યે રેશ્મી જુલ્ફેં....
વાળને સુંદર બનાવવાના ઉપાય
મિતલ ઠક્કર
સ્ત્રીના વાળના કવિઓ ખૂબ વખાણ કરતા રહે છે. ત્યારે મહિલાઓ પણ પોતાના વાળની કાળજી અને સુંદરતા માટે સતત સભાન હોય છે. કેમકે સુંદર વાળથી ચહેરો પણ આકર્ષક લાગે છે. એક કવિએ લખ્યું છે...બિજલીઓને સીખ લી ઉનકે તબસ્સુમ કી અદા,
રંગ જુલ્ફોં કી ચુરા લાઇ.. ઘટા બરસાત કી.
આ રેશમી વાળને વધુ સુંદર બનાવવા માટે આ પુસ્તકમાં કેટલાક સૂચનો સંકલિત કરીને આપ્યા છે. જો આપણે કાળજી લેતા હોય તેનાથી થોડી વધુ લઇએ અને જાણકારોની માહિતીનો ઉપયોગ કરીએ તો કોઇ પણ કહી ઉઠશે કે, તેરે રુખસાર પર બિખરી જુલ્ફોં કી ઘટા, મૈં ક્યા કહૂં એ ચાંદ, હાય! તેરી હર અદા! હિન્દી ફિલ્મોના ગીતકારોએ પણ યે હૈ રેશમી જુલ્ફોં કા અંધેરા, યે રેશમી જુલ્ફેં, યે શરબતી આંખેં.... જેવા અનેક ગીતો સ્ત્રીના વાળની પ્રશંસામાં લખ્યા છે. આપણા કવિ ''બેફામ'' પણ લખી ગ્યા છે.
બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં,
કે નહોતી રાત જુલ્ફોની, વદનની ચાંદની નહોતી…
સૌપ્રથમ તો વાળને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કેટલીક પ્રાથમિક ટિપ્સ જાણી લો. આપણા વાળ દરરોજ તડકો, ધૂળ અને માટી જેવી અનેક પ્રદૂષિત વસ્તુનો સામનો કરે છે. અને બેક્ટેરિયાને પેદા થવાની ભરપૂર તક આપે છે. વાળને પણ યોગ્ય સફાઈ અને દેખભાળની જરૂરિયાત છે. તમે તમારા વાળને નિયમિત રીતે ધોતા જ હશો, પરંતુ શું તમે ખરેખર તેને યોગ્ય રીતે ધોવો છો ખરાં? જો તમારો જવાબ હા હોય તો પણ આટલું તો જાણી લો.
1. સૌપ્રથમ તમારા એક મોટા દાંતાવાળા કાંસકાથી વાળની ગૂંચ કાઢી લો.
2. હવે એક ભાગ શેમ્પૂમાં બે ભાગ પાણી ભેળવી લો. આનાથી તમને ના માત્ર શેમ્પૂ લગાવવામાં સરળતા રહેશે બલ્કે તેનાથી શેમ્પૂમાં રહેલા કેમિકલ્સની કઠોરતા પણ ઓછી થઈ જશે.
3. તમારા વાળને ભીના કરી લો અને પછી તમારા સ્કાલ્પ પર પાણીવાળું શેમ્પૂ નાખો.
4. હવે, હલ્કા હાથોથી 2 મિનિટ સુધી માથાના સ્કાલ્પ પર અને વાળનો ઝુડો બનાવીને તેના પર મસાજ કરો. ત્યાર બાદ તેને સ્વચ્છ પાણીથી ત્યાં સુધી સાફ કરો જ્યાં સુધી તેમાંથી બધું જ શેમ્પૂ નીકળીને સાફ પાણી ન નીકળી જાય.
5. તમારે બાકીના વાળમાં શેમ્પૂ લગાવવાની જરૂરિયાત નથી, કારણ કે ઉપરના વાળને ધોતા સમયે તે પણ સાફ થઈ જશે. એક વાત યાદ રાખવી કે શેમ્પૂ વાળ માટે છે અને કંડિશનલ નીચેના વાળ માટે છે.
6. જો તમને જરૂરી લાગે તો પાંચમા સ્ટેપને તમે ફરીથી રિપિટ કરી શકો છો.
7. હવે વાળમાંથી બધું જ એકસ્ટ્રા પાણી કાઢી નાખો અને તેના પર કંડિશનર લગાવી લો. કંડિશનર માત્ર વાળ પર લગાવો સ્કાલ્પ પર નહીં. તમારી સ્કાલ્પમાંથી આમ પણ મોટી માત્રામાં નેચરલ ઑઈલ્સ નીકળે છે, તો તેના પર કંડિશનર લગાવવાથી તે વધારે ઑઈલી બની જશે અને ઝડપથી ફરી ચીકણા બની જશે.
