તમારા વિના - 26
‘બા, જલદી તૈયાર થઈ જાઓ. આપણે બોરીવલી જવું પડશે.’ કાન્તાબેન નાહીને બાથરૂમમાંથી બહાર નીકળ્યા કે તરત જ કાશ્મીરાએ કહ્યું
‘કેમ શું થયું? મનીષાની તબિયત તો...’ કાન્તાબેનના પેટમાં ફાળ પડી હતી.
‘મનીષાને હૉસ્પિટલમાં એડ્મિટ કરી છે. વિપુલભાઈનો ફોન હતો.’ કાશ્મીરાએ માહિતી આપી.
કાન્તાબેને ઝડપથી સાડલો પહેરી લીધો. કાશ્મીરા તો તૈયાર જ હતી, પણ તેણે ફોન કરીને ઑફિસમાં જાણ કરી દીધી કે તે આજે નહીં આવી શકે. કાન્તાબેન સાડલો પહેરીને, વાળ ઓળીને તૈયાર થયાં ત્યાં સુધીમાં કાશ્મીરાએ તેમના માટે કૉફી બનાવીને ડાઇનિંગ ટેબલ પર તૈયાર રાખી હતી.
‘મારે કંઈ પીવું નથી. ચાલ ઝટ નીકળીએ.’ કાન્તાબેનનો જીવ ઊંચો થઈ ગયો હતો.
‘કૉફી પીતાં વાર નહીં લાગે. સાથે બે-ચાર બિસ્કિટ પણ ખાઈ લો. તમે સવારથી કંઈ ખાધું નથી. હું ત્યાં સુધીમાં ઘર બંધ કરી લઉં.’ કાશ્મીરાએ ઘરની બારીઓ બંધ કરવા માંડી.
કાન્તાબેને દલીલ ન કરી. તેમણે ગરમ કૉફી રકાબીમાં ઠંડી કરીને ઝડપથી પી લીધી. કાશ્મીરાએ બિસ્કિટનો ડબ્બો સામે જ મૂક્યો હતો, પણ કાન્તાબેનને એ ખાવાની ઇચ્છા જ ન થઈ.
તેમણે મનોમન ગણતરી કરી. છેલ્લે તે મનીષા સાથે ડૉક્ટર પાસે ગયાં હતાં ત્યારે તેને પાંચ મહિના પૂરા થઈ છઠ્ઠો બેઠો હતો. એ દિવસે તે ઓ મનીષાને ડૉક્ટર પાસે લઈ જઈ પાછાં ઘરે આવ્યાં હતાં ત્યારે જ ચંદ્ર... કાન્તાબેને અત્યારે એ ઘટનાને તાત્પૂરતી ભૂલી જવાનો સભાન પ્રયાસ કર્યો.
‘વિપુલને ત્યાં દીકરી જ આવશે...’ મનીષા ફરી વાર પ્રૅગ્નન્ટ છે એની જાણ કરવા વિપુલ અને મનીષા અર્જુન સાથે ઘરે આવ્યાં હતાં. તેમણે આપેલા સમાચારથી નવીનચંદ્ર ખુશખુશાલ હતા.
‘એમ? તમને તો બહુ ખબર પડે છેને કંઈ?’ કાન્તાબેને ટીખળ કરતાં કહ્યું હતું.
‘તું ભલે મારી મશ્કરી કર, પણ જાજેને મારી વાત સાચી પડવાની છે.’ કાન્તાબેનની મશ્કરીથી નાના છોકરાની જેમ નારાજ થઈ ગયેલા નવીનચંદ્રે ખાતરીપૂર્વક કહ્યું હતું.
તમારી આ શ્રદ્ધા જ મને ગમે છે એવું કહેવાની કાન્તાબેનને ઇચ્છા થઈ આવી હતી, પણ એવું કંઈ કહેવાને બદલે તેમણે ટીખળ કરવી ચાલુ રાખી.
‘એમ તો વિપુલ વખતે પણ તમે એમ જ કહેતા હતાને કે આપણે ત્યાં દીકરી જ આવશે...’ કાન્તાબેને નવીનચંદ્રને ચીડવવા માટે દાવ નાખ્યો. કાન્તાબેનના ધાર્યા મુજબ પાસા પોબારા પડ્યા.
‘હા-હા, કોઈ વખત ભૂલ થાય! એમાં દર વખતે આટલું સંભળાવે છે શાની?’ નવીનચંદ્ર ખિજાઈ ગયા હતા.
‘આ લો... આ તો એ જ વાત થઈ ને કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે!’ કાન્તાબેને હસવું ખાળવા હોઠ દાબી દીધા. ‘તમને દીકરીની આટલી ઇચ્છા હતી એટલે તો...’
‘તને કેટલી વાર કહ્યું છે કે એ વાત યાદ ન કરાવ. મારે લીધે તારો જીવ જાખમમાં મુકાયો હતો. કાન્તા, તને કંઈ થઈ ગયું હોતને તો...’ આટલાં વર્ષેય શ્વેતાની ડિલિવરી વખતે કાન્તાબેનની તબિયત ગંભીર થઈ ગઈ હતી એ યાદ કરી નવીનચંદ્રની આંખો ભીની થઈ ગઈ હતી.
‘તમેય શું આમ રડવા બેઠા છો. આ બેઠી તમારી સામે. કડેધડે છું ને એમ ઝટ જવાનીયે નથી. શું સમજ્યા? મેં તમને કેટલી વાર કીધું છે કે મને પણ એક દીકરી જાઈતી જ હતી એટલે તો...’
‘રહેવા દે હવે. મને બધી ખબર છે. મને દીકરીની આટલી ઇચ્છા હતી એટલા માટે ત્રીજા બાળકનો નિર્ણય લીધો હતો.’
‘આપણું તો બધું પૂરું થયું, પણ હવે વિપુલને ત્યાંય દીકરી જ આવે એવું ગાંડપણ તમને શું કામ હોવું જાઈએ?’
‘કાન્તા, તું ગમે તે કહે, પણ દીકરી માવતરને જેટલો પ્રેમ કરે એટલો દીકરો ન જ કરે અને દીકરી માટેનો મા-બાપનો પ્રેમ નિઃ સ્વાર્થ હોય. આવો નિઃસ્વાર્થ પ્રેમ કરવાનો મોકો ઈશ્વર કંઈ બધાને નથી આપતો. દીકરીનાં મા-બાપ થવાના આશીર્વાદ તો પુણ્યશાળી જીવને જ મળે...’ નવીનચંદ્ર બોલતાં-બોલતાં એકદમ લાગણીવશ થઈ ગયા.
‘તમે ગમે તે કહો ચંદ્ર, પણ કોઈનોય પ્રેમ કોઈનાય માટે ક્યારેય નિઃસ્વાર્થ હોતો જ નથી. હં... હં... એક મિનિટ, મને પૂરું બોલી લેવા દો.’ કાન્તાબેને તેમને બોલતા અટકાવી દીધા. ‘મને ખબર છે કે તમે એમ જ કહેવાના કે મા-બાપની દીકરી પાસે કોઈ આશા ન હોય, કારણ કે તે તો પારકે ઘરે જ જવાની હોય... પણ તે આપણને આજીવન પ્રેમ કરશે એટલી અપેક્ષા તો આપણી રહેવાની જને? તમારો કૃષ્ણ ભગવાન ભલે ભગવદ્ગીતામાં કહી ગયો અને તમારા જેવા લોકો આજ સુધી રટણ કરતા રહ્ના કે ફળની ઇચ્છા વિના કર્મ કરતા રહો, પણ સંસારી જીવ માટે એેવું કરવું શક્ય નથી. ને ખુદ તમારા કૃષ્ણે પણ રણમેદાન વચ્ચે ઊભા રહીને અર્જુનને આટલો લાંબો ઉપદેશ આપી દીધો ત્યારે તેમને એટલી તો અપેક્ષા હતી જને કે અર્જુનનું મન બદલાઈ જાય અને તે લડવા માંડે.’
‘તને કોણ જાણે ક્યાંથી આ બધી દાખલા-દલીલ સૂઝી આવે છે અને ક્યાંની વાત ક્યાં લઈ જાય છે.’ નવીનચંદ્ર જાણતા હતા કે કાન્તા સાથે આ બધી બૌદ્ધિક દલીલોનો કોઈ અર્થ નહોતો.
‘તને ખબર છે, કોઈ પણ પ્રેગ્નન્ટ બાઈને જાઈને કાશીફોઈ તરત કહી આપતાં કે તેને દીકરો આવશે કે દીકરી. મેં મારી નજરે જાયું છે કે તેમની વાત ક્યારેય ખોટી નથી પડી.’
‘તે તમને કાશીફોઈનો આત્મા કાનમાં આવીને કહી ગયો કે મનીષાને દીકરી જ આવવાની છે?’
‘કાશીફોઈ અહીં આપણાં ઘરે હતાં ત્યારે એક દિવસ મેં તેમને પૂછ્યું હતું અને તેમણે મને સમજાવ્યું હતું કે મહિના હોય એવી બાઈ ચાલવા ઊભી થાય ત્યારે જો તે પહેલું ડગલું ડાબા પગે માંડે તો દીકરી અને જમણા પગે માંડે તો દીકરો...’
‘તમેય શું ચંદ્ર...’ કાન્તાબેન ખડખડાટ હસી પડ્યાં હતાં, પણ નવીનચંદ્ર ગંભીર હતા. કાન્તાબેન જાણતાં હતાં કે નવીનચંદ્ર મૂળ શ્રદ્ધાળુ જીવ હતા અને તેમની શ્રદ્ધા અડગ હતી.
દર બે દિવસે તે કાન્તાબેન પાસે મનીષાને ફોન કરાવડાવતા અને તેના ખબરઅંતર જાણી લેતા. કાન્તાબેનને પોતાને પણ ચિંતા હતી દીકરો હોય કે દીકરી, પણ મનીષાની અને બાળકની તબિયત સાજીસમી હોય એેની.
છેલ્લે જ્યારે તે ઓ મનીષા સાથે ચેક-અપ માટે ડૉક્ટર પાસે ગયાં હતાં ત્યારે મનીષાને તપાસી લીધા પછી ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખતાં કહ્યું હતું, ‘હાથ-પગ પર સોજા છે. બી.પી. પણ થોડુંક વધુ છે. ખાવાપીવામાં ધ્યાન રાખજો. ખાવામાં મીઠું ઓછું ખાવાનું રાખો. સૅલડ, ફ્રૂટ, બાફેલાં શાકભાજી વધારે માત્રામાં લેજા. સૅલડ કે બાફેલા શાકભાજીમાં મીઠું નહીં નાખવાનું અને નાખવું જ હોય તો થોડુંક જ.’
કાન્તાબેનને ખબર હતી કે મનીષાને તીખું-તમતમતું અને ચટપટું ખાવાનું જ વધારે ભાવતું. તેની સોસાયટીના ગેટ પર ઊભા રહેતા પાણીપૂરી, સેવપૂરી અને ભેળ તેમ જ સૅન્ડવિચના ખૂમચાવાળાની તે નિયમિત ગ્રાહક હતી. અર્જુન વખતે તો કાન્તાબેન અને નવીનચંદ્ર અવારનવાર તેના ઘરે જતા અને છેલ્લા દિવસોમાં તો કાન્તાબેન પોતે જ હાજર હતાં એટલે તેના ખાવાપીવા પર ખૂબ ધ્યાન આપતાં. આ પ્રેગ્નન્સી દરમિયાન તેને દરરોજ બે પ્લેટ પાણીપૂરી ખાધા વિના ચાલતું જ નહોતું એવું મનીષા પોતે જ કહેતી હતી. કાન્તાબેન તેને ઘણી વાર ટોકતાં કે રોજ બહારના કચરા ખાવા સારા નહીં, પણ મનીષા તેમની વાતને હસી કાઢતી. ‘નક્કી છોકરી જ હશે એટલે જ મને આવું ખાટું અને તીખું ખાવાની ઇચ્છા થાય છે.’
છેલ્લા બે મહિનાથી જે રીતે પોતાના જીવનમાં ઘટનાઓ બની રહી હતી એમાં આ વખતે પોતે મનીષા તરફ પૂરતું ધ્યાન આપી શક્યાં નહોતાં એવો વિચાર કાન્તાબેનને આવી ગયો.
‘શું કહ્યું વિપુલે?’ ડ્રાઇવ કરી રહેલી કાશ્મીરાને કાન્તાબેને પૂછ્યું.
‘ખૂબ જ ચિંતામાં લાગતા હતા. મનીષા અચાનક ચક્કર આવીને પડી ગઈ છે અને હૉસ્પિટલમાં લઈ ગયા છે એટલું જ બોલ્યા.’ કાશ્મીરાએ જવાબ આપ્યો.
કાન્તાબેને બારીની બહાર જાયું. ઝાડના થડ પાસે કીડીઓની કતાર જઈ રહી હોય એેમ મોટરકાર અને રિક્ષા, ટૅક્સી કતારબંધ જઈ રહી હતી. એે બધાની વચ્ચે મંકોડા જેવો મોટો ખટારો કાળા રંગના ધુમાડા ફેંકતો ઊભો હતો. સવારનો સમય હતો એટલે સામેની બાજુ એટલે કે મુંબઈ તરફ જતો ટ્રાફિક હતો. તેમની કાર બોરીવલી તરફ જઈ રહી હતી. આ બાજુ પ્રમાણમાં ઓછો ટ્રાફિક હતો. કાશ્મીરા ઝડપથી કાર દોડાવી રહી હતી. તેમ છતાં કારની ગતિ ધીમી છે એવું લાગતું હતું.
જોશી મૅટરનિટી હોમના કમ્પાઉન્ડમાં કાશ્મીરાએ કાર પાર્ક કરી. કાન્તાબેન પગના દુખાવા સાથે પણ શક્ય એટલી ઝડપથી પગથિયાં ચડી પહેલે માળે પહોંચ્યાં. બહાર વેઇટિંગ રૂમમાં જ વિપુલ બેઠો હતો. તેની બાજુમાં તેનાં પાડોશી જ્યોતિબેન બેઠાં હતાં. વિપુલના ચહેરા પર ટેન્શન જણાતું હતું.
‘કેમ છે મનીષાને? અચાનક શું થઈ ગયું?’ કાન્તાબેને પૂછ્યું.
મનીષા સવારે ચક્કર આવવાને લીધે બાથરૂમમાં પડી ગઈ હતી. ડૉક્ટરના કહેવા માણે બ્લડપ્રેશર બહુ હાઈ થઈ ગયું હતું. મનીષા અને તેના બાળક બન્નેના જીવને જાખમ હતું એટલે સિઝેરિયન કરી બાળકને જન્મ આપવો અનિવાર્ય હતો. મનીષાને ઑપરેશન થિયેટરમાં લઈ ગયા હતા.
મોટા ભાગની માહિતી જ્યોતિબેને જ આપી હતી. વિપુલ તો ચિંતામાં ચૂપચાપ જ બેઠો હતો.
‘અર્જુન ક્યાં છે?’ કાન્તાબેને પૂછ્યું.
‘અહીં અંદર સૂવડાવ્યો છે. તે બિચારો તો એકદમ ડરી ગયો છે.’ જ્યોતિબેને માહિતી આપી. જ્યોતિબેન બોરીવલીની જ સ્કૂલમાં શિક્ષિકા હતાં. તેમણે લગ્ન નહોતાં કર્યાં અને એકલાં જ રહેતાં હતાં.
‘કાશ્મીરા, તું અર્જુનને લઈને ઘરે જા. તેને અહીં નથી રાખવો. ગમે તેમ તોય છોકરું છે, ડરી જાય.’
‘પણ બા...’
‘અમે છીએ અહીં. કંઈ જરૂર હશે તો તને બોલાવી લઈશ.’ કાન્તાબેને કાશ્મીરાને રવાના કરી.
મનીષાનું ઑપરેશન દોઢ-બે કલાક ચાલ્યું.
ડૉ. ઉલ્કા જાશી ઑપરેશન થિયેટરમાંથી બહાર આવ્યાં કે તરત જ વિપુલ અને કાન્તાબેન ઊભાં થઈ ગયાં.
