નગર-૪૬
“ આ બધા નિર્દોષ માનવીઓ છે. તેમણે કોઇ ગુનાહ કર્યો નથી....” અપાર હિંમત એકઠી કરી દેવધર તપસ્વી બોલ્યાં.
“ અમારી સાથે જહાંજમાં બાળકો અને સ્ત્રીઓ હતા, અને તેઓ પણ નિર્દોષ હતાં. તેમનો શું વાંક હતો...? ” વિલીમર ડેન બોલ્યો. દેવધર પાસે કોઇ જવાબ નહોતો.
“ હું અમારા પૂર્વજોએ કરેલા ગુનાહની માફી માંગુ છું.” તેઓએ ખિન્નતા ભર્યા અવાજમાં કહયું.
“ હવે તેનો કોઇ મતલબ રહેતો નથી. મા-બાપે કરેલા ગુનાહોનો બોજ તેમનાં સંતાનો ઉઠાવશે. આ “નગર” તમે લોકોએ જે જમીન ઉપર વસાવ્યુ છે એ જમીનનો સોદો અમારી સાથે થયો હતો. આ જમીન અમારી છે. જે દગાથી છીનવી લેવાઇ હતી. ચૂકવવવો પડશે..... હિસાબ તો ચૂકવવવો જ પડશે....! ” વિલીમરનાં ગળામાંથી ક્રોધ ભર્યો કર્કશ અવાજ નીકળ્યો. દેવધર તપસ્વી પાસે હવે કોઇ દલીલ નહોતી. અપાર ગ્લાનીથી તેમની નજરો ઝુકી ગઇ.
“ તો આટલા વર્ષ રાહ શું કામ જોઇ....? ”
“ કારણકે અમે ખૂનીઓ નથી. જહાંજનાં નિર્દોષ લોકોને મારીને જે અધમ કૃત્ય તમારા બૂઝુર્ગોએ આચર્યુ હતું એવું કૃત્ય હું દોહરાવવા માંગતો નહોતો. પણ.....તમારે એ લોકોને સન્માનવાની જરૂર નહોતી. આ મૂર્તીઓ લાવીને તમે મારી અંદર વર્ષોથી ધધકતી પ્રતિશોધની જ્વાળાઓને ચિન્ગારી ચાંપી છે. તેઓ ખૂનીઓ હતાં અને ખૂનીઓનું બહુમાન ન હોય. એનો બદલો તમારે ચૂકવવો પડશે....! ” વિલીમર બોલ્યો. દેવધર પાસે કોઇ જવાબ નહોતો. થોડી ક્ષણો તેમની વચ્ચે કાતીલ ખામોશી છવાઇ, એકદમ સન્નટો ભરેલી ખામોશી. લાઇબ્રેરીમાં જાણે બધુ થંભી ગયું હોય એવી ખામોશી. બધા પોત-પોતાની જગ્યાએ ચોંટી ગયા હોય એવી ખામોશી. પરંતુ.....બીજી જ ક્ષણે એ ખામોશીમાં શંકર મહારાજનાં કારણે ખળભળાટ મચ્યો. તેઓ કયારનાં દેવધર તપસ્વીની પાછળ ઉભા હતાં. તેમનાં હાથ-પગ વિલીમરનાં પ્રેતને પોતાની નજરો સમક્ષ જોતાંજ ઠંડા પડી ગયા હતાં, પરંતુ આખરે તેમની હિંમતે જવાબ દઇ દીધો. તેઓ દરવાજાની વિરુધ્ધ દિશામાં, ખંડની પાછલી દિવાલ તરફ દોડયા. પણ....તેમની દોડ ટુંકી પડી. જેવા તેમણે દેવધરની પાછળથી નીકળીને દોડવાનું શરૂ કર્યુ એ સાથે જ વિલીમર ડેનનું પ્રેત પણ હરકતમાં આવ્યું. ભયાનક ક્રોધથી ધુંવાફુંવા થતો તે શંકર મહારાજ પાછળ રીતસરનો લપકયો. એ દોડ શંકર મહારાજની આખરી દોડ બનવાની હતી.
શંકર મહારાજ એકાએક અટકયાં, તેમણે ફરજીયાત અટકવું પડયું, કારણ કે એ તરફ લાઇબ્રેરીની પાછલી, છેલ્લી દિવાલ આવતી હતી. ત્યાંથી આગળ વધવું શક્ય નહોતું. શંકર મહારાજનાં મોતીયા મરી ગયા. કયાં જવું, અને શું કરવું તેની સુધબુધ ઘડીક તેઓ ખોઇ બેઠા. હમણાં સુધી પોતાની જાતને તેમણે હિંમત આપીને ટકાવી રાખી હતી, પરંતુ મોતને સામુ ભાળીને તેમની હિંમતે જવાબ આપી દીધો હતો. તેઓ ગભરાઇ ગયા હતાં અને ગભરામણમાં ભુલ કરી બેઠા. વિલીમર ડેન છડી પછાડતો બરાબર તેની પાછળ આવ્યો હતો. તેની આંખોમાં અંગારા સળગતા હતાં. શંકર મહારાજ પાછળ ફર્યા. તેમની અને વિલીમર ડેનની નજરો આપસમાં મળી. બે-ક્ષણ.... માત્ર બે-ક્ષણ પુરતો સમય ત્યાંજ થંભી ગયો. મહારાજનાં શ્વાસોશ્વાસ અટકી ગયા અને ફાટેલી આંખોએ તેઓ પોતાની સામે ઉભેલા વિકરાળ પ્રેતને જોઇ રહ્યા. અને પછી..... એકાએક એક ધડાકો થયો. દિવાલ સરસે જે ટેબલો મુકાયા હતાં તેની ઉપર કાચનાં ખોખા હતાં. એ ખોખાની અંદર નગરની તરેહ-તરેહની ચીજોની રેપ્લિકાઓ શો-પીસની જેમ મુકાયેલી હતી. કાચનાં એ ખોખા તરફ વિલીમર ડેને પોતાનાં હાથમાં પકડેલી ભારેખમ છડી લંબાવી અને, કાચનાં એ ખોખા એક પછી એક ધડાકાભેર તૂટવા શરૂ થયા. કોઇ ભયાનક બોમ્બ વિસ્ફોટની ઝપેટમાં આવતી વસ્તુઓની જેમજ કાચની પરતો તૂટીને હવામાં ઉછળી. એક સાથે ચાર-ચાર ખોખાઓ તૂટયા.... બે જમણી બાજુ અને બે ડાબી બાજુનાં. એ ખોખાની બરોબર વચ્ચે મહારાજ ઉભા હતાં. ધડાકાભેર તૂટેલા કાચની સંખ્યાબંધ કરચો હવામાં ફેંકાઇ અને અધ્ધર ઉછળી...