ખજાના તરફ...
સાંજ પડી ચૂકી હતી. ચાલતાં ચાલતાં અમે લગભગ હવે પર્વતની તળેટી પાસે પહોંચી ગયા હતા. અહીં સુધી પહોંચતા અમને ખાસ્સી વાર લાગી હતી કારણકે વિલિયમ્સને પગે ગોળી વાગી હતી એટલે એ બિચારો માંડ-માંડ ચાલી શકતો હતો. ઉપરાંત પાછળ ત્રણ બદમાશોને પકડીને ચાલતો મેક્સ પણ થાક્યો હતો.
અમારા સદનસીબે પર્વતની તળેટીનાં વિસ્તારમાં એક નાનકડી બખોલ જેવું બનેલું હતું. અહીંથી પર્વતનો ઢોળાવ શરૂ થતો હતો અને ઉપરની તરફ જતો હતો. તળેટીનો વિસ્તાર પણ મોટો હતો. પર્વતની સમગ્ર સપાટીઓ નાના-મોટા વૃક્ષોથી ભરી પડી હતી.
અમે એ બખોલ પાસે પહોંચીને સીધા બેસી પડ્યા. દરેક જણ થાક્યો હતો. ચિત્કાર કરતા વિલિયમ્સને અમે એ નાનકડી બખોલમાં સુવાડ્યો હતો. એ બખોલ માંડ બે-ત્રણ જણા સમાઈ શકે એવડી જ હતી. મેક્સ પણ થાક્યો-પાક્યો આરામ કરવા બેસી ગયો હતો. અલબત્ત, એ પહેલાં એણે ત્રણેય બદમાશોને દોરડાં વડે એક ઝાડનાં થડ સાથે મજબૂત રીતે બાંધી મૂક્યા હતા.
‘પ્રોફેસર બેન, હું શું કહું છું કે આ ગુફા ઘણી નાની છે, તો આપણી પાસે જે ટેન્ટ છે એને અહીં ગુફાની અડોઅડ બાંધી દઈએ તો જગ્યા થોડી મોટી થઈ જશે.’ મેં આરામ ફરમાવવા બેઠેલા પ્રોફેસર બેનને કહ્યું. આજુ-બાજુ બધે જંગલ જ હતું એટલે પક્ષીઓનો કલબલાટ ચાલુ જ હતો.
‘સાચી વાત છે, એલેક્સ ! થોડી વાર રહીને આપણે એ ટેન્ટ બાંધી દેવો જોઈએ.’ પ્રોફેસર મારી વાત સાથે સહમત થતાં બોલ્યા, ‘વિલિયમ્સની હાલત જોતાં એવું લાગે છે કે આપણે આજની રાત અહીં કાઢવી પડશે, એટલે દુશ્મનનો ખતરો પૂરેપૂરો રહેશે. ટેન્ટમાં હશું તો થોડું રક્ષણ મળશે.’
એમની વાત સાથે બધા સહમત થયા. એ પછી થોડી વાર કોઈ કંઈ જ ન બોલ્યું. હું બેઠો બેઠો એ વિસ્તારને નિહાળી રહ્યો હતો. હ્યદયને શાતા આપે એવો એ વિસ્તાર હતો. અમે બેઠાં હતાં, બરાબર એની પાછળથી પર્વતની ઢોળાવવાળી દીવાલ શરૂ થતી હતી. ઢોળાવ અંતે ટૂંકો થતો ઉપર વાદળોમાં રહેલી પર્વતની ટોચને મળતો હતો. સમગ્ર પર્વતનો ઘેરાવો ખાસ્સો મોટો હતો. અમે જે જગ્યાએ હતા ત્યાંથી તો ખાલી પા ભાગનો જ વિસ્તાર જોઈ શકાતો હતો. ઢોળાવની દીવાલ અને એનાં પર ઉગેલા નાના-મોટાં ઝાડી-ઝાંખરાંને લીધે તળેટીના આ વિસ્તારમાં છાંયો હતો એટલે તડકાથી રક્ષણ હતું.
