Kanta 3 in Gujarati Fiction Stories by Akil Kagda books and stories PDF | કાન્તા - 3

Featured Books
Categories
Share

કાન્તા - 3

કાન્તા - 3

મેં કશો જવાબ આપ્યો નહિ, ને દુકાને જતો રહ્યો. બેઠા બેઠા વિચારવા લાગ્યો કે અજાણી છોકરી સાથે લગન કરવા, જિંદગી કાઢવા તૈયાર છું, તો પછી કાન્તા સાથે કેમ નહિ? હા, તે હમણાં કોઈની પત્ની છે, પણ તે મને ગમે છે, ને તેના છુટા-છેડા પણ થવાના છે... બસ, નક્કી થઇ ગયું.. જો કાન્તા હા પાડશે તો હું તેની સાથે જ લગન કરીશ... ના પાડશે તો? ના પાડશે તો માં કહેશે તેની સાથે....

સાંજે દુકાને માં આવી તો મેં કહ્યું "રવિવારે હું છોકરીને મળવા નહિ આવું."

"કેમ?"

"હું કાન્તા સાથે શાદી કરીશ."

"શું? કઈ ભાન-બાન છે કે નહિ? તે પરણેલી છે."

"છૂટાછેડા થવાના છે."

"થવાના છે, થયા નથી..."

"હું રાહ જોઇશ, શું ઉતાવળ છે...."

"તેને વાત કરી?"

"ના."

"તો એકલાએ નક્કી કર્યું? ને એકલો લગન કરવાનો છે? ના પાડશે તો?"

"તે ના પાડશે તો તું કહીશ તેની સાથે, બસ?"

માં કશું બોલી નહિ ને સ્ટોર રૂમમાં જઈને બધા બોક્સ ગોઠવવા લાગી. હું પણ તેની પાછળ ગયો ને તેના બંને ખભા પકડીને બોલ્યો "માં, તું નારાજ છે?"

તે મારી આંખોમાં જોઈ રહી, ને બોલી "ના, તું ખુશ રહેવો જોઈએ, બસ..." કહીને મને વળગી પડી.

દુકાને હું કામ કરતો હતો, વાતો કરતો હતો, પણ સાચેમાં તો હું કાન્તાના જ વિચારોમાં હતો. મારે નક્કી કરવું હતું કે મારે ખરેખર કાન્તા સાથે પ્રેમ થયો હતો કે એક પીડિત અને દુઃખી સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ માત્ર હતી? ના, કાન્તાની જગ્યાએ બીજી કોઈ પણ જો દુઃખી હોતી તો હું મારાથી બનતી બધી જ મદદ કરતો જ.. પણ તે ઉપરાંત પણ મને કાન્તા ગમતી હતી, ભોળી, માસુમ.. તેની સાથે હું કલાકો વાતો કરી શકું... સવા છ થયા, હવે આવવી જ જોઈએ, આવશે? જરૂર આવશે. અને ખરેખર તે આવી. હું ઘરાક સાથે વાતોમાં હતો, તે કશું બોલી નહિ ને દુકાનમાં ફરવા લાગી. મેં એક તરફ ઈશારો કરીને તેને કહ્યું કે "તારા કામનું લેડીસ સેક્શન ત્યાં છે." તે ત્યાં જઈને જૂતાઓ જોવા લાગી. હું ફ્રી થઈને તેની પાછળ ગયો, ને બોલ્યો "કયા ગમ્યા?"

"બધા સરસ છે."

"તો લીધા કેમ નહિ?"

"પગાર મળશે પછી લઈશ."

"અમે ઉધાર પણ આપીએ છીએ."

તે હસીને બોલી "ગેરંટી તરીકે શું આપવું પડશે?"

"ડાબા પગનું જુતુ અહીં મૂકી જવું પડશે....." તે હસી પડી, ને બોલી "ખરે જ મને હમણાં જરૂર નથી."

મેં તેનો હાથ ખેંચીને શોકેશ નજીક લઇ ગયો, ને કહ્યું "બોલને.. કયા ગમે છે?"

તેણે એક બતાવ્યા, મેં કહ્યું "બીજા?"

"ના, બસ આ એક જ... બાકી તો બધા બેકાર છે...."

મેં બોક્સ પેક કરાવીને તેને આપ્યું, તે બોલી "પગાર મળશે કે તરત પૈસા આપી જઈશ, ઉઘરાણી કોઈને મોકલશો નહિ."

