Rasdhar ni vartao - raa navghan in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | રા નવઘણ...

Featured Books
Categories
Share

રા નવઘણ...

રસધારની વાર્તાઓ - ૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


રા’નવઘણ

“લે આયરાણી તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર.” એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયો અને અક્કેક થાનોલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીટેલ નવા બાળકને એ નીરખી રહી પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો. એણે પૂછ્યુંઃ “કોણ આ?”

આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યુંઃ “મોદળનો રા’ - જૂનાણાનો ધણી.”

“આંહીં ક્યાંથી?”

“એ... જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સોળંકીના કટક ઊતર્યા. ને તે દી સોળંકીની રાણિયું જાત્રાએ આવેલી તેને દાણ લીધા વિના રા’ ડિયાસે દામેકંડ ના’તી દીધી ખરી ને, અપમાન કરીને પાછી કાઢી’તી ને, તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીઓએ. રાજા દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો.

પછી રા’ને રસાલા સોતો જમવા નોતર્યો. હથિયાર-પડિયાર ડેલીએ મેલાવી દીધાં. પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ, બેય જીતી લીધાં.”

“આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું?” દીકરા-દીકરીને ઘૂંટડેઘૂંટડા ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી.

“બીજી રાણિયું તો બળી મૂઇ, પણ આ સોમલદેને ખોળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો રખડીરવડીને મરી ગઇ. પણ આ બેટડાને એક વડારણે આંહીં પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે.”

“અહોહો! ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યોતરસ્યો હશે. ઝટ લાવો એને, આયર!” એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી. બોલીઃ “બાપ જાહલ! મારગ કર આ આપણા આશરા લેનાર સારુ. તું હવે ઘણું ધાવી; ને તું તો દીકરીની જાતઃ પા’ણા ખાઈનેય મોટી થાઇશ; માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ.”

એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠો મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા મંડ્યો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી.

અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઊઠ્યો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઇ જાય એટલું બધું ધાવણ ઊભરાયું.

દેવાયત નિહાળી રહ્યો. બાઇએ કહ્યુંઃ “તમતમારે હવે ઉચાટ કરશો મા. મારે તો એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત. બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડી પડીય વધશે. એની વાંધો નહિ.”

“પણ તું હજી સમજતી નથી લાગતી.”

“કાં?”

“વાંસે દા બળે છે, ખબર છે નેે? સોળંકીઓએ જૂનાને માથે થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે.”

“ફકર નહિ, મોરલીધરનાં રખવાળાં. તમતમારે છાનામાના કામે લાગી જાવ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહિ મરે. ભલે સોળંકિયુનો થાણદાર જીવતું ચામડું ઉતારતો.”

દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને આંહીં આહીરાણી માતા એના નવા બાળને અંગે અંગે હાથ ફેરવતી, મેલના ગોળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી.

“બાપા! તું તો આઇ ખોડિયારનો, ગળધરાવાળીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું તો રા’ડિયાસના ગઢનું રતન; તારાં વાંઝિયાં માવતરને ઘરે નવ સરઠુંનાં રાજપાટ હતાં. છતાં, ચકલાંયે એના ઘરની ચણ્ય નો’તાં ચાખતાં.

તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઇ ખોડિયારને ઓરડે પહોંચી’તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીનાં વરદાનથી તારાં ઓધાન રિયા’તાં. અને, મારા ફૂલ! તારી માને તો તું જરાપણમાં જડેલોઃ મા તારી માગતી’તી કેઃ

દેવી દેને દીકરો, (હું) ખાંતે ખેલાવું,

જોબન જાતે નો જડ્યો, (હવે) જરપણે ઝુલાવું.

“ને તારાં તો ઓધાન પણ કેવાં દોયલાં હતાં! તું તો માનો દુશ્મન હતો, ડાયલા!” એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં ખબર છે? તારી અપરમાયુંએ કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ ઇડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા’ર નીકળ ને! પૂતળું ભોંમાં ભંડારેલ, ત્યાં સુધી તુંયે માના પેટમાં પુરાયલઃ પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઇ.

એણેય સામાં કપટ કર્યાં. ખોેટેખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઇ ગયો. હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઇ પૂતળું તપાસવા. ભોંમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું ત્યાં તો, હે દૉંગા! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચોસાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું, મારા મોભી?”

કોઇ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતો દીઠો. ઝોંટાઇને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણેય છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણેય જણાં ઘૂઘવાટા કરવા લાગ્યાં.

પાંચેક વરસની અવધ વટી ગઇ હતી. વાહણ, નવઘણ અને જાહલ માનો ખોળો મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણેય છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટતી ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથળીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું.

થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઇ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાઓને તેડાવી ઝરડકી દેવા માંડીઃ “બોલો, દેવાયત બોદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી?”

તમામ આહીરોએ માથાં ધુણાવીને ના પાડી- “હોય તો રામ જાણે; અમને ખબર નથી.”

“બોલો, નીકર હું જીવતી ખોળ ઉતરડી દઇશ. હાથેપગે નાગફલિયું જડીશ.”

આહીરાણીનું ધાવણ ધાવેલા એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડ્યો.

પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઇ ગયું હતું. લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઇ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીએ પૂછ્યુંઃ “આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ વાત સાચી?”

રૂપેરી હોકાની ઘૂંટ લેતાં દૉંગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધોઃ “સાચી વાત, બાપા! સહુ જાણે છે. મલક છતરાયો જ નવઘણ મારે ઘેર ઊઝરે છે.”

આલિદર-બોડીદરના આહીર ડાયરાનાં મોઢાં ઉપર મશ ઢળી ગઇ. સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઇ દેશે.

“આપા દેવાયત!” થાણદારે મે’ણું દીધુંઃ “રાજાના શત્રુને દૂધ પાઓ છો કે? રાજનું વેર શીદ વહોર્યું? સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડ્યાં છે કે?”

“કાવતરું હોય તો સાચું શા સારુ કહી દેત?”

“ત્યારે?”

