Sambharanu in Gujarati Motivational Stories by Vikram Rojasara books and stories PDF | સંભારણું

Featured Books
Categories
Share

સંભારણું

સંભારણું

ક નો Ka, ખ નો Kha, ગ નો Ga……. સરસ, આવી જ રીતે આગળ બોલતો જા. મેરૂએ પણ એટલાજ ઉત્સાહથી આખો કક્કો બોલી નાખ્યો. શાબાશ, મેરૂ તું તો બવ હોંશિયાર છે, હજુ મેં તને શીખવવાનું શરુ કર્યું એના પંદર દિવસમાં તો તું પઢાવેલા પોપટની જેમ બધુ બોલી ગયો. પોતાના વખાણ સાંભળી મેરૂ તો જાણે નવું-સવું ઉડવા શીખેલા પંખીની માફક સપનાના આકાશમાં ઉડવા લાગ્યો, અને વિચારવા લાગ્યો કે હું પણ એક દિવસ આ સાહેબની જેમ અંગ્રેજી લખતો-વાંચતો થઇ જઈશ પછી મારો પણ વટ પડી જશે. અંગ્રેજીનો કક્કો તો આવડી ગયો ,કાલથી હું તને શબ્દો લખતા શીખવી દઈશ.....

આ વાતો ક્યાં ચાલી રહી હતી?

એક શાળાના ઓરડામાં?

ના.

તો પછી કોઈ ટ્યુશન કરાવતા શિક્ષકના ઘરે?

ના.

તો પછી?

આ ગુરુશિષ્યનો મીઠો સંવાદ ચાલી રહ્યો હતો અમદાવાદની સાબરમતી જેલની એક કોટડીમાં કેદમાંથી છુટા થવાની આશાએ દિવસો કાપતા બે કેદીઓ વચ્ચે.

મેરૂ, આજથી ત્રણ વર્ષ પહેલા પોતાની જાતે પોતાના પગ પર કુહાડી મારીને, જેલની હવા ખાવા આવ્યો હતો. સૌરાષ્ટ્રના એક ગામડામાં પોતાની પત્ની, એક પાંચ વર્ષનો દીકરો અને માં-બાપ જોડે રહેતો હતો. ખેતીની આવકમાંથી ગુજરાન ચલાવવું અને પોતાના કામમાં મસ્ત રહેવું, અને સમય મળે તો લોકોને મદદ કરવી, એ જાણે એનો જીવનમંત્ર હતો. પણ કદાચ કુદરતને એનું આ સાદુ સુખી અને સંતોષી જીવન મંજુર નહોતું. એટલેજ બદચલનની શંકાથી ઘેરાઈને પત્નીની હત્યા કરવાના કેસમાં જેલની સજા કાપી રહ્યો હતો.

કાયમ ખુલ્લા વગડામાં ફરેલા અને રાત્રે ચંદ્ર અને તારની ચાદર ઓઢીને સુવાની આદતવાળા મેરૂ માટે જેલની એ કોટડી પણ ફાંસીની સજા કરતા પણ આકરી હતી. ભલે એ પણ એક ગુનેગેર જ હતો પણ જે કઇ બન્યું એ ભાવાવેશના ધોધમાર વહેણને નથી ન શકવાનું પરિણામ હતું. શરૂઆતથી જ જેલમાં એ હંમેશા એકલો અટૂલો રહેતો. બીજા કેદીઓ સાથે પણ ખપ પુરતીજ વાતો કરતો. કારણ કે એને અહીં કોઈ જોડે દોસ્તી કરવા જેવું લાગતું નહી. કોઈ સાથે માથાકૂટ ન કરતો, ને વધારે તો નિરાશ જ જોવા મળતો. પણ છેલ્લા ચાર મહિનાથી વાત અલગ હતી, નિરાશા એનામાંથી ગાયબ થઇ ગઈ હતી અને જાણે જીવનનો નવો સૂર્યોદય થયો હોઈ એવું લાગતું હતું. એનું કારણ હતું એની કોટડીમાં આવેલો નવો કેદી, કે જેનું નામ હતું અમન.