અને થોડીવાર હવામાં જ તોળાઇ રહી. જાણે કાચનાં ટૂકડાઓનું બવંડર ઉદભવ્યુ હોય. શંકર મહારાજે એ જોયું.... તેમની આંખોમાં ભય તરી આવ્યો. ઘડીક તેમણે કાચનાં ટૂકડાઓ તરફ જોયું અને પછી એ બવંડરની પેલેપાર ઉભેલા વિલીમરની આંખોમાં તાકયું. એ આંખોમાં પ્રતિશોધની જ્વાળાઓ ધધકતી હતી. શંકર મહારાજથી એ તાપ જીરવાયો નહી. તેમની આંખો બંધ થઇ. એ સાથે જ....હવામાં ઉંચકાયેલી કાચની નાની-નાની કરચોમાં જાણે જીવ આવ્યો હોય એમ હવામાંજ એ ટૂકડાઓ ગોળ-ગોળ ફરવા લાગ્યાં. મેળામાં ગોળ ફરતો કોઇ ચકડોળ પોતાની ધરી ઉપર ગોળ-ગોળ ઘુમે, બરાબર એવી જ રીતે શંકર મહારાજની ફરતે તૂટેલા કાચનાં ટૂકડાઓ ગોળ ચક્કરની જેમ ઉડવા લાગ્યા. લાઇબ્રેરીમાં ઉભેલા તમામ લોકો હૈરતથી એ દ્રશ્ય જોઇ રહયાં. તે એક કલ્પનાતીત દ્રશ્ય હતું. શંકર મહારાજની ગોળ ફરતે ઉડતા કાચનાં તિક્ષ્ણ ટૂકડા અને તેની વચ્ચે ઘેરાયેલા મહારાજ..! અને.. જોતજોતામાં તેમાંથી એક તીરછો અણીદાર કાચ મહારાજની દિશામાં વછૂટયો, જે સીધોજ શંકર મહારાજની છાતીનાં ભાગે, જે તરફ હ્રદય હોય એ તરફ, છાતીની ડાબી બાજુમાં જઇને “ખચાક” કરતો ખૂંપી ગયો. મહારાજનાં ગળામાંથી દર્દભરી આહ નિકળી. પાતળા કાચની ગજવેલ ચાકુ જેવી ધારદાર, લગભગ ત્રણ ઇંચ જેટલી લાંબી અણી તેમની છાતીને ચીરતી હ્રદય સુધી ખૂંપી ગઇ. એક ધક્કો લાગ્યો શંકર મહારાજને.....અને તેમનાં પગ લથડયા. પહેલાતો જાણે કંઇ સમજ ન પડી તેમને, પણ એક ક્ષણ પછી ભયાનક વેદના ઉપડી. જાણે ભઠ્ઠીમાં તપીને લાલઘુમ થયેલો અણીદાર સળીયો કોઇકે તેમની છાતીમાં અસીમ તાકતથી ઘોંપી દીધો હોય એવી વેદના ઉમટી. મહારાજની આંખોમાં એકાએક વેદના ભર્યા આંસુ ઉભરાઇ આવ્યા અને તેમનો હાથ આપોઆપ પોતાની છાતી તરફ વળ્યો. કાચ ખૂતેલા હિસ્સા નીચે લોહી રગડવું શરુ થયું હતુ. મહારાજનો હાથ એ લોહીથી ખરડાયો. તેમનાં ચહેરા ઉપર લોહી જોઇને આઘાતનાં ભાવો તરી આવ્યા. જોકે હજુ તેમણે ઘણી વધુ વેદના સહન કરવાની હતી. સેકન્ડોમાં હવામાં તરતાં કાચનાં ટૂકડાઓ એક પછી એક, બંદૂકમાંથી વછૂટતી ધાણીફૂટ ગોળીઓની માફક શંકર મહારાજનાં શરીરમાં ખૂપવા લાગી. તેમનાં મોંઢામાંથી વેદનાની “આહ” નીકળે એ પહેલા, ઢગલાબંધ અણીદાર કાચ તેમનાં શરીરમાં સમાઇ ગયા.
સૌથી પહેલા મહારાજનાં પગ ગોઠણેથી વળ્યા. અચાનક જાણે તેમનાં પગમાંથી જીવ ચાલ્યો ગયો હોય એમ તેમનાં ગોઠણ વળીને લાઇબ્રેરીની ફર્શ ઉપર ટેકાણાં. તેમનાં હાથ લબડી પડયાં. હજું તેઓ કંઇ સમજે કે તેમની સાથે શું થઇ રહ્યુ છે, એ પહેલાં તો તેમનાં હ્રદયે ધડકવાનું બંધ કરી દીધું. ખબર પણ ન પડે એવી રીતે મોત તેમને આંબી ગયું. શરીરમાં ખૂંપેલા સંખ્યાબંધ કાચનું દર્દ તેઓ મહેસૂસ કરે, ન કરે એ પહેલા તો તેઓ મરી ચૂકયા હતાં. “ધડામ” કરતું તેમનું ભારેખમ શરીર ફર્શ ઉપર પથરાયું. આશ્ચર્યથી ફાટી પડેલી આંખોએ જ તેઓ મોતને ભેટયા. તે ખરેખર ખૌફનાક દ્રશ્ય હતું. શંકર મહારાજનાં આવા દર્દનાક, ભયાનક મોતને જોઇને લાઇબ્રેરીમાં હાહાકાર મચી ગયો. બધાએ ખુલ્લા મોંએ....ફાટી આંખોએ એ હૈયુ હચમચાવી નાંખે એવુ દ્રશ્ય નિહાળ્યું. શંકર મહારાજનાં મોત ઉપર વિલીમર ડેને અટ્ટહાસ્ય કર્યુ અને એ અટ્ટહાસ્યનો પડઘો સમગ્ર લાઇબ્રેરીમાં ગુંજી ઉઠયો. બિહામણું વાતાવરણ એ ભયાનક હાસ્યથી ઓર બિહામણુ બન્યું. સૌથી વધુ આંચલ ચીખતી હતી. તેનાં ગળામાંથી ચીખોનો અવિરત પ્રવાહ નીકળવો શરૂ થયો હતો. તે એટલી તો ડરી ગઇ હતી કે તેણે મોન્ટુને કચકચાવીને પોતાની છાતી સરસો ભીંસી લીધો હતો જેનાં કારણે ઘડીક તો મોન્ટુ પણ ગુંગળાઇ ગયો. વિલીમરે બેતહાશા ચીખતી આંચલ તરફ જોયું અને તે એ તરફ, રિસેપ્શન કાઉન્ટર તરફ ચાલ્યો, અને તેની એકદમ નજીક જઇને ઉભો રહયો. તેની આંખોમાં અંગારા સળગતા હતા. આંચલ ઉપર પ્રહાર કરવા તેણે પોતાના હાથમાં પકડેલી છડી ઉંચી કરી જ હતી કે... અચાનક તેની નજર નાનકડા મોન્ટુ ઉપર સ્થિર થઇ. અત્યાર સુધી જેને મારવા માટે વિલીમરે અથાગ પ્રયત્નો કર્યા હતાં એ મોન્ટુને એક નાનકડા વાનરબાળની જેમ આંચલની છાતી સરસો ભિંસાયેલો જોઇને તેનાં મનમાં અચાનક કોણ જાણે કેમ, એકાએક અનુકંપા ઉદભવી. હવામાં અધ્ધર ઉંચકાયેલી તેની છડી નીચી થઇ અને ચીખતી-ચિલ્લાતી આંચલને ત્યાંજ રહેવા દઇ તે આગળ વધી ગયો.
