Vishadi Dharano Prem - 7 in Gujarati Fiction Stories by Vatsal Thakkar books and stories PDF | વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૭

Featured Books
Categories
Share

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૭

પ્રકરણ - ૭

મારી મા - મારી પિતા.

(બગદાદ, ઑક્ટોબર-નવેમ્બર, ૧૯૭૬)

મારા પિતાનુ માયાળુ દિલ હંમેશા ધનવાન હતુ પણ તે છતાંય એ સાવ મુફલિસની માફક મૃત્યુ પામ્યા.

એમના મૃત્યુ પછી અમારા ભવિષ્યની દહેશતે અમારા ઘરનુ વાતાવરણ એકદમ ડહોળી નાખ્યુ. પૈસાની જરૂર એટલી બધી હતી કે દફનવિધી પત્યા પછી તરત જ મા, આલિયા અને આયેશા માસીએ પિતાની ચીજવસ્તુઓ ફંફોસી નાખી. બધુ મળીને એમને માત્ર ૬૦ દિનાર હાથ લાગ્યા. પણ મારે માટે તો કંઈક જુદો જ ખજાનો હાથ લાગ્યો હતો. એટલી અગત્યની એ વસ્તુ હતી કે તેનાથી મારા પિતાની એક અલગ જ બાજુ ધ્યાનમાં આવી. ફોટોગ્રાફ્સનો એક આખો ખજાનો હાથ લાગ્યો હતો. એમના બાળકો - એટલે કે અમે - એમના માતા-પિતા, બીજા મૃત સંબંધીઓ એ બધાના ફોટોગ્રાફ્સ એમાં હતા, બધા ફોટો એમણે ટીસ્યુપેપરથી વ્યવસ્થિત રીતે વિંટાળીને સાચવી રાખ્યા હતા. દરેક ફોટોની નીચે એમણે એમના બાળકો દ્વારા એમને અપાયેલા સંદેશા જાળવી રાખ્યા હતા. એ પોતા બોલી કે સાંભળી નહોતા શકતા એટલે અમારી વચ્ચે વાતચીતનુ માધ્યમ આમ લખેલા શબ્દો જ રહેતા.

૬૦ દિનાર માત્ર બે-ત્રણ અઠવાડીયામાં જ પૂરા થઈ જાય. અમે ચાર ભાઈ-બહેન તો હજુ ભણતા હતા. માત્ર આલિયાના લગ્ન થયા હતા અને એને માની મદદની જરૂર નહોતી. પૈસાની તકલીફને લઈને અમારા કુર્દીશ સગા-વહાલાઓએ માને કુર્દીસ્તાનમાં તેના પિયર પાછા ચાલ્યા જવા માટે કહ્યુ, ત્યાં કુટુંબ બહુ જ બહોળુ હતુ અને એ બધા અમને મદદ કરી શકે એમ હતા. અલબત્ત, મારે તો કુર્દીસ્તાન જ જવુ હતુ, પણ એમ કોઈને મારા જેવી નાનકડી છોકરીના મતની કંઈ થોડી પડી હોય? આલિયાનુ ધ્યાન મારી પર ગયુ કે હું ત્યાં જવા કહી રહી છુ, પણ એણે મને ચૂપ કરાવી દીધી. કહે, એમ કરવુ સલાહ ભર્યુ નથી, ત્યાં આપણી જીંદગી કંઈક જૂદી જ થઈ જશે. બાથપાર્ટી વાળા ઉત્તરે કુર્દીસ્તાનમાં રહેલા કુર્દીશ લોકો સાથે કંઈક વધારે જ નિર્દય થઈ રહ્યા છે. અમારી એ ક્ષતવિક્ષત માતૃભૂમિમાં દંગાફસાદ વધી રહ્યા હતા, સરકારી દરોડા, ઘેરાબંદી અને નિર્દોષ કુર્દોની હત્યાની ઘટનાઓ વધી રહી હતી.

