Kalpnik vastvikta - 26 in Gujarati Fiction Stories by Bhargav Patel books and stories PDF | કાલ્પનિક વાસ્તવિકતા - ૨૬

Featured Books
Categories
Share

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૬

કાલ્પનિક વાસ્તવિકતા – ૨૬

ભાર્ગવ પટેલ

“હા, એ પોસીબલ છે. પરફેક્ટ”, અચાનક જ જેનિશનું આવું બોલવું અમીને જરા આશ્ચર્ય પમાડી ગયું.

“અમી, આનું આમ જ છે, ગમે ત્યારે યુરેકા યુરેકા કરતો જ હોય છે. કશુક જોરદાર પ્લાનિંગ એના મગજમાં આવ્યું હશે”, સંકેતે જેનિશનો સ્વભાવ જાણતો હોઈ કહ્યું, “શું આવ્યું જરા કહીશ?”

“કેમ નહિ! એ લોકોની દુખતી નસ એક જ છે કે એમની નજરમાં કોઈ એવો વ્યક્તિ આવે કે જે પૈસાની લાલચ ધરાવતો હોય કે ધરાવતી હોય. મારો પ્લાન એવો છે કે આપણે એવી ડમી વ્યક્તિ ઉભી કરવાની છે કે જે સીધી કે આડકતરી રીતે એ લોકોના કોન્ટેક્ટમાં આવે અને પછી બાકીનો બધો દોરીસંચાર આપણા હાથમાં જ રહે, કેવું?”

“આમ તો બરાબર છે પણ એ માણસ અમને બધાને ઓળખે છે, પ્લસ કદાચ શક્ય છે કે તને પણ ઓળખતો હોય. આ સંજોગોમાં શું કરીએ?”, સંકેતે પૂછ્યું.

“મેં તને એક નાટકની વાત કરી હતી યાદ હોય તો”, જેનિશે સંકેતને યાદ અપાવી.

“હા, એ તો યાદ છે પણ તે મને એના વિષે માત્ર શબ્દ સિવાય કોઈ માહિતી આપી નહતી”, સંકેતે કહ્યું.

“એનો ટાઈમ હવે આવી ગયો છે! ઇટ્સ શો ટાઈમ”

“પણ શું નાટક છે એ તો અમને કહે તો અમારે શું રોલ ભજવવાનો છે એ તો ખ્યાલ આવે ને!”, સંકેતે કહ્યું.

“હા બરાબર”, અમીએ પણ કહ્યું.

“કયા નાટકની વાત ચાલે છે? એકાદ રોલ મને પણ આપજો હોં”, ડ્રોઈંગરૂમમાં પ્રવેશતા મુકેશભાઈ માત્ર નાટક વિષે સંકેતે કહ્યું એ જ સાંભળીને બોલ્યા.

ચારેય જણ થોડા સ્તબ્ધ થઇ ગયા.’ક્યાંક એમને કશી ખબર તો નથી પડી ને?’ આ વિચાર ચારેયના મગજ સોંસરવો નીકળી ગયો.

“ના! એટલે.. પપ્પા... નાટક એટલા માટે કે....”, સંકેત ગભરાહટમાં કશુંક કહેવા જતો હતો ત્યાં જેનિશે એને અટકાવ્યો.

“એક્ચ્યુલી અંકલ, એ નાટકની વાત મારા માટે ચાલે છે”

“કેમ તમારા માટે?”, મુકેશભાઈ જેનિશને સંકેતના મિત્ર નહિ પણ મહેમાન તરીકે જોતા હતા આથી એને ‘તમે’નું માન આપ્યું.

“મારે લવ મેરેજ કરવાના છે અને છોકરીના મમ્મી પપ્પા માથાભારે છે એટલે નાટક કરવું પડે એવું છે”

સંકેતે હળવેકથી કપાળે હાથ દીધો અને જેનિશનું ધ્યાન એ તરફ ગયું. જેનિશે એને ઈશારો કરતા પોતે કશું બાફ્યું તો નથી ને એની ખાતરી કરવા કહ્યું. સંકેતે થોડું મોં બગાડ્યું એટલે જેનિશ સમજી ગયો કે મુકેશભાઈ સામે આ વાત નહોતી કરવા જેવી, પણ હવે કાચું કપાઈ ગયું હતું. બધાની નજર મુકેશભાઈ શું કહે છે એના પર હતી.