વિલીમર ડેનનું પ્રેત જ્યારે આંચલ સમક્ષ ઉભુ હતું અને તેનું સમગ્ર ધ્યાન આંચલ ઉપર જ હતું ત્યારે એ તકનો લાભ લઇને ત્યાંથી છટકી જવાનો આઇડીયા નવનીતભાઇના મનમાં ઉદભવ્યો હતો. તેઓ એક મોટા કાઉન્ટર પાછળ છુપાયા હતાં. તેમની સાથે રોશન પટેલ અને પેલો બુઢ્ઢો લાઇબ્રેરીયન પિટર ડિકોસ્ટા પણ હતો. તેમને ત્યાંજ રહેવા દઇ નવનીતભાઇ હળવે પગે ઉભા થયા અને ત્રાંસી નજરે વિલીમર તરફ જોતા સાવધાનીથી લાઇબ્રેરીનાં બંધ દરવાજા તરફ બિલ્લી પગે આગળ વધ્યાં. તેમને જતાં જોઇ પિટર ડિકોસ્ટામાં પણ હિંમત આવી અને તે પણ નવનીતભાઇ પાછળ ચાલ્યો. રોશન પટેલ ત્યાંજ ધરબાઇને બેસી રહયો, કારણકે તેને અહી ઉદ્દભવેલી પરિસ્થિતીની ભયાનકતાનો ખ્યાલ હતો. તે એવું કોઇ પગલું ભરવા માંગતો નહોતો જેનાથી વિલીમર ગુસ્સે ભરાય અને એ ગુસ્સો તેનાં પર ઉતારે. એટલે જ્યારે નવનીતભાઇ અને પિટર ડિકોસ્ટા ત્યાંથી ઉભા થઇને વાંકા વળીને ચાલતા દરવાજા તરફ આગળ વધ્યા ત્યારે તેણે ત્યાંજ, ટેબલ પાછળ ચૂપચાપ બેસી રહેવાનું મુનાસીબ માન્યું.
વાંકાં વળીને ઝડપથી દોડતા નવનીતભાઇ દરવાજાની નજીક પહોંચ્યાં. બરાબર એ સમયે જ, વિલીમર આંચલ પાસેથી હટયો હતો અને તે પાછળ ફર્યો. તેની નજર ચોરીછુપીથી દરવાજે પહોંચેલા વ્યક્તિઓ ઉપર પડી અને તેનું ખુન્નસ બેવડાયું. ક્રોધથી ધૂંઆફૂંવા થતા તેણે નવનીતભાઇની પાછળ ચાલતા પિટર ડિકોસ્ટા તરફ હાથ ઉંચો કર્યો. હાથમાંની કોઇ વસ્તુનો જાણે છુટો ઘા કરતો હોય એમ તેણે હાથ હવામાં ઉછાળ્યો. તેની એ ચેષ્ઠાથી જાદુથી કોઇ વ્યક્તિ હવામાં ઉંચકાય એમ પિટર ડિકોસ્ટા જમીનથી અધ્ધર ઉંચકાયો, અને જોતજોતામાં તેનું શરીર લાઇબ્રેરીની બારીમાંથી બારીનો કાચ તોડીને બહાર, બિલ્ડિંગની પરીસરમાં, નીચે ફંગોળાયું. પહેલા માળની બારીમાંથી ડિકોસ્ટા સીધો નીચે, ટાઉનહોલનાં પથ્થર મઢેલા ફર્શ ઉપર પડયો. તેનું માથુ ત્યાં બનેલી પાળીનાં પથ્થરની કોરે જોરથી અથડાયું. અને...ક્ષણનાં ચોથા ભાગમાં ત્યાં ને ત્યાંજ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું. પિટર ડિકોસ્ટા બહુ બુરી મોતે મર્યો. નગરનાં ભૂતકાળની સચ્ચાઇ જાણતો હોવા છતાં કયારેય એ વિશે કંઇ ન બોલવાની સજા તેણે અને તેનાં પુત્ર માર્ગીએ પોતાનાં મોતથી ચુકવી હતી.
આ તરફ, નવનીભાઇ દરવાજે પહોંચી ચુકયા હતાં. દરવાજે પહોંચતાં જ ભીડાયેલો દરવાજો તેમણે જોર કરીને ખોલવાની કોશિષ કરી, પણ અંદરથી આગળીયો મારેલો ન હોવા છતાં દરવાજો સહેજે ટસ નો મસ ન થયો. ઘણી કોશિષ કરવા છતાં જ્યારે દરવાજો ખુલ્યો નહી ત્યારે નિઃસહાય બની તેઓ પાછળ ફર્યા. વિલીમર ડેનનું પ્રેત તેમનાંથી બે કદમ દુર જ ઉભુ હતું. નવનીતભાઇએ તેની આંખોમાં તાકયું. એ આંખોમાં તેમને મોત તરતું દેખાયું. વિલીમરની છાતી ધમણની જેમ ફુલતી અને સંકોચાતી હતી. તેના ફેફસામાંથી નીકળતા ગરમ લ્હાય જેવા શ્વાસોશ્વાસ નવનીત ચૌહાણનાં ચહેરાને દઝાડતા હતા. વિલીમરે તેનું મોં ખોલ્યુ અને તેમાથી ધુમ્મસનો એક મોટો ભભકો બહાર ફેંકયો. નવનીતભાઇ એ ભભકાનાં ફોર્સથી પાછળ ધકેલાયા અને લાઇબ્રેરીનાં બારણા સાથે ટકરાયા. ધુમ્મસનાં એ પ્રવાહમાં એટલી તો શક્તિ હતી કે તેમનાં પગ ફર્શ ઉપરથી આપમેળે ઉખડયા હતા અને રીતસરનાં હવામાં ઉડીને તરતાં તેમનું શરીર ભયાનક ધક્કાથી બારણા સાથે અથડાયું હતું. એ પછડાહટથી નવનીતભાઇનાં હાડકામાં કડકડાટી બોલી ગઇ. શરીરની અંદર કદાચ એકાદ હાડકું તૂટી પણ ગયું હશે. બારણા સાથે ધડાકાભેર ભટકાઇને નીચે ફર્શ ઉપર તેઓ ખલાયા. હજુ તેઓ કંઇ સમજે એ પહેલાં વિલીમર ડેને ફરી તેમને હવામાં ઉંચકયા અને જે બારીમાંથી પિટર ડિકોસ્ટાને નીચે ફંગોળ્યો હતો એ બારીમાંથી નવનીતભાઇને નીચે ફેંકી દીધા. એ દ્રશ્ય ભયાવહતાની પરાકાષ્ઠા સમાન હતું. અહી હાજર હતા એ બધા લોકોએ એ નિહાળ્યુ અને તેમનાં મોતીયા મરી ગયા કે હવે તેમનો વારો આવવાનો હતો. નવનીતભાઇ નીચે ખાબકયા એની બીજી જ સેકન્ડે લાઇબ્રેરીનો દરવાજો આપ-મેળે ખુલી ગયો. વિલીમર ડેન ઇશાન તરફ સરાસરી એક નજર ફેંકતો લાઇબ્રેરીની બહાર નીકળી ગયો.
