Tamara vina - 27 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - 27

Featured Books
Categories
Share

તમારા વિના - 27

તમારા વિના - 27

‘સાહેબ, મેં મારા પતિ તો ગુમાવ્યા જ છે, પણ આમ ને આમ તો મારે મારા છોકરાઓ પણ ગુમાવવાનો વારો આવશે. આ રીતે જો અમને લોકોને જ હેરાન થવાનું હોય તો બહેતર છે કે તમે આ કેસ બંધ જ કરાવી દો.’ કાન્તાબેનના અવાજમાં તેમના મનનો મૂંઝારો વ્યક્ત થતો હતો.

ડીસીપી પાંડેના મળ્યા બાદ તપાસને વેગ ચોક્કસ મળ્યો હતો; પણ પોલીસે જે રીતે દીપક, વિપુલ અને નીતિનકુમારની પૂછપરછ કરી હતી એેનાથી ત્રણેય જણ ગુસ્સે થયા હતા.

‘આ કોઈ રીત છે? અપરાધીને પકડવાને બદલે અપરાધનો ભોગ બનનારાઓને જ પોલીસ હેરાન કરી રહી છે.’ એક્ઝિક્યુટિવ ચૅરના બૅકરેસ્ટને અઢેલીને બેઠેલા અને પગથી ચૅરને ઝુલાવતા ડીસીપી પાંડે કંઈ પણ ઉત્તર આપ્યા વિના કાન્તાબેનને સાંભળી રહ્ના હતા.

થોડીક ક્ષણો કૅબિનમાં સાવ ચુપકીદી છવાઈ ગઈ. ડીસીપી પાંડે હજી પણ કાન્તાબેનને તાકી રહ્ના હતા. તેમનું મૌન અકળાવનારું હતું. કાન્તાબેન ડીસીપી પાંડેને અગાઉ એક જ વખત મળ્યાં હતાં, પણ એટલું તો સમજી જ ગયાં હતાં કે તે બોલતા ઓછું હતા પણ કામ વધુ કરતા હતા. પરંતુ આમ સાવ મૂંગામંતર થઈ જતા માણસ સાથે કઈ રીતનું વર્તન કરવું એ કાન્તાબેનને આ ઘડીએ સમજાતું નહોતું. તેમણે આ પોલીસ અધિકારીની સામે આમ જ બેઠા રહેવું જાઈએ કે પછી ઊભા થઈને ચાલ્યા જવું જાઈએ એ નિર્ણય પર કાન્તાબેન આવી શકતાં નહોતાં.

આ પોલીસ અધિકારી બીજાઓથી જુદો છે એેનો ખ્યાલ તો કાન્તાબેનને આવી જ ગયો હતો. એક અર્થમાં ડીસીપી પાંડે પર કાન્તાબેનની આશાનો મદાર હતો. આ માણસ જ તેમને ચંદ્રના હત્યારાઓ સુધી પહોંચવામાં મદદ કરી શકશે એવો વિશ્વાસ કાન્તાબેનને આવવા માંડ્યો હતો. તેમને અકળામણ થતી હોવા છતાં ડીસીપી પાંડેને તે ઓ નારાજ કરવા માગતાં નહોતાં, પણ છેલ્લા કેટલાક દિવસથી જે ઘટનાઓ બની હતી એને લીધે હવે તેમની ધીરજનો પણ અંત આવી રહ્ના હતો.

નવીનચંદ્રના ગયા પછી જાણે તેમના જીવનમાં બધું જ અવળું પડી રહ્યું હોય એમ લાગતું હતું. દીપક અને કાશ્મીરાની જીવનનૌકા ખરાબે ચડી હતી તો બીજી બાજુ વિપુલ અને મનીષાના બાળકનું જન્મ પહેલાં જ મૃત્યુ થયું એને કારણે તે બન્ને પણ હતાશ થઈ ગયાં હતાં.

