Sankalo in Gujarati Motivational Stories by Ashq Reshmmiya books and stories PDF | સંકલો...

Featured Books
Categories
Share

સંકલો...

સંકલો...

અશ્ક રેશમિયા...!

આ ત્રણ વાર્તાઓનો સંગ્રહ છે.આ વાર્તાઓ આધુનિક સમાજની વેદનાને ઉજાગર કરીને વાચા આપે છે.પ્રથમ વાર્તા મા-દીકરાના સંગર્ષ સાથેની લાગણીસભર વાત કરે છે,તો બીજી વાર્તા ભ્રુણહત્યા પર જબરો પ્રકાશ પાડે છે.જ્યારે ત્રીજી વાર્તા બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને એક બાળકની અધિકારી બનવાની અને એ સાથે જ અધિકારી બન્યો હોવા છતાં એની નમ્રતા વખાણવાને લાયક છે.

1.સંજોગ..

‘બેટા,અજીત! હવે મને મારા એ ઘેર મુકી આવ.’ ૫૮ વર્ષ ની વૃદ્ધ માતા એ દયામણા અવાજે કહ્યું.

માતાના મોંએ આ વાક્ય સાંભળીને અજીતને કમકમા આવી ગયા. પોતાના લગ્ન પછી જે માતાને પોતાની આંખો સામે ખુશીઓથી મ્હોરતી જોવાની જેની ઈચ્છા હતી. એ અજીત પોતાના લગ્નના દસ જ દિવસ બાદ માતાનું આવું વાક્ય સાંભળીને હચમચી ન ઉઠે તો શું કરે?

પોતાને મળેલી નોકરી, છોકરી અને મા ની કાળજી રાખવાની તકની સોનેરી ખુશીઓંને ઘડીક વારમાં જ એ વિસરી ગયો. અતીતના પીડાદાયક અંધારામાં એ સરી પડ્યો. કેવા સંજોગોએ પોતાની સગી જનનીને થોડા સમય માટે વૃદ્ધાશ્રમમાં રાખવી પડી હતી. એ સઘળા પ્રસંગો એના માનસપટ પર ઉપસી આવવા લાગ્યા.

અજીત પોતાના માવતરનો ચોથા નંબરનો સૌથી નાનો પુત્ર હતો. પરંતુ કુદરતની કારમી થપાટે એને મોટો પુત્ર બનાવી મૂક્યો હતો. એમાય ત્રણ પુત્રોના અકાળ અવશાનથી ઝૂરતા પિતાના અવશાન બાદ તો બાર વર્ષની ઉંમરે એ ઘરનો મોભાદાર બની ગયો હતો.

દીકરાને કૈક બનાવવાની તાલાવેલીએ માતાએ પોતાના ઘરેણા વેચવા માંડ્યા. અજીત આઠમાં ધોરણમાં આવવા લાગી તો ગુજરાન અને ભણતરમાં ઘરેણા ખવાઈ ચુક્યા હતા . હવે એકેય સાંધવાની તૈયારી ન હતી. તેવે સમયે તેર-તેર તુટવા માંડ્યા.

આવા સંજોગોમાં ભણવામાં અવ્વલ અજીતે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. છાત્રાલયના ભોજનમાંથી તે માંડ પા ભાગનું જમીને પોણા ભાગનું ભોજન પોતાની માતાને પહોંચાડવા લાગ્યો. કિન્તુ આમ કરતા સંચાલકના હાથે એ પકડાઈ ગયો. દશમાંના મહત્વના ધોરણમાં એને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવ્યો .

અજીત પાછો નિરાધાર થવા લાગ્યો. કિન્તુ ફરી એને નવી છાત્રાલયના દ્વાર ખખડાવ્યા . પ્રવેશ મેળવ્યો પણ આ વખતે એને પ્રથમથી સંચાલકને પોતાની વિતક કથા અને મજબૂરી કહી સંભળાવી. આવી સ્થિતિમાં સંચાલકે એને એક માર્ગ બતાવ્યો. પોતે પગભર થાય ત્યાં લગી માતાને વૃદ્ધાશ્રમમાં રાખવી. સાવ પોચા કાળજા પર મોટું પથ્થર મુકીને અજીતે સંચાલકે બતાવેલું કાર્ય કર્યું .

