Koshish karne valo ki kabhi haar nahi hoti in Gujarati Motivational Stories by Ajay Upadhyay books and stories PDF | કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી......!!!

Featured Books
Categories
Share

કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી......!!!

કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી......!!!

થોડા વખત પહેલા આમિરખાનની ‘ થ્રી ઇડીયટ ‘ ફિલ્મ આવેલી , મનોરંજનનો અપાર મસાલો ધરાવતી આ સુપરહિટ ફિલ્મનો રણછોડદાસ ચાંચડ મને ને તમને એક મસ્ત ફોર્મ્યુલા શીખવી ગયો ..અને એ રાપચિક ફોર્મ્યુલા હતી નિષ્ફળ થવામાંથી સફળ થવાની . એ જ આમીરની દંગલ હમણા જ કરોડો રૂપિયા આસાનીથી કમાઈ ગઈ ત્યારે આમીરે કહેલી એક વાત ફરી યાદ આવી ગઈ . આમીર ઉવાચ કે ‘ મેં મારી કેરિયરમાં અનેકો ભંગાર અને ફ્લોપ ફિલ્મો કરી , આજે આટલો સફળ થયા પછી વિચારું છું કે મેં આવી ફિલ્મો શા માટે કરી ? પણ પછી એ સવાલની સાથે જ જવાબ મળી જાય છે કે જો મેં એવી ફ્લોપ ફિલ્મો ના કરી હોત તો આજે મને સફળતાની જે ગુરુચાવી મળી છે એ નાં મળી હોત..”!!! દાખલો ભલે આમિરનો આપ્યો હોય પણ હકીકત એ છે કે નિષ્ફળ ના થાવ તો સફળ થવાની ઓછી ગેરેંટી રહેવાની કારણ કે નિષ્ફળતાથી જ સફળતાની ઈમારતનો પાયો બનતો હોય છે . નિષ્ફળતા એ બીજું કઈ નહિ પણ સફળ થવા માટેની એલાર્મ બેલ જ છે કે જે મને ને તમને ગાઈ-વગાડીને યાદ કરાવે છે કે સફળ થવું છે ? તો બબુઆ યાદ રાખ તારી આ નિષ્ફળતાઓને ...!!!!

નિષ્ફળ ગયા વગર સફળ ગયો હોય એવો મહાપુરુષ કે મહાસન્નારી ભાગ્યે જ જોવા મળશે . યાદ કરી લેવા સફળ લોકોના કિસ્સાઓ કે પછી એમના જ મુખે કહેવાયેલી નિષ્ફળતાની વાતો . સચિનથી લઈને ધોની કે પછી ગાંધીજીથી લઈને નરેન્દ્ર મોદી કે પછી અમિતાભથી લઈને અંબાણી ...આ બધા જ ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ને ક્યારેક તો ફેઈલ ગયા જ છે . હા , એ અલગ વાત છે કે એ નિષ્ફળતાઓને ગળે વળગાડીને રડ્યા નથી પણ નિષ્ફળતાઓમાંથી કૈક ને કૈક બોધપાઠ શીખીને સફળતાની કેડી કંડારી છે . કોઈ સફળ વ્યક્તિને એમ પૂછો કે શું તમે ક્યારેય નિષ્ફળ ગયા છો ? તો મોટાભાગે જવાબ ‘ હા ‘ માં જ આવશે અને એ હા પણ એક નહિ અનેકો ઉદાહરણ સાથે હશે – ઓફકોર્સ નિષ્ફળતાઓના ઉદાહરણ જ તો ..!! અને એનું કારણ છે કે દરેક સફળતાના પડછાયા ચકાસો તો એક કે એકથી વધુ નિષ્ફળતાઓ છુપાયેલી જોવા મળશે .

