Tamara vina - 23 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - 23

Featured Books
Categories
Share

તમારા વિના - 23

પ્રકરણ - ૨૩

‘બા... બા...’ કાન્તાબેનના કાનમાં અવાજ આવી રહ્ના હતો. આ અવાજ તો દીપકનો હતો. દીપક તેમને બોલાવી રહ્યો હતો? કે તેમને ભ્રમ થઈ રહ્ના હતો ? પોતે કોઈ સપનું જાઈ રહ્યાં હતાં? ભરઊંઘમાં સૂતેલાં કાન્તાબેન અર્ધજાગ્રત અવસ્થામાં આવી ગયાં હતાં.

‘દીપક... અત્યારે રહેવા દે, સવારે વાત કરજે. સાંભળ, અત્યારે તેઓ ઊંઘી ગયાં છે અને તું પણ...’ કાન્તાબેનની આંખ ઊઘડી ગઈ. કાશ્મીરા દીપકનો હાથ પકડીને તેને પોતાના તરફ આવતાં રોકી રહી હતી. તેઓ પોતે ક્યાં છે એ સમજતાં કાન્તાબેનને એક ક્ષણ લાગી. તેમણે આજુબાજુ નજર ફેરવી. તેઓ દીપકના ઘરની ટેરેસમાં હતાં. તેમનું મગજ સતેજ થઈ ગયું. સજાગ થતાંની સાથે જ બધું સ્પષ્ટ થઈ ગયું. દીપક તેમને બોલાવી રહ્ના હતો અને કાશ્મીરા તેને રોકી રહી હતી.

પણ અચાનક અડધી રાતે એવું તે શું બન્યું હતું કે દીપક તેમને આ રીતે ઉઠાડી રહ્યો હતો અને તો પછી કાશ્મીરા તેને શા માટે રોકી રહી હતી? કાન્તાબેનના મગજમાં બે મિનિટમાં તો કેટલાય વિચાર પસાર થઈ ગયા. તે ઓ પથારીમાં બેઠાં થયાં.

‘બા, તને એમ લાગે છે કે ભઈને મેં મારી નાખ્યા છે? તું શું પુરવાર કરવા માગે છે? હું... હું ભઈને મારી નાખું એમ?’ દીપક મોટા અવાજે બોલી રહ્ના હતો. રાતની શાંતિમાં દીપકનો અવાજ જરાક વધુ જ ઊંચો લાગતો હતો.

કાન્તાબેનને દીપકને ઘરે રહેવા આવ્યાને દસેક દિવસ થઈ ગયા હતા. પહેલી જ રાત્રે તેમને કાને પડેલા દીકરા-વહુના સંવાદો પરથી કાન્તાબેનને સમજાઈ ગયું હતું કે દીપક લગભગ દરરોજ દારૂ પીતો હોવો જોઈએ. જોકે તેમની હાઈ-સોસાયટીમાં એને દારૂ ન કહેવાય. શું કહેવાય? હા, ડ્રિંક્સ લેતો થઈ ગયો હતો. તેમનું અનુમાન સાચું હતું એે આ દસ દિવસમાં તેમને સમજાઈ ગયું હતું.

દીપક લગભગ દરરોજ રાત્રે મોડેથી ઘરે આવતો. તેના જમવા-ખાવાનાં પણ ઠેકાણાં નહોતાં. આ દસેક દિવસ દરમિયાન તેણે કુલ બે-ત્રણ કલાક જેટલો સમય પણ કાન્તાબેન સાથે વિતાવ્યો નહોતો. કાન્તાબેનને લાગવા માંડ્યું હતું કે દીપકની પોતાની એક જુદી જ દુનિયા હતી. એે દુનિયાના નીતિ-નિયમો, રીત-રિવાજો જુદા હતા. દીપક જાણે વધુ ને વધુ મેળવવાની દોડનો એક સ્પર્ધક થઈ ગયો હતો. તે સતત મીટિંગો, સેમિનાર, તેના કામકાજને લગતા રાજકારણ અને એવી બધી બાબતોમાં અટવાયેલો રહેતો. ચોવીસ કલાકમાંથી આઠેક કલાક માંડ તે ઘરમાં રહેતો અને એમાંનો મોટા ભાગનો સમય તો ઊંઘવા, નાહવા-ધોવામાં વીતી જતો અને બાકીના સમયમાં તેના ફોન સતત ચાલતા રહેતા. જ્યારે મોબાઇલ ફોન નહોતા; અરે, ટેલિફોન હોવું પણ એક લક્ઝરી ગણાતું ત્યારે લોકો કામ નહોતા કરતા? કદાચ એ વખતે વધુ કામ થઈ શકતાં, કારણ કે નકામી વાતો કરવામાં કદાચ ઓછામાં ઓછો સમય વપરાતો. કાન્તાબેન ચૂપચાપ આ બધું જોઈને મનોમન વિચારતાં રહેતાં.

