શાયર
શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું
પ્રકરણ ૧૭.
તણખા થશે ભડકા
વલસાડના સ્ટેશનની હદમાં જ રેલ્વેન નોકરો માટે રેલ્વે કંપનીએ થોડાં મકાનો બાંધ્યાં હતાં. નોકરાનાં બાળકો માટે એક નિશાળ પણ કાઢી હતી. રેલ્વેના ઝાંપાની સામે જ જરૂરજોગાં હાટ
હતાં. રેલ્વેની સડક ઉપર જ જરા દૂર ઓરંગા નદીનો પૂલ હતો. પૂલ નીચેથી નદીના પટમાં ઊતરાતું ને રેતીમાં બેસાતું. હરવા, ફરવા, રહેવા ને બજાર વહોરવા માટે આમ રેલ્વેની જુદી
જ દુનિયા હતી. સામાન્ય જનસમાજ કરતાં ત્યાં રહેણીકરણીનાં કાંઈક જુદા જ ધોરણ હતાં. ત્યાં ઘણીવાર ઘાસલેટના ડબ્બાને બદલે ધીનો ડબ્બો મળી જાય. પચીસ પાનના બદલામાં
પચીસ પાનના બદલામાં પચીસ કેરી મળી જાય. રેલ્વે રસ્તે આવતાજતા માલમાંથી ગમે તેનો
ગમે તેની સાથે વિનિમય કરવામાં કશી તકલીફ ન પડે. તેમ રેલ્વે રસ્તે આવતા જતા
ચડતા ઊતરતા માલમાંથી કાંઇ તમારા ઉપયોગ માટે લ્યો એ તો નોકરી અંગેનો તમને સાંપડેલો
અધિકાર--બલ્કે ભોગવટો. એ માલ તમે જાતે વાપરવાને બદલે અગર તમારે જોઈતા
માલ સાથે વિનિમય કરવાને બદલે, વેચો તો તમે ચોર ગણાઓ.
આ હતી ચતુરદાસની દુનિયા. એટલે કોઈ મુસાફિર ટિકિટના પૈસા ન હોય તો પોતાનો સામાન મૂકી જાય. એવી રીતે સામાન લેવામાં તમે એ સામાન પડાવી લીધો છે એમ પણ ન કહેવાય.
આ આખી જ નવી સૄષ્ટિ સદંતર નવેસરથી જ રચાવા માંડી હતી. એટલે એના નોકરવર્ગના
ધારાધોરણો થોડાંજ વર્ષો ઉપર રચાયેલી પરચક્રની નવી સૃષ્ટિના ધારાધોરણોથી જરાક વધારે
આગળ હતા. આ તો પરદેશથી રાજતંત્રમાં યે પરદેશી કંપનીની દુનિયા હતી. એમાં નફો થાય. એ
કંપનીનો હતો, ખોટ જાય તો સરકારને હતી. રેલ્વેના નોકરો માટે કંપનીના પોતાના જુદા
કાયદાઓ હતા, ને મુસાફરો માટે સરકારિ કાયદા હતા, એમાં રેલ્વેનો નોકર એ રેલ્વે કંપની સમો
હતો. ને મુસાફર એ ચોર ન હોય તો પણ રેલ્વેની નજર જરાક ખસે તો ચોરી કરવાને જરા
પણ ન ચૂકે એવી શકદાર હતો. આવી રચાતી હતી એક નવી દુનિયા. એ નવી દુનિયામાં રહેતો હતો ચતુરદાસ. મુસાફરોને ગાળ ને સાહેબને સલામ એ એનું સાદું જીવનસૂત્ર હતું. એ
સૂત્રમાં એ વફાદાર નોકર હતો. નોકરી ઉપરથી જયારે એ ઘેર આવતો ત્યારે સામાન્યતઃ ખૂબ થાકેલો, ખૂબ રંગાયેલો આવતો. એનું માથું દુઃખી ન આવે ત્યાં સુધી એણે નોકરી હક્ક કરી નથી એમ જ એને લાગે. એમાં વળી
રેલ્વેના સ્ટેશન ઉપર ચાહની દુકાનો નંખાયેલી. સવારથી ઉકળતાં રંગાડામાં જૂનાંનવા પાણી, જૂની
નવી ખાંડ, જૂનીનવી ચાહ ઉકળ્યા જ કરતાં. એમાં આખો દિવસ થયેલી આમદાનીના
હિસાબે ને ચાહવાળાની રાખરખાપતના માપે ચતુરદાસ ચાહ તો પીતો. પરંતુ એનો એક ખાસ નિયમ. ચાહવાળો જ્યારે દિવસભરની ધંધાદારીથી નવરો થઈને કીટલી સાફ કરે ત્યારે કીટલી
માં જે છેલ્લી ચાહ વધી હોય એનો સિન્દૂરિયો પ્યાલો એક ચતુરદાસને જોઈએ. એ એનો શોખ. ચાહવાળા ઉપર એ એનો કર.
