હાલને દેવરિયા સંગે રંગે રમીએ આજે હોળી....!
ધુળેટીને દહાડે, ચમનીયાએ સોળ છોકરા નવડાવ્યા ત્યારે માંડ એને એનું હુલ્લડ હાથ આવેલું. કોણ કોનું સફરજન છે, એ તો ઓળખાય જ નહિ. બધાની માત્ર આંખ જ દેખાય. જાણે ભોળેનાથના વરઘોડામાં નીકળ્યા હોય, એમ બધાં સ્મશાનભૂમિના સરનામાં વાળા જ લાગે.....! એમાં ચમનિયાનું હુલ્લડ એટલે ભારે વંટોળીયું....! કોઈના માથાભારે પાડોશીને ઠેકાણે પાડવો હોય તો, લોકો એને ભાડે લઇ જાય....!
ચમનિયાને એમ કે, નિશાળમાં મોકલું તો, સારા સંસ્કાર આવે. ત્યાં મોકલ્યો તો માસ્તરના સંસ્કાર બગાડીને આવ્યો. આખ્ખર શિક્ષકો એટલાં ત્રાસી ગયાં કે, ગામની નિશાળ જ બંધ કરી દેવી પડી. એમાં, જો કોઈ શિક્ષક નિશાળમાં ભણાવવા નહિ આવ્યો, તો તેને ટાંગાટોળી કરીને નિશાળ સુધી ખેંચી લાવે.....!
વિચાર કરો કે, આવાં ધંતુરાના હાથમાં હોળી/ધુળેટી ની બાગડોર આવે તો સામેવાળાની શી વલે કરે....? એક તો હોળી લોકોના ઓટલે પડેલા બાંકડાઓ હોળી સળગાવવામાં સ્વાહા થઇ જાય. અને ધુળેટીમાં તો ૨૪ કલાકની એવી પાક્કી લાગી જાય કે, ઘરમાં રેઈનકોટ ચઢાવીને જ રહેવાનું.....! આ ધંતુરાની ચીચયારી પણ ભારી ને એની પિચકારી પણ ભારી....!
ચમનીયો હજી સંશોધન કરે છે કે, મારા લગન હોળી કે ધુળેટીમાં નથી, છતાં ‘ યે ઐસા કયું હૈ....? ‘ મને કહે, “ યાર....! લોકોની તો બાર મહિને એક જ વાર હોળી આવે. પણ મારે તો આ જનમ્યો ત્યારથી બારેય દિવસની હોળી રહે છે બોલ્લો....! “ બારણામાંથી કોઈ ટાલવાળો જો તો પસાર થયો તો એની ટાલ ઉપર કુદવાના સાહસ કરે. આપણે કહીએ કે, “ બેટા....ઐસા નહિ કરનેકા.....! “ તો કહે, ‘ અમારે લપસવા માટે તો શું ઘરમાં લપસણી વસાવવાની....? ‘ તારા કપાળમાં કાંદા ફોડું....!
બોસ....! હોળી તો મથુરાની. રાજસ્થાનની અને આપણા વનવાસી વિસ્તારના વનવાસીઓની.....! મઘમઘતો ફાગણ બેઠો હોય. વસંતના વાયરાઓ મંદ મંદ વાતા હોય. બાગ બગીચામાં દરેક છોડવાઓ જાણે, રીસાયેલી નવોઢાના ચહેરા સાથે હળવે હળવે ઝૂમતી હોય, ઝાડવાઓ જાણે ‘ બ્યુટી પાર્લર ‘ મા જઈને હમણાં જ ફેસિયલ કરાવીને ઉભાં હોય, કાળી તો કાળી, પણ આમ્રડાળે કોયલ એનો કુંજારવ કરતી હોય, ને કેસૂડો તો એવો ખીલવાડ કરતો હોય, કે જાણે ભાજપના કેશરીયાએ જ, દેશની માફક ઋતુરાજની બાગડોરને પણ નહિ સંભાળી લીધી હોય....? આટલું હોય, પછી તો સુરતી જેવો મિજાજ જ જોઈએ....! એટલે જીંગાલાલા.....!
દાસબહાદુર વાઈવાલા કહે એમ, “ મારો સુરતી સહેલાણી મન મૌજ મનાવી જાણે છે. ને હૈયે હોળી હોય છતાં, એ ઉત્સવ મનાવી જાણે છે. રંગીલો છે સુરતી મારો ગરવો છે ગુજરાતી. ફાફડા જલેબી શીખંડ ખાઈને એ હોળી મનાવી જાણે છે....! “ જેવો જેનો મિજાજ તેવી તેની હોળી....!