દીપક કરતાંય કાશ્મીરા માટે કાન્તાબેનનો જીવ બળતો. તે કંઈક ખોવાયેલી, મૂંઝાયેલી અને ગમગીન લાગતી હતી; પણ પોતે થોડા દિવસ રહેવા આવ્યાં છે ત્યારે તેમની અંગત જિંદગીમાં સામે ચાલીને માથું મારવાનું તેમને યોગ્ય લાગતું નહોતું.

‘દીપક... રહેવા દે. સવારે વાત કરજે... પ્લીઝ...’ કાશ્મીરા તેનો હાથ ખેંચી રહી હતી.

‘શું થયું બેટા?’ કાન્તાબેનથી પુછાઈ જવાયું.

‘રહેવા દે... રહેવા દે... આ તારા પ્રેમનું નાટક મારી પાસે કરવાનું રહેવા દે.’ દીપકે કાશ્મીરાનો હાથ જોરથી ઝાટકી નાખતાં કહ્યું. કાન્તાબેનને માથા પર કોઈએ જારથી પથ્થર માર્યો હોય એવું લાગ્યું.

‘પણ અચાનક શું થયું એ તો કહે?’ કાન્તાબેને શક્ય એટલા મૃદુ અવાજમાં પૂછ્યું.

‘બા, પ્લીઝ તમે અત્યારે રહેવા દો...’ કાશ્મીરાએ વિનંતીના સૂરમાં કહ્યું.

‘અરે પણ...’

‘દેખાડો તો એવો કરે છે જાણે કંઈ જાણતી જ ન હોય....’

‘ખરેખર મને કંઈ ખબર નથી...’

‘અચ્છા, તો પેલા પોલીસવાળાને કોણે મોકલ્યો હતો? મેં મારા બાપને મારી નાખ્યો હોય એમ મને તે અમસ્તા જ પૂછતો હતો નહીં...’ દીપકના મોંમાંથી ગંદી ગાળ નીકળી. તેની જીભ સહેજ લથડાતી હતી.

‘‘દીપક, પ્લીઝ...’ કાશ્મીરાએ વધુ એક પ્રયાસ કર્યો.

‘તને ખબર નથી કાશ્મીરા... આ... આ... આણે જ અમારું સત્યાનાશ કર્યું છે.’

‘તું અત્યારે ભાનમાં નથી દીપક. ચાલ, અંદર ચાલ, પછી વાત કરજે...’ કાશ્મીરા રીતસર તેને અંદર ખેંચી જવાનો પ્રયાસ કરતી હતી.

‘છોડી દે મને.’ દીપકે હાથને ઝાટકો મારી કાશ્મીરાના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો. દીપકના ધક્કાથી કાશ્મીરા દૂર ફેંકાઈ ગઈ અને તે માંડ પોતાનું સંતુલન જાળવી શકી.

‘બહુ વરસ ચૂપ રહ્યો, પણ હવે તો લિમિટ થઈ ગઈ છે. કાશ્મીરા, તને ખબર નથી આ... આને લીધે જ અમારાં ત્રણેય ભાઈ-બહેનની લાઇફ બરબાદ થઈ છે. આની જીદને લીધે જ...’ દીપક સોફા પર બેસી પડ્યો.

