Maari Maa kya chhe in Gujarati Philosophy by Prashant Salunke books and stories PDF | મારી માઁ ક્યાં છે

Featured Books
Categories
Share

મારી માઁ ક્યાં છે

મારી માં ક્યાં છે?

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

અંજલિ ગીત

હે નાથ જોડીને હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ

શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો,

વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપણી ભક્તિ કરે

લખચોરાશી બંધનોને લક્ષમાં લઇ કાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો,

સુસંપતિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો

જનમોજન સતસંગશી કિરતાર પાર ઉતારજો

આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગની આશા ઉરે એવી નથી

દયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રીજી હૃદયે સ્થાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો,

  • મારી માં ક્યાં છે?

    સવારે મારા ઘરની નજીક જ આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને પાછા ફરી રહેલા મારી માતાને પડોશમાં રહેતા એક બેને પૂછ્યું. “કેમ સુનંદાબેન આજે બહુ ખુશ દેખાઓ છો ને?” અતિ ઉમંગથી મારી માતાએ કહ્યું, “આજે સાંજે પાંચ વાગે મારા દીકરાને વડોદરાના દસ ક્લાસવાળા ભેગા થઈને એવોર્ડ આપવાના છે. એનું સન્માન કરવાના છે.”

    આમ બોલી મારાં માતાશ્રી ઘરમાં પ્રવેશ્યા. રવિવાર હતો અને હું મારી દિનચર્યા પતાવવામાં વ્યસ્ત હતો. માતાશ્રીને જોતા જ મેં પૂછ્યું, “મમ્મી આ ૨૦૧૭ની સાલ મારા માટે બહુ લકી છે નહી? જોને આ વર્ષની શરૂઆતથી જ મને નાની મોટી સંસ્થાઓ તરફથી મારા લેખનકાર્ય બદલ સન્માન મળી રહ્યું છે.”

    માતાએ કહ્યું, “હા બેટા, સારા લોકોની સાથે હંમેશા સારું થાય છે. તું બસ આમ જ લખાણો દ્વારા સારા સંદેશ લોકોના હૈયા સુધી પહોંચાડવાનું કામ અવિરતપણે કરતો રહેજે. કદાચ તને પૈસા નહીં મળે પણ તારા લખાણો વાંચી લોકોના જીવનમાં જો ૧% પણ ફેર પડશે ને તો એનું તને પુણ્ય મળશે. હલકુ લખાણ લખીને રૂપિયા રળવા એના કરતાં સારા લખાણોથી સમાજ સુધારવાનું કામ વધુ યોગ્ય છે. બેટા, થોડા પૌંવા હજુ લેને....”

    મેં કહ્યું, “ના.. મમ્મી.. બસ... મને ઉતાવળ છે. આજે સર સયાજી નગરગૃહમાં બ્રીજ પાર્ક યુવક મંડળને બીજા નંબરનું ઇનામ મળવાનું છે. હમણાં જ મેં કશ્યપને ફોન કર્યો પણ એણે ફોન ઉઠાવ્યો નહિ. કદાચ એ સુઈ ગયો હશે.”

    મમ્મી એ કહ્યું, “બેટા, બીજીવાર ફોન લગાડ..”

    ત્યાંજ મારો મોબાઈલ રણક્યો.

    મેં ફોન ઉઠાવી વાત કરી.

    “શું થયું?” માતા એ પૂછ્યું.

    “કશ્યપનો ફોન હતો, કહેતો’તો કે પંદર મીનીટમાં કુબેરેશ્વર મહાદેવ આવીને ઉભો રહું છું.” મેં નાસ્તો પતાવી ઉભો થતા કહ્યું.

    મારી માતાએ કહ્યું, “બસ? અરે હજુ ખાઇ લે ... શરીર તંદુરસ્ત હશે તો કામ કરાશે... દીપા આને હજુ નાસ્તો આપ...”

    મેં થોડાક રોષમાં કહ્યું,”ના..માં... કહ્યું ને ભુખ નથી... તું તો પાછળ જ પડી જાય છે...”

    “પણ બેટા....” મારી માતા કંઈક બોલવા જતી હતી પણ હું ઉપરની રૂમમાં તૈયાર થવા જતો રહ્યો. તૈયાર થઈને હું ઝડપથી દાદરો ઉતરતા જ બોલ્યો, “ચાલ,, માં.. જઉં છું.. દીપા બાય..”

    આમ બોલી ગાડીમાં બેસી હું સર સયાજી નગરગૃહમાં ગયો. ત્યાં બરાબર બાર વાગે મારો ફોન રણક્યો. મેં મોબાઈલમાં જોયું તો મારી પત્ની દીપાનો ફોન હતો. મેં ફોન ઉઠાવ્યો, “બોલ...”

    “બેટા.. કેવો રહ્યો કાર્યક્રમ?” સામે છેડે મારી માતા હતી.

    “બસ માં જોરદાર કાર્યક્રમ થયો, મંડળને ઇનામ મળી ગયુ છે. છોકરાઓ ખુબ ખુશ છે, બસ દસ મીનીટમાં ઘરે આવું ત્યારે માંડીને બધી વાત કરું છું.”

