પ્રકરણ - ૨૫
‘ડિવૉર્સ? એટલે કે છૂટાછેડા?’ કાન્તાબેને મનોમન અનુવાદ કરી જાયો.
દીપક અને કાશ્મીરા છૂટાછેડા લઈ રહ્યાં હતાં? કાન્તાબેનને આઘાત લાગ્યો.
દીપક તો કાશ્મીરાને કેટલું બધું ચાહતો હતો! દીપક છૂટાછેડા લેવાનો છે એ વાત ખુદ કાશ્મીરાએ તેમને કહી હોવા છતાં તેમને ગળે ઊતરતી નહોતી.
દીપકનાં લગ્નનો દિવસ તેમને બરાબર યાદ હતો.
‘અત્યારે વળી કોણ આવ્યું હશે?’ રસોડામાંથી ભીના હાથ નૅપકિન વડે લૂછતાં-લૂછતાં, પૅસેજ વટાવી કાન્તાબેન ચંદ્રને સંબોધીને મોટેથી બોલતાં-બોલતાં ઘરના મુખ્ય દરવાજા સુધી પહોîચ્યાં.
શ્વેતા પરણીને સાસરે ચાલી ગઈ હતી અને વિપુલ અડધો કલાક પહેલાં જ લાઇબ્રેરીમાં જાઉં છું અને સાંજે આવીશ એમ કહીને ગયો હતો. દીપક તો રાબેતા મુજબ સવારે જ ઑફિસે જવા નીકળી ગયો હતો. કામવાળો પણ કામ કરીને ચાલ્યો ગયો હતો. ભરબપોરે કોઈ સેલ્સમૅન સાબુ કે એવું કંઈ વેચવા આવ્યો હશે એવું અનુમાન તેમણે દરવાજા ખોલતી વખતે કર્યું હતું.
‘દીપક... તું?’ બહારના દરવાજાની જાળીમાંથી દીપકનો ચહેરો દેખાયો ત્યારે કાન્તાબેનને નવાઈ લાગી. દીપક આ સમયે ઘરે આવે એ તેમને અપેક્ષિત નહોતું એટલું જ નહીં, પણ કદાચ પહેલી વાર દીપકે એક જ વખત બેલ વગાડી હતી.
કાન્તાબેને દરવાજા ખોલ્યો એેની સાથે જ દીપક દાખલ થયો. ત્યારે કાન્તાબેનને ખ્યાલ આવ્યો કે તેની પાછળ એક છોકરી ઊભી હતી.
‘અંદર આવને....’ દીપક તેને હાથ પકડીને અંદર લઈ આવ્યો.
દીપક અત્યારે, આ રીતે અને કોઈ છોકરી સાથે... કાન્તાબેન આખી પરિસ્થિતિ સમજવા મથી રહ્નાં હતાં.
‘બા... ભઈ... આ કાશ્મીરા છે... મેં તેની સાથે લગ્ન કરી લીધાં છે...’ દીપકે સહેજ સંકોચ સાથે કહી દીધું. કાશ્મીરા અને દીપક આગળ આવી પગે લાગવા માટે વાંકાં વળ્યાં, પણ કાન્તાબેન બે ડગલાં પાછળ હટી ગયાં.
‘લગ્ન? તેં? આની સાથે... ક્યારે? અમને કહ્યું પણ નહીં?’ કાન્તાબેનના અવાજમાં ગુસ્સો અને તેથીયે વિશેષ દુભાયાં હોવાની લાગણી હતી.
‘સુખી રહો.’ નવીનચંદ્રે વાંકા વળેલા દીપકની પીઠ પર હાથ મૂકતાં આશીર્વાદ આપ્યા ત્યારે કાન્તાબેનને બહુ નવાઈ લાગી હતી.
‘બેસ, બેટા બેસ.’ કાન્તાબેન આગળ કશું બોલે એે પહેલાં જ નવીનચંદ્રે કાશ્મીરાને સંબોધીને કહ્નાં હતું.
‘પણ...’
‘એ બધું પછી કાન્તા, પહેલાં છોકરાઓનું મોં તો મીઠું કરાવ...’ અને કાન્તાબેનનો હાથ પકડી તેમને રસોડામાં દોરી ગયા.
‘પણ ચંદ્ર, આ... આવું કઈ રીતે...’
‘હવે અત્યારે આ બધી ચર્ચા કરવાનો સમય નથી. એ બધું પછી પૂછીશું. તેમણે લગ્ન કરી જ લીધાં છે તો આપણે સ્વીકારવા સિવાય બીજા કોઈ રસ્તો નથી.’
