Apeksha in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | અપેક્ષા

Featured Books
Categories
Share

અપેક્ષા

અપેક્ષા

યશવંત ઠક્કર

જે હોટેલમાં તેઓ બધા લેખકો અને કવિઓ એકઠા થતા હતા તે હોટેલની બહાર સનતકુમાર ઊભા ઊભા બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. મનો એકપણ મિત્ર આજે હોટેલ તરફ ફરક્યો નહોતો. આવું થાય ત્યારે સનતકુમાર અકળાઈ જતા. અકળાયેલા અને ધૂંધવાયેલા સનતકુમારે ત્યાંથી જવા માટે થોડાંક પગલાં ભર્યાં હશે ત્યાં તો એક અજાણ્યા યુવાને તેમની પાસે આવીને સીધો જ સવાલ કર્યો કે, તમે જ લેખક સનતકુમાર છો કે?’

સનતકુમારને ઘણાં લોકોએ અહોભાવથી આવો સવાલ કર્યો હતો. પરંતુ આ યુવાને જે રીતે સવાલ કર્યો હતો એ રીતે આ પહેલાં કદી કોઈએ કર્યો નહોતો. આ યુવાન જાણે કે સનતકુમારની ડતી લઈ રહ્યો હતો.

જી થોડુંઘણું લખું છું.સનતકુમારે નમ્રતાથી કહ્યું.

મેં સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણાબધા સાહિત્યકારો ભેગા થાય છે.

સાચી વાત છે, પણ આજે મારા સિવાય બીજું કોઈ આવ્યું નથી. મેં એ લોકોની રાહ જોઈ, પણ મને લાગે છે કે, હવે કોઈ નહિ આવે.’

મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે. હું માનું છું કે, તમારી પાસે તમારા વાચક માટે એટલો સમય તો હશે જ.

હા હા ચોક્કસ.સનતકુમારે જવાબ તો આપ્યો, પરંતુ તેઓ સમજી ચૂક્યા હતા કે આજે રોજ કરતાં કશું જુદું જ બની રહ્યું હતું.

તેઓ હોટેલમાં જઈને એ ખૂણામાં બેઠા જે ખૂણામાં મોટા ભાગે સનતકુમાર અને તેમના મિત્રો બેસતા હતા. હોટેલ એ પ્રકારની હતી કે, એમાં ગ્રાહકો ચા-કોફી પીધાં પછી પણ લાંબો સમય સુધી બેસી શકે. સનતકુમાર અને તેમના મિત્રોએ વાતોવાતોમાં ઘણી કવિતાઓ અને વાર્તાઓનું સર્જન આ હોટેલમાં જ કર્યું હતું.

હોટેલમા કામ કરતો એક છોકરો ટેબલ પર પાણીના ગ્લાસ મૂકીને તેમ જ બે ચાનો ઓર્ડર લઈને ગયો કે તુરત જ યુવાને વાતની શરૂઆત કરી: સનતકુમાર, થોડા દિવસો પહેલાં આપણા આ શહેરમાં ‘સાહિત્ય સંગત’ નામે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ઘણા નામાંકિત સાહિત્યકારો આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુંબઈથી આવેલા સંજય નામનો એક લેખક એવું બોલ્યો કે, ગુજરાતીઓ ધંધો કરી જાણે, સાહિત્ય અને કળાના ક્ષેત્રમા એનું કામ નહિ.’

‘હા, એવું બન્યું હતું. એમના નિવેદનથી આપણે ત્યાં ઘણો ઉહાપોહ થયો છે. લેખકો અને વાચકોએ પણ એ વિષે છાપાઓમાં લખ્યું છે. મેં પણ લખ્યું છે.’

તમારું પોતાનું એ બનાવ વિષે તેમ જ એ બનાવના પ્રત્યાઘાતો વિષે શું માનવું છે?

એ માણસે મોટી ભૂલ કરી છે.સનતકુમારે કહ્યું. એ માણસ તમામ ગુજરાતીઓને ગાળ દઈ ગયો છે. મેં મારી એક કોલમમાં તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે, ને ભવિષ્યમાં તે ગુજરાતમાં ક્યાંય બોલવા ઊભો થાય તો તેને તુરત બેસાડી દેવાની હાકલ કરી છે. એવું થશે ત્યારે જ આવા લોકો સીધા થશે.

સનતકુમાર પોતાની કોલમનું ઘણુંખરું લખાણ બોલી નાખત, પરંતુ એ યુવાન ચૂપચાપ સનતકુમારની સામે એમના ચહેરાની અંદર ઊંડે ઊંડે જોતો હોય એમ ધારદાર નજરે જોઈ રહ્યો હતો. સનતકુમાર ની નજર જીરવી ન શક્યા અને અટકી ગયા.

