ghanu jivo gujarati in Gujarati Motivational Stories by Ajay Upadhyay books and stories PDF | ઘણું જીવો ‘‘ગુજરાતી’’...!

Featured Books
Categories
Share

ઘણું જીવો ‘‘ગુજરાતી’’...!

ઘણું જીવો ” ગુજરાતી “....!!!!!

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની પામી, વિરાગી જિનસાધુઓએ, જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં, રસપ્રભા ભાલણથી લહી જે..નાચી અભંગે નરસિંહ-મીરાં-અખા તણે નાદ ચડી ઉમંગે...આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની દ્રઢાય ગોવર્ધનથી બની જે, ..અર્ચેલ કાન્તે, દલપત પુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી............!!!! હું સમજી શકું છું કે ઉમાશંકરભાઈએ લખેલી ઉપરોક્ત પાંચ કે છ લાઈન વાંચતા પણ તમારામાંથી ઘણાને આખે પાણી આવી ગયા હશે .....!!!! હવે જો કોઈ ખ્યાતનામ વિવેચક કે લેખક આનું વિવરણ કરવાનો હોય તો એ જરૂર થી લખશે કે ‘ આ જ ગુજરાતી ભાષાની સૌથી મોટી કરુણા છે કે વી ધ ગુજરાતી જ ગુજરાતી બરાબર સમજી કે વાંચી નથી શકતા .. આપણે જ આપણી ભાષાને ભૂલતા જઈએ છીએ ...આપણે જ આપણી ભાષાની અવગણના કરીએ છીએ .” ....વગેરે વગેરે

વિવેચકો કે લેખકોની વ્યથા અને વેદના સમજી શકાય એવી હોવા છતાં પણ હકીકત એ છે કે જગતની માલીપા ઘણી બધી ભાષાઓ આવા સંક્રાતિકાળથી પસાર થઇ રહી છે કે થઇ ગઈ છે . આમાં પ્રજાને દોષ દેવો કે નહિ એ તો જે તે પ્રજા એ જ નક્કી કરવાનું હોય છે પણ હક્કીક્ત એ છે કે ગુજરાતી ભાષાના સુવર્ણકાળને બાદ કરતા અત્યારના સમય સુધીમાં ફરી ગુજરાતી ભાષા એ જ સોનેરી સમય તરફ આગેકુચ કરી રહી છે એમાં કોઈ બેમત નથી . ફરિયાદ ચોક્કસ હોય શકે કે ગુજરાતી કોઈ બોલતું નથી ....ગુજરાતી કોઈ વાંચતું નથી ....ગુજરાતી કોઈ છાપતું નથી ....કે ગુજરાતી ભાષાને ખુદ ગુજરાતી જ તડકે મૂકી રહ્યા છે ....પણ સાવ એવું પણ છે નહિ જ . ઈનફેક્ટ આજકાલ ગુજરાતી ભાષાને જીવતી રાખવાના જે પ્રયત્નો થઇ રહ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે જ . યસ પ્રયત્નો થઇ રહ્યા છે એ શબ્દ એટલા માટે વાપર્યો કે હજુ ઘણું કરવું બાકી છે ....ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે.