8. વાળને બે મિનિટ સુધી આમ જ રહેવા દો અને ત્યારબાદ સારી રીતે ધોઈ લો. યાદ રાખવું કે વાળમાં થોડુંક પણ કંડિશનર રહેવું ન જોઈએ. (એક સિક્રેટ જાણી લો, બ્લો-ડ્રાઈંગ કરતા સમયે તમારા વાળમાંથી જો વરાળ નીકળે તો સમજી લેવું કે વાળમાં હજુ સુધી કંડિશનર છે.)
9. હલ્કા હાથે વાળનું બધું જ એકસ્ટ્રા પાણી નીચોવી લો અને હવે તેના પર એક કૉટન કપડું જેમ કે ટી-શર્ટ લપેટી લો. વાળને રૂમાલથી રગડો નહીં. આમ કરવાથી વાળ નીચેથી તૂટી જાય છે.
10. ગરમીની ઋતુમાં વાળને હવાથી સૂકાવા દો અને ઠંડીની ઋતુમાં તમારા ડ્રાયરને કૂલ સેટિંગ પર રાખીને વાળને સુકાવો. હલ્કા ભીના વાળને પહોળા દાંતાવાળા કાંસકાથી ઓળી લો.
વાળની સુંદરતા જેટલી જ તેની મજબૂતાઇ માટે કાળજી જરૂરી છે. નારિયેળ તેલ વાળની મજબૂતી માટે ઓળખાય છે. આથી લીંબુ મિક્સ કરી આ તેલ વાળ માટે વરદાનથી ઓછું નથી. એક મોટી ચમચી લીંબુનો રસ નારિયેળ તેલમાં મિક્સ કરી લગાવવાથી તે તમારા વાળની બધી સમસ્યાઓને ખતમ કરે છે. લીંબુનો રસ સાધારણ મીઠું નાંખીને રોજ પીવાથી પણ વાળની ચમક અને મજબૂતી વધે છે.
હવે ટૂંકમાં વાળની સમસ્યાઓ સાથે તેની સંભાળના ઉપાયો જાણીએ.
* મલાઇની મદદથી તમે શુષ્ક વાળની પરેશાની દૂર કરી શકો છો. આ માટે નહાતા પહેલાં થોડી મલાઇ લો અને તેને વાળ પર યોગ્ય રીતે લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. અઠવાડિયામાં આવું 2 વખત કરો.
* તમારાં વાળનો એ ભાગ જે સૌથી પહેલાં સૂકાઇ જાય છે, તે છે એન્ડ્સ. જડની પાસે વાળ સૌથી છેલ્લે સૂકાય છે. તેથી વાળને લૂછતી વખતે તેના મૂળ પર વધારે ધ્યાન આપો અને તેને યોગ્ય રીતે સૂકવો. વાળને અનેક સેક્શનમાં વહેંચીને ધીરે ધીરે ટૂવાલથી એક-એક લટને મૂળથી લઇને લૂછો.
* વાળને ઝડપથી સૂકવવામાં કન્ડિશનર મદદ કરશે. હકીકતમાં કન્ડિશનર માત્ર વાળને રિહાઇડ્રેટ કરીને તેને સોફ્ટ બનાવે છે, એટલું જ નહીં તે વાળમાં એક્સેસ પાણી સૂકવવામાં મદદ કરે છે. મોટાંભાગના કન્ડિશનરમાં ફેટી એસિડ અને સિલિકોન મોજૂદ હોય છે અને વાળ સાથે ચોંટીની એક લેયરની માફક કામ કરે છે. તે પાણીને વાળમાં સૂકાવાથી રોકે છે. તેનું પરિણામ એ હશે કે તમારાં વાળમાં ઓછું પાણી શોષાશે અને ઝડપથી સૂકાઇ જશે.
* શું તમે કોઇ પણ ફેબ્રિકનો ટૂવાલ ઉપયોગ કરો છો? તો જરા રોકાવ, વાળને લૂછવા માટે હંમેશા માઇક્રો ફાઇબરથી બનેલા ટૂવાલનો ઉપયોગ કરો. માઇક્રો ફાઇબર એક સુપર એબ્ઝોર્બેન્ટ હોય છે. તે વાળથી પાણીને યોગ્ય રીતે સૂકવીને તેને ઝડપથી સૂકવવામાં મદદ કરે છે. આ માટે હંમેશા માઇક્રો ફાઇબરવાળા ટૂવાલનો ઉપયોગ કરો. જો તમારાં વાળ કર્લી છે, તો થોડું ધ્યાન રાખીને ઉપયોગ કરો.
* બેકિંગ સોડા દરેક ઘરમાં સરળતાથી મળી જશે. તેની મદદથી તમે વાળની ચિકાશને સરળતાથી દૂર કરી શકો છો. તેનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. પહેલું, એક કપ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા લો અને આ મિશ્રણને વાળ પર યોગ્ય રીતે લગાવો. 10 મિનિટ બાદ નોર્મલ પાણીથી તેને ધોઇ લો. બીજું, તમારાં રેગ્યુલર શેમ્પુમાં બેકિંગ સોડા મિક્સ કરો અને આનાથી તમારાં વાળ ધૂઓ.