એ નજરમાં એવું કંઇક તત્વ હતું જે ઇશાનને ધ્રુજાવી ગયું. શું હતું એ નજરમાં....? ઇશાન વિચારે ચડયો. તેણે લાઇબ્રેરીમાં નજર ઘુમાવી. તેનાં દાદા સહી-સલામત એક બાજુ ઉભા હતાં. વિલીમરે તેમને કોઇ હાની પહોંચાડી નહી એ હૈરતઅંગેજ બાબત હતી. બીજી બાજુ આંચલ, મોન્ટુ અને રોશન પટેલને પણ કંઇ થયું નહોતું. તો....? અને એ તો....? નો જે જવાબ ઇશાનનાં જહેનમાં ઉદ્દભવ્યો એ જવાબે ઇશાનને ખળભળાવી મુકયો. “ એલીઝાબેથ “ તેનાથી બુમ પડાઇ ગઇ. એકાએક જ તેને એલીઝાબેથ યાદ આવી. એલીઝાબેથ લાઇબ્રેરીમાં નહોતી. ઇનફેક્ટ, તે નીચેનાં હોલમાંથી ઉપર આવી જ નહોતી. દાદાની ફિકરમાં ઇશાન એટલો તો બે-ધ્યાન બન્યો હતો કે એક ક્ષણ માટે પણ એલીઝાબેથનો વિચાર તેને આવ્યો નહોતો. “ ઓહ ગોડ...! ઓહ ગોડ....! ” ધક-ધક ધડકતાં તેનાં હ્રદયમાંથી શબ્દો નીકળ્યા અને ખુલ્લા બારણામાંથી તે બહાર તરફ દોડયો. “ મારે એલીઝાબેથનું ધ્યાન રાખવું જોઇતું હતું...! તેનું ધ્યન રાખવુ જોઇતુ હતું... ” એવું સતત બબડતો તે દાદરો ઉતરીને દોડતો નીચેનાં હોલમાં આવ્યો. જે થોડા માણસો નગર ઉપર વાવાઝોડું ત્રાટકયું ત્યારે હોલમાં ઘુસ્યા હતાં એ લોકો હજુપણ એક ખૂણામાં ઉભા હતાં. ઇશાને એ તરફ જોયું, અને પછી બધે નજર ઘુમાવી. એલીઝાબેથ હોલમાં નહોતી. તે ફફડી ઉઠયો. કયાંક વિલીમરે તેને પણ...? આગળ વિચારી ન શક્યો તે.. “ નહી....નહી....! ” તેનું હદય ચિત્કારી ઉઠયું. જે નજરે વિલીમરે તેની સામું જોયું હતું એ નજરનો મતલબ હવે તેને સમજાયો હતો. એલીઝાબેથનો જીવ ખતરામાં હતો. પણ તે છે કયાં....? ઇશાન તેને શોધવા ચારેકોર ફરી વળ્યો. હોલની અંદર તે કયાંય દેખાઇ નહી એટલે ઇશાન હોલમાંથી બહાર તરફ દોડયો..
***
એલીઝાબેથ એકલી ચાલતી જતી હતી. નગરનાં સુમસાન રસ્તા ઉપર પથરાયેલા ધુમ્મસનાં વાદળોનાં ઘેરામાં તે અજીબ ભાસતી હતી. તેની રાહ નગરની બહાર તરફ જતાં રસ્તા ઉપર, સમુદ્રની દિશા હતી. સાવ એકલી-અટૂલી તે કોઇ ગહેરી તંદ્રામાં ચાલતી હોય એવું પ્રતિત થતું હતું. તેને ખુદને જ પોતાનું ભાન ન હોય એવું લાગતું હતું. તે કયાં જઇ રહી હતી, અને કોણ તેને દોરી રહયું હતું.....? અનંત સવાલોનાં વમળમાં અટવાઇ ધીરે-ધીરે તે ગહેરા ધુમ્મસમાં ઓગળી ગઇ.
***
નવનીતભાઇ ચૌહાણ પીઠનાં બળે ઉપરથી નીચે ખાબકયા. ગનીમત એ રહયું હતું કે તેઓ પિટર ડિકોસ્ટાની જેમ પથ્થરોની ફર્શ ઉપર પડવાને બદલે ત્યાં ઉગેલા ઝાડનાં ગોળ ખામણામાં પડયા હતાં. તેમના શરીરનો ઉપલો હિસ્સો ખામણાની માટીમાં “ ધફ ” કરતો પડયો, જ્યારે કમર અને તેની નીચેનો ભાગ એ ખામણાની પાળી ઉપર ખલાઇ રહયો. તેમને ધારવા કરતા ઘણી ઓછી ઇજાઓ થઇ હતી. છતાં, કમરનાં નીચેના ભાગે પછડાટ વાગવાથી એ ત્યાં સણકા ઉદ્દભવવા શરૂ થયાં. મહા-મહેનતે પ્રયત્ન કરતાં તેઓ ઉભા થયા. ખોંગડાતી ચાલે હજુ તેમણે બે-ડગલાં જ ભર્યા હશે કે ચોંકીને તેઓ ઉભા રહી ગયાં. વિલીમર ડેન સામે આવીને ઉભો હતો. તે અવિશ્વસનિય હતુ. આટલી જલ્દી તે આવ્યો ક્યાંથી..? લાઇબ્રેરીમાંથી ઉડીને આવ્યો..? નવનીતભાઇ બેહદ આશ્ચર્યભરી નજરે વિલીમરને તાકી રહ્યા. અને, તેઓ હજુ કંઇ સમજે એ પહેલાં હવામાં ફંગોળાયાં... તેમનાં પગ જમીનથી અધ્ધર થયા અને હવામાં ઉડતા કોઇ તણખલાની જેમ તેઓ પરીસરમાં દુર ફંગોળાયા. પછી તો જાણે એક સીલસીલો ચાલુ થયો. વિલીમર ડેન લાંબી-લાંબી ફલાંગો ભરતો તેમની નજીક પહોંચ્યો અને એ સાથે ફરીથી નવનીતભાઇ હવામાં ઉંચકાયા અને દુર ફંગોળાયાં. વીલીમર ફરીથી તેમની પાસે પહોંચ્યો અને ફરીથી તેઓ હવામાં ફંગોળાયાં.. વારંવાર એવું થયું. નવનીતભાઇ જાણે હવામાં રીતસરનાં ઉડી જ રહયા હતાં. પડતાં, આખડતા, ઉડતા તેઓ નગરનાં મુખ્ય રસ્તા ઉપર, કોમ્યૂનીટી હોલનાં ચાર રસ્તાનાં ક્રોસિંગે આવી પહોંચ્યાં. ત્યાં... આખરે વિલીમર ડેન અટકયો હતો અને ડામરનાં રસ્તા ઉપર અધમૂવી હાલતમાં ખાંસતા પડેલા નવનીતભાઇની બિલકુલ લગોલગ આવીને ઉભો રહયો. નવનીતભાઇની હાલત ખરેખર નાજુક બની ગઇ હતી. તેમની કમર ભાંગી ગઇ હતી. પગમાંથી જોમ ચાલ્યું ગયું હતું. હાથ ધ્રુજતા હતાં. તેમને ઉધરસ ઉપડી હતી અને ખાંસતી વખતે મોંઢામાંથી લોહી ઉડતું હતું.
“ મને....મને....નહિ મારતા, પ્લીઝ...! ” હિંમત એકઠી કરતા તેઓ બોલ્યા અને માથુ ઉંચકીને વીલીમર ડેનને આજીજી કરી.
“ હવે તેનો કોઇ મતલબ રહેતો નથી. ” એક ઘોઘરો અવાજ તેના કાને પડયો. તે વિલીમર બોલ્યો હતો. ત્યારેજ બીજી એક ઘટના ઘટી. વિલીમરની આસપાસ તેનાં જહાંજની અંદર કમોતે મરેલા લોકોનો જમાવડો લાગવો શરૂ થયો. ઘણાબધા માણસો એકાએક ત્યાં પ્રગટવા શરૂ થયા અને ઘડીકવારમાં તો રોડ ઉપર અધમૂવા થઇને પડેલા નવનીતભાઇની આસપાસ, ગોળ ફરતે એ આત્માઓ આવીને ઉભી રહી ગઇ હતી. તેમણે નવનીતભાઇને રીતસરનાં ઘેરી લીધા હતાં.
