Dhoran 10 Pachhi Shu ? in Gujarati Human Science by Kintu Gadhavi books and stories PDF | Dhoran 10 Pachhi Shu ?

Featured Books
Categories
Share

Dhoran 10 Pachhi Shu ?

ધોરણ -૧૦ પછી શું ?

- કિન્તુ ગઢવી

E-mail: kintugadhvi@gmail.com



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ધોરણ -૧૦ પછી શું ?

દસમા ધોરણ પછી ૧૧-૧૨નો ટ્રેન્ડ સ્વાભાવિક છે. ધીમે ધીમે ધોરણ-૧૦ પછીના કોર્સીસ પણ ઘટતા જાય છે. જ્યાં જુઓ ત્યાં ડિગ્રીની વધુ બોલબાલા છે. પરંતુ એનો મતલબ એ નથી કે ધોરણ-૧૦ પછી કોઈ કરિયર બનાવવા ઈચ્છે તો તેના માટે કોઈ વિકલ્પ નથી.

ધોરણ-૧૦ પછી સીધા જ ડિપ્લોમાના કોર્સીસ છે જેમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરીેને આગળ વધી શકાય છે અને ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ મેળવી શકાય છે. જેને બારમુ ધોરણ ના કરવું હોય તેના માટે ડિપ્લોમા સારો ઓપ્શન છે. ગર્લ્સ પોલિટેકનિકમાં પણ છોકરીઓ માટે સારી સુવિધા છે. ધોરણ-૧૦ પછી ફાઈન આર્ટસમાં રસ ધરાવતા યુવાનો માટે ડિપ્લોમાના કોર્સીસ છે. જેમાં ડ્રોઈંગ ટીચર્ચ કોર્સ, ડિઝાઈનિંગના કોર્સીસના સીધો ઓપ્શન છે.

આ સિવાય આખા વિશ્વમાં જેની સતત અછત છે એવા ટર્નર, ફિટર અને પ્લમ્બીંગ વર્કના કોર્સીસ પણ ધોરણ-૧૦ પછી કરી શકાય છે. આઈટીઆઈ દ્વારા આ કોર્સીસમાં સીધો જ ધોરણ-૧૦ પછી પ્રવેશ આપવામાં આવે છે.

ધોરણ-૧૦ હાલમાં એક પડાવ માત્ર છે. પહેલા પીટીસીની વિદ્યાર્થીઓ દસમાં પછી સીધા જ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે લાયક બનતા પરંતુ હવે ધોરણ-૧૨ પછીની સિસ્ટમને કારણે દસમાનું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું જાય છે. છતાં ઘણાં વિદ્યાર્થીઓને આગળ ૧૧-૧૨માં અભ્યાસ ના કરવો હોય તો દસમા ધોરણ પછી અનેક કોમ્પુટરના કોર્સીસ કરીને તે પોતાની આજીવિકા કમાઈ શકે છે. ધોરણ-૧૦ના આધારે કોમ્પ્યુટર ક્ષેત્રે ગ્રાફિક્સ ડિઝાઈનિંગના, વિડિયો એડિટિંગના કે એનિમેશનના કોર્સીસ કરીને આગળ વધી શકાય છે. ઘણાં કિસ્સામાં આ કોર્સની એટલી વેલ્યું છે કે તેની ઈન્ડસ્ટ્રીઝમાં સીધી જ ડિમાન્ડ હોવાના કારણે ડિગ્રી કોર્સીસ કરતાં પણ સારા પગારની નોકરી મળી શકે છે. આજે આઈટીઆઈના કોર્સીસની મધ્ય એશિયાઈ દેશોમાં જોરદાર ડિમાન્ડ છે. ધોરણ-૧૦ પછી ટેકનિકલ ક્ષેત્રના કોઈપણ આઈટીઆઈના કોર્સીસ કરવાથી એક મોટું ક્ષેત્ર સાંપડે છે.

ધોરણ-૧૦ પછી ફાયરમેનના કોર્સીસમાં પણ જોડાઈ શકાય છે. અમદાવાદમાં ફાયર સર્વિસીસની કોલેજમાં પણ ડિપ્લોમા લેવલના ધોરણ-૧૦ પછીના કોર્સીસ ચાલે છે. વિવિધ નગરોના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેનની જગ્યાઓ ખાલી થતી હોય છે. આ ઉપરાંત દેશની મોટી કંપનીઓમાં પણ ફાયરમેન તરીકે જોડાવવાની તકો રહેલી છે. ધોરણ-૧૦ પછી સંગીત શિક્ષક માટે પણ સારા કોર્સીસ છે.

આ ઉપરાંત લકુલિશ યોગ યુનિવર્સિટીમાં પણ યોગ શિક્ષક માટેના કોર્સીસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિપ્લોમા ઈન હોટેલ મેનેજમેન્ટ જેવા કોર્સીસમાં પણ જોડાઈને હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં જોડાઈ શકાય છે. ફાર્મસી કરનારાઓ માટે પણ ડિપ્લોમા ફાર્મસીનો કોર્સ કરીને સરકારી કે પ્રાઈવેટમાં ફાર્માસિસ્ટ તરીકે જોડાવાની તક રહેલી છે. ઘણાં વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને માત્ર ધોરણ-૧૦ પછીના કોર્સમાં સીધા જ જોડાઈને આગળ ભણવાની ઈચ્છા નથી હોતી. સીધા જ વ્યવસાય લક્ષી શિક્ષણમાં જ કરિયર બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કૃષિ યુનિવર્સિટીમાં, ઉત્તર બુનિયાદી શિક્ષણમાં પણ અનેક તકો રહેલી છે.

