(ગયા ભાગમાં આપણે જોયું કે ઓમ અને અસ્મિતાના લગ્નની તૈયારીઓ થઇ જાય છે. અને એક પછી એક પ્રસંગ પણ આરંભાઈ જાય છે. સંગીત સંધ્યા, મહેંદી, પીઠી વગેરે પતી જાય છે.. છેવટે લગ્નનો દિવસ આવી પહોંચે છે અને જાન અમદાવાદ પહોંચી જાય છે પણ અચાનક ઓમ એના વિદેશથી આવેલા (આદર્શે બોલાવેલા) મહેમાનને લેવા નીકળી જાય છે અને… હવે આગળ)
ઓમની ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો. આદર્શની યોજના મુજબ બધુ કામ થયું હતું. બીજી તરફ એક કલાક સુધી ઓમ ન આવ્યો. જાગૃતિબહેને ફોન કર્યો. પણ ફોન પણ બંધ આવતો હતો. ઉપરાંત જાનૈયા વરઘોડો કાઢવા ઉતાવળ કરી રહ્યા હતા. છેવટે જાગૃતિ બહેને બધાને જાણ કરી. “પણ જાગૃતિ તે ઓમને જવા જ કેમ દીધો!” એક બે વડીલોએ જાગૃતિબહેનને ઠપકો પણ આપ્યો. ઘણી વાર થઈ છતાં ઓમ ન આવ્યો.
બીજી બાજુ નિર્મિંતા બહેન અને પ્રકાશભાઈ પણ ચિંતા કરી રહ્યા હતા કે હજી જાન કેમ ન આવી! છેવટે જાગૃતિ બહેને નિર્મિતા બહેનને જણાવવાનો નિર્ણય કર્યો. નિર્મિતા બહેન જાગૃતિ બહેનને ફોન કરવા જતાં હતાં ત્યાં જ એમને સામેથી સૌ આવતા દેખાયા તેમને લાગ્યું કે જાન જ આવે છે એટલે એમણે અસ્મિતાને બોલાવવા સંદેશો મોકલ્યો. લોકો વાતચીત કરી રહ્યા હતા પણ અચાનક હોલમાં સન્નાટો છવાઈ ગયો! અસ્મિતા આવી રહી હતી. આજે એ કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. ડિઝાઇનર પાનેતર, અનેક ઘરેણા, ચહેરા પર હળવું સ્મિત! તેની ચાલવાની, દાદર ઉતરવાની અદા પર સૌ વારી ગયા હતા. હોલમાં માત્ર અસ્મિતાની ચાલનો જ અવાજ હતો. બધાએ અસ્મિતાના ખૂબ વખાણ કર્યા. અસ્મિતાને હાર પહેરાવવા બહાર બોલાવવામાં આવી પણ આ શું!?? ! જાગૃતિબહેન તો સૌ જાનૈયાઓ સાથે આવી ગયા પણ ઓમ જ નહોતો! છેવટે જાગૃતિ બહેને સૌ સાથે વાત કરી બધું જણાવ્યું, કે ઓમ ગયેલો હજુ આવ્યો નથી. અસ્મિતા આ સાંભળી ચિંતામાં આવી ગઈ. પછી સમય જોતા નિર્મિતા બહેને સૌ જાનૈયાઓને વ્યવહાર મુજબ આવકાર આપ્યો.
