જૈન ઉત્સવો - સ્નાત્ર મહોત્સવ
?અંતરના ઉલ્લાસ અને ઉમંગથી *પરમાત્માની પ્રતિમાને પંચામૃતથી અભિષેક કરવો, કેસર-ચંદનથી પૂજા કરવી, તેમને નૈવેદ્ય અર્પણ કરવું, તેમની સન્મુખ ગીત-સંગીત-નૃત્યથી ભક્તિ કરવી, આ બધાનું એક નામ `સ્નાત્ર પૂજા' કે “સ્નાત્ર મહોત્સવ” છે.*
?મોટાભાગના જૈન દેરાસરોમાં નિત્ય સ્નાત્ર-પૂજા થાય છે. અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર આદિ વિવિધ જિનભક્તિના મહોત્સવોનો પ્રારંભ આ સ્નાત્ર-પૂજાથી થાય છે.
?આ પૂજાનું આયોજન વ્યક્તિગત પણ થઈ શકે છે. અને સમુહમાં પણ થઈ શકે છે.
*જૈન ઉત્સવો - અઠ્ઠાઈ મહોત્સવ*
?આઠ દિવસની લગાતાર સામૂહિક જિનભક્તિનો અઠ્ઠાઈ મહોત્સવ કહેવાય છે. પાંચ દિવસની પણ સળંગ અને સામૂહિક જિનભક્તિનું આયોજન થાય છે, તેને પંચાહ્નિકા મહોત્સવ કહે છે.
?આ મહોત્સવમાં દેરાસરને ધજા-તોરણ અને રોશનીથી શણગારવામાં આવે છે અને સવારથી તે રાત સુધી દેરાસરમાં વિવિધ પ્રકારની પૂજાઓ ભણાવાય છે. આ દિવસોમાં ગીત-સંગીત નૃત્ય આદિથી વાતાવરણ ગુંજતું અને ગાજતું રહે છે. પરમાત્માની પ્રતિમાને પણ મનહર અને મનભર “આંગી” કરવામાં આવે છે.2
*જૈન ઉત્સવો – શાંતિસ્નાત્ર*
?જિનભક્તિનો મહોત્સવ પાંચ દિવસનો હોય કે આઠ દિવસનો કે એથી વધુ દિવસોનો, મહોત્સવની પૂર્ણાહુતિના દિવસે આ વિશિષ્ટ પ્રકારનું “સ્નાત્ર” ભણાવાય છે. *સંઘમાં શાંતિની સ્થાપના થાય એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાથી તેને “શાંતિસ્નાત્ર” કહે છે.*
?આ સ્નાત્રમાં ઉછળતા હૈયે પરમાત્માની પ્રતિમાને વિવિધ પવિત્ર દ્રવ્યો યુક્ત 27 કે 108 વાર અભિષેક કરવામાં આવે છે.
?એની સાથોસાથ મંગળ કુંભસ્થાપન, અખંડ દીપનું સ્થાપન, નવગ્રહનું પૂજન વગેરે માંગલિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે.
?“શાંતિ સ્નાત્ર” દ્વારા સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થપાય, સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાય છે. જે માટે મંત્રગર્ભિત શ્લોકોનું પઠન કરવામાં આવે છે.
*જૈન ઉત્સવો – સિદ્ધચક્રપૂજન*
?અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવને “સિદ્ધચક્ર” કહેવામાં આવે છે.
?આ “સિદ્ધચક્ર” ચક્રની જેમ ગોળાકાર હોય છે અને ઉત્તમ ધાતુઓનું તે બનાવાય છે.
?ઘઉં, મગ, અડદ, ચણાની દાળ, ચોખા વગેરે દ્રવ્યોથી શ્રી સિદ્ધચક્ર યંત્રનું, સ્વચ્છ અને પવિત્ર જગા પર આલેખન કરવામાં આવે છે.
?વિવિધ રંગો તેમાં પૂરવામાં આવે છે અને પછી તેનું વિવિધ વિધિઓથી પૂજન કરાય છે.