અડધા કલાકના આરામ પછી અમે ગુફાની અડોઅડ ટેન્ટ બાંધી દીધો અને અંદર ઘૂસી ગયા. સાંજ પડી હતી એટલે વાતાવરણમાં થોડી ઠંડક ભળી હતી. મેં જોયું તો વોટ્સન અને થોમસ ટેન્ટમાં નહોતા. મેં પ્રોફેસર બેનને આ બાબતે પૂછ્યું તો એમણે કહ્યું કે એ લોકો અહીં નજીકમાં જ ફરવા ગયા છે.
એકાદ કલાક પછી સૂર્ય આથમવાની તૈયારી હતી ત્યારે વોટ્સન-થોમસ આવ્યા. મેં જોયું તો વોટસનના હાથમાં હળદરના ગઠ્ઠા હતા. ‘અહીં નજીકમાં જ મળી આવ્યા...’ વોટ્સને ખુશ થઈને કહ્યું. અને હળદર વિશે તો સૌ કોઈ જાણે જ છે ! કોઈ પણ મૂઢમારનો અકસીર ઈલાજ એટલે હળદર. એનો લેપ લગાવી દો એટલે દર્દીને થોડા સમય પુરતી રાહત રહે.
સૌથી પહેલાં તો પ્રોફેસર બેને વિલિયમ્સના પગમાં ખુંચેલી ગોળી ખેંચી કાઢી. આ દરમિયાન વિલિયમ્સના મોંમાંથી જે રાડ નીકળી હતી એ ખૂબ જ દર્દનાક હતી. એ સહન કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ એની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં હતાં. અલબત્ત ગોળી નીકળી જવાથી એની અડધી પીડા ઓછી થઈ ગઈ હતી. એને હળદરનો લેપ લગાડીને ઉપર પાંદડાં વીંટ્યા અને એની ઉપર અમારા ફસ્ટ એઇડ બોક્સમાંથી એક પાટો કાઢીને બાંધી દીધો. બોક્સમાં બીજી પેઈન કિલર ગોળીઓ હતી એને સમયના અંતરાલ પછી આપવાની હતી.
અમારો કેટલો સામાન બચ્યો હતો ને કેટલો ખોવાયો હતો એની સહેજ પણ ગણના અમે નહોતી કરી. મને સાથે લીધેલો કોડલેસ ફોન યાદ આવ્યો... સાથે જ મમ્મીને કહેલાં શબ્દો યાદ આવ્યા – “અમે બધા વચ્ચે એક કોડલેસ ફોન રાખવાના છીએ. જ્યારે સિગ્નલ મળશે ત્યારે ઘરે...તારી સાથે વાત કરી લઈશ...” – પણ હવે તો ફોન જ નહોતો રહ્યો એટલે વળી સિગ્નલની વાત જ ક્યાંથી ? એક ઉદાસીભર્યું સ્મિત કરીને હું પાછો વર્તમાનમાં આવ્યો.
રાત્રે જમ્યા પછી મેક્સે પેલા ત્રણેય બદમાશોની જડતી લીધી. અલબત્ત, એ પહેલાં અમે બદમાશોને પૂરતો ખોરાક આપ્યો હતો. ખોરાક હોવા છતાં કોઈ ભૂખ્યું રહે એમાં અમે માનતા નહોતા એટલે અમારે અમારી ફરજ તો બજાવાની જ હતી.