“ આ સોદા ખત છે. જે સોદો તારા દાદા અને અમારી વચ્ચે થયો હતો. ” એકાએક વીલીમર બોલ્યો અને તેણે પહેરેલા લાંબા ઓવરકોટનાં અંદરનાં ખિસ્સામાંથી એક કાગળ કાઢી નવનીતભાઇ તરફ લંબાવ્યો. ધ્રુજતા હાથે રોડને ટેકો દઇ નવનીતભાઇ અધુકડા ઉભા થયા. તેમણે હાથ લંબાવીને વિલીમરનાં હાથમાંથી કાગળ લીધો. વાતાવરણમાં અંધકાર એટલો ઘેરાયેલો હતો કે તેમને કાગળમાં લખેલા અક્ષરો દેખાયા નહી. તેમણે આંખો ઝીણી કરીને કાગળને ચહેરાની એકદમ નજીક લઇ તેમાં લખેલુ લખાણ વાંચવાની કોશીશ કરી. હજુ તેઓ કંઇ વાંચે, એ પહેલાં તો કાગળમાં એક ભભકો થયો અને...એ કાગળ ઉપર એકાએક આગ ફાટી નિકળી. જેવો એ સોદાખત નવનીતભાઇનાં ચહેરાની સાવ નજદીક આવ્યો કે તે કાગળ આપોઆપ ભડ-ભડ કરતો સળગવા લાગ્યો હતો અને નવનીભાઇનો ચહેરો તેમાંથી ઉઠતી અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયો, હાડ ધ્રુજાવી નાંખે એવું એ દ્રશ્ય હતું. નવનીતભાઇની ફરતે ગોળ કુંડાળુ કરીને ઉભેલા પ્રેતાત્માઓનાં હજૂમની વચ્ચે નવનીતભાઇ ભડ-ભડ કરતા સળગી રહયા હતાં. પહેલાં તેમનો ચહેરો સળગ્યો, પછી સળગતો કાગળ પકડેલા બંને હાથ....અને જોત-જોતામાં તેમનું સમગ્ર શરીર એ અગનજ્વાળાઓમાં લપેટાઇ ગયું. શરીરની ચામડી બળવાથી નવનીતભાઇ બેતહાશા ચીખો પાડવા લાગ્યાં. કોઇ માણસ જીવતેજીવ સળગે તેનાં જેવું રૂઆંટા ખડું કરનારુ કોઇ દ્રશ્ય હોતું નથી. એ સળગતા માનવીને જે પીડા થાય એ પીડા શબ્દોમાં વર્ણવવી અશક્ય હોય છે. નવનીતભાઇને પણ એવી જ પીડા થઇ રહી હતી અને તેઓ આમ-તેમ ભાગતા પોતાની જાતને બચાવવાની કોશિષ કરી રહયા હતાં. તેમને છટપટાતા જોઇને વિલીમર ડેનની આંખોમાં એક અજીબ ચમક ઉભરી. તેની નજરો સમક્ષ વર્ષો પહેલા આવી જ રીતે જીવતા સળગતા પોતાનાં જહાંજનાં માણસો દેખાયાં. નવનીતભાઇને સળગતાં જોઇ જાણે એ બધા લોકો વતી પોતે બદલો લઇ લીધો હોય એવી એક લાગણી....એવી ખુશી...એવી સંતપ્તી તેનાં જીગરમાં ઉદ્દભવી. દોઢસો-દોઢસો વર્ષોથી હદયનાં કોઇ ખૂણે અહર્નિશ ધધકતી પ્રતિશોધની જ્વાળાઓ થોડીક શાંત પડી હતી અને સ્થિર નજરોએ સંપૂર્ણ રીતે સળગીને રાખમાં તબદીલ થતા નવનીતભાઇનાં દેહને તે જોઇ રહયો. ઘણું બિભત્સ અને દર્દનાક મોત નવનીતભાઇને મળ્યું હતું. તેમનો સળગતો દેહ ધીમે-ધીમે સંકોચાઇને રોડ ઉપર પથરાયેલો હતો. તેમનું પ્રાણ-પંખેરુ તો કયારનું ઉડી ચૂકયું હતું.
***
ઇશાન દોડતો લાઇબ્રેરીની બહાર આવ્યો. તેનું હદય ફફડતું હતું. એલીઝાબેથને કશું થયું તો નહિ હોય ને....! એ વિચારે તેનું મગજ ભમતું હતું. નીચેના હોલમાંથી પસાર થઇ, બહાર ટાઉનહોલનાં પરિસરમાં તે પહોંચ્યો અને એકાએક ઠઠકીને ઉભો રહી ગયો. તેની નજરો પરીસરનાં પ્રાંગણમાં પથ્થરોની ફર્શ ઉપર જઇને અટકી. ત્યાં શંકર મહારાજનો દેહ ચત્તોપાટ પડયો હતો. તેમની ખોપરી ફાટી ગઇ હતી. કદાચ ત્યાં બનેલી પાળીની અણીદાર કોર સાથે તેમનું માથુ ટકરાયું હતું. ઇશાન એ દ્રશ્ય જોઇને ધ્રુજી ઉઠયો. શંકર મહારાજનાં માથાનાં ભાગે લાંબો ઘાવ પડયો હતો અને તેમાંથી રક્ત વહીને નાનકડું ખાબોચીયું તેમનાં માથી નીચે ભરાયું હતું. જો એલીઝાબેથની ફિકર ન હોત તો ઇશાન જરૂર મહારાજ પાસે રોકાયો હોત, પરંતુ અત્યારે તેના માટે સૌથી અગત્યની એલીઝાબેથ હતી. તેને શોધવી જરૂરી હતી. “ એલીઝાબેથ ડેન ” નામનાં જહાંજ સાથે એલીઝાબેથનાં નામનું સામ્ય ઇશાનની છાતી થડકાવતું હતું. મનમાં અમંગળ કલ્પનાઓ ઉઠતી હતી. “ એલીઝાબેથ....એલીઝાબેથ....!બ” તેણે બુમો પાડી. સામેથી કોઇ પ્રતિ-ઉત્તર મળ્યો નહી. પરિસર વટાવીને દાદરા ઉતરી તે નગરનાં મુખ્ય રોડ સુધી આવ્યો. અહીથી સામેના ક્રોસિંગનાં ચાર રસ્તા સ્પષ્ટ દેખાતા હતાં. તેણે એ તરફ જોયું, અને તે ચોંકી ઉઠયો. ગહેરા ધુમ્મસની ચાદર વચ્ચે ઘણા બધા માણસો ત્યાં ઉભા હતાં. અને તેમનાં ધેરાની અંદર કંઇક સળગી રહયું હતું. ઇશાનને આશ્વર્ય ચકીત બનીને ઘડીક તો જોઇ રહયો, અને પછી તે દોડયો, દોડતો તે ક્રોસિંગે પહોંચ્યો. તેનાં પગને અચાનક જ બ્રેક લાગી ગઇ. અને.. ફાટી આંખે તે ત્યાં ભજવાઇ રહેલું દ્રશ્ય જોઇ રહયો. ઘેરો બનાવીને ઉભેલા વ્યક્તિઓ કોઇ જીવીત માણસો નહોતાં. તે બધા પ્રેતાત્માઓ હતા, અને તેમનાં ઘેરા વચ્ચે નવનીતભાઇ ચૌહાણની ડેડબોડી પડી હતી. ઇશાને તો કેવળ અનુમાન જ લગાવ્યું હતું કે સળગીને રાખ બની ચૂકેલું શરીર નવનીતભાઇનું હોવું જોઇએ. તે હજુ કંઇ સમજે એ પહેલા તેને વિલીમર ડેન દેખાયો. જેવો ઇશાન તેની નજદીક પહોંચ્યો કે તરત તે ઇશાન તરફ ફર્યો અને ઇશાનને જોઇ તેણે અટ્ટહાસ્ય કર્યું. તેનાં અટ્ટહાસ્યથી ત્યાંનું વાતાવરણ ઓર બિહામણુ બન્યું. ઇશાન બે ડગલા પાછળ હટી ગયો, તેનાથી અનાયાસે હટી જવાયું. અટ્ટહાસ્ય કરતા-કરતાં જ વિલીમર અને તેનાં સાથીઓ ત્યાંથી એકાએક ગાયબ થઇ ગયાં. હવામાં ઉડતી રણની ઝીણી ગીરદની માફક જ તેમનાં શરીરો ધુમ્મસીયા વાતાવરણમાં વિખેરાયા હતાં અને ક્ષણભરમાં તેઓ હવામાં વિલીન થઇ ગયા હતાં. ઇશાન ફાટી આંખે એ દ્રશ્ય જોઇ રહયો. તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ થયો નહી કે હમણાં તેણે જે દ્રશ્ય જોયું એ કોઇ ભયાનક સ્વપ્ન તો નહોતું ને....? આભો બનીને ઘડીભર ત્યાં જ તે ખોડાઇ રહયો. પળે-પળે બદલાતા જતાં સંજોગો અને પરિસ્થિતીમાં તેને સમજ નહોતી પડતી કે તેણે શું કરવું જોઇએ...? અત્યારે બીજા કોઇ વિચારો કરવા કરતા એલીઝાબેથને શોધવી વધુ જરૂરી હતી. “ એલીઝાબેથ....! એલીઝાબેથ...! ” તેણે ફરીથી બુમો પાડવી શરૂ કરી. બેબાકળો બનીને ઘણીવાર સુધી તે આમ-તેમ ભટકતો રહયો પણ, એલીઝોબેથ જાણે હવામાં ઓગળી ગઇ હતી.
