Kadamnu Vruksh in Gujarati Short Stories by Heena Hemantkumar Modi books and stories PDF | કદમનું વૃક્ષ

Featured Books
Categories
Share

કદમનું વૃક્ષ

કદમનું વૃક્ષ

બી.એમ.ડબલ્યુ. ગાડીનો હોર્ન વાગતાં જ કદમનાં વૃક્ષની નીચે શણના કોથળાં પર રહીમચાચા સફાળા ઊભા થયા અને ગેટ ખોલવા દોડયા. ‘આવો...આવો... પધારો નાનાશેઠજી!’ કહી રહીમચાચાએ તપોવનશેઠને આવકાર્યા. હંમેશની માફક અતિવિશાળ રાજમહેલ સમાન આરસનાં બંગલાનાં ન પ્રવેશતા તપોવનશેઠ કદમના વૃક્ષની નીચે કાથીના ખાટલા પર બેઠા. એમનાં મુખારવિંદ પર આહલાદક શાંતિ અને સંતોષની રેખા ઉપસી આવી.

દુબઈમાં અનેક તેલના કૂવાઓ, ફેકટરીઓનાં માલિક એવાં તપોવન શેઠ આ નાનકડાં કૂવાનાં ઠંડા પાણીથી સ્નાન કરી જાણે ગંગાસ્નાન કર્યું હોય એવો સંતોષ અનુભવ્યો. રહીમચાચાએ કહ્યું ‘બેટા નાનાશેઠજી! તમે થોડા સમય આ તમારા આલિશાન બંગલામાં આરામ કરો ત્યાં સુધીમાં હું આપના માટે ભોજનની વ્યવસ્થા કરું” તપોવનશેઠજી રહીમચાચાને અટકાવતાં બોલ્યા, ‘રહીમચાચા, મારે તમારા હાથે સગડી પર બનાવેલ જુવારનો રોટલો અને ટમેટાનું શાક ખાવું છે.

કેટલાંયે સમયથી રહીમચાચાના મનમાં એક પ્રશ્ન ધૂંધવાતો હતો. રહીમચાચાએ નક્કી જ કરી રાખ્યું હતું આ વખતે મારે નાનશેઠજી સાથે મનની વાત કરવી જ છે સમાધાન કરવું જ છે. ખૂબ જ શાંતિથી રહીમચાચાએ કહ્યું ‘ચાચા! હવે હું અહીં જ કદમવૃક્ષ નીચે સૂઈ જાઉં છું.’ અને થોડીવારમાં તપોવનશેઠજી ભરનિદ્રામાં પોઢી ગયા. વાસણ-પાણી-સફાઈનું કામ આટોપી રહીમચાચા તપોવનશેઠનાં પગ પાસે બેસી તેમની જીંદગીની સુખસાહેબી દોમદોમ રહે એ માટે અલ્લાહને બંદગી કરતાં રહ્યા. એકાદ કલાકના આરામ પછી તપોવનશેઠજીની આંખ ઊઘડી. તેમણે રહીમચાચાને પોતાની પાસે બેઠેલા જોઈ બોલ્યા ‘અરે ચાચા! તમે પણ આરામ કરો. અહીં પહેરો ભરવાની જરૂર નથી. આ કદમના વૃક્ષની નીચે મને બ્રહ્માણ્ડના સુરક્ષાકવચની અનુભૂતિ થાય છે.

રહીમચાચાએ તપોવનશેઠજીની વાતમાં સૂર પૂરવતાં કહ્યું, ‘હા બેટા! નાનાશેઠજી હું જાણું છું આ કદમના વૃક્ષનાં હજારો પાંદડાઓ એટલે ભગવાનજીનાં હજારો હાથ આપણને આશિષ આપી રહ્યા છે. પણ...’ બોલતાં-બોલતાં રહીમચાચા અટકી ગયા. તપોવન શેઠજી બોલ્યા, “હા રહીમચાચા! બોલો, કેમ અટકી ગયા? શું વાત છે?” રહીમચાચા બોલ્યા, બેટા! મારા મનમાં વર્ષોથી એકનો એક પ્રશ્ન ઘૂમે છે જેનું મારે આજે નિરાકરણ કરવું છે. હવે આ ડોસલો કેટલા વર્ષ જીવશે? કોને ખબર અલ્લાહનું તેડું કયારે આવી ચડે? હું મારી સાથે આ પ્રશ્ન આ મનની મૂંઝવણ સાથે કબરમાં લઈ જવા નથી માંગતો..!!’ તપોવનશેઠજી બોલ્યા, પૂછો આપણે એનું નિરાકરણ કરીએ.’