?નવપદોમાં જાપ-ધ્યાન-પૂજનની સાથોસાથ અન્ય દેવ-દેવીઓ, પદો, લબ્ધિઓ, શક્તિઓ આદિનું પણ પૂજન કરવામાં આવે છે
? *તે મહામંગલ કારી છે...તેનું નવપદ ની આયબીલની ઓળી માં પણ વિશેષ મહત્વ છે..*
*જૈન ઉત્સવો – અઢાર અભિષેક*
➡કોઈપણ નવીન મૂર્તિ, ચિત્રપટ્ટ કે આરસ પટ્ટની વિશુદ્ધિ માટે તેનો અભિષેક કરવામાં આવે છે.
➡વિશિષ્ટ દ્રવ્યોવાળા જળનો નિયત મંત્રો દ્વારા અઢાર વખત અભિષેક કરવામાં આવે છે, આથી તેને `અઢાર અભિષેક'નું નામ અપાયું છે.
*જૈન ઉત્સવો – અંજનશલાકા*
➡તદ્દન નવનિર્મિત જિન પ્રતિમાની આંખોમાં વિશિષ્ટ દ્રવ્યોનું સુવર્ણની શલાકા (સળી) વડે અંજન કરવું... તેને કહે છે અંજનશલાકા નો ઉત્સવ.
➡આ ઉત્સવ દરમ્યાન તીર્થંકરના પાંચ કલ્યાણક [વિશિષ્ટ દિવસો] ની ઉજવણી કરાય છે.
?ચ્યવન (માના ઉદરમાં ગર્ભરૂપે અવતરિત થવું.)
?જન્મ (જન્મ લેવું.)
?દીક્ષા (સાંસારિક જીવન ત્યજીને સાધનામય સંયમજીવન સ્વીકારવું.)
?કૈવલ્યજ્ઞાન (તપ-સાધના કરીને વિશુદ્ધ અને શ્રેષ્ઠ આત્મજ્ઞાન મેળવવું.)
?નિર્વાણ (દેહ અને કર્મોના બંધનથી મુક્ત બની જવું.)
➡આ પાંચે કલ્યાણકોની ઉજવણી ખૂબ જ ઠાઠમાઠથી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે.
➡કેવલજ્ઞાન નો ઉત્સવ એજ અંજનશલાકાનો પ્રાણ છે. શુભમુહૂર્ત અને પવિત્ર વેળામાં (બહુધા તો મધ્યરાત્રિના સમયે) આ અંજનની ક્રિયા કરવામાં આવે છે.
➡સુવર્ણની શલાકા વડે પ્રતિમાને અંજન કરીને એમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અધિકાર એકમાત્ર જિનશાસનના પ્રભાવશાળી આચાર્ય ભગવંત અથવા તો અનુયોગાચાર્યને જ મળે છે.
*જૈન ઉત્સવો – પ્રતિષ્ઠા*
➡નૂતન જિનમંદિર કે જિર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિર દેરાસરમાં પ્રભુજીની પ્રતિમાને પ્રતિષ્ઠાપન કરવાની વિધિને “પ્રતિષ્ઠા” કહેવાય છે.
➡ આ પ્રસંગે મંત્ર, તંત્ર અને યંત્રના અનેક વિધિવિધાનો થાય છે. આ નિમિત્તે મોટા ભાગે આઠ દિવસનો જિનભક્તિ-મહોત્સવ થાય છે.
➡સાધુ ભગવંતો પ્રેરક અને પવિત્ર મંત્રોચ્ચાર કરે છે. એક પુણ્યશાળી વ્યક્તિ પોતાના હાથે પ્રભુજીની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરે છે. આ પ્રસંગે મંત્ર-તંત્ર અને યંત્રની આરાધનાના અનેક અનુષ્ઠાનો કરવામાં આવે છે.
*જૈન ઉત્સવો – ધ્વજારોપણ*
➡પ્રતિષ્ઠાના દિવસે દર વરસે દેરાસરજીના શિખર પર નવી ધજા ચઢાવવામાં આવે છે.
➡આ દિવસે વિશિષ્ટ દ્રવ્યોથી અભિમંત્રિત કરેલી ધજા તૈયાર કરાય છે.
➡સત્તરભેદી પૂજા ભણાવવામાં આવે છે એમાં આવતી ધ્વજપૂજા દરમ્યાન ધામધૂમપૂર્વક શિખર પર ધ્વજ ચઢાવાય છે.
➡આ ધ્વજા ચડાવવાનો લાભ ઉત્તમોત્તમ છે....
