એકલતા
રેવ ૧૯ વર્ષનો કોલેજમાં ભણતો એક સામાન્ય છોકરો હતો, જે તેના પિતા સાથે સુરતમાં રહેતો હતો. કોઈ પણ વસ્તુમાં હોશિયાર ન હોવાથી કોલેજમાં એનું ખાસ મહત્વ કે સન્માન ન હતું જેટલું તેનાં બીજા મિત્રોનું હતું. રેવને હમેશાં એવા વિચારો આવ્યા કરે કે આ દુનિયામાં એનું પોતાનું કોઈ નથી, જેથી તે આખી આખી રાત ન ઊંઘતો. રેવ એકલતા, અપૂરતી ઊંઘ અને વિચારોનાં કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેનાં પિતાને ખબર પડતા રેવની તાત્કાલિક સારવાર ચાલુ કરાવી દીધી જેથી તબિયત વધારે ન બગડે પણ રેવ પર કોઈ દવાની અસર જરૂર મુજબ થતી ન હતી.
બે-ત્રણ સાયકેટ્રીક ડોક્ટરોને બતાવ્યા પછી રેવ અને તેના પિતા પુણાનાં ખુબ હોશિયાર પણ ઓછા પ્રખ્યાત એવા ડૉ. પ્રકાશ તોતલાનવીને મળ્યા. ડૉ.તોતલાનવી ઓછા પ્રખ્યાત એટલા માટે હતા કારણકે તેઓ ડોક્ટર હોવા છતાં આત્માઓમાં વિશ્વાસ કરતા હતા. ડોક્ટરની આ આત્માઓ દ્વારા ઈલાજ કરાવવાની વાતો સાંભળી રેવના પિતા રેવને લઇને સુરત પાછા આવી ગયા પણ રેવને એ ડોક્ટરની વાતો યાદ રહી ગઈ.
થોડાક દિવસો પછી રેવ મિત્રો સાથે ફરવા જવાનું બહાનું કાઢીને એ ડોક્ટરને મળવા પુણા પહોચી ગયો. એ પહેલા એને ઈન્ટરનેટ પરથી ડૉ. તોતલાનવી ઉપર ઘણી રિસર્ચ કરી કાઢી. તેમના વિષે વાંચીને રેવ થોડીક વાર માટે હેરાન થઇ ગયો. ડૉ.તોતલાનવી એક માત્ર મગજનાં એવા ડોક્ટર હતા જે મૃત્યુ પામેલા માણસો સાથે પરિચય બનાવીને એમનાં દર્દીઓની માનસિક સારવાર કરતા હતા. જેના કારણે ડોકટર તરીકે એમને લોકો પાગલ કહેતા હતા. ડૉ.તોતલાનવીએ એમના ઈ-બ્લોગ્સમાં લખ્યું હતું કે “ અત્યારનાં સમયમાં માનસિક રોગીઓનું સૌથી મુખ્ય કારણ એકલતા, બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથેનું બ્રેકઅપ, કોઈ સમજતું નથી અને કોઈ સાંભળતું નથી એવા બધા હોય છે. આવાલોકોનો ઈલાજ ખુબ આસાનીથી થઇ શકે છે જો તેમની જોડે રહેવાવાળા તેમની જોડે બરાબર વર્તન કરે, તેમને સમય અને માન-સન્માન આપે, પણ મોટાભાગનાં કિસ્સાઓમાં આવું થતું નથી, માટે હું સારી આત્માઓને શોધીને એમની જોડે મારા દર્દીઓ વિષે વાત કરું છું અને એમને દર્દીઓ જોડે રહેવા મનાવું છુ. હું જાણું છું કે આ બધું શક્ય નથી લાગતું પણ આ એક માત્ર રસ્તો છે મારા દર્દીઓની એકલતા દુર કરી તેમનો ઈલાજ કરવાનો”.