“બરાબર! અને તમારા મમ્મી પપ્પા?”, મુકેશભાઈને જાણે રસ પડ્યો હતો.

“એ તો તૈયાર જ છે, મેં એમને પૂછીને ખાતરી કરી લીધી છે, પણ એના મમ્મી પપ્પાને હજી પૂછવાનું બાકી છે. એક્ચ્યુલી આમ જોવા જઈએ તો એમને પૂછવાની હિંમત નથી થતી”, જેનિશ હંમેશની જેમ નિખાલસતાથી જ વાત કરી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક પોતાનું દિલ પણ ખોલી રહ્યો હતો.

“ક્યાંના છે એ લોકો?”, મુકેશભાઈએ પૂછ્યું.

સંકેત થોડો દંગ હતો કારણ કે આટલી સાહજિકતાથી પોતે પિતા સાથે દિવ્યા વિશેના સંબંધ વખતે પણ વાત નહતી કરી અને જેનિશ સહજતાથી વાત કરી રહ્યો હતો. કદાચ જેનિશનો ધર્મ અને બેક્ગ્રાઉન્ડ આ માટે જવાબદાર હોઈ શકે છે. પણ મુકેશભાઈ આટલી સહજતાથી વાત કરે છે એ જોઇને સંકેત મૂંઝવણમાં હતો.

“અહી જ ગુજરાતના, ઇન ફેક્ટ અમદાવાદના”, જેનિશે કહ્યું. જેનિશે આ કહ્યું ત્યારે જ સંકેત અને અમીને ખબર પડી કે જેનિશની પ્રેમિકા અમદાવાદની છે. પણ એ બંનેએ એ વિષે હમણાં કશું પૂછવાનું ટાળ્યું.

“ગુજરાતના જ હોય તો તમે પાક્કા પાયે હજી અડધે રસ્તે જ છો. પ્રેમ લગ્ન માટે સંતાનના મા-બાપ મનથી તો તૈયાર હોય, ભલી પોતાના સંતાનની ખુશી કયા મા-બાપ ન ઈચ્છે?! પણ ‘સમાજ’ નામના ત્રણ શબ્દો આગળ છુપી લાચારી હોય છે”, મુકેશભાઈએ કહ્યું.

મુકેશભાઈના આવું કહેવાથી સંકેતને ખ્યાલ આવ્યો કે પોતાના અને દિવ્યાના માતાપિતા એમના લવ મેરેજ માટે કેમ ના પાડતા હતા. એણે એ એક મિનીટમાં જે-તે સમયે મુકેશભાઈ અને અસ્મિતાબેને માત્ર સમાજ ખાતર પોતાના સંતાનની ખુશી વિરુદ્ધ નિર્ણય આપ્યો તે વખતની વ્યથા અનુભવી. જો કે અમી સાથે તે કોઈ પણ પ્રકારે દુઃખી નહતો, પણ અમી જેવી છોકરીની શોધ કરવી એ જાણે કે મુકેશભાઈ માટે એકચુકી ન શકાય એવી ફરજ હતી.

“એટલે જ તો અંકલ, થોડું નાટક કરવું રહ્યું એ માટે”

“નાટકમાં કોઈની લાગણીને ઠેસ ના પહોચે એ ધ્યાન રાખશો તો સહુ સારાવાના થશે”, મુકેશભાઈએ કહ્યું.

“એ વાતનું બિલકુલ ધ્યાન રાખીશ અંકલ”, જેનિશે કહ્યું. જે નાટક કરવાનું નહતું એ વિષે આટલી ચર્ચાથી જેનિશે મનોમન એ તો નક્કી કરી જ લીધું હતું કે પોતે અહીંથી બેંગ્લોર જતા પહેલા દિવ્યાના મમ્મી પપ્પાને મળીને જ જશે, અને એ પણ પોતે જેવો છે એવો જ. ના કોઈ નાટક કે ના કોઈ તરકટ.

“ચાલો હું મંદિર જઈ આવું, તારી મમ્મી લગભગ આજે વહેલી નીકળી ગઈ”, મુકેશભાઈએ કહ્યું.

“હા પપ્પા! મમ્મી વહેલા જવા નીકળ્યા હતા. આજે મંદિરમાં સાંજે મહિલા મંડળ ભજન સંધ્યા છે એટલે એની તૈયારી માટે ગયા છે”, અમીએ કહ્યું.

