માશૂક
ઊનાળાની બળબળતી સવારનો સમય છે. અમદાવાદથી ઉત્તરે લગભગ દોઢસો કીલોમીટરના અંતરે આવેલા ગામના પાદરે નદી કિનારે આવેલ હવેલી સમા ઘરમાં પાંત્રીસેક વર્ષનાં રશ્મિબેન અને તેમની રમતિયાળ દીકરી નીતિ વેકેશનની મજા માણી રહ્યાં છે. ઘરમાં એ બે જણ સિવાય સુખી.... જે એમના ઘેર કપડાં વાસણનું કામ કરે છે એ હાજર છે.
‘માશૂક બપોરે આવીને વાસણ માંજી જહે... મેં કપડાં અને કચરાં-પોતાંનું કામ પતઈ દીધુ સે..’
સુખીએ જતાં જતાં નિવેદન કર્યું. પરસાળમાં અખબાર વાંચી રહેલાં રશ્મિબેન સાંભળીને આભાં બની ગયાં. તેઓ ગઈકાલે જ શહેરનો આલીશાન બંગલો અને વૈભવ હંગામી ધોરણે ત્યજીને વતનના ઘરે આવ્યાં હતાં. પાડોશીએ ઘરનું સાફસૂફીનું કામ આગોતરું કરાવી રાખ્યું હતું અને રોજ બરોજના કામ માટે પણ જોગવાઈ કરાવી આપી હતી. રશ્મિબેનના પતિ શહેરમાં કારખાનાના માલિક હતા અને એમની ધગશ, મહેનત અને નસીબના ત્રિવેણી સંગમ થકી બિઝનેસ પૂરજોશમાં ચાલતો હતો. ઉચ્ચ અને ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતાં રશ્મિબેન પણ કંપનીની ઉત્તરોત્તર પ્રગતિમાં મહત્વપૂર્ણ સહભાગી હતાં. દરવર્ષે ઉનાળુ વેકેશનમાં દોઢેક મહિના માટે વતનના ગામે જવાનો ક્રમ તેમણે અતૂટપણે જાળવી રાખ્યો હતો.
રશ્મિબેન અને એમની દસેક વર્ષની ઢીંગલી જેવી દીકરી નીતિ આ દરમ્યાન વતનમાં જ રહેતાં જયારે એમના પતિ શહેરમાં જ રહીને બિઝનેસ સંભાળતા અને અવારનવાર ગામડે આવતા જતા રહેતા.
ગામડામાં સ્ત્રીઓ પોતાના પતિનું નામ સુધ્ધાં બોલતી નહોતી અને સીધું માશૂક? આટલું બિન્દાસ્તપણું તો હજુ શહેરની સ્ત્રીઓમાં પણ નથી જોવા મળતું. હવે રશ્મિબેને અખબાર કોરાણે મૂકી દીધું... અને ફટાફટ રસોઈ બનાવવાની તૈયારીમાં લાગી ગયાં. એમને હવે સુખલીના માશૂકનો ઇન્તજાર હતો. જમી પરવારીને રશ્મિબેન અને નીતિ બંને ઊંઘવાની તૈયારી આદરી રહ્યાં હતાં ત્યાં કોઈએ બારણાની સાંકળ ખખડાવી. રશ્મિબેને બારણું ખોલ્યું તો સામે બારેક વર્ષનો છોકરો ઊભો હતો. થીગડેહાલ પણ સ્વચ્છ કપડાંમાં સજ્જ હતો એ. આંખોમાં અનેરી ચમક હતી અને ચહેરા પર અનોખું તેજ હતું.
‘કોનું કામ છે?’
‘નમસ્તે મેડમ.. હું મહાસુખ.. મારી માએ તમારા ત્યાં વાસણ માંજવા માટે કહેલું. જો તમે જામી લીધુ હોય તો હું વાસણ માંજી લઉં..’
રશ્મિબેન કોઈ જવાબ ના આપી શકયાં. હસી હસીને બેવડ વળી ગયાં. ‘ ઓહ.... તો તૂ જ માશૂક છે?’ એ સમજી ગયાં કે માશૂક એ બીજું કંઈ નહિ પણ મહાસુખનું અપભ્રંશ હતું.