રહીમચાચાએ વાત માંડી, ‘બેટા, નાનાશેઠજી! મોટાશેઠજીએ બહારનાં દેશોમાં વ્યાપાર વિકસાવ્યો, અરબોનાં માલિક છે સાંભળ્યું છે ... રાત્રે તરલાઓને ઝાંખા પાડી દે એવી રોશની ઝબૂકતી હોય છે. એક હાથમાં ચાંદ, એક હાથમાં સૂરજ અને માથે તારલાંઓ હોય એવી અતિભવ્ય, રમણીય જાણે સ્વર્ગ! જયાં ભગવાનજી, અલ્લાહ રહેતાં હોય એવું સુખ હોય છે. તો પછી, બેટા નાનાશેઠજી થોડાં-થોડાં સમયે તમે અહીં આ ગામડે? શું વાત છે? આનું રહસ્ય શું છે? તમે જયારે ગાડીમાં આવો છો ત્યારે કપાળ પર તણાવ હોય છે. અને પછી અહીના વાતાવરણમાં થોડી જ વારમાં નીરવશાતા અને સંતોષનું આભામંડળ આપની ફરતે રચાતું હોય એવું મેં અનુભવ્યું છે. જો આ ડોસાલાની ઝાંખી દૃષ્ટિવાળી જૂની આંખો સાચું પારખી શકતી હોય તો આ કદમનાં વૃક્ષ સાથે તમારી પ્રીતિ મેં સ્પર્શી છે.

‘હા, રહીમચાચા, હા...’તપોવન શેઠજી બોલ્યા ‘તમારી વાત ૨૪ કેરેટ સોના જેટલી સાચી છે. પણ પહેલા તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો. રહીમચાચા હું ખૂબ નાનો હતો લગભગ પાંચેક વર્ષનો, ત્યારે મારા પિતાશ્રીએ તમને ખૂબ આગ્રહ કરેલો. ચાલો રહીમચાચા અમારી સાથે દુબઈ ચાલો, તમારો પરિવાર પણ સુખી થઈ જશે. તમે એકલા અહીં શું કરશો? ત્યાં સ્વર્ગ છે, સાહેબી છે. પુષ્કળ નાણાં છે. રહીમચાચા મને યાદ છે તમે એકના બે થયેલા નહીં. તમે ખૂબ નમ્રતાપૂર્વક કહેલું આ મારા કદમના વૃક્ષને છોડીને હું કયાંય જાઉં નહીં. મારો અલ્લાહ સાથે જેવો નાતો, તેવો આ વૃક્ષ સાથે. આ વૃક્ષમાં મારા અલ્લાહનો નિવાસ છે. મને યાદ છે તમારી સાથવાળાં નોકરો ત્યારે બોલેલા, ‘આ રહીમડાએ તો નસીબનું પાંદડું હલવા જ નથી દેવું બીજા શું કરે? જેવા જેના નસીબ! અને પિતાશ્રી આખો કાફલો લઈને ગયેલા ફક્ત તમે જ અહીં એકલાં રહી ગયેલા. આ પ્રસંગ મારી માસૂમ આંખમાં સમાઈ ગયેલો. જેમજેમ હું મોટો થતો ગયો તેમતેમ હું તમને સમજતો ગયો.’

રહીમચાચા! આ વૃક્ષની છત્રછાયામાં જે મનને શાતા મળે છે તે ત્યાં કરોડો રૂપિયાથી નથી મળતી. રહીમચાચા, હું જીવનભર અસમંજસમાં રહ્યો છું. મારા દિલ અને દિમાગ વચ્ચે હંમેશા દ્ધ્ંદ્ધયુદ્ધ થતું રહ્યું છે ત્યાં નામ-દામ, પદ-પ્રતિષ્ઠા બધું જ છે. તો અહીં મનની શાંતિ છે. રહીમચાચા! માણસને જીવનમાં શું જોઈએ? કહેવાય છે કે એકલા મનની શાંતિથી પેટ ભરાતું નથી. માણસ તરીકે જન્મ લીધો તો તમારી કુશળતા દુનિયાને બતાવો. પૈસાની કમાણી દ્રારા તમારી શકિતનો પરચો આપો. ભગવાને આપેલ બુદ્ધિનો ઉપયોગ પૈસા કમાવવા અને વધારો કરવામાં કરે તે સફળ માણસોની પગંતનો કહેવાય. રહીમચાચા, મનની આગળ ઝૂકી જનારને આપણો સમાજ નિષ્ફળ ગણે છે. પૈસાને પરમેશ્વર ગણવામાં આવે છે. દુનિયાદારીને હું સમજી શકતો નથી. પણ રહીમચાચા! પવનની લહેરખી સાથે કદમની ડાળીઓ હિલોળા લે છે ત્યારે મને જે ઔલોકિક અનૂભૂતિ થાય છે એવી અનુભૂતિ મને ત્યાં નથી થતી. ત્યાં હજારો લોકો મને મળવા આતુર હોય છે. પરંતુ રહીમચાચા! હું અહીં બેઠો હોઉંને કદમનું એક પાન મારા માથા પર પડે ત્યારે જે દિવ્યતાની લાગણી હું અનુભવું છું તે મને ત્યાં કયારેય અનુભવાય નથી. પાંદડાઓનો ખડખડ અવાજથી મારા કાનમાં કાન્હાની બાંસુરી વાગતી હોય એવો અહેસાસ થાય છે. જયારે કદમના ફૂલો મારા ખોળામાં પડે છે ત્યારે સાક્ષાત બાળગોપાળ મારો ખોળો ખૂંદતા હોય એવું મેં વારંવાર અનુભવ્યું છે. રહીમચાચા, હું કયારેય સમજી શકયો નથી. રહીમચાચા! માણસ તરીકે પૃથ્વી પર જ્ન્મ લીધા પછી માણસનું ધ્યેય શું? માણસે દિલની વાત માન્ય રાખવી જોઈએ કે દિમાગની? હું જીંદગીનો મર્મ સમજી શકયો નથી? જીવનનું સત્ય શું છે? આ કદમના વૃક્ષ પ્રત્યેની પ્રીતિ અને અદમ્ય આકર્ષણ સાથે મને બધી જ સમજદારી અને ભવ્યતા વામણી લાગે છે. હું મારા આ યક્ષપ્રશ્નના ઉત્તર માટે મથામણ અનુભવતો હાઉં છું.