હકીકત એ છે કે જેમ જેમ પેઢી બદલાઈ એમ એમ સંસ્કૃતિ અને ભાષાના ઉપયોગોના સ્વરૂપો બદલાતા રહેવાના. ઉપર લખી એ ઉમાશંકરભાઈની શુદ્ધ ગુજરાતી કદાચ અપ્રસ્તુત થઇ હોય તો પણ હકીકત એ છે કે મૂળ ગુજરાતી તો હજુ પણ ક્યાંક ને ક્યાંક એના અસલ સ્વરૂપ સાથે બાંધછોડ કરીને પણ વહી રહી છે....જીવી રહી છે ...વિસ્તરી રહી છે . અનેક એવા સમાચારો દુનિયાના ખૂણે ખૂણેથી આવી રહ્યા હોય છે કે જે બતાવે છે કે ચાહે દેશમાં હોય કે પરદેશમાં પણ સૌ પોતપોતાની રીતે ગુજરાતી ભાષાના અસ્તિત્વ ટકાવી રાખવાના અભિયાનમાં જોડાઈ રહ્યા છે . સરકારો , મંડળો , પરિષદો કે સ્વેચ્છિક સંસ્થાઓ તો વર્ષોથી અને સ્વયંભુ પોતાની રીતે વધુને વધુ લોકો ને ગુજરાતી ભાષા વાંચતા ...લખતા અને વિસ્તારતા કરવાનું કાર્ય તો કરી જ રહ્યા છે પણ કોઈને ગમે કે નાં ગમે ( ખાસ કરી ને એવા ચોખલિયાઓને કે જેઓને બધે જ વક્ર દ્રષ્ટિએ જોવાની ટેવ છે ) પણ મારા મતે તો આજનો ગુજરાતી , પછી ચાહે એ માં-બાપ હોય કે બાળક ....શિક્ષક હોય કે વિદ્યાર્થી ...પણ પોતાની રીતે ગુજરાતીમાં રસ લેતો તો થયો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જ .

ગુજરાતી મારી મા અને અંગ્રેજી મારી માસી ....!!! હા તો એમાં કોઈને શુ કામ વાંધો હોય શકે ? ઈનફેક્ટ અંગ્રેજી તો યુનિવર્સલ લેન્ગવેજ છે જ એ નિર્વિવાદ છે . અંગ્રેજીમાં ભણવું કે શિક્ષણ પ્રાપ્ત કરવું એ આજના જમાનાની જરૂરીયાત છે પણ એમાં એવો અર્થ ક્યા નીકળ્યો કે અંગ્રેજીને હિસાબે ગુજરાતીને નુકશાન થાય છે ? ને માનો કે કદાચ થતું હોય તો પણ જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં ત્યાં બોલાતી કે એટલીસ્ટ બોલાવાની કોશિશ કરતા ગુજરાતીઓને શુ કહેશું ? અસલમાં અંગ્રેજીને દોષ દેવો આસાન છે અને આસાન કરતા તો બેમતલબ છે . હા એવું હોય શકે કે ગુજરાતી થઈને અંગ્રેજી બોલવું જ કે લખવું એવા હઠીલા નિર્ણયો લેનારા અમુક પરિવારો કે વ્યક્તિઓ હોય શકે પણ અંગ્રેજીને દોષ આપવા કરતા ગુજરાતીને બોલતી રાખવા ...લખતી રાખવા કે ટકાવી રાખવા કામ કરતા અનેકોની સંખ્યા ઘણી વધુ છે જ . અંગ્રેજી આગળ કહ્યું એમ જરૂરીયાત છે આધુનિક વિશ્વમાં ટકી રહેવાની એની નાં નહિ પણ માતૃભાષા એ માતૃભાષા જ છે અને રહેશે . ભલે એના સ્વરૂપ કે પેઢીઓના બદલાવ સાથે એના ઉપયોગમાં વધતી ઓછી માત્રાનો ઉતાર કે ચડાવ આવતો હોય .

ભાષા જાય તો સંસ્કૃતિ જાય એવું કહેવાય છે . જે ભાષા ભૂલ્યો ખાસ કરીને માતૃભાષા એ સંસ્કૃતિ ભૂલ્યો . ગુજરાતી પોતાની જ ભાષા ભૂલતો જાય છે કે ગુજરાતી જ ગુજરાતી પ્રત્યે ઉદાસીન છે આવી બધી વાતોની વચ્ચે પણ ગુજરાતી ભાષામાં સર્જન અને સર્જકોની સંખ્યા વધી રહી છે . સીધી વાત છે ને કે વંચાય છે તો લખાય છે અને બોલાય છે તો અનુભવાય છે . સર્જનની જ વાત નીકળી છે તો એટલું કહેવું ઉચિત ગણાશે કે ગુજરાતી ભાષામાં સર્જન કરવું એ ખોટનો સોદો છે એવી જે છાપ છે એને ખોટી પાડવી જરૂરી છે અને એ સમય પણ આવી ગયો છે . વધુ ને વધુ નવલોહિયા અને લેહિયા ગુજરાતીમાં સર્જન કરતા થયા છે એટલું જ નહિ પણ ગુજરાતી વાંચકો તરફથી એને ભરપુર પ્રસિદ્ધિ અને પ્રોત્સાહન પણ મળી રહ્યા છે . પણ હા એટલું હજુ કહી શકાય કે બીજી ભાષાઓના સર્જકોને – ખાસ કરીને અંગ્રેજી કે હિન્દી જે વળતર અને નામના મળે છે એટલી નામના કે વળતર હજુ આજના ગુજરાતી સર્જકોને મળતા નથી . ભાષાનો ભૂતકાળ યાદ રાખીને પણ ભાષાને વર્તમાનને અનુરૂપ ઢાળવામાં આજકાલના સર્જકો અને સાહિત્યકારોના પ્રયત્નોનો સારો એવો પ્રતિસાદ મળતો થાય એ પણ માતૃભાષાને જીવંત રાખવાના અનેક કદમો માંહેનું એક કદમ જ ગણાશે .

