Prempurn patra in Gujarati Love Stories by bharat maru books and stories PDF | પ્રેમપુર્ણ પત્ર - LETTER TO YOUR VELENTINE

Featured Books
Categories
Share

પ્રેમપુર્ણ પત્ર - LETTER TO YOUR VELENTINE

મારી જયોત્સના કે ચાંદની,

ભરત મારુ

આપણે જયાંરે મળ્યાં ત્યાંરે તારી સગાઇ થઇ ચુકી હતી. તારું નામ જયોત્સના પણ હું તને ચાંદની કહીને બોલાવતો. ચાંદની એટલે એવો પ્રકાશ જે દઝાડતો નથી પણ ઠંડક આપે. બંનેનો અર્થ તો એક જ છે. એ વખતે મારા બધા મિત્રોને પોતાની પ્રેમીકા હતી, એટલે મારા પર એ લોકો હસતા. પછી તું મારી પ્રેમીકા બની. આજે જયાંરે એમને હું આપણા પ્રેમની વાત કરુ છું તો પણ એ લોકો હસે છે એટલા માટે કે એમને આવા પ્રેમની વાતમાં વિશ્વાસ જ નથી. કદાચ એમને મારી ઇર્ષા થતી હશે. પણ મિત્રોને શું ખબર કે પ્રેમમાં ઇર્ષાને સ્થાન ન હોય. પણ આ સત્ય છે કે આપણે પ્રેમી છીએ. તારી સગાઇ થઇ પછી હું તને પ્રેમ કરવા લાગ્યોં. મારો પ્રેમ જોઇ તું પણ અવિરત વાદલડીની જેમ વરસી પડી. મને યાદ છે હું તને રાત્રે તારા ઘરે સમાજની જાસુસ નજરોથી બચીને મળવા આવતો. ત્યાંરે મને એવરેસ્ટ ચડયાંનો રોમાંચ અનુભવાતો. આપણે સવારના પાંચ વાગ્યા સુધી ફકત વાતો કરતા. એકવાર તે મને પ્રેમમાં હદ વટાવી જતા રોકયોં હતો. મારા પુરૂષત્વના અહંકારને ઢેસ પહોચી હતી. પણ તારા શુદ્ધ હૃદયના પ્રેમથી મારો અહંકાર જ ઓગળી ગયો હતો. પછી તો હું તારા પ્રેમથી જાણે પવિત્ર થઇ ગયો હોય એમ તારી સોસાયટીના સામે આવેલા મંદિરમાં જ તને મળવા આવતો. મારા આગ્રહથી જ તે મને તારી ફેવરીટ ચોકલેટનું નામ કહેલું. હું એ લાવતો, પણ થોડા સમય પછી તું એ માટે ગુસ્સે થઇ મને કહેતી અઠવાડીયામાં બે-ત્રણ વાર આટલો બધો ખર્ચ ન કરો. પછી તે મને દાંત દુખે છે એવું બહાનું કરી મારો ખર્ચ બંધ કરાવેલો. આપણે રૂબરૂ ન મળી શકતા ત્યાંરે ફોન પર અઢળક વાતો કર્યાં કરતા. આ માટે બી. એસ. એન. એલ. વાળા બીલ પણ વધું ઠપકારતા. ત્યાંરે ખ્યાલ આવતો કે પ્રેમ તો પરમાર્થ છે પણ એને વ્યકત કરવા વ્યવહાર જરૂરી છે. એટલે તારા પ્રેમને લીધે જ મને વ્યવહારીક જ્ઞાન થયું. આવો આપણો પ્રથમ તબકકાનો પ્રેમ અદ્ભુત હતો પણ મને એમાં એક ડર પણ હતો કે તારા લગ્ન પછી તું બદલાઇ જઇશ. એટલે આ તબકકાનો પ્રેમ મને માથા પર લટકતી તલવારની જેમ જાગૃત રાખતો. હું તને અને તારા આ પ્રથમ તબકકાના પ્રેમનાં કુંપણને યાદ કરું તો મને મારા જીવનની ધન્યતાના દર્શન થાય છે. મારી એ ઉંમર અને યુવાનીનો યોગ્ય ઉપયોગ હતો આપણો એ પ્રેમ. જો વૈજ્ઞાનીકો એમ કહેતા હોય કે પ્રેમ એટલે મગજમાં ઉત્પન્ન થતા અને સંયોજીત થતા અમુક કેમીકલ સ્ત્રાવો. તો આપણા પ્રેમમાં રોમાંચ અને ડહાપણ નામના કેમીકલોનું અદ્ભુત સંયોજન છે. હું તો કહું છું કુદરતે દરેક શરીરમાં આ પ્રેમના રસાયણો નાખેલા જ હોય છે. બસ તારા જેવી પ્રેમીકા મળે તો એ કાર્યરત થાય છે. તારા જેવી પ્રેમીકા તો ઇશ્વરે ઘણી ઘડી હશે, પણ તું તો માત્ર ધરતીમાં એક જ છે. પણ પ્રીયે, સમય તો ઉપરથી વહેવાનું જ શીખીને આવ્યો છે. એટલે તારી સગાઇ અને લગ્ન વચ્ચેના ચાર વર્ષ ગંગાની જેમ વહી ગયાં. આ પ્રથમ તબકકો પુરો થયો.