‘મનીષાની તબિયત સારી છે. હજી ભાનમાં આવતાં વાર લાગશે. તમે કૅબિનમાં આવો.’ ડો. જાશીએ કહ્યું.
કાન્તાબેન મનીષા સાથે અગાઉ આવ્યાં હતાં અને અર્જુન વખતે પણ મનીષા આ જ હોસ્પિટલમાં હતી એટલે તેઓ ડૉ. જાશીને સારી રીતે ઓળખતાં હતાં. આ લેડી ડૉક્ટર ઉંમરમાં માંડ ચાળીસેક વર્ષની હતી, પણ બહુ જ ઠરેલ અને શાંત સ્વભાવની હતી. ગુજરાતી વિસ્તારમાં તેની હૉસ્પિટલ હોવાને કારણે પોતે મહારાષ્ટ્રિયન હોવા છતાં સારું ગુજરાતી બોલતી હતી.
‘સારું થયું તમે સમયસર આવી ગયા, નહીં તો... એની વે મિસ્ટર વિપુલ તમારી વાઇફને તો અમે બચાવી લીધી છે પણ આઇ એમ સૉરી, બાળકને ન બચાવી શક્યા. હી વૉઝ અ બેબી બૉય...’ ડો. ઉલ્કા જાશીના અવાજમાં બાળકને ન બચાવી શકવાનું દર્દ હતું.
ડૉ. જાશીના શબ્દો સાંભïળી વિપુલ રડી પડ્યો. ડૉ. જાશીએ તેના ખભે હાથ મૂક્યો.
‘વિપુલ બેટા, તારે હિંમત રાખવી પડશે. તું જ આમ કરીશ તો મનીષાને કોણ સંભાળશે.’ કાન્તાબેને વિપુલને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ પોતે જ અંદરથી હચમચી ગયાં હતાં.
‘પણ આવું થયું કઈ રીતે?’ કાન્તાબેનથી પુછાઈ જવાયું.
‘માસી, અત્યારે એ બધું ડિસ્કસ કરીને શું ફાયદો છે. જે થવાનું હતું એે તો થઈ ગયું છે. એ બધી વાતો આપણે પછી કરીશું.’
બપોર સુધીમાં તો મનીષાનાં બા અને તેનાં ભાઈ-ભાભી આવી ગયાં હતા. મનીષાનાં બાએ તો આવતાવેંત જ ઠૂઠવો મૂક્યો.
‘આ શું થઈ ગયું વિપુલકુમાર...’ વિપુલને વળગીને તેમણે જોર-જોરથી રડવા માંડ્યું.
‘‘અરુણાબેન, તમે શાંતિ રાખો. આપણે જ આવું કરીશું તો છોકરાઓને કોણ સાચવશે?’ કાન્તાબેને મનીષાની બાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે તો વધુ જારથી રડવા માંડ્યું.
‘મારી ફૂલ જેવી દીકરી... તેને ખબર પડશે ત્યારે તો તે મરી જ જશે... આવું કઈ રીતે થયું વિપુલકુમાર.. મારી તો બહુ ઇચ્છા હતી કે હું જ અહીં આવીને રહું, પણ મારું ડાયાબિટીઝ બહુ વધી ગયું છે. અરેરેરે, આ શું થઈ ગયું મનીષા....’ અરુણાબેન એકધાર્યું બોલ્યે જતાં હતાં. તેમના બોલવાને કારણે વિપુલ વધુ ઢીલો થઈ ગયો હતો.
‘ડૉક્ટર શું કહે છે? આવું કેમ થઈ ગયું?’ અરુણાબેને ફરી પૂછ્યું.
વિપુલે કાન્તાબેન સામે ધારદાર નજર નાખી અને પછી આંખમાં આવેલાં આંસુ લૂછતાં બોલ્યો, ‘ડૉક્ટર શું કહેવાના હતા? અમારા ઘરે જીવતા માણસોની કોઈ કાળજી નથી લેતું. જીવતા કરતાં મરી ગયેલા માણસો માટે વધુ ચિંતા કરવામાં આવે છે...’