‘તને ખબર છે મને મેડિકલમાં એડ્મિશન મળી શકે એમ હતું અને આની પાસે મેં પૈસા પણ નહોતા માગ્યા, પણ તોય આ બાઈ જ આડી ફાટી. પેલા ગાંધી ટકલાએ પોતાના દીકરાની તો વાટ લગાડી જ હતી, પણ પાછો આ લોકોને મૂકી ગયો અમારી લાઇફ બગાડવા માટે. અને હવે જ્યારે હું સફળ થઈ રહ્યો છું ત્યારે આનાથી જ જોવાતું નથી.’

કાન્તાબેન હબકી ગયાં. તેમનો પોતાનો દીકરો, સગો દીકરો, પેટનો જણ્યો તેમને કહી રહ્યો હતો કે તેની સફળતા પોતાનાથી જોવાતી નહોતી? દીપકના મનમાં તેમના માટે આટલું બધું ઝેર ભર્યું હતું અને એેનાથી પોતે સાવ અજાણ જ હતાં?

કાન્તાબેનને સમજાઈ ગયું હતું કે દીપક શાની વાત કરી રહ્યો હતો, પણ આટલાં વર્ષે હજી એ ઘટનાને દીપક ભૂલ્યો નહોતો? એે વખતે પોતે જે કંઈ કર્યું એ ખોટું હતું?

દીપક અને કાશ્મીરા બેડરૂમમાં ચાલ્યાં ગયાં હતાં. હૉલમાં સૂનકાર વ્યાપી ગયો હતો. કાન્તાબેન ફરી વાર જઈને પથારીમાં પડ્યાં. આવડા મોટા અને ગીચ વસ્તી ધરાવતા શહેરમાં તેઓ એકલાં પડી ગયાં હોવાની તીવ્ર લાગણી તેમને ઘેરી વળી. પોતાના સગા દીકરાના ઘરમાં નહીં, પણ કોઈ એકલદોકલ નિર્જન ટાપુ પર પોતે પડ્યાં હોય એવું તેમને લાગ્યું.

તેમણે પથારીમાં પડ્યા-પડ્યા આકાશ તરફ જાયા કર્યું. મુંબઈનું આખું આકાશ પણ જાણે તારાવિહોણું થઈ ગયું હતું. ચારે તરફથી આવતી ઇલેક્ટ્રિક રોશનીના કૃત્રિમ પ્રકાશમાં તારાઓ પણ ઝાંખા પડી રહ્યા હતા.

દીપક શું બોલ્યો હતો? કાન્તાબેને તેની વાતને ટેપરેકૉર્ડરમાં રિવાઇન્ડ કરી કૅસેટ ફરી વગાડતાં હોય એમ મનોમન યાદ કરી. હા, તેમણે જ દીપકને મેડિકલમાં એડ્મિશન લેતાં રોક્યો હતો. તેણે એડ્મિશન માટે આપવી પડે એ રકમ પોતાની પાસે માગી નહોતી તેમ છતાં પોતે જ તેને અટકાવ્યો હતો.

કાન્તાબેનને બરાબર યાદ હતું, જે દિવસે મેડિકલના એડ્મિશન માટેનું લિસ્ટ જાહેર થયું હતું ત્યારે એમાં પોતાનું નામ નહોતું એ જાઈને દીપક કેટલું રડ્યો હતો. દીપક રીતસર ભાંગી પડ્યો હતો. દીપકે રાતની રાત ઉજાગરા કર્યા હતા. બારમા ધોરણમાં આખું વર્ષ તે મોડી રાત સુધી જાગતો. કાન્તાબેન તેને દર બે કલાકે ચા કરી આપતા. ચંદ્ર દીપકને ઉઠાડવા માટે ખાસ એક-દોઢ કલાક વહેલા ઊઠતાં.