    મેં આમ કહ્યું. સામેથી માતાએ કહ્યું, “સારું તું ઘરે આવે ત્યારે વાત કરીએ, ઠીક છે, બેટા, હું તારી રાહ જોઉં છું.....”

    ત્યાંજ કશ્યપનો ફોન વાગ્યો..એણે કંઈક વાત કરી ગાડીને પાછી વળાવી. મેં પૂછ્યું, “શું થયું?”

    કશ્યપે કહ્યું, “ચેક લેવાનો ભૂલી ગયા...તે લેવા પાછા બોલાવ્યા છે.”

    મેં ઘડિયાળમાં જોયું બપોરના બાર વાગીને પંદર મીનીટ થઇ હતી.

    બરાબર સાડા બાર વાગે હું ઘરે પહોંચ્યો.

    ઘરમાં પ્રવેશતા જ મારી માતાશ્રીને ભેટી પડ્યો.

    માતાશ્રીએ પૂછ્યું, “કેવો રહ્યો કાર્યક્રમ?”

    મેં કહ્યું, “સરસ... છોકરાઓએ મહેનત કરી હતી અને એનું એમને ફળ મળ્યું. બધા ખુશ એમાં આપણે પણ ખુશ..”

    દીપા જમવાની થાળી લઈ આવી. મેં મોઢામાં કોળિયો મુકતા કહ્યું, “મમ્મી, સવારનો તો કાર્યક્રમ મસ્ત રહ્યો હવે સાંજની ચિંતા છે.” માતાશ્રી. “ઠીક છે.. આજે સાંજે તો તારા માટે જ કાર્યક્રમ આયોજિત કર્યો છે ને? ત્યાં તું સ્પીચ પણ આપવાનો છે. નક્કી કરી લીધું કે શું બોલવાનો છું તે?”

    મેં કહ્યું “હા..માં.. ”

    મમ્મી, “તો સંભળાવ સ્પીચ.”

    મેં કહ્યું, “મમ્મી... કાર્યક્રમ કલાસીસના સંચાલકોનો છે તેથી ત્યાં વિધાર્થીઓ અને તેમના વડીલો આવવાના. સંચાલકોએ મને પાંચ મીનીટ ફાળવી છે. એમના મનમાં એમ કે આ લેખક છે એટલે એને બોલતા બહુ નહિ ફાવે.”

    મમ્મીએ કહ્યું, “બેટા, છેલ્લા વાક્યમાં ઘમંડ છલકાયો.”

    મેં કહ્યું. “ના આ તો તને કહ્યું.”

    મમ્મી, “બેટા, યાદ રાખ ઘમંડ તો રાવણનો પણ નથી રહ્યો. આપણી વાતમાં ક્યારેય અતિશયોકિત ન આવવી જોઇએ. દરેક વાત એકદમ સહજ હોવી જોઇએ. કંઈ નહિ તું સ્પીચ બોલ”

    મેં કહ્યું, “હા મમ્મી, આ કાર્યક્રમમાં મારૂ લખેલું “જી ફોર જીનીઅસ” નાટક ભજવાઈ રહ્યા બાદ મારે સ્પીચ આપવાની છે તે હું તને કહી સંભળાવું”

    મેં મનમાં ગોઠવેલી સ્પીચને બોલવાનું શરૂ કર્યું. મારી આ આદત છે. હું કાર્યક્રમ અગાઉ એકવાર માતા સામે આમ જ સ્પીચ બોલી જતો.

    “મને અહીં બોલાવી આ સન્માન આપવા માટે મા. અશ્વિનસરનો તથા દસેય દસ કલાસીસની પૂરી ટીમનો ખુબ ખુબ આભાર. મારા માતાપિતાનો, મારા ભાઈ ભાભીનો કે જેઓ સતત મારા પડખે ઊભા રહે છે તેમનો પણ આભાર માનું છું. મારી વાર્તા અરધી રાત્રે પણ ઉઠીને સાંભળતી મારી પત્ની દીપાનો આભાર અને મને સતત પોતાના આશીર્વાદથી પ્રેરિત કરતા મારા ગુરૂ જ્યોતીન્દ્રનાથ મહારાજને હું આ પ્રસગે વંદન કરું છું. તથા એક વ્યક્તિનો આ પ્રસંગે જો મેં ઉલ્લેખ ન કર્યો તો નગુણો કહેવાઉ. વિધાર્થીમિત્રો, થાય છે એવું કે આપણે ગમે તેટલા કુશળ હોઈએ. છતાં દુનિયાની સામે આપણી કલા દેખાડવા આપણે ગભરાતા હોઈએ છીએ. કે દુનિયા શું કહેશે? તે મારી કૃતિની હાંસીતો નહિ ઉડાવે. પણ મારા મનમાંથી એવો ડર કાઢીને મને દુનિયાની સામે મારા લખાણો લખવા મને પ્રેરિત કર્યો એવા મારા આદરણીય શ્રી સંદીપભાઈસરનો ખુબ ખુબ આભાર. દોસ્તો આજે મારૂ જે કંઈ છે એ બધું એમની જ દેણ છે.’

    વિધાર્થીમિત્રો, ઘર કેવી રીતે બને છે? જવાબ મળશે ઈંટો ગોઠવતા જઈએ તો ઘર બને.. બરાબરને?