સ્વભાવમાં ઠરેલ અને ભણવામાં હોશિયાર એવા મહાસુખને પણ સમજતાં વાર ના લાગી કે આખું ગામ એને મહાસુખના બદલે માશૂક કહે છે એમાં જ કંઈ ગડબડ થઇ લાગે છે. જોકે માશૂકનો સાચો અર્થ સમજવા માટે એની ઉંમર હજુ ઘણી નાની હતી.
મહાસુખ કામમાં જેટલો ચીવટ વાળો હતો એટલો જ વાતોડિયો પણ હતો. રશ્મિબેન જોડે વાતો કરવામાં એને ખૂબ મજા આવતી હતી. રશ્મિબેન એને નીતિની વાર્તાની ચોપડીઓ વાંચવા આપતાં જે એ રસપૂર્વક વાંચતો અને એમની જોડે ચર્ચા પણ કરતો.
આજે સાંજે રશ્મિબેનને શહેર પરત ફરવાનું હોવાથી સુખીને કહી રાખ્યું હતું કે તે બપોરે ત્રણેક વાગ્યે આવીને પેકિંગ અને સાફસૂફીનું કામ પતાવી આપે. મહાસુખ વાસણ માંજવા અને રશ્મિબેન જોડે વાતો કરવા એમના ઘેર આવેલો જ હતો. ત્યાં તો અચાનક એવા સમાચાર આવ્યા કે ગામ આખામાં અરેરાટી ફેલાઈ ગઈ.
સુખલી અને એનો વર નજીકના શહેરમાં કંઈ કામથી ગયાં હતાં. કામ પતાવીને છકડામાં બેસી પરત ફરી રહ્યાં હતાં ને છકડાએ પલટી મારતાં એમાં બેઠેલાં બધાં જ પેસેન્જર્સ રોડ પર પટકાઈને પડ્યાં. એ જ સમયે સામેથી પૂર ઝડપે આવી રહેલી બસના ટાયર નીચે ચગદાઈ જવાથી સુખલી અને એનો વર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં. મહાસુખ હવે નોધારો બની ગયો. આટલા દિવસના સહવાસથી રશ્મિબેનને એ માસૂમ છોકરા જોડે લાગણીનો અતૂટ તંતુ જોડાઈ ગયેલો. એમણે મહાસુખને છાતી સરસો ચાંપી સાંત્વના આપી અને કોઈ પણ પ્રકારની ચિંતા નહિ કરવાની સલાહ આપી અશ્રુભેર વિદાય લઇ શહેર પરત ફર્યા.
મહાસુખને મા-બાપ ગુમાવ્યાને આજે મહિના જેટલો સમય થઇ ગયો હતો. ગામડાની ભીની લાગણીઓ અને યાદોને જોજનો દૂર છોડી મોટા શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના વૈભવી બંગલામાં એ વસવાટ કરી રહ્યો છે. વતનથી પરત ફર્યા બાદ રશ્મિબેને એમના પતિ જોડે મસલત કર્યા બાદ મહાસુખને ગામડે રહેવા દઈ આર્થિક મદદ કરવા કરતાં શહેરમાં પોતાના ઘેર લાવી એનો વ્યવસ્થિત ઉછેર કરવાનું ઠેરવ્યું હતું જેથી એ માસૂમ છોકરામાં રહેલી અપાર સંભાવનાઓને સ્વપ્નવત લાગતી વાસ્તવિકતાઓમાં રૂપાંતરિત કરી શકાય.