અને....સાવ એકાએક જ તેને ઝબકારો થયો. કંઇક યાદ આવ્યું....એ સાથે જ તે દોડયો. ધડકતાં હૈયે દોડતો પાર્કિંગ એરિયામાં પહોંચ્યો. જયસીંહે પાર્ક કરેલી જીપ ત્યાં ઉભી હતી. ઝડપથી તે જીપની ડ્રાઇવિંગ સીટે ગોઠવાયો. જીપમાં ચાવી નહોતી. અત્યારે જયસીંહ પાસે ચાવી લેવા જવાનો તેની પાસે સમય પણ નહોતો. જીપનાં સ્ટીયરિંગ નીચે હાથ નાંખીને તેણે વાયરોનું ગુંચળુ ખેંચી કાઢયું અને તેમાંથી બે વાયરોને આપસ-માં સ્પાર્ક કર્યા. પોલીસ જીપનું જુનું, પુરાણું ખખડધજ એન્જિન એક ઘરઘરાટી સાથે જીવંત થયું. ઇશાને કલચ દબાવી જીપને રીવર્સ ગીયરમાં નાંખી અને ભારે વેગે રીવર્સમાં જ જીપને પાર્કિંગ એરિયામાંથી બહાર કાઢી. ટાઉન હોલનાં પરિસરમાં થઇને જીપને તેણે નગરનાં મુખ્ય માર્ગે લીધી અને પછી કોઇ ગાંડા માણસની જેમ તેણે જીપને નગરનાં સમુદ્ર ભણી ભગાવી મૂકી. જો તેનું અનુમાન સાચુ નીકળ્યું તો એલીઝાબેથ અત્યારે સમુદ્રકાંઠે જ હોવી જોઇએ.
એકાએક, અનાયાસે જ આ વિચાર તેને ઉદ્દભવ્યો હતો અને તે મારતી જીપે સમુદ્ર કાંઠે આવી પહોંચ્યો હતો. થોભવાનો તો કોઇ પ્રશ્નજ નહોતો એટલે ફુલ થ્રોટલમાં જ તેણે જીપને સમુદ્ર કાંઠે પથરાયેલી ઝીણી રેતીમાં ભગાવી. પહેલાં ભીની રેતીમાં જીપનાં ટાયર ખૂંપ્યા, અને પછી રેતીમાં અંદર ધસતા ગયા. સાવ અટકીને ઉભી ન રહી ત્યાં સુધી ઇશાને જીપને હંકારે રાખી. એક સમય એવો આવ્યો કે જીપનાં ટાયરો પૂરેપૂરા કાંઠાની રેતીમાં ધસી ગયાં અને લાખ કોશિષ કરવા છતા હવે જીપ આગળ ચાલે તેમ નહોતી ત્યારે ઇશાન નીચે ઉતર્યો. નીચે ઉતરીને તેણે સામે ઘુઘવતા સમુદ્રનાં ખૂલ્લા પટ તરફ દ્રષ્ટીપાત કર્યો. આકાશમાં હજુપણ ગાઢ અંધકાર છવાયેલો હતો. સમુદ્રકાંઠો અંધકારમાં ભયાનક દેખાતો હતો. સમુદ્રનાં હિલોળાતા મોજા ઉપર ધુમ્મસનું આવરણ પથરાયેલું હતું અને એ આવરણ હેઠળ....કાંઠાની ભીની રેતીમાં...સાવ એકલી-અટૂલી... એલીઝાબેથ કોઇ પૂતળાની માફક ઉભી હતી. અજીબ દ્રશ્ય હતું એ... તેનો ચહેરો સમુદ્ર તરફ હતો અને પીઠ ઇશાન તરફ. ઇશાનનું ધડકતું હદય વધુ વેગે ધડકવા લાગ્યું. કોઇ ચિત્રકારે કેનવાસ ઉપર અથાગ કાળજીપૂર્વક દોર્યું હોય એવું એ દ્રશ્ય હતું. ગહેરી...વહેતી, ધુમ્મસ છવાયેલી હવામાં એલીઝાબેથનાં સોનેરી ઘુંઘરાળા વાળ ફરફરતા હતા અને ઉડીને વારેવારે તેની પીઠ ઉપર પથરાતા હતાં. તેણે પહેરેલા કપડામાં પવન ભરાવાથી ફરફરાટ વ્યાપ્યો હતો, એ દિલ ધડકાવનારો ફરફરાટ ઇશાન અહી સુધી સાંભળી શકતો હતો. તે એ તરફ જવા માંગતો હતો. દોડીને, તેનો હાથ પકડીને તેને જીપમાં બેસાડી ઘરે ચાલ્યો જવા માંગતો હતો. આખરે એલીઝાબેથ જ તો તેનું સર્વસ્વ હતી.
“ એક સોદો થયો હતો... જે કયારેય મુકમ્મલ થયો નહી. ” અચાનક ઇશાનની પીઠ પાછળથી અવાજ આવ્યો. ઇશાનનાં મનમાં એલીઝાબેથ તરફ આગળ વધવાનો વિચાર ઉદ્દભવ્યો જ હતો કે અવાજ તેનાં કાને અફળાયો. ચોંકીને તે પાછળ ફર્યો. તેની એકદમ નજીક, લગભગ તેનાં ચહેરાની લગોલગ, વિલીમરનો ચહેરો હવામાં લહેરાઇ રહયો હતો. અવાજ તેનો હતો.
