Specter's Treasures - 15 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | સ્પેક્ટર્નનો ખજાનો - ૧૫

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૫

ખજાનો મળ્યો, પણ...

‘વુઉઉઉઉ... હુઉઉઉઉ....!’ લગભગ બધા એકીસાથે આનંદના સાગરમાં ઉછળી પડ્યા. છેલ્લા કેટલાય દિવસોથી જે ખજાનો શોધવા માટે અમે અહીં સુધી ખેંચાઈ આવ્યા હતા એ ખજાનો આખરે હાથ લાગ્યો હતો. દ્વિભેટાવાળા પાણીનાં ખાબોચિયામાંથી જેવો જેમ્સ પેટી કાઢતો બહાર ડોકાયો કે તરત જ અમે ભાન ભૂલી ગયા અને હર્ષનાદ ચાલુ કરી દીધો હતો.

પેટી ખાબોચિયાની બાજુમાં જમીન પર મૂકાઈ. અમે એની ફરતે ઘેરાઈને ઊભા રહી ગયા. બાજુમાં જ પડતાં ઝરણાનો અવાજ હવે મીઠો લાગી રહ્યો હતો. થોડી વાર તો અમે એ પેટીને જોઈ જ રહ્યા. એ લાકડાની પેટી હતી. મને થયું કે લાકડાની પેટી તો આમ પાણીમાં પડી પડી ખવાઈ જાય, પણ પછી જ્યારે એના પર હાથ ફેરવ્યો ત્યારે ખબર પડી કે લાકડુ કોહવાઈ ન જાય એ માટે એના પર કોટિંગ કરવામાં આવ્યું હતું. થોડીવારે બધા આનંદ અને આશ્ચર્યના દરિયામાંથી બહાર આવ્યા એટલે પ્રોફેસર બેને કહ્યું, ‘દોસ્તો, હવે આ પેટીને અહીંથી દૂર લઈ જવી પડશે. કારણ,કે અહીં બેહોશ થયેલા આ બદમાશો ગમે તે ઘડીએ પાછા ભાનમાં આવી શકે એમ છે, એટલે આપણે લોકોએ અહીંથી દૂર જ ચાલ્યા જવું જોઈએ.’

‘યસ બોયઝ, પ્રોફેસર બેનની વાત સાચી છે.’ મેક્સે સાથ પુરાવ્યો. પછી કંઈક વિચારીને બોલી ઊઠ્યો, ‘હેઈઈ, આપણે અહીંથી નક્શાને આધારે સીધેસીધા જ આગળ વધીને આ પર્વતની પાછળની બાજુ પહોંચી જઈએ તો...? કેમ કે હવે પાછા જવાનો કોઈ અર્થ નથી. આવ્યા હતા એ જ રસ્તે પાછા જઈશું તો કદાચ દુશ્મનોનો ખતરો રહેશે. એટલે બહેતર છે કે આપણે આગળ જ વધી જઈએ.’

મેક્સની વાતમાં દમ હતો. આવ્યા હતા એ જ માર્ગે પાછા જશું તો વધ્યા-ઘટ્યા દુશ્મનો ટાંપીને જ બેઠા હશે. દુશ્મનોની વાત આવતાં જ મને એડગર અને એની દીકરી લારા યાદ આવી ગયાં. ક્યાં હશે એ લોકો ? જીવતા પણ હશે કે પછી ?

‘શું વિચારે છે, એલેક્સ ?’ પ્રોફેસર બેને અચાનક પૂછ્યું. એમના પ્રશ્નથી મારા વિચારોમાં ભંગ પડ્યો.

‘એડગર અને લારા....’ મેં એમની આંખમાં આંખ પરોવી.

‘ચિંતા શું કામ કરે છે ? એડગર કાંઈ નાનું છોકરું નથી એલેક્સ. એ બધામાં નિપુણ છે. લારાને પણ એણે તૈયાર કરી છે, આખા ટાપુથી એ માહિતગાર છે અને ટાપુ નાનો છે એટલે એ ગમે ત્યારે આવી પહોંચશે...’ પ્રોફેસરે મને પૂરતું આશ્વાસન આપી દીધું.

પ્રોફેસર બેને તરત જ નક્શો ખોલ્યો. અત્યારે અમે પર્વતની દક્ષિણ તરફની તળેટીમાં હતા - નક્શામાં દર્શાવેલી ‘ક્રોસ’વાળી જગ્યાએ.

