Nirbhaya in Gujarati Short Stories by Hardik G Raval books and stories PDF | નિર્ભયા

Featured Books
Categories
Share

નિર્ભયા

"નિર્ભયા"

હાર્દિક રાવલ

ગામ ની વચ્ચોવચ એક ઘટાદાર વૃક્ષ ની નીચે ના ઓટલા પર પંચ બેઠા છે, આ ઓટલા ની ચારેતરફ ગામ ના લોકો બેઠા છે. આજે પંચાયત માટે એક અગત્ય નો દિવસ છે, પંચાયત ને આજે નિર્ણય લેવાનો છે એક બળાત્કાર ના કેસ નો, ખેતર માં ધોળા દિવસે થયેલા ગામ ની એક યુવતી નો બળાત્કાર, યુવતી ની માતા એ પંચ પાસે કાનૂની કાર્યવાહી માટે મદદ માંગી છે.

આ કિસ્સો થોડા દિવસો પહેલા નો છે, ગામ માં રહેતી અને ખેતર માં મજુરી કરી પોતાનું અને પોતાની વિધવા માં નું ગુજરાન ચલાવતી દેખાવડી નિર્ભયા પર ગામના સરપંચ ના દીકરા રવીરાજે બીજા તેના ત્રણ મિત્રો ની મદદ થી બેરહમી થી દુષ્કર્મ કર્યું. બિચારી ગરીબડી નિર્ભયા પીડા માં તરફડતી રહી પણ ધોળે દિવસે દારૂ ના નશા માં પાગલ બનેલા રવીરાજ પર આની કોઈ જ અસર થઇ ન હતી. નશા એ રવીરાજ નું માનસિક સંતોલન છીનવી લીધું હતું અને આ દારૂ ના નશા માં જ ત્યાંથી નીકળેલી નિર્ભયા પર આ લોકોએ બેરહમી થી દુષ્કર્મ કર્યું. એક મુક્ત આકાશ માં ઉડતા પંખી ને આ લોકોએ બહુ જ ખરાબ રીતે પીંખી નાખ્યું.

નિર્ભયા ની હાલત બહુજ ખરાબ થઈ ગયી હતી, એવીજ હાલત માં, ફાટેલા વસ્ત્રો સાથે નિર્ભયા ઘરે જવા માટે નીકળી હતી, જયારે તે ઘર તરફ જઈ રહી હતી ત્યારે તેની આ હાલત જોઈ ને ગામ ના લોકો ને કંઈક ખોટું થયા નો અંદેશો આવી ગયો હતો. ગામ ના લોકો નિર્ભયા ની પાછળ પાછળ પાછળ તેની સાથે ઘર સુધી ગયા. ઘરે પહોંચતા જ નિર્ભયા પોતાની માં ના ગળે લાગી ને ખુબ જ રડી, માં પણ દીકરી ની આ હાલત જોઈ ને રડી પડી. નિર્ભયા ને તેની માં અને ગામ ના લોકો શુ થયું તે પૂછી રહ્યા હતા, પણ નિર્ભયા કંઇજ બોલી ના શકી અને માત્ર ને માત્ર રડી રહી હતી.

થોડા દિવસ એમ જ વીતી ગયા, નિર્ભયા તરફ થી કોઈ જ પગલાં ના લેવાયા હોવાથી રવીરાજ થોડો ભયમુકત થયો હતો, તેમ છતાં મનમાં થોડો ડર હોવાના કારણે એણે એક દિવસ મૂર્ખામી ભર્યું પગલું ભરી લીધું, તેણે નિર્ભયા ના ઘરે જઈ ને આ વાત કોઈ ને ના કહેવા ધમકાવી અને જો તે આ વાત કોઈ ને કહેશે તો તે નિર્ભયા ને મારી નાખશે એમ કહી ને ધમકાવી, પણ રવીરાજ ને એ વાત નો અંદાજો ના રહ્યો કે તેની આ ધમકી નિર્ભયા ની માં સાંભળી ગઈ હતી. નિર્ભયા તો હજી પણ કોઈને કાંઈ કહી શકવાની પરિસ્થિતિ માં જ ન હતી.

જ્યારે નિર્ભયા ની માતા કંચન બેને રવીરાજ ને પોતાની દીકરી ને ધમકાવતો જોયો ત્યારે તેણે મનોમન જ રવીરાજ ને સજા અપાવવાનું નક્કી કર્યું. કંચન બેન આ વાત ને લઈને ગામ ની પંચાયતના સભ્ય એવા વજેસંગ પાસે ગયા, શરૂઆત માં તો વજેસંગ વાત માનવા તૈયાર જ ન હતા પણ પછી થી તેમણે કંચન બેન ને પોલીસ ની પાસે જવા કરતા પંચાયત માં આ મુદ્દો ઉઠાવવાની વાત કરી. કંચનબેન પહેલા આ વાત સાથે સહમત ના થયા પણ વજેસંગ ની સમજાવટ થી આ વાત પંચ સામે મૂકી.