વિપુલના બાળકના મૃત્યુ માટે જાણે કાન્તાબેન જ જવાબદાર હોય એવો વર્તાવ વિપુલ અને મનીષાએ તેમની સાથે કર્યો હતો. હૉસ્પિટલમાં મનીષા એનેસ્થેસિયાની અસરમાંથી ભાનમાં આવી ત્યારે કાન્તાબેન તેની બાજુમાં જ બેઠાં હતાં. ભાનમાં આવતાંની સાથે જ તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. કાન્તાબેને તેને આશ્વાસન આપવા માથા પર હાથ મૂક્યો તો તેણે એ હડસેલી દીધો હતો. આવી નાજુક હાલતમાં મનીષા આવું કરે એને માટે કાન્તાબેને માઠું નહોતું લગાડ્યું, પણ જ્યારે મનીષા પાસે હૉસ્પિટલમાં રોકાવાની વાત થઈ અને કાન્તાબેને ત્યાં રહેવાની તૈયારી બતાવી ત્યારે વિપુલે સાફ શબ્દોમાં તેમને સંભળાવી દીધું, ‘તારે અહીં રોકાવાની જરૂર નથી, મેં વ્યવસ્થા કરી લીધી છે. છેલ્લે કોઈ નહીં હોય તો નર્સ રાખી લઈશું’ અર્જુનને પણ પોતાની સાથે લઈ જવાની વિપુલે ના પાડી દીધી ત્યારે કાન્તાબેનને દુઃખ લાગ્યું પણ તેઓ ચૂપ રહ્યાં. વિપુલનો તેમની સાથેનો વ્યવહાર બહુ જ અતડો હતો. તેમને સમજાતું હતું કે તેમની સાથે જાણીબૂજીને આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો.

કાન્તાબેને વિપુલ સાથે વાત કરવાની કોશિશ કરી જાઈ હતી. હૉસ્પિટલના વેઇટિંગ રૂમમાં તેઓ વિપુલની બાજુમાં જઈને બેઠાં અને પૂછ્યું હતું, ‘તને પોલીસે બોલાવ્યો હતો? શું કહ્યું? તારી સાથે કંઈ ગેરવર્તન...’

‘આ બધાં નાટક રહેવા દેને બા! અમે તારું શું બગાડ્યું છે? અમને અમારી જિંદગી શાંતિથી જીવવા દે એટલે બસ.’ વિપુલે રીતસર બે હાથ જાડ્યા હતા.

વિપુલના વર્તનથી વેઇટિંગ રૂમમાં બેઠેલા ચાર-પાંચ જણે તેમની તરફ જાયું એટલે કાન્તાબેને સહેજ ક્ષોભ અનુભવ્યો હતો.

‘બેટા, તને કંઈક ગેરસમજ થઈ લાગે છે. હું પોલીસસ્ટેશનમાં ગઈ હતી, પણ તે ફક્ત એટલા માટે કે તારા ભઈને કોણે અને શું કામ આવું કરી નાખ્યું...’

‘તને તો એમ જ લાગે છેને કે ભઈને અમે જ મારી નાખ્યા છે, પણ અમે શું કામ મારી નાખીએ? તેમની પાસે હતું જ શું કે જેના માટે અમે તેને મારી નાખીએ? મહેરબાની કરીને અમને આમાં ન સંડોવ...’ વિપુલ ખુરશી પરથી ઊભો થઈ બહાર ચાલ્યો ગયો.

શું બોલ્યો હતો વિપુલ? કાન્તાબેનને પોતાના કાન પર ભરોસો નહોતો બેસતો. શું હતું તેમની પાસે કે અમે તેમને મારી નાખીએ... એટલે જો હોત તો કદાચ તેમને મારી નાખવાનો વિચાર કર્યો હોત એમ જને? ના, વિપુલ ગુસ્સામાં નહોતો બોલી ગયો. વિપુલને કાયમ સુખસગવડ અને તમામ પ્રકારની સુવિધાની ઝંખના રહેતી. કાન્તાબેનને યાદ હતું કે તે મૅગેઝિન અને છાપાંઓમાંથી વિદેશી કારના ફોટા કાપી કાપીને દીવાલ પર ચોંટાડતો.

મારા બાપાનો બિઝનેસ હોત કે મારી પાસે મૂડી હોત તો હું પણ ઘણો આગળ નીકળી ગયો હોત એવું વિપુલ અનેક વાર કહેતો, પણ એ વાતને કાન્તાબેને ક્યારેય આટલી ગંભીરતાથી નહોતી લીધી; પણ આજે જ્યારે વિપુલ આવું બોલી ગયો ત્યારે કાન્તાબેન ડઘાઈ ગયાં હતાં.