“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી, પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને ગરદન સોળંકિયુંને સોપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”

આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઇ ગયો લાગ્યો. કંઇકને દેવાયતના દેહના કટકેકટકા કરવાનું મન થયું. પણ ચોગરદમ સોલંકીઓની સમશેરો વીંંટાઇ વળી હતી. ત્યાંથી કોઇ ચસ દઇ શકે તેમ નહોતું.

“ત્યારે તો ઝાઝા રંગ તમને, આપા દેવાયત! રાજ તમારી ભક્તિને ભૂલશેે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો.”

“ભલે બાપ! અબઘડી! લાવો દોતકલમ! ઘર ઉપર કાગળ લખી દઉં.”

દેવાયતે અક્ષરો પાડ્યા કે “આયરાણી, નવઘણને બનાવીઠનાવી રાજની રીતે આંહીં આ આવેલા આદમી હારે રવાના કરજે.” વધુમાં ઊમેર્યું કે “રા’ રાખતી વાત કરજે.

“રા’ રખતી વાત કરજે!” એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડ્યા. જઇને આહીરાણીને આહીરનો સંદેશો દીધો. વાહણની મા બધું છલ વરતી ગઇ.

“હં - અં બાપુ! અમે તો ઇ જ વાટ જોઇને બેઠા’તાં; ઇ લાલચે તો છોકરાને ઉઝેર્યો છે. લ્યો. તૈયાર કરીને લાવું છું.”

એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણેય બચ્ચાંને દીઠાં. “વાહણ! દીકરા! ઊઠ્ય, આંહી આવ! તને તારો બાપ કચેરીમાં તેડાવી છે. લે, નવાં લૂગડાં-ઘરેણાં પહેરાવું;” એમ કહી સાદ દબાવી, આંખો લૂછી, એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું.

ત્યાં બાકીનાં બન્ને છોકરાં દોડ્યાં આવ્યાંઃ “મા, મને નહિ? માડી, મને નહિ? મારેય જાવું છે ભાઇ ભેળું.” એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ સુધી તો મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી, અને આજ સુધી તો મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી, અને આજ સુધી તો તારવે છે?

વાહણભાઇને હથિયાર-પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઇ, ચોખા ચોડેલા ચાંદલા સોતો જ્યારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો. “બેટા વાહણ! વે’લો આવજે” એટલું બોલી મા ઓરડે થંભી રહી. એણે દીકરાને જીવતોજાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઇઃ ‘વાહણને છેતરીને વળાવ્યોં આશરાધર્મના પાલન સાટુ.’

“લ્યા, બાપા! આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સાંભળી લ્યો!” એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનારા સગા પુત્રની ઓળખ આપી. એને એક કોરે આહીરાણી સાંભરતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો હતો. “આયરાણી! ઝાઝા રંગ છે તનેૅ, જનેતા! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો.’

આહીર ડાયરાએ છોકરાને ઓળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી, એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઇ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો; પણ એની મુખમુદ્રામાં ક્યાંયે ઝાંખય ન દેખાઇ.

ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કેઃ “તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડ્યો છે.”

“ત્યારે આ હત્યા કોની થઇ?”

“એના પોતાના છોકરાની.”

“જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો.”

“દેવાયતને એવા સાત દીકરા હોય તો એ સાતેયને પણ સગે હાથે રૅંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે.”

“ત્યારે હવે શી રીતે ખાતરી કરશો?”

“બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટનો જણ્યો મર્યો હશે, તો ્‌એ માતાની આંખોમાં પાણી આવશે. પુત્રની આંખો ઉપર પગ મૂક્તાં જનેતા ચીસ પાડશે.”

આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યુંઃ “જો આ તારો બાળક ન હોય તો એના આંખો પર પગ મૂક.”

દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતેય આકાશ જાણે તૂટી પડ્યાં.

પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહણની આંખો ચગદી. સુબેદારને ખાતરી થઇ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.

પાંચ વરસનો નવઘણ જોેતજોતામાં પંદર વરસની વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભોંયરામાંથી બહાર નીકળવા ચાહતુૂં હતું, પણ દેવાયત એને નીકળવા કેમ દે!

એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરો હતો. નવઘણને જોઇને એને બહુ ફાળ પડી. પણ પછી તો ઇલાજ ન રહ્યો.

સામે જ સાંતી ઊભું હતું; નવઘણ ત્યાં પહોંચ્યો. સાંતી હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતાં જ સાંતીના દંતાળની અંદર જમીનમાં કાંઇક ભરાયું. બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ. નવઘણ માટી ઉખેળીને જએ ત્યાં તો દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઇ ગયેલું. ઊંચકાતાં ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઇ ચીજની સાથે ચોંડ્યું હોય એમ લાગ્યું.

અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું. દેયાયત સમજી ગયો. તે વખતે તો સાંતી હાંકી બધાં ઘેર ગયાં, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોરભર્યા સાત ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે ‘બસ! હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો.’

દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામેગામના આહીરોને કંકોતરી મોકલી કે ‘જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે અક્કેક હથિયાર લેતા આવજો.’

પહાડ સમાં અડીખમ શરીરોવાળા, ગીરના સિંહોની સાથે જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને આંગણે જમાવટ થઇ. સહુની પાસે ચકચકતાં ઢાલ, તરવાર, કટારી, ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે. કાટેલી કે બૂઠી તરવારને ઘાએ પણ સેંકડોને કાપી નાકે એવી એ લોઢાની ભોગળ સમી ભુજાઓ હતી. આખી નાત આલિદર-બોડીદરને પાદર ઠલવાઇ ગઇ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતી.

આજે એ નાતના પટેલને ઘરઆંગણે પહેરો જ અવસર હતો, એમ સમજીને મહેમાનોનાં જૂથ ઊતરી પડ્યાં. દેવાયતે તેડુંં મોકલેલું કે, ‘પાઘડીનો આંટો લઇ જાણનાર એકેએક આયર આ સમો સાચવવા આવી પહોંચજો.’ આહીરની આખી જાત હૂકળી.

દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યુંઃ “આ મારે પહેલવહેલો સમો છે. વળી હું સોળંકીરાજનો સ્વામીભક્ત છું. આજે મારે ઉંબરે સોરઠના રાજાનાં પગલાં કરાવવા છે, ભાઇઓ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે.”

ઘોડે સાંઢિયે રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડેલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે.

ગઢ જૂના લગી જાણ થઇ ગઇ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઇ રહ્યા. સોલંકીઓનાં ઠાણમાં ઘોડાંએ ખૂંદણ મચાવી.

જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા, ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારી ટૂકેટૂકે દીવા તબકતા હતા.

દેવાયતનું વેણ ફરી વળ્યુંઃ “ભાઇઓ, ઘોડાં લાદ કરી લ્યે એટલી વાર સહુ હેઠા ઊતરો. સહુ પોતપોતાનાં ઘોડાં-સાંઢિયાના ઊગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઇને સાંભળી લ્યો.”

સોય પડે તોય સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને પૂછ્યુંઃ “આને તમે ઓળાખો છો?”

સહુ ચૂપ રહ્યા.

“આ પંડે જ ડિયાસનો દીકરો નવઘણ. તે દી એને સાટે કપાયો એ તો હતો નકલી નવઘણઃ મારો વાહણ હતો એ. જોઇ લ્યો સહુ, આ જૂનાણાના ધણીને.”

ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયો હતો.

દેવાયતે કહ્યુંઃ “આહીર ભાઇઓ! આજ આપણે સોળંકી રાજને વિવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નાતરું દેવા જઇએ છીએ. પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે.

જાહલને હું અટાણે એવી કઇ ઠારકે પરણાવું? આની મા - મારી ધર્મની માનેલ બોન - મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે?”

દેવાયતે નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યોઃ “જુવાન ! તું મોદળનો ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળજૂનું નગારું પડ્યું છે.

જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કૈંફ જુગનું એ પડ્યું છે. સોળ વરસથી એ અબોલ બેઠું છે. આજ તારી ભુજાઓથી એણે દાંડીના ઘાવ દેજે, એકોએક આયર બચ્ચો તારી ભેરે છે.”

નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂક્યો. વહાલો ભાઇ વાહણ તે દિવસે પોતાને સાટે કપાયો હતો, તેનું વેર રાતનાં અંધારામાંથી જાણે પોકારી ઊઠ્યું.

“ત્યારે શું? જે મોરલીધર!” દેવાયતે સવાલ પૂછ્યો.

“જે મોરલીધર!” ડાયરાએ બોલ ઝીલ્યો.

કટક ઊપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘોડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હોલ્યો.

ગીરકાંઠાનો આહીર ડાયરો આજે તેડે આવે છેઃ ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝાં આદરમાન દેવા સારુ ખડા હતા. હજાર આહીરો ઉપરકોટમાં હૂકળી રહ્યા, અને મોટા કોઇ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજરે પડ્યું.

“આપા! આવડું મોટું આ શું છે?” નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો.

“બાપ! ઇ રાજનગારું. ઇ વાગે ત્યારે રાજપલાટો થાય.”

“એમ ? તઇં તો ઠીક!” કહી નવઘણ ઠેકી પડ્યો. દાંડી ઉપાડીને મંડ્યો ધડૂસવાઃ રડીબામ! રડીબામ! રડીબામ! ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઊઠ્યો, અડીકડી વાવમાંથી સામા અવાજ ઊઠ્યાઃ દીવાલેદીવાલ બોલી કે ‘આવ્યો! આવ્યો! કાળદૂત આવી પહોંચ્યો!’

અને પછી દેકારો બોલ્યો. હજાર આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીઓના લોહીની નદીમાં પાશેર પાશેરનો પા’ણો તણાયો.

પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરોનાં થાણાં ઠેરઠેર બેસી ગયાં.

“હા! હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી ક્યે સુખે સંસાર માંડત! બાપ, સોરઠના ધણી! હવે તો બોનના હાથે તિલક લેવા આલિદર પધારો.”

જાહલબહેન સંસતિયા નામના જુવાન આહીરની સાથે ચાર ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઊઠીને લગન માણવા બેઠો. જાહલે ભાઇને ટિલાવ્યો. ભાઇએ હાથ લાંબો કર્યોઃ “બે’ન! કાપડાની કોર આપવી છે.”

જાહલ બોલીઃ “આજ નહિ, વીરા મારા! ટાણું આવ્યે માગીશ. તારું કાપડું આજ કાંઇ હોય! તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે?”

નવઘણ સમજી ગયો. બહેનનાં વારણાં પામીને એ જૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.

દસ-બાર વરસનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોદડ અને આહીરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઇ સંસતિયો પોતાનો માલ ઘોળીને પરમુલકમાં ઊતરી ગયાં છે. સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ચરે છે. ગામડાં ઉજ્જડ પડ્યાં છે. માલધારીઓનાં મવાડાં, કોઇ માળવે, કોઇ સિંધવા ને કોઇ ગુજરાતમાં નોખનોખાં વાંઢ્યો લઇ લઇ દુકાળ વરતવા નીકળી પડ્યાં છે.

નવઘણની તો હવે પચીસી બેઠી હતી. ભુજાઓ ફાટફાટ થતી હતી. ધીંગાણાં વિના ધરાઇને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભુમિમાંથી શત્રુઓને એણે વીણીવીણીને કાઢ્યા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગોતે છે, ભાલાં ભેડવવા આવનાર નવા શત્રુઓની વાટ જુએ છે. ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ઘોડલાં ઝીંકીઝીંકી સાવજના શિકાર ખેલે છે.

કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઇ પડ્યું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘોડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવેલા અને વાંસાઢોળની ડુંગરમાળ નવઘણનાં પગલાંને ‘ખમા! ખમા!’ કરતી ધણેણી હાલે છે. સાવજદીપડાની ડણકો, ડુંગરાની ટૂકેટૂક ઉપર ઠેકાઠેક, અને ઘુઘવાટા સંભળાવીને પોતાની ભેખડો ઉપર રા’ને પોઢાડતી નદીઓના પથ્થર-ઓશીકાંઃ એ બધાં જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ છે.