*જૈન ઉત્સવો – રથયાત્રા*
પ્રભુજીની પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને નગરના મુખ્ય માર્ગો પરથી તેમને વાજતે ગાજતે લઈ જઈને લોકદર્શન કરાવવાના આ આયોજનને “રથયાત્રા” કહે છે. ચાલુ રોજિંદી ભાષામાં તેને “વરઘોડો” કહે છે. તેનું યથાર્થ નામ “રથયાત્રા” કે “ચૈત્યયાત્રા” છે. તેમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને અન્યો પણ ઉમળકાથી ભાગ લે છે.
ચૈત્ર સુદ તેરસના શ્રમણ ભગવાન મહાવીરના જન્મદિવસે, પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદના દિવસે તેમજ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ પ્રસંગે આવી “રથયાત્રા” નું આયોજન સવિશેષ થાય છે.
*જૈન ઉત્સવો – સંઘયાત્રા*
➡નગર-શહેરના દેરાસરો તેમજ વિવિધ તીર્થોના દર્શને ચતુર્વિધ સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને `સંઘયાત્રા કહે છે.
➡આ યાત્રામાં ભાગ લેનારે છ નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે.
?1. એક ટંકનું ભોજન [એકાસણું કે આયંબિલ]
?2. પદયાત્રા.
?3. ભૂમિ પર શયન.
?4. બ્રહ્મચર્યનું પાલન.
?5. સચિત્ત વસ્તુનો ત્યાગ.
?6. સાચી શ્રદ્ધા.
➡આ છ નિયમના અવિકલ પારિભાષિક શબ્દો છે: જેમકે ભોંયપથારી, પાદવિહારી વગેરે. એ દરેક શબ્દનો છેલ્લો અક્ષર “રી' હોય છે. આથી તેને છ'રી કહે છે. તેની મુખ્યતાના કારણે તેને છ'રી પાળતો સંઘ પણ કહે છે.
➡આ યાત્રાસંઘમાં વ્યક્તિગત ધર્મની આરાધના સાથે જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર પણ થાય છે. ભાવિક યાત્રિકો સ્થાનિક સંઘોની સમ્યક્ પ્રવૃત્તિ માટે યથાશક્ય દાન પણ કરે છે. તેથી યાત્રાસંઘ જે નગરોમાંથી પસાર થાય છે કે જ્યાં રોકાય છે ત્યાંના સંઘને પણ લાભ થાય છે.
*જૈન ઉત્સવો – માળારોપણ*
➡સુદીર્ઘ “ઉપધાન તપ” કરનાર તપસ્વીનું તેમજ “સંઘયાત્રા” ના સંયોજક અને આયોજકનું “માળ” પહેરાવીને તેમની ધર્મભાવનાનું બહુમાન કરવાના પ્રસંગને માળારોપણ કહે છે.
➡આ “માળ” નિયત વિધિ અને ક્રિયાપૂર્વક પહેરાવવામાં આવે છે. “માળ” એટલે એક પ્રકારની માળા, રેશમ-જરી આદિ વિશિષ્ટ પદાર્થની તે બનેલી હોય છે. જેમ સામાન્યતઃ ફૂલહાર પહેરાવી બહુમાન કરાય છે તે પ્રમાણે તપસ્વીનું અને દાતાનું માળારોપણથી બહુમાન કરાય છે.
*જૈન ઉત્સવો – ઉદ્યાપન*
➡ઉદ્યાપન એટલે ઉત્સવ. આને “ઉજમણું” પણ કહે છે. તેમાં પોતાના નિર્મળ આનંદની વહેંચણી કરવામાં આવે છે.
➡વિશેષ તપશ્ચર્યા કે સાધના નિર્વિઘ્ને અને સાનંદ પરિપૂર્ણ થઈ તેની ખુશાલી, તેનો આનંદ અભિવ્યક્ત કરવા ઉદ્યાપન કે ઉજમણું કરવામાં આવે છે.