જયાંરે હજી તારા લગ્ન પછી બીજા તબકકાનું ભવિષ્ય અકબંધ હતું. અકબંધ એટલે બંધ ખોખુ. શું નીકળશે એ અજ્ઞાત હતું. પણ આ અજ્ઞાત ભયને પણ આપણા પ્રેમે જીતી લીધો. હા એ ખરું કે તારા લગ્ન પછી પ્રેમ સાથે નાના મોટા ઝગડાએ પણ પ્રવેશ કર્યોં. ઝગડા પછી આપણે અહંકાર સાથે રાખતા પણ આ પ્રેમ આપણા એ અલગ અલગ અહંકારને કયારે ઓગાળી નાખતો એ ખ્યાલ જ ન રહેતો. અને ઝગડા તો આપણાં પ્રેમના સુંદર દેહમાં નજર ન લાગે એ માટેનું કાળું ટપકું માત્ર હતા. આમેય જે પ્રેમના દિવામાં આપણે બંને કયાંરેક એકસાથે તો કયાંરેક એક પછી એક ઇંધણ પુરતા રહેતા હોય એ દિવો તોફાનો વચ્ચે પણ ઝળહળતો રહે છે. આપણે એને ઓલવવા ન દીધો. ખાસ તો તારો હાથ જ વધારે છે આમાં. પછી તો તને બે બાળકો થયા પણ જયાં પ્રેમનો અખુટ સ્ત્રોત હોય ત્યાં પ્રેમ ઓછો થવાની કે વહેચાય જવાની ફીકર કોણ કરે? એમ તારો મારા પ્રત્યેનો પ્રેમ સતત વધતો ગયો. મે તને મારી પરીણીત પ્રેમીકા બનાવી. હું તો બધાને કહેવામાં આનંદ અનુભવું છું કે આ મારી પરીણીત પ્રેમીકા છે. હું તને પરીણીત પ્રેમીકા કહું તો તને સંકોચભાવ પણ થતો હશે. પણ પ્રેમ તો કોઇ બંધનમાં નથી માનતો. એ તો તારા ને મારા હૃદયમાં બનતો અને આપણાં શરીરો દ્વારા અભીવ્યકત થતો અવિરત અદ્રશ્ય પ્રવાહ છે. એના તાણમાં તણાવું એ તો વિરલાઓનું કામ છે. મારી આજુ બાજુ ઘણાં લોકોને હું તો જોઉ છું કે એમની પાસે પ્રેમ કરવાનો સમય જ નથી. પાછો મુળ વાત પર આવું કે તું ભલે પરીણીત છે, પણ હંમેસા મારી પ્રેમીકા જ બનીને રહી. નહીંતર એવા કેટલાય પ્રેમ લગ્નો પણ જોયેલા છે જેમાં સમયની ખારી હવાથી પ્રેમને તો કાટ લાગી ગયો હોય માત્ર લગ્ન જ વધેલા હોય. કારણકે બે વ્યકતી જેટલા એકબીજાની નજીક રહે એટલા બંનેના અહંકારોનો ટકરાવ વધુ થાય. પણ પેલુ એક હીંદી ગીતમાં કહયું તેમ જો બંનેએ સાથે ચાલવું હોય તો એકનો ડાબો હાથ અને બીજાનો જમણો હાથ સાથે જોડવો પડે. એટલું તો અનુકુળ એક બીજાને થવું પડે. બંને જો જમણા હાથનો આગ્રહ રાખે તો પંજો લડાવી શકાય, સાથે ન ચાલી શકાય. આપણે એકબીજાને અનુકુળ થયા. પણ એની પાછળ પ્રેમ જ કારણભુત છે.