એ સાંજે કાશ્મીરા સાથે કારમાં તે ઓ દીપકના ઘરે પાછાં ફર્યાં ત્યારે સતત તેમને એક જ પ્રશ્ન સતાવતો હતો કે ચંદ્રની હત્યાનું કારણ અને તેમના હત્યારાને શોધવા માટેનો પ્રયાસ કરવાનો તેમનો નિર્ણય ખોટો હતો?

હૉસ્પિટલમાંથી પાછાં ફર્યા ત્યારે કાન્તાબેન ખૂબ જ થાકી ગયાં હતાં. વિપુલના બાળકના મૃત્યુનું તેમને દુઃખ થયું હતું. એ જુદી વાત હતી કે આવા સમયે એેને વ્યક્ત કરવાનો તેમનો સ્વભાવ નહોતો. તેમને થયું કે એક ચંદ્ર જ તેમને કેટલી વેદના થઈ રહી છે એ સમજી શક્યા હોત, પણ તે અત્યારે નહોતા.

‘બા...’ ટેરેસની દીવાલને ટેકે ઊભેલાં કાન્તાબેનના ખભા પર કાશ્મીરાના હાથનો મૃદુ સ્પર્શ થયો ત્યારે કાન્તાબેન વિચારોમાંથી ઝબકી ગયાં. તેમની આંખના ખૂણે બાઝેલાં આંસુના ટીપાંને કારણે તેમની આંખો ઝિલમિલાઈ ગઈ હતી.

‘કાશ્મીરા, જિંદગીનો દાખલો ગણવામાં મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ એ જ સમજાતું નથી.’ કાન્તાબેનથી અનાયાસ બોલી જવાયું.

ટેરેસની પાળી પર મૂકેલા તેમના હાથ પર કાશ્મીરાએ ધીમેકથી પોતાની હથેળી મૂકી અને સ્નેહપૂર્વક દબાવી. તેનો આ સ્પર્શ ઘણું બધું કહી રહ્યો હતો જેની અસર કાન્તાબેનના હૃદય સુધી પહોંચી. સવારથી જેના પર કાળજીપૂર્વક પાળ બાંધી રાખી હતી તે એક હડસેલા સાથે તૂટી ગઈ. કાન્તાબેનના ગાલ પર આંસુના રેલા વહી આવ્યા.

‘તમારી એકલતા મને સમજાય છે, બા.’ કાન્તાબેન શાન્ત પડ્યાં ત્યારે કાશ્મીરા પાણીનો ગ્લાસ લઈ આવી. તેમણે કાન્તાબેનનો હાથ પકડી તેમને ખુરશી પર બેસાડ્યાં.

‘જે કંઈ બન્યું એના માટે તમે કોઈ રીતે જવાબદાર નથી. ડૉક્ટરે કહ્યુંને કે મનીષાએ ખાવાપીવામાં જરાય કાળજી રાખી નહોતી અને તેનું બ્લડપ્રેશર હાઈ થઈ ગયું એને કારણે આવું બન્યું.’ કાશ્મીરાએ ડૉક્ટરે કહેલી વાત યાદ કરાવી.

‘પણ વિપુલ અને મનીષા તો એમ જ માને છે કે... કાશ્મીરા, તું જ કહે, કોઈ મા ખુદ પોતાનાં બાળકોનું અહિત ઇચ્છે ખરી?’

‘એક વાત કહું બા. તમારી ભૂલ દાખલો ગણવામાં નથી થઈ, પણ તમે જિંદગીને ગણિતના દાખલા તરીકે જુઓ છો જ શા માટે? મને તો હંમેશાં લાગ્યું છે કે લાઇફ એક વાર્તા, ધારાવાહિક વાર્તા અથવા ટેલિવિઝન સિરિયલ જેવી છે જેના નેક્સ્ટ એપિસોડમાં શું આવવાનું છે એેની રાહ જોવાની જ આપણા હાથમાં છે અથવા એમ કહો કે હવે પછીનો એપિસોડ શું હશે એની રાહ જોયા સિવાય આપણે બીજું કશું કરી પણ શકતા નથી.’ ટેરેસમાં મૂકેલા લૅમ્પનું બટન એ જ વખતે કામવાળી લતાએ ઑન કર્યું અને પીળા બલ્બના આછા ઉજાસમાં કાશ્મીરાનો ધીર-ગંભીર લાગતો ચહેરો કાન્તાબેન જાઈ રહ્યાં.