એટલામા આદર્શ પણ ત્યાં આવી પહોંચ્યો. ઘડી ભર તો માત્ર અસ્મિતાને જોતો જ રહી ગયો. એના રૂપમાં જ ખોવાઈ ગયો. પછી અસ્મિતા એને ઝકઝોરતા બોલી, "આદર્શ.. આદર્શ.." " હં.. અસ્મિતા બોલ." આદર્શ પછી ભાનમાં આવ્યો. "આદર્શ, ઓમ ક્યારના એરપોર્ટ તરફ ગયા છે પણ હજુ આવ્યા નથી!" અસ્મિતાએ કહ્યું. આદર્શ તો જાણે કઈ જાણતો જ ના હોય એમ બોલ્યો, "કેમ! અત્યારે એરપોર્ટ?" "એ બધું કહીશ પછી, તું હમણાં ને હમણાં એમને શોધીને લઈ આવ ગમે ત્યાંથી!" અસ્મિતા ગભરાઈને બોલી.. આદર્શ કહ્યું, "તું ગભરાઈશના અસ્મિતા, હું કાંઈક કરું છું." આદર્શ બહાર જતો હતો ત્યાં જ મિ. ઓબેરોય અને મિ. બ્રેન્ડન આવ્યા! આદર્શે સૌને કહ્યું હી ઈસ મિ. બ્રેન્ડન... "અરે! ઓમ આમને જ લેવા ગયો હતો!" જાગૃતિ બહેને કહ્યું. અસ્મિતાએ મિ. બ્રેન્ડન સાથે વાત કરતા કહ્યું, "વેર ઈસ ઓમ! હી કેમ ટુ પિક યૂ બોથ!" "વી વેઈટેડ અ લોટ! બટ હી ડીડન્ટ કમ! સો વી કમ આરસેલ્ફ" મિ. બ્રેન્ડને કહ્યું. આ સાંભળી અસ્મિતાની આંખો પહોળી થઈ ગઈ! બધા વિચારવા લાગ્યા કે ઓમ ક્યાં છે.. છેવટે બધાએ ઓમને શોધવા જવાનું નક્કી કર્યું. આદર્શે જાણી જોઈને એરપોર્ટનું સુકાન લીધું. એટલે કોઈ એ તરફ જાય નહીં અને એની યોજનામાં વિઘ્ન ન આવે.. પછી બધા શોધવા નીકળ્યા..એટલે આદર્શે પણ એરપોર્ટ જવાનું નાટક કર્યું. ઓલરેડી આઠ વાગી ગયા હતા આટલા સમયે તો હસ્ત મેળાપ યોજાવાનો હતો.. છેવટે બધા શોધીને પાછા આવ્યા. આદર્શ પણ પાછો આવ્યો, "મેં આખું એરપોર્ટ શોધી નાખ્યું પણ ઓમ ક્યાંક ન દેખાયો અસ્મિતા!" એણે નાટયાત્મક રીતે કહ્યું.
હમણાં સાડા નવ થઈ રહ્યા હતા.. 'ઓમ ક્યાં છો તમે!' અસ્મિતા હવે રડી રહી હતી. બધા હવે ગમગીન બન્યા હતા.. ચોરી પર ઉભી અસ્મિતા ઓમની રાહ જોતી હતી પણ ઓમ આવી રહ્યો નહોતો. માત્ર આદર્શ જાણતો હતો કે ઓમ તો.. હવે જાગૃતિ બહેન, નિર્મિતાબહેન અને પ્રકાશભાઈ ના હૈયા પણ ભારે થયા હતા.. મહેમાનો પણ મંગળ અમંગળ વાતો કરતા હતા. મહુરત પણ વીતી રહ્યું હતું. અસ્મિતાના આંસુ અને ભય ચરમસીમાએ હતા. મંડપે આવેલી જાન પાછી જશે અને વિવાહ નઈ થાય! એ વિચારથી જ નિર્મિતાં બહેનનું હૈયું ભાંગી રહ્યું હતું. આ બધામાં માત્ર એક જ વ્યક્તિ ખુશ હતી આદર્શ , કેમકે આ વખતે પહેલી વાર એના પાસા બરાબર પડ્યા હતા.. રાતના દસ વાગ્યા હતા હવે મહુરત પણ પૂરુ થયું હતું. પંડિતના કહેવા મુજબ હવે કદાચ ઓમ આવી પણ જાય તો પણ વિવાહ થાય તેમ નહોતું! કેમ કે હવે ઉદ્વેગનો આરંભ થવાનો હતો. આ સાંભળી નિર્મિતા બહેન સ્તબ્ધ થઈ ગયા! અસ્મિતાએ તેમને સંભાળ્યા. તે મનથી ભાંગી પડી હતી. ચોરીમાં નીચે બેસી ગઈ એના આંસુ રોકાતા નહોતા. જાગૃતિ બહેન એની પાસે બેઠા.. મહેમાનો પણ હવે જવું જવું કરી રહ્યા હતા.. પંડિતે કુંડમાં પ્રજ્વલિત અગ્નિ શૂન્ય કરવાની પરવાનગી માંગી. પ્રકાશભાઇએ અસ્મિતા સામે જોઈ ભારે હૈયે અનુમતિ આપી.