હા, તો મારી પરીણીત પ્રેમીકા કદાચ આ પત્ર કોઇના હાથમાં આવી જાય તો? એ વિચારે અહી કહી દઉં. તારી સગાઇ અને લગ્ન મારી સાથે જ થયા છે. હા હા હા. આ તો તું મારી પત્ની કરતા પણ વધારે પ્રેમીકા બનીને રહી એટલે પ્રેમથી આવું સંબોધન કરતો આવ્યોં. તું મને હંમેસા કઇક આપતી જ રહી. એક મજબુત દિકરો અને એક માસુમ ફુલ જેવી દિકરી આપી. આ તો આજે ફોટોગ્રાફી માટે જંગલમાં આવ્યોં પાંચ દિવસ માટે ત્યાંરે તારી યાદ આવી એટલે આ પત્ર લખાઇ ગયો. યાદ પણ શુંકામ આવી? વહાલી, અહીં જંગલમાં પણ કુદરતે જાણે પ્રેમની મોસમ ખીલવી છે. વૃક્ષો પર ફુલોના ઠગલા લાગેલા છે. જાણે એનો કોઇ પ્રીયતમ એના માથામાં ફુલ સજાવી ગયો. કેશુડાના ઝાડ જાણે કેસરી રંગના કપડા પહેરી પોતાના પ્રીયને રીઝવવાનો સુંદર પ્રયાસ કરે છે. અમુક વૃક્ષ તો જાણે તારી જેમ કાયમીના યુવાન દેખાય છે. આહા આવા એક મદમસ્ત ફુલોથી મહેકતા ઝાડની ડાળી પર એક બુલબુલનું જોડું બેઠું બેઠું પ્રેમગીત ગાઇ રહયું છે. વળી એક ડાળે પોપટનું જોડું પ્રેમથી એકબીજાને હળવી ચાંચો મારે છે. આહા, અહોભાગ્ય મારા કે થોડે દુર એક મોર કળા કરીને નાચે છે અને એની ફરતે એક ઢેલ ગોળ ગોળ ફરે છે. આ મોરના અવાજે મને તું યાદ આવી પ્રીયે. અહીં શુદ્ધ જળનું એક ઝરણું પણ આ પ્રેમના દ્રશ્યો જોઇ ખળખળ હસતું જાય છે. એણે પણ જાણે દોટ મુકી પોતાના પ્રેમીને મળવા. એક હરણ અને હરણી પોતાના બે બચ્ચાને થોડા પાછળ રમતા મુકી ઝરણાનું પાણી પીવા આવ્યાં. મને જોઇને જાણે હરણીએ હરણનાં શીંગડા નીચે સંતાયેલા કાનમાં કઇક કહયું. પછી બંનેએ મારી તરફ જોયું. પણ મને લાગ્યું મારી એકલતા માટે મારી મજાક કરે છે, મારા પર હસે છે. અને એ વિચારતા જ હશે કે આને કોઇ સંગી સાથી પ્રેમી નહીં હોય? હોય તો સાથે કેમ નથી? પણ વહાલી, મને હરણની ભાષા નથી આવડતી. હું એને કેમ સમજાવું કે આપણો પ્રેમ કેવો છે?મને મારી પત્ની મારી પ્રેમીકા કેટલી યાદ આવી છે? પણ કઇ વાંધો નહીં. આ પ્રેમના પંખીડા અને પશુડા જોઇ મને ખબર પડી કે પ્રેમ થવો એ તો કુદરતની ઇચ્છા છે. પ્રકૃતીનાં નાટકમાં પણ નાયક નાયીકાનો પ્રેમ જ મુખ્ય ઘટના અને વાર્તાનો હાર્દ છે. માનવ પ્રેમ થકી પ્રકૃતીથી લઇ પરમાત્મા સુધી પહોંચી શકે છે. એટલે જ અહીં એક વાત યાદ આવે છે- એક યુવાન એક સંત પાસે જઇ ઇશ્વરને મેળવવા શું કરવું એવો સવાલ કરે છે. તો એ સંત સામે સવાલ કરે છે કે યુવાન તે જીવનમાં કોઇને પ્રેમ કર્યોં છે? પેલો યુવાન કહે છે ના, હું તો ઇશ્વરને પામવા ઇચ્છુક છું મારી પાસે પ્રેમ માટે સમય નથી. ત્યાંરે એ સંતે સુંદર જવાબ આપતા કહયું કે જે પ્રેમને નથી જાણતો એ ઇશ્વરને કેવી રીતે જાણી શકશે?

