Fix Deposit in Gujarati Short Stories by Vikram Rojasara books and stories PDF | ફિકસ ડિપોઝિટ

Featured Books
Categories
Share

ફિકસ ડિપોઝિટ

ફિક્સ ડીપોઝીટ

બેટા, રાજ કાલે રવિવાર છે તો તારે ઓફિસમાં રજા હશે ને?

સવારમાં રાજ તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યો એટલે જમનાબાએ પૂછ્યું. હા, બા રજા છે. કેમ તમારે કંઈ કામ હતું? રાજે હમણાં થોડા દિવસ પહેલાજ નવી લીધેલી ગાડીની ચાવી આંગળીમાં ફેરવતા ફેરવતા જ જવાબ આપ્યો. કામ તો કંઈ ખાસ નથી બેટા, પણ કાલે ગામડેથી સમાચાર આવ્યા છે કે મારી બહેનપણી આશાની તબિયત હમણાં થોડા વખતથી ગરમ-નરમ રહે છે તો એકવાર ખબર પૂછવા જવાની ઈચ્છા છે. તું જો ગાડી લઈને આવે તો જઈ આવીએ. હા બા વાત તો તમારી સાચી પણ કાલે કામિનીની મમ્મી નો જન્મદિવસ છે તો અમારે ત્યાં જવાનું છે. તમે એમ કરોને બસમાં જતા રહેજો, હવે આમ પણ બસ આપણા ગામ સુધી તો જાય જ છે ને. ભલે બેટા, મારા તરફથી પણ વેવાણને શુભકામનાઓ આપજે. હા, ચોક્કસ એવું કહીને રાજ ઓફિસે ચાલ્યો ગયો, એટલે હવે ઘરમાં હવે રાજની પત્ની કામિની અને જમનાબા બે લોકો વધ્યા. કામિની સવારના પહોરમાં કોઈ રસોઈ શો જોઈ રહી હતી, જો કે ઘરમાં રસોઈ બનાવવા માટે તો નોકરાણી જ રાખેલી હતી!!!! એટલે જમનાબાને વહુને અડચણ રૂપ બનવું એના કરતા પોતાના રૂમમાં જવાનું જ વધારે યોગ્ય લાગ્યું.

બહાર ટી.વી. પર રસોઈ શો ચાલતો હતો અને રૂમમાં જમનાબા આંખો બંધ કરીને પથારીમાં બેસીને પોતાની જીવાય ચૂકેલ જિંદગીનો “ભવ્ય ભૂતકાળ” નામનો શો જોવામાં મશગુલ બની ગયેલા. જમનાબા અને એમના પતિ ગામડું છોડીને શહેરમાં આવ્યા એ વખતના દિવસો યાદ આવી ગયા.અમરની એક ખાનગી કંપનીમાં ક્લાર્ક તરીકેની ટૂંકા પગારની નોકરી હતી,અને એમાં જમનાબા આજુબાજુના ઘરોમાં ઘરકામ કરીને જે કંઈ રૂપિયા મળે તે ઉમેરતા એટલે ઘર ચાલ્યે જતું. પણ ટૂંકો પગાર કોઈ દિવસ એમની ખુશીઓમાં ઉણપ લાવી શક્યો નહોતો. ભલે જમનાબા ભણેલા નહોતા પણ ખુબ ચીવટથી બધી વેતરણ કરતા અમર સાથે રહીને બહુ સારી રીતે શીખી ગયા હતા. બે સંતાનોના ઉછેર સાથે અમર અને પોતે ગામડે જઈને સાસુ-સસરાની દેખભાળ કરવાનું ચુક્યા નહોતા. બંને પતિ- પત્ની એમને જોડે રહેવા આવી જવા માટે ઘણો આગ્રહ કરતા પણ અમરના માં-બાપથી ગામડાની માયા છૂટતી નહોતી એટલે એ નહોતા આવતા. પછી સમય સાથે પરિસ્થિતિમાં સુધારો આવતો ગયો. અમરને પણ બઢતી મળતી ગઈ અને સાથે-સાથે પગાર પણ વધતો ગયો. દીકરી સીમાએ કોલેજ પૂરી કરી અને સરકારી નોકરી લઇ પગભર થઇ એટલે સારા ઘરે વળાવી દીધી.