‘એટલે આપણે કંઈ બોલવાનું જ નહીં?’
‘જો કાન્તા, તું નહીં સ્વીકારે તો પણ શું કરી લેશે? તેમણે લગ્ન કરી લીધાં છે એ હકીકત છે.’
‘છોકરી કોણ છે? આમ અચાનક લગ્ન શું કામ કરવાં પડ્યાં? છોકરીનાં મા-બાપ... દીપકે આપણને કંઈક તો જાણ કરવી જાઈતી હતી...’ કાન્તાબેનના અવાજમાં અપમાનિત થયાં હોવાનું અને તેમની અવગણના થઈ હોવાનું દુઃખ વર્તાતું હતું.
‘તારી વાત મને સમજાય છે. દીપકનાં લગ્નની મનેય ખૂબ હોંશ હતી પણ...’ નવીનચંદ્રની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.
એે સમયે નવીનચંદ્રે તેમને ન રોક્યાં હોત તો કાન્તાબેને દીપકને ઘણા બધા સવાલો પૂછી નાખ્યા હોત.
‘કાન્તા, તું તારા સ્વાભાવ પ્રમાણે ગુસ્સે થઈશ તો બધી બાજી બગડી જશે. મારું માન તો હમણાં શાંતિથી બન્નેને પોંખી લે.’
‘ચંદ્ર...’ નવીનચંદ્રની આંખમાં વિનંતીનો ભાવ જાઈ કાન્તાબેન આગળ કશું બોલી ન શક્યાં. તેમણે યંત્રવત્ કળશ વડે વરઘોડિયાને પોંખી લીધા.
દીપકને જવાની ઉતાવળ હતી. તેમનું રાજધાની એક્સપ્રેસમાં બુકિંગ હતું. દિલ્હીથી આગળનું બુકિંગ પણ થઈ ચૂક્યું હતું. તે મનાલી જઈ રહ્યો હતો. હનીમૂન માટે.
દીપકે તેમને કહ્યું હતું કે કાશ્મીરાના ભાઈનો આ સંબંધ સામે વિરોધ હતો. કાશ્મીરાની બા તો તે બાર વર્ષની હતી ત્યારે જ ગુજરી ગઈ હતી. પિતા બીમાર હતા અને ઘરમાં ભાઈ જ કર્તાહર્તા હતો. એે સંજાગોમાં તેમને અચાનક લગ્ન કરી લેવાની ફરજ પડી હતી. અડધો કલાકમાં દીપકે આટલી ટૂંકી માહિતી આપી હતી. જો કાશ્મીરાના ભાઈનો કે તેના પક્ષેથી કોઈનો ફોન આવે કે પૂછવા આવે તો તમને પણ લગ્ન વિશે કશી જાણ નથી એમ કહી દેજા એવી સૂચના આપી હતી. અમે ક્યાં ગયાં છીએ એ વાતની એે લોકોને સહેજ પણ જાણ ન કરતાં, દીપકે ખાસ કાન્તાબેનને સંબોધીને કહ્યું હતું.
‘જો આમ અચાનક લગ્ન કરવાની ફરજ પડી હતી તો આ બધું બુકિંગ અગાઉથી કઈ રીતે થયું હતું?’ દીપકના ગયા પછી કાન્તાબેનથી નવીનચંદ્રને પૂછ્યા વિના ન રહેવાયું.
‘કાન્તા, હવે બધું ચોળીને ચીકણું કરવાથી શું ફાયદો?’
‘અરે, પણ આ તે કોઈ રીત છે?’
‘એવા કોઈક સંજાગો હશે એટલે જ તો તેમને આમ અચાનક લગ્ન કરવાં પડ્યાં હશેને...’
‘ના, અચાનક કંઈ નથી બન્યું ચંદ્ર. તમે બહુ ભોળા છો. જરાક વિચાર તો કરો કે બન્ને કંઈ એકબીજાને ગઈ કાલે તો નહીં જ મળ્યાં હોય અને ચોવીસ કલાકમાં લગ્ન કરવાનો નિર્ણય પણ નહીં લઈ લીધો હોય!’
‘તારી વાત સાચી છે પણ...’
‘ચંદ્ર, આ બધું જ અગાઉથી ગોઠવાયેલું હોવું જાઈએ. બધી જ વ્યવસ્થિત તૈયારી કરીને લગ્ન કર્યા છે. નહીં તો ટ્રેનની ટિકિટ, બુકિંગ...’