વધુ પડતું વિવેચકીય થયા વગર આજના ‘ વિશ્વ માતૃભાષા દિવસ ‘ પર સીધીને સટ્ટ એક જ વાત છે કે ગુજરાતી ભાષા મરી રહી છે એ વાતમાં એટલીસ્ટ આ લેખકને તો કોઈ દમ નથી લાગતો . હા એવું હોય શકે કે ગુજરાતીના સોનેરી કાળ જેટલી ચમક દમક કદાચ હજુ નાં આવી હોય પણ સાવ નામશેષ થઇ રહી છે કે થઇ જશે એવી બીકમાં કોઈ તથ્ય મને તો નથી લાગતું . અને એનું કારણ છે દુનિયાનું બદલવું ...આધુનિક ટેકનોલોજીનું આવવું અને વિશ્વનુ એક મુઠ્ઠીમાં સમાય જાય એવડું થઇ જવું . ઈન્ટરનેટની દુનિયા એ વધુને વધુ લોકોને ગુજરાતી વાંચતા – લખતા કર્યા છે એ વાત નઝરઅંદાઝ કરી શકાય નહિ . હાથવગા અમુલ્ય ગુજરાતી સાહિત્ય પ્રત્યે લોકોની જીજ્ઞાસા અને આતુરતા વધે છે . ફક્ત ગુજરાતી પુસ્તકો જ વેચતી ઓનલાઈન સાઈટો પર ધડાધડ વેચતા પુસ્તકો એની નિશાની છે . અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને કે અંગ્રેજીમાં જ વિચારતા – વિહરતા કોઈ વ્યક્તિને ગુજરાતી સાહિત્ય મેળાવડાઓમાં ભાગ લેતા જોયાના અનેકો દાખલા મોજુદ છે . પેઢી બદલાઈ રહી છે – બદલાઈ ગઈ છે . ગુજરાતી કોઈ વાંચતું નથી ...કોઈ બોલતું નથી ....ની પૌરાણિક બુમરાણો વચ્ચે પણ નવી પેઢી વધુને વધુ ગુજરાતી ભાષાની નજીક જઈ રહી છે ...ગુજરાતીને પોતાની સ્ટાઈલમાં અપનાવી રહી છે ....વિકસાવી રહી છે !!!! આ નરી આંખે દેખાતું સત્ય છે અને એ પણ હકીકત છે કે આજની પાવર પેક અને નવી ટેકનોલોજીથી લેસ નવી પેઢી ગુજરાતી અને ગુજરાતી ભાષાને એ જ અનેરી ઊંચાઈ કે સોનેરી દિવસોમાં ચોક્કસ લઇ જશે જ ....!!!! આ આશાવાદ નહિ પણ મારા જેવા અનેકો ગુજરાતીઓનો એટલ વિશ્વાસ છે ....!!!!! બાકી તો ગમે એટલી ભાષા આવડતી હોય પણ કુતરું પાછળ પડે તો ‘ હ્ય્ડ...હ્ય્ડ તો ગુજરાતી માં જ બોલવું પડે ...” ......” ગમે એટલી ભાષા આવડતી હોય તો પણ ગાળ બોલવાની મજા તો માતૃભાષામાં જ આવે ...” !!!!!