ફેશન ખતમ મુઝપે
મિતલ ઠક્કર
બહેનો, નવા જમાના સાથે તાલ મિલાવવા અને પોતાને અનુકૂળ રહે એવી ફેશન અપનાવવા તેના વિશે થોડી જાણકારી જરૂરી છે. છેલ્લા થોડા વર્ષોમાં ફેશન ડિઝાઇનરો અને એક્સ્પર્ટ પાસેથી જાણેલી તથા વાંચેલી ફેશન ટ્રેન્ડની કેટલીક નવી અને ઉપયોગી વાતો સંકલિત કરીને એક ફ્રેન્ડ તરીકે આપની સાથે વહેંચી રહી છું. આ વખતે પાર્ટીમાં કેવી ફેશન કરવી જોઇએ તેની વધુ માહિતી આપી છે. આશા છે કે આજની મહિલાઓને આ ફેશનના રંગે રંગાવાનું ગમશે.
ફેશન ફ્રેન્ડની વાતો ભાગ-૩
* પાર્ટીમાં કંઈક નવું પહેરવું હોય તો ડ્રૉપ શોલ્ડર ડ્રેસ ટ્રાય કરી શકાય. ડ્રૉપ શોલ્ડર ડ્રેસમાં લગભગ બધી જ લેન્ગ્થ મળે છે. જેમ કે ફુલ લેન્ગ્થ, મિડ લેન્ગ્થ અને શૉર્ટ લેન્ગ્થ. બૉડી-ટાઇપ પ્રમાણે લેન્ગ્થની પસંદગી કરવી. જો તમારું શરીર થોડું ભરેલું છે તો તમે ડ્રૉપ શોલ્ડર ડ્રેસ પહેરી શકો. આ ડ્રેસમાં તમારા શોલ્ડર એન્હૅન્સ થાય છે. માટે જો બહુ પાતળી યુવતી પહેરે અને શોલ્ડરના બોન્સ દેખાય તે સારું ન લાગે.
* લૉન્ગ ટૉપ ચૂડીદાર સાથે તો સારા લાગે જ છે, પરંતુ જો તમારે પાર્ટીમાં અલગ તરી આવવું હોય તો લૉન્ગ ટૉપ સાથે તમે એ-લાઇન સ્કર્ટ પહેરી શકો. એ-લાઇન સ્કર્ટ ભરાવદાર યુવતીઓ પર વધારે સારું લાગશે અને જો તમારું શરીર સુડોળ હોય તો તમે લૉન્ગ ટૉપ સાથે ફ્લેરી સ્કર્ટ પણ પહેરી શકો. ફૉર્મલ લુક માટે પ્લેન સ્કર્ટ વિથ બૉર્ડર પસંદ કરવું અને એની સાથે હાઈ નેક કે ક્લોઝ નેકની પ્લેન અથવા થોડી એમ્બ્રૉઇડરી હોય એવું લૉન્ગ ટૉપ પસંદ કરવું. લૉન્ગ ટૉપ રો-સિલ્ક કે સિન્થેટિકમાં પસંદ કરવું જેથી ફૉર્મલ લુક મેન્ટેઇન થાય. આ લુક સાથે ફ્લૅટ ફુટવેઅર વધારે સારાં લાગશે.
* કેટલીક મહિલા લૅગિંગ સાથે ડ્રેસ પહેરતી હોય છે. ડાર્ક કલરના ડ્રેસને બેલ્ટ અને એક્સેસરીસ સાથે પહેરી શકો છો. કેટલીકવાર બધા કલરનાં લૅગિંગ સાથે પૂરતી લંબાઈના ટૉપ ન હોય એવું બની શકે છે. ચિંતા કરવાને બદલે ગૂંથણવાળી કૂર્તી અને ઉપર કાર્ડિગન પહેરો. શોર્ટ ટૉપ પણ સારું લાગે. લૅગિંગ સાથે લાંબું કાર્ડિગન પહેરવાથી શરીરનાં વળાંક પણ ઢંકાયેલા રહેશે.
* પાર્ટીમાં જવાના હો અને કોઈ વાઈબ્રન્ટ અથવા ચળકતું ટૉપ પહેર્યું હોય તો ન્યૂડ કલરની હિલ્સ પરફેક્ટ લૂક આપે. ફોર્મલ ફંકશન માટે ઑપન ટૉ અને ક્લોઝડ ટૉ હિલ્સ ફૂટવૅરનું ચલણ છે. જ્યારે કૉકટૅલ પાર્ટીમાં જવાના હો તો સ્ટ્રેપી હિલ્સ પરફેક્ટ લાગે.