"સારું, પણ વધારે મોડું ના કરતી."

અમે કાઉન્ટર પર આવીને બેઠા. થોડીવારે તે બોલી "નાનો રૂમ ભાડે કેટલા સુધી મળી રહે?"

"મારી સલાહ માને તો એકલી રહેવા કરતા બહેન સાથે રહે તે જ સારું છે. અને હવે તો તારી નોકરી પણ છે, એટલે પગાર ઘેરે આપી દઈશ તો તેમને પણ ભારરૂપ નહિ લાગે અને તને પણ ઓશિયાળું નહિ લાગે."

"તમે તમારી રીતે બિલકુલ સાચા છો, પણ મારે હવે એકલી એ જ રહેવું છે." તેના મોં પર મક્કમતા હતી.

"રૂમ તો મળી રહે, પણ ભાડું એરિયા પર ડિપેન્ડ કરે છે, છતાં પણ હું તપાસ કરીશ અને તને કહીશ."

"થેન્ક્સ, પણ જેમ બને તેમ જલ્દી કરજો, હું જાઉં?"

"થોડીવાર બેસ, આઈસ્ક્રીમ ખા, મમ્મી આવે પછી હું તને મૂકી આવું."

"ના, હું જતી રહીશ... તમે દુકાન સંભાળો, બાય..."

"બાય.. કાલે પાછી આવજે.. અને રવિવારે આપણે કશે ફરવા જઈશું."

"તમે ફોન કરજો."

તે અવાર-નવાર દુકાને આવી જતી, હું પણ ક્લાસમાં જઈ ચડતો. ઘણીવાર અમે ફરવા, જમવા પણ જતા. તેના છૂટાછેડાનો નિકાલ હજુ આવ્યો નહોતો, તે પછી જ હું તેની સાથે વાત કરીશ.

યોગેશ અને ચાંદની પરણી ગયા. તેમના લગનમાં એક વીક અમે ખૂબ જ બીઝી રહ્યા અને ખુબ મજા કરી. યોગેશની શાદીમાં મારી બહેન અને બનેવી પણ બરોડાથી આવ્યા હતા. મારી બેનને મેં બધી વાત કરી અને કાન્તા સાથે મુલાકાત પણ કરાવી, મારી બેનને પણ કાન્તા ગમી ગઈ. યોગેશ અને ચાંદની લગન પછી તેમના નવા ફ્લેટમાં રહેવા ગયા અને પછી હનીમૂન પર ઉપડી ગયા. જતા પહેલા સ્ટાફના બધાને કહેતો ગયો કે કઈ પણ કામ હોય કે પૈસાની જરૂર પડે તો નચિકેતા આપશે.

કાન્તા મને લગભગ રોજ રૂમનું પૂછતી રહેતી. પણ હું જાણી જોઈને તપાસ કરતો નહોતો. તેને કહી શકતો પણ નહોતો કે બહેનને ત્યાંથી સીધી મારે ઘેર જ આવી જજે ને... થોડા દિવસ માટે રૂમ શોધવાની મગજમારી કેમ કરવી છે? પણ હું તેના મોઢે તો હા, હા, જોઇશ, જોઈ રહ્યો છું, કહેતો હતો.

તેના છૂટાછેડાનું મારા ધારવા કરતા પણ વધારે લંબાયું હતું. મારી ધીરજ ખૂટવા લાગી હતી. અમે કાંકરિયાની પાળે બેઠા હતા. "કાન્તા, આ છૂટાછેડાનું ક્યારે પતશે? અને તે કેમ તારી સાથે આ રીતે કરતો હતો? કઈ કારણ?"

"મોટું કારણ તો એ જ હતું કે મારા ભાઈએ તેને પૈસા આપવાનો વાયદો કર્યો હતો, પણ આપતો નહોતો. અને બીજું કે તે સખત વહેમીલો હતો, હસવા તો શું પણ કોઈ સાથે વાત કરું તો પણ માર પડતો... એબોર્શન પણ કરાવડાવ્યું, કારણ એજ કે તેને શક હતો કે બાળક તેનું નથી."

"તારી સાસુ વગેરે? ચાલ છોડને, એ કહે કે છૂટાછેડા ક્યારે મળશે?"

"પતી જાય એવું છે, અમને પૈસા જોઈએ છે, અને તેને આપવા નથી, એટલે નવા નવા ઇસ્યુ ઉભા કર્યે જ જાય છે."

