પ્રિય જીવન,
સુલતાન સિંહ
પ્રિય જીવન,
તારા માટે ઉપજેલા દરેક શબ્દો પણ હવે છેલ્લે તને જ અર્પણ કરી રહ્યો છું,
ઘણી વખત લખ્યું છે,
અને ફરી આજે પણ...
કોઈના આવવાથી અને જવાથી ભલે સમય નથી રોકાઇ જતો, પણ એનો પ્રવાહ તો જરૂર અવરોધાય છે. વિચારોમાં વહેતો સમય ભાવનાઓના પ્રવાહમાં સ્થિર થઈ જાય છે. પહેલા અને આજમાં પણ કદાચ ઘણું બધું બદલાયું છે, મલ્ટીપ્લેક્ષમાં ચાલતું ચલચિત્ર અને ખાસ કરીને મોડર્ન હોટેલના છેલ્લા ટેબલ પર બેસીને મંગાવેલા બટર સેન્ડવીચના સ્વાદ સુધી, રસ્તાઓના કિનારાથી લઈને વહેતા પવનના સ્પર્શ અને સ્પંદન સુધી, તારાને મારા મોબાઈલ નંબરથી લઈને ઈન્ટનેટ અને વેલ્યુ એડેડ સર્વિસના પેક્સ સુધી, કલાકોના કલાકો થયેલી વાતચીતથી લઈને વોટ્સએપમાં અઠવાડિયા પહેલા જોવા છતાં રીપ્લાય ન આપવાના સ્વભાવ સુધી, તારાને મારા દિલમાં વહેતા પ્રવાહના બદલવાથી લઈને ભીંડાયેલા હોઠોના ભુલાયેલા ચુંબન સુધી, આલિંગનમાં વીંટળાયેલા હાથથી લઈને જકડાયેલા હથેળીઓના અહેસાસ સુધી, ઘણું બધું બદલાયું છે. તારામાં પણ અને મારામાં પણ... કંઇક તે અનુભવ્યું હશે તો કઈક મેં, કદાચ તે સહયું પણ હશે અને મેં આચર્યું પણ હશે... પણ, આ બધું જ એનું પરિણામ હતું જે ભાવ વિશ્વ આપણા અંતરમાં આકાર લઈ ચૂક્યું હતું.
ખોટું તો કદાચ દુનિયા માટે બોલાય, પણ તારા માટે તો હું થોડે... કદાચ એટલે જ સાચું કહું તો તારા ગયા પછી વ્યક્તિ તરીકે હું જરાય નથી બદલાયો, પણ એ માત્ર મારા વ્યક્તિત્વ માટે. અન્ય લોકોની નજરો માટે તો, મારી વાસ્તવિક સ્થિતિ પણ વિખરાયેલા અરમાન જેવી છે. જે છે તો તારી હયાતીમાં હતા એવા ને એવા જ, પણ એનો પ્રભાવ હવે સંપૂર્ણ પણે બદલાઈ ગયો છે. જે ક્યારેક પ્રેમના પ્રતીક હતા એ જ આજે જાણે કે વ્યથા, વેદના અને એકલતાના પ્રતીક બની ગયા છે. રાતની હવામાં અને દિવસના પ્રકાશમાં પણ હજુ સુધી તો કોઈ ફર્ક નથી પડ્યો. એ વાત ભલે સાચી હોય પણ એના કારણે થતા અહેસાસમાં તારો અભાવ મને સ્પષ્ટ વર્તાય છે હવે. ચહેરા પરની ચમક ભલે તને આજે યથાવત લાગે છે, પણ ક્યારેક ઓચિંતા જ અકારણ આવી જતું એ સ્મિત હવે લુપ્ત થઈ ગયું છે. ચશ્માની કોરમાં પણ હવે ક્યારેક ક્યારેક સહેજ અમથું પાણી હોય છે. પણ હા, તારા જવાથી હું સાવ તૂટી તો નથી જ ગયો.