ત્યા જ અચાનક "ઊભા રહો.." એક અવાજ સંભળાયો! સૌની નજર કુંડ તરફથી હટીને દ્વાર પાસે ગઈ. જોયું તો ત્યાં ઓમ ઉભો હતો!! તે મંડપ તરફ આવી રહ્યો હતો. અસ્મિતા આ જોઈ ઉભી થઈ.. તે આંસુ લૂછતી રિતસર ઓમ તરફ દોડી.. સૌ ઓમને જોઈ હરખાઈ ગયા સિવાય આદર્શ!! તેના પગ નીચેથી જમીન સરકી ગઈ! તેને વિશ્વાસ જ નહોતો થતો કે આ શું થઈ રહ્યું છે.. ઓમ તો મરી ગયો હતો... પછી અહીં ક્યાંથી! આ તરફ ઓમ આગળ વધતો હતો અને અસ્મિતા દોડતી હતી.. છેવટે અસ્મિતા ઓમને જોરથી ભેટી પડી! બંને બે મિનિટ ભેટી રહ્યા.. અસ્મિતા ખૂબ રડી રહી હતી. અસ્મિતા.. અસ્મિતા.. શાંત થઈ જા! ઓમે કહ્યું.. પણ અસ્મિતા શાંત પડતી નહોતી.. "ક્યાં હતાં અત્યાર સુધી તમે!" "હા બેટા ક્યાં હતો તું અત્યાર સુધી!" જાગૃતિ બહેન આગળ આવ્યા.. તને ખબર પણ છે કે અમારા સૌની શું હાલત હતી! તું તો કોઈ તારા સાહેબને લેવા ગયો હતો ને તે પછી આવ્યો જ નહીં! હાલત તો જો અસ્મિતાની!"
ટ્રક ડ્રાઈવરે તો સળગતી ગાડીનો ફોટો ય મોકલ્યો હતો આદર્શને પછી કઈ રીતે ઓમ બચી શકે! એજ આદર્શને હજી સમજાતું નહોતું! "અસ્મિતા મારી વાત સાંભળ, વાત એવી છે કે હું મિ. ઓબેરોયને લેવા નીકળ્યો, પણ અચાનક ગાડીમાં ડ્રાઇવરને ફોન આવ્યો કે તેના પપ્પા ખૂબ જ બીમાર છે અને અંતિમ શ્વાસ લઈ રહ્યા છે.. પિતાને અંત સમયમાં જોઈ ના શકવાનું દુખ હું સારી રીતે જાણું છું. ઓમે જાગૃતિ બહેન સામે જોઈ કહ્યું.. એટલે મેં તરત જ ગાડી રસ્તામાં રોકાવી દીધી અને ઉતરી ગયો. અને મેં ટેક્સી કરી લીધી. મારી ટેક્સી ડ્રાઈવરની કારની પાછળ જ હતી કેમકે આગળના ચાર રસ્તાથી હું એરપોર્ટ જવા આગળ સીધો જવાનો હતો અને ડ્રાઇવરે એની જગ્યાએ જવા લેફ્ટ લેવાનું હતું. પણ અચાનક એક મોટી ટ્રક સાથે ડ્રાઈવરની કારની ટક્કર થઈ અને એની કાર ડિવાઇડર સાથે જોરથી અથડાઈ સળગી ઉઠી... ટ્રક ડ્રાઈવર ઘણો ઉતાવળમાં હતો.. આ ડ્રાઇવર મારો ઘણો વિશ્વાસુ હતો મને છેક સુરતથી અમદાવાદ લાવ્યો હતો. મને એક્સિડન્ટ જોઈ ફાળ પડી .. હું ટેક્સી માંથી ઉતરી તરત ગાડી પાસે ગયો. ડ્રાઈવર ખૂબ જ ઘવાયો હતો. લોહી પુષ્કળ વહેતું હતુ.." "સદ્ભાગ્યે તું એમાં નહોતો બેટા.." જાગૃતિ બહેન બોલી ઊઠ્યા.. ઓમ આગળ બોલ્યો, પછી મેં અને ત્યાં બીજા લોકોએ મળી એમ્બ્યુલન્સ બોલાવી લીધી પણ કોઈ જોડે જવા તૈયાર નહોતું થતું પોલિસ વગેરેને લીધે.. છેવટે હું અને એક ભાઈ તૈયાર થયા અને ગયા હોસ્પિટલમાં.. આટલો ગંભીર કેસ ઈંકવાયરી વગર લેવા ડોક્ટર તૈયાર નહોતા છેવટે કલાકમાં પોલિસ આવી પછી અમારા બેનું સ્ટેટમેંટ લઈ જાણકારી લીધી અને અમને ત્યાં બેસાડી રાખ્યા.. પછી અમને રજા આપી અને દવાખાનેથી અહીં આવતા જ મને કલાક થઈ ગયો."