ઝાડનાં થડે બાંધી મૂકેલા ત્રણેય બદમાશો મેક્સના પ્રકોપથી ડરતા હતા. મેક્સે કંઈ જ નહોતું કર્યું, માત્ર ત્રણેયને એક એક તમાચા જડી દીધા હતા. એના પરિણામરૂપે એ લોકો મેક્સે પૂછેલા સવાલોના સાચા જવાબો આપતા હતા. રાત્રે એ બદમાશોને અમે ટેન્ટની અંદર લઈ લીધા હતા. વિલિયમ્સ ગુફાની અંદર ઘસઘસાટ ઊંઘતો હતો. એની બાજુમાં ક્રિક અને જેમ્સ હતા. રાત્રે પહેરો ભરવા માટે અમે બે-બે કલાકની શિફ્ટ રાખી હતી. જે બે જણાનો વારો હોય એ પહેરો ભરે ને બાકીના સુઈ જાય. વળી બે કલાક પછી વારા બદલાય.
અત્યારે મારો અને પ્રોફેસર બેનનો વારો હતો, પણ મેક્સ પેલા બદમાશો પાસેથી માહિતી ઉઘરાવી રહ્યો હતો એટલે બીજા બધાને પણ એમાં રસ પડ્યો હતો એટલે વિલિયમ્સ સિવાય સૌ જાગતા હતા.
‘ક... કહું છું સાહેબ, કહું છું... મારશો નહીં...કહું છું...’ મેક્સે પકડેલા એક બદમાશના શર્ટનાં કોલરના જવાબમાં એ બદમાશે કરગરતા અવાજે કહ્યું, ‘અમારી ટોળકીનો સરદાર તો આ ટાપુ પર છે જ નહીં. એ તો લીમામાં ક્યાંક છે. આ ખજાનાની બધી જવાબદારી એણે અમારા માથે નાખી છે. અમે ચાંચિયાઓ નથી. અમે સાદા લૂંટારાઓ છીએ અને એક ટાપુ પરના માલની બીજા ટાપુ પર હેરફેર કરતા રહીએ છીએ. હું તો નવો નવો જ ભરતી થયો છું એટલે મને વધારે કશું ખબર નથી, સાહેબ. થોડા મહિનાઓ પહેલાં ખજાનો કોઈક દૂરના ટાપુ પર રાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં માણસોની બહુ આવ-જા હોવાથી અહીં સ્પેક્ટર્ન પર લાવી મૂક્યો છે...’
‘ક્યાં છે ખજાનો ? જલદી બોલ...’ મેક્સે અધીરાઈથી પૂછ્યું.
‘અમને લોકોને એ નથી ખબર, સાહેબ. તમારી પાસે જે નક્શો છે એમાં ‘ક્રોસ’ની નિશાનીવાળી જગ્યાએ જશો ત્યાં જ હશે. અમને તો બસ તમારા જેવા સાહસિકો કે આ ખજાનો લેવા આવનાર માણસોને ખતમ કરી દેવાની જ સૂચના અપાયેલી હતી એટલે અમને ખજાના વિશે કંઈ જ ખબર નથી.’
‘તારા સરદારને ખજાનાનું કરવું શું હતું કે આમ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરફેર કરાવ્યા કરે છે ? ખજાનામાં એવું તે છે શું ?’
‘સાહેબ, ખજાનાની પેટીની અંદર શું છે એ આજદિન સુધી અમે કોઈએ નથી જોયું. અલબત્ત, સરદારે જ ખુદ નથી જોયું. સરદાર એ ખજાનાના બદલામાં લીમાની સરકાર પાસેથી કંઈક માગણી કરવાના હતા એવું અમે જાણ્યું છે. બસ, આ સિવાય અમને એક પણ વાતની જાણ નથી. અમે તો માત્ર ખજાનાનું રક્ષણ કરવાવાળા નોકરો છીએ...’
મેં બદમાશની આંખોમાં જોયું. એ સાચું બોલતો હોય એવું લાગતું હતું. આ લોકો તો માત્ર વચેટિયા હતા. સાચો માણસ તો લીમામાં બેઠો હતો.