સાસરું સારું હતું એટલે સીમાની તો કોઈ ચિંતાજ નહોતી. રાજ પણ ભણવામાં હોંશિયાર હતો , એને સી.એ. કરવું હતું.જમનાબા અને અમર પણ દીકરાના સપનાને પૂરું કરવા તણી તફડીને તનતોડ મહેનત કરીને અને પોતાની જરૂરિયાતો પર કાપ મુકીને પણ રાજની ટયુશન ફી સમયસર ભરી દેતા. અને જરૂર પડે તો વ્યાજથી પૈસા લાવીને પણ ભરતા. પણ સીમા કે રાજને આ વાતનો અણસાર સુદ્ધા આવવા દેતા નહી. અને એમ કરતા-કરતા રાજ પણ સી.એ. પૂરું કરીને નોકરીએ લાગી ગયો.ગામડે અમરના માં-બાપની હાલત પણ વધતી ઉંમર સાથે કથળતી જતી હતી. જે કઇ થોડી જમીન હતી એ પણ અમરના નામે કરવા માંગતા હતા પણ અમરે એ જમીન જમ્નાબના નામે કરાવી નાખેલ.છેલ્લા પાંચ-છ મહિનાથી બંને પતિ-પત્ની મોટે ભાગે ગામડે રહેતા અને માં-બાપની સેવાચાકરી કરતા હતા. બસ એ બેય ઘરડા જીવની આખરી ઈચ્છા એવી હતી કે દીકરા રાજના લગ્ન થઇ જાય તો જોતા જઈએ. રાજ સી.એ. થયેલો હતો અને દેખાવડો પણ હતો અને ખાનદાની ખોરડું એટલે એકથી એક ચડિયાતા માંગા આવતા હતા. અંતે રાજે પણ રૂપકડી કામિની પર પસંદગીનો કળશ ઢોળી દીધો. ખુબ ટૂંકા ગાળામાં બંનેના લગ્ન લેવાયેલા એટલે એકબીજાને જાણવાનો સમય ખુબ ઓછો મળેલો.

રાજના દાદા-દાદી પણ સાત-આઠ મહિનાના અંતરે દેવલોક પામી ગયા. ફરી પાછું બધું ઠરીઠામ થઇ ગયું. બે-ચાર વરસ એમજ ચાલ્યા ગયા. હા, કયારેક ભણેલી કામિનીને અભણ જમનાબા અને અમર ઘરમાં ખુંચતા અને રાજનું વર્તન પણ બદલાતું જતું હતું. પણ જમનાબા આવી બધી બાબતો ધ્યાનમાં લેતા નહી. અંતે અમરનું પણ હૃદયરોગના હુમલાને કરને અચાનકજ મુત્યુ થયું અને જમનાબા એકલા પડી ગયા. હવે ઘરમાં પણ વહુની અદેખાઈ વધતી જતી હતી.

આમ તો એ મોટેભાગે ગામડે જવું હોઈ તો બસમાં જ જઈ આવતા પણ જ્યારથી ઘૂંટણમાં સાંધાનો વા થયો ત્યારથી મુસાફરી આકરી બની ગઈ હતી. એટલે જ તો આજે રાજને ગાડી લઈને સાથે આવવાનું કહ્યું હતું, પણ કામિનીના કહ્યાગરા કન્થે ચોખ્ખી ના પરખાવી દીધી.પછી રવિવારે જેમ તેમ કરીને પણ ગામડે ખબર પૂછવા તો જઈ આવ્યા જ. ઘરમાં હવે તો કામિની જમનાબાને વાતવાતમાં ન બોલવાનું બોલી દેતી અને એમનું નામ હવે જમનાબા માંથી ડોસી જ કરી નાખેલું કામિનીએ.પણ એ ક્યારેય રાજને ફરિયાદ નહોતા કરતા કેમકે એ નહોતા ઈચ્છતા કે પોતાના લીધે દીકરાનો સંસાર ખારો થાય.

હવે એમજ જીંદગી ચાલતી હતી.પણ છેલ્લા એક-બે મહિનાથી કામિનીના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો હતો અને એ જમનાબા સાથે સુમેળ ભર્યું વર્તન કરવા લાગી હતી. જમનાબાને પણ હાશકારો થયો કે ચાલો થોડી સમજણ તો આવી. પણ આ ભ્રમ વધારે ટક્યો નહી. એક દિવસ રાજે કહ્યું કે બા કાલે આપણે વકીલ પાસે જવાનું છે. પણ જમનાબાએ કહ્યું કે મને પગમાં દુખાવો છે એટલે મારાથી નહી ચાલી શકાય. એટલે તરતજ રાજ બોલી ઉઠ્યો કે બા આપણે તો ગાડી લઈને જવાનું છે. એટલે એ તરત તૈયાર થઇ ગયા. બીજા દિવસે રાજ કામિની અને એ ત્રણેય વકીલ પાસે પહોંચી ગયા. રાજે જમનાબાના નામે રહેલ જમીન અને ઘર પોતાના નામે કરવા માટેના જરૂરી દસ્તાવેજો વિધિઓ પહેલેથી જ કરી નાખેલી હતી. એટલે હવે ખાલી જમનાબાની સહી ની જ જરૂર હતી. એ પણ આજે એમને રાજે જ્યાં કહ્યું ત્યાં અંગુઠા મારીને પૂરી કરી દીધી. પછી જયારે રાજને પૂછ્યું કે શેના માટેની સહી હતી, ત્યારે ખબર પડી કે હવે એમના નામે કોઈ સંપતિ રહી નહોતી. પણ એનો એમને કોઈ અફસોસ નહોતો કેમકે અંતે તો બધું દીકરાને જ આપવાનું હતુંને!!!! પણ એમને ઝટકો ત્યારે લાગ્યો જયારે કામિનીએ કહ્યું કે બા હવે તમે તમારી રીતે ઘરે ચાલ્યા જજો, મારે અને રાજને બહારગામ જવાનું છે.