આ ઉપરાંત સ્ટેનોગ્રાફીની પણ આખા દેશમાં જબરદસ્ત માંગ છે. કોર્ટમાં, સરકારી કચેરીઓમાં, સચિવાલયમાં સતત સ્ટેનોગ્રાફરની અછત પડે છે ત્યારે સ્ટેનો ટાઈપીસ્ટના કોર્સીસ થકી પણ એક વિદ્યાર્થી પોતાનું સ્થિર ભાવિ ઘડી શકે છે. માર્કેટમાં કોમ્પ્યુટર ક્ષેત્રના અનેક પ્રાઈવેટ કોર્સ થકી વિદ્યાર્થી અભ્યાસ સાથે કમાણી પણ કરી શકે છે. સરકારી પોલિટેકનિક કોલેજમાં પણ કોમ્પ્યુટર ઓપરેટરના કોર્સીસ ચાલે છે જેમાં પ્રમાણિત કોર્સીસ કરાવવામાં આવે છે.

ઘણાં એવું માને છે કે ધોરણ-૧૦ પછીના કોર્સીસની કોઈ વેલ્યુ નથી. પરંતુ એવું નથી. આઈટીઆઈ અને ડિપ્લોમાના અનેક કોર્સીસની વેલ્યુ ડિગ્રી કરતાં પણ વધુ હોય છે.

ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ અનેક કોર્સીસ એવા છે જેમાં સારી કમાણી કરી શકાય તેવી તકો પડેલી છે. જેમ કે ડિપ્લોમા ઈન ઓટો મોબાઈલનો કોર્સ કરવાથી કોર્પોરેટ કંપનીઓમાં પણ સારી જોબ મળે છે. ઉપરાંત નર્સિંગના કોર્સીસની પણ સમગ્ર વિશ્વમાં ડિમાન્ડ છે. છોકરીઓ માટે આજે નર્સિંગના કોર્સીસની વધુ બોલબાલા છે. હોસ્પિટલો વધતી જાય છે અને સાથે નર્સોની પણ અછત ઊભી થઈ રહી છે ત્યારે હાલમાં કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ નર્સિંગ સ્ટાફને સારું પેકેજ મળવા લાગ્યું છે. ધોરણ-૧૦ પછી આર્મિમાં જોડાવાની સોનેરી તક છે. આર્મિમાં પણ ટેકનિકલ ક્ષેત્રે ટેકનિશ્યનોની જરૂર પડે છે, આર્મિમાં પણ નર્સિંગ ક્ષેત્રના વ્યવસાયિકોની જરૂર પડે છે. ધોરણ-૧૦ પછી મિલિટ્રી કે પેરામિલિટરી ફોર્સમાં જોડાઈ શકાય છે.

ઉત્તર બુનિયાદી ક્ષેત્રે હોર્ટિકલ્ચર એટલે બાગાયતી ખેતીમાં કૃષિ નિષ્ણાંત તરીકેના કોર્સીસ કરી શકાય છે ઉપરાંત એનિમલ હસબન્ડરીના એટલે કે વેટરનરી ડોક્ટરના કોર્સીસ પણ કરી શકાય છે. ભારતમાં ૮૦ના દાયકા પછી લોકોમાં ટેકનિકલ શિક્ષણનો વધારો થાય એ માટે અને સ્કીલ ડેવલપમેન્ટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ડિપ્લોમા કોર્સીસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડિગ્રી એન્જિનિયરિંગનો વ્યાપ વધી જતાં ડિપ્લોમા ક્ષેત્રે વિદ્યાર્થીઓ ઓછા થઈ ગયા છે. જે જાય છે તે પણ ડિગ્રીમાં જવા માટે જ જાય છે. જો કે ડિગ્રી ક્ષેત્રે પણ ૧૦,૦૦૦થી પણ વધુ જગ્યાઓ ખાલી હોવાના કારણે આજે ડિપ્લોમા ક્ષેત્રે સુષ્કતા જોવા મળે છે. પરંંતુ જે વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ના ખર્ચાળ વર્ષો બગાડવા ના હોય અને સીધા જ ટેકનિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવો હોય તો તેમના માટે ડિપ્લોમા ખોટું નથી. ધોરણ-૧૦ આજે એક સ્ટેપિંગ સ્ટોન ગણાય છે. પહેલાં ધોરણ-૧૦માં જ સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ પ્રવાહો હતા. પરંતુ આજે ધોરણ-૧૦ પછી ધોરણ-૧૧માં સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ ભાગ પડે છે. જેના લીધે હવે ધોરણ-૧૦ની બોર્ડથી વિશેષ કોઈ વેલ્યુ નથી. છતાં આગળ ન ભણવા માગતા અને પોતાના રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરનારા યુવાનો માટે ધોરણ-૧૦ પછી આઈટીઆઈના કોર્સીસ કે ડિપ્લોમાના કોર્સીસ કે પછી ફાઈન આર્ટસના કોર્સીસ ખોટા નથી. ધોરણ-૧૦ પછી ઓપન યુનિવર્સિટી કે આંબેડકર યુનિવર્સિટીમાં પણ એડવર્ટાઈઝિંગ ક્ષેત્રના વિવિધ કોર્સીસ છે જેના થકી કામ કરતાં કરતાં ભણી શકાય છે. આ ઉપરાંત નેચરોપથીને લગતાં કોર્સીસ પણ દસમાં ધોરણ બાદ કેટલીક સંસ્થાઓમાં ઓફર કરવામાં આવે છે.