ચતુરદાસ નોકરી ઉપરથી આવતો ત્યારે ખૂબ થાકીને આવતો. જેવું તેવું ખાઈને સૂઈ જ્તો. એ આવે એટલે થોડો સમય એમનાં પત્ની આઘાંપાછાં થઈ જાય. બાળકો ચૂપ થઈ જાય. આરામ
કરીને એ ઊઠે ત્યારે થીજી ગયેલા ઘરના વાતાવરણમાં કાંઈક ગરમી આવે. ત્યારે એ કાં તો બૈરી સાથે વાતો કરે, કાં તો પડોશમાં બેસવા જાય. હમણાં હમણાં ચતુરદાસને એક નવાઈ ઉપજી
હતી. એનાં બાળકો બે. એક બાર વર્ષની છોકરી. એક અગિયાર વર્ષનો છોકરો. ત્યારપછી ચંચળબહેનને કાંઇ ભારબોજ નડ્યો જ ન હતો.
આમ તો આ છોકરી અને છોકરો કાંઇ ને કાંઈ વાતો માટે અંદર અંદર ચડભડતાં જ હોય. દિવસમાં બેચાર વાર ચંચળબેને ' રાંડ કભારજા ' કહી છોકરીને કાં તો ગાળો દીધી હોય ને કાં તો
ધોઈ નાંખી હોય. બે ચાર વખત ચતુરદાસે 'વાંદરીના' ને 'વાંઝણીના' છોકરાંને કાં તો થાપડ લગાવી હોય ને કાં તો ' વઢ્યા' હોય. એટલે કાં તો છોકરીનું મોં ચડેલું હોય ને કાં તો છોકરો
ભેંકડો તાણતો હોય. આ એટલો તો સામાન્ય ક્રમ હતો કે છોકરાંવાળા ઘરમાં બીજો કોઈ ક્રમ સંભવી શકે એનો પણ ચતુરદાસને કે ચંચળબેનને ખ્યાલ પણ ન હતો. ' ઘેર ઘેર માટીના ચૂલા'
એ આ વાતમાં એમનો આત્મસંતોષ હતો.
પરંતુ ચાલ્તી અગનગાડીએ ડબ્બામાં ઊંધી ગયેલો માણસ એ અગનગાડી સ્ટેશને ઊભી રહે ત્યારે સહેજે જાગી જાય છે. ચાલતી અગનગાડીનો અવાજ, એના ડબ્બાનો હાલડોલ અને
થરથરાટ એકાએક બંધ થતાં જે શાંતિ છવાય છે એ એને જાણે મગજમાં વાગે છે, ને એની આંખો આપમેળે ઉઘડી જાય છે. પોતે ઊંઘતાં જે થતું હતું એ એકાએક બંધ પડી ગયું છે ને
એનાથી કાંઈક ફેરફાર થઈ ગયો છે. એમ એને સહેજે લાગી આવે છે--ઊંઘમાં પણ. અને શું ફેરફાર થયો એ જાણવા જોવા એની આંખો ઉઘડી જાય છે ને જેટલાં સ્ટેશનો આવે છે એ પ્રત્યેક
સ્ટેશને એને આમ જ ઊંઘ ઊડવાનો અનુભવ થયા કરે છે. હમણાં હમણાં ચતુરદાસને આમ જ થતું હતું. નિત્ય નિત્ય પ્રમાણે એ ઊંઘતા પણ નિત્ય નિત્ય પ્રમાણે ઊંધી શકતા નહિ એની ઊંઘ જ ઊડી જતી. બેચાર દિવસ ઉપરાઉપર આમ થયું. એટલે થયું કે એમની તબિયત બગડી ગઈ લાગે છે. પરંતુ તબિયત બગડતી હોય ત્યારે જે લક્ષણો થવાં
જોઈએ એ એમને કાંઈ દેખાતાં ન હતાં. એમનું માથું દુઃખતું બંધ થઈ જતું. શરીરે આરામ લાગતો. આંખોમાં બળતરા ન લાગતી. રેલ્વેના ચિત્રવિચિત્ર ઘોંઘાટથી ભરેલા એના કાનમાં કોઈ