    આજે તમને એક ઝેન કથા કહું,

    શીફૂંગ નામના એક ચીની બાળકને કરાટેમાં સર્વશ્રેષ્ઠ યોદ્ધા બનવાની પ્રબળ ઈચ્છા હતી. એણે પોતાની આ વાત માતા-પિતાને જણાવી. પુત્રની વાત સંભળાતા જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. અને બાળકને સમજાવ્યું કે બેટા કરાટે? આ તારો વિષય નથી. આડોશપાડોશના બાળકોને આ વાત ખબર પડતાં તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યાં. પણ બાળકને તો કરાટે શીખવાની પ્રબળ ઈચ્છા હોવાથી તે એક રાત્રે ચુપચાપ ઘરેથી ભાગી ગયો. કેટલાય દિવસો સુધી રખડતાં ભટકતાં આખરે તેની શોધ પૂર્ણ થઇ. તે એક કરાટે ગુરૂના આશ્રમમાં જઈ પહોંચ્યો. ગુરૂને જયારે બાળકે પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. કારણ આ બાળકને ડાબો હાથ જ નહોતો! હવે આવા અપંગ બાળકને કરાટે કેવી રીતે શીખવવું? છતાં બાળકની કરાટે પ્રત્યેની ચાહના જોઈ ગુરૂએ એને આશ્રમમાં રાખી લીધો. અને બીજા દિવસથી જ શીફૂંગની તાલીમ શુરૂ થઇ. બધા બાળકો સાથે ગુરુએ શીફૂંગને એક કીક મારતાં શીખવાડી અને પછી એનો અભ્યાસ કરવાનો કહ્યો. થોડા દિવસ બધાં બાળકોએ કીકનો અભ્યાસ કર્યો. હવે ગુરૂએ શીફૂંગને છોડીને બીજા બધાં બાળકોને નવી કીક શીખવાડી. હવે બાળકો એ કીકની પ્રેક્ટીસ કરવાં લાગ્યાં. શીફૂંગ ગુરૂ પાસે ગયો અને ગુરૂને પૂછ્યું “ગુરૂજી મારા માટે શી આજ્ઞા છે?” ગુરૂએ શાંત પણે કહ્યું “બેટા, તને પહેલા દિવસે શીખવાડેલી એ જ કીકનો અભ્યાસ કર. ગુરુઆજ્ઞાને માન આપી શીફૂંગ એ કીકનો અભ્યાસ મનપૂર્વક કરવા લાગ્યો. આમને આમ છ મહિના વીતી ગયા. ગુરૂજી બીજા બાળકોને નવા નવા દાવ શીખવાડતાં અને જયારે શીફૂંગ ગુરૂ પાસે જઈ નવા દાવ શીખવવાનું કહેતો ત્યારે ગુરૂ શાંતપણે કહેતા “બેટા તું એ જ કીકનો અભ્યાસ કર હજી તું એ કીક મારવામાં નિપુણ નથી થયો. શીફૂંગ જાણી ગયો હતો કે ગુરૂ આડકતરી રીતે એણે ટાળી રહ્યા છે પણ એ જિદ્દી હતો. ગુરુઆજ્ઞાને માન આપી તે એ જ કીકનો મનપૂર્વક અભ્યાસ કરવા લાગ્યો. આમને આમ ત્રણવર્ષ પુરા થઇ ગયાં. બીજા બાળકોની તાલીમ પૂરી થઇ. પણ શીફૂંગ તો હજીપણ એજ કીકનો અભ્યાસ કરતો હતો.! હવે દર ત્રણ વર્ષે ચીનમાં યોજાનારી કરાટેની સ્પર્ધા થવાની હતી. જેમાં જુના નવા બધાં કરાટે ચેમ્પિયન ભાગ લેતા. બિચારો શીફૂંગ નાનપણથી જ આ સ્પર્ધામાં વિજેતા થવાનું સ્વપ્ન જોતો હતો. પણ એ જાણતો હતો કે એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ નહિ થાય. પણ આશ્ચર્ય સાથે ગુરુએ જે પાંચ બાળકો સ્પર્ધા માટે પસંદ કર્યા એમાં એક નામ શીફૂંગનું હતું! શીફૂંગ આશ્ચર્યથી ગુરૂ પાસે ગયો અને બોલ્યો “ગુરૂજી મારી પર દયા ખાઇ મારૂ નામ સ્પર્ધામાં ન આપશો, હું પૂર્ણ તૈયાર થઈને જ સ્પર્ધામાં ભાગ લઈશ.” ગુરૂએ હસીને કહ્યું “શીફૂંગબેટા, તું બિલકુલ પણ ચિંતા કર્યા વગર સ્પર્ધામાં ભાગ લે, વિશ્વાસ રાખ આ વર્ષનો વિજેતા તું જ હોઈશ.” શીફૂંગને નવાઈ લાગી. છતાં એ ત્યારે કશું ન બોલ્યો. હવે સ્પર્ધાનો દિવસ આવી ગયો. શીફૂંગની કમનસીબી એવી કે પ્રથમ રાઉન્ડમાં જ એનો સામનો પાછલાં વર્ષના વિજેતા ચ્યાનતું સાથે થવાનો હતો. રીંગમાં ચ્યાનતું અને શીફૂંગ ભીડાયા, શીફૂંગ જાણતો હતો કે એની હાર નિશ્ચિત છે છતાં એણે વર્ષો સુધી શીખેલી કીક ચ્યાનતુંને મારી અને આ શું? શીફૂંગની એક જ કીકથી ચ્યાનતું ત્યાંજ ચિત્ થઇ ગયો. સ્પર્ધા જોતા બધાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો. અને શીફૂંગ એ મેચમાં વિજેતા ઘોષિત થઈ ગયો. હવે શીફૂંગમાં આત્મવિશ્વાસ વધ્યો તે હવે ઉત્સાહથી દરેક મેચમાં ભાગ લેવા માંડ્યો. દરેક મેચમાં એની પહેલી કીકથી જ સામો પ્રતિસ્પર્ધી ચિત્ થઇ જતો. અને આખરે ફાઈનલ મેચ પણ શીફૂંગે એક જ કીકમાં જીતી લીધી. એ વર્ષનો એ સર્વશ્રેષ્ઠ વિજેતા બન્યો. હાથમાં ઇનામ લઇ એ ગદગદિત થઈ ગુરૂના ચરણો પર ઢળી પડતા બોલ્યો “ગુરૂજી આ ચમત્કાર કેવી રીતે થયો?”

