Babuchak ni vato in Gujarati Comedy stories by Akash Kadia books and stories PDF | બબુચક ની વાતો

Featured Books
Categories
Share

બબુચક ની વાતો

"હું થિયેટર માં બાહુબલી જોઈને આવ્યો પરંતુ મેં ફેસબુક પર સ્ટેટસ અપડેટ નથી કર્યું...શુ આ સમાજ મને સ્વીકારશે." આજે સવારે આ જોકસ વાંચ્યો અને થયું સાલુ વાત તો ખરેખર વિચારવા જેવી છે. હું કોઈ સારું કે ખરાબ કે ઠીકઠીક મુવી થિયેટર માં જોઈ ને આવું અને ફેસબુક કે ટ્વિટર કે વોટ્સએપ પર લોકો ને જણાવું જ નહીં તો...

આકાશ માં વીજળી ઓ થવા લાગે અને અવાજ આવે "ઘોર અનર્થ....અક્ષમનીય, દંડનીય પાપ"

સમાજ માં હું જ્યાંથી જઈશ લોકો મને જોઈને "શેમ શેમ શેમ" કહેશે.નાના બાળકો કપડાં ના પહેર્યા હોય ને શેમ શેમ કહો એ "શેમ" નહિ પણ ગેમ્સ ઓફ થ્રોન માં વૉક ઓફ અટર્નમેન્ટ માં સર્શી ની વૉક દરમ્યાન શેપ્ટા ઉનેલા જે રીતે શેમ બોલતી હોય છે તેમ ....(ગેમ્સ ઓફ થ્રોન ના જોયું હોય તો બહુ વીચારવુ નહિ આગળ વાંચવા લાગવું) જોકે એવું કશું થશે નહીં આતો આમ જ મારી કલ્પનાઓ ના ઘોડા કે ગધેડા થોડા વધારે સ્પીડ માં દોડી રહ્યા છે.

હાલમાં આ એક ટ્રેન્ડ એટલે કે પ્રથા બની ગઈ છે કે લોકો ક્યાંય પણ ફરવા કે મુવી જોવા અથવા કોઈ રેસ્ટોરન્ટ માં જમવા ગયા હોય તો સોસીયલ મીડિયા માં તેને લગતી પોસ્ટ કે ફોટો મુકતા હોય છે પણ હવે એક એવો વિચાર કરો કે સરકાર ધ્વારા એવો કોઈ રુલ કે કાયદો બનાવાય છે કે "તમારે તમારા દિનચર્યા ની મહત્વની કે નક્કામી ઘટના જેનાથી અન્ય લોકો ને કોઈ લેવાદેવા ના હોય તમારે એના વિશે સોસીયલ મીડિયા પર ફરજીયાત પણે માહિતી મુકવી પડશે."

આ કાયદા ની જાહેરાત કાંઈક આ રીતે કરવામાં આવશે.

"મિત્રો આજથી ભારત ના દરેક નાગરિક (કાયદેસર અને ગેરકાયદેસર બન્ને) પોતાની દિનચર્યામાં બનતી કોઈ પણ નાની મોટી કે જાડી પાતળી ઘટના કે પ્રસંગો જેનાથી લોકો ને કાંઈ જ લેવા દેવા નથી તેના વિશે સોસીયલ મીડિયા પર માહિતી મુકવી ફરજિયાત છે અને જો આ કાયદા નું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે સજા પાત્ર ગુનો ગણવામાં આવશે."

આ કાયદા ના નિયમો કાંઈક આ પ્રમાણે ના હશે.

૧) આ કાયદા મુજબ દરેક વ્યક્તિએ માત્ર અને માત્ર એવીજ ઘટના કે પ્રસંગો ની માહિતી સોસીયલ મીડિયા માં મુકવાની રહેશે જેનાથી તમારા સિવાય ના બીજા કોઈને કાંઈ જ લેવાદેવા કે લાગતું વળગતું નથી.