સમયના ટૂંકા વર્ષના ગાળામાં અજીતે પોતાનું ભાગ્ય કંડાર્યું. એને સરકારી કંપનીમાં સારી નોકરી મળી ગઈ. નોકરી મળ્યાના બીજા દિવસે વૃદ્ધાશ્રમમાંથી પોતાની માં ને તેડી લાવી.

બે ચાર મહિનામાં તો અજીતના લગ્ન પણ થઇ ગયા. લગ્નને માંડ દસ દિવસ થયા હતા ને માતાએ આ ઘરને વિદાય કરવાની વાત કરી. ‘દીકરા મને ત્યાં ફરી મુકી આવ.કારણકે તારી વહુને મારી હાજરી ખટકશે.’ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધ વડીલોના મોઢે એક જ રામકહાની સાંભળીને એ અનુભવ પરથી માતાએ આ વાત કરી.

માતાના આસું લૂછતાં અજીત બોલ્યો; ‘મા, આ ઘરમાં તારાથી કિંમતી કોઈ વસ્તુ નથી. માં, આ ઘરમાં હવે તારે રાજ કરવાનું છે રાજ. એ તો વિધિની ક્રુરતાએ આપણને મા-દીકરાને અલગા કરવા મને મજબુર કયોં હતો. કિન્તુ હવેથી હું વિધિની ક્રુર વક્રતાને તાબે નહી થાઉં.’

‘દીકરા!’ અજીતના માથે હાથ ફેરવતા મા બોલી; ‘રાજ કરવાના દહાડે તો ઘરના ખૂણામાં ભરાઈ રહેવું પડ્યું. હવે ઘરડે ઘડપણે રાજ કેવા ? હવે તો ટંક રોટલો મળે તોયે ઘણું છે.’

માતાની વાતોએ અજીતની આંખોમાં પાણી ઉભરાવી દીધું. ગળગળા સાદે અજીત બોલ્યો; માં, તારા આ ઘરમાં તને કોઈ વસ્તુની કમી પડવા નહી દઉં. તું તારે આનંદ અને ખુશીઓને હિડોળે ઝૂલતી રહે.’ પછીપોતાની નવી વહુને સંભળાય એ રીતે ઉતાવળે બોલ્યો; અરે જે દિવસે તારી પુત્રવધુ એમ કહે કે માં તો ઘરમા ભાર છે,તો એ જ દિવસે એ જ ઘડીએ આ ઘરમાંથી તેને તગેડી મુકતા વાર નહી કરું.’

‘દીકરા ! હું તારી દિવાળી-સી જીદગીમાં હોળી સળગાવવા માગતી નથી. મને તો કાળ કાઢે એ પહેલા ...’ આટલું માંડ બોલી ને બિચારી વૃદ્ધ માતા રડી પડી.

આ સાંભળીને અજીતની પત્ની દોડતી આવી. એને કાને અજીતના પેલા શબ્દો તો પડ્યા હતા. છતાંય એણે હકીકત જાણી. બિચારી એનેય ખૂબ આઘાત લાગ્યો. પછી વૃદ્ધ સાસુના ચરણોની પાસે બેસીને બોલી;

‘મમ્મી ! હું આ ઘરમાં આનંદના અજવાળા પાથરવા માટે આવી છું. હું ખુદ ખુશ થવા કે રાજ કરવા નહી, કિન્તુ તમને બંને મા-દીકરા ને ખુશ કરવા આવી છું. પતિ તરફ જોતા બોલી, મને ખબર છે સાસરું એ નિ:સ્વાર્થ સેવાનું મંદિર છે. એ મંદિર તણી મૂરતની સેવા કરીને આનંદ લુંટવાનો છે સેવા લઈ ને નહી . સેવા તો મેં મારા પિયરમાં ખૂબ લીધી. આનંદ પણ માણ્યો. હવે તો તમારી સેવા કરવી એ જ મારો જીવનમંત્ર છે.’