“ એક સોદો વર્ષો પહેલા થયો હતો... તારા પૂર્વજો અને અમારી વચ્ચે. તારા પૂર્વજોએ એ સમયે અમારી સાથે દગો કર્યો. ત્યારે હું નિઃસહાય હતો. આજે તું નિઃસહાય છે. ચાહું તો અબઘડી આ સમગ્ર વિભૂતીનગરને નષ્ટ કરી નાંખું, પણ એવી ક્રુરતા અમારામાં તે પણ સમયે નહોતી અને આજે પણ નથી. નિર્દોષોનાં રક્તમાં નહાવું એ મારી ફિતરત નથી. તમારા ચારેય ખાનદાનને અને આ વિભૂતી નગરને ખતમ કરવાની નેમત સાથેજ હું અહી આવ્યો હતો. પરંતુ નગરનાં માસુમ લોકોને હું મારવા માંગતો નથી, પણ... બદલો લીધા વગર એમ ખાલી હાથ અમે પાછા જઇશું પણ નહી...! તેની કંઇક કિંમત તો તારે ચૂકવવી પડશે.. અને એ કિંમત છે એલીઝાબેથ. એલીઝાબેથને તારે અહીં જ છોડી જવી પડશે. એલીઝાબેથનાં બદલામાં વિભૂતીનગર....! આ મારો સોદો છે. વિલીમર ડેનનો સોદો.. ” વિલીમર ડેન બાલ્યો. ઇશાન સ્તબ્ધ બની ગયો. તેનાં હદયમાં અચાનક કોઇકે ધગધગતો સળીયો ખૂંપાવી દીધો હોય એવી પીડા ઉદ્દભવી. તે કંઇક બોલવા ગયો.. ચિલ્લાઇ-ચિલ્લાઇને વિલીમર સામે દલીલો કરવા માંગતો હતો, પરંતુ તેનાથી એવું કશું થયુ નહી. જાણે તેની વાચા હણાઇ ગઇ હોય એમ સાવ નિઃશબ્દ બનીને ત્યાંજ ખોડાઇ રહયો. તેનાં પગ જાણે કિનારાની રેતી સાથે ચોંટી ગયા હતાં. તેનું આખુ શરીર જાણે સ્થિર થઇ ગયું હતું. સહેજ હલવા પણ તે પોતાની જાતને અસમર્થ મહેસુસ કરતો હતો. અને તે કોઇ હરકત કરે એ પહેલાં... તેની નજરોની સામે વિલીમર ડેનનું પ્રેત એલીઝાબેથ તરફ આગળ વધ્યું. હવામાં લહેરાતો તેનો દેહ એલીઝાબેથ સમક્ષ જઇને ઉભો રહયો. હવે તે અને એલીઝાબેથ આમને-સામને હતાં. એલીઝાબેથ હજુ પણ કોઇ પૂતળાની જેમ સ્થિર ઉભી હતી. વિલીમરે આગળ વધીને એલીઝાબેથનાં પરવાળા-સા હોઠ ચૂમ્યા. એલીઝાબેથ કોઇ સ્થિતપ્રજ્ઞ સંન્યાસીની જેમ તંન્દ્રા ધારણ કરીને ઉભી હતી. તેનાં હોઠો ઉપર વિલીમર ડેનનાં અધ-ખવાયેલા હોઠોનો સ્પર્શ થયો... અને તેનાં બદનમાં એક અજીબ સળવળાટ ઉદ્દભવ્યો. અચાનક જાણે તે ભાનમાં આવી હોય એમ પહેલાં તો તેણે વિલીમરનો પ્રતિકાર કર્યો. પોતાનાં બંને હાથ ઉંચકીને તેણે વિલીમરનાં ખભે ટેકવ્યા અને તેને પોતાનાથી દુર કરવા ધક્કો માર્યો. પરંતુ વિલીમરનાં હોઠ તેનાં હોઠ સાથે સખ્તાઇથી ભિડાઇ ગયા હતાં. એલીઝાબેથ કયાંય સુધી ગુંગળાતી ઉભી રહી... અને પછી, એકાએક તેનાં શરીરમાં પરીવર્તન ઉદ્દભવવું શરૂ થયું. અચાનક તેનો પ્રતિકાર ઠંડો પડતો ગયો...તેની આંખો બિડાઇ...અને જાણે કોઇ આહલાદક શ્પર્શ અનુભવતી હોય એમ તે વિલીમરનાં ચુંબનમાં ખેંચાતી ગઇ. જાણે તેનાં ચુંબનનો સહર્ષ સ્વીકાર કરતી હોય એમ તેણે ખભે ટેકવેલા હાથોને વિલીમરનાં માથા પાછળ લઇ જઇ તેનાં વાળ પસવાર્યા. સમય ત્યાં જ થંભી ગયો. ગોળ ફરતી પૃથ્વી જાણે તેની ધરી ઉપર સ્થિર ચોંટી ગઇ. સમુદ્રનાં મોજાંઓએ કાંઠા તરફનું પ્રયાણ ઘડીભર માટે થંભાવી દીધુ... અને અનંત સમય સુધીનું એક ગહેરૂ ચુંબન શરૂ થયું. ઇશાન ફાટી આંખોએ એ દ્રશ્ય જોઇ રહયો. એક કલ્પનાતીત દ્રશ્ય તેની નજરો સમક્ષ ભજવાઇ રહયું હતું.
એ ચુંબન દરમ્યાન જ વિલીમર ડેનનાં શરીરમાં પણ ગજબનાક પરીવર્તન શરૂ થયું. તેનો સડી ગયેલો બિભત્સ દેહ એકાએક એક સુંદર, સશક્ત, મજબુત શરીરમાં રૂપાંતરીત થયો. તે પોતાના ઓરીઝનલ રૂપમાં પાછો ફરી રહયો હતો. હવે તેનો દેહ.....તેનો ચહેરો કોઇ જીવતા જાગતા વ્યક્તિ જેવો સંપૂર્ણ રચાયો હતો. અને એલીઝાબેથ.., તે પણ બદલાતી જતી હતી. ક્ષણભરમાં એલીઝાબેથ જોબ માંથી તે એલીઝાબેથ “ ડેન ” માં પરાવર્તીત થઇ ગઇ. દોઢસો વર્ષ પહેલાંની વિલીમર ડેનની પ્રિય પત્ની એલીઝાબેથ ડેન...! દોઢસો વર્ષ બાદ આજે બે આત્માઓનું મિલન થઇ રહયું હતું, જેનો સાક્ષી વિભૂતી નગરનો દરિયો બન્યો હતો. તે બંનેની આસ-પાસ બીજા ઘણા બધા પડછાયાઓ આવીને ઉભા રહયા હતાં. તે બધા વર્ષો પહેલા “ એલીઝાબેથ ડેન ” નામનાં જહાંજમાં બેસીને આવેલા સોલોમન ટાપુનાં રહેવાસીઓ હતા, જે પોતાનાં કપ્તાન અને તેની પત્નીને સાથે લઇ જવા આવ્યા હતાં.
