Jivan Santosh in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન સંતોષ

Featured Books
Categories
Share

જીવન સંતોષ

જીવન સંતોષ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૪

સંતોષ સાચું ધન

પંડિત શ્રીરામનાથ નગરની બહાર એક ઝૂંપડીમાં પોતાની પત્ની સાથે રહેતા હતા.
તે ખૂબ જ્ઞાની હતા. નગરના મોટાભાગના બાળકો તેમને ત્યાં અભાસ માટે આવ્તા હતા. એક દિવસ પંડિતજી જયારે પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે તેમની પત્નીએ આવીને પૂછયું,''આજે ભોજનમાં શું બનાવું? એક મુઠ્ઠી ચોખા જ છે. પંડિતજીએ એક પળ માટે પત્ની તરફ જોયું અને પછી પોતાના કામમાં લાગી ગયા.

સાંજે તેઓ ભોજન કરવા બેઠા ત્યારે થાળીમાં ચોખા સાથે પહેલી વખત બાફેલા પાનનું શાક જોયું અને થોડું ખાઈને પત્નીને પૂછયું,''આજે શાક સ્વાદિષ્ટ બન્યું છે? આ શાક શેનું છે?''

પત્નીએ જવાબ આપતાં કહ્યું,''મેં તમને જયારે ભોજન બાબતે પૂછયું ત્યારે તમારી નજર આમલીના ઝાડ તરફ ગઈ હતી. એટલે મેં તેના જ પાનનું શાક બનાવ્યું છે.''

પંડિતજીએ શાંતિપૂર્ણ સ્વરમાં આનંદ સાથે કહ્યું,''ખરેખર, આમલીના પાનનું શાક પણ આટલું સ્વાદિષ્ટ હોય છે એની આજે જ ખબર પડી. હવે તો આપણે ભોજનની કોઈ ચિંતા જ ના રહી.'' જ્યારે નગરના રાજાને જ્ઞાની પંડિતજીની આવી ગરીબીની ખબર પડી ત્યારે તે દોડતા તેમની ઝૂંપડીએ આવ્યા. અને પંડિતજીને કહ્યું કે તમે નગરમાં આવીને રહો. ત્યાં બધી જ વ્યવસ્થા કરી આપવામાં આવશે. તમે આ રીતે અભાવમાં જીવો એ યોગ્ય નથી. પણ પંડિતજીએ ના પાડી દીધી. ત્યારે રાજાએ તેમને પૂછયું કે તમને કોઈ જ વાતનો અભાવ નથી ?''

પંડિતજીએ જવાબમાં હસીને કહ્યું, ''એ તો મારી પત્ની જ જાણે.'' એટલે રાજાએ એ જ વાત પંડિતજીની પત્નીને પૂછી. પત્ની બોલ્યા, ''મહારાજ, અમારી ઝૂંપડીમાં કોઈ વાતનો અભાવ નથી. મારું પહેરવાનું વસ્ત્ર હજુ એટલું ફાટયું નથી કે તે ઉપયોગમાં લઈ ના શકાય. પાણીનું માટલું હજુ કયાંયથી જરા પણ તૂટયું નથી. બે ટંકનું ભોજન મળી રહે છે. અને મારા હાથમાં જયાં સુધી આ બંગડીઓ છે ત્યાં સુધી મને શેનો અભાવ હોય શકે? સાચું કહું ? મર્યાદિત સાધનોમાં જ સંતોષનો અનુભવ થતો હોય તો જીવન આનંદમય બની જાય છે.'' પંડિતજીની પત્નીની આ વાત સાંભળી રાજાનું મસ્તક તેમની સામે શ્રધ્ધાથી ઝૂકી ગયું. અને તેમણે પણ સંતોષને જ સાચું ધન માનવાનો સંકલ્પ કર્યો.

*
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,

સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે.

-બરકત વિરાણી 'બેફામ'

*
જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે. સંતોષ કુદરતી દોલત છે, જયારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.