‘જુઓ, આપણે આ ખજાનાવાળી જગ્યાએ છીએ.’ પ્રોફેસર બેને કહ્યું, ‘હવે મારો એવો વિચાર છે કે આપણે આ પર્વતની બીજી તરફ વહેતી નદીને રસ્તે થઈને પૂર્વ તરફના કિનારે નાંગરેલા એડગરના વહાણ પર પહોંચી જઈએ. સમય રાતનો પસંદ કરશું એટલે કદાચ છૂટાછવાયા દુશ્મનો ફરતા હશે તો પણ આપણને જોઈ શકશે નહીં.’ વાત પૂરી કરીને જાણે પૂછવા માગતા હોય કે યોજના બરાબર છે કે નહીં એ રીતે પ્રોફેસરે અમારી સામે જોયું. અમને તો યોજના એકદમ બરાબર જ લાગતી હતી.

‘વાઉ પ્રોફેસર ! એકદમ સરસ યોજના છે.’ મેક્સ બોલી ઊઠ્યો. અમે પણ એને સાથ આપ્યો.

‘ઓ.કે., તૈયારી શરૂ કરી દઈએ. લેટ્સ ગો.’ પ્રોફેસર એકદમ ખુશ થતાં બોલી ઉઠ્યા અને બીજી જ પળે તૈયારી શરૂ થઈ ગઈ. ખજાનાની પેટીને અમે ટેન્ટના મોટા અને જાડા કાપડમાં વીંટાળવાનું નક્કી કર્યું. અત્યારે તો પેટીની ચાવીનો કે એને ખોલવાનો વિચાર સુદ્ધાં કરી શકાય એમ નહોતો. સમય બહુ નાજુક હતો એટલે અહીંથી નીકળવું જ જરૂરી હતું.

તૈયારી થતી હતી એ જ વખતે મેં જોયું તો દૂરની એક ઝાડીમાં હલનચલન થતું હતું. ઝરણાના પાણીનો અવાજ વધારે હતો એટલે ઝાડી તરફથી આવતા અવાજ નહોતા સંભળાતા. હું ચમક્યો. મેં તરત જ પ્રોફેસર બેનને અને મેક્સને જાણ કરી. વોટ્સન, ક્રિક, જેમ્સ વગેરે પેટીને ટેન્ટના કાપડમાં લપેટી રહ્યા હતા એટલે એ લોકોને આ બાબતની જાણ નહોતી - કદાચ મોટેથી બોલીએ ને ઝાડીમાં છુપાયેલા માણસો ભાગી છૂટે તો ? – એવા વિચારે મેં માત્ર ધીમેથી પ્રોફેસર અને મેક્સને જ જાણ કરી. બીજી જ પળે બંનેના હાથમાં રિવોલ્વરો પકડાઈ ગઈ.

ઝાડીમાં સહેજ વધુ સળવળાટ થયો. અમે સતેજ થઈ ગયા. કંઈ પણ બની શકે તેમ હતું.

અને... ઝાડીમાંથી અચાનક બે આકૃતિઓ બહાર નીકળી. પરંતુ એ આકૃતિઓને જોઈને અમારા ત્રણેયનાં ચહેરા એકદમ ખીલી ઉઠ્યા. એ હતા એડગર અને લારા ! મારી આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. નસીબે આમાં પણ અમને સાથ આપ્યો હતો.

‘એડગર.....! લારા....!’ પ્રોફેસર બેન બોલી ઉઠ્યા. એમનાં મોંએથી એડગર અને લારાનું નામ સાંભળીને જેમ્સ, વોટ્સન વગેરેની નજર પણ આ તરફ ફરી. એ દરમિયાન એડગર અને લારા નજીક આવી પહોંચ્યા હતા.

‘થેન્ક ગોડ, એડગર, તમે ઠીક છો.’ પ્રોફેસર બેન આનંદિત થઈને બોલ્યા અને એડગરનો ખભો થપથપાવ્યો. એનાં શરીરે અમુક જગ્યાએ લોહી નીકળી આવ્યું હતું અને બે-ત્રણ જગ્યાએથી કપડાં ફાટી ગયાં હતાં. લારાને એટલું બધું નુકસાન નહોતું થયું.