મારા વિચાર વમળો વધી રહ્યા હતા. અચાનક જ મને જ્ઞાન લાધ્યુ હતુ કે જો તમે નાના બળકમાંથી મોટા થઈ જાવ તો સમસ્યાઓ પણ એટલી જ વધી જાય છે,

મા એ દુવિધામાં હતી કે સરકાર અમને આ ઘર ખાલી કરવાનુ કહેશો તો શુ થશે? કારણકે, અમે જે ઘરમાં રહેતા હતા એ તો રેલ્વેએ આપેલુ હતુ. ૧૯૫૮ની ક્રાંતી પહેલા અમારુ કુટુંબ બગદાદના સિલ્વીયા વિસ્તારમાં વિશાળ ઘરમાં રહેતુ હતુ. પણ ૧૯૫૮ના બળવામાં મારા કુટુંબે એ ઘર અને પિતાજીની ધમધમતી ફર્નિચર ફેક્ટરી બધુ જ ગુમાવ્યુ, એ તો નસીબ સારા હતા કે પિતાજીને ઈરાકી રેલ્વેમાં તરત જ મિકેનિકલ એન્જિનિયરની નોકરી મળી ગઈ. એ નોકરીનો સૌથી મોટો ફાયદો એ હતો કે અમને આ સીધા-સાદા વિસ્તારમાં મોટુ ઘર મળ્યુ જ્યાં મારુ બાળપણ વિત્યુ.

જો કે એ વિસ્તારમાં મોકળાશ જેવુ કંઈ નહોતુ, પણ મને અમારા એ પીળી-ભુખરી ઈટોવાળા બંગલામાં રહેવાનો ખુબ આનંદ હતો. ૧૯૪૦માં બ્રિટીશરો દ્વારા એ બાંધવામાં આવ્યો હતો. તે વખતના ઇરાકના રાજા - કિંગ ફૈસલના સમયમાં ખરુ રાજ તો બ્રિટીશરોનુ હતુ, રાજા તો માત્ર એમની કઠપુતળી જ બનીને રહી ગયા હતા. એ સમયે ઘણા બ્રિટીશર ઈરાકમાં રહેતા હતા. એમનો આભાર કે જ્યારે એ દેશ છોડીને ગયા ત્યારે અમારો આ મજાનો બંગલો પણ છોડતા ગયા. આગળના બગીચામાં "યાસ"ની ઝાડીઓની હારમાળા હતી, જ્યારે એના પર ફૂલ આવે ત્યારે એની ખાટ્ટી ખુશ્બુ આખા વિસ્તારને મઘમઘાવી દેતી હતી. નાનકડો આગળનો વરંડો અને એની પાછળ અમારો બેઠકરૂમ એમાં દિવાલ સરસા સોફા ગોઠવ્યા હતા, બેઠકરૂમની પાછળ ત્રણ આરામદાયક બેડરૂમ અને એક બાથરૂમ હતા. સાંકડી સીડીથી ઉપર ધાબે જવાતુ હતુ, એનો ફાયદો એ હતો કે ઉનાળાના કાળઝાળ ગરમીના દિવસોમાં અમે બધા રાતે મોટે ભાગે ધાબે જ સુતા. નાનકડા રસોડામાં મા ની રસોઈ થયા કરતી. એને અડીને જ અમારા ઘરનો સૌથી પ્રિય વિસ્તાર હતો. વિશાળ વરંડો, જેમાં મોટુ ટેબલ અને ઘણી બધી ખુરશીઓ અમે રાખતા. સૌથી મજાની વાત એ હતી કે અમારુ ઘર પામ (ખજૂરી)ના વિશાળ વૃક્ષોની વચ્ચે લપાઈને બન્યુ હતુ, બગદાદના કાતિલ સૂર્યના કિરણો એના લીધે રોકાઈ જતા હતા.

અમને ઘર ખાલી કરવાની ચિંતા હતી એમાં જ અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે સરકારી અધિકારીઓએ જણાવ્યુ કે અમારી મા જીવે ત્યાં સુધી અમે એ ઘરમાં રહી શકીએ છીએ, અને મા ને રેલ્વે કંપની તરફથી આજીવન પેન્શન પણ મળશે. એટલા પૈસાથી અમારુ ઘરતો ચાલી જશે. અને થોડા વર્ષોમાં રા'દ પણ કૉલેજ પુરી કરીને કમાતો થઈ જશે. ઈરાકી પરંપરા મુજબ ઘરનો સૌથી મોટો દિકરો ઘરની બધી જવાબદારી ઉપાડી લેતો હોય છે. અમારુ ભવિષ્ય હવે કંઈક સુધારા પર હતુ. એ સમાચાર મળતા મા એ નક્કી કરી જ લીધુ કે અમે બધા હવે બગદાદમાં જ રહીશુ.