મહાસુખ મટીને એ હવે મલય બની ચૂક્યો હતો. રશ્મિબેન મલય અને નીતિ વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ રાખતાં નહોતાં. પણ નીતિને મલય જાણે મમ્મી તરફથી આજ પર્યન્ત મળી રહેલા અક્ષત વાત્સલ્યમાં અવરોધરૂપ લાગતો હતો. એટલે બંને જણ વચ્ચે ઉંદર બિલાડી જેવા સંબંધો રહેતા. અભ્યાસમાં પણ મલય હોશિયાર સાબિત થઇ રહ્યો હતો. મલય અને નીતિ બંને લડતાં ઝઘડતાં મોટાં થઇ રહ્યાં હતાં અને હવે અભ્યાસકાળના અંતિમ પડાવ પર આવીને ઊભાં હતાં. બંને મેડીકલ કોલેજના અંતિમ વર્ષમાં હતાં. શરૂઆતથી એક જ વર્ગમાં ભણતાં નીતિ અને મલયે પહેલા અને બીજા નંબર પર કબજો જમાવી રાખેલો હતો. ક્યારેક નીતિનો પહેલો નંબર આવતો.. તો કદીક મલય એ સ્થાન ખૂંચવી લેતો. અંતિમ વર્ષમાં બંને વચ્ચે ટાઈ પડેલી અને બંને પોતાને બીજાથી ચડિયાતી સાબિત કરવા મથી રહેલાં.
‘ફાઈનલ એક્ઝામમાં ભલે આપણા બંનેના સરખા માર્ક્સ આવ્યા.. પણ ઇન્ટરનલમાં હું આગળ હતો એટલે હું જ જીત્યો કહેવાઉં..’ મલય ઉવાચ...
‘એ બધા માર્ક્સ તેલ લેવા ગયા...... અંતિમ પરીક્ષાના જ માર્ક્સ ગણવાના હોય.. આલ્ફાબેટસ પ્રમાણે મારું નામ પહેલાં આવે એટલે હું જ આગળ ગણાઉં..’ નીતિનો વળતો ઘા..
‘દિલ બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ...’
‘જૈસા ભી હો ખયાલ.. યહી સચ્ચા હૈ..’
‘યુ ચીટ.......’
‘ટીલ્લી લીલ્લી...’
શબ્દો ખૂટી પડતાં બંનેએ અવનવા હાવભાવ વડે એકીજાને ખીજાવાનું શરુ કર્યું.....
અંતે નીતિ બોલી પડી... ‘ અ બે ચૂપ બે, માશૂક’
માશૂક શબ્દ કાને અથડાતાં જ મલય ભૂતકાળમાં સારી પડ્યો... હા... માશૂક..... આ જ નામથી પોતાના વતનના ગામમાં સૌ એને બોલાવતા હતા જયારે પોતે એનો અર્થ સુધ્ધાં નહોતો જાણતો... મલય નામધારી બન્યા પછી એ ધીરે ધીરે એ પોતાનું મૂળ નામ પણ ભૂલી ચૂક્યો હતો... અપભ્રંશ સહીત... અને જયારે માશૂક શબ્દનો અર્થ સમજતો થયો ત્યારે એ શબ્દ કોઈ રીતે પોતાના નામ સાથે જોડાયેલ છે એ પણ એને યાદ નહોતું..
પણ આજે નીતિએ પોતાને ‘માશૂક’ નામથી સંબોધ્યો ત્યારે ભૂતકાળની સ્મૃતિપટ પર મંડરાયેલાં પડળો એક પછી એક ઉખાડવા લાગ્યાં. પોતે ગામડામાં કેટ કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછરેલો અને એ અભાવોની વચ્ચે કેવું ભાવપૂર્ણ વાતાવરણ રહેતું.... મા-બાપને નડેલો અકસ્માત.... નાની ઉંમરમાં નોધારા થવું અને રશ્મિઆન્ટી જેવા પરોપકારી મહિલાના કરુણાસભર નિર્ણયના પરિપાકરૂપે આજે પોતે આ મંજિલે આવી ઉભો છે.
‘ક્યાં ખોવાઈ ગયો..’ નીતિએ ચપટી વગાડી એને તંદ્રામાંથી જગાડ્યો..
‘માશૂક... મારું આ નામ હું યાદ છે તને? ખરેખર તો માશૂક નહિ પણ મહાસુખ નામ છે મારું... આ તો તારી મમ્મીએ આવ્યા પછી મને નવું નામ આપ્યું..’
‘માશૂક તે વળી નામ હોતું હશે?’
‘તો તે તો હમણાં કહ્યું...’
‘એ નામ થોડું હતું?’
‘હાસ્તો વળી..’
‘રહેવા દે બબુચક....’
‘તે કહ્યું એ નામ નહોતું તો શું હતું?’
‘સંબોધન.....’
*****