***

જાહેરાતથી દાનનું મહત્ત્વ ના રહે

જમશેદજી મહેતા એક વેપારી સાથે સમાજસેવક પણ હતા. એક વખત એક મોટી હોસ્પિટલની સંચાલન સમિતિના સભ્યો તેમની પાસે દાન માટે આવ્યા. અને હોસ્પિટલમાં વધુ સેવાઓ ઉપલબ્ધ કરવા દાન માટે અપીલ કરી. અને કહ્યું કે સંસ્થાએ એવો નિર્ણય કર્યો છે કે જે વ્યક્તિ દાનમાં દસ હજાર રૂપિયા આપશે તેનું નામ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે શિલાલેખમાં લખવામાં આવશે.

તેમની વાત સાંભળીને જમશેદજી મંદ મંદ હસ્યા અને તેમને બેસવાનું કહી અંદર ગયા.

જમશેદજીએ બહાર આવીને એક સભ્યને રૂપિયા આપ્યા. તેમણે રૂપિયા ગણ્યા તો નવ હજાર નવસો પચાસ હતા. બે વખત ગણ્યા તો પણ એટલા જ થયા. એટલે તેમને થયું કે મહેતાજીને વાત સમજવામાં ભૂલ થઈ છે અથવા પચાસ રૂપિયા ઓછા આપ્યા હોવાનો ખ્યાલ નથી. એટલે એ સભ્યએ સંકોચ સાથે કહ્યું:''મહાશય, આપે નવ હજાર નવસો પચાસ રૂપિયા આપ્યા છે. બીજા પચાસ રૂપિયા આપો તો પૂરા દસ હજાર થઈ જાય. અને આપનું નામ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે શિલાલેખમાં લખી શકાય.'' સભ્યની વાત સાંભળી જમશેદજી વિનમ્રતાથી બોલ્યાઃ ''મારા માટે આટલું દાન જ ઉત્તમ છે. હું પૂરા દસ હજાર આપીને મારા દાનની જાહેરાત કરાવવા માગતો નથી. દાનની જાહેરાતથી તેનું મહત્ત્વ નષ્ટ થઈ જાય છે. મહત્વ હોસ્પિટલના કામનું રહેવું જોઈએ નહિ કે દાનના દાતાનું. જો આ રીતે દાનનો પ્રચાર કરવામાં આવશે તો નિર્ધન અને ગરીબ લોકોને દાન કરવાની પ્રેરણા કયાંથી અને કેવી રીતે મળશે? તેઓ ઓછું દાન આપવામાં સંકોચ અનુભવશે. સાચું કહું તો નિઃસ્વાર્થ સેવામાં જે આનંદ છે તે શિલાલેખ પર નામ લખાવવામાં નથી.'' હોસ્પિટલની સમિતિના બધા જ સભ્યો તેમની વાત સાંભળીને દંગ રહી ગયા. અને તેમની વાતને સન્માન આપ્યું.

*
દાન સાથે માનની અપેક્ષા કે નામના મેળવવાની આશાઓ એટલે દાન મહિમાનું મૂલ્ય ઓછું કરવાની વાત થઈ.

*
ના રહે માગવાપણું સ્હેજે,

ઓ હ્દય દાનવીર બદલી જો.

-હર્ષ બ્રહ્મભટ્ટ

***

બેદરકારીથી બરબાદી નહિ

મદન મોહન માલવીયને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના નિર્માણ માટે ધનની જરૂર હતી. એટલે તેઓ સમાજના સાધન સંપન્ન લોકોને મળીને દાન મેળવી રહ્યા હતા. તે સમાજના અગ્રણીઓને મફ્રીને આ સત્કાર્ય માટે સહયોગ આપવાની વિનંતિ કરતા હતા.

એક દિવસ માલવીયજીના મિત્ર તેમને દાન માટે એક મોટા વેપારી શેઠને ત્યાં લઈ ગયા. તેમને ઘરે આવેલા જોઈ વેપારીએ આવકાર આપ્યો અને બેસવા માટે કહ્યું. સાંજનો સમય હતો અને અંધારું ઉતરી આવ્યું હતું. બેઠક ખંડમાં વીજળી ન હતી. એટલે વેપારી શેઠે પોતાના નાના પુત્રને બૂમ પાડી અને ફાનસ સળગાવવા માટે કહ્યું.