એવા સમયમાં એક દિવસ એક ચીંથરેહાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા લાગ્યો. એને અંદર દાખલ થવું હતું. પહેરેગીરે તેને ્‌અટકાવ્યોઃ “શું કામ છે?”

“મારે રા’ને રૂબરૂ મળવું છે.”

“રા’ને પંડ્યને? રૂબરૂ મળવું છે? તારે ભિખારડાને?” સહુ ખિખિયાટા કરવા લાગ્યા.

“મારે રા’ને સંદેશો દેવો છે. ઢીલ કરવા જેવું નથી. રા’ને ઝટ ખબર આપો.”

માણસોએ એને કાલો ગણીને કાઢી મૂક્યો. પણ એ આદમી ખસ્યો નહિ; એને એક તરકીબ હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં. બળબળતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડાં થોડાં લીલાં ખડ ઊગેલા, ત્યાં જઇ પહોંચ્યોે. ભારી બાંધીને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો.

નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડ્યાઃ “એલા, એ ભારી મને વેચાતી દે ! મને દે ! મને દે! એવા પોકાર પડ્યા. સહુને રા’ના નોખનોખા ઘોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘોડાને લીલવણી ઘાસ નીરવાની હોંશ કોને ન હોય?

પણ ભારી લાવનારને જાણ થઇ ચૂકી હતી કે સહુ ઘોડામાંથી ઝપડો ઘોડો નવઘણનો માનીતો હતો. સાત - સાત દિવસે રા’ ઝપડાનું ઠાણ તપાસવા આવતો. ત્યાં મારે ભેટો થશે એમ સમજીને એ ભિખારી ત્યાં જ ભારીઓ લાવતો હતો. ઝપડા ઘોડાને ખીલે એ સાતમાં દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો.

જુવાન નવઘણ જેવો ઝપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ આ અજાણ્યો આદમી સામો જઇ ઊભો રહ્યો. ‘રામરામ’ કર્યા.

નવઘણે મીટ માંડી. અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. “રામરામ, ભાઇ! કોણ છો? ક્યાંથી આવ્યા છો?”

આદમીએ કાંઇ જ બોલ્યા વિના પોતાના માથાબંધણાના લીરામાં અમોલખ રત્નની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રા’ના હાથમાં આપ્યો. મેલાઘેલા રેળાઇ ગયેલ અક્ષરોને રા’ ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઇ ગયા હતા. રા’ની આંખો ચમકી ઊઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યોઃ

માંડવ અમારે માલતો, (તે દી) બંધવા, દીધેલ બોલ,

(આજ) કર કાપડાની કોર, જાહલને જૂનાના ધણી!

(હે બાંધવ, તે દિવસે મારા લગ્નમંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તેં મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવ્યે માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે.)

“બોન જાહલનો કાગળ?” નવઘણે જુવાનની સામે જોયું. “કોણ, સંસતિયો તો નહિ!”

જુવાનની આંખોમાં ઝળઝળિયાં હતાં. એ અબોલ ઊભો રહ્યો.

“તારી આ દશા, ભાઇ!” કહીને નવઘણ સંસતિયાને ભેટી પડ્યો. “આ શું છે? તું કેમ કાંઇ કહેતો નથી?”

“કાગળ જ બધું કહેશે.”

નવઘણે આગળ વાંચ્યુંઃ સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતાઃ એક પછી એક કેવા કારમાં ઘા કર્યા છે બહેનેઃ

નવઘણ તમણે નેહ, (અમે) થાનોરવ ઠરિયાં નહિ,

(કાંઉ) બાળક બાળ્યપ લ્યે, અણધાવ્યાં ઊઝર્યાં અમે.

(હે વીરા નવઘણ, તારા ઉફરના સ્નેહને લીધે તો હું માતાના થાનોલા (સ્તન) ઉપર ટકી નહોતી. તને ઉછેરવા સારુ તો માએ મને ઝોંટીને આઘી ફગાવેલી. એમ હું તો ધાવ્યા વિના ઊછરી. એમાં મારું બાળપણ શી રીતે બલવંત બને? હું આજ ઓશિયાળી બેઠી છું.)

નવઘણને બાળપણ સાંભર્યું.

“અને, હે ભાઇ!”

તું આડો મેં આપિયો, વાહણમાયલો વીર,

સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી!

(તારી આડે - તારી રક્ષા ખાતર - તો મેં મારા માડીજાયા ભાઇ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા સંગમાં આ વાત તું બરોબર સમજ્જેે)”

પણ શું બન્યું છે?બે’નડી ઉપર શી વિપત પડી છે? બહેન આજ આવાં આકરાં સંભારણાં કાં આગળ ધરી રહી છે? પછીનો સોરઠો વાંચ્યોઃ

તું નો’તે જે નુઇ, તે તું હુતે હુઇ!

વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી!

(હે વીરા! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઇ જીવતાં છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ!)

“હે ભાઇ!

કૂવે કાદવ આવિયા, નદીએ ખૂટ્યાં નીર,

સોરઠ સડતાળો પડ્યો, વરતવા આવ્યા, વીર!

(સોરઠ દેશમાં સુડતાળો કાળ પડ્યો. નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયાં. અમારાં ઢોરને કોઇ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારુ છેક આંહીં સિંધમાં આવવું પડ્યું.)

“આંહીં અમારા શા લાહ થયા છે?”

કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,

અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.

(મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઇ ગઇ છે. આજ આ અસુરો મારા ઉર (છાતી) ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે,)

નહિ મોસાલે માવલો, નહિ માડીજાયો વીર,

સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.

(મને સિંધના મુસલમાન રાજા હમીર સૂમરાએ આંહી રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું. કેમ કે મારે નથી મોસાળમાં વહાલો (મામો) કે નથી મારે ન્માનો જણ્યો ભાઇ. એટલે જ મારી આ ગતિ ને!)

નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એનાં નેત્રોમાંથી આંસુ દડવા લાગ્યાં. બહેનનો મારી પાંતીનું આટલું બધું ઓછું આવ્યું! કેમ ન આવે! આજ બહેનના દેહની કેવી વલે થઇ હશે!

