી તરડાઈ રહ્યો હતો.
પેલા યુવાને કહ્યુ: ‘અચ્છા! હજી તું મને છોડીશ નહીં? અરે હા, તારે મારી વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો હું તને થોડા વધુ પુરાવા પણ આપું! જરા તારું ઇમેઇલ આઇડી ચેક કરી લે!’ કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.’
‘જયા સ્તબ્ધ બની ગઇ. થોડી વાર પછી તેને માનસિક કળ વળી એટલે તેણે પોતાનું ઇમેઇલ આઇડી ખોલ્યું. એમાં પેલા યુવાને મોક્લેલો ઈમેઈલ ખોલતા વેંત તેને ચક્કર આવી ગયા. તેને થયું કે ધરતી માર્ગ આપે તો એમાં સમાઇ જાઉં!’
(ક્રમશ:)