રેવને આ બધા બ્લોગ્સ વાંચીને લાગ્યું કે આજ ડોક્ટર મારો ઈલાજ કરી શકશે, કારણકે રેવનાં ડીપ્રેશનનું મુખ્ય કારણ પણ એકલતા જ હતું. એને કોઈ એક એવા વ્યક્તિની જરૂર હતી જે એની જોડે વાતો કરે, એની વાતો સાંભળે અને એને સમજે. રેવે પુણા પહોચી ટેક્સી કરી રીહેબ સેન્ટર પહોંચી ગયો જે સીટીથી ખુબ દુર હતું જાણે કોઈ આશ્રમ હોય, એ પ્રકારનું. રેવે આજનાં દિવસની અપોઇન્ટમેન્ટ પહેલેથી લીધેલી હતી. રેવ જેવા ઘણા લોકો ત્યાં આવ્યા હતા તેમાંથી મોટાભાગનાં લોકો રેવની ઉમરનાં અને ૬૦ વર્ષની ઉપરનાં હતા. બધા એક્બીજા જોડે એવી રીતે વાતો કરતા હતા જાણે એ લોકોને કોઈ બીમારી જ ન હોય. ખરેખરમાં બીમારી હતીજ નહિ, બીમારી હતી તો માત્ર એકલતાની. ત્યાં બધા એકબીજાનું સાંભળતા હતા અને એકબીજાને પોતાની વાતો કરતા હતા. એટલામાં રેવને અંદર બોલાવવામાં આવ્યો. રેવ અંદર ગયો જ્યાં બીજો એક નાનો વેઈટીંગ રૂમ હતો, જેમાં ૪-૫ લોકો બેઠા હતા. આગળનાં ચાર લોકો ગયા પછી રેવનો નંબર આવ્યો અને બીજા ૪ લોકો રેવ પછી આવીને બેઠા.
ડૉ.તોતલાનવીનું એ ક્લિનિક ખરેખર ક્લિનિક જેવું હતુજ નહિ બિલકુલ ઘરનો લીવીંગ રૂમ હોય એવો હતો અને એ પણ ખુબ મોટો. રેવ ત્યાં બેઠો પણ ડૉ.તોતલાનવી ત્યાં નહોતા. થોડી વાર રાહ જોયા પછી ડૉકટર આવ્યા રેવને જોતાજ રેવને સ્માઈલ આપી અને રેવે પણ સામે સ્માઈલ આપી. ડૉ.તોતલાનવીને રેવ વિષે અને રેવનાં ડીપ્રેશનનાં કારણ વિષે માહિતી રેવે ભરેલા અપોઈન્ટમેન્ટ માટેનાં ફોર્મમાં લખી હતી. માટે ડૉ. ફરીથી એકવાર એજ બધી વાતો રેવ જોડે કરી, જેથી ડોક્ટર ઊંડાણપૂર્વક રેવની સમસ્યા સમજી શકે. ડૉકટર રેવને એના માતાપિતા વિષે પૂછ્યું તો રેવે કીધું કે હું એમને કીધા વગર અહિયાં તમારી જોડે મારો ઈલાજ કરાવવા આવ્યો છુ. ડૉ.તોતલાનવીએ રેવને કીધું કે ફોર્મ ઉપર તેના માતા અથવા પિતાની સહી વગર તે રેવનો ઈલાજ નહિ કરી શકે. આ સાંભળી રેવ ત્યાજ માયુસ થઇ ગયો અને ડૉ.તોતલાનવીને રીક્વેસ્ટ કરવા લાગ્યો કે પિતાની સહી કરાવવી શક્ય નથી અને ઈલાજ કરાવ્યા વગર મારાથી જીવવુ હવે શક્ય નથી. ડૉ.તોતલાનવીને ખબર હતી કે રેવનું ડિપ્રેશન ખુબ વધી ગયું હતું જો એનો ઈલાજ કરવામાં નહિ આવે તો રેવનાં આત્મહત્યા કરવાનાં ચાન્સ ઘણા વધારે છે, માટે ડૉ.તોતલાનવીએ રેવની સારવાર કરવા માની ગયા અને રેવને પોતાનાં આશ્રમમાં દાખલ કરાવ્યો.
બે દિવસ સુધી ડૉ. તોતલાનવીએ ખુબ પ્રયત્નો કર્યા એક એવી આત્મા શોધવાનો જે રેવને સારી રીતે સાંભળી અને સાચવી શકે પણ એવી કોઈ આત્માનો સંપર્ક થઇ ન શક્યો.