નવઘણે સંસતિયાને એકાંતમાં લઇ જઇને આખી વાત પૂછી. સંસતિયાએ માંડીને અથ-ઇતિ કહીઃ “માલ લઇને અમે જંગલોમાં નદીકાંઠે નેસ નાખીને પડ્યાં હતાં. અમે સહુ ચારવા નીકળેલા. વાંસેથી જાહલ તળાવકાંઠે નહાતી હતી.

શિકારે નીકળેલા હમીર સૂમરાએ જાહલનાં રૂપ નીરખ્યાં. હેમની પાટ્ય સરીખા સોરઠિયાણીના વાંસા ઉપર વાસુકિ નાગ પડ્યો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો. આહીરાણીનાં ગોરાં ગોરાં રૂપ દીઠાં; પહાડપુત્રીની ઘાટીલી કાયા દીઠી; સૂમરો ગાંડોતૂર બની ગયો.

જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી, અમે સહુ સૂનમૂન થઇ ગયાં. પણ જાહલે જુક્તિ વાપરીઃ ‘મારે છ મહિનાનું શિયળવ્રત છે. માતાની માનતા છે. પછી ખુશીથી સૂમરા રાજાનું પટરાણીપદ સ્વીકારીશ.’ એવું કહી ફોસલાવી છ માસની મહેલત મેળવી, આ કાગળ લઇ આંહી મને મોકલ્યો છે.

હું છાનોમાનો નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. છ મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મરશે, પાપીને હાથે નહી પડે.”

વીરો નવઘણ બહેનની વહારે ચડ્યો. મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.

(૧)

૧ નવ લાખ ઘોડે ચડ્યો. નવઘણ સુમરા-ધર સલ્લડે,

સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,

અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,

નત્ય વળાં નવળાં દિયળ નરહી, વળાંપૂરણ વરૂવડી!

(સૂમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘોડે ચડ્યો. એ સેનાના ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા. આવે રૂપે જયારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળું (રાતનું ભોજન) પૂરનારી દેવી વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી) તારે પ્રતાપે આમ થયું.

ભેળા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સાળો અયપ પરમાર છેઃ કાળઝાળ ફરશી ભાટ છેઃ ગીરના શાદૂળા આહીરો છેઃ ચુડાસમા જદુવંશી રજપૂતો છેઃ રા’ની ધર્મબહેનનાં શિયળ રક્ષવા સારુ સારી સોરઠ ઊમટી છે. નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે. અને -

સહુનાં ઘોડાં મારગે ચાલ્યાં જાય જો ને!

આડબીડ હાલે વીરાની રોઝડી રે લોલ!

સહુનાં ઘોડાં પાણી પીતાં જાય જો ને!

તરસી હાલે વીરાની રોઝડી રે લોલ!

એ દુઃખી બહેનના ભાઇનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે. વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઊતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચાશે કે નહિ તેની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે. એકલવાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી.

એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે. સહુને અચંબો થાય છે કે આ ગળાંની ટોકરીઓના રણકાર સંભળાય છે.

સહુને અચંબો થાય છે કે આ શું! આખી સોરઠ સળગી ઊઠી છે તેમાં આ શીતળ લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઇ માનવી નથી. તાજી નાહીને નીતરતી લટો ઝુલાવતી સાત નાની નાની બહેનો વડને થડે ‘ઘોલકી ઘોલકી’ ની રમત રમી રહી છે. સાતેય અંગે કાળી લોબડીઓ ઓઢી છે.

(૨)

બાયુત ૧ રમવા વેશ બાળે નેસહુંતે ૨ નીસરી,

માહેશ ૩ ડાડો, શેષ નાનો, એહ બઉ પખ ૪ ઊજળી,

દેશોત ૫ નવઘણ જમત જણદત, ચાડ્ય ૬ છોટી ચરુવડી, ૭

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂર્ણ વરૂવડી!

(બાળે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે? મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય, એ રીતે માતૃપક્ષને પિતૃપક્ષ બેઉ જેના ઊજળા છે, ને જેણે નાની શી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવઘણને તે દિવસે જમાડ્યો, તે તું જ હતી, હે આઇ વરૂવડી! ભૂખ્યાંને વાળું કરાવીને, હે સુવાડનારી!)

“આ કોનો નેસ?” નવઘણે સાથીઓને પૂછ્યું.

“આ ખોડનો નેસ, સાંખડા નરા નામના ચારણનો.”

ત્યાં તો સહુની નજર સૈન્યની સન્મુખ ચાલી આવતી એક કન્યા સામે મંડાઇ ગઇ. કૂડું રૂપઃ કાળો વાનઃ કાળા કાળા લોઢા જેવા આગલા બે દાંત બહાર નીકળી ગયેલાઃ કાળી લોબડીના ઓઢણાથી મુખમુદ્રા વિશેષ વહરી લાગે છેઃ પણ ચાલી આવે છે ધીરાં ધીરાં મક્કમ ડગલાં માંડતી.

ગગડતા સાગરની તોફાની ભરતી જેવી સેનાનો પણ એને ભૉ નથીઃ પહાડ જેવડા તોખારો હડફેટમાં લઇને હમણાં પીલી નાખશે એની એને પરવા નથીઃ કરડી અંગાર ઝરતી આંખોવાળા પડછંદ હથિયારધારી જોદ્ધાઓ જાણે એને મન મગતરાં છેઃ અસ્ત્રશસ્ત્રો જાણે એને મન પારણામાં રમવાના ઘૂઘરા, ધાવણી અને પોપટલાકડીઓ છેઃ એવી એક ગામડાની કુમારિકા, નીતરતો ચોટલો ઝૂલાવતી, લોબડીના ચારેય છેડા છૂટા મેલતી, હાથ હીંડોળતી, સામે પગલે ને સમી ચાલે ચાલી આવે છે.

“એ બાઇ, તરી જા! છેટી તરી જા! એવો ચાસકો કોઇએ કટકમાંથી કર્યો.

તોયે કન્યા ચાલી આવે છે. મારગની વચ્ચોવચઃ મોં મલકાવતીઃ સામે પગલે.