ભણકાર ઊઠતા ન હતા. ત્યારે એમને ઊંઘ કેમ નહોતી આવતી ? પૂરા એક કલાક એમને ઊંઘવું જોઈએ. પછી જ એ ટિકિટ ચેકરમાંથી માણસ બને. એને
બદલે દશ બાર મિનિટ પણ માંડ ઊંધ આવતી. ને છતાં અધૂરી ઊંઘની એમને કંઈ અકળામણ થતી જ નહોતી. ધડિયાળથી
નોકરી અને ધડિયાળથી જિંદગી માપવાને ટેવાયેલા માણસને આ અધૂરી ઊંઘમાં કાંઈક ચોરી લાગતી. ને એ ચોરી પકડવાને એ મથામણ કરતા હતા. આખરે એમને એક વાત સમજાઈ. એમની ઊંઘ બગડવાનું કારણું ઘરમાં વ્યાપેલી શાંતિનું જ હતું. બીજું કાંઈ ન હતું. ને છોકરાં કોલાહલ ન કરતાં હોય ત્યારે કાંઈ ને કાંઈ મૂંગા તોફાન કરતાં
જ હોય એ એમની ખાસ માન્યતા હતી, કદાચ કોઈ નુકસાન પણ કરતાં હોય. બિલ્લીપગે એ ઊઠ્યા. બિલ્લીપગે એ ચાલ્યા. છોકરાંને એમના કાવતરાંમાંથી અધવચ જ પકડવાં. દુશ્મનના
લશ્કરમાં જાસૂસ જતો હોય એટલી સાવધાનીથી એમણે ઓરડાનાં બારણાંને હળવેથી ઉઘાડ્યું. ધીમો ગણગણાટ એમને કાને પડ્યો. એમણે બહાર નજર કરી. બહાર પરસાળના ખૂણામાં
ભાઈબહેન અડી અડીને બેઠાં હતાં અને ધીમે રાગે ગાતાં હતાં.
બે ય છોકરાં હળીમળીને પડખે પડખે બેસીને ગાતાં હોય એ દ્રશ્ય ચતુરદાસ માટે નવું હતું. હકીકતમાં પોતાના છોકરાંને કાંઇ કરતાં કાંઈ આવડે છે કે નહિ એ એ જાણતા ન હતા. એને કાંઈ
આવડી શકે કે નહિ એ વિષે આજ પહેલાં એમણે વિચાર પણ નહોતો કર્યો. પોતાનાં છોકરાં ધીમે સાદે મીઠે રાગે ગાય છે એજ વાત ચતુરદાસને ક્ષણભર નરી અજાયબીમાં ગરકાવ કરનારી
લાગી. ના, પણ એની છોકરીનો કંઠ તો મીઠો હતો. કાનને ગમતો હતો. એના ગળામાં હલક હતી. એના છોકરાના કંઠમાં બાળકંઠને સહજ તિણાશ તો હતી. છતાં એની છોકરીના કંઠ સાથે
એ કંઠ મળતો હતો. મારો બેટો રતનો ! ગાય છે સારું હો. બેનની સાથે સાથે ચાલ્યો જાય છે. ને ભાઈબહેન પણ કેવાં મજાનાં લાગે છે ! કેવાં હોશથી ગાય છે ! આખો દિવસ બાઝ્યાં છૂટાં
ન પડે એ એક બીજાને જેવી તેવી ગાળો દ્યે એના કરતાં આમ ભેગાં મળીને ગાય એ કેવું રૂડું લાગે. અહા, ઘરમાં કેવી પરમ શાંતિ છે. ને એ શાંતિમાં જાણે બંસરી બજતી હોય એવો કેવો
મીઠો ઝીણો રાગ હવામાં લહેરાય છે !