હોળી આવે, એટલે અવિનાશભાઈ વ્યાસ પણ યાદ આવે જ....! તેઓ કેવું સરસ હોળીનું ગીત આપી ગયાં છે...? ‘ રાતો ચૂડલો, રાતી ઓઢણી, રાતી આંખલડી, ભાભી તારે તાણેવાણે રૂપની વાંસલડી. અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી, હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી હોળી.....! ‘
આજે તો ભાભી, ક્યાં દેવર ક્યાં, હોળીના રંગ ક્યાં ને ધુળેટીના ઢંગ ક્યાં....? ભાભી એટલે લોકસાહિત્યે એને બીજી માવતરની ઉપમા આપેલી. જાજરમાન ભાભીના મલાજા જાજરમાન પરિવારમાં સચવાયેલા રહેતાં. આજે ક્યાં છે, ભાભી દેવરની એ નિર્દોષ મસ્તી.....? ક્યાં છે ભાભી પરત્વેનો આદર....? જેટલો દેવર/ભાભી નો તહેવાર એટલો જ સાળી અને જીજાનો તહેવાર, એટલે ધુળેટી....! જેમાં નિર્દોષ નિજાનંદ ઠલવાતાં હોય. અને કૌટુંબિક ભાવનાની પકડ સચવાતી હોય. આજે તો એમાં પણ ફેશન આવી ગઈ. કારણ વગરનું ગ્રેડેશન આવી ગયું. એક ખોરડામાં ઉછરેલા બે સગા ભાઈઓના ખોરડા, ચૂલ્હા ને ઘર નંબર પણ અલગ થઇ ગયાં. માણસ ફ્લેટમાં જઈને મસ્તીની બાબતે સાવ ફ્લેટ થઇ ગયો. ભાભી અને દેવર હાંસિયામાં ચાલી ગયાં. સાપ ગયો અને લીસોટા રહી ગયાં માફક, મસ્તી વગર હોળી નિરાધાર બની ગઈ ....! કોરા યુવાન હૈયાની એ હવે વાસંતી બની ગઈ.
આપણને એવું જ લાગે કે, પાદરમાં સળગતી હોળી તો હવે એક વિધિ છે. બાકી પાદર છોડીને હોળી તો હવે ઘર ઘર સળગતી થઇ ગઈ. એમાં ૫૦૦/૧૦૦૦ ની નોટ તો નાબુદ શું થઇ ને ઘર ઘર હોળી શું સળગી....? ઘરમાંથી ઘરવાળીએ દબાયેલી, ચોળાયેલી, ફાટેલી, તૂટેલી એવી નોટ કાઢી કે, ઘણાને ત્યાં તો ઘરવાળા સાથે હોળી ભડકે બળી. એમાં માલેતુજારની તો એવી હોળી સળગી કે, ભજીયાવાળાના પણ ગોટા થઇ ગયાં. જેની પાસે સ્મ ખાવાની નોટ ના હતી એણે ત્યાં પણ એ કારણે હોળી સળગી કે, ‘ આપણે પરણ્યા ત્યારના કજિયા કર્યા. એના કરતાં ભજીયા બનાવ્યા હોત તો , આજે ભાજીયાવાળાની જેમ આપણી પણ છાપામાં વાહવાહી બોલી હોત.....! બોલો, આવાને ફાગણની હોળી ફિક્કી લાગે કે, મસાલેદાર.....? એના કપાળમાં કાંદા ફોડું.....!
હોળી એટલે અંધશ્રદ્ધા ઉપર શ્રધ્ધાનો વિજય. પાપોને પવિત્ર હોળીની જ્વાળામાં બાળવાનો અવસર એટલે હોળી. આખું વર્ષ ભલે, કોંધાકબાલા કરીને હોળી ખેલ્યા હોય, પણ એ ક્બાલાના પાપોમાંથી મુક્ત થવાનો મહિમા એટલે ફાગણની હોળી. આખું વર્ષ ભલે ને ઢગલાબંધ લોકોને નવડાવ્યા હોય, પણ હોળી પછીના દિવસે, ધુળેટીમાં રંગી નાંખીને, માફ કરવાનો કોઈ શિષ્ટાચાર હોય તો એ ધુળેટી....! આ ધુળેટી પાછી એકલી નથી આવતી. અસ્સલના સમયમાં પરણ્યા પછી પરણેતર ગાંઠે બંધાય ણે એકલી સાસરે નહિ આવતી. સાથે કુરેલીને લાવતી. એમ ફાગણની હોળી પણ એકલી નથી આવતી. સાથે ધુળેટીને પણ લેતી લાવે. ને પછી જે મઝા ધુળેટીમાં આવે એ પાછી હોળીમાં પણ નહિ આવે.