લગોલગ આવી ગઇ. મોખરે ચાલતા નવઘણે ઝપડાની વાઘ ખેંચી. પહાડ જેવડો ઘોડો થંભી ગયો. કન્યાએ આવીને આઘેથી બે હાથે નવઘણનાં વારણાં લીધાંઃ “ખમા, મારા વીર ! નવ લાખ લોબડિયાળિયુંના રખવાળાં તને!”

“કોણ છો તમે, બોન?” નવઘણે પૂછ્યું.

“હું ચારણની દીકરી છું. મારા બાપનું નામ સાંખડો નરો. આંહીં અમારો નેસ પડ્યો છે. મારું નામ વરૂવડી.”

“તમે પોતે જ આઇ વરૂવડી! આટલાં બાળ છો તમે, આઇ ! હું તો ઓળખી ન શક્યો.” એમ બોલી, નવઘણે પાઘડીનો છેડો અંતરવાસ નાખી (ગળે વીંટાળી), હાથ જોડી માથું નીચે નમાવ્યું.

“હાં હાં, માર વીર! બસ, એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે.” એમ કહી કન્યાએ હાથ લંબાવ્યા. નાનકડા હાથ રા’ને માથે આંબી ગયા. મીઠડાં લીધાં. દસેય આંગળીઓના ટાચકા ફૂટ્યા.

કટકનાં માણમોમાં વાતો ચાલીઃ આ આઇ વરૂવડીઃ દેવીનો અવતારઃ જન્મ્યાં ત્યારે આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ ગણી સગાંએ ભૉંમાં ખાડો કરીને ભંડારી દીધેલ. બાપ સાંખડો નરો જૂનેગઢ હતા ત્યાં આઇ સોણે આવ્યાં કે ‘મને દાટી છે, આવીને બહાર કાઢો.’ બાપે આવીને જીવતાંં ખોદી કાઢેલાંઃ કદરૂપાં ખરાં ને, એટલે નામ વરૂડી (ન રૂડી) પાડ્યું.

“બાપ!” કન્યા બોલીઃ “ઊતરો હેઠા, શિરામણ કરવા.”

“આઇ! હું બહુ જાડે માણસે છું, તમારો નેસ રોટલે પોગે નહિ, નેમારે પોગવું છે ઠેઠ સિંધમાં, બે’ન જાહલની વારે. નીકર મારી બે’ન જીભ કરડશે.”

“બધી વાત હું જાણું છું, વીરા! અને હું તને તારી અવધ નહિ ચુકાવું. બનશે તો સહાય કરીશ. એક ટંક આંહીં પોરો લઇને પછી સહુ ચડી નીકળો. તમારી ફતેહ થાશે, ધરમના રખેવાળ!”

“પણ આઇ! મારું માણસ જાડું છે. તમારો નાનકડો નેસ”

“પણ તમને નેસમાં કોણ લઇ જાય છે? આ સામે વડલાને થડ, અમે સાતેય બોન્યું જમણભાતાં કરીએ છીએ ત્યાં જ શિરામણી કરાવવી છે તમને સહુને.”

નવઘણને આ બાળચેષ્ટા ઉપર હસવું આવ્યુંઃ “આઇ, માફ કરો તો ઠીક.”

વરૂવડીએ ઝપડા ઘોડાની વાઘ ઝાલીઃ “નહીં જાવા દઉં. તમને નવ લાખને ભૂખ્યાતરસ્યા જાવા દઇને શું અમે સાત બોન્યું જમણભાતાં ખાશું? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય, વીરા મારા! વિચાર તો કર!”

મોખરે એવી રકાઝક ચાલી રહી છે. નવ લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરડતા ધરતી પર છબી શકતા નથી. કટકના જોદ્ધાઓ પણ આકળા થઇ રહેલ છે, તે વેળા કટકની પછવાડેના ભાગમાં -

દળ ૧ વાટ વહેતે કિયો દવીઅણ ૨ થાટ ૩ કુણ સર ૪ થંભવે?

મખ ૫ નાટ ૬ બોલ્યો જાટ ૭ મત ૮ સે, હાટ બળહટ કણ હુવે?

ફેરવે અણ દન ૯ ભાટ ફડચી, ઘાટ અવળે તે ઘડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

(જે વખતે રસ્તામાં સેના થંભી ગઇ તે વખતે ફડચી નામનો એક ભાટ લશ્કરમાંથી પોતાનું મોં જરા મરડીને, ત્રાંસી નજરે ગુમાનથી વરૂવડી સામે જોતો જડબુદ્ધિનાં ખરાબ વચનો કાઢવા લાગ્યોઃ ‘એવી તે શી જરૂર પડી છે કે આખું લશ્કર એક નાની છોકરીને ખાતર થંભી ગયું? આંહીં તે શું કોઇ વેપારીની દુકાન છે કે અનાજ લેવા આપણે ઊભા રહ્યા!’ એવાં તોછડાં વચન ઉચ્ચારતાં જ ફડચી ભાટનું મરડાયેલું મોં એમ ને એમ રહી ગયું. સીધું થયું જ નહિ. શા માટે એમ થઇ ગયું તેની ફડચીને ખબર ન પડી.)

નવઘણ આસપાસ નજર કરી છે. “આઇ! આંહી મારાં ઘોડાંને પાણી પણ -”

“પાણી છે, બાપ, છે. આ પડખે જ મોટો ધરો પડ્યો છે. ઘોડાને પાણી ઘેરો, છાતીબૂડ ધમારો. માતાજીએ અખૂટ પાણી ભર્યાં છે અમારી મેખિયું (ભેંસો) સારુ. નીકર તો અમે માલધારી આંહીં રહી કેમ શકીએ? અમે તો જળનાં જીવ છીએ, વીરા મારા!”

કાળા સળગતા દુકાળ વચ્ચે પણ સોરઠમાં કુદરતે એક માટો ઊંડો પાણીધરો આંહીં સંતાડ્યો છે. ચોમેર બળતી લા વચ્ચે આંહીં લીલાડું છે, હરિયાળી વડઘટા છે; હેતપ્રીતાળાં આવાં માનવીઓનો વાસ છે. કોઇક પ્રતાપી બાળકી લાગે છે.

એવા વિચાર કરતા નવઘણે ઝપડાની રકાબ છાંડી. સહુને ઘોડાં ઘેરવા ને ધમારવા હુકમ કર્યો. બધા નાહીધોઇ ટાઢા થયા. નજર કરી તો ઘોલકીમાં, નાનકડા ચૂલા ઉપર છ બહેનો કુરડીઓ ચડાવીને માંહીં દૂધ-ચોખાની ખીર રાંધે છે.

નવઘણના મનમાં હતું કે આ હઠીલી ચારણ-પુત્રીઓનાં મન મનાવીને એની પ્રસાદી લઇ ચડી નીકળશું.

“લ્યો બાપ! પંગતમાં બેસી જાવ!” એમ કહી વરૂવડીએ બહેનને હાકલ કરીઃ “બોન શવદેવ્ય! ઠામડાં તો ન મળે.”

“આ વડલાનાં પાંદ પાડી લઇએ.” એમ કહી શવદેવ્ય કછેટો ભીડીને કડકડાટ વડલા પર ચડી ગઇ.

(૪)

શવદેવ બે’નડ, આપ સમવડ, ચોજ ૧ રાખણ વડ ચડી.

ત્રાસળાં કીધાં પાન ત્રોડી, ઘણું ૨ સમસર ૩ તણ ઘડી.

તોય ૪ કળા વરવડ! ધ્રપે ૫ કટકળ, કિયા તૃપતા કૂલડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

(પોતાની સમવયની બહેનપણી શવદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી. ડાળ ઝાલીને હલાવી. પાંદડાં ખર્ચાં. તેના તાંસળાં (વાટકા) બનાવ્યાં. તે વેળાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ, હે વરૂવડી, તારી કળા થકી તેં એક કુલડીમાંથી આખા કટકને ધાનથી ધરવ્યું.)

પંગત બેસી ગઇ. પાંદડાં ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સૅ’ પુરાઇ. સહુને ધાન પહોંચી વળ્યું.

ખટ સુંદરચગલી ૧ ખડી ૨ , સાવળ ૩ વાઇ સપ્રે ૪ ,

મરખટ ૫ બોરંગ મેં, તેં વાકળિયો ૬

(હે વરૂવડી, ચૂલા પર ચરુડી ચડાવીને તેં પ્રીતેથી શિરામણ કરવા નવઘણને બોલાવ્યો.)

કાજળકાં ૭ ધડ ધડ કટક, પાહડકી ૮ ! પોખે,

ચાલી ચોંપ કરે, રૂપાળી! દેવા રજક.

(હે નરા ચારણની પુત્રી, તેં નવઘણના આખા સૈન્યને પોષ્યું. ઉતાવળ કરીને તું તારી શક્તિ બતાવવા ચાલી.)

ઘોડાધરો વરૂવડી, નવઘણ ગરનારા,

શિરામણ સેલું કિયું, જે તે જનવારા!

(હે વરૂવડી, તેં ગિરનારનાથ નવઘણનાં ઘોડાંને પાણી પીવા સારુ ઘોડાધરો નામની નદી બનાવી, અને શિરામણ (જમણ)માં તેં બરકત પૂરી. તારા એ અવતારની જય હજો!)

આઇ ઉતરતી, કાંસેલી પાંખો ૧ કિયા,

વાનાં ૨ વરણ તણાં, તેં વધાર્યાં વરૂવડી!

(હે મા, ચારણજાતિરૂપ વાસણ ઉપર જે કીર્તિરૂપ કંટેવાળો હતો, તે ઘણા દિવસ સુધી સતરૂપી કસોટીના તાપથી ઊતરી ગયો હતોઃ એ કંટેવાળો તેં ફરીથી ઘાટો કર્યો - આપણા વર્ણની આબરૂ વધારી.)

સવારે ઘૃત સેવ, લાલ બપોરે લાપસી,

દૂધે ને ભાતે દેવ્ય, દે વિયાળો વરૂવડી!

(હે દેવી વરૂવડી! સવારે ઘી અને સેવ, બપોરે લાલ લાપસી અને રાત્રીએ દૂધચોખાનુંં વાલું તું અમને દીધા કરજે!)

શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરૂવડીની રજા માગી. વરૂવડીએ પૂછ્યુંઃ “બાપ, કયે કેડે સિંધ પોગવું છે?

“આઇ, સીધે રસ્તે તો આડો સમદર છે. ફેરમાં જવું પડશે.”

“અવધે પોગાશે?”

“એ જ વિમાસણ છે, આઇ!” નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલેપલ એની નજર સામે બહેન જાહલ તરવરે છે. સૂમરો જાણે કે જાહલના નેસ ઉપર માર માર કરતો ધસી રહ્યો છે. બહેનની ને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સૂમરો જાહલના મડદાને ચૂંથશે?

“વીર નવઘણ?” વરૂવડીએ વારણાં લઇને સિંદૂરનો ચાંદલો કરતાં કહ્યુંઃ “ફેરમાં ન જાશો, સીદે જ મારગે ઘોડાં હાંકજો. સમદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીને માથે જો કાળીદેવ્ય (કાળા દેવચકલી) આવીને બેસે તો તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડો નાખજે. થડકીશ મા, તારા ઝપડાને પગે છબછબિયાં, ને કટકના પગમાં ખેપટ ઊડતી આવશે. કાળીદેવ્ય દરિયો શોષી લેશે.”

આશીવાર્દ લઇને કટક ઊપડ્યું. દરિયાકાંઠે જઇ ઊભા. દૈત્યની સેના જેવાં મોજાં ત્રાડ પાડતાં છલંગો મારે છે. દરિયાઇ પીરની ફોજના કરોડો નીલવરણા ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલાં ફીણની કેશવાળીઓ ઝુલાવે છે. એક એક મોજાના મરોડમાં કોઇ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાઇ છે. જળનો દેવતા લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીનાં રાજપાટ જીતવા તલપી રહ્યો છે.

પલકમાં તો ગગનથી ચીંકાર કરતી મેેઘવરણી કાળીદેવ્ય, જાણે કે કોઇ વાદળમાં બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઇ.