અમન મહેસાણાના એક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નૈતિક્તાથી ફરજ બજાવતો ડોક્ટર હતો. પણ એનો સરળ અને પરગજુ સ્વભાવ અમુક મેડીકલ માફીયાઓને બાધારૂપ બનતો હતો. એટલે જ એ એમની પાથરેલી શિકારી જાળમાં ફસાયો અને પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરી શકવાને કરને જેલમાં આવ્યો.

કાયમ સુખ-સગવડમાં રહેલા અમનની હાલત તો મેરૂ કરતા પણ બદતર હતી. પણ એ જીરવી જાણે એટલો મજબૂત હતો. એ બધા જોડે વાતો કરતો, અને પોતાના જ્ઞાનનો બધાને લાભ પણ આપતો રહેતો. એ બધા સાથે ખુબ ઝડપથી ભળી જતો કેમકે એનો સ્વભાવ ખુબજ મળતાવડો હતો, પણ એને મેરૂ સાથે સૌથી વધારે ગમતું અને મેરૂને અમન સાથે. મોટેભાગે બંને જોડેજ જોવા મળતા. બંને વચ્ચે આત્મીયતાનો સેતુ રચાય ગયો હતો. અને આમપણ દોસ્તી માટે તો દિલ મળવા જોઈએ ત્યાં ડીગ્રી કોઈ કામમાં નથી આવતી. મેરૂ ભણેલો તો ન હતો પણ પોતાની હૈયા ઉકલતને લીધે ખપ પુરતું ગુજરાતી લખી વાંચી શકતો હતો, જયારે અમન તો એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરીને ડોક્ટર બનેલો હતો. આટલી અસમાનતા છતાં એક મહિનામાં તો બંને વચ્ચે એવી ગાઢ દોસ્તી થઇ ગઈ, કે કોઈ નવા આવનાર કેદીને તો એવુજ લાગે જાણે બંને લંગોટિયા મિત્રો હશે ને એકજ ગુનામાં જેલમાં સાથે આવ્યા હશે.

એક સાંજે બંને વાતોએ વળગ્યા હતા, એમાં અમને અચાનક પૂછ્યું,

“મેરૂ, તારી સજાને હવે કેટલો સમય બાકી છે?”

“ચાર મહિના” મેરૂએ જવાબ આપ્યો.

“હું એક કામ કરવા માંગુ છું, જેથી આપણી આ જેલની દોસ્તીનું કાયમ સંભારણું રહી જાય” અમને કહ્યું.

“વળી તમારે શું કાંડ કરવા છે, ડોક્ટર સાહેબ?” મેરૂએ મજાક કરતા કહ્યું.

માંડ મારે છૂટવાનો વખત આયો છે, ને તમારે મને બા’ર નથી નીકળવા દેવો કે શું?

અમને કહ્યું,ના ના એવું નથી.

તને જીવનમાં ઉપયોગી થાય એવું કંઈક કરવું છે.

મેરૂ ઘડીભર વિચારમાં પડી ગયો અને બોલ્યો કે સાહેબ કૈક સમજાય એવું બોલોને.

એટલે અમને મેરૂને વધારે રાહ ન જોવડાવતા કહ્યું કે મારે તને અંગ્રેજી શીખવવું છે!!!!

મેરૂ- સાહેબ, એ બધું તમારા કામનું હો. હું ર’યો આભન માણસ, મારે શીખીને શું કરવાનું?

અમન- જો ભાઈ હવે દુનિયા કુદકે ને ભૂસકે આગળ વધી રહી છે, અને હવે એ સમય પણ દુર નથી કે અંગ્રેજી આવડવું લગભગ એક જરૂરિયાત બની જશે. એમાં જો તને અંગ્રેજી નહી આવડતું હોઈ તો તારી હાલત છાતી આંખે આંધળા જેવી થશે. અને આવું તો બે કલાકનું લાંબુ લચક ભાષણ આપીને અંતે મેરૂને અંગ્રેજી શીખવા માટે તૈયાર કરીનેજ પર કર્યો.