રહીમચાચા બોલ્યા, ‘બેટા, નાનાશેઠજી! હું રહ્યો અભણગમાર ડોસાલો. મને દુનિયાદારીનું ભાન નથી. હું કયારેય ભૌતિક દુનિયાથી અંજાયો નથી. પરંતુ મને ફકત એટલી સમજ છે જેમાં પરમાનંદની અનુભૂતિ થાય તે સાચું સુખ. સત્યના માર્ગે ચાલતાં જવું અને નિજાનંદમા મ્હાલતા જવું. નિજાનંદ એ જ જીવનનું અંતિમ સત્ય. આ ‘જીવ’ નું પરમાત્મા સાથે મિલન થાય એ જીંદગીનો મર્મ’

રઘલો રહીમચાચાને હાંક નાંખતો નાંખતો આવ્યો, ‘આજે નાનશેઠજી માટે ભોજનની શું વ્યવસ્થા કરું?’ તપોવનશેઠજી અને રહીમચાચાની વાત અટકી. તપોવનશેઠજી બોલ્યાં, ‘અલ્યા રઘલા! તું સમય પર આવ્યો. જો રઘલા આખા ગામને નોતરું દઈ આવ. આજે આપણે શ્રીધરની રમઝટ માણીએ અને રહીમચાચા! તમે રાત્રિના ભોજન માટે ચોખાનું ભડકું બનાવો.’ રહીમચાચા બોલ્યા, “નાનાશેઠજી! આ તમે શું બોલો છો? મોટા શેઠજીને ખબર પડશે તો મારી ધુલાઈ થઈ જશે.’ તપોવનશેઠજી તેમના પ્રેમાળ ટહુકાથી ખોટકલો રૂબાબ કરતાં બોલ્યાં, ‘રહીમચાચા!’ રહીમચાચાએ કહ્યું ‘હા..હું સમજી ગયો.

રહીમચાચાએ સૂકા લાકડા એકત્ર કરી કદમના વૃક્ષ નીચે ભડકું બનાવવા માટે આગ ચેતી. આગ જેવી પ્રજવલિત થઈ અને ચોમેર બ્રહ્માણ્ડમાં સુદર્શનચક્ર ઘુમતું હોય એવી આભા પ્રસરી ઊઠી. તપોવનશેઠે સગડીમાંથી એક અંગારો લઈ જમણા હાથની હથેળીમાં મૂકયો. રહીમચાચા કંઈક સમજે, કંઈક બોલે એ પહેલા તપોવનશેઠજી ગૌરવી અને દ્રઢ અવાજ સાથે બોલ્યા, ‘આત્માનો અવાજ મેં સાંભળી લીધો. આ કદમનાં વૃક્ષ સાથે નાતો એટલે આત્માનો પરમાત્મા સાથે નાતો. મને સાક્ષાત્કાર થઈ ગયો. હું ઈશ્વરને સમજી ગયો. પામી ગયો. માનવજીવનનું પરમસત્ય છે આત્માને પારખવાનું. મને મુકામ મળી ગયો. ભૌતિકતા નાશવંત છે. ઈશ્વર સત્ય છે. હું મારી મંઝિલે પહોંચી ગયો.

કદમના વૃક્ષની ડાળીઓ નમીને ઝૂલવા માંડી. વાતાવરણને હર્ષોલ્લાસનો સ્વાંગ ધારણ કર્યો. તપોવનશેઠ દિલ અને દિમાગનાં બંધનોમાંથી મુકત થઈ હળવા થઈ, કદમના વૃક્ષને નમન કરી હરિમય બની ગયા.