ચીસ પાડતા ચાતકના કંઠમાં વરસાદના અમીબિન્દુ પડે ને જેવી શાંતિ ચાતકનાં અંગેઅંગમાં થાય એવી શાંતિ ચતુરદાસને ક્ષણભર જાણે ઘેન ચડાવી રહી ભર ઉનાળામાં તપેલા વૄક્ષની
ટોચ જેમ મંદ સમીરમાં ડોલે એમ એનું માથું ડોલવા લાગ્યું. આજ સુધી કદીય એમને પોતાનાં આ બે છોકરાં વિષે લાંબો વિચાર જ આવ્યો ન હતો. જેમ બીજાઓને એમના મા-બાપ પરણાવે
છે એમ એને પણ એનાં માબાપે પરણાવ્યો હતો. પરણ્યા પછી જેમ બીજાં ઘણી ધણિયાણીને ભગવાન છોકરાં દે છે એમ એને પણ દીધાં હતાં. આ છોકરાં એ એના પરિણીત જીવનની
ઉત્પત્તિ હતી, ઉપાધિ હતી, કે સિધ્ધિ હતી એવો વિચાર એમનામાં બીજ રૂપે પણ કદી ઉત્પન્ન નહોતો થયો. છોકરાં નાનાં હોય ત્યારે માંદા પડે, રડે, ને રાતે ઊંઘ બગાડે. માબાપને જ્યારે
આરામ કરવાની વેળા હોય ત્યારે એમને કજિયો કરવાની વેળા હોય. જરા મોટાં થાય એટલે ભેંકડા તાણતાં હોય, સમજણાં થતાં જાય ત્યારે શેરીના છોકરાં કે ઘરનાં ભાંડુ જોડે બાઝતાં
હોય, સમજણાં થતાં જાય ત્યારે શેરીનાં છોકરાં કે ઘરનાં ભાંડુ જોડે બાઝતાં હોય ઃ સામાન્ય રીતે પાડોશમાં રહેતાં માણસોનાં બૈરાં બૈરાં વચ્ચે ઝઘડાનાં નિમિત્ત બનતાં હોય. લાંબી સજાનાં કેદીને પગે બેડી હોય જ ! શા માટે હોય એ કોઈ પૂછે નહિ. હોય જ, હરમાનને પૂછડું હોય જ, એમ માણસને છોકરાં હોય જ. છોકરાં ન હોય તો માણસની દયા ખાવી જોઈએ. શા માટે દયા ખાવી જોઈએ એ પણ એ જાણતો ન હતો, દયા ખાવી એ શિરસ્તો હતો. જો કે ઘણીવાર એના મનમાં થતું હતું કે છોકરાં હોય
એની પણ દયા તો ખાવા જ જેવું, પણ છોકરાં ન હોય તો સંસારની વણઝાર ચાલે પણ નહિ, ને સાચું પૂછો તો છોકરાં ન હોય તો આધેડ વયમાં કામ પણ શું રહે ? છોકરાં તો દૂઝણી ગાય
ની પાટુ જેવા છે. આધેડ વયમાં, ઉત્તરાવસ્થામાં એઓ સામાજિક પ્રતિષ્ઠા આપે છે, નાત જાતમાં આબરુ આપે છે એટલે નાનપણમાં એમને ઉછેરવાં પડે છે. ધીમે ધીમે ચતુરદાસના કાનમાં
એક બીજી વાત પણ સરતી આવી. આ છોકરાંની ગાવાની રીત જેમ આંખોને પ્રિયકર હતી, એમ એમના ગીતના શબ્દો પણ કાનોને પ્રિયકર હતા.
' શું ગાઓ છો ? બેટા કમુ. કેમ ભાઈ રતન ! શું ગાઓ છો ?'
વાધના મોઢામાથી ઘેટું સ્વાગતના શબ્દો સાંભળે એમ છોકરા તો હેબત જ ખાઈ ગયા. રોજ હડછડ કરનારા એમના બાપ આજ આમ કેમ બોલે છે ? તોફાન કરતા હોઇએ ને એને ના ગમે.
પણ આમ ગાઈએ એ પણ ના ગમે ?
' કમુ !' ચતુરદાસે છોકરીને પોતાના તરફ ખેંચી. ' તારો રાગ તો સારો છે હો. લુચ્ચી તને આવું ગાતાં આવડે છે એ તો તેં મને કોઈ દી કહ્યું યે નહિ ને ? ને આ મારો ભાઈ !' ચતુરદાસે માથા
ઉપર હળવી ટાપલી મારી ? ' એનું ય બે કાન વચ્ચે માથું કરી દેવું જોઈએ. '
પિતાના અનનાભૂત વહાલમાં છોકરાં લપેટાઈને જાણે અવાક બન્યાં.
' શું ગાતા હતા ? સારું ગીત છે. નિશાળમાંથી શીખ્યા ં?'
' ના બાપુજી ! આ તો તમારાં કાગળિયામાંથી નીકળ્યું. '
' મારા કાગળિયામાંથી ? ગાંડી ! મારા કાગળિયામાંથી પહોંચો હોય, સ્ટેશન સ્ટેશન વચ્ચેના માઈલની ટીપ હોય. કાળો કાગળ હોય. મારાં કાગળમાં ગીત બીત હોય કે ? '
' ના બાપુજી ! ' રતને પોતાની બેનના વિધાનમાં ગવાહ પુરાવી. ભાઈ કે બહેન એકબીજાની વાતમાં સાહેદ પુરાવે એ જ અનુભવ ચતુરદાસને આજ પહેલો જ થયો. 'તમારા કાગળોનું એક પોટલું બાએ બાંધી રાખ્યું છે. બા કહેતાં હતાં કે એમની હોફીસના કાગળ છે. '
' મારી ઓફિસના કાગળોનું પોટલું ? તારી બાએ બાંધી મૂક્યું છે ? ક્યા કાગળ ને કયું પોટલું ? '
કમુ દોડી, એક કાળી પેટીમાંથી એક થીંગડાં દીધેલા ધોતિયામાં બાંધેલું મોટું પોટલું લાવી. ચતુરદાસને કાંઇ ન સમજાયું. પોટલું કેવું ને વાત કેવી ? કુતૂહલથી એમણે પોટલું છોડ્યું.
પોટલાની અંદર શાહીથી લખેલા, સીસાપેનથી લખેલા સેંકડો નાના મોટા કાગળો હતા. ચતુરદાસ તો કાગળો સામે જોઈ રહ્યા. ક્યાંથી આ પોટલું આવ્યું? ક્યાંથી એ આટલા બધા કાગળો
આવ્યા ? ને ક્યાંથી આ છોકરાંને ને એની બાને આ કાગળો ઓફિસના હોવાની ભ્રમણા થઈ ? કાગળો ઉથલાવવા માંડ્યા. એના એક ગોઠણ ઉપરથી ઝૂકીને કમુ ને બીજા ગોઠણ ઉપરથી
ઝૂકીને રતન માથાં અડકાડીને કાગળમાં લખેલા અક્ષરો વાંચવા મંડ્યા, કમુએ રાગ ગોઠવી લીધો ને ધીમે રાગે ગાવા માંડ્યું ને રતન એની વાંસોવાંસ ચાલવા માંડ્યો.
ગીત મજાનું હતું ને એમાં હ્રદયની વાત હતી ! છોકરાંની હલક મીઠી હતી ને શબ્દોમાં નશો હતો. પણ આ કાગળ એની ઓફિસના....ઓફિસનાં....એની પત્નીને કેમ લાગ્યું હશે કે આ કાગળ
એની ઓફિસના છે ? પોતે લાગ્યો હોય ને ઘરમાં મૂક્યા હોય તો એમ થાય ? --થાય. ત્યારે પોતે આ કાગળો લાવ્યો હતો ? ક્યારે ? ગાવાનું બંધ કરીને અરધાં ડરતાં ને અરધાં ઉમંગમાં કમુએ પિતાના નિત્યરુદ્ર સ્વરૂપને બદલે સૌમ્ય સ્વરૂપને જોઇને એક વાત
કહી નાંખી ઃ ' બાપુજી ! બા કહેતી હતી કે હોફીસના નકામા કાગળો તમારા બાપા લાવ્યા છે.
કહે છોકરાને એના દાળિયા અપાવી દેજે બાપુ, અમે દાળિયા ન લઈએ ને ગાવાને રાખીએ તો ? બા કહેતી હતી કે ચિનકજી ભાડભૂંજો આવશે ત્યારે એને
આ પસ્તી આપશું...' યાદ આવ્યું ! યાદ આવ્યું ! કેમ એની પત્ની ચંચળને ખ્યાલ રહ્યો કે આ કાગળો હોફિસના છે એ યાદ આવ્યું ! થોડા દિવસની વાત ઉપર ટિકિટ વગરનો એક મુસાફર
જતો હતો. એણે એને અહીં ઉતારી મૂક્યો હતો. એની પાસે ફૂટી બદામ પણ ન હતી. ટિકિટના વસૂલ લેવાના નાણામાંથી રાતી પાઈએ એની પાસેથી નહોતી નીકળી. માસ્તરે એને એક ધોલ
મારી હતી. પોતે એનો ખડિયો ઝોટી લીધો હતો. એમાં આ થીગડાંવાળું ધોતિયું હતું ...ને કાગળો
હતા ખરાને ' બીજું તો કાંઈ ન મળ્યું પણ આ પસ્તી મળી તો છોકરાંને એના દાળિયા
આપવશું ' એવો પોતે એ વખતે અભિપ્રાય ઉચ્ચારેલો પણ એને યાદ આવ્યો. હવે સમજાયું કે આ
કાગળો ક્યાંથી આવ્યા ? ' હેં બાપા. બાને ના પાડશો ને ? ' કમુએ ફરીને પૂછ્યું. બાળાના અત્યાતુર ચહેરા સામે ચતુરદાસે જોયું ને જાણે ઝબકી ઊઠ્યા. ' હેં શેની ના ?'