‘અત્યારે આ બધી વાતોનો શું અર્થ છે? દીપક પાછો આવશે ત્યારે બધી ખબર પડશે જને?’
‘અને ત્યાં સુધી આપણે શું કરવાનું? આપણા દીકરાનાં લગ્નની મીઠાઈ ખાઈને બેઠા રહેવાનું?’ દીપક પોતાની સાથે લાવેલું મીઠાઈનું બૉક્સ ટિપોય પર મૂકીને ગયો હતો એના તરફ જાતાં કાન્તાબેન ગુસ્સામાં બોલ્યાં.
‘તો અત્યારે આપણે બીજું કરી પણ શું શકીશું?’
‘મને તો આ બરાબર નથી લાગતું. કોઈકની દીકરીને આમ અચાનક ભગાડી આવવાની... કમસે કમ આપણે તો તેમને જાણ કરવી જાઈએને?’
‘તારી પાસે તેમનું સરનામું છે? તું તેમને ઓળખે છે?’ નવીનચંદ્રે પૂછ્યું ત્યારે તેમને ખબર પડી કે દીપકની સાથે તેને પરણીને આવેલી એ છોકરીનું નામ કાશ્મીરા છે. એેનાથી વિશેષ તે ઓ કશું જ જાણતાં નહોતાં.
‘તમે ફોન કરીને હસમુખભાઈને બોલાવી લો,’ કાન્તાબેને પોતાના મનને લાગેલી ઠેસ અને એેને લીધે થયેલા ઊંડા જખમને બાજુએ મૂકતાં કહ્યું.
‘કેમ, હસમુખનું શું કામ છે?’
‘છોકરીનાં સગાંવહાલાં કોણ છે, કેવાં છે આપણે કંઈ જાણતાં નથી. રાત્રે એ લોકો પૂછતાં-પૂછતાં અહીં તપાસ કરવા આવે અથવા પોલીસને લઈને આવે તો? આપણે તો તૈયાર રહેવું પડશે.’
‘હા, એ વાત તારી ખરી. મને આ તો સૂઝ્યું જ નહોતું.’
કાન્તાબેનનું અનુમાન સાચું પડ્યું હતું. મોડી રાત્રે કાશ્મીરાના ભાઈ અને તેના મામા આવ્યા હતા. તેનો ભાઈ તો ખૂબ ગુસ્સામાં હતો. આવતાંવેîત જ તેણે ગાળાગાળ શરૂ કરી. તેની બહેનને ભગાડી જવામાં નવીનચંદ્ર અને કાન્તાબેનનો પણ હાથ છે એવો આક્ષેપ તેણે કર્યો. આખી રાત બધી માથાકૂટ ચાલી હતી. જે રીતે કાશ્મીરાનો ભાઈ તેમની સાથે વાત કરી રહ્ના હતો એેનાથી કાન્તાબેનને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેમ છતાં તેમણે પોતાની જાત પર કાબૂ રાખ્યો.
નવીનચંદ્ર ખૂબ શાંતિથી અને સમજાવટના સૂરમાં વાત કરી રહ્ના હતા. હસમુખભાઈએ પણ મધ્યસ્થી કરીને તેમને સમજાવવાનો યત્ન કર્યો કે ‘જે થઈ ગયું છે એ થઈ ગયું છે, હવે આપણી પાસે બીજા કોઈ રસ્તો નથી, છોકરાઓની ભૂલને આપણે સુધારી લેવી જાઈએ. ગમે તેમ પણ હવે આ સંબંધ બે કુટુંબો વચ્ચેનો અને આજીવન છે. આપણે તેમની જેમ છોકરમત ન કરી શકીએ. આ લગ્ન સ્વીકારી લેવામાં જ આપણું અને છોકરાઓનું હિત છે.’
પરંતુ કાશ્મીરાનો ભાઈ તો વધુ ને વધુ ઉગ્ર બની રહ્ના હતો. તેણે જ્યારે કહ્યું કે તમારો દીકરો મારી બેનને ભગાડી ગયો એેની તમને જાણ હતી એવો તેનો આરોપ હતો. આ કાવતરામાં તમારો પણ હાથ છે એે હું સાબિત કરીશ એટલું જ નહીં, તમને પણ પોલીસમાં ઘસડી જઈશ. કાશ્મીરાના ભાઈએ આવું કહ્યું ત્યારે કાન્તાબેનેની સહનશક્તિનો અંત આવી ગયો. અત્યાર સુધી સમજાવટના સૂરમાં વાત કરી રહેલાં કાન્તાબેન ખુરશી પરથી ઊભાં થઈ ગયાં.