* જો બ્લો-ડ્રાય કરવાથી તમારા વાળ ફ્લેટ થઈ જતા હોય તો કૂલ-સેટિંગ કરો. તમારા માથાને નમાવીને ડ્રાયરના નોઝલને વાળના વિભિન્ન ભાગોમાં થોડી મિનિટ માટે ફેરવો. જેનાથી તમારા વાળમાં એર-પોકેટ્સ સર્જાશે જે તમારા વાળને ફૂલેલા અને ગાઢા દર્શાવશે.
* તલના તેલના ઉપયોગથી વાળ ઓછાં ખરે છે અને સ્વસ્થ- મજબૂત રહે છે.
* ઓછી ઊંચાઈવાળી યુવતીઓએ પોતાની હેરસ્ટાઈલમાં વાળ હંમેશા લાંબા જ રાખવા. સ્ટેપ કટ અથવા લેઅર્સ કટ કરાવેલા વાળ તેમને સારા લાગશે. એમાં પણ વાળ તો ખુલ્લા જ સારા લાગશે. કદી પોની ટેઈલ કરી શકાય, બાકી ચોટલો કે અન્ય કોઈ હેર સ્ટાઈલનો પ્રયોગ કદી કરવો નહીં.
* અમુક યુવતીઓને કુદરતે જ લાંબા વાળ આપ્યા હોય છે, પણ ઘણી વખત આવી યુવતીઓ હાઈટમાં જ માર ખાતી હોય છે. જોકે કુદરત જે આપે છે તે સારા માટે જ આપે છે. માટે પોતાના લાંબા વાળને કુદરતના આશીર્વાદ સમજીને તેના નીચેના છેડા તરફ કર્લ કરાવી લેવા. આમ કરવાથી ઓછી હાઈટમાં સારું વજન પડશે, એટલે કે તેની આભામાં ચમકારો દેખાશે, પણ હા, એટલું જરૂર ધ્યાન રાખવું કે આવી યુવતીના લાંબા વાળ લાંબા જ રહેવા દેવા તેને જરા પણ કટ ન કરાવવા.
* જો તમારા વાળ અસ્તવ્યસ્ત રહેતા હોય અને જો તે જાડા પણ હોય તો હેર-સલૂનમાં જઈને હેર-કટ કરાવો. સ્ટાઈલિસ્ટને તમારા વાળ એવી રીતે કાપવાનું કહો કે જેથી વાળનો ભાર ઘટે અને તેમને ઓળવા સરળ બને. બ્લો-ડ્રાઈંગ અને સ્ટ્રેટનિંગ કરવામાં પણ સરળતા રહેશે.
વાળ માટે શેમ્પૂની પસંદગી મહત્વની બાબત છે. તેમાં કાળજી જરૂરી છે.
* શેમ્પૂની પસંદગી હંમેશાં તમારા વાળના પ્રકારને આધારે કરવી જોઈએ. તમારા વાળ ઓઈલી છે, રૂક્ષ છે કે પછી સપ્રમાણિત છે તે મુજબ શેમ્પૂની પસંદગી કરો. અને ઋતુ પ્રમાણે પણ અલગ પ્રકારના શેમ્પૂની પસંદગી કરવી જોઈએ. જેમ કે, ઉનાળા દરમિયાન વાળ વધુ ચીકણા અને ઓઈલી થઈ જાય છે, જ્યારે શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વકરે છે. માટે ઋતુ પ્રમાણે અલગ-અલગ શેમ્પૂની પસંદગી કરવી જોઈએ.
* જો તમને ડેન્ડ્રફ અથવા ઓઈલી સ્કેલ્પની સમસ્યા હોય તો એન્ટિડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાંક હોમિયોપેથી એજન્ટ વાળ માટે ખૂબ સારા કહેવાય છે. જેમ કે થુઝા ઓક્સિડેન્શલયુક્ત શેમ્પૂ વાળમાંથી ખોડો દૂર કરે છે અને તે વાળને હાનિ પણ નથી પહોંચાડતું.
* તૈલી અને પાતળા વાળ માટે ક્લિયર શેમ્પૂને પસંદ કરો.
* રૂક્ષ અને તૂટતા વાળ માટે મોશ્ચરાઈઝિંગ શેમ્પૂ વાપરવા જોઈએ. તે વાળને મુલાયમ બનાવવામાં મદદરૂપ બને છે અને વાળમાં પડતી ગૂંચ સરળતાથી દૂર કરે છે.
* કલર કરેલા વાળને સૂર્યના યુવી કિરણોથી વિશેષ કાળજી અને સુરક્ષાની જરૂર હોય છે ત્યારે અનિવાર્યપણે કલર પ્રોટેક્ટેડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ.