Upadi gansadi shikshanni re.. in Gujarati Magazine by Badal Sevantibhai Panchal books and stories PDF | ઉપાડી ગાંસડી શિક્ષણની રે... કેમ નાંખી દેવાય ! - ભાગ ૧

Featured Books
Categories
Share

ઉપાડી ગાંસડી શિક્ષણની રે... કેમ નાંખી દેવાય ! - ભાગ ૧

ઉપાડી ગાંસડી શિક્ષણની રે ....કેમ નાંખી દેવાય ???!!

(ભાગ ૧)

ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ શિક્ષણને લઈને મારામારી ચાલી રહી છે. ત્યારે સામાન્ય માણસ ઘેટાશાહીની વૃત્તિને વશ થઇ એજ્યુકેશન લોનથી લઈને ડોનેશન સુધીના તળિયાઝાટક કૂવામાં તરવાની પ્રેકટીશ કરી રહ્યો છે. ત્યારે એને લાલ સિગ્નલ બતાવી, કેટલાક પાયાભૂત પ્રશ્નોની છડી સાથે, આપેલ પ્રશ્નો અને તેના ચોટદાર ઉત્તરો સાથે રેડી છે આજનો આર્ટીકલ.....

સતત વગોવાતી, ગુંચવણભરેલી, ત્રસ્તદાયક અને એકઝોસ્ટ કરી નાખતી આપણી શિક્ષણસંસ્થા, શિક્ષણપ્રથા, શિક્ષણવ્યવસાય, શિક્ષણ અને શિક્ષક બધાને ધૂળ સાફ કરીને દર્પણ બતાવતા કેટલાક પ્રશ્નો જે અઢી વરસના બાળકને સ્કૂલે ધકેલતા અને પચ્ચીસ વરસના યુવાનને કોલેજથી નાસી જવા અથવા આપઘાત કરતા પહેલા વિચારવા મજબૂર કરી દે .....

પ્રશ્ન : શું ભણવું જરૂરી છે??

ઉત્તર : જો કે આનો જવાબ આપણે સૌ જાણીએ છીએ. હા, ભણવું જરૂરી છે ...સામાન્ય કેલ્ક્યુલેશનથી લઈને રોજીંદા કામકાજ અને વ્યવસાયમાં જરૂરી ડહાપણ કેળવી શકાય એટલું તો ભણવું જ રહ્યું !! આપણી પાસે 'કોન બનેગા કરોડપતિ' માં જવાય અને કરોડો રૂપિયા જીતાય એટલું સામાન્ય કે અસામાન્ય જ્ઞાન ના હોય તો પણ ગભરાવું નહિ. પણ આપણા જીવનની સમસ્યાઓને ડહાપણથી ઉકેલી શકીએ એટલું જ્ઞાન અનિવાર્ય છે.

પ્રશ્ન : ભણવું શા માટે જોઈએ ???

ઉત્તર : સીધો-સાધો જવાબ - પૈસા કમાવવા માટે ....મોટાભાગના ઘરોમાં મા-બાપ પોતાના સંતાનોને ધમકાવતા અને સમજાવતા કહે છે કે ‘તું ભણીશ નહિ તો કમાઇશ શું ??પૈસા ક્યાંથી આવશે??’

બીજું - સ્ટાન્ડર્ડ મેઈનટેન કરવા- આધુનીક ઉપકરણો લઈને રીચનેસ દેખાડે એવા સાધનો વસાવી અનુકૂળ જીવન જીવવા ....ત્રીજું- સન્માન મેળવવા માટે- ડોક્ટર કે એન્જીનીયર બનીને સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં બધે જ સન્માન મળે !! આવતો જતો દરેક માણસ હાથ કરે, સલામ કરે....ચોથું - મા-બાપના ધંધાને આગળ વધારવા- માબાપને પોતાના બાળક કરતા પોતાના ધંધાની વધુ પડી હોય છે. એટલે બાળકમાં એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ભવિષ્યમાં વ્યાજ મળે એવી છૂપી ઝંખના સાથે આપણે બાળકને શાળાએ ધકેલીયે છીએ. .....આ બધા આપણા કારણો છે પણ સત્ય એથી વિપરીત છે !!! ભણતરનો મુખ્ય હેતુ પૈસા કમાવવા કે સન્માન મેળવવાનો છે જ નહી...એ તો ભણવાથી મળતા બાયપ્રોડકટ છે. ભણતરનો હેતુ બસ એટલો જ કે તમે જીવન વિચારીને જીવી શકો !! તમારા જીવનને સરળ, સહજ અને સુખમય બનાવવા ભણતર છે...ભણતરથી તમે પોતાની જાત સાથે સંવાદ સાધી શકો, દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી નિહાળી શકો એટલે પોતાનો દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પણ ભણતર છે!! શાસ્ત્ર કહે છે ' ‘વિદ્યાધનમ સર્વ ધનમ પ્રધાનમ.’ વિદ્યા સ્વયં ધન છે અથવા ધનમાં શ્રેષ્ઠ છે. રીચડેડ એન્ડ પુઅરડેડ નામની પુસ્તકમાં લેખક રોબર્ટ કિયોસાકીએ સુંદર વાત કહી છે : " આપણી આજુબાજુનું જગત ક્યારનું બદલાઈ ગયું છે પણ સલાહ નથી બદલાઈ. "

આપણે હજુ પણ ભણતરના એ જ હેતુઓ આપણા સંતાનોના માથે ઠોકી બેસીએ છીએ..આપણે શાંતિથી આપણી આસપાસ નજર કરીએ તો ઘણા એવા કિસ્સા મળશે કે જેઓ ભણ્યા નથી પણ પુષ્કળ પૈસા કમાઈ રહ્યા છે. આપણે આપણી ઇચ્છાઓ, આપણી કરિયર, આપણી મહત્વાકાંક્ષા જાણે અજાણે બાળકો પર થોપીયે છીએ. રવીન્દ્રનાથ ટાગોરે આવા વડીલોને ચાબખા મારતા કહ્યું છે : “ don’t limit a child to your own learning, for he was born in another time”

પ્રશ્ન: કેટલું ભણવું (કેટલી ડીગ્રી, કેટલો અભ્યાસ ) જરૂરી છે ?

ઉત્તર : ગૌતમ બુદ્ધની એક કથા મુજબ- જયારે બોધીવૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્તિ કાર્ય બાદ બુદ્ધ પોતાની નગરીમાં વિહાર કરતા આવે છે. ત્યારે તેમની પત્ની યશોધરાને મળે છે અને યશોધરા બુદ્ધને કહે છે " જે જ્ઞાન પ્રાપ્ત કરવા તમે ગૃહસંસારનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો અને મારો પણ ત્યાગ કર્યો એ જ્ઞાન તો હું આ સંસારમાં રહીને જ મેળવી ગઈ. જ્ઞાન ક્યાં છે એ મહત્વનું નથી... મહત્વનું જ્ઞાન છે..!!!" એવી જ રીતે M.Com, M.Sc, MBA, ME, M.Tech, MBBS જેવી દરેક ક્ષેત્રની અગણિત ડીગ્રીઓ જરૂરી નથી. નોલેજના રૂપમાં વિશ્વના કોઈપણ ખૂણેથી જે મળે, જેટલું મળે બધું પ્રાપ્ત કરો. શીખો અને વિકસો, જીવો અને જાણો....એનો અર્થ એ નથી કે પુસ્તકીયાકીડા (બુકવોર્મ) બનીને, સોડાબાટલીના ગ્લાસ જેવા ડાબલા ચઢાવીને બુકમાં ઊંધું ઘાલીને પેસી જવાનું...જેટલું જ્ઞાન પુસ્તકમાં છે એટલું જ પુસ્તકની બહાર પણ છે !!!