દફનવિધી પત્યા પછી પણ અમારા કુર્દીશ સગાઓ અમને સધિયારો આપવા ઘણા દિવસો સુધી અમારી સાથે જ રહ્યા હતા. એક દિવસ જ્યારે ઘરની બધી સ્ત્રીઓ ઉદાસ ચહેરે અમારા ઘરના પાછળના વરંડામાં ભેગી થઈને બેઠી હતી ત્યારે મા ને એક બહેન ફાતિમા માસી એકદમ જોશીલા થઈ ગયા અને માને કહે, "કાફિયા બસ હવે બહુ થયુ, રોવાનો સમય હવે પુરો થયો, ફરીથી જીવવાનુ ચાલુ કરવુ જોઈએ" મને આવી વાતથી કંઈક આઘાત લાગ્યો, મને મારા પિતા વગરની જીંદગીમાં હવે કોઈ રસકસ નહોતો લાગતો, મારુ હ્રદય જાણે સાવ કોરુ થઈ ગયુ હતુ.

ફાતિમા માસીના મોં પર શેતાની હાસ્ય હતુ અને એની ભૂરી આંખોમાં તોફાન. આંખો નચાવતા એણે મા ને પૂછ્યુ "તેં ક્યારેય તારા બાળકોને કીધુ છે કે તારો વર તને કેટલો પ્રેમ કરતો હતો?" મા એ એની બહેન સામે મોં મચકોડ્યુ અને જાણે પ્રશ્નની અવગણના કરતી હોય એમ એની ખુરશીમાં મોં ફેરવીને બેસી ગઈ.

મારી માની અંદર ઘણી અસામાન્ય ખુબીઓ હતી. એક નિઃસ્વાર્થ મા, આજ્ઞાંકિત પત્ની, પવિત્રને આસ્થાળુ મુસ્લિમ અને એક સિધ્ધહસ્ત રસોઈયણ આ બધી ખૂબીઓ એનામાં ઠાંસી ઠાંસીને ભરી હતી. મહેમાનોની આગતા-સ્વાગતા માટે એ હંમેશા તૈયાર રહેતી અને એટલે જ કદાચ અમારુ ઘર કાયમ મહેમાનોથી ભરેલુ રહેતુ. અરે, કેટલાક લોકો તો એમના પોતાના ઘર કરતા પણ વધારે અમારે ઘરે રહેવાનુ પસંદ કરતા. એના બાળકોને હંમેશા એના માટે બધી રીતે માન રહેતુ. મારી મા રાજકુમારી જેવી સુંદર હતી. એની ત્વચા દૂધ જેવી ગોરી હતી અને આંખો કાળી પાણીદાર. એની કદકાઠી ઉંચી હતી અને એના લાંબા કાળાભમ્મર વાળ હંમેશા એની પોતાની બહેનો અને દિકરીઓ માટે પણ ઈર્ષાનુ કારણ રહેતા. એના હાથ પણ કલાકાર જેવા સુંદર હતા, લાંબી આંગળીઓ અને આંગળીઓને છેડે સુંદર મજાના નખ. એ વાતની કોઈ નવાઈ નહોતી કે એને એના પતિનો અનહદ પ્રેમ મળ્યો હોય, ભલેને તેમના લગ્ન એરેન્જ મેરેજ હતા તે છતાં તેની ખુબીઓ તેના પતિનુ દિલ હરી લેવા માટે પુરતી હતી.

ફાતિમા માસીએ મોટુ કુંડાળુ વળીને બેઠેલી એ બધી સ્ત્રીઓ સામે એક નજર નાખી અને કહ્યુ; "તમને ખબર છે કે મુહમ્મદ કાફિયાનો એટલો દિવાનો હતો કે એક વાર તો એને માટે એ બસના પૈડા આગળ પણ સૂઈ ગયો હતો." મારા કાન સરવા થઈ ગયા, આ વાતની તો મને ખબર જ નહોતી!! મા એ એક નજર આલિયા, મુના અને મારી તરફ નાખી અને પોતાનુ મોં શરમથી પોતાના હાથોમાં છુપાવી લીધુ. એની દિકરીઓ આગળ એની પ્રેમકહાણીની આવી વાતોથી કદાચ એને બેચેની થતી હતી.