"ઘણું થયું..શું કરવું છે, પૈસાને? પૈસા મહત્વના છે કે તારી જિંદગી? તેનાથી તારો છુટકારો થાય છે, એજ બહુ મોટી વાત છે. "

"મને તો જોઈતા જ નથી, પણ બનેવી માનતા નથી, કહે છે કે પાંચ લાખ લીધા વગર છોડવો નથી."

"તું સમજાવ બનેવીને.. પૈસા નહિ પણ છુટા થવું મહત્વનું છે, અને પછીનું, ભવિષ્ય માટે કશું વિચાર્યું છે?"

"ના...આઝાદી એન્જોય કરીશ...બસ."

"કેમ? ફરી શાદી નથી કરવી?"

"ના, ના, એક જ અનુભવ પૂરતો છે."

તે તેની રીતે સાચી હતી, પણ મને લાગ્યું કે હું છેવાડે આવી ઉભો છું. તળાવ કેટલું ગંદુ છે? કે આજે જ મને લાગતું હતું?

તે ઝૂકીને મને જ જોઈ રહી હતી, થોડીવારે મારી કમરમાં કોણી મારીને બોલી "શું થયું?"

"કશું નહિ, કેમ? ચાલ જઈએ, આજે મારી તબિયત ઠીક નથી." કહીને હું ઉભો થયો પણ તે બેસી જ રહી, ને મારો હાથ ખેંચીને મને ફરી બેસાડીને બોલી "મારો શાદીનો વિચાર બદલાય પણ ખરો... જો મારી પસંદ નો કોઈ મળે તો..."

મારામાં આશાનો સંચાર થયો, હું બોલ્યો "તારી પસંદ નો, એટલે કેવો?"

"ખુબ જ હેન્ડસમ, ગોરો અને ખુબ પૈસાવાળો...."

ફરી મારો ઉત્સાહ ઠંડો પડી ગયો, તેની એકેય પસંદગીમાં હું ખરો નહોતો. "હું પ્રાર્થના કરીશ કે તને તારી પસંદનો જલ્દી મળે...અને, અને મારુ સ્ટેટસ શું હશે?"

"આ જ.. આમ જ ફરીશું... વાતો કરીશું, અને તમને નવા નવા કામ સોંપીશ.. તમારે ઘેર પણ આવીશ, તમારા છોકરા રમાડવા...."

હું ઉભો થઇ ગયો, તે બોલી "ક્યાં જાવ છો?"

"શાદી કરવા.. તને મારા છોકરા રમાડવા છે ને? તો શાદી તો કરવી પડશે ને..."

તે ખીલખીલાટ હસી પડી, ચરબીથી લથ-પથ, બેડોળ અને સ્પોર્ટ શૂઝ પહેરીને ચાલવા નીકળેલી બે આંટીઓ તેને આશ્ચર્યથી તાકતી ગઈ... તે પણ ઉભી થઇ ને બોલી "મારી પસંદગીમાં ફેરફાર થયો છે, મેં ગણાવી તેવી એકપણ ક્વોલિટી નહિ હોય તો ચાલશે, ફક્ત એક વસ્તુ હોવી જોઈએ..."

"શું?" હું જરાય ઉત્સાહિત નહોતો.

"જૂતાની દુકાન... માર ખાવાની ય મજા આવે, વિવિધતા રહે, રોજ નવા જૂતા તો ખાવા મળે...."

મેં તેનો હાથ પકડ્યો ને તેની આંગળીઓ કચડી નાખી, તેણે હસીને ચીસ પાડી, ફરી બધાનું ધ્યાન અમારી તરફ ખેંચાયું, પણ હવે મને કોઈની પડી નહોતી. "જલ્દી છૂટાછેડાનું પતાવ, મને ઘણી ઉતાવળ છે."

"કેમ? તમને કેમ ઉતાવળ છે?"

