રહસ્યમય સાધુ
ગોકાણી ભાવીષા રૂપેશકુમાર
પ્રકરણ : 1૦
(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે બધા બાળકો પૂનમના દિવસે રહસ્યમય સાધુ વિશે જાણવા જંગલમાં જાય છે જયાં સાધુ તેઓને ત્રેતાયુગમાં મોક્લે છે. અને બે દિવસ ત્રેતાયુગમાં રહ્યા હોવા છતાંય તેઓ પરત આવ્યા બાદ પણ પૂનમ જ હતી. આ બધુ શુ બની ગયુ? કોઇને કાંઇ સમજાતુ ન હતુ. શુ છે બધુ? જાણવા માટે વાંચો આગળ)
“મમ્મી આપણે કેમ અચાનક ગાંધીનગર જઇ રહ્યા છે?” બસમાં બેસતા જ હિતે કહ્યુ. “બેટા, મને ખબર નથી ત્યાંથી ફોન આવ્યો હતો.” વિદ્યાએ ટેન્શનમાં કહ્યુ. “પપ્પાનો ફોન આવ્યો હતો?”
“ના, હવે તુ સુઇ જા પછી થાકી જઇશ." સિલ્પિંગ કોચમાં થેલાનો તકિયો કરીને તેના પર હિતનુ માથુ રાખીને સુવડાવતા કહ્યુ. વિદ્યાએ હિતને સુવડાવી પછી માથુ ફેરવીને તે લાંબી થઇ તેના મનમાં ચેન ન હતુ. આજે સાંજે શાળામાં છુટતા પહેલા ગાંધીનગર હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે જલ્દી આવી જાઓ. વિદ્યાએ તાત્કાલિક હિતને તૈયાર કર્યો અને જલ્દી થેલો ભરીને જુનાગઢ નીકળી ગઇ અને ત્યાં જે પહેલી બસ મળી તેમાં બેસી ગયા. આવી રીતે ફોન આવતા તેને ટેન્શન આવી ગયુ ઓંચિતા શુ બની ગયુ? ફોન કરનારે વધારે કાંઇ માહિતી પણ આપી ન હતી. તેના પતિ વત્સલના મિત્ર મહેશનો કોલ હતો. તેને ફરી વાર કોલ લગાવ્યો પરંતુ ફોન સ્વીચડ ઓફ જ આવતો હતો. તેને ટેન્શનમાં કાંઇ ખાધુ પણ ન હતુ. રસ્તામાં જુનાગઢમાં હિતને થોડો નાસ્તો કરાવી લીધો હતો.
પડખુ ફરેલી વિદ્યાને ચેન ન હતુ. શું થયુ હશે? વત્સલને જરુર કાંઇ થયુ હશે. જુનાગઢથી ગાંધીનગર ખુબ જ દુર હતુ. તેના માટે આ પળ પળ પસાર કરવી ખુબ જ અઘરી બની રહી હતી. શુ બન્યુ હશે? હિતની માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. તે પોતાની મમ્મીનુ ટેન્શન સમજતો હતો. પરંતુ પુનમ પણ નજીક આવી રહી હતી.
***
“બહુ જ ખરાબ બની ગયુ.” સુધા ફઇ રડતા રડતા વિદ્યાને વળગી પડયા. વિદ્યાના આંસુ હવે સુકાઇ ગયા હતા તે સુનમુન બેઠી હતી. ચાર દિવસથી તેને કાંઇ ખાધુ ન હોતુ. હાર ચડાવેલો વત્સલનો ફોટો ખુરશી પર પડેલો હતો. લોકો એક પછી એક આશ્વાસન આપવા આવી રહ્યા હતા. હિત અને વિદ્યાની દુનિયા છીનવાઇ ગઇ હતી. લોકોના શબ્દો મલમ બનવાને બદલે ખૂંચી રહ્યા હતા. લોકોના આશ્વાસન તેઓને પોતાનુ દુ:ખ ભુલવા દેતા ન હતા.
1000માંથી એક વ્યક્તિને બહુ નાની વયે સિવિયર એટેકમાં મોત થાય છે. વત્સલ તે કમનસીબોમાં એક હતો. તે કમનસીબી યે બધાની જીંદગી બદલી નાખી હતી. ઓચિંતા હાર્ટ એટેકે વત્સલની જીંદગી સાથે ઘણું બધુ છીનવી લીધુ હતુ.