    ત્યારે ગુરૂ બોલ્યા “બેટા આ બધું તારા કઠોર પરિશ્રમનું પરિણામ છે. મેં તને જે પહેલા દિવસે કીક શીખવાડેલી તે એક વિશિષ્ટ પ્રકારની કીક હતી. જે શીખવા માટે લોકોએ ઘણી મહેનત કરવી પડે છે. હવે તું ત્રણ ત્રણ વર્ષ સુધી એકધારી રીતે એકની એક જ કીકની તાલીમ લેતાં લેતાં એમાં નિષ્ણાત થઇ ગયો. હવે તારી એ કીકનો કોઈ હરીફ પાસે તોડ નથી.”

    શીફૂંગે પૂછ્યું “છતાં ગુરૂજી કોઈક ને કોઈક તો તોડ હશે જ ને? ધારો કે આ જ કીકનો પ્રયોગ સામેવાળા એ મારા પર કર્યો ત્યારે મારે શું કરવાનું?”

    ગુરૂએ હસીને કહ્યું “ત્યારે તારે એનો ડાબો હાથ પકડી લેવાનો!!!”

    આમ કમજોરીને તાકત બનાવે તે ગુરૂ... વિધાર્થી મિત્રો માત્ર ઈંટો ચણવાથી દીવાલ બને છે... ઘર નથી બનતું... ઘર બનાવવા ઈંટોનું વ્યવસ્થિત રીતે યોગ્ય પ્લાનિંગથી ચણતર કરવું પડે અને ત્યારે જ બને એક ઘર...

    એ જ રીતે માત્ર વાંચવાથી કે અભ્યાસ કરવાથી સારૂ પરિણામ ન આવે. સારા પરિણામો લાવવા આપણે યોગ્ય આયોજનથી અભ્યાસ કરવો પડે. મને એ કહેતા ગર્વની લાગણી થાય છે કે આપણા અશ્વિનસર પાસે ગગા વિધાર્થીને પણ જીનીઅસ બનાવી શકે એવું પ્રોપર આયોજન અને કુશળતા છે. વિધાર્થીમિત્રો તમારે અશ્વિનસર પર શીફૂંગની જેમ જ વિશ્વાસ રાખવો પડે.. સાથે સાથે અભ્યાસ પ્રત્યે પણ ચીવટ રાખવી પડે. અને જો આ પ્રમાણે કરશો તો નક્કી તમારું પરિણામ તમારા ધાર્યા કરતા પણ વધુ ઉજ્જવળ આવશે.

    તો મિત્રો તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું... વંદેમાતરમ્

    મારી મમ્મીએ તાળીઓનો ગડગડાટ કરી મુક્યો

    મેં હર્ષભેર માતા તરફ જોયું. “બરાબર છે ને?”

    માતાશ્રીએ કહ્યું, “બરાબર તારી બોલવાની ઝડપ પ્રમાણે આ સ્પીચ આઠ મીનીટ જેટલી થઇ. છતાં ઝેન કથા થોડી ટૂંકાવવી પડશે.”

    મેં હકારમાં માથું હલાવ્યું.

    માતાશ્રીએ કહ્યું, “તારો કાલે આખી રાતનો ઉજાગરો છે ચાલ હવે થોડું સુઈ જા... જેથી કાર્યક્રમમાં સરસ રીતે બોલી શકાય. યાદ રાખજે બેટા આજનો દિવસ તારા જીવનનો ઘણો મહત્વનો દિવસ છે” હું ભોજન પતાવી ઉપર સુવા માટે જતો રહ્યો.

    બરાબર ત્રણવાગે દીપાના ફોનની ઘંટી વાગી. દીપાએ ફોન ઉપાડ્યો.”હા મમ્મી... શું થયું? આ હું આવી....”