દીપકને તેમણે ઊંચી ફી ભરીને ખાસ કોચિંગ ક્લાસમાં દાખલ કર્યો હતો. એ આખું વર્ષ કાન્તાબેને ઘરના ખર્ચામાં શક્ય એેટલી કરકસર કરી હતી. એક આખું વર્ષ તેમણે દેશી ઘી મગાવ્યું નહોતું અને એક લિટર દૂધ ઓછું કરી નાખ્યું હતું. કાન્તાબેન કાયમ ફક્ત દૂધની જ ચા પીતાં, પણ દીપક બારમામાં આવ્યો એે વરસથી તેમણે સવારે એક જ કપ અને એે પણ અડધું દૂધ અને અડધું પાણી નાખીને ચા પીવા માંડી હતી.

દીપકને બારમામાં ૮૯.૩૨ ટકા માર્ક આવ્યા હતા અને મેડિકલનું એડ્મિશન ૯૦ ટકાએ બંધ થયું હતું. દીપકને મેડિકલમાં એડ્મિશન ન મળ્યું એેની દીપક જેટલી જ કે એેનાથી વધુ હતાશા તેમને પોતાને થઈ હતી. એે રાતે એકાંતમાં નવીનચંદ્ર પાસે તેઓ રડી પડ્યાં હતાં, પણ જો પોતે ઢીલાં થઈ જશે તો દીપકને માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશે એે કાન્તાબેન જાણતાં હતાં. તેમણે દીપકને કહ્યે રાખ્યું હતું કે મેડિકલમાં એડ્મિશન ન મળ્યું એટલે કંઈ જિંદગીનો અંત નથી આવ્યો. દુનિયામાં સફળ થવા માટે બીજા ઘણા માર્ગ છે. દીપકને આવું સમજાવતાં કાન્તાબેનનું હૈયું કોચવાતું હતું. તેઓ જાણતાં હતાં કે દીપકને સૌથી વધુ દુઃખ એે વાતનું હતું કે તેની સાથે ભણતા છોકરાને ૫૪ ટકા માર્ક સાથે પણ એડ્મિશન મળી ગયું હતું, કારણ કે તે પછાત જાતિનું સર્ટિફિકેટ મેળવી શક્યો હતો. પછાત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારે ખાસ અનામત બેઠકો રાખી હતી જેનો દીપકના મિત્રે ફાયદો ઉઠાવ્યો હતો. નિયમોમાંથી છટકબારીઓ શોધી કોઈ દૂરના સગાના નામે તે પછાત જાતિનું સર્ટિફિકેટ મેળવી શક્યો હતો.

દીપક ખૂબ ઉદાસ-ઉદાસ ફરતો રહ્યો. થોડા વખતમાં બધું થાળે પડી જશે એવું કાન્તાબેને માન્યું હતું, પણ એક દિવસ દીપક તેના મિત્ર કિશોરને લઈને ઘરે આવ્યો. બન્ને જણે રજૂઆત કરી કે બે-બે લાખ રૂપિયા ડોનેશન આપીએ તો અમને એડ્મિશન મળી શકે એેમ છે.

‘આપણી પાસે એટલા બધા પૈસા ક્યાં છે?’ કાન્તાબેને તરત જ પૂછ્યું હતું.

‘બા, અમે એનો રસ્તો પણ શોધી કાઢ્યો છે. કિશોર કોઈ નસીમભાઈને ઓળખે છે. તે અમને દુબઈ મોકલશે. જવા-આવવાનો અને રહેવાનો ખર્ચો પણ એ જ આપશે. અમારે બે જાડી કપડાં લઈને જવાનું અને આવતી વખતે ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ અને બીજી ચીજવસ્તુઓની બૅગ લઈને આવવાનું. કસ્ટમ્સમાં તેની ઓળખાણ છે. એરપોર્ટ પર તે અમારી પાસેથી બૅગ લઈ લેશે અને અમને દરેક ટ્રિપના દસ હજાર આપશે. એટલે આમ તો અત્યારે જ તે અમને ડોનેશન આપવા માટે જે પૈસા આપશે એની સામે દરેક ટ્રિપના દસ-દસ હજાર એડ્જસ્ટ કરશે. વરસમાં અમારે ફક્ત વીસ ટ્રિપ કરવાની. એ બહાને અમને ફોરેન ફરવા પણ મળશે.’