“હા, બરાબર”, કહીને મુકેશભાઈ મંદિર તરફ રવાના થયા.

બધાને હાશકારો થયો.

“હાશ! સારું થયું એમને બીજું કશુંક વધુ સાંભળ્યું નહતું, નહિ તો એમને બધી ખબર પડી જાત”, વિશાલે કહ્યું.

“સારું થયું, નહિ તો પપ્પા ખોટા ચિંતા કરત અને એ મમ્મીને કહેતા તો તો એ વ્યર્થ ચિંતા કર્યા કરતી”, સંકેતે કહ્યું.

“આ બધું હવે જેમ બને એમ જલ્દીથી પતાવવું પડશે.પ્લાનિંગ આજથી જ એક્ઝીક્યુટ કરવું પડશે”

“હા પણ પેલી વ્યક્તિનું શું? એ ક્યાંથી મળશે?”, અમીએ પૂછ્યું.

“તમને શું લાગે છે ભાભી મારા બેંગ્લોરમ એકલા જ કોન્ટેક્ટ હશે? ગુજરાતના અમુક કેસોમાં અવારનવાર નવા કેરેકટર ઉપજાવવા પડે છે, નહિ તો આમ સહેલાઇથી થોડા કેસ સોલ્વ થતા હશે શું કહેવું?”

“એટલે એ બધી વ્યવસ્થા અહીંથી જ થઇ જશે એમ?”

“એક ફોન કરું અને ખાલી દસ મિનીટનો વાર્તાલાપ, એટલે બધું જ ક્લીયર”

“હા તો કરો અને બોલાવો! રાહ કોની જુઓ છો મિસ્ટર જેનિશ મેકવાન?”, સંકેતે કહ્યું.

“જો હુકુમ મેરે આકા”, એમ હળવાશથી કહીને જેનિશે કોઈને ફોન કર્યો અને પ્લાનિંગ સમજાવવા માટે આજે બપોરે લંચ બાદની મીટીંગ ફાઈનલ કરી.

***

એકઝેટ સાડા સાત વાગ્યે નવા શર્ટ પેન્ટ પહેરી તૈયાર થઈને, પોતાનું ફેવરીટ ઇન્ફીનિટીનું પરફ્યુમ છાંટીને જેનિશ દિવ્યાની ઓફીસ નજીકના એક સીસીડી જવા નીકળ્યો. આમ તો ફ્રીલાન્સર હતો એટલે થોડી કડકી તો રહેતી પણ પોતાના કપડા અને પરફ્યુમના શોખ સાથે એ ક્યારેય કોમ્પ્રોમાઈઝ કરતો નહતો. આજે વોલેટમાં ‘આ દિવસ ક્યારેક તો આવશે’ કરીને બચાવી રાખેલા પૈસા હતા. કોઈ પણ એન્ગલથી પોતાની પર્સનાલીટીમાં ખામી દેખાય તે જેનિશ આજે સખી લેવા તૈયાર નહતો. કમી હતી તો બસ એક પ્રપોઝલ રીંગની કે જે અત્યારે એના બજેટમાં નહતી. પણ એની પાસે પોતાના પિતાએ આપેલી સોનાની એક વીંટી હતી, જેના ઉપરના ભાગે ડાયમંડ હતો એ જ વીંટી પ્રપોઝલ રીંગ તરીકે વાપરવાનો હતો.

સવા આઠની આસપાસ એ ત્યાં પહોચ્યો. જઈને પહેલા ટેબલ બુક કરાવ્યું અને દિવ્યાના આવવાની રાહ જોતો ત્યાં જ બેઠો. પોતાની પાસે દિવ્યાનો મોબાઈલ નંબર નહતો કે નહતો એનો કોઈ અન્ય કોન્ટેક્ટ. જે ઈમેઈલ પર વાતચીત થઇ હતી એ ઈમેઈલ કંપની ટાઈમ પૂરો થયા પછી દિવ્યા લોગ આઉટ કરી દે એટલે એના પર પણ કોન્ટેક્ટ થવાના કોઈ ચાન્સ નહતા. સાડા આઠ, પોણા નવ, આઠ પંચાવન થઇ પણ દિવ્યા હજી સુધી દેખાઈ નહિ. જેનિશના મનમાં ઉચાટ હતો. ‘ક્યાંક દિવ્યાએ મારી સાથે મજાક તો નથી કરીને, આમ ઈમેઈલની ડિસ્કશન પર લવ થોડી થતો હશે, હું પણ શું યાર સાવ’ જેવા વિચારો એના મનમાં સતત આવતા હતા પણ હૃદય હજી એ જ ઉત્સાહથી દિવ્યાની રાહ જોઈ રહ્યું હતું. પોતાની આ દ્વિમાર્ગીય સ્થિતિ ખુદ જેનિશ માટે જ સમજવી અકળ થતી જતી હતી એટલામાં નવ ને પાંચ મિનીટે સીસીડીનો કાચનો દરવાજો ખુલ્યો.