* તરુણીઓ માટે ફોર પીસ પરફેક્ટ છે. ચૂડીદાર કે ટ્રાઉઝર પર સ્કર્ટ્ બ્લાઉઝ તથા દુપટ્ટો. આ સેટને અલગ બનાવવો હોય તો ચૂડીદાર અને બ્લાઉઝ પહેરી શકો. ફયૂઝન વેરમાં વેસ્ટર્ન અને ટ્રેડિશનલનો સુંદર સમન્વય હોય છે. ડ્રેસીસ મલ્ટિપર્પઝ હોવાથી તેનો પાર્ટીવેર તરીકે પણ ઉપયોગ કરી શકાય. ડિઝાઈનર ડ્રેસ પર બ્રોકેડ ફેબ્રિક વર્ક પર ટ્રાન્સપરન્ટ સ્કર્ટ્ , ચૂડીદાર, દુપટ્ટો અને બ્લાઉઝ હોય છે.
* વેસ્ટર્ન ટૉપ અને ડ્રેસ સિન્થેટિક ફૅબ્રિકમાં જ સારાં લાગી શકે. સૌથી પહેલાં તો ફૅબ્રિકનો ફૉલ જે પહેર્યા પછી તમારા શરીરનો શેપ લઈ લે છે. વેસ્ટર્ન ટૉપ મોટા ભાગે કૉલેજ-ગોઇંગ યુવતીઓ પહેરતી હોય છે. આવાં ટૉપ ખાસ કરીને ટ્રાન્સપરન્ટ હોય છે જેની અંદર મિક્સ-મૅચ કરી અલગ-અલગ કલરની સ્પૅગેટી પહેરી શકાય. ચોમાસામાં આવાં ટૉપ ઘણાં સારાં પડે. પાર્ટીમાં જવાનું હોય અને અચાનક વરસાદ પડે અને તમે જો સિન્થેટિક ડ્રેસ પહેર્યો હોય તો તમારો ડ્રેસ બગડશે નહીં. જો ભીનો પણ થશે તો જલદીથી સુકાઈ જશે અને એમાં કરચલી પણ નહીં પડે. સિન્થેટિક ફૅબ્રિકમાંથી બનાવેલાં ટૉપ અને ડ્રેસમાં થોડી એમ્બ્રોઇડરી કરવામાં આવે તો એકદમ જ ઉઠાવ આપે છે.
* બૉટમમાં અત્યારે લેગિંગ્સ સિવાય ધોતી પૅન્ટ, હેરમ, પ્લાઝો બહુ ઇન છે. જે તમને ફ્યુઝન લુક આપે છે. આ સિવાય તમને જો એકદમ ભારતીય લુક જોઈતો હોય તો અલીગઢી સલવાર, પટિયાલા સલવાર, અલાદ્દીન સલવાર પણ ટ્રાય કરી શકો છો. પલાઝોમાં પણ તમને ઘણી વરાઇટીઓ જોવા મળે છે. જેમ કે સક્યુર્લર પલાઝો, જેમાં અમ્બ્રેલા કટ હોય છે જે દૂરથી ઘાઘરા જેવો લુક આપે છે. કલીવાળા પલાઝો પણ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. જે તમને સ્કર્ટ જેવો લુક આપે છે. આ સિવાય સિગારેટ પૅન્ટ, ધોતી પૅન્ટ સલવાર, પટિયાલા સલવાર, અલીગઢી સલવાર (સેમી પટિયાલા), હેરમ પૅન્ટ, વાઇલ્ડ લેગ પૅન્ટ પણ અત્યારે ઇન છે.
* પ્રિન્ટેડ બ્લાઉઝ સીવડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બ્લાઉઝ કટોરીવાળું ન સિવડાવવું, પરંતુ પ્રિન્સેસ કટવાળું કરાવવું. જેથી ટ્રાન્સપરન્ટ સાડીમાં ખરાબ ન લાગે. જો તમારી બ્રેસ્ટ-સાઇઝ હેવી હોય તો પ્રિન્સેસ કટવાળું બ્લાઉઝ પહેરવાનો આગ્રહ ન રાખવો, માત્ર કટોરીવાળું બ્લાઉઝ જ પહેરવું. જોકે શરત માત્ર એટલી કે સાડી જાડા ફૅબ્રિકની હોવી જોઈએ જેથી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં ન મુકાવું પડે.