***
“મહારાજ, નિયતિ કયાં કોને લઇ જાય છે તે કાંઇ ખબર પડતી નથી?” બેલાનંદે સાધુને પુછ્યુ. “હિતની વાત કરે છે?” “હા, મહારાજ” “તે બાળક ખુબ જ તેજસ્વી છે અને દુનિયા બદલી શકવાની તાકાત ધરાવે છે. તે એક દિવસ ઇતિહાસ સર્જિ દેશે.”
“પરંતુ, અત્યારે...” “મહાન આત્માને કસોટીમાંથી પાર થવુ જ પડે છે. ત્યારે તે ખરુ સોનુ બની શકે છે.” સાધુ ફકત આટલુ બોલીને તેની સમાધીમાં બેસી ગયા. બેલાનંદને હિત માટે ખુબ જ દુ:ખ થતુ હતુ. પરંતુ તે કાંઇ કરી શકે એમ ન હતો આથી તે પણ પોતાના કાર્યમાં વળગી ગયો.
***
સમય વિતતો ગયો. બધા સગા વહાલા દિલાસો આપી જતા રહ્યા. હિત અને વિદ્યા બંન્ને એકલા રહી ગયા. “મમા, આપણે હવે જુનાગઢ કયારે જવાનુ છે?” “કયારેય નહિ” “કેમ? તારી જોબ?” “બેટા, આપણુ હવે અહીંનુ ઘર અને પપ્પાના જોબના બધા કાગળ અને બધુ જુનાગઢથી હેન્ડલ નહિ થાય.” “મમ્મી.......”
“બેટા તારુ અહીં જુની સ્કુલમાં એડમિશન કરાવ્યુ છે. કાલથી તારે સ્કુલે જવાનુ છે.” હિતની વાત વચ્ચેથી કાપીને કહ્યુ. હિતની આખી જીંદગી બદલાઇ ગઇ હતી. પપ્પાના જવાને કારણે તેની મમ્મીનો સ્વભાવ પણ બદલાઇ ગયો હતો. હિતને કયાંય ગમતુ ન હતુ. તેને પોતાનુ જ ઘર પારકુ લાગતુ હતુ. તે જુનાગઢ જવાને બદલે ફ્રેશ થવા માંગતો હતો. હવે તે પણ રસ્તો બંધ થઇ ગયો હતો. તેને પપ્પા વિના ગમતુ ન હતુ. પરંતુ હવે તેના હાથમાં કાંઇ પણ ન હતુ.
હિત ફરીથી તેના જુના સ્કુલમાં ભણવા લાગ્યો. તેના જુના મિત્રો સાથે પરંતુ હવે તેને પહેલા જેવી મજા પડતી ન હતી. તેને તેના પિતા વિના જીવન ખુબ જ આકરુ બની ગયુ હતુ અને તેને એવુ લાગતુ હતુ કે જાણે આસપાસના બધા લોકોનુ વર્તન તેના પ્રત્યે બદલાઇ ગયુ હોય. સૌ કોઇ તેને દયાની નજરથી જોવા લાગ્યા હતા. અને સાધુના વિચારો પણ તેનો પીછો છોડતા ન હતા. તેને કયાંય ચેન પડતુ ન હતુ. એક દિવસ સાંજે હિત પોતાનુ હોમવર્ક કરી રહ્યો હતો. ત્યાં અચાનક બેલાનંદ આવ્યો, “હિત, મહારાજ તને બોલાવે છે?” “બેલાનંદ, તમે અહીં?” “હા બેટા” હિતને તેના જવાબ સાંભળી યાદ આવ્યુ કે બેલાનંદ યુગ પાર કરવાનુ જ્ઞાન ધરાવે છે તો આટલે તો તે સરળતાથી આવી શકે છે. “સોરી, બેલાનંદજી, હુ અહીં મારી માતાને છોડીને ન આવી શકુ.” “બેટા.....” વચ્ચેથી વાત કાપીને હિતે કહ્યુ “બેલાનંદજી, મારા પિતાજીનુ અવસાન થઇ ગયુ છે. મારી મમ્મી હવે આ દુનિયામાં એકલા પડી ગયા છે. મારે હવે તેનો સહારો બનવાનો છે માટે હવે મારે અભ્યાસ પુરતુ ધ્યાન આપવાનુ છે. એટલે મહેરબાની કરીને તમે મારી પાસે ન આવશો. મારુ ધ્યાન ડાયવર્ટ થાય છે અને હુ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.” “હિત, બેટા