Satya na Prayogo Part-3 - Chapter - 15 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-3 - 15

Featured Books
Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-3 - 15

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૫. મહાસભામાં

મહાસભા ભરાઈ. મંડપનો ભવ્ય દેખાવ, સ્વયંસેવકોની હાર, માંચડા ઉપર વડીલવર્ગ વગેરેને જોઈ હું ગભરાયો. આ સભામાં મારો પત્તો શો લાગી શકે એ વિચારથી હું અકળાયો.

પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક હતું. તે પૂરું વંચાય એવી સ્થિતિ જ નહોતી. તેમાંના કોઈ કાઈ ભાગ જ વંચાયા.

પછી વિષયવિચારિણી સમિતિના સભ્યો ચૂંટાયા. તેમાં મને ગોખલે લઈ ગયા હતા.

સર ફિરોજશાએ મારો ઠરાવ લેવાની હા તો પાડી હતી. પણ એ મહાસભાની વિષયવિચારિણી સમિતિમાં કોણ રજૂ કરશે, ક્યારે કરશે, એ વિચારતો હું સમિતિમાં બેઠો હતો.

એકેએક ઠરાવની પાછળ લાંબાં ભાષણો, બધાં અંગ્રેજીમાં. એકએકની પાછળ જાણીતી વ્યક્તિઓ. આ નગારાં વચ્ચે મારી તૂતીનો આવાજ કોણ સાંભળશે ? રાત ચાલી જતી હતી તેમ તેમ મારું હૈયું ધડકતું હતું. છેવટના ઠરાવો હાલનાં વિમાનની ગતિએ ચાલતા હતા એવું મને યાદ આવે છે. સહુ ભાગવાની તૈયારીમાં છે. રાતના અગિયાર વાગ્યા છે. મારી બોલવાની હિંમત ન મળે. મેં ગોખલેને મળી લીધું હતું. તેમણે મારો ઠરાવ જોઈ લીધો હતો.

તેમની ખુરશીની પાસે જઈને મેં ધીમેથી કહ્યું :

‘મારું કંઈક કરજો.’

તેમણે કહ્યું : ‘તમારો ઠરાવ મારા ખ્યાલ બહાર નથી. અહીંની ઉતાવળ તમે જોઈ રહ્યા છો. પણ હું એ ઠરાવને ભુલાવા નહીં દઉં.’

‘કેમ, હવે ખલાસ ?’ સર ફિરોજશા બોલ્યા.

‘દક્ષિણ આફ્રિકાનો ઠરાવ તો છે જ ના ? મિ. ગાંધી ક્યારના વાટ જોઈ બેઠા છે.’

ગોખલે બોલી ઊઠ્યા.

‘તમે તે ઠરાવ જોઈ ગયા છો ?’ સર ફિરોજશાએ પૂછ્યું.

‘અલબત્ત’

‘તમને એ ગમ્યો ?’

‘બરાબર છે.’

‘ત્યારે, ગાંધી, વાંચો.’

મેં ધ્રૂજતાં વાંચી સંભળાવ્યો.

ગોખલેએ ટેકો આપ્યો.

‘એકમતે પસાર.’ સહુ બોલી ઊઠયા.

‘ગાંધી તમે પાંચ મિનિટ લેજો.’ વાચ્છા બોલ્યા.

આ દૃશ્યથી હું ખુશી ન થયો. કોઈએ ઠરાવ સમજવાની તકલીફ ન લીધી. સહુ ઉતાવળમાં હતા. ગોખલેએ જોયું હતું, એટલે બીજાઓને જોવા-સાંભળવાની જર-ર ન જણાઈ.

સવાર પડ્યું.

મને તો મારા ભાષણની લાગી હતી. પાંચ મિનિટમાં શું બોલવું ? મેં તૈયારી તો ઠીક ઠીક કરી, પણ શબ્દો જોઈએ તે ન આવે. ભાષણ લખેલું નથી વાંચવું એવો ન્શ્ચય હતો. પણ દક્ષિણ આફ્રિકામાં ભાષણ કરવાની છૂટ આવી હતી તે અહીં હું ખોઈ બેઠો હતો એમ લાગ્યું.

મારા ઠરાવનો સમય આવ્યો એટલે સર દીનશાએ મારું નામ પોકાર્યું. હું ઊભો થયો.

માથું ફરે. જેમતેમ ઠરાવ વાંચ્યો. કોઈ કવિએ પોતાનું કાવ્ય છપાવી બધા પ્રતિનિધિઓમાં વહેંચ્યું હતું. તેમાં પરદેશ જવાની ને દરિયો ખેડવાની સ્તુતિ હતી. તે મેં વાંચી સંભળાવ્યું ને દક્ષિણ આફ્રિકાનાં દુઃખોની કંઈક વાત કરી. તેયલામાં સર દીનશાની ઘંટડી વાગી. મારી ખાતરી હતી કે મેં હજુ પાંચ મિનિટ લીધી નહોતી. હું નહોતો જાણતો કે, એ ઘંટડી તો મને ચેતવણી આપવા બે મિનિટ બાકી હતી ત્યારે જ વગાડવામાં આવી હતી. મેં ઘણાઓને અરધો અરધો, પોણો પોણો કલાક બોલતાં સાંભળ્યા હતા, ને ઘંટડી નહોતી વાગી. મને દુઃખ તો લાગ્યું. ઘંટડી વાગી એટલે બેસી જ ગયો. પણ પેલા સર ફિરોજશાને જવાબ મળ્યો, એમ મારી નાનકડી બુદ્ધિએ તે વેળા માની લીધું.

ઠરાવ પાસ થવા વિશે તો પૂછવું જ શું ? તે કાળે પ્રેક્ષક ને પ્રતિનિધિ એવો ભેદ ભાગ્યે જ હતો. ઠરાવોનો વિરોધ કરવાપણું હોય જ નહીં. સહુ હાથ ઊંચો કરે જ. બધા ઠરાવ એકમતે પાસ થાય. મારા છરાવનુંયે તેમ જ થયું. એટલે, મને ઠરાવનું મહત્વ ન જણાયું. છતાં, મહાસભામાં ઠરાવ પસાર થયો એ વાત જ મારા આનંદને સારુ બસ હતી. મહાસભાની જેના ઉપર મહોર પડી તેના ઉપર આખા ભારતવર્ષની મહોર છે, એ જ્ઞાન કોને સારુ બસ ન થાય ?