પુત્રવધુની સંસ્કારીતાભરી સમજદારી જોઇને મા-દીકરો તેના પર વારી ગયા. વૃદ્ધ માની આંખોમાં પુત્રવધુની આવી વાતો સાંભળીને હર્ષના આંસુ છલકાઈ આવ્યાં. આંસુઓંને લુછતા પુત્રવધુ ફરી બોલી;

‘મમ્મી! તમને મારા સાસુજી નહિ કિન્તુ સગી જનેતા માનું છુ. પછી પતિ તરફ જોઈ ને બોલી; ‘અને તમને ભગવાનથી પણ વધારે એવા પતિદેવ માનું છું.’

પુત્રવધુના આવા વાક્યો સાંભળીને સાસુ-વહુ ,મા –દીકરા અને પતિ –પત્ની બધા એકમેક ને સસ્ર્નેહથી ભેટી પડ્યા.

***

2. કરુણા...!

સુંદર એનું નામ.જેવું નામ એવી જ એની ખીલતી આભા હતી.એના મનખમલી વદન પર બેનમૂન તેજસ્વિતા ચમકી રહી હતી.

સુંદર ગામડાની છોકરી હતી.કિન્તુ એના લગન શહેરમાં રહેતા યુવાન જોડે થયા હતા.લગનના બે વર્ષ થવા છતાંય એની સુકુમાર સુંદરતામાં જરાય ઝાંખપ નહોતી આવી.નામમાં જેટલી સુંદરતા હતી એનાથીયે બમણી સુંદરતા એના અસ્તિત્વમાં અને અસ્તિત્વ કરતાંય ચડિયાતી સુંદરતા એના સંસ્કારોમાં હતી.કિન્તું એ સહેજ ભોળી હતી.

લગનના ઓગણીસમાં મહિને એણે સારો દિવસ ધારણ કર્યો.બરાબર એક માસ બાદ એણે પોતાની આ ખુશીના સમાચાર એના પ્રિય પતિદેવને કહ્યા.પછી તો આખા ઘરમાં ને પરિવારમાં આ સમાચારે આનંદની ઉર્મિઓ ઉડાવી દીધી!

એના પતિનું નામ સોહન.બંને ખુશમિજાજ જીંદગી જીવતા હતા.અને લાગણીની મીઠી માયા માણતા હતા.સુંદરને સાતમો માસ ઊતરવાની અણી પર હતો.એના દિવસો સારી રીતે વીતતા જતા હતા.

એવામાં એક દિવસ સોહનને સુંદરના ગર્ભમાં વિકસતા બાળકની જાતિ જાણવાની જીગ્નાસા થઈ.ને એ સુંદરને લઈને દવાખાને પહોચ્યો.(આ એ વખતની વાત છે જ્યારે ગર્ભપરીક્ષણ ગુનો નહોતો ગણાતો.)ત્યાં ડોક્ટર દ્વારા જાણ મળી કે સુંદરના શરીરમાં વિકસતો ગર્ભ સ્ત્રી છે.તો એ સમાચાર સાંભળીને સોહનના પગ તળેથી ધરતી ખસવા લાગી.એણે પોતાની દશા એવી કરી નાખી જાણે આખે આખો હિમાલય એના પર ગબડી પડ્યો ન હોય! આખી રાત એ ઊંઘી શક્યો નહી.

બીજા દિવસની સવારે આ વાત પોતાના પરિવારને જણાવી.દીકરીના સમાચાર જાણીને આખા કુંટુંબ પર અણગમાની કાળાશ છવાઈ ગઈ! જે દીકરીને કુળની દેવી ગણવી જોઈએ એ દીકરીના અવતરવાની વાતનો આવો કુઠરાઘાત?

ત્રીજા દિવસે આખા કુંટુંબે ગર્ભપાત કરાવી લેવા સુંદરને સમજાવી.પણ સુંદર કેમેય કરીને આવું કાળું કાર્ય કરવા તૈયાર નહોતી.આખરે સોહને ઉધડો લેવા માંડ્યો.છતાંય સુંદર એકની બે ન થઈ ત્યારે સોહનના પરિવારે એ હથિયાર વાપર્યું જે હથિયાર કેટલાંક ખલનાયકો વાપરે છે.તેમણે ભેગા મળીને સુંદરને ધમકાવી કે જો એ ગર્ભપાત નહી કરાવે તો એને કાયમને માટે માવતરના ઘેર મૂકી દેવામાં આવશે.

આ સાંભળીને સુંદરની જીંદગીમાં ભયંકર ઝંઝાવાત ઉમટ્યો!એને ગરીબડા માવતર સાંભર્યા.ઘડીમાં પોતાનું ભાવિ વેરવિખેર થતું નજરે પડ્યું.આખરે બહું જ મથામણને અંતે પિતાની આબરૂને ખાતર એણે હા ભણી.છેવટે પરિવારનો વિજય થયો ને સુંદરે જીગરનો ટુકડો ખોયો!

આ ઘટના બાદ સુંદરને સહેજેય ચેન નહોતું રહેતું.ઘડીએ ઘડીએ એ બહાવરી બનતી જતી હતી.હરક્ષણે એને લાગતું હતું જાણે પોતે જ પોતાની જાતને જલાવી દીધી ન હોય! આવા અને બીજા અનેક બિહમણા વિચારોથી એ ઘેરાવા લાગી.એને સંસાર કડવો લાગ્યો.સંબંધ અને સમાજ પર તિરસ્કાર થયો.

જીંદગીની આ કારમી કરુણાથી કંટાળીને સુંદર એક રાતે ઘર છોડીને સંસારથી અદ્રશ્ય થઈ ગઈ.જતાં જતાં નાનકડી એક ચબરખી છોડતી ગઈ હતી.જેમાં લખ્યું હતુ:

"જે સમાજ-સંસારમાં હું દીકરી તરીકે જન્મ પામી એ જ માનવસમાજમાં-સંસારમાં દીકરી (સ્ત્રી)તરીકે હું ખુદ એક દીકરીને જન્મ ન આપી શકું એવા કઠોર માનવસંસારમાં રહીનેય હું શું કરૂ?"

***

3. લોઢાના ચણા...

હાઈસ્કૂલના પટાંગણમાં સફેદ ગાડી આવીને ઊભી રહી.ગાડીનો અવાજ અને રંગ જોઈને આખી શાળામાં ફફડાટ વ્યાપી ગયો.વિદ્યાર્થીઓથી માંડીને આચાર્ય સુધીના દરેક જણ ધંધે લાગી ગયા.ઔપચારિક વાતાવરણ તૈયાર કરવામાં સૌએ દોડધામ મચાવી દીધી!

ઉપરી અમલદારથી કેટલો ગભરાટ અને શાળાને વધું ભભકતી બતાવવાનો કેવો તરફડાટ!!

વાતાવરણ ગમે તેવું સુંદર હોય પણ જો ઉપરી અમલદાર ઓચિંતો આવી ચડે તો આખા સંકુલમાં ભય ફેલાઈ જવાની ઘરેડ પડી ગઈ છે શાળાઓમાં. બધા હાંફળાફાંફળા થઈને આમતેમ ફંગોળાતા હતા.એટલામાં અમલદાર જીપમાંથી ઊતરીને ઑફિસ સુધી આવી ચડ્યા હતા.આચાર્યશ્રીએ અમલદારનું અભિવાદન કર્યું.અને અમલદારને ખુરશીમાં બેસવાની વિનંતિ કરી,પણ આ શું?? બધાના આશ્ચર્ય સામે અમલદાર તો આચાર્યને ચરણે પડી ગયા.ને ખુદ આચાર્ય પણ વિમાસણભરી અચરજમાં!

અમલદારે આચાર્યની અચરજ પારખીને બોલવા માંડ્યું:સાહેબ,હુ આપની શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું!

આ સાંભળીને આચાર્ય ગદગદિત થઈ ઊઠ્યા.હર્ષથી આખા શિક્ષક આલમની આંખોમાં આંસું ઊભરાઈ આવ્યા.સામેની ખુરશી પર બેઠક લેતા અમલદારે ફરી કહેવા માંડ્યું:સાહેબ,આજે હું વહીવટી મુલાકાતે નથી આવ્યો પણ આપણી આ શાળાના મારા સંસ્મરણોને વાગોળવા આવ્યો છું.અને સાથે સાથે આપનો આભાર પણ માનવા આવ્યો છું.

