Varta tamari shabdo amara in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | વાર્તા તમારી શબ્દો અમારા

Featured Books
Categories
Share

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 3

સુરેશ જ્યારથી ઘરે પાછો આવ્યો હતો ત્યારથી એ ખૂબ સુનમુન રહેવા લાગ્યો હતો. પણ તેના કાકા અને કાકીએ આ બાબતમાં તેને કાંઈ પણ પૂછવાનું ટાળ્યું હતું કારણ કે, તેઓ ઇચ્છતા હતા કે સુરેશ તેમને બંને ને સામે ચાલીને વાત કરે. અને થોડા દિવસ રાહ જોયા પછી અંતે એ સમય આવી પહોંચ્યો.

સુરેશે તેના કાકા કાકી ને જે વાત કરી તે કંઈક આ પ્રકારે હતી.

"કાકા, કાકી આમ તો હું ઘણા સમય થી તમને આ વાત કરવા ઈચ્છતો હતો પણ કદાચ મારી હિંમત નહોતી થતી પણ આજે મને લાગ્યું કે, હવે તો મારે હિંમત કરવી જ પડશે. કારણ કે, હવે આ વાત મારી એકલાની નથી રહી. કોઈ બીજાની જિંદગી નો પણ એમાં સવાલ છે.

"કોઈ બીજાની પણ એટલે કોની?" ન સમજાતા મહેશ એ સુરેશને પૂછ્યું.

સુરેશે પ્રત્યુત્તર આપ્યો.

'હા કાકા, મારી સાથે મારી શાળામાં ભણતી એક છોકરી ની આ વાત છે."

"કોણ છોકરી? તું કાંઈ પ્રેમ ના ચક્કર માં તો પડ્યો નથીને? સુરેશ, આ બધા માટે તો તું હજુ ઘણો નાનો છે." મહેશને ફાળ પડતા તેને પૂછ્યું.

"અરે, ના કાકા ના. એવું કંઈ નથી." સુરેશે જવાબ આપ્યો.

"તો પછી એવી તે કઈ વાત છે કે જેમાં આ છોકરી પણ સામેલ છે?" મીના એ પૂછ્યું.

"ધ્યાન થી સાંભળો હવે મારી વાત." એમ કહી સુરેશે પોતાની વાત કહેવી શરૂ કરી.

સુરેશે પછી જે વાત કરી તે કંઈક આ પ્રકારે હતી.

"કાકા, કાકી, આમ તો અઠવાડિયા પહેલાની આ વાત છે. હું પરિશા ને ઘણા સમયથી ઓળખતો હતો. પણ મારી ઓળખાણ એ મારા વર્ગની એક વિદ્યાર્થીની છે એટલા પૂરતી જ સીમિત હતી. અમારા વર્ગની એ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની છે. બધા લોકો પોતાની મુશ્કેલીઓ તેની પાસે લઈને આવતા અને તે બધાની મુશ્કેલીઓ ખૂબ જ સરળતાથી ઉકેલી દેતી તેથી બધી વિદ્યાર્થીની ઓ માં સૌથી પ્રિય હતી.

હું તો તેને માત્ર નામથી જ ઓળખતો હતો. પણ એક દિવસ એ મારી પાસે આવી અને મને કહે, "સુરેશ, મને તારી નોટબુક કોપી કરવા આપીશ? મારે થોડું લખવાનું બાકી રહી ગયું છે."

પહેલા તો હું થોડો ગભરાયો. કારણ કે, પહેલી જ વાર કોઈ છોકરી મારી જોડે આવી રીતે વાત કરી રહી હતી. તમે તો જાણો છો કે, હું તો ગામડાનો માણસ છું. મને તો કલ્પના પણ નહોતી કે, કોઈ છોકરી આવી રીતે સામે ચાલીને નોટબુક માંગે!!

પણ પછી ધીમે ધીમે મને આ બધી વાતોની આદત પડતી ગઈ.

સમય વીતી રહ્યો હતો. થોડા સમય પછી હું અને પરીશા સારા મિત્રો બની ગયા હતા. અમે બંને એકબીજા જોડે સારો એવો સમય વ્યતિત કરવા લાગ્યા હતા. પણ માત્ર મિત્રો તરીકે જ હો! રખે તમે કોઈ ગેરસમજ ન કરતા હો. અમને બંને ને એક બીજા જોડે સારું ફાવવા લાગ્યું હતું.

પણ પછી એવું બન્યું કે, જેની હું આજે તમને વાત કરવા માગું છું.

"શું બન્યું પછી? " મહેશ અને મીના એ ખૂબ જ આતુરતાથી સુરેશ ને પૂછ્યું.

બંને ને સુરેશ ની કથા હવે કંઈક રહસ્યમય જણાવા લાગી હતી.

હવે એ દિવસની વાત કરું છું કે, જે દિવસે હું ઘરે મોડો આવ્યો હતો.

"કાકા, કાકી તે દિવસ જ કંઈક ખરાબ હતો કે, કંઈક કે પછી કદાચ ચોઘડીયું સારું નહોતું.

તે દિવસે પણ રોજની જેમ હું શાળાએ જવા નીકળ્યો. હું શાળાએ પહોંચ્યો. શાળા એ પહોંચી ને મેં જોયું તો આજે પરીશા ત્યાં આવી નહોતી. સામાન્ય રીતે તે હંમેશા શાળાના સમય કરતાં થોડી વહેલી આવી જતી. અને તે કારણ વિના ક્યારેય શાળામાં ગેરહાજર પણ ના રહેતી.