પળવારમાં તો એમના દુ:ખતા ઘૂંટણને પણ બંને પતિ-પત્ની ભૂલી ગયા અને એમના જવાબની રાહ જોયા વિના રાજે ગાડી હંકારી મૂકી. હવે જમનબાને કામિનીના બદલાયેલા વર્તન પાછળ મિલકતનો કબજો કરવાના ચક્રવ્યુહનો અણસાર આવી ગયો હતો. ત્યાં ઉભા-ઉભા જ એમને નક્કી કરી નાખ્યું હતું કે હવે એ ઘરમાં હડધૂત થઈને રહેવું એના કરતા તો કોઈ ઘરડાઘરમાં જઈ ને મનભર રહેવામાં મજા છે. પણ ઘરડાઘરમાં પણ થોડીઘણી રકમ તો આપવી જ પડે અને કોઈનું મફતનું ના લેવાય એવું એ માનતા હતા. અને એ હવે રાજ પાસે પણ હાથ લાંબો કરવા નહોતા માંગતા કે ના તો દીકરી સીમાને ગળે પાડવા માંગતા.

તરતજ એમને ફિક્સ ડીપોઝીટનો વિચાર આવ્યો જ ઘણા વરસો પહેલા અમરે થોડી-થોડી બચત કરીને જમનાબાની આનાકાની છતાં એમના નામે બેંકમાં મૂકી હતી. અને જયારે ખુબ જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવાનું કીધેલું. એમને લાગ્યું ક આજે એ ફિક્સ ડીપોઝીટ વાપરવાનો સમય આવી ગયો છે. જમનાબાને આજે સવાલ થઇ આવ્યો કે “શું રાજના પિતાને ખબર હશે કે મારે આવા દિવસો જોવાનો વારો આવશે?” જેમ તેમ કરીને એ ઘરે પહોંચ્યા અને ઘણી વાર સુધી રડતા રહ્યા. પસી પોતાને જરૂરી સામાન અને બેન્કની ફિક્સ ડીપોઝીટની રસીદ અને બીજા જરુરી કાગળિયાં લઈને “ બેટા રાજ, સુખી થજે , હું હવે તારા પર બોજ નહી બનું, અને ક્યારેક મળવાની ઈચ્છા થાય તો કોઈ ઘરડાઘરમાં તપાસ કરજે!!!” એવી એક ચબરખી એક પ્રાથમિક શાળામાં ભણતા ટાબરિયા પાસે લખાવીને ટેબલ પર મૂકી દીધી. બહાર નીકળીને રીક્ષા ઉભી રખાવી એટલે રિક્ષાવાળાએ પૂછ્યું કે બા ક્યાં જવુ છે? તો જવાબમાં એમને બેન્કનું સરનામું બતાવ્યું એટલે રીક્ષાવાળો પણ રાજી થઇ ગયો કેમકે એને પણ એજ બેંકમાં જવાનું હતું. જમનાબા બેઠા એટલે એને રીક્ષા બેંક તરફ આગળ હાંકી. બેંક આવી એટલે બંને નીચે ઉતર્યા અને જમનાબાએ ભાડું પૂછ્યું એટલે એને કહ્યું કે બા આજે ભાડુ નથી લેવું કેમકે મારે આમ પણ આજે અહીં આવવાનું જ હતું. અને ખાસ વાત તો એ છે કે હું બે વર્ષથી થોડી-થોડી બચત કરીને પૈસા ભેગા કરતો હતો એ મારી પત્નીના નામે ફિક્સ ડીપોઝીટ કરવા છે એટલે જરૂર પડ્યે એને કામ આવે, એટલે જરૂરી માહિતી લેવા માટે આવ્યો છું. પછી બંને બેંકમાં ગયા અને જમનાબાએ ફિક્સ ડીપોઝીટ તોડવા માટેની વિધિઓ પતાવી અને રીક્ષાવાળાએ મુકવા માટેની. બહાર નીકળીને એની એજ રીક્ષામાં બેસી એક ઘરડાઘર તરફ ચાલી નીકળ્યા, અને ઘરડાઘરથી થોડે દુર રીક્ષા ઉભી રખાવીને ઉતરી ગયા. અને રીક્ષાવાળાએ ભાડાની તો ના પાડેલી એટલે ભાડાના બદલામાં મનમાંજ એક આશીર્વાદ આપતા ગયા કે “મારે જેવી રીતે ફિક્સ ડીપોઝીટની અંધારી જરૂર પડી એવી જરૂર ભગવાન તારી પત્નીને ક્યારેય ન પાડવા દે.

*****