➡એમાં જિનભક્તિમાં ઉપયોગમાં આવતાં ચંદન, કળશ, વાટકી, દીપ વગેરે ઉપકરણો,જ્ઞાનસાધનાના પુસ્તકો, સાપડો વગેરે ઉપકરણો તેમજ સાધુની જીવનચર્યા માટેના રજોહરણ, સંથારો, પાતરાં વગેરે ઉપકરણો, આમ મુક્તિમાર્ગરુપ જ્ઞાનદર્શન અને ચારિત્રના ઉપકરણોનું પ્રદર્શન યોજવામાં આવે છે. યથાશક્ય એ ઉપકરણોની પ્રભાવના કરાય છે આ ઉધપાનમાં છોડ ભરાવવાનું વિશેષ મહત્વ હોય છે
➡“છોડ' એટલે ચંદરવો, પૂંઠિયો અને રૂમાલ. આ ચંદરવો મખમલ અને રેશમી વસ્ત્રોનો બનેલો હોય છે. તેમાં સોના-રૂપા-ચાંદીની જરીથી વિવિધ પ્રસંગોની ગુંથણી કરેલી હોય છે. દેરાસરોમાં ભગવાનની મૂર્તિની પાછળ તથા સાધુ-સાધ્વી જ્યાં વ્યાખ્યાન વાંચવા બેસે છે, તે સ્થાનની પાછળ આ “છોડ” બાંધવાની પદ્ધતિ છે.
*જૈન ઉત્સવો – સાધર્મિક વાત્સલ્ય*
➡ *શ્રમણ ભગવાન મહાવીરના જીવન અને કવનમાં શ્રદ્ધા રાખનાર તેમજ નવકાર મહામંત્રનું રટણ કરનાર ભાઈ-બહેનોના સામૂહિક જમણને “સાધર્મિક વાત્સલ્ય” કહે છે.*
➡કોઈ મહા પુણ્યશાળી સ્વતંત્રપણે અથવા તો બે ત્રણ વ્યક્તિ ભાગમાં આવાં “સાધર્મિક વાત્સલ્ય”નું આયોજન કરે છે.
➡શ્રીમંત-ગરીબ સૌ સાધર્મિકો એકજ પંગતમાં સમાનભાવે બેસીને જમે છે. જમતાં અગાઉ સાધર્મિકોના પગ ધોવામાં આવે છે. હાથ ધોવડાવામાં આવે છે. પછી તેમને કપાળે તિલક કરીને અક્ષત ચોડવામાં આવે છે. સંઘપૂજન પણ કહે છે
➡આટલો સત્કાર અને સન્માન કર્યા પછી તેમને યથાશક્ય ઉપહાર આપવામાં આવે છે અને છેલ્લે સર્વને પ્રેમથી અને આગ્રહથી જમાડવામાં આવે છે.
➡જે ઉદાર ભાગ્યશાળી તરફથી “સાધર્મિક વાત્સલ્ય” હોય છે તે વ્યક્તિ તેમજ તેના પરિવારના સભ્યો દરેક સાધર્મિકનું ઉપર્યુક્ત પ્રમાણે સન્માન અને બહુમાન કરે છે.
➡“સાધર્મિક વાત્સલ્ય” ને “સ્વામીવાત્સલ્ય” તેમજ “નવકારશી” ના નામે પણ ઓળખવામાં આવે છે.
*આ બધાં પર્વો અને ઉત્સવો ઉપરાંત અન્ય પર્વો, ઉત્સવો અને અનુષ્ઠાનો પણ છે*
➡આ બધાં પર્વો અને ઉત્સવો ઉપરાંત અન્ય પર્વો, ઉત્સવો અને અનુષ્ઠાનો પણ છે.
➡એ દરેકની નિયત વિધિ હોય છે. તે દરેકનો ચોક્કસ તપ હોય છે. નાનું મોટું ગમે તે પર્વ, પૂજન કે ઉત્સવ હોય તે દરેકમાં તપ, ત્યાગ, સંયમ, વ્રત, જાપ, ધ્યાન આદિની પ્રધાનતા હોય છે. તે દરેકનું મુખ્ય લક્ષ્ય આત્માની શુદ્ધિનું હોય છે.
➡આ સર્વ નિમિત્તે ગરીબોને દાન, પશુઓને ઘાસચારો, પંખીઓને ચણ, જરૂરતમંદોને યથાશક્ય ઉચિતદાન પણ આપવામાં આવે છે.
➡એમ જરૂર કહી શકાય કે જૈનોના પર્વો, પૂજનો અને ઉત્સવોમાં દાન, શીલ, તપ અને ભાવનાની ચતુરંગી અચૂક અને અવશ્ય હોય છે.