દીર્ધ સમય સુધી ચાલેલું એ ચુંબન એકાએક જ ખતમ થયું અને તે બંનેએ એક ઝટકા સાથે ઇશાન તરફ જોયું. છ આંખો આપસમાં મળી....માત્ર બે ક્ષણ પુરતી જ મળી અને....જોતજોતામાં તે બંનેનાં શરીરો હવામાં ઓગળી ગયા. હવામાં વિલીન થતી સુગંધની માફક તેઓ વિલીન થયા. સાથો-સાથ તેમની આસપાસ ઉભેલા લોકો પણ અદ્રશ્ય થઇ ગયા. ઇશાન આભો બનીને એ દ્શ્ય જોતો રહયો. કંઇપણ કહેવા....સમજવા....કરવા....તે અસમર્થતા અનુભવતો હતો. એક કલ્પનાતીત દ્રશ્ય તેની નજરો સમક્ષ ભજવાઇ ગયુ હતુ અને તે સાવ નિઃસહાય બનીને ઉભો હતો. ભાંગેલા હદયે.. નિરાશ વદને, થોડીવાર પછી તે જીપમાં બેઠો અને જીપને શરૂ કરી. ત્યાં છવાયેલું ધુમ્મસ ધીરે-ધીરે દરિયામાં પાછુ જવા લાગ્યું હતું. આકાશમાં ગોરંભાયેલા વાદળો પણ નગર ઉપરથી હટવા શરૂ થયા હતાં અને ફરી પાછો ઉઘાડ વ્યાપવો શરૂ થયો હતો. અત્યાર સુધી વાદળો પાછળ સંતાયેલા સૂર્યે ફરીપાછા પોતાના સોનેરી કિરણો નગર ઉપર પાથરવા શરૂ કર્યા. નગર ઉપરથી કાળનો અંધકાર ભર્યો ઓછાયો ધીરે-ધીરે સમાપ્ત થયો અને નગરનાં વાતાવરણમાં જીવંતતા પાછી ફરવા લાગી. આ કોઇ કુદરતી ચમત્કારથી કમ નહોતું. “ નગર ” ફરી જીવંત થયું હતું.
ઇશાને રેતીમાં ખૂંપેલી જીપને રિવર્સ ગીયરમાં નાંખી બહાર કાઢી અને નગર ભણી હંકારી મુકી ત્યારે સમી સાંજનો સમય થવા આવ્યો હતો. નગરમાં ઉઝાસ પથરયો હતો પણ તેનાં જીવનમાં અંધકાર છવાઇ ગયો હતો. વારેવારે વિલીમર ડેનનું એક વાક્ય તેનાં જહેનમાં અથડાતું રહ્યું...” નગર નાં બદલે એલીઝાબેથ... નગર નાં બદલે એલીઝાબેથ. “
***
બીજા દિવસે સવારેઃ-
મોન્ટુ આંચલનાં ખોળામાં રમતો હતો અને આંચલ તેનાં રેડીયો સ્ટેશનનાં માઇકમાં બોલી રહી હતી...
“ મને નથી લાગતું કે નગરની કોઇપણ વ્યક્તિ સ્પષ્ટપણે એ કહી શકશે કે ગઇકાલે નગરમાં શું બન્યું હતું....? પરંતુ જો આ કોઇ ડરામણું સ્વપ્ન હતું તો શું-કામ...? શું તેઓ બદલો લેવા પાછા આવ્યા હતા, કે ઇન્સાફ....? કે પછી કોઇ બહુ જુની ખોવાયેલી ચીજ પાછી લેવા આવ્યા હતાં...? પરંતુ એક વાત સત્ય છે કે કોઇક જરૂર પાછું આવ્યું હતું....! સમુદ્રમાંથી ....! અને કયારેકને કયારેક દરેક ચીજ પાછી આવે જ છે. કુદરત દરેક ચીજને દોહરાવે જરૂર છે. તે શું હતું...? એ કદાચ કયારેય આપણે જાણી નહી શકીએ...! ” આંચલે માઇક બંધ કર્યુ ત્યારે તેની આંખોમાં આંસુ તગતગતા હતાં.
***
“ એલીઝાબેથનાં બદલામાં નગરનાં ભવિષ્યનો સોદો થયો. શું ખબર, કદાચ તે એ માટેજ મારા જીવનમાં આવી હોય...! ” ઇશાને તેનાં દાદા દેવધર તપસ્વીને કહયું અને શૂન્ય મસ્તકે સામે લહેરાતા હરિયાળા ખેતરોને તાકી રહયો. દેવધર દાદા પાસે તેનાં આ ભડ-ભાદર દિકરાને કહેવા માટે આશ્વાસનનાં શબ્દો નહોતાં છતાં તેઓ બોલ્યા..” કે પછી ખરેખર તે વિલીમરની પત્નિ હોય અને....” તેમણે વાત અધ્યાહાર છોડી દીધી. ચોંકીને ઇશાન તેના દાદાનાં ચહેરા સામુ જોઇ રહયો.
ત્યારે...પૂર્વમાંથી ઉગતા સૂર્યનાં આહલાદક કિરણો તે બંનેનાં શરીર ઉપરથી વહી ખેતરોની દિશામાં આગળ વધતા હતાં.
(સમાપ્ત)
૨૩ જુન ૨૦૧૬ ના દિવસે “ નગર “ નો પ્રથમ ભાગ માત્રૃભારતી ઉપર રીલીઝ થયો હતો. આજે ૪૬ પ્રકરણ સુધી ચાલેલી નવલકથાનો અંતિમ અધ્યાય તમારી સમક્ષ મુકતા મને આનંદ સાથે એક ખાલીપો પણ વર્તાય છે. આનંદ એ વાતનો છે કે તમે બધા વાચકમિત્રોએ પૂરા એક વર્ષ સુધી બહુ ધીરજથી આ વાર્તાને માણી. આવા સરસ લોયલ વાચકો આજનાં સમયમાં ભલભલાં દિગ્ગજ લેખકોને પણ મળવા દોહ્યલાં છે અને એ પણ હોરર સસ્પેન્સ જેવા વિષયમાં.. જ્યારે હું તો હજુ આ ક્ષેત્રમાં પા પા પગલી ભરી રહયો છુ ત્યારે આપના જેવા મિત્રોનો સહકાર મને આનંદિત કરે એમાં કોઇ બે-મત નથી. ખાલીપો વર્તાવાનું કારણ એ છે કે “ નગર “ હવે મારી સાથે નહી હોય. નગર નાં પાત્રો.. ઇશાન, એલીઝાબેથ, આંચલ, દેવધર તપસ્વી, શંકર મહારાજ, મોન્ટુ, માથુર અંકલ.... ઉપરાંત નગરમાં આવતા બીજા ઘણાબધા પાત્રોનો સાથ આજે છૂટી ગયો હોય એવુ લાગે છે.
પણ ખેર... જેનો આરંભ છે તેનો અંત પણ થવાનો જ. અને અંત પણ એક નવી શરુઆત માટે જ હોય છે. તો...મળીશું વળી કોઇ નવી સફરમાં. ત્યાં સુધી આવજો મિત્રો.
આપનો – પ્રવિણ પીઠડીયા.
આ કહાની આપને કેવી લાગી એ વિશે તમે ખુલ્લા મનથી પ્રતિભાવો આપશો તો જરુર ગમશે. પ્રતિભાવો માત્રૃભારતી પર આપી શકાય છે, અથવા તો મારા ફેસબુક એકાઉન્ટ Praveen Pithadiya પર, અથવા મારા વોટ્સએપ નં- 9099278278 પર જણાવશો. આ ઉપરાંત જો આપે મારી અન્ય નોવેલ્સ જેવી કે
“ નો રીટર્ન “
“ અંજામ “
“ નસીબ “
ન વાંચી હોય તો જરુર વાંચજો.
ધન્યવાદ.