    મેં આંખ ઉઘાડીને કહ્યું,”શું થયું?”

    દીપા, “મમ્મીએ કાર્યક્રમમાં જવા માટે તૈયાર થવાનું કહ્યું છે.”

    ત્યાંજ ભાભીએ બારણું ખખડાવ્યું.

    દીપા, “હા ભાભી આવું છું...”

    મેં થોડો હજી આરામ કરી લેવાનું વિચાર્યું. ખબર નહિ કેમ પણ આજે આંખો ઘેરાઈ રહેલી.

    નીચે ભાભી અને દીપા બન્ને ગયા.

    નીચે.

    “શાબાશ.....” મમ્મીનો સ્વર રૂમમાં ગુંજી રહ્યો હતો. સામે ટીવી પર ભારત અને બાંગ્લાદેશની મેચ ચાલી રહી હતી. મારા માતાશ્રીને મેચનો ગજબનો શોખ, દરઅસલ એમનું વાંચન અને ઈતર જ્ઞાન ગજબનું હતું. ભાભીને નીચે આવેલા જોઈ એમણે કહ્યું, “નિશુ, ક્યાં છે? એને બોલાવ આ જો ખરાખરીની મેચ ચાલી રહી છે.”

    લગભગ ૩.૩૦ વાગે મોટાભાઈ નીચે આવ્યા.

    માતાશ્રી એ કહ્યું, “નિશુ, આ જો.. રહીમે સેન્ચ્યુરી મારી...”

    મોટાભાઈ નિશાંત આશ્ચર્યથી સામે પલંગ પર બેસતાં બોલ્યા,”હવે?”

    માતાશ્રી, “હવે શું, જીતવાના તો આપણે જ છીએ.. ફોલોઓન ટળ્યો”

    મમ્મીએ મોટાભાઈને જોઈ કહ્યું,”અરે! તું હજુ તૈયાર નથી થયો?” મોટાભાઈ, “ના મમ્મી તને તો ખબર જ છે ને કે આજે મેં ઓવરટાઈમ કર્યો છે તેથી આંખો ઘેરાઈ રહી છે. હું નહિ જાઉં... મને કંટાળો આવે છે. દીપા જોડે સોનલ જશે અને પ્રશાંતની સાથે દેવશ્રી.”

    માતાશ્રી, “કંટાળો શેનો બેટા? આજે તારા ભાઈનો સન્માન સમાંરભ છે. તને તો ખબર જ છે ને કે એણે કેવી તકલીફો સહન કરીને આ સફળતા મેળવી છે. એની જગ્યાએ બીજો કોઈ હોત તો તૂટી જાત પણ એ તૂટ્યો નહિ બલકે ઔર મજબૂત થઈને બહાર આવ્યો.”

    આગળ માતાજીએ કહ્યું, “બેટા, તારા ભાઈની સાથે તું હોઈશ તો એને ધીરજ રહેશે.. એ એકલો જ ઝઝૂમી રહ્યો છે એને તારો સાથ જરૂરી છે. બેટા, અને તું જો નહિ જાય તો એને કેવું ખોટું લાગશે? આરામ તો પછીથી પણ કરાય પણ બેટા ગયેલો સમય પાછો ના આવે.”

    મોટાભાઈએ કહ્યું, “સારું હું કાર્યક્રમમાં જઉં છું.”

    આમ બોલી એ ઉભો થયો.

    મમ્મીએ એના માટે ગરમ ગરમ બટાકા પૌંઆ બનાવ્યા. દીપા અને ભાભી તૈયાર થઇ ગયેલા. મારી ભત્રીજીઓ દેવશ્રી અને વેદશ્રી પણ કાર્યકમમાં આવવા માટે તૈયાર હતા. પિતાજી સામે ખુરશી પર બેસીને હિસાબ કરી રહ્યા હતા.”

    માતાશ્રીએ પોતાની જગ્યાએ પાછા આવી ફરી ટીવી પર નજર કરતાં કરતાં કહ્યું, “બેટા, મને ગળામાં દુ:ખાવો થઇ રહ્યો છે.”

    મોટાભાઈએ કહ્યું, “ચાલ તને દવાખાનામાં લઇ જઉં.”

    માતાશ્રીએ કહ્યું,”ના.. આજે રવિવાર છે દવાખાના બંધ હશે.

    મોટાભાઈએ કહ્યું, “અરે! ડોક્ટર પાંચ વાગે આવશે. તું ફટાફટ તૈયાર થઇ જા. હું એને ફોન કરી દઈશ તો એ વહેલો પણ આવી જશે.” માતાશ્રી, “અરે, તમે કાર્યક્રમમાં જવા ઉપડો.. હું તારા પિતાજીને લઈને દવાખાનામાં જઈશ.”

    મોટાભાઈ “અરે! તું તૈયાર થા... હું પણ હાથ પગ ધોઈ તૈયાર થઉ.”

    માતાશ્રી, “સારું ચાલ ત્યારે..”

    ભાભીએ પ્રેમપૂર્વક કહ્યું, “ચાલો મમ્મી તમારા વાળ ગુંથી આપું...”

    ***

    “ભાઈકાકા.... ભાઈકાકા...” દેવશ્રીની ચીસોથી હું ઝબકીને જાગી ગયો.