આ રસમય મોસમના રંગીન દ્રશ્યો જોઇ મને વિરહની વેદના મળી. પણ એના કરતા મહત્વનું છે કે મને તારી અને તારા પ્રેમની ખરી કીંમત પણ મળી. અમુલ્ય ચીજ મફતમાં મળે તો હરખ થાય એ માનવસહજ સ્વભાવ છે. આ પ્રેમમય પ્રકૃતીનું સંગીત મને સમજાવે છે કે થોડી ક્ષણ પણ તારી અર્ધાંગીનીને ભુલીશ તો તને દોષ લાગશે. આ પત્ર વાંચીને કદાચ તને એવો વિચાર ન આવે કે તમે તો પ્રેમ સિવાય કઇ વાત જ નથી કરતા તો કહી દઉં, જેના હૃદયમાં પ્રેમ હોય એને બીજી બધી કળા તો આપમેળે આવડી જાય. પ્રેમ એટલો વિશાળ છે કે બાકી આખો સંસાર અને સંસારની બધી વાતો એમાં જ સમાઇ જાય. જેને પ્રેમ કરતા આવડે એના માટે સંસાર અને વ્યવહારના બધા હુનર શીખી જવા સહેલા છે. હવે કદાચ તું એમ પણ વિચારે કે આ ભરતમાંથી ભ્રમીત થયા અને હવે મોહીત પણ થયા લાગે. તો સ્મીત સાથે જણાવવાનું કે હા મારો મોહ હતો. એનું શું થયું એ કહું. એકવાર પવિત્ર ગંગાને કિનારે મોહ અને ક્ષાન ફરવા નીકળા. ગંગાએ બંનેને પોતાની અંદર ડુબકી મારવાનું કહયું. મોહ તો ડુબકી લગાવી બહાર નીકળો તો પ્રેમમાં પરીવર્તીત થયો. અને પેલો ક્ષાન ડુબકી લગાવી ધ્યાન બન્યોં. એમ તું ગંગા, તે મારા મોહને પવિત્ર પ્રેમમાં ફેરવ્યોં. તું એજ પવિત્ર જળ જે મારી કામાગ્નિ અને જઠરાગ્નિ બંનેને શિતળ શાંત કરે છે. તું ગંગા સહનશકિતની, તું ગંગા ભકિતની, તું ગંગા પ્રેમની, તું ગંગા વિશાળ. તું ગંગા મારા ક્ષાનને ધ્યાંનમાં ફેરવતી પ્રવાહી પવિત્ર નદી પ્રેમની.

આ પ્રેમ પત્ર ગીત, શાયરી કે કવિતા વિના કદાચ અધુરો ગણાય. એટલે એ પણ લખું છું.....

“કયાંરેક મૌનને માણતાં,

કયાંરેક શબ્દોને સાંભળતાં,

કયાંરેક સ્થુળને ભોગવતાં,

કયાંરેક સુક્ષ્મને સમજતાં,

હું તારામાં ને તું મારામાં

એમ બંધાયેલા છીએ,

નથી આખા, એકબીજામાં

અરધા અરધા સંધાયેલા છીએ. ”

આ ગીતમાં સંગીત તો એક જ સારું લાગે તારા પ્રેમસભર હૃદયનું અજરઅમર ધકધક... ધકધક... ધકધક....

લી. તારો ભ્રમીત ભરત

તા. 14-2-2018.