આગળ આમીરની વાત કરી એમ જ સચિનની અનેક સદીઓ વચ્ચે એ કેટલીવાર ઝીરોમાં આઉટ થયો એનો રેકોર્ડ પણ છુપાયેલો છે ....બચ્ચનની હીટ ફિલ્મોની ઓથે સાત હિન્દુસ્તાની જેવી સળંગ સાત ફ્લોપ ફિલ્મો છુપાયેલી છે ...થોમસ આલ્વા એડીશને અનેકો નિષ્ફળ પ્રયત્નો પછી બલ્બની શોધ કરેલી પણ એ સફળ શોધના પાયામાં તો પેલી સેંકડો નિષ્ફળ થયેલી શોધો જ હતી ...!!! ફેમસ બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડને પોતાની સફળતાની અદ્ભુત વ્યાખ્યા આપેલી કે ‘જ્યારે હું રમવાની શરૂઆત ત્યારે હું સૌપ્રથમ મારી અંદર રહેલા એક નિષ્ફળ ખેલાડીની સાથે રમતો , મારી અંદર રહેલી નિષ્ફળ જવાની બીક ગણો કે ડર ગણો પણ એને હું જીતવાની ભાવનાથી પ્રોત્સાહિત કરતો અને અંતે મારામાં રહેલ નિષ્ફળ ખેલાડી એટલો જુજારું થઇ જતો કે એની નિષ્ફળ જવાની બીક પર મારી જીતવાની જીજીવિષા વિજય મેળવતી ..” જોર્ડનનું કથાન વાંચવામાં અઘરું લાગતું હોય તો કટ ટુ શોર્ટ વાત એ છે કે જે વ્યક્તિ સતત પોતાની નિષ્ફળતાઓને યાદ રાખીને એમાંથી સફળ થવાના પ્રયત્નો કરે એ પછીથી ક્યારેય નિષ્ફળ નથી જતો ...સફળતા કદમ ચૂમે ચૂમે ને ચૂમે જ ...!!!!

નિષ્ફળ તો ઠીક છે મારા ભાઈ બધા જ થતા હોય છે પણ નિષ્ફળ ગયા પછી પણ પ્રયત્નો ચાલુ રાખે એ જ અંતે તો સફળ થવાના . સીધી ને સટ વાત છે દોસ્તો કે ભૂલ નિષ્ફળ જવામાં બિલકુલ નથી પણ નિષ્ક્રિય બેસી રહેવામાં છે . કશુક કર્યા પછી નિષ્ફળ જવાનો એટલો વસવસો નહિ થાય કે જેટલો વસવસો કશું જ કર્યા વગર નિષ્ફળ જવાનો થાય છે . નિષ્ક્રિય રહીને નિષ્ફળ જનારા માટે હાથવગું બહાનું છે નસીબ !! નસીબ નબળા બીજું શું ? આવું કહીને નિષ્ક્રિય વ્યક્તિ છટકી જશે પણ સફળ વ્યક્તિના મોઢે એમ નહિ સાંભળો કે નસીબથી સફળ થયો !! કારણ કે એણે સફળ થવા માટે પૂરતા પ્રયત્નો અને અત્યંત મહેનત કરી હોય છે. છતાં પણ કોઈ માણસ એમ કહે કે મેં ખૂબ પ્રયત્નો કર્યા, પૂરતી મહેનત કરી પણ હું સફળ ન થયો, તો એ દાદ ને કાબિલ છે કેમકે પ્રયત્નો તો કર્યા. પ્રયત્ન કરનારો જ સફળ કે નિષ્ફળ જાય છે. જે કંઈ જ નથી કરતો તે નિષ્ફળ નહીં પણ અયોગ્ય છે. પરીક્ષા આવી હોય ને રખડી ખાધું હોય એવાને નાપાસ થવાનો ગમ સતાવે કે નહિ પણ મહેનત કર્યા છતાં પણ નાપાસ થનારને એકવાતનો સંતોષ તો રહેવાનો જ કે ચાલો કશુક કર્યું ને નિષ્ફળ ગયા ને ..!!! એ નિષ્ફળતાને પચાવીને કે એમાંથી ક્યા ભૂલ રહી ગઈ એનો બોધપાઠ લઈને એ વીરલો નેક્સ્ટ એક્જામમાં સારા માર્ક્સ લાવવાનો જ કેમકે એની સફળતાની ગેરેંટી મહેનત કર્યા પછી પણ મળેલી નિષ્ફળતાના ડંખમાં છુપાયેલી છે . એટલે જ તો કોઈ પણ સફળ વ્યક્તિની સફળતા એણે કેટલી નિષ્ફળતાઓ પચાવી જાણી છે એના પર જ છે .

દુનિયા બનાનેવાલે ને કોઈ ઇન્સાન ઐસા નહિ બનાયા કી જે સદાયે નિષ્ફળ જ થયા કરે હા જેણે નિષ્ફળતાથી ડરીને પ્રયત્નો છોડી દીધા હોય એના માટે તો ઓહ માય ગોડે પણ હાથ ઊંચા કરી દીધા હોય છે !!! વોલ્ટ ડિઝની, હેન્રી ફોર્ડ, વિન્સ્ટન ચર્ચિલ અને થોમસ એડિસન તમામ શરૂના જીવનમાં નિષ્ફળ ગયા હતા. સ્ટીવ જોબ્સને એપલ કંપનીમાંથી હાંકી કાઢ્યા પછી દસ વર્ષ લાગેલા ફરીથી સફળ થતા પણ એ દસ વર્ષોની રખડપટ્ટી રૂપે મળેલી નિષ્ફળતાએ એને પ્રેરિત કર્યો વધુ સફળ થવા માટે . અબ્રાહમ લિંકન ધંધામાં નિષ્ફળ ગયા , વિધાનસભાની ચૂંટણી હાર્યા , નર્વસ બ્રેકડાઉનના શિકાર થયા ,વાઈસ પ્રેસીડન્ટની ચૂંટણી હાર્યા , સેનેટમાં પણ પરાજય મળ્યો છતાયે અંતે અમેરિકાના પ્રમુખ બન્યા ..કેમ ? કેમકે એમણે પ્રયત્નો નહોતા છોડ્યા અને ખાસ તો આટઆટલી નિષ્ફળતાઓ પચાવી જાણેલી ..!!! એટલે જ તો કહેવાય છે ને કે “ ફેયલોર ઈઝ ધ પ્રાયમરી વ્હીકલ ઓફ સકસેસ “ જો તમારે સફળતાની બુલેટ ટ્રેનમાં સફર કરવી હોય તો નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે સફળતાની સફરની શરૂઆત જ નિષ્ફળતાની છુક છુક ગાડીથી કરો ...!!!

“ સફળતા એટલે , એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. “ – વિન્સ્ટન્ટ ચર્ચિલ

….અને સફળતા ચાંદીની તાસક પર મળે તો સમજજો કે એ ટકાઉ નથી , એ ટકવાની નથી કેમકે એમાં નિષ્ફળતાના હેન્ડલ નહી હોય . દરેક સફળતાથી ભરેલી તાસકના હેન્ડલ નિષ્ફળતાના બનેલા હોવાના અને તો જ એ તાસકને તમે મક્કમતાથી પકડી શકશો . બધાને સફળ થવું છે , મારે , તમારે બધાને ..!! આજુબાજુ નજર નાખશો તો ખબર પડશે કે સફળ બધાને થવું છે અને નિષ્ફળ પણ બધા જ થતા હોય છે પણ હકીકત એ છે કે જે નિષ્ફળતામાંથી કશુક શીખીને પ્રયત્નો ચાલુ રાખે છે એ સફળ થાય જ . માળામાંથી ઉડવા મથતું નાનું બચ્ચું કે પછી અનેક વાર પડવા આખડવા છતાં ચાલવા શીખતું બાળક અંતે તો દોડતા અને પક્ષી ઉડતા શીખી જ જાય છે ને ..? સો ઓલ થિંગઈઝ ધેટ કે ભૈયા સફળતા માટે તપવું પડે, દાઝવું પડે, છોલાવું પડે, ઘાયલ થવું પડે, જખમ વેઠવા પડે, નિષ્ફળ જવું પડે – નિષ્ફળ જવાય એવી તૈયારી પણ રાખવી પડે અને નિષ્ફળતાને યાદ પણ રાખવી પડે . કોઈ ભલે ને કહે કે નિષ્ફળતા ભૂલો તો જ સફળ થવાય ....તદ્દન ખોટી વાત ...!! હકીકત એ છે કે નિષ્ફળતા જ તમને યાદ અપાવ્યા કરે કે સફળ થવું હોય તો શું નહિ કરવાનું ..!!! કોઈ તોતિંગ સફળતાને યાદ નહિ રાખો તો ચાલશે પણ એક નાનીસરખી નિષ્ફળતાને તો જરૂર યાદ રાખવી જ પડે , ગંભીરતાથી યાદ રાખવી પડે . જે નિષ્ફળતાને ગણકારતો નથી એના સફળ થવાના ચાન્સીસ ઓછા જ છે ...!! અને આટઆટલું કર્યા પછીયે ક્યારેક સફળતા ન પણ મળે ! ત્યારે ....? ત્યારે હથિયાર હેઠાં મૂકી દઈને ‘ રણછોડ “ બની જવાને બદલે સફળતા માટે ઝઝૂમ્યા કરવું પડે ....કેમકે “ લહેરો સે ડર કર, નૌકા પાર નહિં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી”...!!!!!!

*****