    “શું થયું દેવી કેમ ચીસો પાડે છે?” મેં ગભરાઈને પૂછ્યું.

    દેવશ્રીએ રડતાં રડતાં કહ્યું, “જલ્દી નીચે ચાલો....માઈ... માઈ..”

    હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત નીચે દોડી ગયો. એ પગથીયા હું કેવી રીતે ઉતર્યો એ હજીપણ મને યાદ આવતું નથી. પણ નીચે જે દ્રશ્ય જોયું એ કાળજું કંપાવનારૂ હતું. મમ્મીએ ભાભીના હાથ પર માથું ઢાળી દીધું હતું અને એની સામે ઉભો રહી મોટોભાઈ કાળજું કંપાવી દે તેવું રુદન કરતો ચીસો પાડી રહ્યો હતો. “માં... માં... ઉઠ.. ઉઠ... આવું શું કરે છે?”

    હું શૂન્યમનસ્કપણે ત્યાં ઉભો રહ્યો. અડોસ પડોશના લોકો પણ ત્યાં સુધીમાં આવી ગયા હતાં. મેં દીપાને પૂછ્યું, “માં ને શું થયું?” દીપા રડતા રડતાં બોલી, “ભાભી માંના વાળ ઓળી રહી હતી અને અચાનક જ એમણે વાતો કરતાં કરતાં માથું ઢાળી દીધું. જુઓને કંઈ બોલતા નથી કે ચાલતાં નથી.”

    પડોશી મિત્ર વિપુલ બોલ્યો, “ચાલો જલ્દી માસીને આપણે સ્પંદન હોસ્પિટલમાં લઇ જઈએ.”

    અચાનક અમે હોશમાં આવ્યા. ભાઈએ અને મેં મારી માતાને ઉઠાવી.

    અચાનક જ જાણે શરીરમાંથી બધી શક્તિ નીચોવાઈ ગઈ હોય તેમ મારા હાથપગ ધ્રુર્જવા લાગ્યાં. આ પહેલા અડોશ પડોશની બેભાન મહિલાઓને એકલે હાથે જ ઊંચકીને હું દવાખાને લઇ ગયા હોવાના બે ત્રણ કિસ્સા છે છતાં આ પ્રસંગે હું વિવશતાથી કહું છું કે હું મારી માતાને ઉઠાવી ન શક્યો. મગજ સુન્ન હતું, હાથપગ ધ્રુજતા હતાં. આંખો સામે અંધારૂ આવી ગયું હતું. કશી ગતાગમ પડતી નહોતી.

    ફટાફટ કારમાં મમ્મીને પાછળની સીટ પર સુવડાવી અમે સ્પંદન હોસ્પિટલ તરફ દોટ લગાવી. ત્રીજી મીનીટે જ અમે હોસ્પિટલમાં હતા. નર્સોએ મારી માતાને સ્ટ્રેચર પર લેવડાવી અને અમો બન્ને ભાઈઓ તથા મિત્રો હતી એટલી તાકાત ભેગી કરી મમ્મીને આઈ.સી.યુ તરફ લઇ ગયા. ત્યાં ડોક્ટરે મારી માતાની તરત સારવાર શરૂ કરી દીધી. અમે બન્ને ભાઈઓ ચિંતિત વદને બહાર આંટા મારવા લાગ્યા. પિતાજી ત્યાંજ હતા પણ આ બધા સમય દરિમયાન મારૂ ધ્યાન સમગ્રપણે મારી માતા તરફ જ હતું.

    ડોક્ટર બહાર આવ્યા. મોટાભાઈ એમની તરફ દોડી ગયા. જાણે ભગવાન મારી માતાને અમરત્વનું વરદાન આપવા ઊભા હોય તેમ અમે એ દેવદુત જેવા ડોક્ટર સામે હાથ જોડી ઊભા રહ્યા. ડોક્ટરે અમે ધારેલું એના કરતાં ઉલટો પ્રતિસાદ આપ્યો, “કેસ ક્યારનો ખલાસ થઇ ગયો છે.”

    મોટાભાઈ બોલ્યા, “ડોક્ટર ફરી એકવાર જુઓને. પ્લીઝ...”

    ડોક્ટર, “પેશન્ટને લગભગ દસ મીનીટ પહેલા એટેક આવ્યો હતો.”

    મોટાભાઈ, “હા ડોક્ટર સાહેબ, લગભગ ૩ને ૫૦મીનીટે મમ્મી ઢળી પડ્યાં હતાં.” મોટાભાઈને સમય એટલે બરાબર યાદ હતો કારણ તે જે દવાખાનામાં જવાના હતાં એ ડોક્ટર પાંચ વાગે આવવાના હતા તેથી એ અવારનવાર ઘડિયાળમાં સમય જોયા કરતા હતા.