પાછલા ઘણા દિવસોથી તો લખવાનું પણ હવે ઓછું કરી દીધું છે, કારણ કે મારા શબ્દોમાં પણ હવે તો તું ન ઇચ્છવા છતાં વારંવાર જીવંત બની જાય છે. કદાચ તારી યાદોથી છૂટવા માટે જ લખવાનું પણ હવે બંધ કરી દીધું છે. આમ પણ, હું કવિ તો ક્યારેય હતો જ નહીં ને...? છતાંય લાગણીઓ અને ભાવનાઓના વહાવોમાં જે પરિવર્તન આવ્યું છે, એ તદ્દન વિચિત્ર છે. ચહેરા પરના ચશ્મા પણ પહેલા જે પારદર્શક હતા એ હવે અપારદર્શક થઈ ગયા હોય એવું લાગે છે. ક્યારેક ક્યારેક સામે આવતા ચહેરાઓ પણ ધૂંધળા જ લાગે છે. લોકો વારંવાર પૂછ્યા કરે છે કે આ આખર મારામાં બદલાવ કેમ...? પણ એમને તો, હું વાસ્તવિક કારણ પણ નથી કહી શકતો. શોખના નામે તારી યાદોમાં અનુભવાતી વેદનાઓને ચશ્માના અપારદર્શક કાચમાં છુપાવી લઉ છું. પણ હા, હું ખુશ છું. જાણે છે કેમ...? કારણ કે હવે તું ખુશ રહેવા લાગી હશે, અને પહેલાની જેમ જ તારી ખુશીમાં હું આજ પણ ખુશ છું.
દિવસના સંધ્યા કાળ અને રાત્રી પહોરના વચ્ચેના સમયમાં બાલ્કનીમાં જઈને ચાંદીનીમાં નહાતા નિર્જીવ ચંદ્રને બસ તારી પ્રતિમાના જીવંત સ્વરૂપે જોયા કરું છું. ક્યારેક એમાં તું દેખાય એવી અશક્ય આશાઓને આંખોમાં ભરીને... લોકો કહે છે કે ચંદ્રમા એ જ ચહેરો દેખાય જેની દિલમાં કામના હોય, પણ એવો ચહેરો જ શુ કામનો કે જેના પર ભાવ અને લાગણીનો હવે દુષ્કાળ હોય. કદાચ આ સમય એટલે પણ યોગ્ય હશે કે કોઈ મારી આંખેથી સરી જતી તારી યાદોની તસ્વીરો જોઈ ન જાય. તારી યાદોના કારણે તાદ્રશ્ય થઈ જતા તારા સ્વરૂપને લોકો ઓળખી ન જાય. આ દુનિયાનો શુ ભરોસો, કાલે ન કરે નારાયણ અને મને કંઇક થાય તો બેવફાઈનો ખિતાબ એ લોકો તને આપી દે. ક્યારેક તો એવા વિચારથી પણ ડરી જાઉં છું કે, કોઈ તારા પર આ દાગ ન લગાડે જે વાસ્તવિક સત્ય કરતા એટલો જ દૂર છે જેટલી મારાથી આજે તું.