અસ્સલની જ વાત નીકળી છે, અસ્સલ લોકોના નામ કેવી રીતે પાડતાં એમાં પણ ડોકિયું કરવા જેવું છે. એ વખતે રેડીમેઈડ નામાવલી તો હોય જ નહિ. ને ગુગલના બ્યુગલ તો ત્યારે વાગતાં જ નહિ હોય. ઘરના કોઈ વડીલ કે જનમનારની ફોઈ જ એનું ગુગલ....! પછી એ જે નામ પાડે તે. એ જીવે ત્યાં સુધી સાથે ને સાથે....! મને ઘણીવાર વિચાર આવે કે, આ સોમલો, મંગળીયો, બુધિયો, રવલો નામ કઈ રીતે ચલણમાં આવ્યા હશે....? ચમનીયો કહે, ‘ સાવ સહેલું છે યાર...? જે સોમવારે જન્મ્યો તે સોમલો, મંગળવારે જન્મ્યો તે મંગળીયો, બુધવારે જન્મ્યો તે બુધિયો ને રવિવારે જન્મ્યો તો રવલો.....! ધત્ત્ત તેરીકી....! ને એમાં જો કોઈ તહેવાર પકડીને જન્મ્યું તો, તે તહેવારને ઝપટમાં લઇ લે.. જેમ કે, શીતળા સાતમે જન્મી તો ‘ શીતળી ‘ , ધનતેરસે આવી તો, ‘ ધનલક્ષ્મી ‘ / કાળી ચૌદશે આવી તો ‘ કારી ‘ ને જો હોળીના દિવસે પ્રગટી તો ‘ હુતાશીની.....! ‘ મેં કહ્યું, “ તારું નામ ચમનીયો, તો તારો જનમ ઘરે થયેલો કે ચમનમાં.....? “ તારી ભલી થાય તારી ચમનિયા......!
જો કે નામ પાડવાની સારામાં સારી સિસ્ટમ હોય તો આ જ કહેવાય. કમ સે કમ માણસને જનમનો વાર તો યાદ રહે......? બાકી, આજે જો કોઈ છોકરાને એમ પૂછીએ કે, ગાંધીજીનો જનમ કઈ સાલમાં થયેલો....? તો એ તરત એમ કહેશે, સાલમાં નહિ, ગોદડીમાં થયેલો.....!
આજકાલ નામ જ એવાં કે, નામ બોલવા માટે પણ માણસ ભાડે કરવો પડે.....! અને અર્થ સમઝવો હોય તો સાથે ગાઈડ પણ વસાવવી પડે. એમાં મીકું, ચકુ, બકુ, રીંકુ, લકી....જેવાં નામ સાંભળું, ત્યારે તો એમ જ થાય કે, આ નામથી બોલાવીએ ને કુતરા તો પાછળ નહિ પડે ને....? કારણ કુતરાના નામ પણ આવાં જ હોય....!
હોળી હવે યુવાનોનો આનંદ અને ધુળેટી એટલે યુવાન હૈયાની મસ્તી બની ગઈ. હવે આપણા જેવાં સીનીયર સીટીઝન માટે તો, હોળી પણ સરખી ને દિવાળી પણ સરખી. ...! યુવાનીમાં તો પેટે પાટા બાંધીને હોળી ઉજવેલી. ને હવે પગે પાટા બાંધેલા હોય.....! એમાં હોળી વિષે જો લખવાનું આવે, ત્યારે તો એમ જ લાગે કે, આ ડોહાને ફૂટબોલ રમવાના કહેણ કોણે મોકલ્યા....? પાણીમાં બેઠેલી ભેંસ જેમ વાગોળ્યા કરે, એમ આપણે તો જૂની વાતોને વાગોળ્યા જ કરવાની. બાકી કોને એવી દયા આવવાની કે, ચાલો સીનીયર સીટીઝન માટે પણ એક અલગ હોળી રાખીએ.....!
*****