    ડોક્ટરે પછી જે કંઈ કહ્યું એ મારા સુન્ન મસ્તિષ્કને સમજાયું નહિ પણ એમનું કહેવું કંઈક એવું હતું કે “હાર્ટ એટેકના અલગ અલગ પ્રકાર હોય છે. તમારી માતાજીનું હાર્ટ ફેલ થયું અને આ કિસ્સો એવો છે કે જેમાં અમે ત્યારે જ કંઈક કરી શકીએ જયારે તેઓ અમારી સારવાર હેઠળ હોય. જેમ વીજળી અચાનક ગુલ થઇ જાય તેમજ આવા કિસ્સાઓમાં હાર્ટ અચાનક કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. દર્દીને પોતાને પણ આની સમજણ પડતી નથી. બીજું હાર્ટ બંધ થતાં શરીરમાં લોહીનું ભ્રમણ બંધ થઇ જતું હોય છે. મસ્તિષ્કને લોહી પહોંચતું નથી. જેથી બે મીનીટ પછી તરત બ્રેન સ્ટ્રોક આવી જતો હોય છે. કદાચ આવા કિસ્સામાં હાર્ટ એકવાર શરૂ પણ થઇ જાય પણ બ્રેનને ફરી જીવંત કરવું અશક્ય છે.”

    મોટાભાઈએ કહ્યું, “તો ડોક્ટર હાર્ટ તો ચાલું કરી આપો.”

    ડોક્ટરે લાચારીથી કહ્યું, “ભાઈ સાળુંકે, જો દર્દીના બચવાની એક ટકાની પણ શક્યતા હોય તો અમે કેસને છોડતાં નથી. પણ અહીં તો તમારા માતાજીના શરીર તરફથી કોઈ રિસ્પોન્સ જ નથી મળી રહ્યો. આ જુઓ એમનો કાર્ડિયોગ્રામ રીપોર્ટ એમનું કોઈ અંગ રિસ્પોન્સ નથી આપી રહ્યું, તો પછી તમને અને એમના શરીરને ખોટા હેરાન કરવાનો કોઈ અર્થ નથી છતાં બીજી દસ મીનીટ અમે પમ્પીંગ કરી જોઇએ.. તમે પણ અંદર આવો... નર્સ પમ્પીંગ કરો.”

    નર્સે હ્રદય ઉપર પમ્પીંગ આપવાનું શરૂ કર્યું.. સામે ધબકારા અચાનક ૫૦...૧૦૦...૧૨૦.... બતાવવા લાગ્યાં. અમે ખુશ થયા.

    ડોક્ટરે કહ્યું, “આ પંપીગ કર્યું એટલે ધબકારા વધ્યા. હવે જેવું પમ્પીંગ બંધ કરીશું પછી જુઓ.”

    નર્સે પમ્પીંગ બંધ ર્ક્યું.

    સામે આંકડો... ૧૨૦...૧૦૦... ૫૦.... ૨૦....૧૦.. ૦...૦...૦

    શૂન્યના આંકડાએ અમારા જીવનમાં એકાએક શૂન્યતા પ્રસરી દીધી.

    નરી શૂન્યતા.... સર્વત્ર અંધકાર.....

    મુઠ્ઠીમાંથી રેતી સરી જાય એમ અમારા વચ્ચેથી અમારી માં સરી ગઈ. સામે માતાનું નિસ્તેજ શરીર અમારૂં હૃદય કંપાવી રહ્યું હતું. દોસ્તોએ મેસેજ અને ફોન કરવાના શરૂ કરી દીધા....

    Painfull 8 words

    મારૂ મગજ કામ કરતું બંધ થઇ ગયું. અમારી માતાએ અમને જે જોઈતું હતું તે આપ્યું પણ અણીના સમયે એણે અમને એના માટે કંઈ કરવાનો સમય જ ન આપ્યો. અમે બધા એની પાસે હતા પણ માત્ર શોભાના ગાંઠીયા સાબિત થયા. કુદરતે સાબિત કરી આપ્યું કે તે કેટલી ક્રૂર બની શકે છે. હસતાને રડતાં અને રડતાંને હસતાં કરવું એ એના ડાબા હાથનો ખેલ છે પણ આ ક્રૂરતા અમને બતાવવાની શી જરૂર? હે ભગવાન તું છે કે નહી? અને જો હોય તો આવી ક્રૂરતા કેમ આચરે છે? મારા આજના આ દિવસને તે આ કેવી યાદોથી ભરી દીધો?”

    મારી માતાના મૃતદેહને લઈને અમે ઘરે લગભગ ૪.૪૫ વાગે આવ્યા. આડોશ પાડોશના અને જેમને પણ મેસેજ ગયેલો એ લોકોના ટોળેટોળાં અમારા ઘરે ભેગા થયા હતાં. પછી આશ્વાસન, અને દિલાસો અમે શૂન્યમનસ્કથી સાંભળી રહ્યા. શુભેચ્છકો અમારા હૈયાને ટાઢક પડે એ સારું અમને તત્વજ્ઞાનની વાતો સંભળાવતા હતાં. પણ શૂન્યતામાં પરિણામની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય ગણાશે? આ સમયે એક વાત સમજાઈ કે જયારે પોતાના પર વીતે છે ત્યારે બધા લોજીક અને તત્વજ્ઞાનની વાતો કાગળ પર જ રહી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિન સરે મારૂ નાટક “જી ફોર જીનીઅસ” મોકૂફ રાખ્યું. નાટક ભજવનાર વિધાર્થીઓએ કહ્યું કે અમે આ નાટક લેખકશ્રીની હાજરીમાં જ ભજવીશું.