ફાતિમા માસીએ જોરથી તાળી પાડી અને કીધુ 'જો આજે કાફિયા એની વાત ના કહેવાની હોય તો તમને બધાને આ કહાણી હું સંભળાવીશ. છોકરીઓ હું માનુ છુ કે તમે બધાએ મુહમ્મદની મા - મિરિયમ વિષેતો સાંભળ્યુ જ હશે. આખા બગદાદમાં લોકો વાતો કરતા હતા કે એને એની વહુઓ જોડે જરાય બનતુ નહોતુ; એમાંય કાફિયા તરફ એને કંઈક વધારે જ અણગમો હતો. તમને બધાને ખબર છે જ્યારે કાફિયા પહેલા વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે એની સાસુએ શુ કર્યુ હતુ? એણે કાફિયાને ધમકાવીને કહી દીધુ હતુ કે એની પહેલી ડિલીવરીમાં કોઈ ડૉક્ટરને બતાવવાની જરૂર નથી.' ફાતિમા માસીએ ભેગી થયેલી બધી સ્ત્રીઓ તરફ એક નજર નાખી અને કહ્યુ 'બતાવો મને એવી કઈ સ્ત્રી હોય જે બીજી સ્ત્રીને કોઈ જ કારણ વગર આવી રીતે ડિલીવરીની પીડા સહન કરવાનુ કહે?' રૂમમાંની બધી સ્ત્રીઓ વચ્ચે ચણભણ શરૂ થઈ ગઈ.

'સોળ વર્ષની કાચી ઉંમરની કાફિયા હદ બહાર ડરી ગઈ હતી કે એના પહેલા બાળકનો જન્મ એની ક્રૂર સાસુને હાથે થવાનો હતો, એક એવી સ્ત્રી જે કંઈપણ કરી શકવા માટે સમર્થ હતી. મિરિયમે કેટલીય વાર દિકરીઓ માટે પોતાનો અણગમો જાહેર કરેલો હતો, એટલે કાફિયાને ડરવાના પૂરતા કારણો હતા, કે જો એની કૂખે પહેલી દિકરી આવે તો મિરિયમ એ બાળકને નુકશાન કરી શકે એવુ પણ બને. એટલે એક દિવસ બપોરે મિરિયમ ઝોકે ચડી હતી, ત્યારે કાફિયા ઘરમાંથી ધીમે રહીને છટકી અને પોતાને પિયર એની માતાને સુલેમાનિયામાં કાગળ લખીને પોસ્ટ કરી દીધો. એમાં એણે લખ્યુ હતુ કે "જો તમે મને મારી સાસુથી બચાવવા કોઈને નહી મોકલો તો હું તૈગ્રીસમાં પડીને મરી જઈશ.'

મેં મારી મોટી બહેન આલિયા સામે જોતા વિચાર્યુ; જેમ હું મારી માના પેટમાં હતી ત્યારે ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી એમ આલિયા પણ થઈ હતી. એને માના પેટમાં જ ડુબાડી દેવાની હતી તો મને ઝેર આપવામાં આવ્યુ હતુ. એ ચમત્કાર જ કહેવાય કે અમે બન્ને હજુ સુધી જીવતા છીએ.

'તમે બધા સમજી શકો છો કે કાફિયાના પત્રએ સુલેમાનિયમાં હોબાળો મચાવી દીધો હતો. કાગળ પરની તારીખ તો ઘણી જૂની હતી, અમારી માને ફાળ પડી કે ઘણુ મોડુ થઈ ચુક્યુ છે. કંઈ સામાન લેવાની પરવા કર્યા વગર હું અને - મેહદી - આપણો શાણો ભાઈ બંને પહેલી બસ પકડીને બગદાદ ભેગા થઈ ગયા. અમે જ્યારે કાફિયાને ઘરે પહોંચ્યા ત્યારે મુહમ્મદ એના કામે ગયો હતો. જ્યારે અમે કહ્યુ કે અમે કાફિયાને લેવા આવ્યા છીએ ત્યારે મિરિયમનો ચહેરો જોવા જેવો હતો. એણે એની અણગમતી વહુ પોતાના કબજામાં માંથી ના છટકે એને માટે બનતી બધી કોશીશ કરી લીધી. પણ મહેદી એ બહુ જ ડહાપણથી કામ લીધુ. એણે મિરિયમને એમ ના કહ્યુ કે કાફિયા એની કૂરતાને લીધે ડરી ગઈ છે - જે મારે કહેવુ હતુ - પણ એણે કાફિયાની સાસુને એમ કહીને સમજાવી લીધી કે કાફિયાની ઉંમર બહુ જ કાચી છે, એને માટે આ પહેલો અનુભવ છે અને દિકરી એની પોતાની મા પાસે હોય તો એને ડિલિવરીમાં વાંધો ના આવે. મિરિયમ કમને રાજી થઈ ગઈ.'