હવે વાત ડીગ્રીની, માસ્ટરસની, ગ્રેજયુએટની કે પછી ડોક્ટર્સની .....સચિન તેંડુલકર શું ભણ્યો છે ખબર છે? અમિતાભ બચ્ચન પાસે કઈ ડીગ્રી છે ખબર છે??? અબ્દુલ કલામ કે આઈનસ્ટાઇન શું ભણ્યા એ ખ્યાલ છે??એમ . એફ . હુસેન કે પછી ધીરુભાઈ અંબાણી કયા ગ્રેજયુએટ છે??

ડીગ્રી એ તમે કેટલું ભણ્યા એનો પુરાવો માત્ર છે. પણ કેટલું ભણતર તમારા ઊંડાણમાં ગયું, કેટલું તમે ગ્રાસ્પ કર્યું (ગ્રહણ કર્યું ) એનો પુરાવો નથી.....

પ્રશ્ન : તો ડીગ્રીનું મહત્વ કેટલું ??

ઉત્તર: ડીગ્રીનું મહત્વ તમને કોઈ કંપનીમાં જોબ મળે ત્યાં સુધીનું- ત્યારપછી ડીગ્રીને કોઈ ગણકારતું નથી. શક્ય હોય કે પચ્ચીસ કે ત્રીસ વરસ એક જ કંપનીમાં કામ કરતા, મેનેજર કે સીનીયર મેનેજરની ઉપલબ્ધી પ્રાપ્ત કર્યા પછી પણ એ માણસને કંપનીના દરેક કામકાજમાં બે માણસની સલાહ જોઈએ. નાનો સરખો ઓપરેટર જે કામ કરી શકતો હોય અથવા જેટલી આવડતથી મશીન ચલાવી શકતો હોય એટલી કુશળતાથી તમે ડોકટરેટ હોવા છતાં ના ચલાવી શકો. ....

આમ જોવા જઈએ તો ડીગ્રીને સફળતા સાથે કઈ જ લેવાદેવા નથી. કારણકે ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ પાસે કોઈ બીજા ફિલ્ડની ડીગ્રી હોય અને એ કોઈ બીજા જ ફિલ્ડમાં સફળ હોય !!! પણ આજકાલ તો લગ્નની કંકોત્રીથી લઈને ચાપલોચીબાવલો દરેક માણસ તમને તમારી ડીગ્રી પૂછશે અને પછી તમારા નોલેજની પુષ્ટિ કરશે (આવા લોકોને તો દૂરથી જ સલામ !!!)

પ્રશ્ન : શિક્ષણ માટેનું ઉત્તમ માધ્યમ કયું ?? અથવા કઈ ભાષામાં શિક્ષણ જરૂરી છે??

ઉત્તર: આગળ કહ્યું એ પ્રમાણે ' મહત્વનું જ્ઞાન છે' એ ક્યાંથી મળે છે? , કેવી રીતે મળે છે?, કઈ ભાષામાં મળે છે ?? એ મહત્વનું નથી ... અંગ્રેજીમાં જે ન્યુટન કે આઈનસ્ટાઇનના નિયમો છે એ જ નિયમો માતૃભાષાના શિક્ષણમાં પણ છે. હા,થોડા સમયથી અંગ્રેજી માધ્યમે નાના-મોટા સૌને ચકડોળે ચડાવ્યા છે. અંગ્રેજીમાં ભણવાથી ઉત્તમ ભણતર મળે, સ્ટાન્ડર્ડ વધે, આપણો વટ પડે એવા ફૂસકા ભાષણબાજી કરનારાઓ શેખચિલ્લીથી જરાય ઉણા ઉતરે એવા નથી...ગુણવંત શાહે કહ્યું છે " આજનો વિદ્યાર્થી ધોબીના કૂતરા જેવો થઇ ગયો છે. ના તો તે શેકસપિયરના સાહિત્યને સમજી શક્યો, ના તો ઝવેરચંદ મેઘાણીના... આ તો બાવાના બેઉ બગડ્યા." નવી ભાષા શીખવી એ ચોક્કસ એપ્રીશીયેબલ છે. નવી ભાષા એ નવી સંસ્કૃતિ, નવી કથા, નવા વિચારોને ઉઘાડી આપે છે. અંગ્રેજી ભાષા પાસે પુષ્કળ સાહિત્ય છે. એનો અર્થ એ નથી કે બાળકને માતૃભાષાથી વંચિત રાખવું..!! વ્યક્તિ કેટલો પણ બીજી ભાષાનો નિષ્ણાંત બને પણ તે વિચારશે તો માતૃભાષામાં જ !! ઉત્તમ અંગ્રેજી લખી અને વાંચી શકનાર ગાંધીજીએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો' ગુજરાતીમાં જ લખેલી... પછીથી તે બીજી ભાષાઓમાં અનુવાદિત થઇ. અમૃતા પ્રીતમે તેની પૂરી જિંદગી પંજાબીમાં લખ્યું !!!