મેક્સે એ બદમાશનો કોલર છોડ્યો અને અમારી તરફ ફર્યો, ‘આનાથી વધુ માહિતી આપણે ઉઘરાવી શકીએ એમ નથી. આ લોકો કદાચ સાચું કહે છે. તો પછી હવે આપણી પાસે એક જ રસ્તો રહે છે. વહેલી તકે ખજાનાની પેટી અહીંથી લઈ જઈને લીમા પહોંચી જવું. બાકીનું બધું લીમા જઈને ફોડી લેશું.’
અમે મેક્સની વાત સાથે સહમત થયા. હવે બીજા દિવસની સવારથી આગળનો માર્ગ કાપવા નીકળી જવાનું હતું.
***
સવારે બધા તૈયાર થઈને ટેન્ટની બહાર નીકળી આવ્યા હતા. ટેન્ટને સમેટી લેવામાં આવ્યો હતો. વિલિયમ્સ પણ હવે પહેલાં કરતાં વધુ સારું મહેસુસ કરતો જણાતો હતો. મેક્સનો ચહેરો પણ આરામ પછી તાજો હતો. એણે નીકળતાં પહેલાં ત્રણેય બદમાશોને ફરીથી પેલા ઝાડનાં થડ સાથે બાંધી દીધા હતા.
અમારી ખજાના સુધી પહોંચવાની આખરી સફર શરૂ થઈ. પ્રોફેસર બેન નક્શો અને હોકાયંત્ર લઈને સૌથી આગળ ચાલતાં હતા. મેક્સ અને હું સાથે હતા. ફરીથી એ જ પાંદડાં કચડાવાનો અવાજ... પક્ષીઓના વિચિત્ર અવાજો... ઉપરાંત દૂર-દૂરથી કોઈક ઝરણું વહેતું હોય એવો આછો ઘેરો પાણી પાડવાનો અવાજ આવી રહ્યો હતો...
‘મેક્સ, તેં પેલા બદમાશોને બાંધી રાખ્યા છે તો પછી એ લોકો છૂટી કેવી રીતે શકશે ? આઈ મીન, એ લોકો...’
‘ડોન્ટ વરી ડ્યુડ, મેં એ લોકોને એવી રીતે બાંધ્યા છે કે એ લોકો સહેલાઈથી મુક્ત થઈ શકશે...’ મેક્સે જાણે મારું અધૂરું વાક્ય સમજી ગયો હોય એમ હસીને કહ્યું, ‘મને પણ એ લોકોને ખોટી રીતે હેરાન કરવાનું કે મારી નાખવાનું ઉચિત નહોતું લાગ્યું...’
જવાબમાં મેં એની સામે એક મીઠું હાસ્ય વેરી દીધું.
લગભગ અગિયાર વાગ્યે દ્રશ્ય બદલાયું. અમે ચાલતાં હતા એની ડાબી તરફ અને સામેની બાજુ તો ઘટાટોપ વૃક્ષો ધરાવતું જંગલ જ જંગલ હતું, પરંતુ અમારા જમણા હાથે સમાંતર ચાલી આવતી, પર્વતની તળેટીની ઢોળાવવાળી ખડકાળ દીવાલ ધીમે-ધીમે વધુ જમણી તરફ ખસવા લાગી હતી. પેલા ઝરણાનો અવાજ હવે એકદમ જોરથી આવતો હતો. ખડખડ વહેતા ઝરણાંના ધોધનો અવાજ એકધારો આવતો હતો. મેં જોયું તો આગળની તરફથી જમણી બાજુની પર્વતની દીવાલ જમણી બાજુ ફંટાઈ જતી હતી. એ જ જગ્યાએ ઝરણું હોવું જોઈએ એવું મેં અનુમાન કર્યું. અને એ સાચું પડ્યું.