લેખક જે કાર્યક્રમમાં બોલ્યો તેમાં તમે હાજર હતાકે?’ યુવાને પૂછ્યું.

હા, હું હતો.સનતકુમારે કહ્યું.

તો તમે એ જ વખતે એની વાતનો વિરોધ કેમ ન કર્યો?’

હોટલના છોકરાએ આવીને ટેબલ પર ચાના કપ મૂક્યા. સનતકુમારે યુવાનના સવાલનો શું જવાબ આપવો એ વિષે વિચાર કરતા કરતા ચા પીવા લાગ્યા. યુવાન પણ ચૂપચાપ ચા પીવા લાગ્યો. સનતકુમાને થયું કે, આ વાતનો ગમે તે રીતે અંત લાવીને અને ઊભા થઈ જવાથી જ આ યુવાનથી છૂટી શકાશે.

ચા પીવાઈ ગઈ કે તુરત યુવાને કહ્યું, ‘તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો સાહેબ.

હું શું કરી શકું? જ્યાં આટલા બધા માણસોની હાજરી હોય ત્યાં શું થ શકે? ‘ સનતકુમારે કહ્યું.

કેમ? તમે જો માનતા હો કે એ માણસ ખોટું બોલી રહ્યો છે, તો બધાંની વચ્ચે ઊભા થઈને તેને અટકાવી ન શકો? એક બુદ્ધિજીવી તરીકે ને વિનંતી ન કરી શકો કે, એ ગુજરાતીઓનું અપમાન ન કરે. છતાંય, એ ન માને તો તમે ઊંચા અવાજે ને બકવાસ બંધ કરવાનું ન કહી શકો? અરે! તમારી કોલમમાં હાકલ કરો છો વી હાકલ શ્રોતાઓને ન કરી શકો કે, આ માણસને બોલતો અટકાવો, એ આપણા ગૌરવ ઉપર ઘા કરી રહ્યો છે. તમે આમાંથી કશું ન કરી શકો?‘ યુવાને એકધારા પ્રશ્નોનો મારો ચલાવ્યો.

બીજા લોકો કશું ન બોલે તો હું એકલો શું કરી શકું?

અચ્છા.યુવાને કહ્યું. તમે તમારી કોલમમાં હાકલ કરી છે કે એ માણસ ફરી ગુજરાતમાં ક્યારેય આવે ને બોલવા ઊભો થાય તો ને બેસાડી દેવો જોઈએ. ધારો કે ફરીથી ગુજરાતમાં આવે તો ને બોલતો અટકાવવા માટે તમે પહોચી જશો? જો તમે પ્રમાણિકતાથી માનતા હો કે એવું થવું જ જોઈએ તો સહુ પ્રથમ શરૂઆત તમારે ન કરવી જોઈએ?’

સનતકુમારે થોડી વાર પછી જવાબ આપ્યો. જુઓ મિત્ર, મારી ફરજ લખવાની છે. જે અજુગતું લાગે તે લોકોની નજરમાં લાવવાનો મારો ધર્મ છે. તમે કહો છો તેવા જોખમો ખેડવાનું કાર્ય મારું નથી.

કેમ નહિ?’ યુંવાને ટેબલ પર હાથ પછાડ્યો. આ સિવાય કેટલીય એવી બાબતો છે કે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો, લોકોને દોરવણી આપો છો, ચેતવણી આપો છો, સૂચનો આપો છો, વિરોધ કરવાનું કહો છો, પણ તમે પોતે નો વિરોધ કરવાનું જોખમ કેમ ખેડતા નથી? બીજા લોકો જ જોખમ ખેડે એવી આશા શા માટે રાખો છો?’

મિત્ર, લખવું એ પણ ઓછું જોખમ નથી.

હું સહમત થાઉં છું. પરંતુ તમને નથી લાગતું કે એનાથી વધારે જોખમ ખેડ્યા વગર ચાલે મ નથી. સમાજમાં બનતા બનાવો એ લેખકો માટે માત્ર મસાલો જ બની રહે? કોઈ લેખક કોલમમાં તેનો ઉલ્લેખ કરે, કોઈ લેખક હાસ્યકથા લખીને છૂટી જાય, કોઈ લેખક નવલકથા લખવાની મથામણમાં પડે, પણ પછી બધું જ ભુલાઈ જાય. તમારા જેવા લેખકો માત્ર લખી લખીને છૂટી જાય અને એવા બનાવો બનતા જ રહે.