નર્મદ કહે છે તેમ " ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે ઈ શૂર"

પ્રશ્ન : ગુરુકુળથી લઈને ક્લાસરૂમ સુધી વિસ્તરેલું શિક્ષણ કેટલા અંશે યોગ્ય??

ઉત્તર: એક જ જગ્યાએ, એક જ અવસ્થામાં, છ થી આઠ કલાક બંધિયાર વાતાવરણમાં રહેલું શિક્ષણ યોગ્ય નથી જ...!!! એક ઇન્ટરવ્યુમાં માર્ક ઝુકરબર્ગને પૂછવામાં આવેલું "યુવાનો ફેસબુકને શા માટે આટલું પસંદ કરે છે ??" ત્યારે તેણે કહેલું " ફેસબુક ઈઝ કેમ્પસ વિધાઉટ ક્લાસરૂમ.." વાતમાં સો મણનું સત્ય !!!

જેટલું બાળક ક્લાસરૂમની બહાર, કેમ્પસમાં ફ્રેન્ડસ સાથે મજાકમસ્તી કરતા, ટીચર્સની ખીલ્લી ઉડાડતા, નૈનમટક્કા કરતા અને ફ્રેન્ડસની સાથોસાથ અજીબોગરીબ ઉદાહરણો અને ટીપ્સથી યાદ રાખતા સવાલ જવાબો ક્લાસરૂમમાં કલાકોના કલાકો માથું ખંજવાળતા પણ યાદ નથી રહેતા. ક્લાસરૂમમાં થીયરી શીખવી શકાય. સિદ્ધાંતો, સુત્રો, દાખલાઓ, ઇતિહાસની વાતો ને અર્થશાસ્ત્રના આંકડા શીખી શકાય.. પણ પ્રેમના ગીત તો નજરની સામે રહેતા ચહેરાને જોઇને જ ગાઈ શકાય. વિજ્ઞાનના પ્રયોગો તો લેબોરેટરીમાં જ બ્યુંરેટ, પીપેટ અને રસાયણોથી સમજાય.....બાયોલોજી શીખવા અને સમજવા માટે અળસિયા, ઉંદર અને સાપનું ડીસેક્સન તો કરવું જ પડે !!ગાંધીજી જયારે દક્ષીણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ભણાવતા ત્યારે ભરબપોરે બાળકોને પાવડા અને કોદાળી લઈને ખેતરમાં કામ કરાવતા...સાંજે ઉદ્યોગકામ અને ચરખો ચલાવતા શીખવતા..એટલે પ્રેક્ટીકલ અને થીયરી સાથોસાથ ....સળંગ છ થી આઠ કલાક ભાષણબાજી જેવા બોરિંગ અને સડિયલ લેકચરો સાંભળીને તો માણસના મગજની નસો ફાટવાની જ !!!