ચાલતાં-ચાલતાં અમે એ જગ્યાએ પહોંચ્યા. એ જગ્યાનું દ્રશ્ય જોઈને મારી આંખો ઠરી ગઈ. કેટલું નયનરમ્ય અને આહલાદક દ્રશ્ય હતું એ ! એ ત્રણેય બાજુથી પર્વતની ઊંચી-ઊંચી દીવાલોથી ઘેરાયેલું નાનકડું મેદાન હતું. બરાબર સામેની બાજુથી એક મોટું ઝરણું પર્વતની ઊંચી દીવાલ પરથી પડતું હતું. ઉપરથી પડી રહેલા એ શ્વેત પાણીનો ખડખડ અવાજ કાનને ઠંડક આપતો હતો. ધોધનો અવાજ એટલો બધો હતો કે આજુ-બાજુનો બીજો કોઈ જ અવાજ સંભળાતો નહોતો. ચારે બાજુ પુષ્કળ લીલોતરી હતી. ભીની માટીમાંથી વરસાદી પાણીની મીઠી સુગંધ આવી રહી હતી. ત્રણ બાજુ પર્વતની ઊંચી દીવાલોની સામેની બાજુ તો જંગલનું જ સામ્રાજ્ય હતું. એટલે અમે ત્રણ બાજુથી ઘેરાઈ ગયા હતા. સૂર્યનો તાપ સહેજ પણ પહોંચતો નહોતો. એકદમ ઠંડી જગ્યા હતી.
‘વાઉ...! બ્યુટીફૂલ...!’ લગભગ બધાનાં મોંમાંથી આ જ ઉદગાર સરી પડ્યા.
‘બ્યુટીફૂલ તો ખરું, પણ સામે જુઓ છોકરાઓ...’ પ્રોફેસર બેન એકદમ રહસ્યમય અવાજે અમને ચેતવતાં બોલ્યા. અમે એ તરફ જોયું તો અમારી ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ. અમે ઊભા હતા એ જગ્યા સહેજ ઊંચાઈ પર હતી એટલે સામેનું દ્રશ્ય અમે સ્પષ્ટ જોઈ શકતા હતા. સામે ઝરણાનું પાણી જ્યાં એકઠું થતું હતું ત્યાં લગભગ ચારેક માણસો પહેરો ભરતા આમ તેમ ફરતા હતા. એ લોકોના દેખાવ જોઈને જ લાગતું હતું કે એ દુશ્મનો હતા.
અમે ઝડપભેર એક ખડક પાછળ છુપાઈ ગયા અને સામેનું દ્રશ્ય જોવા લાગ્યા. બદમાશો એક બીજા સાથે કંઈ જ વાત નહોતા કરતા. બસ, આમથી તેમ આંટા મારતા હતા એટલે એ લોકો પણ ખજાનાના પહેરેદાર જ હોવા જોઈએ. એ લોકોને પણ ખજાના વિશે કંઈ જ ખબર નહીં હોય એવું લાગતું હતું.
‘છોકરાઓ, આપણે બરાબર આ ક્રોસ (ચોકડી)વાળી જગ્યાએ આવી પહોંચ્યા છીએ, એટલે ખજાનો અહીં જ ક્યાંક હોવો જોઈએ.’ પ્રોફેસર બેન મોટેથી બોલ્યા. ઉપરથી પડતાં પાણીનાં ધોધના અવાજને લીધે જરા મોટેથી વાતચીત કરવી પડતી હતી. એ પછીની બે-ત્રણ મિનિટ કોઈ કંઈ ન બોલ્યું.
થોડી ક્ષણો બાદ અચાનક વોટ્સન બોલી ઊઠ્યો, ‘યસ ફ્રેન્ડ્સ, મને ખજાનો જડી ગયો !’ એણે ચપટી વગાડતાં કહ્યું, ‘મને અંદાજો આવી ગયો છે કે ખજાનો ક્યાં હોવો જોઈએ...’
‘શું વાત કરે છે વોટ્સન ! ખરેખર ?’ લગભગ અમારાં મોં આશ્ચર્યથી ખુલ્લાં જ રહી ગયાં, ‘જલદી કહે... ક્યાં છે ?’ અમે અધીરા બનીને પૂછ્યું.