"તો શું મારે બીજાની બાયડીને લઈને ફરે છે, એવા ટોણા જ સાંભળ્યા કરવા? "

અમે દોડતા, હા દોડતા જ કાર સુધી આવ્યા. બધી જ લાઈટો ચાલુ થઇ, ફુવારાઓ ચાલુ થયા, વાતાવરણ રંગીન બની ગયું. યોગેશની કાર લાવવાનો આજે મને સાચો ફાયદો થયો. તેના સહેજ જાડા હોંઠ કિસ કરવા માટે, ચૂસવા માટે, પફેક્ટ હતા, તેના ગાલ પણ મને ખરેખર ચાવી ખાવા હતા. સાલો બાયલો... આવા ગાલ પર તે કઈ રીતે તમાચા મારી શકતો હશે?? મારો મૂડ બગડી ગયો. "શું થયું?"

મેં તેના ગાલ પાર હાથ ફેરવતા બોલ્યો "કશું નહિ."

"હજુ એવી ઘણી વાતો છે કે જે જાણ્યા પછી તમારો વિચાર બદલાઈ જશે."

"જોયું જશે..."

"તમારા ઘરવાળા??"

"મારા ઘરવાળા એટલે ફક્ત મમ્મી અને બહેન, ને તે બંનેની પરમિશન લઇ લીધી છે."

"પરમિશન આપી દીધી?? મારી સાથે ની??

"હા, કેમ કશી ભૂલ છે તારામાં? જોકે મેં પહેલેથી જ ખુલાસો કરી દીધો છે કે તારા બે દાંત વચ્ચે જગ્યા છે, પછીથી મગજમારી ના જોઈએ.. તો કહ્યું કે ચાલશે. ને હમણાં મેં બાકીનું બધું પણ જોયું, બરાબર જ લાગે છે...."

"ના પાડતા તો?"

"તો બીજી કાન્તા શોધતો...તારું નામ બદલી નાંખને.. મને તો બોલતા પણ ફાવતું નથી, કંકોત્રી પર છપાયેલું પણ કેટલું ખરાબ લાગશે, નચિકેતા વેડ્સ કાન્તા ... નામ સાંભળતા જ પચાસ-પંચાવનની ડોશી નજર સામે આવે..."

"તમારું નામ સાંભળીને પણ ખબર ના પડે કે છોકરો છે કે છોકરી...."

અમે ખુશ હતા, અમારો રોમાન્સ પૂરબહારમાં ચાલતો હતો. જોકે કાયદેસર તે બીજાની પત્ની હતી... પણ સબંધો શું કાયદાથી બને છે? કે કાયદાથી ટકાવી શકાય છે? સબંધ લાગણીઓ અને દિલથી બને છે, અને તૂટે પણ છે. તેનો સબંધ પણ પહેલો તમાચો ખાતા જ તૂટી ચુક્યો હતો..... સમાજની દ્રષ્ટિએ અમે અપરાધી હતા, અમારો સબંધ અનૈતિક હતો...

પણ હવે તે બનેવીની વાત માનશે નહિ અને પૈસા લીધા વગર છૂટાછેડા લઇ લેશે, એવી મને ખાતરી આપી હતી. અમે પ્યાર કરવાનો મોકો મેળવી, શોધી જ લેતા હતા. ઘણીવાર હું તેને મારે ઘેર લઇ જતો, ને મારા રૂમમાં તે મને સ્વર્ગની સફરે લઇ જતી. ઘણીવાર હું તેની ક્લાસમાં જતો, તો યોગેશ અમને તેની ઓફિસમાં એકલા છોડીને કામનો બહાનું કાઢીને જતો રહેતો, અને હા, તેની કાર પણ તો હતી....તે ક્લાસ પછી મારી દુકાને પણ કલાકેક રોકાઈને પછી ઘેર જતી, અથવા હું તેને મૂકી આવતો. તે દુકાનના કામમાં મદદ પણ કરતી અને મમ્મી સાથે વાતો પણ ખુબ કરતી . હવે તે મારા બધા દોસ્તો સાથે પણ ભળી ગઈ હતી.

બપોર પછી મેં કાન્તાને ફોન કર્યો "કાન્તા, તું સાંજે દુકાને આવવાની છે?"

"ના, આજે ઘેર કામ છે એટલે સીધી જઈશ, કેમ?"

"મમ્મી તારે માટે ઘેરથી કશું લાવી છે તે ખાતી જજે અને તારા બનેવી દુકાને આવ્યા હતા, તે વાત પણ કરવાની હતી."

"મારા બનેવી? તમારી દુકાને? હું છૂટીને દુકાને આવું છું." કહીને ફોન મૂકી દીધો.