"પણ આ બધા વચ્ચે તમે મને એક ફોન કેમ ના કર્યો!" અસ્મિતાએ કહ્યું. "વાત એમ છે કે ડ્રાઇવર માટે જ્યારે હું કારમાંથી ઉતરી ટેક્સીમાં ગયો ત્યારે મારો ફોન પેલી કારમાં જ રહી ગયો.. અને મને માત્ર મમ્મી અને અસ્મિતા બંનેના જ નંબર યાદ છે મેં ઘણા ફોન કર્યા હોસ્પિટલેથી પણ તે ઉપાડયા જ ના અસ્મિતા!" ઓમે કહ્યું.. "અરે હા મેં લેન લાઈન નંબર ના મિસ કોલ જોયા હતા પણ તમે મળતા નહોતા એ ચિંતામાં મેં ધ્યાન જ ના આપ્યું.." અસ્મિતાએ કહ્યું..
"આઈ એમ સૉરી અસ્મિતા!" ઓમે કહ્યું. "ના ઓમ કોઈ ગમે તે કહે મને તમારા પર ગર્વ છે. હું બહુ લકી છું કે મને તમે મળ્યાં! લગ્નની પરવા કર્યા વગર તમે કોઈને બચાવ્યા છે.." પછી મંડપમાં આદર્શ સિવાય સૌએ તાળીઓનો ગડગડાટ કરી દીધો.. પરંતુ એટલામાં જ એક વડીલ બોલ્યા "ઓમ આવી તો ગયો છે પણ હવે લગ્ન શક્ય નથી કેમ કે અગિયાર વાગી ગયા છે અને ઉદ્વેગ ચોઘડિયું શરૂ થઈ ગયું છે!" આ સાંભળતા જ બધાના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. ઓમના સૌથી મોટા કાકાએ કહયું હતું એટલે એનાથી કઈ બોલાય એમ નહોતું. પાંચ મિનિટ માટે વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. આદર્શને થોડો આનંદ થયો કે ચાલો કઈ તો ફાયદો થયો. એટલામાં અસ્મિતાએ ચૂપ્પી તોડી.. "ઉદ્વેગ ચોઘડિયું શરૂ થઈ ગયું તો શું છે? હું અને ઓમ લગ્ન ન કરી શકીએ!?" અસ્મિતા બોલી પણ અચાનક પ્રકાશભાઈ એને અટકાવતા ધીમેથી બોલ્યા, "બેટા એ તારા સૌથી મોટા કાકા સસરા છે એમની વાત આપણે ના ટાળી શકીએ અને એમની વાત પણ યોગ્ય છે ખરાબ ચોઘડિયામાં લગ્ન કરવા યોગ્ય નથી.." "તો શું રોજ સૂર્ય ચોઘડિયું જોઈને ઊગે છે!? કોઈ દિવસ ડોક્ટર એવું કહે છે ના હમણાં ચોઘડિયું સારું નથી થોડી વાર રહીને સારા મહુરત માં ઓપરેશન કરીએ! કોઈ બાળક જન્મતું હોય તો આપણે એમ વિચારીએ છીએ કે અત્યારે સારું મહુરત છે તો હમણાં તે જન્મી શકે નહીં તો રાહ જુઓ બે ત્રણ કલાક!! "બધે સન્નાટો છવાઈ ગયો.. કોઈ કઈ બોલતું નથી.. અસ્મિતા આગળ બોલી.." અને હું પોતે પણ ચલ ચોઘડિયામાં જન્મી છું તો મારા પપ્પાએ તો મને ફેંકી નથી દીધી! દેશમાં સૈનિકો આ બધું વિચારીને લડતાં હશે! અને મેં કઈ ઓમને ચોઘડિયું જોઈ પ્રેમ નથી કર્યો! હું સારા મહુરતનો વિરોધ નથી કરતી પણ હમણાં સમય અને સંજોગો એવા ઉભા થયા છે કે અને બધી તૈયારીઓ વ્યર્થ ના જાય એટલે હમણાં લગ્ન કરવા યોગ્ય છે પછી જેવી સૌ વડીલોની ઇચ્છા! "કહી અસ્મિતાએ કાકાની સામે જોયું.