'અમારે આ કાગળના દાળિયા નથી લેવા, એમાં મજાનાં ગીત છે. અમારે ગાવાં છે. '
'હા. હા, તમે ગાજો. ખુશીથી ગાજો. દાળિયા લેવા હશે તો હું બીજા પૈસા આપીશ, હો. તમે તમારે આ કાગળો રાખજોને ખુશીથી ગાજો. '
' બાપુજી ! ' કમુ ને તરત પોતપોતાને ફાળે આવેલા બાપના ગોઠણ ઉપર આડા પડીને ઊંચુ મોં રાખીને પોતાના પોતા સામે એવા ઉમળકાથી જોઈ રહ્યાં કે ચતુરદાસને પણ કાંઈક થઈ
આવ્યું, ક્ષણભર બેય છોકરાનાં માથાં ઉપર હાથ ફેરવીને એ કાગળો સામે જોઈ રહ્યો. પછી બોલ્યો ઃ ' ચાલો આપણે આ કાગળો સરખા ગોઠવશું ? પછી એમાંથી તમે રોજ મને નવું ગીત
સંભળાવશોને ? ચાલો. કમુ બેઠી થા જોઇએ. એય લુચ્ચા રતનિયા. બેઠો થઈ જા જોઈએ. જુઓ આમ એક એક કાગળ લ્યો. છેડા વળ્યા હોય, ઘડી પડી હોય એ બધી આમ સરખી કરો. ને બરાબર ઉપરતળે સરખાં ગોઠવો જોઈએ, હું કરું એમ કરતાં જાઓ ! '
પિતૄત્વના ટેકરા ઉપરથી પિતા નીચે ઊતર્યા એ છોકરાંઓને હોંશ આપનારું લાગ્યું. ને ત્રણે જણા કાળજીથી કાગળો સરખા ગોઠવવા લાગ્યા.
' બાપા ! જુઓ. રમુ કાગળ સરખા નથી કરતી. એ તો વાંચે છે.'
' ભલે વાંચે.'
'તો હું યે વાંચીશ.'
' તું યે વાંચ.'
અંધારુ થવા આવ્યું હતું. ચતુરદાસની ઊંઘ પૂરી થવાનો સમય થવા આવ્યો હતો. ઘરમાં દીવાબત્તી વેળા થવા આવી હતી, ને દીવા કરવા પહેલાં માજીનો દીપક પ્રગટાવવાને માટે મહાપ્રયાસે પડોશણનાં ગપ્પાંના ફાંસલામાંથી છૂટીને ચંચળબહેન ઉતાવળાં ધેર આવ્યા. ત્રીસ વર્ષની જિંદગીમાં એમણે કદી જોયું ન હતું એવું દ્રશ્ય એમણે જોયું. પલોંઠી વાળીને ચતુરદાસ બેઠા હતા ને બેઠા બેઠા ડોલતા હતા. એમના એક એક ગોઠણ ઉપર એક એક બાળક આડું પડ્યું હતું .
બન્ને બાળક્ના એક એક હાથમાં એક કાગળ પકડ્યો હતો, ને બાળકો ગાતાં હતાં. ચતુરદાસ ડોલતા હતા. ત્રણેયના મુખ પર અવર્ણનીય પ્રસન્નતા હતી. ત્રણેયના મુખ ઉપરનો ઉકળાટ નીતરી ગયો હતો. પ્રભાતના ઝાકળમાં નીતરેલી વસ્તુ જેવી કુમાશ ત્રણેના ચહેરા ઉપર હતા. આ અભૂતપૂર્વ દ્ર્શ્ય જોઇએ ચંચળબહેન
પરસાળના ઉંબરમાં જ ઊભાં રહી ગયાં.
(ક્રમશઃ)