    ***

    બીજા દિવસે સવારે અમારી અખંડ સૌભાગ્યવતી માતાના દેહને અમારા ઘરેથી ચીરવિદાય આપી. ભારે હ્રદયે અગ્નિસંસ્કાર પણ પૂર્ણ થયા. આવતા જતાં સ્નેહીજનો દિલથી આશ્વાસન આપતા અને અમને કહેતા કે “કશું પણ કામ હોય તો અમને કહેજો”

    ત્યારે અંતરમન પોકારી પોકારીને કહેતું કે “હા.. છે એક કામ મારી માતાને મારી પાસે પાછી લાવી આપો.. મારી માતાને મારી પાસે પાછી લાવી આપો...”

    અંતિમવિધિ પતાવી જયારે ઘરે આવ્યો ત્યારે મારી નજર મારી માતાને આખા ઘરમાં શોધી રહી અને જાણે હું સ્વયંને પૂછવા લાગ્યો કે “મારી માં ક્યાં છે?”

    ***

    એ જ સાંજે જયારે મારા મિત્રો સાથે હું બેઠો હતો ત્યારે પડોશના દક્ષામાસી અને સ્વાતિભાભી ચા લઈ આવ્યા. મેં ચા પીવાની ના પાડી. ત્યારે મારો ખાસ મિત્ર નૈનેશ બોલ્યો, “થોડી પી લે. સવારથી તેં કંઈ ખાધું નથી.”

    મેં કહ્યું, “ના... દોસ્ત, તને ખબર છે ને કે મારી માતાને હું ચા પીવું એ બીલકુલે પસંદ નહોતું.”

    નૈનેશ, “પણ છતાં ક્યારેક ક્યારેક તો તું ચા પી જ લેતો હતો ને?”

    મેં કહ્યું,”હા દોસ્ત, કારણ એ વખતે હું જાણતો હતો કે મારી માં ક્યાં છે! તેથી હું એમનાથી છુપાઈને ચા પી શકતો હતો. જયારે આજે હું એ વાતથી સાવ અજાણ છું.

    મને ખબર જ નથી કે મારી માં ક્યાં છે? એ હવે અત્ર, તત્ર સર્વત્ર છે. એ નિસર્ગના કણેકણમાં અને પૃથ્વીની રજે રજમાં છે. હવે હું એમનાથી છુપાઈને કેવી રીતે ચા પી શકું? કારણ પહેલા જે બે આંખોની બીક હતી તે હવે સહસ્ત્ર બનીને મને નિહાળી રહી છે. તેથી હવે જે માંને પસંદ નહોતું એ કાર્ય હું કેવી રીતે કરી શકું! કારણ હવે મને ખબર જ નથી કે મારી માં ક્યાં છે?”

    (ઓમ: શાંતિ: શાંતિ:)

    અંતે વાસ્તવિકતા સ્વીકારવી જ પડે... સ્વામીશ્રી સસ્તંગ કથા

    (૧૭-૧૧-૨૦૦૪, ગઢડા)

    એક હરિભક્ત પોતાની ગાડીમાં એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. તેઓનાં ધર્મપત્ની પણ સાથે હતાં. અચાનક એ ગાડીમાં આગ લાગી અને પેલા હરિભક્ત તો ગમે એમ કરીને બહાર કૂદી પડ્યા. તેઓનું શરીર પણ બળતું હતું અને તેઓનાં ધર્મપત્ની બહાર ન નીકળી શક્યાં. એટલે આખે આખા ગાડીમાં જ ભુંજાઈ ગયાં. આ હરિભક્તે બહાર રહીને કેટલાય આવતાજતાને વિનંતી કરી, પણ કોઈએ સામે જોયું નહીં, પરંતુ એક દૂધવાળાભાઈ ત્યાંથી પસાર થતા હતા. એણે આ જોયું. એણે પોતાનું બધું જ દૂધ આ હરિભક્ત ઉપર ઢોળી દીધું અને તેઓ બચી ગયા. જો કે બચ્યા પછી પણ પત્નીના વિયોગનું તેઓને દુઃખ હતું અને પોતાના શરીરમાં પણ ખોડખાંપણ રહી ગઈ હતી.

    આજે તેઓ સ્વામીશ્રી પાસે પોતાનું હૃદય ઠાલવવા આવ્યા હતા તેમણે કહ્યું : 'બાપા, મેં કોઈ દિવસ કોઈનુંય ખોટું કર્યું નથી, છતાં આમ કેમ થયું ?'

    સ્વામીશ્રીએ તેઓને આશ્વાસન અને બળ આપતાં કહ્યું : 'આપણું પ્રારબ્ધ એવું હશે અને ભગવાનની ઇચ્છાથી જે કંઈ થયું એ સારા માટે હશે. ચિંતા ન કરવી. પત્નીની આવરદા આવી ગઈ હશે. અમે પ્રાર્થના કરીશું કે એના આત્માને પણ શાંતિ મળે અને તમને પણ શાંતિ થાય. ભગવાન દયા કરશે, ને કોઈ ખોડખાંપણ રહેશે નહીં.'