‘જે જગદંબા!’ એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીંક્યો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીઓની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજનાં ઘોડાં ખાબક્યાં. મોજાં બેય બાજુ ખસીને ઊભાં. વચ્ચે કેડી પડી ગઇ. પાણીનાં ઘોડલાં ડાબાં ને જમણાં ઘણે દૂર દૂર દોડ્યાં ગયાં. (આજ એ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે.)

કચ્છ વળોટીને ગરવોરાજ સૂમરાની ધરા ઉપર ઊતર્યોઃ “સંસતિયા! હવે ઝટ મને લઇ જા, ક્યાં છે તમારા નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બહેન? તું આગળ થા! બહેનનાં આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ.” એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે.

- અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છેઃ ક્યાંય ભાઇ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કળાય છે? આજ સાંજ સુધીમાં નહિ આવે, તો પછી રાત તો સૂમરાની થવાની છે. સૂમરો સોયરે આંખો આંજીને, લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને,

ડોલર-મોગરાના અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સૂમરાને ઢોલિયે આજ અધરાતે તો મારું મડદું સૂતું હશે. ઓહોહો! ભાઇ શું નહિ જ આવે? ભાઇ શું બોલકૉલ ભૂલ્યો? ભોજાઇના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમતા ન મુકાઇ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું?

સાંજ પડી. તારોડિયા ઊગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સૂનસાન બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યાં હતાં. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી.

ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બોલ્યા. ધરતી થરથરી. મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાણીનાં શિયળ લૂંટનારો આવે છે, ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઇ ચાલ્યો આવે છે. બેયના નેજા ઝળેળ્યા. ભાઇને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુડી ઊઠ્યું. સૂમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.

આવી પહોંચ્યો! આવી પહોંચ્યો! ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.

નવઘણ ઘોડાં ફેરવે, (અને) ભાલે વરૂવડ આઇ,

માર બાણું લખ સંધવો, (મને) વીસરે વાહણ ભાઇ.

(એને ભાલે વરૂવડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઇ! શાબાશ વીરા! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને ખરો સગો ભાઇ વાહણ વિસારે પડી જાય.)

બહેને દેખે છે અને ભાઇ ઝૂઝે છે. સોરઠ અને સિંધની સેનાઓ આફળે છે. સવાર પડ્યું ત્યાં તો રંગીલા સૂમરાની અતલસે મઢેલી લાશ ેબેહનના નેસને ઝાંપે રોળાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાઓની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી.

દંતકથા આગળ ચાલે છે કે -

સિંધમાં સોનાની ઇંટો પડેલી હતી. નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઇંટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઇને વરૂવડી માતાની દેરી ચણાવશું. તમામે અક્કેક ઇંટ ઉપાડી લીધી. પણ રાજાના સાળા અયપ પરમારે અહંકાર કરી ઉદ્‌ગાર કાઢ્યોઃ “હું રાજાનો સાળો. આ હાથ ઇંટો ઉપાડવા માટે નથી. ખડ્‌ગ ચલાવવા માટે છે, હું નહિ ઉપાડું.”

વરૂવડીના ધામે સેના આવી પહોંચી. પાદરમાં બધી ઇંટો એકઠી કરીને દેરી બંધાવી. રા’એ આવીને જોયું તો આખી દેરીમાં એક ઇંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછ્યુંઃ “આ એક ઇંટ કેમ ખૂટે છે?”

માણસો મૂંઝાયા. ઉત્તર આપી ન શકાયો. છેવટે જવાબ વાળ્યોઃ “માતાનો દીવો કરવા માટે એ તો ગોખલો રાખ્યો છે.” આખરે માલૂમ પડ્યું કે મિથ્યાભિમાની અયપ પરમારે પોતાના ભાગની ઇંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે.

એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવઘણની તરવારના ઘાએ અયપનું મસ્તક કપાઇને નીચે પડ્યું. સેના જૂનાગઢ તરફ ચાલી નીકળી.

વરૂવડી માતા એ દેરી પાસે આવ્યાં. જોયું તો અયપનું માથું ને ધડ રઝળતાં પડેલાં. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છંટાયેલું એ દેવીથી ન સહેવાયું. અયપે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તોયે એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અયપ સજીવન થયો.

હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો અયપ નવઘણની પાછળ પડ્યો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો.

પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો.

એ પ્રસંગે મીશણ કુંચાળા નામના ચારણે દુહો કહ્યો કેઃ

જડ ચૂક્યો ઝપડા જદી, ભાળા અયપકા,

માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.

(અયપના ભાલાનો ઘા ઝપડાએ ચુકાવી લીધો, તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા, ને માતાએ ઓવારણાં લીધાં.)

વરૂવડીનો છંદ આગળ વધે છેઃ

(૫)

કાપડી છો લખ જાત્ર કારણ એહ વહેતા આયિહા ૧ ,

દોહણે હેંકણ ૨ તેં જ દેવી પંથ વેહતા પાહિયા ૩ .

સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

(એવી જ રીતે છ લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરૂવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા એ સતને, માતા! તારી કીર્તિ નવ ખંડની અંદર સૂર્યની પ્રકાશની માફક પ્રસરી વળી છે.)

(૬)

અણ ગરથ ૪ ઉણથે ૫ સગ્રેહ ૬ હેકણ, પોરસે દળ પોખિયા,

કે વાર જીમણ ધ્રવે કટકહ, સમદર પડ સોખિયા.

અણરૂપ ઊંડી નાખ્ય આખા, સજણ જળતણ શગ ચડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

(એ રીતે બહુ હોંશ કરીને તેં મોટા સૈન્યને જમાડ્યું, અને સમુદ્રને શોષી લીધો.)

(૭)

કામઇ તુંહી તુંહી કરનલ, આદ્ય દેવી આવડી,

શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી ૭ ,

વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

(કામઇ, કરનલ, શવદેવ્ય, એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓરૂપે તું લીલા કરે છે. ‘નવલખ લોબડિયાણી’ નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારાં જ સ્વરૂપો છે.)