Saurashtrani Rasdhar - Sinh nu dan in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | સિંહનું દાન

Featured Books
Categories
Share

સિંહનું દાન

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સિંહનું દાન

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઇ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોધળા રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરતી વખથે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઇક વ્રતો લીધાં; પણ ચાંચોજીએ તો એવું વર્ત લીધું કે ‘મારી પાસે જે કાંઇ હશે તે હું મારા જાચનારને આપીશ.’

ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી.

હળવદ દરબારે પોતાના દસોેંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું.

ચારણ કહેઃ “પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે.”

દરબારે કહેઃ “એવું કંઇક માગ કે પરમારને ના પાડવી પડે.”

ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહેઃ “કવિરાજ, આશા કરો.”

“બાપ! તમથી નહિ બને.”

“શા માટે નહિ? માંડવરાજ જેવો મારે માથે ઘણી છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહિ. કોઇ દિવસ આ રાજપાટનાં ગુમાન કર્યાં નથી; માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે.”

“અન્નદાતા, મરે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઇયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.”

“જે માગવું હોય તે માગો.”

ચારણે ગોઠણભર થઇને દુહો કહ્યો કેઃ

અશ આપે કે ૧ અધપતિ, દે ગજ કે દાતાર,

સાવઝ દે મું સાવભલ ૨ પારકરા પરમાર!

(કોઇ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઇ હાથી આપે. પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.)

“સાવજ!” સભાનો અવાજ ફાટી ગયો.

“હા, હા, જીવતો સાવજ!” ચારણે લલકાર કર્યોઃ

(કોઇ જબરા રાજાઓ જમીનનાં દાન આપે, કોઇ પોતાનાં લીલાં માથાં ઉતારી આપે, પણ, હે પરમાર, તારી પાસે તો સાવજ માગું છું.)

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠીઃ “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઇ માનો છો કે?”

ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખીઃ

ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,

સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર!

તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવનાં દાન દેજે પણ મને તો, હે પારકરા પરમાર, સાવજ જ ખપે.

“ગોઝારો ગઢવો!” સભામાં સ્વર ઊઠ્યો. ગઢવીએ ચોથો દુહો ગાયોઃ

દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,

મોઢે ઊજળે દે મને, પારકરા પરમાર!

(હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઇશ.)

ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યુંઃ “કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”

મધરાતે માંડવરાજના થાનકમાં જઇને ચાંચોજીએ અરજ ગુજારીઃ “એ સૂરજદેવ! જીવતો સાવજ શી રીતે દઉં? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ!”

દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યોઃ “હે ક્ષત્રી! એમાં મારી પાસે શું આવ્યો? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઇ રહ્યા છે; તું ક્ષત્રી છો, તો એમાંથી એકાદને ઝાલી લે!”

બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઇને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યુંઃ “ચાલો, કવિરાજ, સાવજ આપું.”

પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડીઃ

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,

શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર!

ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડીઃ “લ્યા કવિરાજ, આ સાવજનાં દાન.”

ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યોઃ ‘ગઢવા! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે! તું કોઇકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો?”

સાવઝ ભાળી સામહો, ૧ ભડક્યા કેમહી ભાગ,

પાંથું પાથા પાગ, ભરવા ન ઘટે ભડ જને!

(સિંહને સામો ઊભેલો જોઇને ભડકીને કેમ ભાગો છો? ઓ ચારણ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.)

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું? ચારણે ચતુરાઇ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કેઃ

ચાંચે સિંહ સમપ્પિયો, કેસર ઝાલિયો કાન,

(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમારા ધણી!

(ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહને કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા!)

સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યોઃ “જાઓ, વનરાજ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.