* ક્યારેક કોઈ પાર્ટી કે ફંકશનમાં જવું હોય ત્યારે અમુક ફૅશન-ગિમિક વાપરીને ખામી થોડા સમય માટે આસાનીથી છુપાવી ચોક્કસ શકાય છે. એ ફૅશન-ગિમિકનું નામ છે બૉડીશેપર્સ. બૉડીશેપર્સ એટલે શરીરના ચોક્કસ ભાગોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલાં એવાં ખાસ ઇનરવેઅર્સ જે પહેરવાથી પેટ સપાટ હોવાનો, હિપ્સ ગોળાકાર હોવાનો, સાથળ પાતળી હોવાનો તથા બ્રેસ્ટ સુડોળ હોવાનો આભાસ ઊભો કરી શકાય છે. આજકાલ બજારમાં આવાં અઢળક બૉડીશેપર્સ ઉપલબ્ધ છે જે શરીરની નાની-મોટી ખામીઓને સરળતાથી છુપાવી શકે છે.
* લગ્ન કે પાર્ટીમાં સાડી પહેરવી હોય તો હીલ્સ મસ્ટ છે. જીન્સ સાથે હીલ્સ હોય તો પગનો શેપ સારો લાગે અને સ્કર્ટ કે વન-પીસ સાથે તો સ્ટિલેટોઝ જ પર્ફેક્ટ દેખાય. જોકે આ બધી માન્યતાઓ છે, કારણ કે મોટા ભાગની સ્ત્રીઓ આ પ્રસંગોપાત્ત પહેરાતી હાઈ હીલ્સમાં કમ્ફર્ટેબલ નથી અનુભવતી અને દિવસના અંતે પીઠ, કમર અને ગોઠણના દુ:ખાવાનો શિકાર બને છે. જોકે હવે સેલિબ્રિટીઓ પણ હાઇટ અને લુકનું ટેન્શન છોડીને ફ્લૅટ્સ પહેરવા લાગ્યા છે અને એના અનેક ફાયદા પણ છે.
* સાડી, સલવાર-કમીઝ અને લહેંગા-ચોલી સાથે પહેરવા માટે આજે પંજાબી સ્ટાઇલ જૂતી અને રાજસ્થાની મોજડીમાં અનેક ઑપ્શન્સ છે. પાર્ટી વેઅરથી લઈને બ્રાઇડલ વેઅર સુધી આ જૂતી અનેક ટાઇપનાં વર્ક અને પૅટર્નમાં મળી રહે છે. પાછળથી ખુલ્લી, સૅન્ડલ ટાઇપની અથવા પૂરી પૅક એમ ત્રણે ટાઇપની મોજડી અને જૂતીઓ મળી રહે છે.
* થોડું મોતી કે ઝરદોશી વર્ક કરેલું હેરબૅન્ડ કે હેરબૅન્ડ જેવી બીજી ઍક્સેસરીઝ કોઈ પાર્ટી કે લગ્ન જેવો પ્રસંગ હોય તો જ સારી લાગે છે. યુવતીઓમાં પણ આજકાલ જીન્સ - ટી-શર્ટ સાથે ડેકોરેટિવ હેરબૅન્ડ પહેરી લેવાનો ટ્રેન્ડ છે. જોકે આવું ડેકોરેટિવ હેરબૅન્ડ પાર્ટી વેઅર વન-પીસ પર જ સારું લાગે છે, અને છતાં પહેરવામાં આવે તો લુક હાસ્યાસ્પદ લાગે એમાં કોઈ નવાઈ નથી.
* હમણાં નવું મટીરિયલ ફૅશનમાં છે. એ છે લાયક્રા. લાયક્રામાં પણ બે પ્રકારનાં મટીરિયલ આવે છે. એક છે શિમર લાયક્રા અને બીજું છે નેટ લાયક્રા. આ લાયક્રા પણ તમે વરસાદમાં પહેરી શકો છો. જેને પ્લેન મટીરિયલ ગમતું હોય તેના માટે લાયક્રા બેસ્ટ છે. એમાં પ્રિન્ટ પણ આવે છે, પણ પ્લેનમાં વધારે લોકપ્રિય છે. એમાં તમને કલર્સમાં જ વરાઇટી જોવા મળશે. પણ આ મટીરિયલ ઘણું મોંઘું હોય છે, કેમ કે ઇમ્પોર્ટેડ મટીરિયલ હોય છે. આને પાર્ટીવેઅર મટીરિયલ પણ ગણવામાં આવે છે. વરસાદમાં કોઈને ત્યાં પાર્ટી કે રિસેપ્શન હોય તો તમે આ મટીરિયલનું ગાઉન કે મૅક્સી ડ્રેસ પણ સીવડાવશો તો તમને કમ્ફર્ટ સાથે સ્ટાઇલિશ લુક પણ મળશે. એ સિવાય પલાઝો, ક્યુલોટ્સ અને હમણાં પાકિસ્તાની કુરતીઓ પણ આ મટીરિયલમાં સારી લાગશે.