‘અત્યારે વાતોમાં સમય બગાડવાનો નથી, પ્રોફેસર ! આગળ વધીએ.’ એડગર ઉતાવળ કરતાં બોલ્યો. પ્રોફેસરે એને અમારી આગલી યોજના જણાવી દીધી. યોજના સાંભળીને એના ચહેરા પર નુર આવ્યું. પછી એણે પૂછ્યું, ‘યોજના તો બરાબર છે, પ્રોફેસર, પણ નદીનાં રસ્તે જવા માટે આપણને કોઈક માધ્યમની જરૂર તો પડશે ને ? એટલે કે આપણને હોડી કે એવી કોઈ તરલ વસ્તુની જરૂર પડશે...’

‘હા એ વાત છે. પણ એ તો આગળ જઈને વિચારશું. અત્યારે....’

‘અરે એક મિનિટ પ્રોફેસર !’ ત્યાં જ એડગર સફાળો બોલી ઊઠ્યો, ‘આગળની તરફ નદીનાં કાંઠે વાંસ(Bamboo)ના વૃક્ષો મળી રહેશે. મારા સાથીઓએ મને જણાવ્યું હતું. વાંસની લાકડીઓથી તરાપા જેવું કંઈક બનાવી શકાશે...’

‘અરે વાહ એડગર ! તેં તો અમને ઓર ખુશ કરી દીધા...’ પ્રોફેસર બેને કહ્યું, ‘ચાલો, તો હવે રાહ શેની જોવાની ? આગળ વધો.’

***

સાંજ ઢળી ગઈ. અમે ચાલતાં-ચાલતાં પશ્ચિમ તરફની નદીનાં કિનારે આવી પહોંચ્યા. આ જગ્યા ખૂબ જ ગીચ હતી. ચારે બાજુ જંગલનું સામ્રાજ્ય હતું. પક્ષીઓનો ઝીણો-ઝીણો કલરવ શાંત વાતાવરણમાં ગુંજી રહ્યો હતો.

પશ્ચિમ તરફના સમુદ્રમાંથી નીકળતી આ નદીની પહોળાઈ પ્રમાણમાં ઘણી હતી. ઘટાટોપ વૃક્ષોનાં જંગલમાંથી પસાર થઈને નદી પૂર્વ તરફના સમુદ્રમાં ભળી જતી નક્શામાં દેખાતી હતી. અત્યારે નદીનો ખળખળ વહેવાનો અવાજ આવતો હતો. સામેના કિનારેથી ફરી પાછું અહીં હતું એવું જ ગાઢ જંગલ શરૂ થઈ જતું હતું. એ જંગલ આગળ ઉત્તર તરફ ફેલાયેલું હતું.

નદીનાં ભીના કિનારે અમે આરામ કરવા બેઠા. ડાબી બાજુ આથમી રહેલા સૂર્યનો આછો કેસરી પ્રકાશ જંગલનાં અંધકારમાં નદીનાં પાણી પર રેલાઈ રહ્યો હતો. નયનરમ્ય દ્રશ્ય હતું એ !

‘આ રહ્યાં વાંસ...!’ ક્રિક અમારી પાછળ તરફ નજર કરતો બોલી ઊઠ્યો. બધાએ પાછળ જોયું. ઊંચા ઊંચા વાંસ એ વિસ્તારમાં પથરાયેલા હતા. થોડો આરામ કરીને વાંસમાંથી એક નાનકડી હોડી તૈયાર કરવી એવું નક્કી થયું.

‘છોકરાઓ, આ જુઓ...’ આરામ ફરમાવવા બેઠેલા પ્રોફેસર બેને ખજાનાની પેટીના આગળીયા તરફ જોતાં કહ્યું, ’આને તો તાળું મારેલું છે.... અરે ! એક મિનિટ...’ અચાનક એમણે તાળાની પાછળ છુપાવેલો એક નાનકડો કાગળનો ટુકડો ખેંચી કાઢ્યો અને એને ખોલીને અંદરનું લખાણ વાંચ્યું, ‘આ... આ જુઓ દોસ્તો ! B-63...!’

‘B-63...? એ શું પ્રોફેસર બેન ?’ મેં પૂછ્યું. અલબત્ત, બધાનો પ્રશ્ન આ જ હતો.

‘એલેક્સ, આ B-63 પ્રોફેસર એન્ડરસનના ઘરનો નંબર છે !’ પ્રોફેસર બેને ધડાકો કર્યો. એમનું વાક્ય સાંભળીને અમે આશ્ચર્યના આઘાતમાં સરી પડ્યા. આ તે વળી કેવું ? કંઈ જ સમજાતું નહોતું.

‘આ બધું શું છે, પ્રોફેસર બેન !?’ જેમ્સે રઘવાયા થઈને પૂછ્યું.