કદાચ તને તો એમ જ છે, કે જીવનમાં બધું જ બદલાય છે...? પણ, પ્રેમ...?? તને શું લાગ્યું, કે તારા ગયા પછી આ દિલમાં અનુભવાતી તારા પ્રત્યેની લાગણીઓમાં પણ બદલાવ આવશે...? તારા સ્થાનને શુ ખરેખર કોઈ અન્ય ભરી શકશે ખરા...? કદાચ તું ખોટી પડી હશે, કારણ કે આજે એ તને પણ સમજાઈ ગયું હશે કે જેટલી હદે મને સમજી શકવાના તે દાવાઓ કર્યા હતા, એમાં તું સાવ નિષ્ફળ નીવડી. પણ, હા તારું સ્થાન તો આજે પણ એ જ છે જે પહેલા હતું. વાસ્તવિકતા તો એ છે કે દરેક વ્યક્તિનું જીવનમાં એક અલગ જ સ્થાન હોય છે, અને કોઈ પણ વ્યક્તિ અવેજીમાં અન્ય કોઈનું સ્થાન લઈ શકતું નથી. જીવનમાં બનતું વ્યક્તિનું સ્થાન પણ હાથના ફિંગરપ્રિન્ટસ જેવું હોય છે. જે સામાન્ય સ્થિતિમાં બદલાતું જ નથી. પણ તેમ છતાંય વ્યક્તિનું જીવન નિરંતર વહેતા જળના પ્રવાહની જેમ વહ્યા જ કરે છે. આજે હું પણ એ નદીના પ્રવાહ જેવો છું અને તું મારી ધારાના કોઈ મનગમતા કિનારાની જેમ બહુ પાછળ છૂટી ગઈ છે. પણ, હું તો એવો વહાવ છું જે તારી પૂર્ણ થતી મર્યાદાઓમાં રહી ન શક્યો, હું બસ વહેતો રહ્યો અને વહેતો જ રહ્યો છું. પણ સાગરમાં સમાયેલા એ વહેણમાં કિનારા સાથે વિતાવેલ ક્ષણો અને એમાંથી ગ્રહણ કરેલ તત્વોનો સતત સાક્ષાત્કાર થતો રહે છે. કોઈ પણ તત્વ સંપૂર્ણ પણે નષ્ટ નથી થઈ જતો હા, એમાં સંજોગોનુસાર બદલાવ જરૂર આવે છે.
ઘણા એવા બદલાવ પણ છે જે તારામાં આવ્યા છે અને ઘણા મારામાં પણ, કદાચ તું તારી સ્થિતિઓમાં અટવાયેલી હોય અથવા હું મારી પરિસ્થિતિઓમાં. હું તને દોષ તો નથી જ દેતો, મને અધિકાર પણ નથી તને દોષ દેવાનો. કારણ કે પ્રેમ એ સમર્પણ છે, અધિકાર નથી. જ્યાં અધિકારની સીમાઓ ઉદય થાય છે તેની સહેજ પહેલા સમર્પણ અસ્ત થઈ જાય છે. એટલે આપણા સતત ઉદિત સમર્પણમાં તું તારા નિર્ણયો માટે અને હું મારા નિર્ણયો માટે આજીવન સ્વતંત્ર જ છીએ. પણ, છતાંય તારા આ સ્વતંત્ર જીવન પર મારા અધિકારની લડાઈ લડવાનું મન થાય છે. પણ દારી જાઉં છું, મને જરાક ભવિષ્ય દેખાવ લાગે છે કે ક્યાંક પામવાની જિજ્ઞાસા મારા મેળવેલા તમામ પ્રેમની પૂર્ણાહુતિમાં પરિણમી જાય. હું ડરું છું ક્યાંક આ લાગણીઓ જ્વાળામાં ન પલટાઈ જાય. આમ પણ પ્રેમને નફરતમાં પરિવર્તિત થતા સમય જ કેટલો લાગે છે...? એક પળ.. બે પળ... કે એકાદ મિનિટ... એટલો જ ને જેટલો સમય પ્રેમની પ્રથમ અનુભૂતિ વખતે લાગે છે...
કદાચ એ જ નફરતથી ડરીને મારા પ્રેમને દિલના કોઈક ખૂણે છુપાવી લઉ છું. પણ, મારા દિલમાં તો તું જ હતી, છે અને રહેવાની...
તારા ન આવવાના વિશ્વાસ છતાં તારી રાહ જોતો
તારો... અને માત્ર તારો...
તારો તો એટલે કહ્યું કારણ કે મારા માટે તો સ્ત્રીનું અસ્તિત્વ જ તારામાં ઉદ્ભવીને ફરી તારામાં જ અસ્ત થઈ જાય છે.
અસ્તુ...
~ સુલતાન સિંહ 'જીવન'