'કાફિયાને ખાતરી હતી કે મિરિયમ એનો ઈરાદો ગમે ત્યારે બદલી શકે એમ છે એટલે કાફિયા એટલી ઉતાવળમાં હતી કે મુહમ્મદને પણ ભૂલી ગઈ' ફાતિમા માસી મોટીથી હસી પડી. 'જ્યારે અમે એના ઘરમાંથી નીકળ્યા એ જ વખતે ત્યાંથી પસાર થતી એક સીટીબસ અમને દેખાઈ. મને થયુ કે ચાલો સારુ થયુ; મેં કીધુ "દોડો!" અમે ત્રણેય જણા જેટલી બને એટલી ઝડપથી ભાગ્યા; એમાંય ખાસ્સા મોટા પેટ સાથેની કાફિયા એનો ડ્રેસ ઉંચો પકડી રાખી અને બતકની જેમ દોડતી હતી.'

'નસીબજોગે એવુ બન્યુ કે અમારુ આ તરફ બસમાં ચડવુ અને પેલી બાજુ ગલીને નાકેથી મુહમ્મદ રસ્તા પર આવ્યો અને અમને બસમાં ચડતા જોઈ ગયો. મને લાગે છે કે એણે એમ વિચાર્યુ હોવુ જોઈએ કે કાફિયા એને હંમેશને માટે છોડીને જઈ રહી છે. હવે આ માણસ તો "ઉભા રહો.... થોભો" એમ બુમો પણ નથી પાડી શકવાનો. એણે એ સમયે એની દ્રષ્ટીએ જે સૌથી સારુ થઈ શકે એમ હતુ એ જ કર્યુ. પોતાના હાથમાં જે કંઈ સામાન હતો એ ફેંક્યો નીચે અને ઉભી રહેલી બસની સામે દોડ્યો. અને બસની આગળના એક પૈડા પાસે સૂઈ ગયો.' ફાતિમા માસી ધીમે રહીને હસી પડ્યા 'બિચારો એટલી હદ સુધી ગયો કે એણે પોતાનુ માથુ બસના ટાયર નીચે રાખી દીધુ'

'આટલી વારમાંતો અફડાતફડી થઈ ગઈ. બસનો ડ્રાઈવર ગુસ્સે ભરાઈ ગયો અને જોર જોરથી હૉર્ન વગાડવા લાગ્યો. બધા બસમાંથી નીચે ઉતર્યા, અમારે પણ નીચે ઉતરવુ પડ્યુ. નીચે ટોળુ ભેગુ થઈ ગયુ હતુ, બધા બૂમો માર્યા કરતા હતા. પણ કોઈને ખબર નહોતી કે આ આત્મહત્યા કરનાર સાવ બહેરો છે એને આમાંનુ કંઈ સંભળાવાનુ નથી. અમને ટોળામાંથી રસ્તો કરતા થોડી વાર લાગી, પણ છેવટે અમે મુહમ્મદને જોઈ લીધો. છોકરીઓ એ બહુ જ જોવા જેવુ દ્રશ્ય હતુ, તમારા બાપુ ચત્તાપાત સૂતા હતા. એમણે પોતાના હાથ છાતી પર એકબીજાની ઉપર રાખી દીધા હતા, આમ.' ફાતિમા માસીએ અમને એવુ કરીને દેખાડ્યુ. બધા હસી પડ્યા. માનો અણગમો હવે દૂર થઈ ગયો હતો. એની આંખો દૂરસૂદુર જાણે કોઈ સ્વપ્ન જોઈ રહી હોય એવી લાગતી હતી.

'આટલીવારમાં મિરિયમ સુધી વાત પહોંચી ગઈ હતી. ટોળામાંથી જ કોઈએ મુહમ્મદને ઓળખી લીધો હોવો જોઈએ અને એને કહી આવ્યુ હોવુ જોઈએ. એ તો જાણે મિલીટરીની ટેન્ક કે પછી સરકસનો પહેલવાન આવતો હોય એમ લોકોને ઉંચકીને પછાડતી પછાડતી ટોળામાંથી રસ્તો કરીને આવી.' ફાતિમા માસી પોતાની ખુરશી પરથી ઉભા થયા અને 'આવી રીતે' એમ કહીને એમણે મને મારી ખુરશીમાંથી ખેંચીને રૂમની વચ્ચે ફંગોળી દીધી. મારો તો શ્વાસ અધ્ધર થઈ ગયો. મારા સિવાયના બધા ફરી એકવાર હસી પડ્યા. 'જ્યારે મિરિયમને ખબર પડી કે ખરેખર એનો જ દિકરો આત્મહત્યા કરવા તૈયાર થયો હતો ત્યારે એણે શુ કર્યુ ખબર છે? મુહમ્મદના હાથ પકડીને ખેંચવા લાગી' હું ઝડપથી ફાતિમા માસીથી દૂર ખસી ગઈ; ફરી એકવાર એ એવુ કરી બતાવે તો મારુ તો આવી જ બને!!

એમણે આગળ ચલાવ્યુ 'કાફિયા આઠ મહિનાની પ્રેગ્નન્ટ હતી અને એનુ પેટ ઘણુ બહાર નીકળેલુ હતુ તે છતાં એ જેમતેમ કરીને મુહમ્મદ પાસે ઉભડક પગે બેઠી. એક બાજુ મા હતી અને બીજી બાજુ પત્ની, અને બન્ને મુહમ્મદને ખેંચી રહ્યા હતા. નવાઈની વાત એ હતી કે મુહમ્મદ આંખો જ નહોતો ખોલી રહ્યો. એના હોઠ ધીમેધીમે ફફડતા હતા. કદાચ એ બિચારો માણસ અલ્લાહને મળવા માટે એની છેલ્લી પ્રાર્થના ગણગણી રહ્યો હતો. મિરિયમે જરાય વખત ગુમાવ્યા વગર એની આંગળીઓથી મુહમ્મદની પાંપણો ખોલી નાખી.'

'જ્યારે મુહમ્મદે પોતાની પત્નીને પણ ત્યાં રહેલી જોઈ, એટલે એણે નારાજગીથી એની સામે જોયુ, જાણે કહી રહ્યો હોય કે "તુ મને છોડીને કેમ ચાલી જાય છે?" આટલા સમયમાં કાફિયા એની સાથે હાવભાવથી વાત કરવા પુરતી સાઈન-લેંગ્વેજ જાણી ગઈ હતી. એણે પોતાના હાથ હલાવીને આખી વાત સમજાવી : કે એ માત્ર એના પહેલા બાળકની ડિલીવરી માટે થઈને એની માને ત્યાં જઈ રહી છે અને પછી પાછી આવી જશે. હવે મુહમ્મદ ઝડપથી પોતાના હાથનો ટેકો લઈને બેઠો થઈ ગયો. ચોક્કસ એ બનાવ પછી મિરિયમને એની વહુ વધારે કડવી લાગતી હોવી જોઈએ અને એની ઈર્ષા પણ થતી હશે. મુહમ્મદ એની પત્નીને એટલો પ્રેમ કરતો હતો કે એ એના વગર જીવવા કરતા મરવાનુ વધારે પસંદ કરતો હતો.'

ફાતિમા માસીની વાતને લીધે એક વાત સારી થઈ હતી. ભલે થોડા સમય માટે પણ, હું એ વાત ભુલી શકી કે અમારા પિતા અમારી પાસેથી હંમેશને માટે ચાલી ગયા છે. મારા માતા-પિતાના સુખદ લગ્નજીવનની વાતથી મને પણ કંઈક ખુશીની લાગણી થઈ આવી. એ દિવસે જ્યારે હું સુવા માટે ગઈ ત્યારે મારા પિતાના મૃત્યુ પછી એ પહેલી વાર હું સૂતી વખતે આંસુ નહોતી સારતી.

હું કંઈ એટલી સમજણી નહોતી થઈ ગઈ કે મને નસીબની અગમ્ય બલિહારીઓની ખબર પડતી થાય. મને તો એ પણ ખબર નહોતી કે નજીકના ભવિષ્યમાં જ મારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થવાની છે કે જે મારા જીવનની સૌથી મહત્વની ઘટના બનીને રહી જવાની છે.

પ્રકરણ ૭ સમાપ્ત:

ક્રમશ: પ્રકરણ ૮.