નિયતિ કોઇ બદલી શકતુ નથી અને અગાઉથી તેનો કોઇ અંદાજો લગાવી શકાતો નથી. ધારેલા રસ્તા પર ચાલી શકાતુ નથી અને જે રસ્તા પર મંઝિલ રહેલી છે. તેના પર ચાલવા માટે તૈયારી માટે સમય મળતો નથી. જીંદગીનુ ચક્કર હમેંશા અવળુ સવળુ ચાલે છે. શું સારુ અને શું ખરાબ કોઇ સમજી શકતુ નથી.” “બેલાનંદજી, આ બધી જ્ઞાનની વાતો હુ સમજી શકતો નથી. હુ અત્યારે ફકત મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગુ છુ.” આટલુ બોલીને તેને ફરીથી સામે જોયુ તો બેલાનંદ ત્યાં ન હતો. હિત પોતાના ઘરની હાલત સમજતો હતો. તે પોતાની જીજ્ઞાસાને રોકી શકતો ન હતો. પરાણે મનને રોકી રાખી રાખ્યો હતો. મનને કાબુમાં રાખવુ ખુબ જ અઘરુ છે. વિચારો તેનો પીછો છોડી ન રહ્યા હતા. સાધુ શા માટે તેને બોલાવી રહ્યા છે? તે કોણ છે? જાત જાતના પ્રશ્નોએ તેના મગજને ચકરાવે ચડાવી દીધુ.
“હેલો, પ્રશાંત” તેને જુનાગઢ પોતાના મિત્ર પ્રશાંતને ફોન જોડીને કહ્યુ. “હા, હિત બોલ ઘણાં દિવસે યાદ કર્યો. કેમ છે? શું ચાલે છે?” “મજામાં હો, તને કેમ છે?” “હુ પણ મજામાં તારા વિના અહીં જરાય ગમતુ નથી. હવે જંગલમાં રમવા જવુ ગમતુ નથી.” “મારે તારું એક કામ છે યાર.”
“હા, બોલને યાર.”
“બેલાનંદજી, અહીં આવ્યા હતા.” “બેલાનંદ ત્યાં” આશ્ચર્યચકિત થઇને પ્રશાંતે કહ્યુ. “હા, સાંભળ તો” “હા, બોલને હિત” પ્રશાંતે કહ્યુ. “તને તો મારા ઘરની પરિસ્થિતિની ખબર છે. મારા મમ્મી હવે ત્યાં આવવા માંગતા નથી અને હું મારા મમ્મીને મુકીને ત્યાં આવી ન શકું અને કદાચ આવવા માંગુ તો પણ તે મને આવવા ન દે. બેલાનંદે કહ્યુ કે સાધુ મને મળવા માંગે છે.” “તો?” વચ્ચેથી જ પ્રશાંતે પુછ્યુ “તો તમે લોકો ત્યાં એકવાર જઇ આવો. સાધુ વિશે......” હિતને વચ્ચેથી જ અટકાવીને પ્રશાંતે કહ્યુ. “હિત, જો આપણી ઉંમર અત્યારે અભ્યાસ અને રમવાની છે. તારી જીજ્ઞાશા ખાતર અમે ત્યાં તારી સાથે આવ્યા હતા. હવે અમે આ ચક્કરમાં પડવા માંગતા નથી અને મારી સલાહ છે તુ પણ હવે બધુ ભુલી જા. આવા લોકોમાં પડવામાં કાંઇ માલ નથી.” “પરંતુ પ્રશાંત” “હિત, આવી વાત પાછળ ન રહે. તુ એક હોશિંયાર વિદ્યાર્થી છે. ભણવામાં પુરતુ ધ્યાન આપ અને આગળ વધ. ચાલ બાય ફરી મળ્યા.” આટલી વાત કરીને પ્રશાંતે ફોન મુકી દીધો. પ્રશાંત સાથે વાત કરીને હિતને નિરાશા જ મળી. તેને હવે આગળ શું કરવુ કાંઇ ખબર પડતી ન હતી? જીંદગી તેને કયાંથી કયા લઇ આવી હતી.
***
બેલાનંદ શા માટે હિતને બોલાવવા આવ્યો હતો? તે સાચે આવ્યો હતો કે હિતને ભ્રમ થયો હતો? હિત હવે શું કરશે? શું બનશે તેની જીંદગીમાં આગળ? જાણવા માટે વાંચો આગલો ભાગ.