ઉદાહરણ તરીકે મુવી જોવા જવું - સારું ખરાબ કોઈ પણ, બહાર ફરવા જવું - સોસાયટી ની બહાર નીકળ્યા હશો તો પણ, રેસ્ટોરન્ટ કે હોટેલ માં જમવા જવું , તબિયત ઠીક ના હોવી - શરદી જેવી સામાન્ય બીમારી પણ ગણતરી ને પાત્ર છે, ફેમિલી મેમ્બર કે કોઈ મિત્ર ના લગ્ન,રિસેપશન,બર્થડે,એનિવર્સરી માં હાજરી આપવી, કોઈ બહુ પ્રખ્યાત ધાર્મિક સ્થળે જવું વગેરે વગેરે...

૨) સોસીયલ મીડિયા તરીકે ફેસબુક,ટ્વિટર,વોટ્સએપ ગ્રુપ ,વોટ્સએપ સ્ટેટસ અપડેટ નો ઉપયોગ કરી શકો છો.

૩) માહિતી માં તમે લખાણ માં જે તે મુવી,હોટેલ કે સ્થળ નું નામ, તમારી સાથે હાજર રહેલા લોકો ના નામ, હેશટેગ સાથે તમારી ફીલિંગ્સ જેમ કે #happy, #extremelyhappy, #extremelyextremelyhappy, #idontknowspellingbutneedtoputhashtag મૂકી શકો છો. આ સિવાય તમે લોકો ને વધારે વિશ્વાસ અપાવવા ફોટો પણ મૂકી શકો છો.

૪) ફેસબુક માં તમે એ પ્રસંગ કે ઘટના વખતે તમારી સાથે હાજર હોય અથવા હાજર નથી પણ તમે જેમને જણાવા માંગો છો તેવા ઓળખીતા અથવા જેમને તમારી સાથે દુરદુર સુધી કોઈ લેવાદેવા નથી પણ તમારા ફેસબુક માં તેમનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે એવા લોકો ને ટેગ કરી શકો છો.

૫) સોસીયલ મીડિયા પર મુકવામાં આવેલી માહિતી સાચી હોવી જોઈએ જેમકે બહાર લારી પર પુલાવ ખાતા હશો અને સોસીયલ મીડિયા માં "having a candle light dinner @ xyz five star hotel #garma_garam_biryani " જેવી પોસ્ટ કરી છે તો ખોટી માહિતી આપવા બદલ દંડ કરવામાં આવશે. હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમતી વખતની જે તે વાનગીઓ સાથે નો ફોટો પ્રુફ તરીકે મુકવો ફરજિયાત છે.

૬) ધાર્મિક સ્થળો ની મુલાકાત વખતે feeling #blessed, #peacefull, #religious જેવા શબ્દો નો ઉપયોગ અનિવાર્ય છે.

૭) અગત્ય ના દિવસો જેમકે મધર્સ ડે, વુમન્સ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર ઓછામાં ઓછી ૧૦૦ અક્ષરો માં તમારી ભાવનાઓ પોસ્ટ માં લખવી કે કોપી કરી મુકવી.

૮) કોઈની બર્થડે કે એનિવર્સરી પર જેતે વ્યક્તિ નો ફોટો પ્રોફાઈલ માં મુકી (રૂબરૂ મળી કે ફોન પર નથી કહેવાના તેવી) તમારી તેમના પ્રત્યે ની લાગણી ને ઓછા માં ઓછો ૧૫૦ શબ્દો માં વર્ણવી.

૯) સામાન્ય રીતે જેતે પ્રસંગ ની માહિતી તરત જ અથવા તો તેના ૨૪ કલાકો માં સોસીયલ મીડિયા માં પોસ્ટ કરી દેવી. બહાર ફરવા ગયા હોય અને નેટવર્ક ની તકલીફ હોય તેવા સમયે આ નિયમ માં થોડી છૂટછાટ મળવા પાત્ર છે.

૧૦) સરકાર દ્વારા લોકોમાંઆ કાયદા પ્રત્યે જાગૃતી લાવવા પ્રોત્સાહન ઇનામ વિતરણ પણ કરવામાં આવશે જેની વિગત નીચે મુજબ છે.