‘પણ આવું કોઈ શું કામ કરે?’ કાન્તાબેને સમજવાનો પ્રયાસ કર્યો.

‘જો બા, આજકાલ બધાને ફોરેનની વસ્તુઓ બહુ ગમે છે. નસીમભાઈનો ફોરેનના માલનો બિઝનેસ છે. અમે ટુ-ઇન-વન ટેપરેકૉર્ડર, ઘડિયાળ, કૅમેરા એવી બધી વસ્તુ લઈ આવીએ તો તેમને સારું પડે. તેમની પાસે આવા વીસ-પચીસ માણસો છે. કસ્ટમ્સમાં તેમની ઓળખાણ છે એટલે તેમને ડ્યુટી પણ ન ભરવી પડે...’

‘એટલે ટૂંકમાં આપણે દાણચોરી કરવાની એમ જને?’ કાન્તાબેને સીધું જ પૂછ્યું અને પછી દીપક તથા કિશોરના ચહેરા પરથી જવાબ કળી ગયાં હોય તેમના મકક્મ અવાજમાં કહ્યું, ‘તું અભણ રહીને હમાલી કરીશ તો ચાલશે, પણ આવું ગેરકાયદે કામ નહીં કરવા દઉં.’

ત્યાર પછી દીપકે અને કિશોરે તેમને ઘણું સમજાવવાની અને દાખલા-દલીલો આપવાની કોશિશ કરી, પણ કાન્તાબેનની તો એક જ વાત હતી કે એમ ખોટું કરીને આપણે પૈસા કમાવા નથી. દીપકે નવીનચંદ્રને વાત કરી ત્યારે તેમનો જવાબ તો એ જ હતો. ‘મને આમાં ન સમજાય. બા કહે એમ કરો.’

આટલાં વર્ષો જૂની વાત હજી સુધી દીપકના મનમાં ધરબાયેલી પડી હતી. કાન્તાબેને તાળો મેળવવાનો પ્રયાસ કર્યો તેમ-તેમ તેમને સમજાતું ગયું કે ત્યાર પછી બહુ ધીમે-ધીમે દીપક અને તેમની વચ્ચે અંતર વધતું ગયું હતું.

દીપકના ઘરની ટેરેસમાં પડ્યા-પડ્યા જિંદગીમાં પહેલી વાર કાન્તાબેનને વિચાર આવ્યો હતો કે ક્યાંક તેઓ ચૂક્યાં તો નહોતાં. નહીં તો આવા ભર્યાભાદર્યા કુટુંબ છતાં તેમની નૈયા બધાથી દૂર એકલી વહી રહી હોય એવું કેમ લાગતું હતું? ક્યાંય સુધી તેઓ જાગતાં પડી રહ્નાં.

કાન્તાબેન સવારે ઊઠ્યા ત્યારે દીપક તૈયાર થઈને લગભગ જવાની તૈયારીમાં જ હતો. તે કાન્તાબેન સાથે એક શબ્દ પણ બોલ્યો નહીં અને હંમેશ મુજબ ઉતાવળમાં જ ચાલ્યો ગયો.

‘કાશ્મીરા... શું થયું છે દીપકને...’ કાન્તાબેનને સમજાતું નહોતું કે કઈ રીતે અને શું પૂછવું.

‘ના, ખાસ કશું નહીં. એ તો જરા એમ જ...’ કાશ્મીરાએ ટાળવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે કાન્તાબેને આગ્રહ કરીને પૂછ્યું ત્યારે તે બોલી, ‘એ તો કાલે પોલીસ ઇન્કવાયરી કરવા આવી હતી એટલે તેને જરા... પણ ખાસ કંઈ નહીં.’ કાશ્મીરા સામેથી જ બોલી.

કાન્તાબેનને હવે થોડું સમજાવા માંડ્યું. ડીસીપી પાંડે પાસે જઈ આવ્યા એેના બે દિવસમાં જ શ્વેતાએ ફોન પર જણાવ્યું હતું કે કોલાબા પોલીસસ્ટેશનમાંથી સબ-ઇન્સ્પેક્ટર રાનડેનો ફોન આવ્યો હતો અને તેમણે દીપકનો અને વિપુલનો ફોન નંબર અને એડ્રેસ માગ્યાં હતાં.