તે કાકા આગળ આવ્યા અને અસ્મિતાના માથે હાથ મૂકી બોલ્યા," જાગૃતિ તું વહુ ખાલી દેખાવમાં નહીં વિચારોમાં પણ સુંદર લાવી છે!"એમની વાત પરથી એમની મંજૂરી સ્પષ્ટ જણાઈ આવતી હતી. સૌ ખુશ થઈ ગયા અને વિધિઓ આરંભાઈ ગઈ.. વિધિઓ થોડી ઝડપથી થતી હતી.. એક તરફ જમણવાર શરૂ થઈ ગયો. રિન્કલે છેડા બાંધી દીધા.. ફેરા ફરાઇ ગયા.. આકાશે અંગૂઠો દબાવ્યો.. પછી સિંદૂર પુરાઇ ગયું અને મંગળસૂત્ર પણ પહેરાવી દીધું પછી સૌએ આવી આશીર્વાદ રૂપે ભેટો આપી દીધી.. પછી ડાઈનીંગ ટેબલ પર જમવા ગોઠવાઈ ગયા.
વાતમાં વાત નીકળતા કોઈએ પૂછ્યું કે પેલા ડ્રાઈવર ને કેમ છે હવે? ઓમે જણાવ્યું કે ઓપરેશન હતું થઈ ગયું હશે અત્યાર સુધી.. સાંભળીને આદર્શના ચહેરા પર પરસેવો વળ્યો કે ક્યાંક ટ્રક ડ્રાઈવર પકડાય ને મારું નામ આવ્યું તો! પણ ઓમે કહ્યું કે એ ડ્રાઇવર તો તરત જ ત્યાંથી ભાગી ફરાર થઈ ગયો. થોડી વારમાં વિદાયની વેળા આવી ગઈ અને સૌ બહાર ચાલવા માંડયા. અસ્મિતા મમ્મી પપ્પા અને આકાશ સૌને ભેટી રડતી હતી અને એ જોઈ જાગૃતિ બહેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી અસ્મિતા ગાડીમાં બેસી ગઈ. આકાશે ગાડી નીચે નાળિયેર મૂક્યું અને સૌ રવાના થયા સૌ ગાડીને છેક સુધી જોતા રહ્યા. પ્રકાશભાઈ એ પણ પછી આદર્શને અત્યંત આભાર માની વિદાય આપી.. આદર્શની બાઇક આજે સ્પીડનો કાંટો પાર કરી રહી હતી.. એને અત્યંત ગુસ્સો આવી રહ્યો હતો..
બીજી તરફ ઓમ અને અસ્મિતા ઘેર પહોંચ્યા. ગૃહ પ્રવેશની વિધિ કરાઈ. અસ્મિતાએ કુમકુમ પગલા માંડયા. રિંકલે એને રૂમ બતાવ્યો. ફિલ્મોમાં બતાવે એ રીતે રૂમ શણગારેલો હતો.. ગુલાબની મહેકથી આખો રૂમ મહેકતો હતો. ઓમ અને અસ્મિતા બંને ખૂબ ખુશ હતા..
પણ ઉદ્વેગ ચોઘડિયામાં થયેલું આ લગ્ન હજી ઘણાં સંઘર્ષમાંથી પસાર થવાનું હતું એનાથી સૌ અજાણ હતા..!!
-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