નિર્ભયા પર રવીરાજ દુષ્કર્મ કર્યું છે તે વાત હવે આખા ગામ માં વાયુ વેગે ફેલાઈ ગયી અને લોકો નિર્ભયા ને દયા ની અને રવીરાજ ને ધિક્કાર ની નજરો થી જોવા લાગ્યા. સૌને એ વાત જાણવા માં રસ હતો કે ન્યાય ના પાકા ગંભીર સિંહ પોતાના દીકરા સામે કેવા પગલાં લેશે અને આજ કારણે આખું ગામ નિર્ણય ના દિવસ ની રાહ જોવા લાગ્યું.

આજે એ નિર્ણય નો દિવસ હતો અને એના કારણે જ આખું ગામ પંચાયત માં હાજરી આપવા આવી ગયું હતું. વજેસંગે બોલવાનું ચાલુ કર્યું,

"જે થયું એ ખરેખર ખોટું થયું છે, એમાંય આપણાં ગામ માં આ કિસ્સો થયો અને એ પણ ગામ ના સરપંચ ના દીકરા દ્વારા જે ખરેખર નિંદનીય વાત છે"

પંચ ના બીજા એક સભ્ય બોલ્યા " જુવાની ના જોશ માં અને શહેરીકરણ ની અસર ના કારણે આ જે થયું તેને એક હીન ઘટના કહેવાય"

એક પછી એક પંચ ના દરેક સભ્ય બોલી રહ્યા હતા, પણ ગામના લોકોને અને નિર્ભયાની એ ભયભીત આંખો ને જે હજી ત્યાં હાજર રહેલા રવીરાજ તરફ નજર ઊંચી કરી ને જોઈ શકતી ન હતી તેને ન્યાય ની રાહ હતી અને ગામ ના લોકો ને ગંભીરસિંહ આ બાબતે શું બોલશે એ બાબત માં પણ રસ હતો, અને તેમની આતુરતા નો ત્યારે અંત આવ્યો જયારે ગંભીર સિંહ બોલ્યા ;

"મારા દીકરા એ જે કર્યું છે તે ખરેખર શરમજનક છે અને તેના માટે હું આખા ગામની, કંચનબેન ની અને નિર્ભયા ની માંફી માંગુ છુ, આ પંચાયત જે નિર્ણય લેશે તે મને મંજુર હશે".

સરપંચ ના આટલું બોલ્યા પછી આખી પંચાયત માં નીરવ શાંતી થઈ ગયી. પંચ ના સભ્યો અંદરોઅંદર નિર્ણય વિશે ચર્ચા કરવા લાગ્યા, અને અમુક સમય ની ચર્ચા પછી તે અંતિમ નિર્ણય પર પહોંચ્યા.

વજેસંગ નિર્ણય સંભળાવવા માટે તૈયાર થયા અને બોલ્યા "દરેક ગુનેગાર ને પોતાના ગુના માટે પ્રાયશ્ચિત કરવા માટે એક તક આપવી જોઈએ, આપણે જો અત્યારે એવું ના કરીએ અને રવીરાજ ને કાનૂન ને સોંપી દેશું તો તેંને જન્મટીપ ની સજા થશે પરંતુ તેથી નિર્ભયા ની જિંદગી તો સુધારવા ની નથી ને ?, એટલા માટે જ અમે પંચ એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે નિર્ભયા અને રવીરાજ ના લગન કરાવી દેવામાં આવે જેથી કોઈ નું જીવતર બગડે નહી, અને આ અમારો નિર્ણય છે" આટલું કહ્યા પછી વજેસંગ ચુપ થઈ ગયા અને ફરી એકવાર નીરવ શાંતિ છવાઈ ગઈ.