બપોરે કાન્તાબેન એકલાં પડ્યાં ત્યારે તેમણે મોનાને ફોન કર્યો. તેમણે સાવચેતીપૂર્વક મોના સાથે વાત કરી. મોનાએ તેમને માહિતી આપી કે ડીસીપી પાંડે એક વાર કોઈ કેસમાં રસ લે પછી એના તળિયા સુધી જતા હતા. જો રાનડેનો ફોન આવ્યો હોય તો એનો સીધો અર્થ એ હતો કે પાંડેએ તેમને સપાટામાં લીધા હોવા જાઈએ. મોનાએ કહ્યું હતું કે રાનડેનો ફોન આવ્યો એ તો ખુશ થવા જેવી વાત હતી, કારણ કે પાંડેએ રિપોર્ટ માગ્યો હશે એટલે કોલાબા પોલીસસ્ટેશનના અધિકારીઓ સફાળા જાગ્યા હશે અને કામે વળગ્યા હશે.

કાન્તાબેનને પૂછવું હતું કે પણ તો પછી તેના પોતાના દીકરાઓને પૂછપરછ કરીને હેરાનગતિ કરવાનો શું મતલબ હતો? તપાસ આગળ ચલાવવી એટલે જેનું મૃત્યુ થયું હોય તેના ઘરના સભ્યોને જ આંટામાં લેવાના? કે પછી તેમના ઉપરીનું દબાણ આવ્યું એેનું વેર લેવામાં આવી રહ્યું હતું. પરંતુ આ બધું મોનાને પૂછવાનું કાન્તાબેનને મુનાસિબ ન લાગ્યું. અને આમ પણ કાન્તાબેને ફોન કર્યો ત્યારે મોના કોઈ મહત્ત્વના કામમાં રોકાયેલી હતી અને ઉતાવળમાં હતી એટલે તેમણે વધુ કંઈ પૂછ્યા વિના ફોન મૂકી દીધો.

હવે શું કરવું એેના વિચારોમાં આખો દિવસ વીત્યો. સદ્ ભાગ્યે કાશ્મીરા રોજ કરતાં વહેલી આવી ગઈ એટલે કાન્તાબેને તેની સાથે જ વાત કરવાનો નિર્ણય લીધો.

‘હું ચાર-પાંચ દિવસ પહેલાં ડીસીપી પાંડેને મળી હતી.’ કાશ્મીરા હાથ-પગ ધોઈ કૉફીનો કપ લઈને બેઠી ત્યારે કાન્તાબેને વાતની શરૂઆત કરી. કાન્તાબેને કાશ્મીરાને ટૂંકાણમાં વાત કરી કે ચંદ્રની હત્યાના કેસમાં પોલીસ સાવ નિષ્ક્રિય થઈ ગઈ હતી એટલે તેઓ ડીસીપી પાંડેને મળ્યાં હતાં અને તેમને કારણે હવે કદાચ તપાસને વેગ મળી રહ્યો હતો.

‘કદાચ તેના પગલે જ પોલીસ દીપકને પૂછવા આવી હશે... અને તેને એ જ વાતનું માઠું લાગ્યું હશે. જો એવું હોય તો હું પાંડેસાહેબને પાછી મળું અને ફરિયાદ કરું કે તે લોકો છોકરાઓને શા માટે હેરાન કરે છે? પણ એ પહેલાં દીપક પાસેથી જાણવું પડે કે હકીકતમાં થયું શું છે? એટલે કે પોલીસે દીપકને શું પૂછ્યું...’

કાશ્મીરા કાન્તાબેનની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહી. થોડી વાર તો તે કશું ન બોલી, પણ પછી તેણે ધીમેકથી કહ્યું, ‘બા, તે મને કંઈ કહેતો નથી. આઇ મીન અમે સાથે રહીએ છીએ, પણ અમારી વચ્ચે બહુ બધું ડિસ્ટન્સ છે. કદાચ દીપક બહુ દૂર ચાલ્યો ગયો છે...’