જેનિશની નજર દરવાજા તરફ જ હતી. ક્રીમ ટોપ અને બ્લેક જીન્સમાં દિવ્યા કોઈ પરી કરતા ઉણી ઉતરે એવી નહતી. હેર સ્ટાઈલ પણ પહેરવેશને અનુરૂપ હતી. જેનિશને શોધી, જોઇને એ જેનિશે બુક કરાવેલા ટેબલ પર આવીને બેઠી. લગભગ એક મિનીટ સુધી કોઈ બોલ્યું નહિ.

“સીસીડી ઘણું દુર પડ્યું લાગે છે”, જેનિશે વ્યંગબાણ માર્યું.

“ઉતાવળ તો કરી જ હતી અને એટલે જ નવ વાગ્યે પહોચી રહી, નહિતર આનાથી પણ લેટ થઇ ગઈ હોત”

“આ કામથી અગત્યનું બીજું કયું કામ હતું?”, જેનિશે હળવેકથી પૂછ્યું.

“હું વિચારતી હતી કે આટલા મોટા હેકરને હેક કરવામાં હું કામિયાબ કેવી રીતે રહી”, કહેતા કહેતા દિવ્યાએ ડાબા હાથની તર્જનીથી આગળ આવી ગયેલા વાળ કાનના ઉપરના ભાગ પર ભરાવ્યા.

“બસ આ જ હરકતના લીધે હું હેક થયો”, જેનિશે તક વાપરી લીધી.

“અજુગતું લાગે છે, મને એમ હતું કે હું ફરી ક્યારેય પ્રેમમાં નહિ પડી શકું, પણ..”

“ફરી? એટલે?”

“’ફરી’નો બીજો કોઈ મતલબ થાય છે ખરો?”

“ઓહ આઈ સી. ક્યા કારણથી સેપરેટ થવાનું થયું? આઈ મીન પ્રોબ્લેમ કઈ સાઈડથી હતો?”

“બંનેમાંથી એકેય સાઈડનો નહિ”

“તો પછી?”

“મમ્મી પપ્પા પ્રમાણે મેં આંતરજ્ઞાતિ પ્રેમલગ્ન કરવાનું વિચારીને ભૂલ કરી હતી, પણ એ ભૂલ ફરીથી અહી પણ થવા જઈ રહી છે. હા, આ વખતે તો આખો ધર્મ જ જુદો છે. એ લોકો માનશે કે નહિ માને એ વિષે હજી વિચાર્યું નથી અને વિચારવું પણ નથી. મને તારા પ્રત્યે અનાયસે જ પ્રેમ જન્મ્યો છે અને હું આ ક્ષણને ગુમાવવા નથી માંગતી”, દિવ્યા આ બે વાક્યોમાં લગભગ બધું જ કહી ગઈ

“સમજી શકું છું. તારા આ સમયમાં ભાગીદાર બનીને હું મારા જીવનની અડધી સફળતા મેળવી ચુક્યો હોય એમ લાગે છે”, જેનિશ ડાબા હાથની તર્જની અને અંગુઠા વચ્ચે જમના હાથની અનામિકાએ પહેરેલી વીંટીને આંગળીમાં જ ગોળ ફેરવી રહ્યો હતો.

“કદાચ સમય અને જવાબદારીઓના બોજ નીચે મેં જ મારી જાતને દબાવી દીધી છે, એટલે હજી એ ભાર હળવો થતા વાર લાગશે, ત્યાં સુધી કદાચ તારે મારું એક પરિણીત મહિલા જેવું વર્તન સહન કરવું પડે”

“કદાચ તારે પણ મારું એક નાના બાળક જેવું ચંચળ મન થોડા સમય માટે સાચવવું પડશે. કારણ કે તારા આવ્યા પછી લાગે છે કે હવે એ સ્થિર થશે”

બંને વચ્ચેનો વાર્તાલાપ કોઈ યુવરાજ અને રાજકુમારીને શોભે એ ઢબે થઇ રહ્યો હતો. શબ્દો બંનેની જીભથી વગરપ્રયત્ને વહી રહ્યા હતા.