આચાર્ય વચ્ચે જ બોલી પડ્યા કે એમાં આભાર શેનો માનવાનો હોય!ભણાવવું એ તો અમારો ધર્મ છે.

ના સાહેબ,પણ મારે આભાર માનવો જ ઘટે.આપના કારણે જ હું આ હોદા પર પહોચ્યો છું.

શાયદ આપને ખબર નહી હોય પણ સાંભળો.....

હું નવમાં ધોલણમાં હતો ત્યારની આ વાત છે.રિશેષ દરમિયાન હું અને મારો ભાઈબંધ મસ્તી કરતા કરતા ખુરશી સુધી પહોચી ગયા હતા.ને મારા ભાઈબંધના એક જ ધક્કે હું ખરશીમાં ભરાઈ પડ્યો.આ દશ્ય વર્ગમંત્રીએ જોયું ને એણે પાટિયામાં મને ચીતર્યો.શિક્ષકે મને અંગૂઠા પકડાવ્યા.દરમિયાન દરેક વર્ગનો આંટો મારતા આપ ત્યાંથી નીકળ્યા.મને જોયો.ને આપ મારી પાસે આવીને મને ઊભો કરતાંકને પૂછ્યુ,કેમ અંગૂઠા પકડ્યા છે? હું જવાબ આપું એ પહેલા તો મારા કોમળ ગાલ પર તમતમચો તમાચો પડ્યો!

તમાચો' શબ્દ સાંભળતાં આચર્યનું મોં જરા જંખવાણું થયું.એ છોભીલા પડ્યા.અમલદારે વાત આગળ વધારી....સાહેબ,પછી મારો કાન આમળતા આપશ્રીએ ભાષણ ચાલુ કર્યુ કે દોસ્ત! ખુરશીમાં બેસવુ એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.અરે...મોટા મોટા અમલદારો,ચમરબંધી કે નેતાઓ કોઈની મંજૂરી વિના પોતાની ખુરશીમાં બેસી શકતા નથી ને તે આવી ભૂલ કરી નાખી? આમ બોલતા આપશ્રીએ જાણે મે આતંકવાદી જેવું કાર્ય કર્યું હોય એમ બીજા ગાલે પણ પહેલા ગાલ જેમ જ તમાચો બેસાડ્યો!

બસ, સાહેબ... એ દિવસથી મે મનમાં ઝનૂની ગાંઠ વાળી હતી કે હું કંઈક બનીને એક દિવસ તમારી આંખો સામે જ તમારી ખુરશીમાં બેસીસ! એ સમયે તો આપનાથી બદલો લેવાનો મને ઝનુની ગુસ્સો હતો.

કિન્તું મેં આપના પ્રત્યેના મારા ગુસ્સાને પ્રેમમાં પલટી નાખ્યો અને આજે આપના એ બે તમાચાઓનું રૂણ અદા કરવા આવ્યો છું.

કદાચ એ દિવસે આપશ્રીએ મને તમાચા સાથે ટોણો માર્યો ન હોત તો આજે હું આ સ્થાન પર ન હોત!માટે આપનો આભાર સાહેબ....!

આચાર્યશ્રી મૂંગા વદને અમલદારને જોઈ રહ્યા.

પાછું આચાર્ય કંઈ બોલે એ પહેલા ફરી અમલદારે ક્હ્યુ,સાહેબશ્રી આપની એક બીજી વિચિત્ર આદત છે:શાળામાં મોડા આવનાર વિદ્યાર્થીને એનો જવાબ સાંભળ્યા પહેલા જ ચપાચપ બે તમાચા ઝીંકી દેવાની!હવે જો બને તો એમાં સુધારો કરજો.બાળકોને પહેલા સાંભળજો,વાંચજો,સમજજો પછી જ હાથને છૂટો મૂકજો.

અમલદાર આટલું કહી વિદાય થયા.

આચાર્યશ્રી દરવાજાથી દૂ...ર સરકતી ગાડીને ક્યાંય લગી તાકી રહ્યા...!

અશ્ક રેશમિયા...!

Ashkkchauhan@gmail.com