પિન કોડ - 101
પ્રકરણ-75
આશુ પટેલ
મોહિની મેનનના રૂમમાં ઈશ્તિયાકની સાથે કેટલાક માણસો પ્રવેશ્યા. એ માણસોમાંથી એક માણસનો ચહેરો જોઇને મોહિની ચોંકી ગઇ. એ ભારતનો જાણીતો વૈજ્ઞાનિક હતો!
‘તમે આમને તો ઓળખો જ છો.’ ઇશ્તિયાકે એ માણસ તરફ ઈશારો કરતાં કહ્યું.
તે વૈજ્ઞાનિકે દિગ્મૂઢ બની ગયેલી મોહિની સામે સ્મિત કરતા કહ્યું, ‘હાય, મિસ મોહિની!’
તેના સ્મિતથી મોહિનીને એવી સ્થિતિમાં પણ આક્રોશ આવી ગયો. પોતે જેનો આદર કરતી હતી એવો આ માણસ આવા ખતરનાક માણસો સાથે મળેલો હતો!
એ વૈજ્ઞાનિકને જોઇને મોહિનીને આઘાત લાગ્યો. પોતે તો મજબૂરીથી આ બદમાશોનો સાથ દઈ રહી હતી. પણ આ વૈજ્ઞાનિક આવા લોકોની સાથે શું કરી રહ્યો હતો? તેના ચહેરા પરથી સ્પષ્ટ રીતે સમજી શકાતું હતું કે તે આ બદમાશો સાથે ખુશ હતો! મોહિની મુંબઇમાં વૈજ્ઞાનિકોના જે સેમિનારમાં હાજરી આપવા આવી હતી એ સેમિનારમાં તે વૈજ્ઞાનિક પણ હાજર હતો. એ પહેલા પણ કેટલાક સેમિનારમાં મોહિની તેને મળી ચૂકી હતી. અચાનક મોહિનીને યાદ આવ્યું કે તેનો સૌપ્રથમ પરિચય આ માણસ સાથે કોણે કરાવ્યો હતો! મોહિનીને સમજાઈ ગયું કે આ બદમાશોને પોતાના વિષે ક્યાંથી આટલી બધી ખબર પડી હતી.
મોહિનીના ચહેરા પરના ભાવ વાંચીને ઇશ્તિયાક હસ્યો. તેણે કહ્યું, ‘તમારી જેમ બીજા વૈજ્ઞાનિકો પણ અમને મદદ કરી રહ્યા છે. તેઓ સામે ચાલીને અમારી મદદ કરવા આગળ આવ્યા છે. અમારા બધાનો મકસદ એક જ છે, આખા વિશ્ર્વને એક છત્ર હેઠળ લાવીને દુનિયાભરમા શાંતિ અને ખુશાલી લાવવાનો. વિચારો, આખું વિશ્ર્વ એક દેશ સમું બની જશે પછી ક્યાંય યુદ્ધો નહીં થાય. શસ્ત્રો પાછળ ખર્ચાતા અબજો ડૉલર ખર્ચાતા બંધ થશે. અને એનો ઉપયોગ ગરીબોને રોજીરોટી મળે એ માટે થશે. ક્યાંય કોમી રમખાણો નહીં થાય, કારણ કે બધા એક જ છત્ર હેઠળ જીવતા હશે અને કોમવાદનું નામોનિશાન જ નહીં હોય. તમને સમજાશે ત્યારે તમને એ વાતથી રોમાંચ અને સંતોષ બંને થશે કે તમે આખા વિશ્ર્વમાં શાંતિ સ્થાપવા માટે કેટલું મોટું પ્રદાન આપ્યું છે. છેવટે તો તમામ વૈજ્ઞાનિકો તેમની શોધ થકી દુનિયાને કશુંક આપવા જ માગતા હોય છેને!’
મોહિની ઇશ્તિયાકના ચહેરા સામે તાકી રહી. આ માણસ કોઈ સંતમહાત્માની જેમ દુનિયાનો ઉદ્ધાર કરવાની વાત અત્યંત આકર્ષક ભાષામાં કરી રહ્યો હતો! પરંતુ, આ જગ્યામાં જે ભેદી પ્રવૃત્તિ ચાલી રહી હતી અને તેનું અપહરણ કરીને, તેના માતાપિતાને બાનમાં રાખીને તેની પાસે જબરદસ્તીથી કામ કરાવાઈ રહ્યું હતું એના થકી તેને એટલું તો સમજાઈ જ ગયું હતું કે આ માણસનો હેતુ દુનિયાનું ભલું કરવાનો તો નથી જ.
‘તમે કરી આપેલા પ્રયોગથી અમને સંતોષ થઈ ગયો છે. બસ હવે એક છેલ્લી ફેવર કરી દો. તમે આ લોકોને તમારી ફોર્મ્યુલા સમજાવી દો, પ્લીઝ.’ ઇશ્તિયાકે કહ્યું.
મોહિનીએ આંચકા સાથે ઇશ્તિયાક સામે જોયું.
‘એ લોકો તમારી શોધનું કશું શ્રેય પોતાના નામે નહીં લઇ લે એની અમે તમને ખાતરી આપીએ છીએ.’ ઇશ્તિયાકે મોહિનીને કહ્યું.
* * *
મોહિની શૂન્યમનસ્ક અવસ્થામાં બેઠી હતી. વિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર જીતવાનું તેનું સપનું રોળાઈ ગયું હતું એના અફસોસ કરતા તેને એ વાતનો આઘાત વધુ હતો કે તેની શોધનો ઉપયોગ આ લોકો કોઈ ભયંકર ખરાબ પ્રવૃત્તિ માટે કરશે. ઇશ્તિયાકે તેના માતાપિતાને મારી નાખવાની અને તેને આઈએસના હવસખોર આતંકવાદીઓના હવાલે કરી દેવાની ધમકી આપી એથી પણ પોતે ડરી ગઈ હતી, પણ પોતે આત્મહત્યા કરી શકી હોત. તેને થયુ કે પોતે પોતાની જિજીવિષા અને પોતાના માતાપિતાના જીવ બચાવવા માટે કેટલી મોટી ભૂલ કરી બેઠી હતી. તેને પોતાની જાત પર નફરત થઈ આવી.
* * *
‘જાણીતા ભારતીય વૈજ્ઞાનિક મોહિની મેનનના સહાયકોએ ચેન્નાઈ પોલીસને એવી ફરિયાદ કરી છે કે મોહિની મેનન ઘણા દિવસોથી ગાયબ છે. એ સાથે ચેન્નાઈ પોલીસ તરફથી મુંબઈ પોલીસને એવી ચોંકાવનારી માહિતી મળી છે કે મુંબઈ પર થયેલા ખોફનાક આતંકવાદી હુમલાઓમાં જે પ્રકારની ફ્લાઈંગ કારનો ઉપયોગ થયો હતો એવી કારની શોધ મોહિની મેનને કરી હતી. દર્શકોને યાદ અપાવી દઈએ કે અગાઉ બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રાએ એવો દાવો કર્યો હતો કે તેમણે આવી કાર બનાવવા માટે ગુજરાતના એક ઓટોમોબાઈલ એન્જિનિયર સાહિલ સગપરિયા સાથે કરાર કર્યો હતો...’
ટીવી ન્યૂઝ ચેનલ જોઈ રહેલા, આઈએસના સુપ્રીમો અલતાફ હુસેનના કપાળ પર સળ પડી ગયા. તેણે તરત જ ઈશ્તિયાકને કોલ લગાવ્યો.
* * *
બે બદમાશોને મારી નાખ્યા પછી સાહિલ વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવું જોઈએ. સાહિલને થયું કે તેની હાલત અભિમન્યુ જેવી હતી. પણ વળતી પળે તેને ભાન થયું કે અભિમન્યુને રણમેદાનમાં છ કોઠા કેવી રીતે ભેદવા તેનું જ્ઞાન હતું, પણ માત્ર છેલ્લો કોઠો કેવી રીતે ભેદવો એ ખબર નહોતી. અહીં તો પોતે માત્ર પહેલો કોઠો ભેદી શક્યો હતો! અને એ પણ બહુ અઘરું નહોતું. આ બે બદમાશો ગાફેલ હતા એટલે પોતે તેમને મારી શક્યો હતો, પણ બહાર તો બધા બદમાશો એકદમ સતર્ક હશે. તેમને દૂરથી આ બદમાશના કપડાં થકી છેતરી શકાશે પણ ઈકબાલ કાણિયાનો કોઈ ગુંડો જે ક્ષણે પોતાનો ચહેરો જોશે એ સાથે ગોળી મારી દેશે. સાહિલના હાથમાં પિસ્તોલ હતી પણ તેણે ક્યારેય પિસ્તોલ ચલાવી નહોતી. એટલે તે પિસ્તોલ બતાવીને ડરાવવા પૂરતો જ પિસ્તોલનો ઉપયોગ કરી શકશે અને સામે બધા બદમાશો શસ્ત્રસજ્જ અને તાલીમબદ્ધ હશે. એ વિચારથી સાહિલ થોડો નાહિંમત થયો, પણ પછી તરત જ તેને નતાશા યાદ આવી ગઈ એટલે તેનામાં ઝનૂન ઉભરાયું. પેલા બે બદમાશોને મારતા અગાઉ આવેલો વિચાર ફરી વાર તેના મનમાં ઝબકી ગયો કે આમ પણ મોત તો નિશ્ર્ચિત જ છે તો બચવાની કોશિશ કરતા મરવું વધુ સારું.
સાહિલે વધુ થોડી વાર ઊંડા શ્ર્વાસ લીધા. તેણે વિચાર્યું કે આ બદમાશો આ રૂમમાં આવ્યા એ પછી આટલા સમય સુધી તેઓ પાછા ન ફર્યા એની નોંધ લઈને તેમના કોઇ સાથીદારો તેમની તપાસ કરવા રૂમમાં આવશે. અને આ બે બદમાશોને ફર્સ પર પડેલા જોતાવેંત તેઓ પોતાના પર તૂટી પડશે. અને પોતે આક્રમણને બદલે બચવાની સ્થિતિમાં આવી જશે. એ સંજોગોમાં પોતાની બચાવ કરવાની કોશિશ પણ નિષ્ફળ જ સાબિત થશે. આ સ્થિતિમાં આક્રમણને સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર ગણીને પૂરા ઝનૂનથી બહાર ધસી જવા સિવાય બીજો કોઇ વિકલ્પ તેની પાસે નહોતો.