“શું લઈશ?”, મેનુ હાથમાં લઈને દિવ્યાએ પૂછ્યું.

“એક કેપેચીનો એઝ ઓલ્વેઝ”

“વેઈટર!”, દિવ્યાએ વેઈટરને બોલાવ્યો.

“યેસ મેમ”

“વન કેપેચીનો એન્ડ વન કોલ્ડ કોફી”

વેઈટર ઓર્ડર લખી ગયો.

દિવ્યાના ટેબલ પર મુકાયેલા હાથ પર જેનિશે હળવેકથી પોતાનો હાથ મુક્યો. દિવ્યાએ જેનિશની સામે જોયું અને પોતાનો બીજો હાથ જેનિશના હાથ પર મુક્યો. ટેબલ ઉપરની એ ઝાંખી લાઈટ, એસીની ઠંડા પવનની લહેરખી એ બંનેના પ્રેમની સાક્ષી બની.

વેઈટર આવ્યો અને ઓર્ડર પ્રમાણે બે કપ અને બીલ મુકીને ચાલતો થયો. બંનેએ પોતપોતાનો કપ લીધો.

“એક મિનીટ દિવ્યા”, કપ અને દિવ્યાના હોઠ વચ્ચે લગભગ પાંચ મિલીમીટરનું અંતર હશે ત્યારે જેનિશે દિવ્યાને રોકી.

“શું થયું?”

“જેનિશે કશું કહ્યા વગર ડાયમંડવાળી સોનાની વીંટી પોતાના જમણા હાથની અનામિકામાંથી કાઢીને દિવ્યાના ડાબા હાથની અનામિકામાં પહેરાવી દીધી. દિવ્યાએ આનો વિરોધ ના કર્યો પણ ફરીથી એ જ વીંટી જેનિશના હાથમાં એ જ જગ્યાએ પહેરાવી દીધી.

“તે પ્રપોઝલ કર્યું અને મેં એક્સેપ્ટ કર્યું. ઓકે?”

“હાહા! ઓકે. ધેટ્સ સો સ્માર્ટ ઓફ યુ”

“થેન્ક્સ”

બંનેએ કોફી પીધી. જેનિશ બીલ ચુકવવા જતો હતો પણ એ પહેલા જ દિવ્યાએ પોતાના પર્સમાંથી પૈસા કાઢીને આપી દીધા. જેનિશે એની આંખોમાં આંખો નાખીને બોલ્યા વગર જ જાણે પૂછ્યું ‘કેમ તે આપ્યા?’ અને દિવ્યાએ એ જ ભાષામાં જાણે જવાબ આપ્યો ‘હમણાં હું ખર્ચી શકું તેમ છું અને તારી પરિસ્થિતિ સારી રીતે જાણું છું’. આ ઘટના એમના પ્રેમ પર વિશ્વાસની મહોર લગાવી ગઈ.

***

લંચ બાદ નિર્ધારિત સ્થળે ચારેય જણ વેઇટ કરતા બેઠા હતા. થોડી વારમાં એમની પાસે આવીને એક યુવક અને યુવતી બેઠા.

“કેમ છે જેનિશ? કોઈ નવો કેસ?”

“હા યારો! ગુજરાતના કેસ તમારા બંનેની એક્ટિંગ વગર ક્યાં સોલ્વ થાય છે? તમને ખબર તો છે”

“હા એ તો છે જ”

“પણ આ વખતે કોઈ શંકાની સોય કે પછી બીઝનેસ પાર્ટનરનો વિશ્વાસઘાત જેવો કેસ નથી. મામલો જરા સંદિગ્ધ છે”

“તો તો ઓર મજા આવશે, જરા કેસ સમજાવશો”

જેનિશે આખા કેસની માહિતી એ બંનેને આપી. જેનિશ જયારે માહિતી એમને આપી રહ્યો હતો ત્યારે સંકેત અને અમી એકબીજા સામે જોઇને મનોમન ‘આ બંને પર વિશ્વાસ કરાય કે નહિ’ તે વિચારતા હતા....

(ક્રમશઃ)