‘મને કંઈ જ ખબર નથી પડતી, જેમ્સ.’ પ્રોફેસર બેન પેટીને બાજુ પર મૂકતાં બોલ્યા, ‘આ એન્ડરસને શું આદર્યું છે એ જ કંઈ ખબર નથી પડતી. બધું એકદમ ગૂંચવાયેલું છે. પણ, મને લાગે છે કે અહીં એન્ડરસનના ઘરનો નંબર લખેલો છે એટલે જરૂર ત્યાંથી કંઈક જાણવા મળશે. એટલે અત્યારે વાતોમાં સમય વેડફ્યા કરતાં આપણે જલ્દીથી આ ટાપુ પરથી નીકળી જવું જોઈએ. લીમા પહોંચીને કંઈકનું કંઈક થઈ પડશે.’

અમે એમનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બીજી જ પળે કામે વળગ્યા. વીસ-પચ્ચીસ જેટલી વાંસની લાકડીઓને આડી-ઊભી બાંધીને અમે એક તરાપો તૈયાર કર્યો. તરાપો તૈયાર કરતાં કરતાં સમય ઘણો લાગ્યો હતો. રાત પડી ચૂકી હતી.

સંપૂર્ણ તરાપો તૈયાર થઈ ગયો એટલે અમે બધો સમાન એના પર ચડાવી દીધો અને અમે પણ ચડી ગયા. એક ઝાડનું લાકડું હલેસા તરીકે રાખ્યું હતું, અલબત્ત, નદીનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફનો હતો એટલે તરાપો પ્રવાહમાં જ આગળ ધપ્યે જતો હતો.

એ અંધારી રાત્રે અમે તરાપો નદીમાં વહેતો મૂક્યો અને વહેલી સવારે અમે એડગરના વહાણ પાસે પહોંચી ગયા. રાતનું અંધારું હોવાથી રસ્તામાં દુશ્મનોનો ભેટો નહોતો થયો અને અમે વિના વિધ્ને અહીં પહોંચી ગયા હતા.

એડગરના વહાણ પર એના સાથીઓએ અમારું સ્વાગત કર્યું. અમારા દરેકના હ્યદય હવે હેઠા બેઠા હતાં. જાણે વર્ષોનો થાક ઊતર્યો હોય એમ લાગતું હતું. મગજ પર સવાર ચિંતા હવે સાવ ઘટી ગઈ હતી. સફર દરમિયાન એડગર અને લારાએ અમને ખરેખર બહુ મદદ કરી હતી એટલે અમે એ લોકોનો દિલથી આભાર માન્યો.

બસ, એ પછીની વાતો ટૂંકી છે –

- અમે લીમા પાછા જવા માટે એડગરના વહાણની માગણી કરી. પરંતુ, એડગર પોતે જ હવે આવા નીરસ જીવનથી કંટાળ્યો હતો એટલે એણે પણ અમારી સાથે લીમા આવીને એક સદગૃહસ્થ તરીકે જીવન જીવવાની ઈચ્છા દર્શાવી.

- આથી એડગર અને એનો પરિવાર પણ અમારી સાથે લીમા આવવા તૈયાર થયા... એને અમારી સાથે આવતો જોઈને અમારી ખુશી બેવડી થઈ.

- સદનસીબે વહાણમાં લીમા પહોંચી શકાય એટલું ઈંધણ પણ પડ્યું હતું... અને એડગર પોતે સમુદ્રના રસ્તાઓનો જાણકાર હતો એટલે એને જ વહાણના સુકાની તરીકે રાખવામાં આવ્યો.

- અને... એ દિવસની સાંજે અમે સ્પેક્ટર્ન ટાપુની વિદાય લીધી. વહાણ ધીમે-ધીમે ટાપુની જમીન છોડતું ખુલ્લા પેસિફિક મહાસાગરમાં આગળ વધી ગયું... સંધ્યાના ઓછાયા હેઠળ દેખાતો સ્પેક્ટર્ન ટાપુ થોડી વાર પછી ધુમ્મસના આવરણમાં અદ્રશ્ય થઈ ગયો.

આખરે આ ભેદભરમથી ભરેલી રોમાંચક સફરનો અંત આવ્યો.

પરંતુ હજી એક મોટો ભેદ ખુલવાનો બાકી હતો. ટેકરીની તળેટીમાં આવેલું પ્રોફેસર એન્ડરસનનું ઘર એ ભેદ છુપાવીને બેઠું હતું.

***