પુત્ર ફાનસ અને માચિસ લઈને આવ્યો. તેણે ફાનસ સળગાવવા માટે માચિસની પહેલી સળી સળગાવી. પણ તેનો હાથ ફાનસની દીવેટ સુધી પહોંચે એ પહેલાં જ પૂરી થઈ ગઈ. બીજી દિવાસળી સળગાવી પણ કાળજી ના રાખી એટલે પવનથી હોલવાઈ ગઈ. એમ કરતાં પુત્રએ ત્રણ સળી બરબાદ કરી નાખી. આ જોઈ શેઠે નારાજ થઈ ગયા. પુત્ર બિનજરૂરી રીતે માચિસની સળી વાપરી રહ્યો હતો. અને કાળજી રાખતો ન હતો. એટલે પુત્રને કહ્યું:''ભાઈ, તું કેટલો બેદરકાર છે. ત્રણ સળી બગાડી નાખી. એક જ સળીથી કાળજીપૂર્વક સળગાવવાની જરૂર હતી. આ રીતે તો પૈસા પૂરા થઈ જશે...'' અચાનક એમને કંઈક કામ યાદ આવતાં તેમને બેસવાનું કહી પુત્ર પર બબડતા શેઠ અંદર ગયા. ત્યારે માલવીયજીએ તેમના મિત્રને ધીમેથી કાનમાં કહ્યું:''મને નથી લાગતું કે આ શેઠ પાસેથી કંઈ આશા રાખી શકાય. દિવાસળીની ત્રણ સળી ખરાબ થઈ એમાં તો ખિજવાઈ ગયા. બહુ કંજૂસ લાગે છે.'' મિત્રને પણ માલવીયજીની વાત સાચી લાગી. એટલે તેમની શંકા પર મૂક સંમતિ આપી. અને થયું કે તેમને દાન માટે કહેવાનો કોઇ અર્થ લાગતો નથી. એટલે થોડી વાર રાહ જોયા પછી શેઠ ન આવતા તેઓ ઉભા થઈ ચાલવા લાગ્યા. ત્યાં જ શેઠ આવી પહોંચ્યા. અને બોલ્યાઃ''અરે, માફ કરશો. હું એક અગત્યના કામમાં રોકાઇ ગયો. તમારે રાહ જોવી પડી.. પણ તમે કયાં ચાલ્યા? બેસોને. શું કામ હતું એ તો બતાવો.'' માલવીયજીના મિત્રએ આવવાનું પ્રયોજન બતાવ્યું. એ જાણીને શેઠે તરત જ પોતાના કબાટમાંથી પચીસ હજાર રૂપિયા કાઢીને તેમને આપી દીધા. બંને જણ ચકિત રહી ગયા. તેમને તો કોઇ આશા જ ન હતી.

માલવીયજીએ તો કહી પણ દીધું:'શેઠજી, આભાર. અમે આટલી અપેક્ષા રાખી ન હતી. માફ કરશો. પણ હમણાં તો તમે તમારા પુત્રને માચિસની ત્રણ દિવાસળી બગડી એ માટે ઠપકો આપતા હતા. એની તો કંઈ જ કિંમત નથી. અને તમે અમને પચીસ હજાર રૂપિયા તરત જ કાઢીને આપી દીધા.'' શેઠ બોલ્યાઃ''જુઓ, મારું માનવું છે કે બેદરકારીથી નાનામાં નાની વસ્તુ પણ બરબાદ કરવી જોઈએ નહિ. પણ કોઈ શુભ કાર્યમાં હજારો રૂપિયા ખુશીથી આપવા જોઈએ. બંને બાબત એની જગ્યાએ યોગ્ય જ છે.''*
સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે,

ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે?

- મરીઝ

*
જો તમે સમય બરબાદ કરી રહ્યા છો તો જિંદગીને બરબાદ કરી રહ્યા છો.


*****