સાહિલ દૃઢ મનોબળ સાથે, મક્કમ પગલે રૂમની બહાર નીકળ્યો. તેણે જોયું કે બહાર કોઇ દેખાઇ રહ્યું નહોતું. સાહિલે ઉતાવળે બન્ને બાજુ નજર નાખી લીધી. તે જે રૂમમાં હતો એ રૂમની બહાર એક પેસેજ હતો. પેસેજના બંને છેડેથી પેસેજ વળાંક લેતો હતો. પેસેજ ડાબા છેડેથી ડાબી તરફ અને જમણા છેડેથી જમણી તરફ વળતો હતો. તેના રૂમની સમાંતર ડાબી બાજુએ બે દરવાજા હતા અને જમણી બાજુમાં એક દરવાજો હતો. પેસેજના બન્ને છેડે પણ એક એક દરવાજો હતો. એમાંથી ડાબી બાજુનો દરવાજો ખુલ્લો હતો. જમણી બાજુના છેડે દેખાતો દરવાજો બંધ હતો. પેસેજના ડાબા છેડે દરવાજો ખુલ્લો હતો એમાંથી કોઈના બોલવાનો અવાજ આવી રહ્યો હતો.
સાહિલે અનુમાન ર્ક્યું કે ખુલ્લા રૂમમાં બેઠેલા બદમાશોને સહેજ પણ કલ્પના નહીં હોય કે કોઇ તેમના પર ત્રાટકશે. તેણે ક્યાંક વાંચ્યું હતું કે યુદ્ધ દરમિયાન કટોકટીની ક્ષણોમાં સરપ્રાઈઝિંગ કે શોકિંગ પગલું ક્યારેક આખા સૈન્ય કરતાં પણ વધુ અસરકારક સાબિત થતું હોય છે.
સાહિલના મનમાંથી હવે ડર અને ગભરાટની લાગણી દૂર થઇ ચૂકી હતી. અને એનું સ્થાન નતાશાને બચાવવા માટે પેદા થયેલા ઝનૂન અને આક્રમકતાએ લઇ લીધું હતું. તે હાથમાં પિસ્તોલ સાથે પેસેજના ડાબા છેડે ખુલ્લા દરવાજા તરફ ધસ્યો. એ રૂમમાં એક માણસ ઊભો હતો. તેની પીઠ સાહિલ તરફ હતી. તે માણસની આગળ કોઇ સ્ત્રી ઊભી હતી. તેનો ચહેરો સાહિલને દેખાતો નહોતો. એક બદમાશ કંઇક બોલી રહ્યો હતો, પણ તે સાહિલને દેખાતો નહોતો. સાહિલ એ રૂમના દરવાજાની ડાબી બાજુએ લપાઈને ઊભો રહ્યો. રૂમમાંથી આવતા અવાજના આધારે તેણે એ સમજવાની કોશિશ કરી કે એ રૂમમાં કેટલા બદમાશો હશે.
સાહિલ એ દરવાજાની ડાબી બાજુએ લપાઈને ઊભો એની બીજી સેક્ધડે તેની પાછળથી કોઇની બૂમ સંભળાઈ: ‘ક્યા કર રહા હૈ બે!’
સાહિલે પાછળ ફરીને જોયું તો બે હટ્ટાકટ્ટા બદમાશો પેસેજના બીજા છેડેથી આવી રહ્યા હતા. પેસેજ જ્યાથી વળાંક લેતો હતો એ જમણી બાજુથી તેઓ પેસેજમાં આવી રહ્યા હતા. સાહિલે તેમને જોયા એ સાથે તેમની નજર પણ સાહિલના ચહેરા પર પડી. પહેલી નજરે કપડાં પરથી તેમને લાગ્યું હતું કે તેમનો જ કોઈ સાથીદાર દરવાજા પાછળ છુપાઈને રૂમમાં થઈ રહેલી વાતો સાંભળવાની કોશિશ કરી રહ્યો છે, પણ તેમનો અવાજ સાંભળીને સાહિલ પાછળ ફર્યો એ સાથે ચાલીસેક ફૂટ લાંબા પેસેજના બીજા છેડેથી પણ એક બદમાશે તેને ઓળખી લીધો. સાહિલ પણ તેને ઓળખી ગયો. એ બદમાશ જ તેને બહારથી આ જગ્યામાં અંદર લાવ્યો હતો!
‘સાલા કાફ્ફર!’ બન્ને બદમાશોએ એકસાથે બૂમ પાડી અને તેઓ પિસ્તોલ ખેંચીને સાહિલ તરફ ધસ્યા.
(ક્રમશ:)