એ તો બનવાના જ.

જો તમે માનો છો કે એવા બનાવો બનવાના જ તો પછી શા માટે એના વિષે લખ લખ કરો છો? તમારા પેટ માટે?’

મિત્ર, તમે વધારે પડતું બોલી રહ્યા છો. અમને લખવાના કેટલા પૈસા મળે છે તે જાણશો તો તમને અમારી દયા આવશે.

દયા તો આવે છે. લેખક મહાશય, એક ઘટનાને તમે કાગડા કૂતરાંની માફક ચૂંથો છો, પરંતુ એ અશુભ ઘટના બનતી અટકે તે માટે તમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તમારી નજરમાં જે જે અયોગ્ય બનાવો બને છે તેની મેં યાદી બનાવી છે. ચાલો મારી સાથે, આપણે એવા બનાવો બનતા અટકાવીએ.

તમે કેવા બનાવોની વાત કરો છો?’

ગણપતિ ઉત્સવ માટે દાદાગીરીથી પૈસા ઉઘરાવાતા હોય તો ને આપણે અટકાવવા છે, કોઈએ માઈકનો અવાજ વધારે રાખ્યો હોય તો ને અવાજ ધીમો રાખવા માટે સમજાવવો છે, કોઈ નેતા જાહેરમાં ખોટાં વચનો આપતો હોય તો ને ખુલ્લો પાડવો છે, આત્મવિલોપનના માર્ગે જતા કોઈ કિશોરને અટકાવવો છે, મોતની પોટલીઓ પીનારાઓને રોકવા છે, જ્યાં જાહેર કે ખાનગી મિલકતોની તોડફોડ થતી હોય ત્યાં જઈને તમારા પોતાના જ લેખોનું મોટેથી વાંચન કરવું છે. આ બધા તમારા પોતાના જ વિચારો છે. તમે પોતે તો તમારા વિચારો ભૂલ્યા નહિ હો.

સનતકુમાર ખોખલું હસ્યા ને બોલ્યા, ‘દોસ્ત,તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.

તમે પણ લોકો પાસેથી ઓછી અપેક્ષા નથી રાખતા. તમારી માન્યતા પ્રમાણે ન ચાલનારા લોકોને તમે કાયર, મૂર્ખા, લુચ્ચા કે અપ્રમાણિક ગણો છો. તમારી કલમ મારફતે ચાબખા વિંઝો છો, પણ ઘરમાં બેસીને લખવાથી વધારે જોખમ ઉઠાવવાની તમારી તૈયારી નથી.

તમે કહો છો તેવા કામ તો કોઈ રાજકીય વ્યક્તિ કરી શકે. અમારાથી ન થ શકે.

બધાં આવું જ કહે છે. ઓળઘોળ જાય બધું રાજકારણ પર. તમે તો વળી, તગડા રાજકારણ વિષે પણ પાનાં ભરી ભરીને લખી શકો, એવા રાજકારણને દૂર કરવા માટે સૂચનો, માર્ગદર્શન અને સલાહો આપી શકો, હાકલા ને પડકારા કરી શકો. એ સિવાય બીજું કશું ન કરી શકો.’

‘અમે અમારા સર્જન દ્વરા સમાજની બનતી સેવા કરીએ છીએ અને અમારો ધર્મ નિભાવીએ છીએ.’

‘વાહ તમારો ધર્મ! વાહ તમારી સેવા! જા બિલ્લી મોભામોભ! ખરેખર, તમે સમાજની રાતદિવસ સેવા કરો છો. આજે તમને મળીને હું ધન્ય થઈ ગયો છું.’

સનતકુમાર ચૂપ થ ગયા. તેઓ વિચારોમાં ડૂબી ગયા.

યુવાન ઊભો થયો. માફ કરજો. મેં તમારો ઘણો સમય બગાડ્યો. તમે આજની આ સાંજનો ઉપયોગ કોઈ નવી વાર્તા લખવામાં કરશો જ એવી મને ખાતરી છે. એનાથી કોઈ મોટી ધાડ મારવાનું તમારું ગજું નથી.

એટલું બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા કાઉન્ટર પર પૈસા ચૂકવતો ગયો.

સનતકુમાર જવા માટે ઊભા થયા ને ફરીથી બેસી ગયા. મણે ફરીથી એક ચાનો ઓર્ડર આપ્યો અને યુવાન સાથેની મુલાકાતનો ઉપયોગ એકાદ નવી વાર્તા બનાવવામાં કઈ રીતે કરવો તેની ગડમથલમાં ડૂબી ગયા.

[સમાપ્ત]