બીજા દિવસથી જ ભણવાની કવાયત શરૂ થઇ ગઈ. જરૂરી વસ્તુઓ પણ જેલમાંથી જ મળી ગયા. પહેલા થોડા દિવસ ગુજરાતી પર ધ્યાન આપ્યું અને પછી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. અમનની શીખવવાની અને મેરૂની શીખવાની ધગશ કામ કરી ગઈ, અને મેરૂ એબીસીડી પણ શીખી ગયો. શરૂઆતમાં બીજા કેદીઓ બંને પર હસતા પણ એમના પર ધ્યાન ન આપતા. હવે તો મેરૂ પણ અમનને માસ્તર સાહેબ કહીનેજ બોલાવતો હતો.

આજે પણ બંને ભણવાનું પુરૂ કરીને અલકમલકની વાતો કરતા હતા, ત્યાંજ એક પહેરેદારનો અવાજ સંભળાયો, ‘કેદી નં. ૪** ને જેલર સાહેબ બોલાવે છે.’ આ નંબર તો મેરૂનો હતો. શું થયું હશે કે મને જેલર સાહેબે બોલવ્યો હશે, એવું મનમાંને મનમાં વિચારતો-વિચારતો એ જેલર સાહેબની ઓફિસમાં ડરતા-ડરતા ગયો. જેલરે કહ્યું કે તારા સારા વર્તનને લીધે તારી બાકીની સજા માફ કરવામાં આવી છે. કાલે તને જવા દેવામાં આવશે. પહેલા તો મેરૂને માન્યામાં ના આવ્યું પણ જયારે જેલરે લેખિત ઓર્ડેર દેખાડ્યો ત્યારે ખાતરી થઇ.

એણે પાછા આવીને ધડાકો કર્યો, “સાહેબ, બધો ખેલ ખતમ થઇ ગયો.”

અમન- પણ થયું છું? એ તો વાત કર પહેલા મને.

મેરૂ- હું કાલે છૂટી જઈશ.

અમન- એ તો ખુશીની વાત છે, એમાં આટલો નિરાશ કેમ થાય છે?

મેરૂ- છૂટી તો જઈશ પણ અફસોસ એ વાતનો છે કે હવે શીખવાનું પણ છૂટી જશે. તમે મને જે કઇ શીખવ્યું એ ખરેખર અદભુત સંભારણું છે.

અમન- અરે, એમ થોડું છૂટી જાય. તારે ઘરે પણ જાતે શીખવાનું સારું જ રાખવાનું છે. અમને એક-બે અંગ્રેજી શીખવા માટેની બુકના નામ પણ લખી આપ્યા, ને બંને આખી રાત વાતો કરતા રહ્યા.

સવારે જયારે છૂટતી વખતે મેરૂને જેલરે સહી કરવાનું કહ્યું ત્યારે એણે અંગ્રેજીમાં પોતાનું નામ લખ્યું, એ જોઇને અમનની અન્ખોના ખૂણા ભીના થઇ ગયા અને બંને ભેટી પડ્યા. મેરૂએ ભારે હૃદયે વિદાય લીધી. બહર જઈને પહેલું કામ એણે અમને કીધેલી બુક ખરીદવાનું કર્યું. અને ઘરે જઈને પણ જાતે આગળ શીખવાનું ચાલુ જ રાખ્યું, એટલે આજે અંગ્રેજી માં ઘણું ખરું વાંચતો લખતો થઇ ગયો છે. અને જયારે પણ અંગ્રેજીની વાત આવે ત્યારે એને અમનની સંભારણું આપવા વળી વાત અચૂક યાદ આવી જાય છે. જેલમાં રહેલા અમને પણ જ્યાં સુધી જેલમાં રહ્યો ત્યાં સુધી બીજા કેદીઓને આ વિશેષ ભણતરનું અણમોલ “સંભારણું” આપવાનું ચાલુ જ રાખ્યું.…

*****