ફેસબુક પર મુકવા માં આવેલી અપડેટ ને ૫૦૦ કે તેથી વધુલાઇક્સ મળશે તો તે અપડેટ ને સરકાર ની વેબસાઈટ પર "આજની પ્રખ્યાત ફેસબુક અપડેટસ" ના લિસ્ટ માં સામેલ કરવામાં આવશે.આ સાથે જો તે સ્ટેટસ ને ૧૦૦ કે તેથીવધુવખત શેર(ટ્વિટર ના કેસ માં રી-ટ્વિટગણવું)કરવામાં આવશે તો અઠવાડિક પ્રખ્યાત લીસ્ટ માં સામેલ કરવામાં આવશે. આ લિસ્ટ માં નામ આવતા જે તે વ્યક્તિ ને મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપની તરફ થી ત્રણ મહિના માટે મફત ઈન્ટરનેટ પૂરું પડવામાં આવશે જેથી કરી તેમની સ્ટેટસ અપડેટ ની પ્રક્રિયા માં કોઈ અવરોધ ના આવે.આખા વર્ષ માંસૌથી વધુ વખત લિસ્ટ માંસમાવેશ કરવામાં આવેલ સ્ટેટસ અપડેટ કરવા વાળી વ્યક્તિ નું કોઈસામાન્યવ્યક્તિ(જેને તેના પોતાના ઘરના બી ના ગાંઠતા હોય) તેના દ્વારા સન્માન કરવામાં આવશે. તમને શું લાગ્યું મુખ્યમંત્રી સન્માન કરવા આવશે ભાઈ મારા આ હાસ્ય લેખ છે મુખ્યમંત્રી આપણને ના પરવડે.

જો આવો કોઈ કાયદો હશે તો નિચેમુજબ ની પણ કોઈ ઘટના બની શકે. તમે ઓફિસ થઈ ઘરે આવી ને બેઠા છો. મોબાઈલ માં નવા ઈમેલ નું નોટિફિકેશન આવે છે. સોસીયલ મીડિયા સ્ટેટ્સ અપડેટ મિસિંગ ના મથાળા હેઠળ ઇ-મેમો આવ્યો છે.

તેમાં કાંઈક આવુ લખાણ છે.

"પ્રિય નાગરિક

અમને માહિતી મળેલ છે કે તારીખ ---- ના રોજ આપ આપના પરિવાર સાથે xyz થિયેટર માં મુવી જીવ માટે ગયા હતા. આ તમારા દિનચર્યા નો એવો પ્રસંગ / ઘટના છે જેને તમારા ઓળખીતા કે અન્ય લોકો સાથે કાંઈ લાગતું વળગતું નથી અને આ પ્રસંગ / ઘટના ના ૩૬ કલાક વીતી ગયા હોવા છતાં તમારા કે તમારા પરિવાર માંથી અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા જાણીતી સોસીયલ મીડિયા વેબસાઈટ કે એપ્લિકેશન માં કોઈ માહિતી મુકવા નથી આવી. આથી સોસીયલ મીડિયા સ્ટેટસ અપડેટ ના કાયદા ના ઉલ્લંઘન આરોપસર તમને xxx રૂપિયા નો દંડ કરવામાં આવે છે જે ---- તરીકે પેહલા આપની પાસે ના સિવિક સેન્ટર માં ભરી દેવો.

જો આપ ધ્વારા પહેલેથી જ કોઈ સોસીયલ મીડિયા માં ઉપર જણાવેલ ઘટના / પ્રસંગ વિશે માહિતી પોસ્ટ કરવામાં આવી છે અથવા ઉપર દર્શાવેલ ઘટના / પ્રસંગ બન્યો જ નથી કે અન્ય કોઈ કારણ હોય તો આપ અમારી વેબસાઈટ ઉપર કે સિવિક સેન્ટર પર જરૂરી પ્રુફ કે દસ્તાવેજો જમા કરાવવા વિનંતી.

આભાર,

સોસીયલ મીડિયા સ્ટેટસ અપડેટ વિભાગ."

જોકે માત્ર ઇ-મેમો જઆવશે તેવું નથી સરકાર દ્વારા લોકોને આ કાયદા નું પાલન થાય તેના માટેના પ્રયાસો ના ભાગ સ્વરૂપેપ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવશે.

ઉપર લખવામાં આવેલ માહિતી ને કોઈ એ ગંભીરતા થી લઈ સોસીયલ મીડિયામાં ધડાધડ પોસ્ટ નાખી અને લોકોને ટેગ કરી હેરાન કરવા નહિ અને જો એવું કરશો તો ...

કરો આપણને ક્યાં વાંધો છે.