સાંજે તે દુકાને આવી, માંને દુકાન સોંપીને હું અને કાન્તા મારે ઘેર આવ્યા. તે ખૂબ જ ઉત્સુક હતી, "બોલો, બોલો જલ્દી બોલો તે કેમ આવ્યા હતા? ને શું કહેતા હતા?"

"મારા પર ખુબ ગુસ્સે હોય તેવું લાગ્યું. આપણા વિષે ખુબ બોલ્યા, તેમની વાતો, શબ્દો મને જરાય ગમ્યા નહિ."

" શું બોલ્યા? બધું જ કહો."

"સાલી અમારી ઈજ્જત કાઢવા બેઠી છે, તમને પણ શરમ આવવી જોઈએ, તે શાદીશુદા છે. હવે અલગ રહેવાની જીદ પકડી છે, કે જેથી કોઈની રોક-ટોક વગર રંગરેલિયા મનાવી શકાય.."

"બોલો, બીજું શું કહેતા હતા?"

"મને ખબર નહિ કે આટલી હલકી છે, નહિ તો ઘરમાં રાખતો જ નહિ, તેનો પતિ હવે તો મને સાચો લાગે છે... તે રોજ માર ખાવા લાયક જ છે. મેં કહ્યું કે તમે સમજો છો એવું નથી, અમે શાદી કરવાના છીએ. તો બોલ્યા કે તમારે લીધે અમને પાંચ લાખનું નુકશાન થશે, તમે લોકો તો હવે હદ વટાવી દીધી છે, આખું ગામ તમારા બંને પર થૂંકે છે, ખુલ્લેઆમ ફરો છો, તો બદચલન બાયડીને છૂટી કરવાના કોર્ટ શું પૈસા આપાવશે?"

"બોલો, બોલો...."

"મેં પૂછ્યું કે લોકો ગમે તે કહે, શું ફરક પડે છે? અને પૈસા કેમ જોઈએ છે? છૂટાછેડા જ જોઈએ છે. તો બોલ્યા કે અમને પૈસા નથી જોઈતા, મને તો તેના ભવિષ્યની ચિંતા છે, એટલે માંગી રહ્યા છે."

"તમે શું કહ્યું?"

"મેં કહ્યું કે તેના ભવિષ્યની ચિંતા તમે ના કરો, છતાંપણ તમારા સંતોષ ખાતર હું શાદી પહેલા તેના નામની પાંચ લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી દઈશ, બસ? તો અકળાયા ને કહ્યું કે હવે તે શાદી કરવા માંગતી જ નથી, તમને રમાડે છે, અને અમને પણ તેની બીજી શાદીમાં રસ નથી, અમારે તમારી સાથે શાદી જ નથી કરાવવી... તેનો ભાઈ પણ આવ્યો હતો, તેતો ઈજ્જત બચાવવા ફરી તેના પતિ સાથે સમાધાન કરવાના મૂડમાં છે. તમે દૂર રહેજો, તમને ચેતવવા આવ્યો છું, નહીતો પરિણામ સારું નહિ આવે... હું ખુબ ગુસ્સામાં હતો, ઘણું બોલી શકતો હતો પણ ગમ ખાઈ ગયો, ને કશું બોલ્યો નહિ."

"પહેલા તો તેમને કોઈ અધિકાર જ નથી તમને કશું કહેવાનો. જે ભાષામાં વાત કરી તે ભાષામાં જ જવાબ આપતાને... કેમ ગમ ખાઈ ગયા? કેમ બોલ્યા નહિ? "

"તારે કારણે.."

"મારે કારણે??"

"હા, તારે કારણે મારા દિલમાં તેમને માટે ખુબ ઈજ્જત છે, જે કામ તારા સગા ભાઈએ ન કર્યું તે તેમણે કર્યું છે, તને દોઢ વરસથી સાચવે છે, તને આશરો આપ્યો છે. આવી વ્યક્તિઓ હંમેશા મારા આદર્શ રહ્યા છે, તે મારા પર હાથ ઉપાડતા તો પણ હું કશું બોલતો નહિ. પણ તે તારે વિષે અમુક વાત બોલ્યા તેને કારણે મને ખોટું લાગ્યું."

કાન્તા મને તાકી રહી, તે બેડ પરથી ઉભી થઇ ને બારી પાસે જઈને ઉભી રહી, અને બહાર જોતા બોલી "મફત રાખી છે મને? હું કિંમત ચૂકવીને રહુ છું..."

-------- બાકી છે.