તેમણે ઊંચા અવાજે કહ્નાં, ‘બસ થયું. હવે અમારે કોઈ ચર્ચા નથી કરવી. તમે શું પોલીસને જાણ કરવાના હતા. હું જ પોલીસમાં ફોન કરું છું કે આ લોકો મારા ઘરમાં આવીને ગુંડાગીરી કરે છે અને અમને દબડાવે છે. તમે જા એમ માનતા હો કે પોલીસ અમારા પર કોઈ કાર્યવાહી કરશે તો તમે ભૂલ કરો છો. દીપક અને કાશ્મીરા બન્ને પુખ્ત વયનાં છે અને તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. પોલીસ તમને કંઈ મદદ નહીં કરી શકે. આમાં બદનામી તમારી દીકરીની જ થશે.’
કાશ્મીરાના મામા અને હસમુખભાઈની દરમિયાનગીરીથી મામલો ઠંડો પડ્યો હતો અને વહેલી સવારે ચા-પાણી પીને બધાં છૂટાં પડ્યાં હતાં.
કશીયે જાણ કર્યા વિના આ રીતે અચાનક લગ્ન કરી લેવાના દીપકના વર્તનથી કાન્તાબેનને દુઃખ થયું હતું, પણ તેમણે એ વિશે ત્યાર પછી ક્યારેય ઉલ્લેખ કર્યો નહીં. અલબત્ત, કાશ્મીરાને તેમણે પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારી લીધી હતી.
લગ્ન કર્યા પછીના થોડાક જ મહિનાઓમાં દીપક અલગ રહેવા ચાલી ગયો ત્યારે પણ તેમના હૃદયને ઘા વાગ્યો હતો, પણ પંખીને પાંખો આવે પછી માળો છોડીને જતું રહે એે સત્ય તેમણે ગળે ઉતારી લીધું હતું. પણ આજે અચાનક દીપકનો પોતાનો જ માળો વીંખાઈ રહ્યો હતો એ કાન્તાબેન માટે અસહ્ના થઈ રહ્યું હતું. તેઓ જાણતાં હતાં કે આ પરિસ્થિતિ માટે કાશ્મીરા કરતાં દીપક જ વધુ જવાબદાર હતો.
અન્ય કોઈ સંજાગોમાં કદાચ તેમણે દીપકના દાંપત્યજીવનમાં દખલગીરી કરવાનું ન વિચાર્યું હોત, પણ તેઓ જાણતાં હતાં કે દીપક સાથેનાં લગ્ન કાશ્મીરાના ભાઈએ ક્યારેય સ્વીકાર્યા નહોતા. કાશ્મીરાના પિતાના મૃત્યુ પછી તો તેને તેના પિયર આવવા-જવાનો પણ વ્યવહાર રહ્યો નહોતો.
બન્ને વચ્ચે એવું તે શું બન્યું હતું કે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી હતી? શું છૂટાછેડા લેવા એ એકમાત્ર ઉકેલ હતો? કાન્તાબેનને થયું કે તેમણે આ આખી વાતમાં દરમિયાનગીરી કરવી જ જાઈએ. ચંદ્ર હોત તો તેમણે પણ આવું જ કહ્યું હોત. નવીનચંદ્ર હાજર ન હોવા છતાં તેમણે શું કહ્યું હોત તેનો આભાસ કાન્તાબેનને થઈ રહ્યો હતો.
ફક્ત બાળક ન થવાને કારણે તો તેમના વચ્ચે તિરાડ પડી હોય એવું કાન્તાબેન માનતાં નહોતાં. તેમને થયું કે નવીનચંદ્રની વાત માનીને એે જ વખતે કાશ્મીરા સાથે આ વાત કરી હોત તો દીપક અને કાશ્મીરા વચ્ચેના વણસી રહેલા સંબંધોનો તેમને અંદાજ આવી ગયો હોત. કાન્તાબેનને મનોમન પસ્તાવો થઈ રહ્યો હતો.
જો ખરેખર બન્ને છૂટાછેડા લઈ લે તો કાશ્મીરા ક્યાં જાય? તેને તો પિયરમાં પોતાનું કહી શકાય એેવું કોઈ નહોતું. કાન્તાબેનના વિચારો અટકતા જ નહોતા.
કાન્તાબેનને થયું કે તેમણે દીપક સાથે વાત કરવી જ જાઈએ.