એક દિવસ ડૉ.તોતલાનવી રેવનાં રૂમની બાજુમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રેવ કોઈની જોડે વાત કરી રહ્યો હતો. ધીમે રહીને ડૉ તોતલાનવીએ રેવનાં રૂમની બારીમાંથી જોયું તો રેવ તેનાં માતાનાં ફોટા સાથે વાત કરી રહ્યો હતો અને વાત કરતા કરતા રેવનાં મોઢા ઉપર એક અલગ પ્રકારની ખુશી હતી, આ જોઈને ડૉ. તોતલાનવીને ખબર પડી ગયી કે હવે રેવનો ઈલાજ કેવી રીતે કરવો.
ત્રીજા દિવસે ડૉકટરએ રેવનાં ફોર્મ ફરીથી વાંચ્યું તો ખબર પડી કે એની માતા ૫ વર્ષ પહેલા એક એક્સીડેન્ટમાં મૃત્યુ પામી હતી અને રેવને ડીપ્રેશનની બીમારી પણ છેલ્લા ૫ વર્ષથીજ હતી. ડૉકટરને એ ખબર પડી ગયી હતી કે રેવનો ઈલાજ હવે માત્ર રેવની માતા દ્વારા જ કરી શકાશે.
તેમને રેવને રૂમમાં બોલાયો અને ડૉ. તોતલાનવીએ રેવની માતાની આત્માને બોલાવવા પ્રયત્નો ચાલુ કર્યા. થોડી વાર રહીને કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો જાણે એ રેવને નામથી બોલાવતી હોય. રેવ એની માતાનો અવાજ સાંભળીને એકદમ ચોકી ગયો અને એના ચહેરા ઉપર એક આશા જાગી હોય એમ એ આજુ બાજુ એની માતાને શોધવા લાગ્યો. ડૉ. તોતલાનવીએ રેવની માતા જોડે રેવની બીમારી વિષે વાત કરી અને રેવ જોડે થોડાક દિવસ રહેવા કહ્યું.
ત્યારબાદ રેવ વધુ ૨-૩ દિવસ આશ્રમમાં રોકાયો અને આખો દિવસ અને આખી રાત એ એની માતા સાથે વાતો કરતો અને એને માતા પણ રેવ જોડે ખુબ વાતો કરતી. રેવની માતા રેવ ને હવે આગળની ઝીંદગી કેવી રીતે જીવવી એની શિખામણ આપતી. તેની માતાએ રેવને સમજાવ્યુ કે કોઈનાં ભરોસે ઝીંદગી નથી જીવાતી. આપડે આપડા જીવનમાં શું કરવું છે એ નક્કી કરવાનું અને એ મેળવવા માટે ખુબ મેહનત કરવાની. આમ કરવાથી આપડું એકલપણું પણ દુર થાય છે અને કોઈની જરૂર પણ પડતી નથી. માતા એ રેવને એ પણ સમજાયું કે જયારે તું તારા ધ્યેય હાંસિલ કરીશ ત્યારે તારી સફળતા જોઈને બધા લોકો આપમેળે તારી જોડે દોસ્તી કરવા અને તારી જોડે બોલવા આવશે. રેવને માતાની વાત ખુબ સારી રીતે સમજાઈ ગઈ.
રેવને જયારે આશ્રમ છોડીને જવાનું હતું ત્યારે ડૉ.તોતલાનવીએ રેવને બોલાવ્યો અને રેવની તબિયત વિષે જાણવાનો પ્રયત્ન કર્યો. ડૉ. તોતલાનવીએ રેવને થોડાક દિવસો માટે દવા આપી પણ સાથે સાથે તેમને ખબર પડી ગયી કે રેવ હવે ડીપ્રેશનમાંથી બહાર આવી ગયો હતો.
ડૉ.તોતલાનવી માટે આ કેસ ખુબ અલગ હતો કારણકે તેમને પેહલી વાર તેમને જરૂર હતી એવી આત્માને પોતાના દર્દીનાં સારવાર માટે બોલાવી હતી. તેમને રેવની સારવાર વિષે પોતાનાં બ્લોગમાં લખ્યું અને છેલ્લે એ પણ લખ્યું કે, “તેમને આત્માઓને બોલાઈને લોકોની સારવાર કરવાની જરૂર જ ન પડે જો આવા લોકોને એમના પોતાનાજ સંભાળી લે. ડિપ્રેશનનું સૌથી મોટું કારણ પોતાનાં લોકો હોય છે અને એ ડીપ્રેશનને દુર પણ પોતાનાં લોકોજ કરી શકે છે.”
સુકેતુ કોઠારી