‘દોસ્તો જુઓ...’ વોટ્સને થોડે દૂર જ્યાં પહેરેદારો હતા ત્યાં પાણીનાં એક મોટા ખાબોચિયા તરફ આંગળી ચીંધતાં કહ્યું, ‘ત્યાં જે મોટું ખાબોચિયું દેખાય છે એ ધ્યાનથી જુઓ. ઉપરથી પડતાં ઝરણાનું પાણી ત્યાં જમા થયું છે, અને સાથે જ એક નવી વાત પણ છે. ડાબી તરફથી ક્યાંકથી આવતી નદીનું પાણી પણ નાની નીક મારફતે એ જ ખાબોચિયામાં જમા થયું છે. એટલે કે અહીં ઝરણાના પાણીનો અને નદીનાં પાણીનો દ્વિ-સંગમ છે, દ્વીભેટો છે.’
અમે એ તરફ જોયું. ત્યાં સાચેસાચ જ એણે કહ્યું એમ નદીનું પાણી અને ઝરણાનું પાણી મળતાં હતાં.
‘હા તો એમાં ખજાનાની વાત ક્યાં આવી ?’ ક્રિકે પ્રશ્ન કર્યો.
‘સાંભળો, મારો તર્ક એમ કહે છે કે ખજાનો એ ખાબોચિયાના પાણીમાં જ છુપાવ્યો છે. કારણ,કે પેલા ચારેય બદમાશો બરાબર એ જ જગ્યાએ પહેરો ભરે છે. ઉપરાંત એના સિવાય અહીં એવી બીજી કોઈ જ જગ્યા નથી કે જ્યાં ખજાનાની પેટી સહેલાઈથી છુપાવી શકાય. અને નક્શામાં પણ “ચોકડી”વાળી જગ્યા અહીં જ બતાવી છે...શું કહો છો દોસ્તો ? તુક્કો લગાવવામાં શું જાય છે ? એકવાર જઈને શોધી તો જોઈએ...’
અમને બધાને એની વાતમાં રસ પડ્યો. ત્યાં એક વખત શોધવામાં શું વાંધો ? પણ, સામે ઊભેલી દુશ્મનરૂપી આફતને પહેલાં પહોંચી વળવાનું હતું. મેક્સે એના વિશે પણ વિચારી લીધું હતું. એને એક એવી ટ્રિક આવડતી હતી કે જેનાથી માત્ર માથા પર પથ્થર ઝીંકીને માણસને બેહોશ કરી શકાય. અને એની એ ટ્રિક અમને કામ આવી ગઈ. એણે ચાર પથ્થર ઉપડ્યા અને દૂર ઉભેલા બદમાશો કંઈ પણ સમજે એ પહેલાં ચારેયનાં માથા પર પથ્થર વીંઝીને તેઓને બેભાન કરી દીધા. અલબત્ત, માથામાંથી થોડું લોહી જરૂર નીકળ્યું હતું પણ, મેક્સના કહેવા પ્રમાણે એ લોકો મરી નહીં જાય, માત્ર થોડી વાર પૂરતો હોશ ખોઈ બેસશે.
અમારું અડધું કામ પૂરું થઈ ગયું. દોડમદોડ સૌ એ ખાબોચિયાવાળી જગ્યાએ પહોંચ્યા. ખાબોચિયું મોટું હતું એટલે બે જણા – જેમ્સ અને વોટ્સન એમાં ઉતર્યા. પાણી છાતી સરસું જ હતું એટલે ડૂબવાનો કોઈ સવાલ નહોતો. આશરે દસેક મિનિટની શોધખોળ બાદ જેમ્સનો ચહેરો એકદમ ખીલી ઊઠ્યો. એણે એક વજનદાર પેટી પાણીમાંથી બહાર કાઢી અને જમીન પર મૂકી. લાકડાની એ પેટીને જોતાં જ અમે ગાંડાતુર બની ગયા.
***