મને થયું કદાચ એની તબિયત સારી નહીં હોય. એટલે નહીં આવી હોય. એવા વિચારો કરતો હતો હું ત્યાં જ એ શાળાએ આવી. એટલે મને થયું કદાચ મોડું થઈ ગયું હશે. આજે એ મને થોડી અસ્વસ્થ લાગતી હતી. મને થયું, શાળાનો સમય પૂરો થાય પછી એને પૂછીશ કે, આજે તું કેમ અસ્વસ્થ લાગે છે?

એમ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ શાળા પુરી થયાનો ઘંટ વાગ્યો. હું તો એની જ રાહ માં હતો.

હું પરીશા ને પૂછવા માટે એને શોધવા જતો હતો ત્યાં જ પરીશા ક્યાંક ગાયબ થઈ ગઈ. થોડી વાર પછી મને એક પડછાયો દૂર જતો દેખાયો. હા, એ પરીશા જ હતી. પણ થોડી ઉતાવળ માં હોય એવું લાગ્યું. હું પણ એની પાછળ પાછળ જવા લાગ્યો. પણ અરે, મેં આ શું જોયું? પરીશા એના ઘર તરફ જવાના રસ્તે ને બદલે ક્યાંક બીજે જ જઈ રહી હતી. મને કંઈક ગભરાટ થવા લાગ્યો. એટલે હું પણ એની પાછળ પાછળ ગયો.

ત્યાં જઈ ને મેં આ શું જોયું? પરીશા તો એક ઊંડી ખાઈ તરફ જઈ રહી હતી. મને ખૂબ ડર લાગ્યો. મને થયું ક્યાંક પરીશા આત્મહત્યા તો...? નથી કરી રહી ને. એ ઊંડી ખીણ ને જોઈ રહી હતી. હું સાવધાન થઈ ગયો. પણ આ શું? એ તો ત્યાં જ બેસી ગઈ ને ખૂબ જ જોર જોર થી રડવા લાગી. ખૂબ જ આક્રંદ કરવા લાગી. એ બોલી રહી હતી, "અરે રે, ભગવાન, મેં આ શું કરી નાખ્યું? મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું. ઈશ્વર મને ક્યારેય માફ નહીં કરે."

મને લાગ્યું, મારે હવે પરીશા ની સામે પ્રકટ થઈ જવું જોઈએ. એમ વિચારી ને એ જ્યાં રૂદન કરી રહી હતી તે જગ્યા એ હું પહોંચ્યો. મેં કહ્યું, "પરીશા, શું થયું? આમ કેમ આવી રીતે રડી રહી છો. કાંઈ ખરાબ બન્યું છે? કાંઈ થયું છે કે શું?"

મને આવી રીતે અચાનક ત્યાં જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ. પણ પછી એણે પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો.

મને જોઈને એ પહેલાં તો થોડી ગભરાઈ ગઈ. પણ પછી મને કહેવા લાગી, "સુરેશ, મારી ભૂલ થઈ ગઈ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આમ તો આને ભૂલ પણ ન કહેવાય. સાચું કહું તો મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. અપરાધી છું હું. મેં આ બધું શું કરી નાખ્યું? મારે એવું નહોતું કરવું જોઈતું. "

"પણ થયું છે શું પરીશા? મને કંઈ સમજણ ન પડતા મેં એને પૂછ્યું.

પછી પરીશા એ જે વાત કરી એ સાંભળીને તો મારા પગ તળે થી જમીન સરકી ગઈ.

"શું કર્યું હતું પરીશા એ?" હવે મહેશ અને મીના ની પણ ઉત્સુકતા વધી ગઈ હતી.

સુરેશ એ પાણી નો ગ્લાસ લીધો એમાંથી પાણી પીધું. અને હવે વાત ને આગળ વધારતા બોલ્યો.

" સુરેશ, સુરેશ. મેં એને મારી નાખ્યો. મેં એની હત્યા કરી નાખી." પરીશા એ ગભરાટ માં સુરેશને કહ્યું.

"એની કોની? પરીશા કોની હત્યા કરી છે તે?" સુરેશ ને હજુ માન્યામાં જ આવતું નહોતું કે, પરીશા જેવી છોકરી કોઈને મારી પણ શકે?

" મારા નપાવટ બાપની. " પરીશા એ જવાબ આપ્યો.

"પરીશા!!! આ તું શું બોલે છે એનું કંઈ ભાન છે તને? હોશમાં તો છે ને?" સુરેશ ને તો હજુ માન્યામાં જ નહોતું આવતું. સુરેશ વિચારી રહ્યો કે, કોઈ છોકરી એના સગા બાપની હત્યા કઈ રીતે કરી શકે? એનો જીવ જ કેમ ચાલ્યો હશે આવું પગલું ભરતા? શું ખરેખર આવું શક્ય છે? એવું કંઈ બને ખરું?"

"પણ શા માટે? પરીશા. શા માટે તારે એવું પગલું ભરવું પડ્યું? એવું તે શું બન્યું કે, તે તારા પિતાનું ખૂન કરી નાખ્યું? એવી નોબત શા માટે આવી?" સુરેશ એ પછ્યુ.

એના જવાબમાં પરીશા એ પોતાની આપવીતી કહેવા માંડી. એ સાંભળીને તો સુરેશ અવાચક જ રહી ગયો.

શું કહ્યું પરીશા એ?

આગળના પ્રકરણ માટે આપના સૂચનો

pruthvi.gohel@gmail.com પર મોકલવા.