થોડા સમય ની શાંતિ પછી ત્યાં હાજર રહેલા લોકો માંથી થોડા દિવસો પહેલાજ શહેર માંથી પોતાના મામા વજેસંગ ને ત્યાં હવાફેર કરવા આવેલી શિવાની બોલી ઉઠી;

"આ યોગ્ય નથી, હું આ નિર્ણય સાથે સહમત નથી અને કદાચ આ માસુમ નિર્ભયા પણ નહી હોય, આ નિર્ણય થી આપણે નિર્ભયા ની જિંદગી ને એક નર્ક બનાવી દેશું અને...." શિવાની બોલી રહી હતી ત્યાં જ તેને વજેસંગે અટકાવી,

"શિવાની, આ પંચ નો નિર્ણય છે અને તેમાં જ નિર્ભયા ની ભલાઈ છે"

" ના, આ પંચ નો ખોટો નિર્ણય છે ! મને તો આશ્ચર્ય થાય છે કે પંચ આવો નિર્ણય કઈ રીતે લઇ શકે ! આમાં નિર્ભયા ની ભલાઈ નથી અને આવા નિર્ણય થી તો આપણે ગામ ના બીજા યુવકો ને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે તે પણ ગામ ની કોઈપણ ગમતી છોકરી પર બળજબરી થી દુષ્કર્મ કરે અને પંચ તો બેઠું જ છે પછી લગન કરાવી આપવા, ખરૂ ને ?, કાલે સવારે મારી સાથે કોઈ ઘરમાં આવી ને બળજબરી કરી જશે તો શું તમે મારા જેવી શહેરી છોકરી ને પણ આ ગામ માં તે દુષ્કર્મી સાથે પરણાવી દેશો ?શું આપણે આ જ ઉદાહરણ પૂરું પાડશું ? અને શું કામ આ પંચ જેવા નાટકો આપણે કરી રહ્યા છીએ, આ એકવીસમી સદી છે અને આ કાયદા ની બાબત ને કોર્ટકચેરી સુધી પહોંચાડી કાયદાની કલમો નું પાલન કરવું જોઈએ અને આગળ નો નિર્ણય તેમને સોંપી દેવો જોઈએ, નાની નાની બાબતો નું તમે અંદરોઅંદર નિરાકરણ લાવો પણ આ બાબત નું નહી"

શિવાની ની આવી દલીલ પછી તે અમુક લોકોની ગામઠી માનસિકતા બદલી શકી પણ મોટાભાગના માણસો ને પંચ નો નિર્ણય જ યોગ્ય લાગ્યો, અને શિવાની ના આશ્ચર્ય વચ્ચે કંચન બેન ને પણ રવીરાજ અને નિર્ભયા ના લગન નો નિર્ણય યોગ્ય લાગ્યો.

કોઈએ પીડિત નિર્ભયા ને તેનું મંતવ્ય પૂછ્યું જ નહી અને થોડા દિવસો પછી નિર્ભયા ના રવીરાજ સાથે સાદાઈ થી લગન કરાવી દેવામાં આવ્યા. નિર્ભયા હજી સુધી કંઇજ બોલી શકતી ન હતી અને તે તો બસ તેની સાથે જે થઈ રહ્યું હતું તે બાધા ની જેમ જોઈ રહી હતી, તે સમજી રહી હતી પણ કઈ પ્રતિભાવ આપી રહી ન હતી. હવે તે રવીરાજ ના ઘરે હતી, લગન ની પ્રથમ રાત્રે ફરી એકવાર નિર્ભયા ની ઇચ્છા વિરૂધ્ધ તેના વસ્ત્રો ઉતર્યા, ફરી એકવાર તે કોઈની વાસના નો ભોગ બની, ફરી એકવાર તે એજ પીડા માંથી પસાર થઈ, બસ ફરક એટલો જ હતો કે હવે રવીરાજ ને આ કરવાનો હક્ક હતો. થોડા દિવસ આમ જ ચાલ્યું, નિર્ભયા આખો દિવસ એક રૂમમાં બેસી રહેતી અને રાત્રે તે શિકાર બનતી.

પંદર દિવસ પછી વહેલી સવારે જ્યાં પંચાયત ભરાતી હતી ત્યાંથી શિવાની પસાર થઈ અને તેણે ત્યાં વૃક્ષની ડાળી પર નિર્ભયા નો મૃતદેહ લટકતો જોયો. શિવાની ત્યાંજ બેસી ગઈ અને રડતા રડતા વિચારી રહી હતી કે જો તે સાંજે પંચાયતે યોગ્ય નિર્ણય લીધો હોત અને રવીરાજ ને પોલીસ ને સોંપ્યો હોત તો નિર્ભયા નહી પણ કદાચ રવીરાજ ફાંસી એ લટકતો હોત!

પંચાયતે પોતાની આબરૂ બચાવવા જતા આજે ગામ ની સમક્ષ એક ખોટું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું અને હવે તે વાત ગામ ના લોકો ને સમજાઈ રહી હતી, પણ હવે કદાચ બહુ જ મોડું થઈ ગયું હતું.

સમાપ્ત