એ રાતે કાન્તાબેનને મોડી રાત સુધી ઊંઘ ન આવી. આખા દિવસના શારીરિક અને માનસિક થાકને કારણે તેમનું શરીર કળતું હતું. પાણીની સપાટી પર પરપોટાની જેમ વિચારો મનની સપાટી પર આવતા હતા અને કાં તો ફૂટી જતા હતા અથવા સરકીને પાણીમાં સમાઈ જતા હતા. સૂતાં પહેલાં તેમણે સવારે ડીસીપી પાંડેને મળવાનો નિર્ણય કરી લીધો અને ફોન કર્યા વિના જ સીધા તેમની ઑફિસે પહોîચી ગયાં હતાં.

થોડીક વાર એમ જ બેસી રહ્યા પછી ડીસીપી પાંડેએ ફોન ડાયલ કરીને વાત કરી. તે એટલા ધીમા અવાજે અને એટલું ઓછું બોલતા હતા કે કોની સાથે અને શું વાત કરી રહ્યા છે એ સાંભળવાનો પ્રયાસ કરવા છતાં કાન્તાબેનને સમજણ ન પડી.

ફોનનું રિસીવર મૂકી દીધા પછી પણ ડીસીપી પાંડે કશું ન બોલ્યા. તેમણે બેલ વગાડીને પટાવાળાને બોલાવ્યો.

‘માજી, શું પીશો તમે? ચા કે...’ ડીસીપી પાંડેએ અચાનક પૂછ્યું.

ચા પીવી જાઈએ કે નહીં એ નક્કી કરતાં કાન્તાબેનને સમય લાગ્યો. એટલી વારમાં જાણે તેમના વતી પોતે જ નિર્ણય લઈ લીધો હોય એેમ પાંડેએ બે ચાની વરદી આપી દીધી. પટાવાળાના ચાલ્યા ગયા પછી તેમણે ખુરશી ટેબલની પાસે લીધી અને ટટ્ટાર બેસીને બોલ્યો,

‘દેખો માજી, મૈં આપકી મુશ્કિલ સમઝ સકતા હૂં, પણ પોલીસતપાસમાં પૂછપરછ તો બધાની કરવી જ પડે. અમારે પોલીસવાળાઓએ દરેક માણસને શંકાની નજરે જાવા પડે.’

‘પણ...’ કાન્તાબેનને પાંડેએ આગળ બોલવા ન દીધા.

‘મને ખબર છે, તમને તકલીફ પડી રહી છે. અમારા ઑફિસરો પણ ઘણી વાર બહુ રફ વાત કરતા હોય છે. મેં સૂચના આપી દીધી છે એટલે હવે તમને અને તમારા ફૅમિલીને ઓછામાં ઓછી તકલીફ પડે એની તકેદારી લેવામાં આવશે.’ પાંડેએ વાત પર પૂર્ણવિરામ મૂકતો હોય એમ કહ્યું.

કાન્તાબેનને કોણ જાણે કેમ પણ હવે આ યુવાન ઑફિસરમાં ભરોસો બેસતો હતો. તેમણે કોઈ દલીલ ન કરી.

‘સાહેબ, તમને શું લાગે છે? એમની એટલે કે મારા પતિની હત્યામાં કોનો હાથ...’ આટલો સમય વીતી ગયો હોવા છતાં કાન્તાબેન હજી સુધી નવીનચંદ્રની હત્યા વિશે બોલી શકતાં નહોતાં. તેમનો અવાજ ધ્રૂજી જતો અને શબ્દો ગળામાં જ અટવાઈ જતા.

‘મને લાગે છે કે અમે જલદી જ ગુનેગારો સુધી પહોંચી જઈશું.’ ચાનો છેલ્લો ઘૂંટડો પીતાં પાંડેએ તેમની લાક્ષણિક શૈલીમાં ટૂંકો જવાબ આપ્યો.